Rameshwaram books and stories free download online pdf in Gujarati

રામેશ્વરમ

રામેશ્વરમ

શ્રાવણ મહિનો શરુ થયો તેના ત્રણ દિવસ પહેલા અચાનક જ મમ્મી પપ્પા સાથે એવું નક્કી થયું કે ચલો રામેશ્વર જૈયે, પહેલા તો એવું લાગ્યું કે એકદમ તો ટીકીટ કેવી રીતે મળશે? કેટલા દિવસનો પ્લાન કરીશું? હોટેલ બુકિંગ ક્યાંથી કરાવીશું અને આવા અનેક વિચારો આવતા હતા ત્યાં જ મમ્મીનો ફોન આવ્યો કે બેટા ટીકીટ લઇ લીધી છે અને મારા તરફથી પ્રશ્નોની જડી શરુ થઇ કે મમ્મી કઈ તારીખની ટીકીટ લીધી? કેટલા દિવસ જવાનું છે? કન્ફર્મ તો છે ને? અને એવું બધું. મમ્મીએ શાંતિથી કહ્યું કે આજ ૩૦ તારીખ છે અને આપણી ટીકીટ ૨ તારીખની છે અને કન્ફર્મ મળી છે.

પહેલા તો માનવામાં જ ના આવ્યું કે ટીકીટ કન્ફર્મ મળી છે અને એ પણ ફક્ત ૨ દિવસ પછીની અને બીજી વાત એ હતી કે મેં તો મમ્મી પાપા સાથે બસ એમ જ વાત કરેલી કે આપણે રામેશ્વર જઈશું, ત્યાં તો ટીકીટ પણ આવી ગઈ. લગ્નના ૮ વર્ષ પછી પહેલી વખત પતિદેવને લીધા વિના ફક્ત મમ્મી,પાપા,માસી, હું અને મારી ૪ વર્ષની દીકરી જઈ રહ્યા હતા. એક અલગ જ રોમાંચ થતો હતો મનમાં. પણ ફક્ત ૨ દિવસમાં બધું મેનેજ કરવું અઘરું લાગતું હતું પણ કહેવાય છે ને કે મન હોય તો માળવે જવાય. એમ અમારી પણ માનસિક યાત્રાની શરૂઆત થઇ ગઈ. કયા કપડા લઈશ થી માંડીને ત્યાં આપણને હોટેલ તો મળી જશે ને? નાસ્તો કોણ શું લેશે થી માંડીને વરસાદ તો નહિ નડે ને ? આવા પ્રશ્નો માનસપટ પર આવતા હતા કારણ કે આ તરત જ નક્કી કરેલી ટુર હતી. મારા લગ્ન પહેલા પણ મમ્મી પપ્પા સાથે અમે ક્યારેય પેકેજ ટુર માં નથી ગયેલા. બસ આમ અચાનક જ નક્કી કરીને નીકળી પડવાનું, બધે બધું મળી જ જાય અને થઇ જ જાય. આમ તો મમ્મી, પાપા અને માસી સાથે હતા એટલે આપણા રામને તો કોઈ જ ટેન્શન ના હતું, નાસ્તો પણ એ લોકો લાવે, પાણીની વ્યવસ્થા પણ એ લોકો કરે,આપણે તો બસ જલસા. કોઈ જ જાતનું મેનેજમેન્ટ ના કરવું પડે તેની પણ એક અલગ જ મજા છે.

