Acid Attack - 3 books and stories free download online pdf in Gujarati

Acid Attack (Chapter_3)

એસિડ અટેક

[~3~]

એ નવરાત્રીનો દિવસ હતો અને રાતના અગિયાર વાગી ચૂક્યા હતા. મેદાનમાં ટોળે-ટોળામાં લોકો ગરબાની રમઝટ જગાવી રહ્યા હતા. એક કિનારાપર દુનિયા જાણે મનન માટે પણ છેડે લટક મટક કરતી પેલી બે આંખોના પેટાળમાં થંભી જતી હતી. એણે ક્યારનું આજે બધું વિચારીને આખો પ્લાન બનાવી દીધો હતો. આજે એણે કોઈ પણ હાલમાં અનીતાને પોતાના મનની વાતો કરવી જ હતી. એની લાગણીઓનો પોટલો આજે એણે અનીતા સામે ખુલ્લો મૂકી દેવો હતો.

અનીતા તાલબદ્ધ નાચતી એના બિલકુલ સામેની લાઈનમાં ગરબે ઘૂમી રહી હતી, એના ચહેરા પર ફરી એજ મોતીના ફોરા છવાયેલા હતા. મોતીના માણેકની જેમ એ ચળકાટ પ્રગટાવતી હતી એની કમર, હાથ અને એના પગની પાની થી લઈને માથા સુધીનું શરીર સુરબદ્ધ તાલના લહેકે લહેરાઈ રહ્યું હતું. એનું કામણગારું માસંલ શરીર અને મારકણી અદા એને બીજા કરતા અલગ દર્શાવી રહી હતી.

થોડીક થોડીક અંતરાશે અનીતાની નજર સીધી જે દિશામાં મનન ઊભો હતો એ દિશામાં ફંટાઈ રહી હતી. એ ફેંકાતી નજરોમાં કંઈક હતું, કંઈક એવું જે મનન ના દિલમાં એક તરખાટ મચાવી જતું હતું. કદાચ એ નિશાની હતી લાગણીના રેલા બંને તરફ સમાન પણે વહેતા અને ઉછળતા હોવાની, એક કશીશ હતી, જે બંને તરફ સમાન પણે અનુભવી શકાતી હતી. એ લાગણીઓનો તંતુ બંને બાજુ સમાનપણે ખેંચાતો હતો. અનીતા ક્યારેક નજર મળતા આછું સ્મિત ફેંકતી હતી. અનીતાના સ્મિતમાં જાણે કેટલાય ગાઢ રહસ્યો હતા એના પાછળની ભાવનાત્મકતા બે વિભાજનીય પ્રકારે હોવાની આશાઓ મનન અનુભવી શકતો હતો. લગભગ ૧૨ના આસપાસ મનને હાથના ઇશારા વડે અનીતાને બહાર મળવા કહ્યું, અને એની કેટલીક મિનિટમાં અનીતા તાલબદ્ધ જુમતી ગરબાની કતાર છોડી પણ ચૂકી હતી.



“આઈ લવ યુ અનુ.” મનને થોડીક વાર પોતાની એકદમ સામે અને હાથ ભરના અંતરે ઉભેલી અનીતાના ચહેરાને એમ જ થોડીક ક્ષણ જોયા કર્યા પછી કહી દીધું. એની પાસે કદાચ વિચારેલી વાતો યાદ કરવાનો સમય પણ હવે રહ્યો ના હતો.

“પણ મેં તને...” અનીતા ઉંધા ફરી જઈને બોલી ગઈ પણ વધુ બોલવા જાણે શબ્દો શોધતી હોય એમ એ અટકી ગઈ. ગરબાના મેદાનથી સો એક મીટરની દૂર થોડાક ઘરોની આડછમા અંધારા ભાગમાં રહેલા એક ઘરમાં બંને જણા ખુલ્લા પ્રાંગણની નજીક ઊભા હતા. ચંદ્રમા આછો પ્રકાશ એના ગરદન અને કમર પર ઝળહળતા પ્રશ્વેદબિંદુમાં પડઘાતો હતો. મનન હજુય એજ ઝળહળાટમાં જાણે ક્યાંક ખોવાયેલો ઊભો હતો. સાક્ષાત ચંદ્રમા એ ઘરના આંગણાના અંધારાને દૂર કરવા આવી ચડ્યો હોય, એવો આછો ઉજાશ ત્યાં પથરાયેલો હતો.

