From the Earth to the Moon - 8 books and stories free download online pdf in Gujarati

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 8

તોપનો ઈતિહાસ

પ્રકરણ ૮

મીટીંગમાં પસાર થયેલા પ્રસ્તાવની અસર બાર્બીકેનના ઘરની બહાર પણ પડી. કેટલાક ડરપોક લોકો એવી ચર્ચા કરવા લાગ્યા કે આવડા મોટા ગોળાને જ્યારે ચંદ્ર તરફ છોડવામાં આવશે ત્યારે તેના ધડાકાનો અવાજ કેવો ભયંકર હશે? તો કેટલાક લોકોએ એવો સવાલ પણ ઉભો કર્યો કે શું આટલા મોટા ગોળાને જરૂરી ગતિ સાથે છેક ચંદ્ર સુધી પહોંચાડી શકે તેવી તોપ બનાવવી શક્ય છે કે નહીં? પરંતુ મિનીટ્સ ઓફ મીટીંગને જો બરોબર વાંચવામાં આવે તો આ તમામ સવાલોનો જવાબ આપમેળે મળી જતો હતો. બીજા દિવસે સાંજે મીટીંગ ફરીથી શરુ થઇ.

“મારા પ્રિય મિત્રો કોઇપણ પ્રકારની પ્રસ્તાવના કર્યા વગર આપણે આજના વિષય વિષે ચર્ચા કરીએ તો આજનો વિષય છે આપણને જરૂરી એવા એન્જીનની રચના કરવાનો, તેની લંબાઈ, તેનું ઘડતર અને તેનું વજન. એવું બની શકે કે આજની ચર્ચા બાદ આપણી સમક્ષ એક વિશાળ ગણતરી આવીને ઉભી રહે, પરંતુ ગમે તેવી મુશ્કેલી આવે આપણા તમામ પાસે રહેલી મીકેનીકલ ક્ષમતા તેને પહોંચી વળવા માટે સમર્થ છે. આપ આપના મનને એકદમ સાફ કરીને હું જે કહેવા જઈ રહ્યો છું તેને ધ્યાનથી સાંભળો અને અંતમાં તમારા કોઇપણ વિરોધને વ્યક્ત કરતા જરાપણ ઓસંખાતા નહીં. મને જવાબ આપવામાં કોઈજ ડર નહીં લાગે. આપણી સમક્ષ તકલીફ એ છે કે આપણે એક એવો શેલ બનાવવાનો છે જેનો ડાયામીટર ૧૦૮ ઈંચનો હોય, વજન ૨૦,૦૦૦ પાઉન્ડનું હોય અને તેને ૧૨,૦૦૦ યાર્ડ્સ પ્રતિ સેકન્ડની ઝડપે ફેંકી શકે તેવું એક એન્જીન પણ હોય. હવે જ્યારે આ ગોળો અવકાશમાં છોડવામાં આવે ત્યારે શું થઇ શકે છે? તેના પર ત્રણ સ્વતંત્ર શક્તિઓની અસર પડે છે. હવાનું દબાણ, પૃથ્વીનું આકર્ષણ અને તેને જે કાર્ય માટે છોડવામાં આવ્યો છે તેનું દબાણ. હવે આપણે આ ત્રણેય શક્તિઓનો અભ્યાસ કરીએ. હવાના દબાણનું એટલું મહત્ત્વ નથી. પૃથ્વીનું આકર્ષણબળ ચાલીસ માઈલથી વધારે ટકી શકતું નથી એટલે તે પાંચ સેકન્ડ સુધીજ રહેશે કારણકે આપણા ઉપકરણની ગતિ એટલી બધી હશે કે આ પાંચ સેકન્ડ પછી આ શક્તિનો કોઈજ મતલબ રહેતો નથી. ત્યારબાદ આગળ વધી ચૂકેલા શેલનું વજન આપોઆપ ઓછું થઇ જાય છે. જ્યારે પૃથ્વી પર કોઈ પદાર્થ પડે છે ત્યારે તે એક સેકન્ડમાં પાંચ ફૂટના અંતરે પડે છે. પરંતુ જો એ જ પદાર્થ ૨૫૭, ૫૪૨ માઈલ દૂર જઈને પડે, બીજા શબ્દોમાં કહું તો, ચંદ્રનું અંતર, એની પડવાની ગતી સાવ અડધી થઇ જાય છે. આ લગભગ બાકીની પરિસ્થતિ જેટલું જ થાય છે. આથી આપણું કામ એ છે કે આપણે કેવી રીતે ક્રમશ: ગુરુત્વાકર્ષણબળમાંથી આગળ જઈ શકીએ. આ કાર્યને સફળ બનાવવા માટે આપણે ઉત્તેજનાના બળને સાધવું પડશે.” બાર્બીકેને આજનો મુદ્દો આવી રીતે પ્રસ્તુત કર્યો.

