Prem ane Shikshan books and stories free download online pdf in Gujarati

પ્રેમ અને શિક્ષણ

ઓશો રીરીઝ

શિક્ષણમાં ક્રાંતિ

૧. શિક્ષણ અને પ્રેમ

હિરેન કવાડ

પ્રસ્તાવના

શિક્ષણ આજનો એક મૂળ મુદ્દો છે. બાળક પાંચ વર્ષનું થાય એટલે એને બાળમંદિર કે શાળામાં મુકી દેવુ જરૂરી છે? અત્યારે જે રીતે શિક્ષણ અપાય છે, એ જ શિક્ષણ પદ્ધતી જરૂરી છે? ખરેખર શિક્ષણ શું છે? અત્યારની શિક્ષણ પદ્ધતી કઇ રીતે બાળ માનસમાં વિકૃતીઓ રોપી રહી છે? આ બધા મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચિંતન એટલે ઓશોની શિક્ષણમાં ક્રાંતિ સીરીઝ.

એક બહુ જ જુનુ વાક્ય છે, બાળક એ આવતી કાલનું ભવિષ્ય છે. જો યુવા પેઢીને યોગ્ય શિક્ષણ ન મળ્યુ તો આવતી પેઢી ગુસ્સે ભરાવાની જ છે. એ અત્યારે દેખાઈ રહ્યુ છે. એક તરફ ઢગલાબંધ એન્જીનીયરો અને ડોક્ટરો પેદા થઇ રહ્યા, અને એના પછી પણ એ લોકો એન્જીનીયર કે ડોક્ટરોનું કામ તો નથી જ કરતા. જે કરે છે એ લોકોને સંતોષ નથી. તો શિક્ષણ પદ્ધતીમાં એવી તો કેવી ભુલો છે જે માણસની ઉત્ક્રાંતિમાં ભળી ગઇ છે? આવો એના પર હું અને તમે વિચાર કરીએ. પ્રસ્તુત કરી રહ્યો છે ઓશોના શિક્ષણ પરના વિચારો ઉપરના ચિંતનની સીરીઝ શિક્ષણમાં ક્રાંતિ. આશા રાખુ છું તમને ગમશે. તમે પણ તમારા વિચારો જણાવજો.

૧. શિક્ષણ અને પ્રેમ

‘દરેક ધર્મ એક પ્રયત્ન કરતો હોય છે પોતાની ધારણાઓને બાળકોના મનમાં પ્રવેશ કરાવી દે. ભલે એ સત્ય હોય કે અસત્ય હોય. અને એ ઉમરમાં ધારણાઓનો પ્રવેશ કરાવવામાં આવે કે જ્યારે બાળકમાં વિચારવાની એટલી બધી ક્ષમતા જ ન હોય. આનાથી ઘાતક અપરાધ મનુષ્ય જાતીમાં બીજો કોઇ નથી.’ - ઓશો

શિક્ષણમાં ક્રાંતિ સીરીઝમાં હું શિક્ષણ કેવુ હોવુ જોઇએ એ વાત પર ઓશોનો સંદર્ભ લઇને શિક્ષણ ઉપર ચર્ચા કરવાનો છું. ઓશોની સાથે એમાં હું અમુક જગ્યાએ મારા વિચારો પણ રજુ કરીશ. પરંતુ મોસ્ટલી ઓશોનું તત્વ ચિંતન આ સીરીઝમાં વધારે હશે.