“તું સમજીશ ક્યારે?”

“કદાચ ક્યારેય નઈ...” અનીતાએ એમ જ ઊભા ઊભા જવાબ આપ્યો. અને ફરી બોલી ઊઠી “મારે જવું છે... મનન હવે...”

“મારી વાત...?” મનન હજુય એજ જવાબ અનીતાના મુખે ફરી સાંભળવા માગતો હોય એમ બબડ્યો.

“હું બધું જાણું છું મનન, પણ એ શક્ય નથી.”

“જાણે છે પણ, સમજતી નથી.”

“હું સમજુ પણ છું, મનન”

“તેમ છતાંય...?”

“તું ક્યારે માનીશ...?”

“કદાચ ક્યારેય નઈ...”

“મને ફક્ત એક મિનિટ આપી શકે...?” મનન છેવટે એની વાત માની લીધી હોય એમ બોલ્યો અને અંધારાના ઓછાયામાં એ ઝળહળતા રૂપને થીજેલી નજરે જોઈ રહ્યો. અંધારામાં ઘેરાયેલ એ ભાગ જાણે અનીતાના અસ્તિત્વના અહેસાસથી ખીલેલા પુષ્પની જેમ મહોરી ઊઠ્યો હતો. એ મહેક, એ આનંદનો ઉમળકો મનન ના દિલમાં પ્રેમમાં વસંતની બહાર ખીલવી રહ્યો હતો.

“પછી હું જતી રહીશ... તારી પાસે એક મિનિટ છે, બોલ...” અનીતા એ છેવટે વાત સ્વીકારી લીધી હોય એમ જવાબ આપ્યો.



“શું થયું હતું અનીતા, કેમ આમ અચાનક રડવા લાગી છે...?” જીજ્ઞાએ કેન્ટીનના એ છેલ્લા ટેબલ પર બેઠા બેઠા ઘડિયાળના ફરતા કાંટા પર અને પછી મોબાઇલની સ્ક્રીન પર નજર નાખતા નાખતા પૂછ્યું. વાતાવરણમાં હજુય ગર્મીનો પ્રવાહ યથાવત હતો. હવાની ખુબજ ઓછી લહેરો બારીના એ ખુલ્લા બખોલ માંથી અંદર ફેંકાતી હતી.

“કઈ ખાસ નથી યાર, છોડ ને...”

“પણ મને કઈ કહીશ કે નઈ એમ કે...?”

“જીજ્ઞા તું બહુ જીદ્દી છે હો?”

“તારી પાસેથી જ શીખી છું, ચલ હવે મુદ્દાની વાત કર તો હું મોબાઇલ ખિસ્સામાં મુકું અને તારી સમસ્યા સોલ્વ કરવા પ્રયત્ન કરું.” એણે એક સ્મિત ફેંકતા જવાબ આપ્યો.

“બસ કઈ ખાસ નથી જીજ્ઞા, શૈલેષની વાતો યાદ કરતી હતી અને એટલે જ મારી આંખો...” એક આંસુની લહેર કિનારીએ સુધી ધસી આવી અને એને સાફ કરતા અનીતા એ કહ્યું. એના અવાજમાં વેદના હતી અને ડુંસકાનો પડઘો પડતો હતો.

“શું થયું? જરા મને વાત કર તો.” જીજ્ઞાએ ફરી પાણીનો ગ્લાસ અનીતાને હાથમાં પકડાવ્યો અને પૂછ્યું. ઘડિયાળમાં નાનો કાંટો અગિયારની દિશામાં સરકતો જઈ રહ્યો હતો.

“યુ નો જીજ્ઞા? એણે મને શું કહ્યું કે, એ મારા માટે કઈ ફિલ નથી કરતો એને બસ મારી સુંદરતા અને મારા આ શરીરમાં જ રસ છે. પણ હવે...” એ અટકી વધુ બોલવા માટે અનીતાની જીભ જાણે ન ઉપડી શકી.

“આર યુ સીરીયસ ? આઈ કાન્ટ બીલીવ ઈંટ... તું શું બોલે છે તને ખબર તો છે ને? ઓ કે લેટ મી નો, મને કહે થયું છે શું...?” જીજ્ઞાના ચહેરા પર કેટલાય સવાલોના વાદળો ઘેરાઈ ગયા હતા અને એના અવાજમાં જાણે અચાનક લાગેલો ઓચિંતો આઘાત હતો.

