From the Earth to the Moon - 7 books and stories free download online pdf in Gujarati

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 7

તોપના ગોળાનો સ્તોત્ર

પ્રકરણ ૭

કેમ્બ્રિજની વેધશાળાએ આપેલા યાદગાર જવાબમાં ચંદ્ર પરની ચડાઈને માત્ર અવકાશ વિજ્ઞાનને જ ધ્યાનમાં લેવામાં આવ્યું હતું અને આ પ્રોજેક્ટના મીકેનીકલ ભાગ પર ધ્યાન આપવાનું હજી બાકી હતું.

પ્રેસિડેન્ટ બાર્બીકેને એક પળ પણ વેડફ્યા વગર આ બાબતે ગન ક્લબના સભ્યોની એક વર્કિંગ કમિટીની સ્થાપના કરી દીધી. આ કમિટીએ ગન ક્લબના આ મહાન પ્રોજેક્ટના સૌથી મોટા ત્રણ સવાલોના જવાબો શોધવાની જવાબદારી નિભાવવાની હતી. આ ત્રણ સવાલો હતા, તોપ, ગોળો અને ગોળાને છોડવા માટેનો પાવડર. આ વર્કિંગ કમિટીમાં ચાર સભ્યો હતા અને આ ચારેય પાસે તકનીકી જ્ઞાન ખૂબ હતું. બાર્બીકેન પણ આ કમિટીમાં મતાધિકાર ધરાવતા હતા કારણકે જો કોઈ મામલે સરખા મત પડે તો બાર્બીકેનનો ફેંસલો અંતિમ ગણાય. બાકીના ત્રણ સભ્યોમાં જનરલ મોર્ગન, મેજર એલ્ફીસ્ટન અને જે ટી મેસ્ટ્નનો સમાવેશ થતો હતો. ૮ ઓક્ટોબરે ૩, રિપબ્લિકન સ્ટ્રીટ પર આવેલા બાર્બીકેનના ઘર પર આ કમિટીની પહેલી મીટીંગ મળી. આ મીટીંગની શરૂઆત પ્રમુખે ખુદે કરી.

“મિત્રો, આપણે તોપશાસ્ત્રના સૌથી મોટી તકલીફને પાર પાડવાનું કામ હાથમાં લેવાનું છે. એવું લાગી રહ્યું છે કે આપણી આ પહેલી મીટીંગમાં આપણે આપણો સમય કયું એન્જીન વાપરવામાં આવે તેના પર વધારે ગાળીએ તે યથાર્થ રહેશે. જો કે બહુ વિચાર્યા બાદ હું એ નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે તોપગોળા ના વિષયને આપણે વધારે મહત્ત્વ આપવું જોઈએ અને તોપ અને તેના ગોળાના માપની સમસ્યા ઉપરાંત આગળની બંને સમસ્યાઓ પર પણ આપણે એટલુંજ ધ્યાન આપવું જોઈએ.”

“આ મુદ્દે મને કશુંક કહેવા દો.” જે ટી મેસ્ટ્ન વચ્ચે બોલી પડ્યો અને કમિટીના સભ્યોએ તેની વિનંતી મંજૂર કરી અને મેસ્ટ્ન ઉત્સાહથી બોલવા લાગ્યો. “આપણા પ્રમુખશ્રીએ એકદમ યોગ્યરીતે જ ઉપકરણ અંગેનો સવાલ અન્ય કોઈ સવાલો કરતા સૌથી ઉપર મૂક્યો છે. આપણે જે ગોળો ચંદ્ર પર મોકલવાનું નક્કી કર્યું છે એ આપણો ચંદ્ર પર જનારો પ્રતિનિધિ પણ હશે આથી હું અહીં એક નૈતિક મુદ્દા પર પણ બધાનું ધ્યાન દોરવા માંગુ છું. મિત્રો, તોપનો ગોળો એ માનવીય શક્તિની સૌથી મોટી અભિવ્યક્તિ છે. જો વિધાતાએ ચંદ્ર અને તારાઓ બનાવ્યા છે તો માનવીએ તોપનો ગોળો બનાવ્યો છે. વિધાતાને ભલે વીજળી, પ્રકાશ, સિતારાઓ, ધૂમકેતુઓ અને ગ્રહો તેમજ હવા અને અવાજની તેજગતી શોધવાની શાખ લેવા દો, પણ આપણે માનવીઓએ તોપના ગોળાની તેજગતીની શાખ લેવી જોઈએ જે કોઇપણ ઘોડા કે પછી રેલ્વે ટ્રેઈનથી પણ વધારે તેજ છે. એ પળ કેટલી અદભૂત હશે જ્યારે આપણો નવું ઉપકરણ તમામ પ્રકારની અને અનંતકાલીન ગતીને પણ પાછળ છોડીને પ્રતિ સેકન્ડ સાત માઈલની ગતિએ ઉપરની તરફ જશે. તો શું ઉપર તેને પૃથ્વીના પ્રતિનિધિનું સન્માન ન મળવું જોઈએ?”