શિક્ષણ – અંગ્રેજો ગયા પછી ભારતમાં જે શાળા વ્યવસ્થા આવી. એનુ ઉત્પતી સ્થાન ક્યાંથી થયુ એની વાત કરવી છે. કારણ કે અત્યારે જે રીતે શિક્ષણ અપાઇ રહ્યુ છે એનાથી શિક્ષીત યુવાન નથી બની રહ્યો, રોબોટીક માણસ બની રહ્યો છે, મજુર બની રહ્યો છે. અત્યારે જે શિક્ષણ વ્યવસ્થા છે એ અંદાજે ત્રણસો વર્ષ જુની છે. વિક્ટોરીઅન સામ્રાજ્ય વખતમાં કોઇ કમ્પ્યુટર નહોતા, સંદેશા વ્યવહાર માટે ટેલીફોન નહોતા. સંદેશા વ્યવહારનો એક જ રસ્તો હતો કે કાગળ પર લખવામાં આવે અને એને વહાણ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવે. પરંતુ ભલે ત્યારે કમ્યુટર નહોતા. પરંતુ વિક્ટોરીઅન એરાના લોકોએ એક બહુ જ મોટુ કમ્યુટર બનાવ્યુ. માણસોનું કમ્પ્યુટર, જેને આપડે કહીએ છીએ બ્યુરીઓકસી(નૌકરશાહી) એડમીનીસ્ટ્રેટીવ સીસ્ટમ, જે ઘણા બધા માણસોની બનેલી હતી અને એના દ્વારા વિશ્વના વ્યવહારો થતા. હવે આ વ્યવસ્થા ચલાવવા માટે માણસોની જરૂર પડવાની જ હતી. એટલે એક બીજી નવી સીસ્ટમ બનાવવામાં આવી. જેને આપણે કહીએ છીએ સ્કુલ અથવા શાળા.

સ્કુલ એવા લોકોને બનાવશે જે પછીથી બ્યુરોકસી એડમીનીસ્ટ્રેટીવ સીસ્ટમ નો ભાગ બનશે.. એમાંથી બહાર નીકળતા લોકો એકબીજા જેવા હોવા જોઇએ, એ લોકો ત્રણ વસ્તુ જાણતા જ હોવા જોઇએ. પહેલા તો એના અક્ષરો સારા હોવા જોઇએ કારણ કે ત્યારે સંદેશા વ્યવહાર હસ્તલીખીત હતો. એ લોકો વાંચી શકતા હોવા જોઇએ અને એ લોકો સામાન્ય ગાણીતિક કાર્યો મનમાં જ કરી શકે. એ લોકો એટલા સમાન હોવા જોઇએ કે એક વ્યક્તિને બીજી જગ્યાએ મોકલી આપો તો એ તરત જ કામ કરી શકે. વિક્ટોરીઅન લોકોએ એવી મજબુત સીસ્ટમ બનાવી કે એ હજુ આપણી સાથે છે. સતત એવા લોકોને પેદા કરતી એવી સીસ્ટમ જેની હવે જરૂર છે જ નહિં. એમ્પાયર ચાલ્યુ ગયુ, પરંતુ હજુ એ સીસ્ટમ એમ ને એમ જ છે. એ સીસ્ટમ ત્યારે કાર્યરત હતી પરંતુ હવે એની કોઇ જરૂર નથી.

રોજગારથી માંડીને વિકાસની કેટલીય સમસ્યાઓ આ શિક્ષણ પ્રણાલીના લીધે જ છે. આ થઇ ભૌતિક જગતની શિક્ષણ પરની વાતો. આ વાતનો મોટાભાગનો અંશ મેં સુગત મિત્રા કરીને એમ મોટા શિક્ષણ શાસ્ત્રીની ટેડ ટોકમાંથી લીધેલ છે જે અત્યારે નવી શિક્ષણ પદ્ધતિઓના વિકાસ પર કાર્ય કરે છે. પરંતુ ભારતમાં શિક્ષણ જે પ્રમાણે ઘુસ્યુ અને સડ્યુ એના પર ઓશોએ અદભૂત વાતો કરી છે. એ ખુબ મૂળમાં જઇને વાત કરે છે.