“એણે પેલા દિવસે...” અનીતાએ આખી વાત જીજ્ઞા સામે કહી દીધી અને પછી એ ફરી ખાલીપા ની દિશામાં નજર ફેરવી ને બેસી રહી.

“પરમ દિવસે??” જીજ્ઞાએ અચાનક પૂછ્યું. અત્યારે અનીતા કઈ કહેવાના મુડમાં લાગતી ના હતી. એના ચહેરા પર વેદના હતી અને ભાવ શૂન્ય હતા.

“તો એણે તને ધમકી આપી છે એમ...? એ નાલાયક આટલી હદે આગળ વધી રહ્યો છે. તું જાણે જ છે કે મને તો એ પહેલા દિવસથી જ પસંદ નથી, પણ તારા ફેમિલી અને ખાસ તો, તારા કારણે હું કઈ અંકલ આંટી ને પણ નથી કહી શકતી...” જીજ્ઞાએ ગુસ્સો ઠાલવતાં હોય એમ કહ્યું. જાણે હાલ એ મળી જાય તો ચારેક તમાચા એના ચહેરા પર જડી દેશે.

“મને ખરેખર હવે એનાથી ખુબ જ ડર લાગે છે. જીજ્ઞા, યુ નો એ સાવ પાગલ છે, મેં એની આંખોમાં જોયું છે.” અનીતાની આંખોમાં આંસુ હતા અને એ આંસુમાં ભય સાથે ડર વહી નીકળતો હતો. એના દિલમાં આ વિચારો આવતા જ એની ધડકનો બમણી ગતિએ ધડકવા લગતી હતી.



“કાલે રજા રાખજે કોલેજમાં.” સવિતા એ ઘરના રસોડામાંથી કામ કરતા કરતા અનીતાને કહ્યું ત્યારે ઘડિયાળમાં રાતના આઠ વાગી રહ્યા હતા. એ આખો દિવસ એની ફ્રેન્ડ પ્રજ્ઞાના લગ્નમાં કંટાળી ને આવી હતી, હાલ એ પલંગની કિનારી પર બેસી ઠંડા પાણીની બોટલ માંથી પાણીના ઘૂંટડા ભરતી હતી. ત્યાં બીજી તરફ ઘરના અંદર રસોડામાંથી રોટલી બનાવતા બનાવતા સવિતા બોલી રહ્યા હતા. “કાલે મહેમાન આવવાનાં છે, એટલે પપ્પા પણ બપોર પછી જ નોકરી જવાના છે. એટલે તું કાલે રજા જ રાખી લે જે.”

“પણ કાલે તો મારે હજુ અસાઇનમેન્ટસ સબમિટ કરાવવાના પણ બાકી છે.” અનીતાએ પાણીનો બાટલો ટેબલ પર મુકી ને પલંગમાં સહેજ પગ લંબાવ્યા. આખા દિવસનો કંટાળો એની આંખોમાં ઊંઘ બનીને મંડળાઈ રહ્યો હતો.

“મહેમાન ભલે આવે કે ન આવે, પણ આ અસાઈન્મેન્ટ! હા એના વગર તારે નઈ ચાલે એમને...?” રસોડામાંથી ફરી વાર કટાક્ષ ભર્યા શબ્દો ફેંકાયા.

“એવું નથી યાર, મમ્મી પણ તું સમજતી કેમ નથી. એ જમા કરાવવા જરૂરી છે. કાલે છેલ્લી તારીખ છે, કાલે નઈ અપાય તો ઇન્ટરનલમાં ફેઈલ થઈશ. પણ હા, તું કહીશ તો તરત જમા કરાવી વેળાસર પાછી ઘેર એમના આવતા પહેલા આવી જઈશ બસ.”

“તું દરેક વાતમાં જીદ કરે છે ને, એટલે”

“સુરેશ અંકલ અને નિશા આંટી તો નથી આવવાનાં ને?”

“કેમ તારે શું કામ છે?”

“બસ એમ જ પૂછ્યું...”

“હા સુરેશ ભાઈ આવવાનાં છે. તારા અને શૈલેશના સંબંધ માટે વાત કરવા. તારા પપ્પા અને એમના વચ્ચે બધું નક્કી જ છે બસ મુહૂર્ત વિષે માહિતી આપવા આવશે, એટલે તો તને ઘેર રહેવા કહ્યું.”

