Ek Bhul books and stories free download online pdf in Gujarati

એક ભૂલ

એક ભૂલ

બહારથી કોઈએ બુમ પાડી એટલે યામિની ઘરની બહાર આવી જોયું હેમલતાબેન બહાર ઉભા હતા. કાલે તૈયાર રહેજે સવારે પંચાયતની ઓફિસની સામે શમિયાણો બાંધ્યો છે ત્યાં સરકારી બાબુઓ આવવાના છે. કોઈ સરકારી સહાય યોજનાના ફોર્મ ભરવાના છે. એ લોકો આ ચાલીને બદલે આપણને પાકા ઘર આપવાના છે. હું તને બોલાવતી જઈશ આપણે વહેલી સવારે ત્યાં જઈને લાઈનમાં બેસી જઈશું.

યામિની પણ સવારે તૈયાર જ હતી. હોય જ ને !! આવી ચાલીની દોઝખભરી જીંદગી જીવવા કરતા એમાંથી જો મુક્તિ મળતી હોય તો, એ માટે એ રાજી જ હતી. આઠેક વાગ્યે એ લોકો લાઈનમાં બેસી ગયા સાડા દસ વાગે અધિકારીઓની એક ગાડી આવી. ગાડી જોઈને લાઈનમાં બેઠેલા લોકોમાં ચહલપહલ વધી ગઈ. એક ગાડીમાંથી ત્રણ જણ નીકળ્યા એમાં એક મહિલા જેણે કાંજીવરમ કોટન સાડી અને ગોગલ્સ પહેરેલા હતા. એ કોઈ મેઈન અધિકારી હોય તેમ લાગ્યું. કારણકે એમની સાથે ચાલતા બે પુરુષો એની વાત સાંભળી હાજી-હા કરતા હતા, સાથે એક પોલીસ ઇન્સ્પેક્ટર અને એક કોન્સ્ટેબલ પણ ચાલતા હતા. એ લોકો અમારી લાઈનની નજીકથી ચાલતા ચાલતા કચેરી તરફ જઈ રહ્યા હતા. યામિનીની નજીકથી એ લોકો પસાર થયા અને ચાર ડગલા આગળ જઈ પેલી જાજરમાન દેખાતી મહિલા રોકાઈ ગઈ અને પાછળ જોયું પછી બોલ્યા; ‘ઇફ આઈ એમ નોટ રોંગ ...યુ આર યામિની.....યામિની વરસડા.’

‘હા હું યામિની....પણ તમે....? મને ઓળખાણ ન પડી.’

ત્યાં તો હેમલતાબેન બોલ્યા યામિની આ તો છે અહીંના કલેકટર ઉર્જા મેડમ. યામિનીને પણ ઉર્જા નામ જાણીતું લાગ્યું, એ કંઈ વિચારે કે બોલે એ પહેલા એ ત્રણ જણા તો કચેરીમાંય પહોંચી ગયા. યામિનીને યાદ આવ્યું ખરું કે ઉર્જા નામની એક બેડમિન્ટન ચેમ્પિયન છોકરી હતી ખરી કોલેજમાં પણ એ થોડી કલેકટર હોય આટલા વરસે એનો ચહેરો પણ યાદ નથી આવતો?

લાઈનમાં ઉભેલા લોકોને નિયંત્રણમાં રાખવા માટે પોલીસ કોન્સ્ટેબલની ફોજ કામે લાગી ગઈ હતી. થોડીવારમાં જ કચેરીમાંથી એક કારકુન બહાર આવ્યો અને ભીડમાં જ્યાં યામિની ઉભી’તી એ તરફ આવીને બોલ્યો યામિનીબેન કોનું નામ છે. યામીનીએ માથું ધુણાવ્યું એટલે એને લઈને એ કારકુન અંદર ગયો. મુખ્ય ટેબલ પર ઉર્જા મેડમ બેઠેલા હતા અને કાગળ પર કંઈક લખી રહ્યા હતા. યામિની જઈને ત્યાં ઉભી રહી અને ઉર્જા મેડમની સામું જોઈ રહી. ખભા સુંધી આવતા સિલ્કી વાળમાં એકદમ આકર્ષક લાગતા મેડમે ગોગલ્સ કાઢીને ચશ્માં પહેર્યા હતા. કામ કરતા કરતા એમણે યામિનીની સામું જોયું અને બેસવાનો આદેશ આપ્યો. યામિનીએ ધીરેથી ખુરશી ખેંચી અને સામે બેસી ગઈ.