‘એક અબોધ અને અજાણ બાળકના મનમાં ઠસાવી દેવુ કે ગીતામાં જે છે એ જ સત્ય છે કે કુરાનમાં જે છે તે જ સત્ય છે, ભગવાન છે તો ક્રિષ્ન જ છે કે મોહમદ છે કે મહાવીર છે. આનાથી મોટો કોઇ અપરાધ નથી. શિક્ષકને પણ ધર્મ અને રાજનીતી દ્વારા આ જ સત્ય છે એ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. મારા મતે કોઇ પણ માણસને શિક્ષક ત્યારે જ કહી શકાય કે જ્યારે એનામાં વિદ્રોહની આગ હોય. જે શિક્ષકમાં આ અગ્નિ નહિં હોય એ માત્ર કોઇ ને કોઇ સમાજ, ધર્મ કે રાજનીતી ના નિહિત સ્વાર્થ માટે એજન્ટ હશે. એનાંમાં ચિંતન અને વિચારની અગ્નિ હોવી જોઇએ. અત્યારે તો પુસ્તકીયુ જ્ઞાન આવી ગયુ છે. જે સમજાવવામાં પણ નથી આવતું. માત્ર વાંચવામાં જ આવે છે.’

‘શિક્ષક હોવુ બહુ જ મોટી વાત છે. શિક્ષક હોવુ એટલે શું? શિક્ષક બાળકને શીખવાડતો હશે કે પ્રેમ કરો. પરંતુ તમે ક્યારેય વિચાર કર્યો તમારી શિક્ષણ વ્યવસ્થા પ્રેમ પર નહિં પ્રતિયોગીતા પર આધારીત છે? જ્યાં પ્રતિયોગીતા(કોમ્પીટીશન) હોય ત્યાં પ્રેમ કઇ રીતે હોઇ શકે. પ્રતિયોગીતા એ ઇર્ષ્યાનું રૂપ છે. પ્રૂરી વ્યવસ્થા જ ઇર્ષ્યા શીખવાડે છે. જો એક બાળક પ્રથમ આવે તો બીજાને કહેવામાં આવે છે કે જો તુ પાછળ રહી ગયો અને એ પહેલો આવી ગયો. તમે શું શીખવાડો છો? કે ઇર્ષ્યા કરો? પ્રતિસ્પર્ધા કરો? આને પાછળ રાખ અને તુ આગળ આવ? તમે અહંકાર શીખવાડો છો. પરંતુ પુસ્તકોમાં તમે શીખવાડો છે કે વિનીત બનો, ઇર્ષ્યા ન કરો, પ્રેમ કરો. અને પૂરી શિક્ષણ વ્યવસ્થા શીખવાડે છે કે ઘૃણા કરો, આગળ નીકળી જાઓ, બીજાને પાછળ છોડી દો. હવે એજ બાળક જ્યારે પ્રથમ આવે ત્યારે એનું સન્માન કરવામાં આવે છે, એને ગોલ્ડ મેડલ આપવામાં આવે છે, એના ગળામાં માળા પહેરાવવામાં આવે છે અને જે છેલ્લે રહેલ બાળક છે એને અપમાનીત કરવામાં આવે છે. તો શું તમે એ પાછળ રહેલા બાળકના અહંકારને ઠેસ નથી આપી રહ્યા અને પ્રથમ આવેલા બાળકના અહંકારને પોષિત નથી કરી રહ્યા? અને જ્યારે આ બાળકોને આ રીતે ઇર્ષ્યામાં, પ્રતિસ્પર્ધામાં, અહંકારમાં મોટા કરવામાં આવે છે ત્યારે એ કઇ રીતે પ્રેમ કરી શકે? પ્રેમનો હંમેશા એ મતલબ થાય છે કે જેને આપણે પ્રેમ કરીએ એને આગળ જવા દઇએ. પ્રેમનો હંમેશા મતલબ છે પાછળ ઉભુ રહી જવુ. આપણુ શિક્ષણ પ્રેમ નહિં પ્રતિયોગીતા શીખવાડે છે. જ્યારે દરેક બાળક એક બાળકને પાછળ રાખવાની દોડમાં હોય, એનામાં પ્રતિયોગીતા અને મહાત્વાકાંક્ષા સિવાય કંઇ શીખવાડવામાં ન આવ્યુ હોય ત્યારે વીસ વર્ષના શિક્ષણ પછી જીવનમાં શું કરશે? કોઇક ને ખેંચશે અને એની આગળ જવાનો જ પ્રયત્ન કરશે. આ હિંસા આપડે શીખવાડી રહ્યા છીએ. અને આપણે એને કહીએ છીએ આ શિક્ષા છે. આ જ શિક્ષાના આધાર પર યુદ્ધો થતા હોય, લડાઇઓ થતી હોય તો આશ્ચર્ય કરવાની કોઇ જ જરૂર નથી. ઝુંપડીઓની બાજુમાં જ મોટા મોટા બંગલાઓ હોય, ઝુંપડીઓમાં લોકો મરી રહ્યા હોવા છતા બંગલામાં રહેતા લોકો ખુશ રહેતા હોય તો આશ્ચર્ય શેનું? આ બધા જ માટે શિક્ષક જવાબદાર છે. શિક્ષકની નાસમજણ આના માટે જવાબદાર છે. એ બાળકોના શોષણનું હથિયાર બન્યો છે. એ રાજનીતિજ્ઞો અને ધર્મના હજાર પ્રકારના સ્વાર્થોનું હથિયાર બન્યો છે. એ નામ પર કે એ શિક્ષા આપી રહ્યો છે.’