“સાચું કહું ને મમ્મી, તો મને એ શૈલેશ જરા અમથો પણ પસંદ નથી.” અનીતા એ ભારે આંખો પરથી સહેજ પાંપણ હટાવી ને જવાબ આપ્યો એના ચહેરા પરના ભાવમાં ચિંતા પ્રસરી રહી હતી.

“મારે આ વાત પર આજે કોઈ ચર્ચા નથી કરવી. આપણે ઘણી વાર પહેલા પણ ચર્ચા કરી ચૂક્યા છીએ. અને તારા જીવનની ચિંતા અમને તારા કરતા વધારે હોય.” સવિતા સતત મક્કમતા પૂર્વક નિર્ણય સંભળાવતા સુપ્રિમ કોર્ટ ના ન્યાયાધીશની જેમ હુકમો આપી રહી હતી.

“પણ મમ્મી...” અનીતા વધુ બોલી ન શકી એણે ઘણું કહેવું હતું પણ... એની આંખો સામે એના પપ્પા ઊભા હતા. એમનો ચહેરો જોયા પછી એ કઇ જ હરફ સુધ્ધાં ઉચ્ચારી પણ ન શકી અને ચુપચાપ રહી ગઈ.

“શું થયું બેટા?” વિજયે અનીતાના માથા પર પ્રેમ ભર્યો હાથ પસવારતા પૂછ્યું. “અને હા કેવો રહ્યો પ્રજ્ઞાના લગ્નનો પ્રસંગ..?”

“બસ મજા પડી ગઈ” અનીતા એ જવાબ આપ્યો. વિજયના એ પ્રેમ ભર્યા સ્પર્શની નીચે અનીતાના પ્રશ્નો, એની વ્યથા, વેદના અને શૈલેશ સાથે ઘટેલી ઘટના બધું જ જાણે ભુલાઈ ગયું અથવા દબાઈ ગયું. એ શૈલેષની વાત કરવાની એના પિતા સામે ફરી હિમ્મત ન કરી શકી. શૈલેષના પિતા અને પોતાના પપ્પા સારા મિત્રો છે એ પોતે સારી રીતે જાણતી હતી. અને પોતે પણ સુરેશ અંકલ અને એમની પત્ની નિશા સાથે ખુબ મળતી હતી. એ બંને જણા પણ એને પોતાની દીકરીની જેમ લાડ લડાવતા અને એટલા જ પ્રેમાળ હતા.

“આ તમારી દીકરી શું કે છે, જરા સાંભળો...” રસોડા માંથી ફરી વાર એક મક્કમ અવાજ ફેંકાયો અને એ અવાજ સાથે બંધાયેલા વ્યક્તિની જેમ સવિતા પણ રસોડામાંથી બહારના રૂમમાં આવી.

“શું થયું પાછું આજે...?” વિજયે શરત ઉતારીને સામેની ખૂંટી એ ટાંગતી વખતે અટકી ને જવાબ આપ્યો. શ્યામ ઘરમાં પ્રવેશી ને સીધો જ ટીવી સામે ગોઠવાયો.

“શૈલેશ પસંદ નથી એવું કહે છે, આ તમારી લાડકી.” સવિતા બોલતાં બોલતાં રસોડાના દરવાજા સુધી આવી અને ભીતના ટેકા સાથે હાથ પર હાથ ચડાવીને અનીતા તરફ અને પછી વિજય તરફ નજર ફેરવી.

“પણ પપ્પા...” અનીતા બોલવા જતી હતી.

“તારે કહેવાની જરૂર હોય એવું તને લાગે છે, બેટા. હું નથી સમજતો કે તારા મનમાં કઈ મૂંઝવણ છે જેના કારણે તું પરેશાન છે. પણ, જો મેં સુરેશ સાથે શૈલેશ ના વર્તન વિષે વાત કરી છે એણે કહ્યું છે મને કે થોડા દિવસમાં બધું ઠીકઠાક થઇ જશે.” વિજય કંઈક આકાશમાં નિહારી રહ્યો હોય એમ છત તરફ મિટ માંડીને બોલતાં અટક્યો.

“પણ પપ્પા...” અનીતા હજુય કંઈક બોલવા જાણે મથી રહી હતી પણ, એના શબ્દો જાણે અત્યારે એનો સાથ આપતા જ ન હતા.