“અહીં જ તકલીફ છે.” મેજરે જણાવ્યું.

“સાચું છે, પણ આપણે આ તકલીફને પણ પાર પાડીશું. ઉત્તેજનાના બળને સાધવા માટે આપણે આપણા એન્જીનની લંબાઈ તેને યોગ્ય રાખવી પડશે અને તેમાં આપણે પાઉડર કેટલો ઇસ્તેમાલ કરીશું તે નક્કી કરવું પડશે. પાઉડરનો જથ્થો તોપ ગોળો છોડવાના સમયે ઉભા થતા બળનો કેટલો પ્રતિકાર કરી શકે છે તેના પર આધારિત છે. આથી આપણું આજનું કાર્ય એ છે કે આપણે આપણી તોપનું કદ કેટલું રાખીશું.” બાર્બીકેને મેજરને જવાબ આપતાં કહ્યું.

“આજની તારીખ સુધી આપણી એકપણ તોપ ક્યારેય પચ્ચીસ ફૂટથી લાંબી બની શકી નથી. આથી આપણે જે કદની તોપ બનાવવા જઈ રહ્યા છીએ તેનાથી આપણે સમગ્ર વિશ્વને અચંબામાં જરૂર નાખી દઈ શકીશું. એ બાબત એટલીજ સત્ય છે કે આવડી મોટી તોપ બનાવીશું જેની લંબાઈ ખરેખર ખૂબ વધારે હશે તેમાંથી છોડવામાં આવનાર ગોળાની તાકાત પણ ખૂબ વધારે હશે આથી આપણે એક મર્યાદાની બહાર જઈશું તો તેનો આપણને કોઈજ ફાયદો નહીં થાય.” બાર્બીકેને પોતાની વાત આગળ ચલાવી.

“બરોબર છે. તો પછી આવી બાબતોમાં શું નિયમ હોય છે?”

“સામાન્યરીતે એક તોપગોળાના ડાયામીટર કરતા તોપની લંબાઈ વીસ કે પચ્ચીસ ગણી હોય છે અને તેનું વજન ગોળા કરતાં બસો પાંત્રીસ કે બસો ચાલીસ ગણું હોય છે.”

“એ પુરતું નથી.” જે ટી મેસ્ટ્ન ઉગ્ર થઈને બોલ્યો.

“હું તારી સાથે સહમત થાઉં છું મિત્ર. જો આ જ ગણતરીને ધ્યાનમાં લઈએ તો નવ ફૂટના ડાયામીટર અને ૩૦, ૦૦૦ પાઉન્ડના વજનવાળા ગોળાને છોડવા માટે આપણી પાસે બસો પચીસ ફૂટ લાંબી તોપ હોવી જોઈએ જેનું વજન ૭,૨૦૦,૦૦૦ પાઉન્ડનું હોય.”

“બકવાસ કહેવાય, આ તો એક પિસ્તોલ જેવું લાગશે.” મેસ્ટ્ને ફરીથી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો.