ભાવાવેશમાંથી બહાર આવ્યા પછી મેસ્ટ્ન ધીમેકથી પોતાની બેઠક પર બેઠો અને સામે પડેલી સેન્ડવીચની એક મોટી ડીશ તરફ તેણે પોતાનો હાથ લંબાવ્યો.

“તો હવે, આપણે કવિતાની અસરમાંથી બહાર આવીને મુખ્ય પ્રશ્ન તરફ પરત આવીએ.” બાર્બીકેન બોલ્યા.

“જરૂર, જરૂર...” બાકીના તમામ લોકોએ સેન્ડવીચ ખાતાં ખાતાં જવાબ આપ્યો.

“તકલીફ એ છે કે આપણે આપણા ઉપકરણને ૧૨૦૦૦ યાર્ડ્સની ગતિ કેવી રીતે આપીશું. આજે આપણે અત્યારસુધી તોપનો ગોળો સૌથી વધુ કેટલી ગતિએ જઈ શક્યો છે તેના વિષે ચર્ચા કરીશું. જનરલ મોર્ગન આ મુદ્દે વધારે પ્રકાશ પાડશે.” બાર્બીકેને વાત આગળ વધારી.

“હું આ બાબત સરળતાથી સમજાવી શકું છું કારણકે યુદ્ધ દરમિયાન હું શોધખોળ કમિટીનો સભ્ય હતો. મારી સૂચના અનુસાર એક સમયે સો પાઉન્ડનો તોપનો એક ગોળો ૫૦૦૦ યાર્ડ્સ સુધી ડોલગ્રેન્સ દ્વારા ફેંકવામાં આવ્યો હતો અને તેની ગતી ૫૦૦ યાર્ડ્સ પ્રતિ સેકન્ડની હતી. રોડમેન કોલમ્બિયાડે અડધા ટનનો એક ગોળો છ માઈલ સુધી ફેંક્યો હતો જેની ગતી 800 યાર્ડ્સ પ્રતિ સેકન્ડની હતી. આ પ્રકારનું પરિણામ ઇંગ્લેન્ડના આર્મસ્ટ્રોંગ અને પલીસર દ્વારા ક્યારેય સિદ્ધ કરી શકાયું ન હતું.” જનરલે બાર્બીકેનની વાતનો જવાબ આપ્યો.

“બસ? સૌથી વધારે ગતિ આટલી જ હતી?” બાર્બીકેને જનરલને પૂછ્યું.

“જી, હા, આટલી જ હતી.” જનરલે શાંતિથી જવાબ આપ્યો.

“ઓહ! જો મારી મોર્ટાર તૂટી ન ગઈ હોત તો...” જે ટી મેસ્ટ્ને નિસાસો નાખતાં કહ્યું.

“હા, પણ એ તૂટી ગઈ હતી એ હકીકત છે. તો અત્યારે આપણે શરૂઆત કરવા માટે એવું નક્કી કરીએ કે આ ૮૦૦ યાર્ડ્સ પ્રતિ સેકન્ડની ગતિને આપણે વીસગણી કેવી રીતે વધારી શકીએ? આ ગતી વધારવા માટે મારે તમારું ધ્યાન કદ અને અન્ય બાબતો પર લાવવું જે જેથી યોગ્યરીતે ગોળો ફેંકી શકાય. તમે સમજી શકો છો કે આપણે અહીં એવા તોપગોળાઓની વાત કરી રહ્યા છીએ જે લગભગ અડધા ટનના વજનવાળા હશે.” બાર્બીકેન શાંતિથી બોલ્યા.

“કેમ એમ?” મેજરે ભારપૂર્વક પૂછ્યું.

“કારણકે જે ગોળો આપણે છોડવા માંગીએ છીએ એ એટલો મોટો તો હોવો જ જોઈએ કે જેનાથી ચંદ્ર પર રહેનારા લોકોનું, જો ત્યાં કોઈ રહેતું હોય તો, ધ્યાન ખેંચે.” જે ટી મેસ્ટ્નને વસ્તુસ્થિતિ સ્પષ્ટ કરી.