‘જે બધી જ ભીડને હટાવીને આગળ જઇ રહ્યો છે, આ કોણ છે? આ હિંસક વ્યક્તિ છે. અને આપણે શીખવતા જઇએ છીએ ફેક્ટરીઓ વધતી જ જાય છે જેને આપણે સ્કુલ કે વિદ્યાલય કહીએ છીએ. આ એક દમ ખોટુ છે. આ બધી ફેક્ટરીઓ છે જેની અંદર બીમાર આદમી તૈયાર કરવામાં આવી રહ્યો છે. ‘

‘શિક્ષક મૂળભૂત રીતે આ દૂનિયાનો સૌથી વિદ્રોહી વ્યક્તિ હોવો જોઇએ. જ્યાં સુધી એ જ જુના કચરાને વાગોળવાનું બંધ નહિં કરે ત્યાં સુધી કચરો જ જન્મશે. શિક્ષકમાં ક્રાંતિ છે જ નહિ, એટલે એ સૌથી ખતરનાક છે. જ્યારે તમે કોઇ બાળકને કહો છો કે તુ ગધેડો છે પેલાને જો કેટલો હોશિયાર છે ત્યારે શિક્ષકે વિચાર કરવાનો છે કે આ કેટલુ સાચુ છે કે યોગ્ય છે. શું દૂનિયામાં બે વ્યક્તિ એકસરખા હોઇ શકે? દરેક વ્યક્તિ જેવો છે એ પોતાના જેવો છે. એક નાનો પથ્થર છે એ નાનો પથ્થર છે બીજો મોટો પથ્થર છે એ મોટો પથથર છે. સરખામણી યોગ્ય છે જ નહિં. પ્રકૃતિ ઘાસના ફુલથી નારાજ નથી કે ગુલાબના ફૂલ પર પ્રસન્ન નથી. એ બન્નેને સરખો જ પ્રાણ આપે છે. હજારો વર્ષોથી હિંદુઓ રામ બનવા માંગે છે, ક્રિશ્ચીયન જીસસ બનવા માંગે છે. શા માટે કોઇ રામ, જીસસ કે મહાવીર પેદા નથી થતા. અહિં દરેક વ્યક્તિ અદ્વિતીય છે અને જ્યાં સુધી આપણે વ્યક્તિની અદ્વિતીયતાનું સન્માન નહિં કરીએ ત્યાં સુધી પ્રતિયોગીતા રહેશે, નફરત રહેશે, હિંસા રહેશે.’

‘કોઇ ઉંચો નથી કે કોઇ નીંચો નથી. બધા જ સરખા છે. આપણે આ શીખવવાનું છે. વિદ્રોહનો મારો મતલબ આવી વાતો પર વિચાર. એ દરેક વાતને જોવાનો કે હું બાળકોને શું શીખવુ છું. હું જેર તો નથી પીવરાવી રહ્યો. ખુબ પ્રેમથી પણ જેર પીવરાવી શકાય છે.’