“જો દીકરા સગાઈની તારીખ પણ નક્કી થઇ ચૂકી છે અને લગભગ લાગતા વળગતા દરેક સંબંધીને જાણ પણ થઇ ગઈ છે. કાલે આમંત્રણ પણ અપાઈ જશે અને હવે....” વિજયની આંખોમાં એક વિચિત્ર વેદના સાથેનો સળવળાટ હતો. એ સળવળાટમાં અનીતાના સવાલો જાણે હોમાઈ ગયા એના સવાલો કરવાની શક્તિ ક્ષીણ થઇ ગઈ. પણ, એમણે બોલવાનું ચાલુ રાખ્યું. “તું સમજી શકે છે ને? આગળ મારે કહેવાની જરૂર છે ખરી...?”

“હા સમજુ છું, હવે સુઈ જાઉં મને થાકના કારણે બહુ જ ઊંઘ આવે છે.” અનીતા ઉપરના રૂમના પગથિયાં ચડી ચૂકી હતી પણ એનો અવાજ હજુય ઘરની દીવાલો સાથે અથડાઈ રહ્યો હતો. એની આંખોના એ સંસારમાં ખાલીપા અને વેદનાના પડઘા પછડાઈ રહ્યા હતા. એની વેદના એના દિલમાં ડૂમો ભરાઈને એને તડપાવી રહી હતી એક તરફ ધિક્કાર હતો તો બીજી તરફ પિતાનો પ્રેમ, જેના વચ્ચે સાચું ખોટું સમજવું અનીતા માટે મુશ્કેલ બની રહ્યું હતું.



આજે ફરી એક વાર અનીતા મમ્મી અને પપ્પાને સમજાવવામાં નિષ્ફળ નીવડી હતી. એની આંખોમાં થાક અને અજંપાના મળતિયા ભાવો ઊભરાઈ રહ્યા હતા જેમાં કદાચ પ્રેમ હતો પણ સાથે જ ખાલીપો હતો, સૂનકાર હતો અને ભારોભાર અસ્વીકાર હતો. હળાહળ અસ્વીકાર... એની ઇચ્છાનો, એના સપનાઓનો, એના શબ્દોનો, લાગણી, ભાવના અને અભીલાશાઓનો, એણે વિચારેલા સંસારનો અસ્વીકાર...

મોટો અને નાનો બંને કાંટા અગિયાર અને બારની વચ્ચે ફંટાઈ રહ્યા હતા. આછી ચાંદની ઉપરના રૂમના દરવાજા અને બારી માંથી છેક અનીતા જ્યાં હતી ત્યાં એની આંખો સુધી દોડી આવતી હતી. જાણે કોઈ બીજો ચંદ્રમા ધરતીના પટ પર પથરાયો હોય એવા કુતુહલ સાથે અનીતા એ ચાંદનીના આછા કિરણોને જોઈ રહી હતી. એની આંખોમાં એ ચંદ્રનો પ્રકાશ પડઘાતો હતો, અને એ પ્રકાશના પાછળનો ઘેરાતો અંધકાર જાણે શબ્દોનાં પડઘામાં ગુંજી ઊઠતો હતો. શરીરમાં થાક હતો આંખોની પાંપણ કિલોના બાટ જેવી ભારે ભરખમ થઇ ચૂકી હતી. પણ, આંખોમાં ઊંઘનું ટીપું શુધ્ધા ન હતું. વારંવાર શૈલેશના શબ્દો એના કાને અથડાઈ રહ્યા હતા. એની આંખોના ભારે પોપચાં માંડ જાણે ઊંચકાઈ રહ્યા હતા. રાત્રે ત્રણેક વાગ્યા સુધી પડખા ફેરવ્યા કર્યા હતા અનીતા એ, પણ જાણે ઊંઘ સાથે ક્યાંય છેડા જોડાયા જ નાં હતા.



“મનન... મનન... મનન...” નીચેથી દોડી આવેલી સ્નેહલતા એ એના કાનમાંથી ઇયરફોન ખેંચી એક ટપલી મારી જાણે ગુસ્સાનો ટોપલો ઢોળી દીધો. મનન તરત હીંચકા માંથી ઊભો થઈને કંઈક અચાનક બન્યું હોય એમ જોઈ રહ્યો.

“શું થયું મમ્મી...?” મનન ઓચિંતા બનાવ ના કારણે આઘાત અને ચિંતા ભરેલી નજરે જોઈ રહ્યો.

“કોઈક બોલાવે તો તારા કાનમાં ખીલા ખોસ્યા હોય એમ તને કઈ સંભળાતું નથી કે શું?” હજુય સ્નેહલતા બળાપો ઠાલવવામાં કોઈ કચાશ છોડવા માગતી ના હોય એમ બોલ્યે જ જતી હતી.