થોડીવાર પછી એક ફાઈલ પેલા કારકુનને આપી અને જોઈ લેવા જણાવ્યું. ઉર્જાએ યામિનીની સામું જોયું અને પૂછ્યું; ‘શું વિચારે છે મને ઓળખી કે નહિ?’

યામિની બોલી; ‘કોલેજમાં બેડમિન્ટન ચેમ્પિયન ...ઉર્જા ભાવસાર ...??’

‘એકઝેટલી ...બહુ વાર કરી તેં મને ઓળખવામાં..... પણ આ શું??...તું અહિયાં ?..આ રીતે?તું અહિયાં રહે છે ?’ઉર્જાએ યામિનીને વીંધી નાખે એવા સવાલ કર્યા.

‘હા કરમની કઠણાઈ છે...બધું જ ભૂલી ગયેલી પણ તને જોઈ ત્યારથી બધું યાદ આવવા માંડ્યું.’ યામિનીએ નિરાશ ચહેરે જવાબ આપ્યો.

પછી એ દિવસે સાંજે ઉર્જા યામિનીને જબરજસ્તી પોતાના ઘેર લઇ ગઈ. વ્યથિત હ્રદયે યામિનીએ પોતાની કથા કહેવાનું ચાલુ કર્યું.

તું તો જાણે જ છે કે હું કોલેજમાં સ્પોર્ટ્સ કે ઈતરપ્રવૃત્તિમાં ભાગ લેતી ન હતી. મારું ધ્યાન ભણવામાં જ વધારે રહેતું. એટલે કોલેજ પૂરી થવા આવી ત્યાં સુંધી મારું મિત્ર વર્તુળ બહુ મોટું ન હતું. ખરેખર તો મારા મોટાભાઈની ધાક પણ એટલી હતી કે હું કોઈ છોકરાઓ સાથે વાત પણ ન કરું. એ વખતે છેલ્લા વરસની પરીક્ષાઓ ચાલતી હતી ત્યારે જ એક પેપર આપવા જતી વખતે રસ્તામાં નાનો અકસ્માત થયો. મારું સ્કુટર તો ચાલી શકે તેમ ન હતું. પરીક્ષાનો સમય થઇ ગયેલો હતો તેવા સમયે જ એક યુવાન મારી સહાયે આવ્યો. મને સમયસર એણે કોલેજ પહોંચાડી. પેપર પત્યા બાદ મેં જોયું તો એ કોલેજની બહાર જ ઉભો હતો. એ મુકીને ગયો ત્યારે પેપર આપવાની લ્હાયમાં મેં એનો આભાર પણ નહોતો માન્યો એટલે મેં એને થેન્ક્સ કીધું. એ વખતે એણે એના ખિસ્સામાંથી મારા સ્કૂટરની ચાવી કાઢીને આપી. અકસ્માત સ્થળે સ્કુટર મુકીને હું આવી હતી પણ એમાંથી ચાવી કાઢવાનું હું ભૂલી ગયેલી. પછી એ યુવકે મને મારું સ્કુટર કોલેજના પાર્કિંગમાં જ મુકેલું છે અને રીપેર પણ થઇ ગયું છે એવું કીધું. હું ક્યા શબ્દોમાં એનો આભાર વ્યક્ત કરું. એણે ફક્ત એટલું જ કીધું કે મારા ખાતે એક પાર્ટી ઉધાર રાખ હું એ મારી અનુકુળતાએ માંગી લઈશ એમ બોલી એણે પોતાનો મોબાઈલ નં. લખેલી ચબરખી આપી એમાં એનું નામ લખેલું હતું સુરસિંહ જાદવ.

મેં એજ દિવસે રાત્રે એ નંબર પર ફોન કર્યો ફરીથી એનો આભાર માન્યો એણે આભાર માનવાની ના પાડી અને માનવો જ હોય તો જે દિવસે પરીક્ષા પતે એ દિવસે સાથે જમવા જવાનું વચન માંગ્યું. કેમ જાણે કેમ પણ મારાથી જવાબમાં હા પડાઈ ગઈ. બીજે દિવસે સવારે ઉઠી તો એક્ઝામ માટેનો એનો બેસ્ટ લકનો મેસેજ મળ્યો. મેં સામે થેન્ક્સ નો મેસેજ કર્યો. પછી મેસેજનો સિલસિલો ચાલુ થઇ ગયો.