‘ધાર્મિક ક્રાંતિઓ ખુબ થઇ, હિંદુઓ ઇસાઈ બની ગયા, ઇસાઈ મુસલમાન બની ગયા પરંતુ કોઇ સુધાર ન આવ્યો. માણસ એવો ને એવો જ રહ્યો છે. રાજનીતીય ક્રાંતિઓ આવી, એક સતાધારી ચાલ્યો ગયો અને બીજો આવ્યો. કોઇ ગોરી ચામડી વાળો ચાલ્યો ગયો અને કાળી ચામડી વાળૉ આવી ગયો. પરંતુ સતાધારી એનો એ જ છે. આર્થિક ક્રાંતિઓ પણ થઇ છે. પૂંજીવાદ ચાલ્યો ગયો તો મેનેજર આવી ગયા. એ એટલા જ દૂસ્ટ, એટલા જ ખતરનાક. અત્યાર સુધી એક પ્રયોગ નથી થયો એ છે શિક્ષણમાં ક્રાંતિ. એ પ્રયોગ શિક્ષકની ઉપર છે જે એ કરે. ’

‘શિક્ષકોના સંમેલનો થાય તો એ વિચાર કરે છે કે વિદ્યાર્થી ખુબ અનુશાસન હિન થઇ ગયા છે. એને અનુશાસન કે ડિસીપ્લીનમાં કેમ લાવવામાં આવે? મહેરબાની કરીને એમને પુરા અનુશાસન હિન થઇ જવા દો. કારણ કે ૧૦૦૦ વર્ષમાં આ ડિસીપ્લીનનું પરિણામ શું આવ્યુ છે? અને ડિસીપ્લીન શીખવવાનો અર્થ શો છે? અમે જે કહીએ એજ ઠીક સમજવાનુ? અમે ઉપર બેસીએ તમે નીચે બેસો? અમે જ્યારે નીકળીએ ત્યારે બે હાથ જોડીને પ્રણામ કરો? અમે જ્યાં કહીએ ત્યાં જાવ, બેસો કહીએ તો બેસો અને ઉભા થાવ કહીએ તો ઉભા થાવ. આ શિસ્તતા? શિસ્તતાના નામ પર માણસનું મારણ થઇ રહ્યુ છે. બાળકના મનમાં કોઇ વિવેક કે વિચાર ન રહી જાય ક્યાંક. મિલિટરીમાં શું થાય છે, એને લેફ્ટ ટર્ન કહેવામાં આવે તો લેફ્ટ ટર્ન લેય છે, રાઇટ ટર્ન કહેવામાં આવે તો રાઇટ ટર્ન લેય છે. બે વર્ષ સુધી સતત રોબોટીક આદેશો આપવામાં આવે છે. માણસની બુદ્ધી ક્યાં સુધી સ્થિર રહેશે. બે વર્ષ પછી જ્યારે એ વ્યક્તિને બંદૂક પકડવાનું કહેવામાં આવે છે ત્યારે એ બંદૂક પકડે છે અને કોઇ માણસને મારવાનું કહેવામાં આવે ત્યારે એ માણસને હણી નાખે છે. અહિંયા કોઇ જ મૌલીક વિવેક કે વિચાર નથી. અહિંયા કોઇ જ બુદ્ધિ નથી. અહિંયા એક મશીન બની ગયેલો માણસ છે જે આદેશો લેય છે. આ શિસ્તતાનું પરિણામ છે.’