“મેં પણ એમ જ વિચાર્યું હતું. અને આથી જ હું આ લંબાઈને ચારગણી કરવાનો પ્રસ્તાવ મુકું છું જેથી આપણે નવસો ફૂટની તોપ બનાવી શકીએ.” બાર્બીકેને મેસ્ટ્નને જવાબ આપતા જણાવ્યું.

જનરલ અને મેજરે આ અંગે કેટલાક વાંધા દર્શાવ્યા પરંતુ સેક્રેટરીએ આ પ્રસ્તાવને જોરદાર સમર્થન આપતાં આ પ્રસ્તાવ પણ સ્વીકારી લેવામાં આવ્યો.

“ઠીક છે, પરંતુ તેની જાડાઈ આપણે કેટલી રાખવી પડશે?” એલ્ફીસ્ટન બોલ્યા.

“તેની જાડાઈ છ ફૂટની હશે.” બાર્બીકેને જવાબ આપ્યો.

“મને ખાતરી છે કે તમે આવડા પ્રચંડ મશીનને કોઈ વાહન પર મુકવાનું જરાય વિચારી નથી રહ્યા.” મેજરે બાર્બીકેનને પૂછ્યું.

“હા પણ એ વિચાર સાવ ખોટો નથી.” મેસ્ટ્ન પણ જોડાયો.

“પણ વ્યવહારિક રીતે એ શક્ય નથી. હું આ તોપને જમીનમાં જ ખોડી દેવા માંગું છું જેની આસપાસ ઘડેલા લોઢાના પટ્ટા જોડાયેલા હોય અને પછી તેના પર પથ્થર અને સિમેન્ટનું મજબૂત બાંધકામ કરવામાં આવ્યું હોય. આ વસ્તુ જ્યારે બની જાય ત્યારે તેના પર અત્યંત ચોકસાઈથી કાણું પાડવામાં આવશે જેથી એ કોઇપણ પ્રકારના દબાણને રોકી શકે. આમ થવાથી ગેસ અને પાઉડરને કારણે થયેલા ધડાકા થી છોડવામાં આવેલા ગોળાને લીધે કોઈજ વધારાનું નુકશાન ન થાય.”

“એક સરળ સવાલ કરું? શું આપણી તોપ ટ્રીગરવાળી હશે?” એલ્ફીસ્ટને પૂછ્યું.

“બિલકુલ નહીં, તમને ખબર જ છે કે આપણને જબરદસ્ત ગતિ જોઈએ છીએ અને જો ટ્રીગરવાળી ગનથી આપણો ગોળો છોડવામાં આવે તો આપણને જોઈતી ગતિ મળશે નહીં.” બાર્બીકેને જવાબ આપ્યો.

“સાચી વાત છે.” મેજરે પણ પોતાનો સૂર પૂરાવ્યો.

આ સમયે ચા અને સેન્ડવીચ માટે મીટીંગ થોડા સમય માટે રોકાઈ ગઈ.

“તો મિત્રો, હવે આપણે કયુ ધાતુ વાપરવું છે એ નક્કી કરવું જોઈએ. આપણી તોપ એવી હોવી જોઈએ જેની પાસે મજબૂતાઈ હોય, તે કઠણ હોય, અતિશય ગરમીની તેના પર કોઈ અસર ન થાય, અભેદ્ય હોય અને કાટ કે કોઇપણ પ્રકારના એસીડથી તે નબળી ન પડી જાય એવી પણ હોવી જોઈએ.” વિરામ બાદ મીટીંગ ફરીથી શરુ કરતા બાર્બીકેન બોલ્યા.

“આ બાબતે કોઈજ શંકા ન હોવી જોઈએ. આપણે એવું ધાતુ વાપરવું જોઈએ કે જેનાથી આપણને બાદમાં કોઈ અફસોસ થાય.” મેજરે જવાબ આપ્યો.

