Ankhoma bethela chatak kahe chhe maru, books and stories free download online pdf in Gujarati

આંખોમાં બેઠેલાં ચાતક કહે છે મારું, ચોમાસુ ક્યાંક આસપાસ છે...

આંખોમાં બેઠેલાં ચાતક કહે છે મારું, ચોમાસુ ક્યાંક આસપાસ છે...

‘ ખાઈ વાદળની ઠેસ ચોમાસુ,

લ્યો કરે શ્રી ગણેશ ચોમાસુ. ’

મનોજ ખંડેરિયાની આ પંક્તિઓ આપણા વર્તમાન આહલાદક વાતાવરણને સાર્થક કરી રહી છે. વરસાદ ધીમે ધીમે શરૂ થયો છે. તપ્ત ધરતી પર પડતો પહેલો વરસાદ ધરાની સાથે સાથે આપણા શરીરને તો ભીંજવે જ છે પણ આપણા અંતરમનને પણ તાજગી આપતો જાય છે. વરસાદના દરેક ફોરાંને સ્પર્શ આપણા રોમે રોમને પ્રફુલ્લિત કરી નાખે છે. વાતાવરણની આહલાદકતા, માટીની સુગંધ, હરિયાળી ધરતી, પંખીના ટહુકાર, મોરનું નૃત્ય, આકાશે ઓઢેલી મેઘધનુષી ઓઢણી અને ઢળતી સંધ્યાનું કેસરીયું આકાશ... કંઈક અલગ જ કુદરત જોવા મળે છે.

મોસમ જામતી જાય છે અને દિવાનગી આવતી જાય છે. કેટકેટલાય જુવાનીયાઓના હૈયે તો એક જ વાત રમતી હશે કે, બસ કોઈ પ્રિયપાત્ર સાથે આવી જાય....આ લાગણીઓ ખરેખર વરસાદમાં જ ઉભરાતી હોય છે. બાકીની ગમે તે સિઝન હોય પણ મનમાં જે આનંદના શેરડા ફૂટે તે ચોમાસું જ હોય. બહાર વરસાદ અને અંતરમાં કોઈને ભીનો સંગાથ સાથે ઉભરી આવે ત્યારે જીવતર તરબતર લાગતું હોય છે.

અહીં રમેશ પારેખ યાદ ન આવે તો જ નવાઈ, જે કહેતા કે...

‘ અહીં આપણે બે અને વરસાદ ભીંજવે,

મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે. ’

ચોમાસાં સાથે, વરસાદ સાથે આપણા કેટલાય સંસ્મરણો જોડાયેલા હોય છે, પછી ભલે ક્યાંક ટ્રાફિકમાં ફસાયાના હોય કે, કોઈ ગમતી વ્યક્તિનો હાથ પકડીને ભીંજાવાના હોય કે, સુંવાળા સંગાથ વચ્ચે લોન્ગ ડ્રાઈવ પર જવાના હોય... આ સંસ્મરણોની તોલે ક્યારેય કોઈ અનુભવ આવતો નથી. વરસાદમાં પલળવું અને ભીંજાવું બે જુદા આયામો છે. વરસાદને વ્યક્તિની લાગણીઓ સાથે સીધો સંબંધ છે. વ્યક્તિ જ્યારે ગમતાની સાથે હોય ત્યારે ભીંજાતી હોય છે પણ જ્યારે સાવ એકલી અટુલી ફરતી હોય ત્યારે પલળતી હોય છે. ભીંજાવા માટે કોઈનો સાથ જોઈએ એવું પણ જરૂરી નથી. બસ મન મોર બની થનગાટ કરવું જોઈએ... તો આપોઆપ ભીંજાવાની મોસમ શરૂ થઈ જાય. રઈશ મનીયારની વાત અહીંયા યાદ કરવા જેવી છે...

‘ મનને શું કરવું કઠણ વરસાદમાં,

તું ત્યજી દે આવરણ વરસાદમાં.

કંઈક પુરાણા બંધ તૂટતા જાય છે,

કંઈ નવા ઝરણ ફૂટે વરસાદમાં.