મારા ભાગે આવેલ કામ એટલે કે ફક્ત મારું અને વેદાંશીનું પેકિંગ કરી દીધુ અને જેમ ખુશીની ક્ષણોને આવતા વાર ના લાગે એમ અમારા જવાનો દિવસ પણ આવી ગયો. આપણે ગુજરાતથી રામેશ્વર જવા માટે એક સીધી ટ્રેન છે ઓખા રામેશ્વરમ એક્ષ્પ્રેસ જે દર મંગળવારે ઓખાથી ઉપડે છે અને ગુજરાતના મહત્વના દરેક શહેરને કવર કરતી જાય છે. મમ્મી-પાપા સુરેન્દ્રનગરથી બેસ્યા, હું અમદાવાદથી બેઠી અને માસી સુરતથી. ટ્રેનમાં સફર કરવી એટલે એ પોતાના માં જ એક વિશેષતા છે. સતત સરકતી જતી ટ્રેન સાથે આપણા કઈ કેટલાયે સંભારણા હોય છે. ટ્રેનની સફરમાં આપણને જાત સાથે વાત કરવાનો અને જાત સાથે સમય વિતાવવાનો સમય મળે છે. ટ્રેનની સફર દરેક વ્યક્તિ માટે એક અલગ જ અનુભવ હોય છે. દર પાંચ દસ મીનીટે સતત પેન્ટ્રી કાર માંથી બધું વેચાવા આવવું, દરેક સ્ટેશનની કૈક અલગ જ સ્પેશ્યાલીટી હોય તે આપણે ખાવું, કૈક અલગ જોવા મળે એટલે ચાખવું, સામાન્ય રીતે મારો પેન્ટ્રી કારની વસ્તુમાં એવો અનુભવ રહ્યો છે કે તેમાં કૈક અલગ પ્રકારની જ વાસ આવે છે એટલે હું એ નથી ખાઈ શકતી એટલે આ વખતે અમે લોકો એ રેલ્વે મીનીસ્ટ્રી દ્વારા શરુ થયેલ નવું સ્ટાર્ટ અપ ‘રેલ આહાર’ દ્વારા જ જમવાનું મંગાવ્યું અને તેનો અનુભવ ખુબજ સારો રહ્યો. તેના માટે આ નામની જ મોબાઈલ એપ છે જે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ થાય છે અને તેના દ્વારા ઓર્ડર આપી શકાય છે, જેમાં પહેલા આપણો પી.એન.આર નંબર નાખવાનો હોય છે જેથી જે તે સ્ટેશનનાં ઓપ્શન અને ત્યાં શું મળશે તે બતાવે છે. જેમાં પેમેન્ટના ૩ ઓપ્શન છે જેમાનો એક છે કેશ ઓન ડિલીવરી જેમાં જે તે વ્યક્તિ આપણી સીટ પર આવીને વસ્તુ આપી જાય અને ત્યારે જ આપણે રૂપિયા આપી દેવાના. આમ, કૈક નવું કરતા રહેવાની પણ મજા છે.