મોટાભાઈ મારાથી તો ચાર વરસ જ મોટા હતા પણ મારા આખા ઘરમાં એનુંજ વધારે ચાલે. પપ્પા સરકારી અધિકારી હતા અને ભાઈના નામે ખોલી એક એજન્સી સરકારી ટેન્ડરના કામ કરી ઘણું કમાતા હતા. સુખી ઘરનું સંતાન હોવા છતાં મારી સહેલીઓની જેમ હું કયારેય ખુશ રહી નહોતી શકી. છોકરીની જાતને બહુ ઉડવા નહિ દેવાની એવું હું પંદર વરસની થઇ ત્યારથી સાંભળતી હતી. પાડોશી એક બહેનપણી કોમલ સિવાય મને કોઈના ઘેર જવા પરવાનગી નહોતી. એમાં પણ મોટેભાગે કોમલ જ મારે ઘેર આવતી. આવા વાતાવરણમાં મારો ઉછેર થયેલો અને એમાંય પછી મોટાભાઈ કોલેજમાં આવ્યા ત્યારથી પપ્પાના એ ધંધામાં જોડાઈ ગયા. એમના જોડાયા પછી કમાણી પણ ચાર ગણી થઇ ગઈ. એક તો ઘરમાં ઓર્થોડોક્સ વાતાવરણ અને એમાં મોટાભાઈની જોહુકમી એટલે હું તો પિંજરામાં પુરાયેલી બુલબુલ જ હતી. એવામાં મને સુરસિંહ જેવો સપનાનો સોદાગર મળ્યો.

એકઝામના પેપરના છેલ્લે દિવસેને બદલે બીજે દિવસે મેં ઘેર પેપર છે એમ કીધું અને એ મને દૂરની એક ગાર્ડન રેસ્ટોરાંમાં લઇ ગયો. આખો દિવસ અમે સાથે રહ્યા બહુ વાતો કરી. મારી જિંદગીના છેલ્લા પાંચ વરસ હું જેટલું બોલી હોઈશ એટલું હું ફક્ત એ દિવસે બોલી. સુરસિંહ તો એજ દિવસથી મારો સુરો થઇ ગયો. એ પણ એટલો વાતોડિયો કે વાત ન પૂછો. એ મારાથી બે વરસ જ મોટો હતો. દેખાવમાં તો એ કોઈ હીરો જેવો લાગતો. ઉજળો વાન,લાંબા વાળ,બોલકી આંખો અને કપડાનો પણ શોખીન. એવું નહોતું કે મને મળવા આવવાનો હતો એટલે એ એવો તૈયાર થઈને આવ્યો હતો આ બધી બાબતો તો પહેલે દિવસે મળ્યો ત્યારની જ નોટીસ કરેલી હતી. એ ત્યારે એસ્ટેટ એજન્સી ચલાવતો હતો. મારે ઘરથી નીકળવા માટે ક્યાંક એડમીશન લેવું જરૂરી હતું એટલે મેં તરત જ માસ્ટર્સમાં એડમીશન લઇ લીધું. ફક્ત છ મહિનાની અમારી એ મિલન મુલાકાતોથી હું એકદમ પ્રફુલ્લિત રહેવા લાગી. એવામાં કોઈકે મારા ભાઈને આ બાબતે વાત કરી દીધી. એ સમયે મારા ભાઈએ મને ખુબ ધમકાવી. બેચાર લાફા પણ ખાધા પણ આ સમયે હું ગભરાઈ નહોતી. મેં સાવ ખોટું કીધું કે આ માહિતી સાવ ખોટી છે. એ પછી મારા પર વોચ વધતી ગઈ.

થોડા સમયમાંજ મારા ઘરમાં મારા માટે મુરતિયો શોધવાની હોડ ચાલી. મોટાભાઈ મમ્મી અને પપ્પા ત્રણેય પોતપોતાના ઓળખીતા પાળખીતા લોકોની વાત લાવવા માંડ્યા. એ વખતે મેં ફક્ત એટલું કીધુ કે આ પરીક્ષા પતી જાય પછી તમે લોકો જેમ ગોઠવવું હોય તેમ ગોઠવો. મારા એવા વેણ સાંભળી ઘરના બધા સભ્યો ખુશ હતા. એ અરસામાં થોડા દિવસો પછી કમૂરતાં બેસી જતા હોવાથી મારા માટે ઘરેણાની પણ ધૂમ ખરીદી એ લોકોએ કરી નાખી.