‘બાળકને શિસ્તતાની નહિં પ્રેમની જરૂર છે. એને પ્રેમ કરો. પ્રેમ કરશો એટલે એક સમજદારી પૂર્વકની શિસ્તતા આવવા જ લાગશે, જે એમના પર થોપાયેલી નહિં હોય. એ એના વિવેકમાંથી ઉત્પન્ન થયેલી હશે. એને એમ ના કહો કે હું જે કહુ એજ સત્ય છે. આવુ તો દંભ બોલે છે. જેટલા અજ્ઞાનમાં તમે છો એના કરતા ઓછુ એ બાળક હોઇ શકે કારણ કે એણે કોઇ જ્ઞાન પ્રાપ્ત જ નથી કર્યુ. નહિં પરંતુ તમે જ્ઞાનિ છો કારણ કે તમારી ઉંમર બાળક કરતા ત્રીસ વર્ષ વધારે છે, તમે જ્ઞાનિ છો કારણ કે તમારા હાથમાં ડંડો છે. એટલે તમે એને શિસ્ત આપવા માંગો છો. દૂનિયામાં કોઇ કોઇને શિસ્ત નથી આપી શકતો. પ્રેમ આપી શકાય. પ્રેમ તમારો હક છે. પ્રેમ આવશે એટલે શિસ્ત આવશે જ આદર આવશે જ અને એ મૌલિક હશે, કૃત્રિમ નહિં હોય. પ્રેમથી જો શિસ્ત લાવવામાં આવે તો જેટલુ બાળક ચૈતન્ય હશે એટલી શિસ્તતા વધારે આવશે, એટલો વિવેક વધારે આવશે. અત્યારે શિસ્તપૂર્ણ એ છે જે માંદો છે, લબાડ છે. થોપાયેલા અનુશાસનમાં કોઇ વિચાર નથી હોતો. દૂનિયાના રાજનિતીજ્ઞ અને ધર્મપૂરોહીતોએ આ અનૂશાસન થોપ્યુ છે. વ્યક્તિ ને કહેવામાં આવે મારો તો એ વ્યક્તિ કોઇ ને હણી નાખશે. આ મિલિટરી કેમ્પ નથી તો શું છે? આ જેહાદી આતંકવાદ નથી તો શું છે? શું આ જ શિક્ષાના પરિણામની વાટે આપણે હતા? શિક્ષક એક વિદ્રોહી હોય, વિવેક પૂર્ણ અને વિચાર પૂર્ણ એની જીવન દ્રષ્ટિ હોય. તો એ સમાજ માટે હિતકારી થશે. એક મોટી ક્રાંતિની જરૂર છે જે શિક્ષાનો અમૂળ ઢાંચો તોડી નાખે. અને એક નવો ઢાંચો તૈયાર થાય. એના મૂલ્ય તૈયાર થાય. એના મૂલ્યો સફળતા અને મહત્વાકાંક્ષા ના હોય. આગળ અને પાછળ રહેવુ એ મૂલ્યો ના હોય. સમ્માન અને અપમાનની વાતો ના હોય. એક વ્યક્તિ સાથે બીજા વ્યક્તિની સરખામણી ના હોય. પ્રેમ હોય, પ્રેમથી બાળકોના વિકાસની ચેષ્ઠા હોય. તો એક અદભૂત સુવાસ ભરી દૂનિયા પેદા કરી શકાય. ’

ઓશોની વાતો અદભૂત છે એક ક્રાંતિની જરૂર છે જ. મેં પણ જોયુ છે અને તમે પણ જોયુ જ હશે. બાળકને શાંત કરવા માટે શિક્ષક ડસ્ટરને ટેબલ પર ઠોકે છે. ગુણવંત શાહ એમ કહે છે જ્યારે શિક્ષકને ડસ્ટર પછાડીને બાળકને શાંત કરવો પડે ત્યારે શિક્ષક કરતા વધારે તાકાત એ ડસ્ટરમાં છે. પરંતુ હા આ મીકેનીકલ શિક્ષણના લીધે ખરેખર બાળક પોતાનું સ્વત્વ ગુમાવી રહ્યો છે.