આમ, અમારી ટ્રેન સતત સરકી રહી હતી, આ ટ્રેનનો પ્રવાસ એટલે લગભગ ૩ દિવસનો પ્રવાસ છે પણ મજાનો પ્રવાસ છે. એક પછી એક સ્ટેશન આવતા જાય છે. જેમ જેમ આપણું ગુજરાત પૂરું થતું જાય તેમ તેમ આપણને ચોખ્ખાઈ દેખાય. કેટલા ચોખ્ખા અને સુંદર સ્ટેશન હોય છે. નાનકડા સ્ટેશન પણ ખુબ જ સરસ રીતે મેઈન્ટેન કરેલા હોય છે. કૈક અલગ જ ફિલ થાય અને આટલા સુંદર સ્ટેશન અને તેની બહારના વિસ્તારને પણ આપણે જ કચરો ફેલાવીને બગાડીએ છીએ. આ વખતે મે અને મારી દીકરીએ નક્કી કર્યું કે આપણે જેટલા લોકોને ટ્રેનમાંથી બારી બહાર કચરો ફેકતા જોઈશું તેમને યાદ કરાવીશું કે આપણે પણ સ્વચ્છ ભારત અભિયાનનો એક ભાગ છીએ અને ચોખ્ખાઈની શરૂઆત આપણાથી જ થાય. અમે અમારાથી બનતા પ્રયત્ન કર્યા પણ બહાર બગાડી શકાય તેવી માન્યતા એ બધાની માનસિકતા બની ગઈ છે પણ તેમ છતાં જેટલું થયું એ સારું થયુ. આમ, ખાવાનું, પીવાનું, સુઈ જવાનું, રેડીઓ પર ગીત સાંભળવાના અને સરકતા જતા કુદરતી દ્રશ્યો માણવાના, એમ કરતા કરતા ત્રીજા દિવસે સાંજે રામેશ્વર આવવાનું હતું તેના પહેલા અમને એક માણસએ કહ્યું કે જે બ્રીજ પરથી ટ્રેન જશે એ આખો દરિયા પર બાંધવામાં આવેલો છે અને અમારા માનસ પટલ પર તેની છબી પડવાની શરૂઆત થઇ ગઈ. અમે સતત રાહ જોઈ રહ્યા હતા કે આ દ્રશ્યને અમે આંખમાં જીલી શકીશું કે નહિ, પણ અંધારું થઇ ગયું હતું અને ત્યાં જ એ ઐતિહાસિક ૨.૩૫ કી.મી લાંબા પામ્બન બ્રિજની શરૂઆત થઇ. બસ અંદરથી કૈક અલૌકિક લાગી રહ્યું હતું, અંધારામાં સરખું દેખાતું નહતું એટલે લોકો મોબાઈલની ટોર્ચથી બહાર લાઈટ કરવાની ટ્રાય કરી રહ્યા હતા અને આ રેલબ્રિજની પેરેલલ જ થોડી ઉચાઇ પર વાહનો માટે નો બ્રીજ છે. મારું મન કૈક અલગ જ વિચારે ચડી ગયું હતું કે આટલો લાંબો બ્રીજ અને એ પણ ૧૯૧૪ ની સાલમાં બનાવવો એ કેટલુ અઘરું કાર્ય હશે. પામ્બન બ્રીજ ઐતિહાસિક એટલા માટે કહેવાય છે કારણ કે એ ભારતનો પ્રથમ દરિયા પરનો બ્રીજ છે અને ૨૦૧૦માં બાંદ્રા સી-લીંક બન્યું ત્યાં સુધી ભારતનો દરિયા પર બંધાયેલ લાંબામાં લાંબો બ્રીજ પણ એ જ હતો અને આ બ્રીજ પર ટ્રેન ચલાવવી એ પણ કેટલું રિસ્કી, મને તો લાગે છે કે જરૂરથી એ સમયે ભગવાન જ મદદ કરતા હશે. તે વ્યક્તિઓ ખરેખર કાબિલ એ તારીફ છે જે આ બ્રીજ ઉપર ટ્રેન ચલાવે છે. આમ અમે રોમાંચ તથા ભક્તિથી ભરેલા રામેશ્વરમના સ્ટેશન પર ઉતર્યા.