મેં સુરાને દબાણ કરવા માંડ્યું કે હવે આપણે ભાગીને લગ્ન કરવા પડશે અને એ પણ જલ્દી. ત્યારે સુરો મને કહેતો કે એકાદ બે વરસ સહન કરી લે ત્યાં સુંધીમાં હું ફોરેન જવાનું ગોઠવી દઉં એટલે આખી જીંદગી આપણે શાંતિથી જીવી શકાય. હું જાણતી હતી કે મારા માટે એ અશક્ય હતું. ત્રણ જ મહિના પછી આ લોકો મારા લગ્ન કરી નાખશે. સુરા સિવાય હવે મારું મન ક્યાંય લાગવાનું ન હતું. સુરો કહેતો કે વિદેશ જવા માટે એક એજન્ટને વાત કરી દીધી છે એમાં લગભગ આઠેક લાખ નો ખર્ચો છે. બે વરસમાં હું એટલા તો ભેગા કરી લઈશ ત્યાં સુંધી તું ઘરના લોકોને કોઈક રીતે મનાવી લે.

બરાબર મારી પરીક્ષા ચાલતી હતી અને ઘરના સભ્યો એક સગાના લગ્નમાં બે દિવસ બહારગામ ગયા એ વખતે મને શું સુઝ્યું કે હું મારા માટે ખરીદેલા બધાજ ઘરેણા લઇ ઘર છોડીને સુરા પાસે જઈ ચડી. જોકે એણે પણ ત્યારે આનાકાની ન કરી. અમે બીજે દિવસે જ કોર્ટ મેરેજ કરી લીધા અને એને ગામ ચાલ્યા ગયા. નાનકડા ગામમાં અમે એકાદ મહિનો રહ્યા એ દરમ્યાન સુરાએ વર્ક પરમીટ પર દુબઈ જાઉં છું એમ કીધું મારા લાવેલા ઘરેણાંમાંથી ઉપજેલા રૂપિયા એને કામ લાગે એમાં મને કશો વાંધો ન હતો એટલે એ બધા એમાંજ વપરાયા. એના ઘરમાં એના ઘરડા માં-બાપ સિવાય કોઈ હતું નહિ. ચાર વીઘા જમીન હતી. ખરેખર તો ચાર વીઘા એટલે કેટલી જમીન થાય એ પણ મને ત્યાં જઈને જ ખબર પડી.

હું એ વિચારે ખુશ હતી કે એ દુબઈ જઈને મને બોલાવી દેશે. એના ગયા પછી એના એક સગા દ્વારા મને ખબર પડી કે સુરો આ પહેલા જેલમાં હતો. એ દિવસે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. એકાદ દિવસમાં હું મારા શહેર પાછી આવી મારી પાડોશી મિત્ર કોમલનો કોન્ટેક્ટ કર્યો ત્યારે ખબર પડી મારા ઘરવાળાઓએ ઘરેણા લઈને ભાગી જવાનો મારા પર પોલીસ કેસ કરેલો હતો. હું ગભરાઈ ગઈ અને એજ દિવસે સુરાના ગામડે પાછી જતી રહી. છ મહિના સુંધી સુરો ગાયબ રહ્યો. એકજ વખત એણે ગામના એના એક મિત્ર દ્વારા સંદેશો કહેવડાવ્યો કે છ મહિનામાં એ પાછો આવી જશે મને લેવા માટે.

મારા પોતાના ઘરમાં મર્યાદામાં રહેલી અને ઘરનું બધુજ કામ મને આવડતું હોવાથી હું મારા સાસુ-સસરા જોડે રહી શકી. એ બંને તો સાવ ભગવાનના માણસ હતા. એ લોકો મને ઘણી વખત કહેતા કે હવે તો તુંજ એને સુધારી શકીશ. મને એ લોકોની દયા આવતી હતી એટલે હું એમને કદી ફરિયાદ કરતી ન હતી ,પણ હું સમજી ગઈ હતી કે મેંજ આંધળુકિયા કર્યા છે. એ જયારે પાછો આવ્યો ત્યારે હું એની સાથે બહુ ઝઘડી, તો એણે ફક્ત એટલું જ કીધું કે હું તને ગુમાવવા માંગતો ન હતો એટલે મેં તને કશું કીધું નથી. એણે પોતાનો ગુનો કબુલ કર્યો એટલે હું પણ એમ સમજી કે ધીમે ધીમે એની ગાડી મારા વડે પાટા પર આવી જશે.