સ્કુલે પહોંચતા પહોંચતા જો બાળક વરસાદમાં ભીંજાઈ જાય તો એને ઠમઠોરવામાં આવે છે. એને અગુંઠા પકડાવવામાં આવે છે. ભીંજાવુ કુદરતી છે. વરસાદની ઋતુમાં એક તાસ વરસાદમાં પલળવાનો પણ હોવો જોઇએ. પુસ્તકો અનૂભવ નહિં આપે. બાળકને આપણે વરસાદની કવિતાઓ અને પાઠ ભણાવીએ છીએ. પરંતુ એ બાળકને વરસાદ આવે ત્યારે એમાં પલળીને નાચવાનો આનંદ નથી આપતા. કોઇ ભૂલથી પણ ભીંજાઇ જાય અને ક્લાસમાં પલળીને આવે તો એને અશિસ્તતા બદલ સ્ટીલની ફુટપટ્ટીઓ મારવામાં આવે છે. ઓશો સાચુ કહે છે આ જ હિંસાનું રોપણ છે. બાળકોને દરિયા કિનારાની મુલાકાત કરાવવામાં છે પરંતુ એમને માત્ર દરિયો જોવાનો જ હોય છે. દરિયાની માટી ચુથવાની મનાઈ હોય છે, એના પાણીમાં છબછબીયા કરવાથી કપડા ગંદા અને ભીના થઇ જાય છે. એટલે માત્ર દરિયાને જોવાની છુટ છે એને અનૂભવવાની નહિં. પછી દરિયા ઉપર ૫૦૦ શબ્દોમાં નિબંધ લખવાનો આવશે. ત્યાં ચુંથાએલી માટી કે દરિયામાં છબછબીયાના અનૂભવો નહિં હોય. ત્યાં માત્ર યાદ કરેલ કાલ્પનિક દરિયાના વિચારો હશે. શું આ શિક્ષણ છે જે બીજાના અનૂભવો રટતા શીખવાડે? શિક્ષણ અનૂભવના આધારે આવતુ હોવુ જોઇએ. બીજાના અનૂભવો જીવનમાં ઉતારવા એ બીજા વ્યક્તિ બનવા સમાન છે. એક વ્યક્તિને ટાઇ પહેરવાથી કે બુટ ચપ્પલ પહેરવાથી આરામ દાયક મહેસુસ નથી થતુ તો એ વ્યક્તિને જોર જબરદસ્તીથી પહેરાવવુ? શિક્ષકોનું કામ શિક્ષણ કરતા શિસ્તતાનું વધી ગયુ છે. એક એક ક્લાસમાં બુટ મોજા તપાસવા નીકળશે. પ્રાર્થનામાં આંખ ખુલી જાય તો નેતરની સોટી તૈયાર જ હોય. પ્રાર્થના અંદરથી ઉઠવી જોઇએ. થોપાયેલી પ્રાર્થના પ્રાર્થના છે ખરી? શિક્ષણ એવુ પ્રેમયુક્ત હોવુ જોઇએ કે પ્રાર્થના અંતરથી ઉઠે. બાળક એમાં ડુબી જાય. આંખો ખોલે ત્યારે શિક્ષક અને વિદ્યાર્થીની આંખો ભીની હોય અને હા એ થોપાયેલી પ્રાર્થના ના હોય. બાળક માત્ર આંખો બંધ કરીને ક્યારે પ્રાર્થના પૂરી થશે એની રાહમાં ના હોય. જ્યાં સુધી શિક્ષક વિદ્યાર્થીને પ્રેમ નહિં કરે ત્યાં સુધી એ શિક્ષણ નહિં આપી શકે. પ્રેમ એ શિક્ષણની પહેલી શરત છે. બસ આજ માટે આટલુ જ.

તમને આ શિક્ષણ પરનો લેખ અને વિચારો કેવા લાગ્યા. પ્લીઝ રિવ્યુ એન્ડ રેટ. આવતા શુક્રવારે ફરી શિક્ષણમાં ક્રાંતિ પરના ઓશોના ફરી નવા વિચારો લઇને આવીશ. બાય બાય.


લેખક વિશે

હિરેન કવાડ એક ગુજરાતી અંગ્રેજી ફિક્શન-નોન ફિક્શન લેખક છે. એમનું ધ લાસ્ટ યર અને નેકલેસ માતૃભારતી પર બેસ્ટ રેટેડ અને મોસ્ટ ડાઉનલોડેડ પુસ્તકો રહી ચુક્યા છે. હાલ એ ગુજરાતી ફિલ્મો અને કેટલાક બીજા પુસ્તકો પર કામ કરી રહ્યા છે. એમના બધા જ પુસ્તકો તમે માતૃભારતી પર વાંચી શકો છો.

Social Media

Facebook.com/meHirenKavad

Facebook.com/iHirenKavad

Twitter.com/@HirenKavad

Instagram.com/HirenKavad

Mobile and Email

8000501652

HirenKavad@ymail.com