મન કરે તો મન મૂકી ભીંજાઈ જા,

આમ ટીપાંઓ ન ગણ વરસાદમાં. ’

આવા સમયે પ્રિયજનને બોલાવવા અને તેનો સંગાથ માણવો અદભૂત આનંદ હોય છે. ચોમાસું એક એવી ઋતુ છે જે મન, મસ્તિસ્ક અને કામવાસનાને પ્રજ્વલીત કરે છે. પ્રાણીઓ માટે મેટિંગ પિરિયડ ગણાતા સમયમાં સામાજિક પ્રાણી એવા મનુષ્યો પણ આનંદિત થઈ જાય છે.

ફિલ્મો અને સિરીયલોની વાત કરીએ તો તેમાં પણ વરસાદને અચૂક સ્થાન આપવામાં આવે છે. બે યુવન હૈયાઓના મિલન માટે કે પછી તેમના વિરહ માટે વરસાદ અનિવાર્ય ગણાયો છે. યુવાનો ભાન ભૂલે છે અને પ્રેમમાં એકાકાર થાય છે તેવા અનેક દ્રશ્યો ફિલ્મોમાં અવારનવાર આવતા રહ્યા છે. વાતાવરણની માદકતા, અંતરનો ઉત્સાહ અને વિજાતીય સાથ હંમેશા લાગણીઓને ઝંકૃત કરતા હોય છે. આ કારણે જ ઘણા ગીતો અને કવિતાઓ પણ લખાયા છે. કાલિદાસના મેઘદૂતમમાં યક્ષ પોતાની પત્નીને યાદ કરતો હોય અને તેનું વર્ણન કરતો હોય ત્યારે જે શૃંગારરસનું નિરુપણ થયું છે તે વરસાદની ઋતુમાં જ શક્ય બને છે. આધુનિક અને વિકાસની ઝંખના ધરાવતો માણસ હવે આ વરસાદને માણતો નથી. કોંક્રિટના જંગલોમાં મોર નાચતા નથી કે ચાતક તરસતા નથી. અહીંયા માત્ર ઓફિસે વહેલા પહોંચવાની અને ઘરે સાજા સમા પહોંચવાની જ ઉતાવળ હોય છે. આવા સુષ્ક થઈ ગયેલા આધુનિક માનવીઓને જોઈને અષાઢસ્યા પ્રથમા દિવસે આદિલ મન્સુરીની પંક્તિઓ યાદ આવે કે,

કેટલી માદકતા સંતાઈ હતી વરસાદમાં,

મસ્ત થઈ સૃષ્ટિ બધી ઝૂમી ઉઠી વરસાદમાં.

રેઈનકોટ, છત્રીઓ, ગમશુઝ, વોટરપ્રૂફ હેટ્સ,

માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં.

સંબંધોની વાત કરીએ તો પુરુષ હંમેશા ઈચ્છતો હોય છે કે તેને વરસાદ જેવી સ્ત્રી મળે અને સ્ત્રી પણ એવા જ પુરુષની શોધમાં હોય છે. આપણે હંમેશા સામેના પાત્ર પાસેથી ધોધમાર વરસવાની અપેક્ષા રાખતા હોઈએ છીએ. પ્રિય પાત્ર ખરેખર આપણા પર વરસી પડે તે માટે નથી આપણે પ્રેમની ઉષ્માનું વહન કરતા કે નથી લાગણીઓના વાદળો બંધાતા. આપણે ક્યારેય સાથે રહેલા પાત્રને ધોધમાર વરસાવી શકતા નથી અથવા તેવી તક આપતા જ નથી. તેમ છતાં સતત એવી ઝંખના રાખીએ છીએ કે મારો પ્રેમ વરસાદ જેવો લીલોછમ્મ હોવો જોઈએ. સ્ત્રી તો વહેતી નદીને વરસદા વરસાદ જેવી જ હોય છે. તમે જો સ્ત્રીને ચાતકની જેમ ચાહો તે તેનો પ્રેમ અનરાધાર વરસે છે પણ જો તેના વિશ્વાસના વાદળો વિખેરાયા તો તમારી લાગણીઓ સુષ્ક ખેતરો જેવી કરી નાખે છે. ઘણી વખત આવા સંબંધો વિખેરાયા બાદ વ્યક્તિઓ ઝુરતી રહે છે. ખાસ કરીને વરસાદી મોસમમાં પોતાના પ્રિયપાત્ર સાથે પસાર કરેલા સમયને યાદ કરે છે અને વિલાપ કરતા હોય છે. પ્રિયપાત્રને છોડતા સમયે તેઓ વિચાર નથી કરતા કે તેનું પરિણામ શું આવશે કે ભવિષ્ય શું હશે બદ ઉત્તેજનામાં આવીને નિર્ણયો કરી લેતા હોય છે. આવી વરસાદી મોસમમાં પ્રિયજનને ભુલી ગયેલા લોકો માટે એક નાનકડી પંક્તિ છે..