મમ્મી પપ્પા એ પહેલાથી જ રેલ્વે રીટાઈરીંગ રૂમમાં બુકિંગ કરાવેલું હતું જેથી અમારે ફક્ત ૨ મીનીટના અંતરે જ જવાનું હતું. રેલ્વે રીટાઈરીંગ રૂમમાં બુકિંગ કરાવવું એ ઘણું સલાહભર્યું છે, જો પ્રમાણમાં ઓછી સગવડતા વાળા રૂમ ચાલતા હોય તો ભારતમાં દરેક મોટા સ્ટેશને રેલ્વે રીટાઈરીંગ રૂમ હોય છે જેનું ઓનલાઈન બુકિંગ પણ થાય છે અને દરેક મોટા સ્ટેશનથી પણ તેનું બુકિંગ થાય છે જેનું ભાડું ખુબ જ રીઝનેબલ પણ હોય છે. મોટા શહેરોમાં તો ઘણા સારી રીતે મેઈન્ટેઈન થાય છે આવા રૂમ. કદાચ નાના સેન્ટરોમાં ઓછી સગવડતાઓ હોય. પણ અમને ઘણું સારું લાગ્યું કે અમારે રૂમ શોધવાનો નથી. અમારો સામાન રૂમમાં રખાવીને અમે જમવા ગયા. રામેશ્વરમના સ્ટેશનની બહાર જમવા માટેની કોઈ સારી વ્યવસ્થા નથી, છૂટી છવાઈ એકાદ બે નાનકડી હોટેલ જ્યાં ફક્ત ઈડલી સાંભાર મળતા હતા, અને ત્યાં એક હોટેલ હતી જ્યાં પંજાબી જમવાનું મળતું હતું એટલે અમે ત્યાં ગયા. જમીને અમારે ફક્ત ૨ થઈ ૩ કલાક સુવાનું હતું કારણ કે અમારે ૨ વાગ્યાથી મંદિરનાં દ્વાર પાસે ‘મણી દર્શન’ માટે લાઈનમાં બેસવાનું હતું.

અમે સ્ટેશનથી ૧.૩૦ વાગે મંદિરે જવા રિક્ષામાં બેસ્યા તેણે અમને એક જગ્યાએ ઉતાર્યા જ્યાંથી ચાલતા જ અંદર જવાનું હતું. ત્યાં દુરથી જ મંદિર નો સોનેરી ગુંબજ દેખાતો હતો જે ચમકી રહ્યો હતો. આખા રસ્તામાં લોકો જ્યાં જગ્યા મળે ત્યાં સુઈ ગયા હતા, આખું અલૌકિક વાતાવરણ લાગતું હતું.‘મણીદર્શન’ એટલે મંદિરમાં અંદર જ સ્ફટિકનાં શિવલિંગ પર અભિષેક થાય અને ત્યારબાદ બધાને દર્શન માટે લાઈનમાં અંદર જવાનું. અમે સૌ પ્રથમ પહોચી ગયેલ એટલે લાગ્યુંકે અમને આગળ બેસવા મળશે અને સરસ દર્શન થશે. ૨ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી ત્યાં ઉભા રહેલા ને થોડી થોડી વારે બેસતા ભક્તોની આસ્થા કેટલી હશે? સતત શિવ સ્તોત્ર બોલાતા હતા, ભારતના દરેક રાજ્યમાંથી લોકો આવેલા દરેકને બસ શિવને પામવા હતા, ગમ્મે તેટલી રાહ જોવડાવે પણ પછી તો દર્શન આપશે ને. આમ ૫ વાગે દ્વાર ખુલ્યા લોકો ધક્કા મુક્કી કરીને આગળ જવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા, ૫૦ રૂપિયાની ટીકીટ લેવાની અને પછી ખુબ જ ગોળ ગોળ ફરીને દર્શન કરવાના. ખુબ જ ધક્કામુક્કીના અંતે ફક્ત ૧ મિનીટ સ્ફટીકના શીવલિંગના દર્શન થયા. આ પહેલા જ્યારે લગભગ ૬ વર્ષ પહેલા હું ગઈ ત્યારે થોડું અલગ હતું ત્યારે અંદર ગભારામાં જેટલા લોકો બેસી શકે એટલા લોકોએ બેસવાનું અને બધાની સામે જ સ્ફટિક શિવલિંગ પર અભિષેક થાય અને સતત ૧ કલાક અંદર બેસી રહેવાનું અને એ જે અનુભવ હોય તે અવર્ણનીય હોય છે આજે પણ આંખમાંથી એ દ્રશ્ય જતું નથી.કદાચ શ્રાવણ મહિનાની ભીડના કારણે, અથવા તો હવે કદાચ આ જ સીસ્ટમ હશે એ પ્રમાણે અમને દર્શન થયા. પછી ત્યાં ગભરામણ જેવું લાગતું હતું. પથ્થરોનાં બનેલા મંદિરમાં હવા ઓછી મળવાના કારણે એવું લાગે છે. અમે ત્યાંજ બેસી રહ્યા જેથી કલાકમાં જ અમે મેઈન શિવલિંગના દર્શન કરીને જ બહાર નીકળીએ.