“હા અને એક અન્ય કારણસર પણ તેનું ખાસ મહત્ત્વ છે.” બાર્બીકેને જે ટી મેસ્ટ્નની વાતમાં ઉમેરો કરવા માંગ્યો.

“એટલે તમારો શો મતલબ છે?” મેજરે પૂછ્યું.

“મારો એવો મતલબ છે કે આ બધું ગોળો છોડવા માટે પૂરતું ન હોય એવું બની શકે છે અને આથી બીજી કોઈજ વાત પર ધ્યાન ન આપતા આપણે જીણીજીણી બાબતોનું પણ ધ્યાન રાખવું પડશે જે આપણને આપણા લક્ષ્ય સુધી પહોંચાડી શકે.” બાર્બીકેને સમજાવ્યું.

“શું?’ જનરલ અને મેજર બંને એકસાથે બોલી પડ્યા.

“કોઇપણ શંકા વગર હું કહી શકું છું કે આપણા પ્રયોગનું કોઈ ફળ ન પણ મળે.” બાર્બીકેન બોલ્યા.

“તો પછી તમારે આ ગોળાને પ્રચંડ રૂપ આપવું પડશે.” જનરલ બોલ્યા.

“ના, મારી વાત ધ્યાનથી સાંભળો. તમને ખબર છે કે પ્રકાશ વિષયક સાધનો ખૂબ સારી રીતે સંપૂર્ણતા લાવી શકે છે. કેટલાક તો એવા સાધનો છે જે પોતાના મૂળ આકારથી ૬૦૦૦ ગણા વિકસિત થઇ શકે છે અને તે ચંદ્રને ચાલીસ માઈલ સુધી નજીક લાવી શકે તેમ છે. તો આટલા અંતર માટે સાઈઠ ફૂટનો ચોરસ આકારનો ગોળો એકદમ યોગ્ય રહેશે.”

“જો એવું થયું તો ટેલીસ્કોપની વેધકતા વધી શકે છે કારણકે તે શક્તિ પ્રકાશને ઘટાડી દે છે, અને ચંદ્ર જે એક અરીસા જેવો જ છે તે આપણને ઓછી તિવ્રતાવાળા પદાર્થોને સાબિત કરવા માટે પૂરતો પ્રકાશ નથી આપી શકતો.”

“એટલે તમે ખરેખર શું કરવા માંગો છો? તમે તમારા ગોળાને સાઈઠ ફૂટનો આકાર આપવા માંગો છો?” જનરલે પૂછ્યું

“ના”

“તો શું તમે ચંદ્રની પ્રકાશશક્તિ વધારવા માંગો છો?”

“બિલકુલ એમ જ. જો હું વાતાવરણની ઘનતા ઓછી કરી શકું તો ચંદ્રને તેનો પ્રકાશ ફેલાવવામાં વધારે સરળતા રહે અને તેનો પ્રકાશ વધારે માત્રામાં તે આપણને આપી શકે છે. આમ થવા માટે આપણે એક એવું ટેલીસ્કોપ બનાવવું પડશે જે સૌથી મોટા પર્વત પર મુકવું પડે અને આપણે હવે એમ જ કરવા જઈ રહ્યા છીએ.

“હું હવે આ બાબતે વધારે કશુંજ કહી શકું તેમ નથી. તમે દરેક બાબતને કેટલી આસાનીથી કહી શકો છો? તો પછી તમે આ કાર્ય કરવા માટે કયા પ્રકારના કામમાં વધારો ઈચ્છો છો?” મેજર બોલ્યા.

“એકે અડતાલીસ હજારમી વખત એવી તક મળતી જોય છે જ્યારે ચંદ્ર માત્ર પાંચ માઈલના સ્પષ્ટ અંતરે જોવા મળે છે અને તેને જોવા માટેની વસ્તુનો ડાયામીટર નવ ફૂટ કરતાં પણ વધારે હોવો જરૂરી છે.”

“એનો મતલબ એમ કે આપણા ગોળાનો ડાયામીટર નવ ફૂટથી વધારે નહીં હોય.” જે ટી મેસ્ટ્ન ચિત્કારી ઉઠ્યો.

“પરંતુ મને એમ લાગે છે કે આમ થવાથી એ ઉપકરણનું વજન...” મેજર એલ્ફીસ્ટન બોલવા જતા હતા.