‘ આખું ચોમાસું તેં મોકલ્યું ટપાલમાં

ને પરબિડિયું ગયું ગેરવલ્લે,

હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે....

વાછટના વેપલામાં ઝાઝી નહીં બરકત,

ગુંજે ભરો કે ભરો ગલ્લે,

હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે... ’

ચોમાસું એકમાત્ર એવી ઋતુ છે જેમાં આપણે આપણા દરેક પ્રકારના સંબંધોને તાજગી આપી શકીએ છીએ. માતા-પિતા, વડીલો, ભાઈ-બહેન, મિત્રો, ગર્લફ્રેન્ડ અને પાડોશીઓ સાથે વાતાવરણની તાજગીને માણી શકીએ છીએ. આપણે મમ્મી-પપ્પા, વડીલો અને ભાઈ બહેનો સાથે ઘરે ભજીયા ખાઈ શકીએ છીએ તો મિત્રો સાથે ક્યાંક કિટલીએ ગરમાગરમ ચા અથવા તો મકાઈની મીજબાની માણી શકીએ છીએ. ક્યારેક ગમતી વ્યક્તિ સાથે લોન્ગડ્રાઈવ પર જવાનું પણ મન થઈ આવે છે અને આપણે નીકળી પણ પડીએ છીએ. બાકી શિયાળા કે ઉનાળામાં આવું મન ના થાય.. હિતેન આનંદપરા સંબંધોની આ ઋતુને સાર્થક કરતા લખે છે,

‘ દોસ્તી કે દિલ્લગી, સંબંધના હર સાદમાં,

ચાલ આજે આપણે ભીંજાઈએ વરસાદમાં. ’

વાદળ અને માણસની સરખામણી કરીએ તો બંને સરખા જ છે. બંનેને અવસર મળે તો બંને વરસી પડે છે. વાદળ કોઈ ચોક્કસ જગ્યાએ જ વરસે છે તેવું નથી. ક્યાંજ ધરતીની હુંફ, પવનની લહેરખી દ્વારા વાદળ સુધી પહોંચે છે. વાદળો ધરતીની તૃષાની લાગણીનો સંદેશો સાંભળીને ગોરંભાય છે અને પછી પ્રેમના ફોરાં વરસાવી ધરાને સરાબોળ કરી દે છે. માણસ હોય કે વાદળ તેને તરસવાની અને વરસવાની આદત હોય છે. માણસને પણ જો ગમતી લાગણીઓની હુંફ મળે તો અનરાધાર વરસી પડે છે. લાગણીઓની તૃષામાં પીડાતી ધરતી રાધા જેવી હોય છે અને આકાશી વાદળો કૃષ્ણ જેવા હોય છે. આ તૃષાની જ્યારે વાદળને જાણ થાય છે ત્યારે તે ઘનશ્યામ બને છે અને ધરતીને પ્રેમ અને લાગણીથી ભીંજવી દે છે. આવી જ લાગણીઓ આપણને સતત ભીંજવતી રહે તેવી કામના સાથે ખલીલ ધનતેજવીની સુંદર રચના યાદ કરીએ...

‘ તમે મન મૂકીને વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,

અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે. ’