બાર જ્યોતિર્લીંગમાં નું એક એટલે રામનાથસ્વામી મંદિર. ૧૨મી સદીમાં બનાવાયેલ આ મંદિરને જો જીણવટ પૂર્વક જુઓ તો અભિભૂત થઇ જાવ. આવું મંદિર ૧૨મી સદીમાં એટલેકે જ્યારે કોઈ જ ટેકનોલોજી કે વાહન વ્યવહાર કે એવું કશું જ નહોતું ત્યારે બનાવવું કેટલું અઘરું હશે. જો આસ્તિક હોય તો એવું માનવું રહ્યું કે ભગવાનની કૈક તો કૃપા હશે તો જ આ મંદિર બનાવવું શક્ય બન્યું હોય અને જો નાસ્તિક હોય તો પણ એટલું માનવું પડે કે કોઈક એવી શક્તિ તો હશે જ જે તે સમયે કે આવું મંદિર રચાયું.

તેની કથા પ્રમાણે તો એવું કહેવાય છે કે રામ ભગવાન આ જગ્યાએ રાવણ ને હણતા પહેલા શિવની આરાધના કરવા આવતા અને તેમણે હનુમાનજીને કહ્યું કે હિમાલયથી સૌથી મોટું શિવલિંગ અહી લઇ આવે, પણ તેમને આવતા વાર લાગી એટલે સીતા મૈયા એ દરિયાની રેતીથી આ શિવલિંગ બનાવ્યું જે આજની તારીખ એ જ સ્થિતિમાં છે અને હનુમાનજી જે શિવલિંગ લાવ્યા જેને વિશ્વલિંગમ તરીકે ઓળખાય છે તેની પણ સ્થાપના થઇ અને રામ ભગવાનએ પહેલા એની પ્રાર્થના કરી કારણ કે હનુમાનજી એ લઇ આવ્યા હતા અને તે પ્રથા આજે પણ ચાલુ જ છે. રામનાથસ્વામી મંદિરમાં ૨૨ કુંડ આવેલા છે જેને તીર્થમ કહેવાય છે અને તેમાં નાહવાનું માહાત્મય છે એટલે ત્યાંથી તીર્થમમાં નહાવા માટેની ટીકીટ લઇને દરેક કુંડ પાસે જવાનું હોય છે જ્યાં આપણા ઉપર ડોલથી પાણી નાખે એમ ૨૨ કુંડમાં નહાઈને ત્યારબાદ મંદિરની બહાર જઈને સીધા જ જતા દરિયો આવે છે જ્યાં નાહી શકાય છે. વ્યવસ્થા સારી કરવામાં આવી છે પણ દરિયાની પૂજા કરવાના હેતુથી લોકો ત્યાં ખુબ જ ગંદકી ફેલાવે છે. ફૂલોના હાર, ગુલાલ, કંકુ, શ્રીફળ જેવી વસ્તુઓ ત્યાં વેચાય છે લોકો દરિયામાં આ વસ્તુઓ નાખે એટલે તણાઈને પાછી કિનારે જ આવે પણ તેમાં છતાં આ જગ્યાએ નહાવાનો લહાવો લેવા જેવો તો ખરો જ. આ દરિયામાં કૈક અલગ પ્રકારના જ વાઈબ્રેશન આવતા લાગે. ત્યાં ૫ મીનીટમાં ફોટો પ્રિન્ટ આપી દે તેવા ફોટોગ્રાફરો પણ ઉભા હોય છે જે એક કોપીના ૫૦ રૂપિયા લેખે આપણા સંભારણાઓને ફોટામાં ઢાળીને આપે છે. અહી નહાતા વખતે એવું લાગે જાણે કે એક ઉજાશ વ્યાપી રહ્યો છે આપણામાં અને પછી ફરી મંદિરમાં એજ રીતે હજારો લોકોની લાઈનમાં જઈને દર્શન કરીને પોતાને ધન્યતા પ્રાપ્ત કરાવવા અમે પણ પહોચી ગયા ફક્ત ૧ મિનીટ દર્શન થયા પણ બસ એ પુરતું હતું. શિવ ફક્ત શિવલિંગમાં જ નથી એક એક કણ માં છે ત્યાં. બસ શિવમય થવાનો અવસર મળ્યો અને એ પણ અચાનક. કૈક પૂર્ણતા અનુભવાઈ રહી હતી ત્યાં. કૈક વિશેષ આનંદ થઇ રહ્યો હતો. કૈક પામ્યાનો, કૈક મળ્યાનો એ આનંદ.