“હા પણ હવે, શું થયું એ કહેશે મને...?” મનને ફરી વાર એજ સવાલ પૂછી લીધો.

“અરે તારો પેલો ફોન ખખડી રહ્યો છે ક્યારનો બોલાવું છું પણ તને સંભળાય તો ને? જા તો જરા જોઈ લે કોણ છે?” છેવટે મુદ્દાની વાત પર આવી સ્નેહલતા એ જવાબ આપ્યો અને ફરી સીડી તરફ ચાલી નીકળ્યા.

“હા ઠીક છે, હું જોઈ લઉ... બસ ખુશ, અને આમ પણ કઈ ખાસ કામ ની જ હોય.” મનન આટલું કહીને મમ્મી સાથે નીચે ઉતરવા સીડી તરફ ચાલી નીકળ્યો.



“કોઈ નવીનતા હોય તો મને જાણ કરજે.” હીંચકામાં ઝુલતા ઝુલતા મનને જવાબ આપ્યો અને ફોન કટ કરીને બાજુમાં મૂકી, ફરી ફોન ખિસ્સામાં ઠપકાર્યા. શરીર તંગ કરી કઈ બન્યું જ નાં હોય એમ પાછા ઈયરફોન કાનમાં ખોસી આકાશમાં રૂના ગુચ્છ જેવા દોડાદોડ કરતા વાદળો ને જોઈ રહ્યો.



“પછી હું જતી રહીશ...” એ નીતરતા મોતીડામાં ખરડાયેલી અનીતા સામે પથરાયેલા કાળાડીબાંગ અંધારા ભણી નજર કરતા બોલી. કદાચ એ નજર સુના રસ્તા પર ત્યારે કોઈક આવી ના જાય એની ચોકસાઈ કરી રહી હતી.

“પણ...”

“તે એક મિનિટ માટે જ કહ્યું ને? તો પણ શેના માટે?” અનીતા એ જવાબ આપ્યો ત્યારે પણ હજુ એની ગરદન અને કમરના એ લીશા કુમાશ ભર્યા ભાગ પર મોતીના બિંદુ સરકી ને નીચે લપસી રહ્યા હતા.

“થોડીક વાર લગભગ ત્રણેક સેકંડ એમ જ વીતી અને અનીતાના જીવનમાં અંત સુધી એજ પળ બંને ના દિલમાં ઘુમરાતી રહેવાની હતી.

“મેં તને પહેલા જ કહ્યું હતું ને મનન, કે તું જે વિચારે છે એવું...” અનીતા કંઈક કહે એ પહેલા મનને એને અટકાવી.

“મારી વાત તો સાંભળ...” કમરની ફરતે વીંટળાયેલા હાથે મનને અનીતા ને પોતાની તરફ ખેંચી લીધી. એના શરીરના ઉભારો એની છાતી સાથે ભીંસાતા એ અનુભવી રહ્યો હતો. એ સુગંધ અને અહેસાસ જાણે મદિરાના જેમ સીધો જ મનન ના રોમે રોમમાં ફેલાઈ ગયો. અનીતાની આખો મીંચાઈ ગઈ એની કમર પર વીંટળાયેલો હાથ એના રોમે રોમમાં તડતડાટ જગાવતો હતો. વિચિત્ર અને આહલાદક આનંદ જાણે અત્યારે એનામાં સમાઇ ગયો હતો. એના હોઠ ફરી અનીતાની ગરદન અને એના વક્ષ તળેટીની મધ્યમાં બીડાયા. અનીતાથી એક આહ નંખાઈ ગઈ, પીઠના ભાગમાં ફરતો મનન નો બીજો હાથ કમર પર વીંટળાયેલા હાથ સાથે વધુ ભીસાયો. માત્ર ચાર સેકન્ડના સમયમાં જાણે વાત વણસી ગઈ કે હોશમાં હોશ આવ્યો હોય એમ અનીતા એ મનન ને આછેટી દીધો.

“અનુ મારી વાત સંભાળ...” મનને એનાથી દૂર સરકતી અનીતાનો હાથ પકડી લીધો.

“મારો હાથ છોડ, તે મને અહીં બોલાવી જ શા માટે હતી...” અનીતા એ ઝટકા સાથે મનન નો હાથ છોડાવતા એ ગર્જી ઊઠી અને ચાલી નીકળી ત્યાંથી.