“તો પછી આપણે વધારે કોપર, થોડું ઓછું ટીન અને તેનાથી ઓછું બ્રાસ એમ ત્રણ ધાતુઓનું મિશ્રણ કરીને તોપ બનાવવી જોઈએ.” મોર્ગન બોલ્યા.

“વાત બિલકુલ સાચી છે. આ મિશ્રણે અત્યારસુધી અદભુત પરિણામો આપ્યા છે, પરંતુ આપણા માટે તેનો ખર્ચો પોસાય તેવો નથી, આથી મને લાગે છે કે આપણે એવું ધાતુ વાપરવું જોઈએ જે આપણા કામ માટે શ્રેષ્ઠ હોવા ઉપરાંત આપણને પોસાય તેવું પણ હોવું જોઈએ, કાસ્ટ આયર્ન વિષે તમારી શી સલાહ છે મેજર?” પ્રમુખ બર્બીકેને મંતવ્ય આપ્યું.

“હું તમારી વાત સાથે સંપૂર્ણપણે સહમત છું.” એલ્ફીસ્ટનનો જવાબ આવ્યો.

“હકીકત તો એ છે કે કાસ્ટ આયર્ન કાંસા કરતા દસગણું સસ્તું છે, તેનું કાસ્ટિંગ કરવું અત્યંત સરળ છે, તે માટીના મોલ્ડમાં પણ સારીરીતે ઢળી શકે છે અને તેને મનગમતા આકારો પણ આપી શકાય છે અને નાણાની દ્રષ્ટિએ પણ ખૂબ સારું છે. આ ઉપરાંત તેની શ્રેષ્ઠતા વિષે કોઈજ શંકા કરી શકાય એમ નથી. મને યાદ છે કે એટલાન્ટાના ઘેરાવ વખતે સતત વીસ મિનીટ સુધી કોઇપણ ઈજા વગર કેટલીક કાસ્ટ આયર્ન તોપોએ એક હજાર ગોળાઓ છોડ્યા હતા.” બાર્બીકેને પોતાની વાત આગળ વધારી.

“પણ કાસ્ટ આયર્ન બરડ બહુ હોય છે.” મોર્ગને ચિંતા જતાવી.

“હા, પરંતુ તેનું ટકાઉપણું પણ એટલુંજ સારું હોય છે. હું હવે આપણા હોશિયાર સેક્રેટરીને કહીશ કે તેઓ એક એવી કાસ્ટ આયર્નથી બનાવેલી તોપનો ખર્ચો આપણને ગણીને કહે જે નવ ફૂટનો ડાયામીટર અને છ ફૂટની જાડાઈવાળા મેટલના ગોળાને છોડી શકે.”

“બસ એક મિનીટ.” મેસ્ટ્ને કહ્યું અને પછી કેટલાક બીજગણિતના સુત્રો ફટાફટ ગણીને તેને નીચે મુજબનું પરિણામ ઘોષિત કર્યું.

“તોપનું વજન ૬૮,૦૪૦ ટનનું હશે અને એક એક પાઉન્ડના બે સેન્ટ પ્રમાણે તેના પર કૂલ ખર્ચ આવશે....

બે મિલિયન પાંચસો એકહજાર સાતસોને એક ડોલર્સ.”

આ સાંભળીને મેસ્ટ્ન, મેજર અને જનરલ પણ બાર્બીકેનની અસહજતા સાથે સહમત થયા.

“મિત્રો, મેં ગઈકાલે જે કહ્યું હતું તે હું આજે ફરીથી કહું છું, ગમે તેટલા નાણાનો ખર્ચ થાય પરંતુ તે આપણને રોકી શકશે નહીં.” બાર્બીકેનની આ ખાતરી મળ્યા બાદ કમિટી બીજે દિવસે સાંજે ફરીથી મળવાનું નક્કી કરીને છૂટી પડી.