“પ્રિય મેજર, વજન અંગે ચર્ચા કરતા અગાઉ મને આ સંબંધે આપણા પૂર્વજોએ કેટલીક અદભુત શોધ અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરવા દો. હું એમ નથી કહી રહ્યો કે તોપશાસ્ત્ર આધુનિક નથી થયું પરંતુ હું એમ કહેવાની હિંમત જરૂરથી કરી શકું છું કે, મધ્યયુગમાં પ્રાપ્ત કરવામાં આવેલા કેટલાક પરિણામો અત્યંત ચોંકાવનારા હતા. ઉદાહરણ તરીકે ૧૪૫૩માં મહોમત બીજા દ્વારા કોન્સ્ટેન્ટીનોપલનો કરવામાં આવેલા ઘેરાવ દરમિયાન ૧૯૦૦ પાઉન્ડના પથરાઓ ફેંકવામાં આવ્યા હતા. નાઈટ્સના સમયમાં માલ્ટામાં એક તોપ એવી હતી જેણે સેન્ટ એલ્મોના કિલ્લા પર એક એવો ગોળો છોડ્યો હતો જેનું વજન ૨૫૦૦ પાઉન્ડનું હતું. પણ હવે આપણે શું કરી રહ્યા છીએ? આર્મસ્ટ્રોંગની એક તોપ માત્ર ૫૦૦ પાઉન્ડનો ગોળો છોડી શકે છે અને રોડમેનની ગન તો અડધા પાઉન્ડના ગોળા છોડીને જ થાકી જાય છે. આનો એક જ મતલબ છે કે આપણી તોપોએ દૂર દૂર સુધી ગોળા છોડી શકવાની સિદ્ધિ તો હાંસલ કરી લીધી છે પરંતુ તેને લીધે ગોળાઓનું વજન આપણે ગુમાવી ચૂક્યા છીએ. આથી જો આપણે વિજ્ઞાનની મદદથી જો સાચી દિશામાં મહેનત કરી શું તો આપણે મોહમત બીજા અને માલ્ટાના નાઈટ્સના ગોળાઓ કરતાં પણ દસગણો વજનદાર ગોળો ફેંકી શકવામાં સક્ષમ બનીશું.

“શક્ય છે. પરંતુ તમે આ માટે કયુ ધાતુ વાપરવા માંગો છો?” મેજર બોલ્યા.

“કાસ્ટ આયર્ન.” જનર મોર્ગને જવાબ આપ્યો.

“પરંતુ ગોળાનું વજન તેની પ્રબળતાના પ્રમાણમાં હોવાથી લોઢાનો એક ગોળો જેનો ડાયામીટર નવ ફીટનો હશે તેનું વજન તો ખૂબ હશે.” મેજરે જવાબ આપ્યો.

“તો પછી તે ગોળો પોલો હોવો જરૂરી છે.”

‘પોલો? તો પછી એ ગોળો નહીં પરંતુ શેલ કહેવાય.”

“હા એ જ. શેલ. એક એવો શેલ જો તે ૧૦૮ ઈંચનો હોય તો તેનું વજન ૨,૦૦,૦૦૦ પાઉન્ડ હોય. હા વજન ખરેખર ઘણું છે પરંતુ તે આપણા ઉપકરણને યોગ્ય સ્થિરતા જરૂર અપાવશે પણ હું અત્યારે તેનું વજન ૨૦૦૦૦ પાઉન્ડ હોય તેમ ઈચ્છું છું.” બર્બીકેન બોલ્યા.

“તો પછી તેની દરેક તરફની જાડાઈ કેટલી હશે?” મેજરે સવાલ કર્યો.

“જો આપણે કાયમી પ્રમાણ લઈએ તો ૧૦૮ ઇંચના ડાયામીટરવાળા શેલની જાડાઈ બે ફૂટ કે તેનાથી ઓછી હોવી જોઈએ.” મોર્ગને જવાબ આપ્યો.

“ના ના એ તો ઘણું કહેવાય. તમે બધા એક વાત સમજો કે આપણે કોઈ લોઢાને ચીરવાનું નથી અને તેની તમામ બાજુઓ ગેસનું દબાણ સતત જાળવી શકે તેનું ધ્યાન રાખવાનું છે. આથી ૨૦,૦૦૦ પાઉન્ડથી શેલનું વજન વધી ન જાય તેના માટે તેની બાજુઓની જાડાઈ કેટલી હોવી જોઈએ તેના વિષે આપણા સમજદાર સેક્રેટરી બહુ જલ્દીથી આપણને સમજાવશે.” બાર્બીકેને જણાવ્યું.