ધીમે ધીમે હું સમજતી થઇ ગઈ કે એ મારા શહેરમાં પણ આવા ગોરખ ધંધા જ કરતો હતો. થોડા સમયમાં એણે એનું પોત પ્રકાશવા માંડેલું પણ મારી હાલત સૂડી વચ્ચે સોપારી જેવી હતી. હું મારા ઘેર પાછી જઈ શકું તેમ ન હતી. એના ઘરડા પણ માયાળુ મા-બાપને છોડીને જવાનો જીવ ચાલતો ન હતો. નાછૂટકે શહેરમાં જવાનો એણે ફેંસલો કર્યો એટલે અમે લોકો અહી આવ્યા. મારી મુશ્કેલીઓ ત્યારથી જ શરુ થઇ ગઈ. દારૂ અને એની કુસંગત અમારા વચ્ચે મોટી ખાઈ બની ગયા. વારે વારે એ બે-ત્રણ મહિના માટે ઘરની બહાર રહેતો. એવા સમયમાં પૈસાની જરૂરિયાતો ઉભી થતી પણ એની એને કોઈ ચિંતા ન હતી. ઘર ચાલવા માટે મેં નોકરી કરવાનું ચાલુ કર્યું. એની મારઝૂડથી કંટાળી એકવાર મારે એની સામું પોલીસ કમ્પ્લેન કરવી પડી એવી નોબત પણ આવી ગઈ.

થોડા વખતથી હું સુખી છું. કારણ કે એક સ્ત્રીને જીવવા માટે જોઈએ એવું નાનું ઘર છે અને એમાં કોઈ કકળાટ નથી. હું જ્યાં નોકરી કરતી હતી ત્યાં મારી સાથે નોકરી કરતા એક વિધવા બહેન નામે હેમલતાબેન મારા ગયા જન્મના કોઈ સગા હોય તેમ મળી ગયા. એ પણ એકલતાનો વિષમ અનુભવ કરી રહેલા તેવામાં મારી સાથે એમની ઓળખાણ થઇ. એ મને એમની ઘેર લઇ ગયા એ મને નાની બહેનની જેમ રાખે છે. સુરો હવે મારી જિંદગીથી ઘણો દુર ચાલ્યો ગયો છે.

‘બોલ મારી સાથે આવીશ હું બધી જ વ્યવસ્થા કરી દઉં.’ ઉર્જાએ જાણે ઓફર મૂકી અને તરત જ એક ફોન કરી વાત કરતી કરતી એ એની બાલ્કનીમાં ગઈ. એ પાછી આવી એટલે યામિની બોલી;

‘સાચું કહું તો હેમલતાબેનને છોડીને હવે હું ક્યાંય ન જઈ શકું. હું આપઘાત કરું એવી કાયર નથી પણ ક્યાંક ગુસ્સામાં કોઈનું ખૂન કરી બેસતી એવી સ્થિતિમાંથી એમણે તો મને ઉગારી છે.’

‘ના હું તને એક એનજીઓનું કામ સોંપવા માંગું છું જેમાં ગરીબ બાળકોના શિક્ષણ વિષયક કામ હશે. તું એ કામ આરામથી કરી શકીશ તારી રહેવાની વ્યવસ્થા પણ હું કરી દઈશ. તારા એ કામમાં તારે હેમલતાબેનની મદદ લેવી પડશે અને એમને તું તારી સાથે પણ રાખી શકીશ.’ ઉર્જાએ ટેબલ પર પડેલી કોફી એના હાથમાં આપતા કહ્યું.

એટલી જ વારમાં ઉર્જાના ઘરની ડોરબેલ વાગી, ઉર્જાએ યામિનીને બારણું ખોલવા કહ્યું. યામિની એ જેવું બારણું ખોલ્યું તો સામે એનો મોટોભાઈ ઉભો હતો. યામિની દોડીને અંદર આવી અને ઉર્જાની બાજુમાં લપાઈને બેસી ગઈ અને બોલી; ‘ઉર્જા આ શું કર્યું? મોટાભાઈને તેં અહીં કેમ બોલાવ્યા?’

બે મિનીટ પછી યામિનીના મોટાભાઈએ એની નજીક આવી એના માથે પ્રેમથી હાથ ફેરવ્યો અને બોલ્યો; ‘ભાભીને નામથી બોલાવાય? ઉર્જા તો તારી ભાભી છે.’

યામિનીની આંખો પહોળી થઇ ગઈ એણે ઉર્જા સામું જોયું, એટલે ઉર્જાએ પ્રેમથી એના હાથ પકડ્યા.

એટલામાં જ એનો ભાઈ બોલ્યો ‘બહેના તેં તો એકજ ભૂલ કરી પણ એની સામું અમે કેટલી બધી કરી છે? અમને માફ નહિ કરે?’

( સમાપ્ત )