“આમ થવું જરાય સહેલું નથી.આ ગણતરી મુજબ શેલની જાડાઈ બે ઇંચથી પણ ઓછી હોવી જોઈએ.” ક્લબના સમજદાર સેક્રેટરીએ જવાબ આપતા કાગળ પર એક ગ્રાફ દોરતાં જણાવ્યું.

“પણ શું તે પૂરતી હશે?” મેજરના મનમાં શંકા હતી.

“બિલકુલ નહીં.” પ્રમુખે જવાબ આપ્યો.

“તો પછી શું કરવું જોઈએ?” એલ્ફીસ્ટનની મુંજવણ સ્પષ્ટ દેખાઈ રહી હતી.

“કોઈ બીજી ધાતુ વાપરવી જોઈએ.”

“તાંબુ?” મોર્ગને પૂછ્યું.

“ના, એ તો વધારે ભારે થઇ જાય. મારી પાસે બીજો ઉપાય છે.”

“શું?” મેજરે સવાલ કર્યો.

“એલ્યુમિનિયમ!” બાર્બીકેને જવાબ આપતાં જણાવ્યું.

“એલ્યુમિનિયમ?” તમામ લોકો આશ્ચર્ય સાથે એકસાથે બોલી ઉઠ્યા.

“કોઈ સવાલ જ પેદા નથી થતો મિત્રો. આ કીમતી ધાતુમાં ચાંદીનું શ્વેતપણું છે, સોનાની મજબુતી છે, લોઢાની મક્કમતા છે, તાંબાની જેમ આસાનીથી પીગળી જાય છે અને કાચ જેટલું હલકું પણ છે. તેને ખૂબ આસાનીથી જોઈતો આકાર આપી શકાય છે અને સરળતાથી મળી શકે છે અને લોઢા કરતા ત્રણગણું હળવું છે અને મને તો એવું લાગે છે કે તેને આપણા ગોળાના મટીરીયલ માટે જ જન્મ આપવામાં આવ્યો છે.”

“પરંતુ મારા પ્રિય પ્રમુખશ્રી, એલ્યુમિનિયમ કેટલું મોંઘુ છે એ તો જુવો?” મેજરે બાર્બીકેનને કહ્યું.

“જ્યારે એની શોધ થઇ હતી ત્યારે જરૂર તે મોંઘુ હતું પરંતુ હવે તે એક પાઉન્ડના નવ ડોલરમાં મળે છે.”

“એક પાઉન્ડના નવ ડોલર? આ પણ ઓછું તો ન જ કહેવાય.” મેજર પોતાની દલીલ પરથી પીછેહઠ કરવા નહોતા માંગતા.

“એમાં શંકાને કોઈજ સ્થાન નથી પરંતુ એવું પણ નથી કે આપણે એને ખરીદી ન શકીએ.”

“તો પછી હવે આપણા ગોળાનું વજન કેટલું હશે?” મોર્ગને સવાલ પૂછ્યો.

“મારી ગણતરીના પરિણામો આ રહ્યા. ૧૦૮ ઇંચના ડાયામીટરવાળો ગોળો જેની જાડાઈ બાર ઇંચ હોય તો કાસ્ટ આયર્નમાં તેનું વજન ૬૭,૪૪૦ પાઉન્ડ થાય પરંતુ જો તેને એલ્યુમિનિયમથી બનાવવામાં આવે તો તેનું વજન ઘટીને ૧૯,૨૫૦ થઇ જાય.

“અને એના માટે મૂડી ક્યાંથી આવશે? તમને ખબર છે એક પાઉન્ડના નવ ડોલર એટલે ગોળાની કિંમત થશે...” મેજર બૂમ પાડીને બોલ્યા.

“એકસો તોંતેર હજાર પચાસ ડોલર્સ (૧૭૩,૨૫૦). મને ખ્યાલ છે. પણ મિત્રો તમે તેની ચિંતા ન કરો, પૈસા આપણી હિંમતને નહીં રોકી શકે, હું તેનો પણ જવાબ શોધી લાવીશ. તો સજ્જનો એલ્યુમિનિયમ બાબતે તમારું શું કહેવું છે?”

“સ્વીકાર્ય છે.” કમિટીના ત્રણેય સભ્યો બોલ્યા. આમ પ્રથમ મીટીંગ પૂર્ણ થઇ. તોપગોળાનો સવાલ ખરેખર ઉકેલી દેવામાં આવ્યો હતો.