મંદિર માંથી બહાર નીકળ્યા તો કૈક જુલુશ નીકળી રહ્યું હતું, ખુબ જ કર્ણપ્રિય કર્ણાટકી સંગીત સંભળાઈ રહ્યું હતું. ત્યાના સંગીતની વિશેષતા એ છે કે ત્યાં શરણાઈ નો ખુબ જ સારી રીતે ઉપયોગ થાય છે. બીજા પણ અનેક વાજિંત્રો હતા અને એક અલગ જ પ્રભાવ હતો. કદાચ રામકૃષ્ણ મઠ દ્વારા નીકળેલા એ જુલુશને બસ અચાનક જ માણવા મળ્યું. અમે ગયા ત્યારે ત્યાં તહેવાર ચાલતો હતો, જેમાં રામ-સીતાના વિવાહ અને બીજા તેને લગતા જ તહેવારો હતા તેથી રામેશ્વરમની રોનક જ કૈક અલગ લાગી રહી હતી અને તેથી એ દિવસે મંદિર પણ આંખો દિવસ બંધ રહ્યું હતું અને છેક સાંજે ૭ વાગે ખૂલવાનું હતું. અમે ઓટો વાળાને પૂછ્યું કે રામ-સીતાના વિવાહના કારણે શિવ મંદિર પણ બંધ રહે તો તેણે ખુબ જ સહજતાથી કહ્યું કે કેમ શિવને એમણે વિવાહમાં ના બોલાવ્યા હોય? કેટલી સાહજીક વાત છે ને ભગવાન ભગવાનને પણ સંબંધ તો હોય જ ને.

મંદિરની બહાર જ મોટી માર્કેટ આવેલી છે જ્યાં અલગ-અલગ પ્રકારના શંખ, છીપલાઓ અને શંખથી બનાવેલા અરીસાઓ, અને એ જ પ્રકારની બીજી અનેક વસ્તુઓ મળે છે. શંખમાં ત્યાની વિશેષતા એ છે કે ત્યાં દક્ષીણાવર્તી શંખ મળે છે જે ફક્ત રામેશ્વરમના દરિયામાંથી જ પ્રાપ્ત થાય છે જે પૂજામાં ,ભગવાનના અભિષેક માટે કે શો પીસ તરીકે પણ રાખી શકાય છે અને તેનું ઘણું મહત્વ છે. રામેશ્વરમની બીજી વિશેષતા એ છે કે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલકલામ પણ અહીના જ રહેવાશી હતા. તેમના ભાઈઓ અત્યારે ‘કલામ સી શેલ’ નામની રામેશ્વરમના પ્રમાણમાં એકમાત્ર મોટી દુકાન ચલાવે છે જ્યાં અનેક પ્રકારની અલગ અલગ વસ્તુઓ મળે છે. આમ પ્રોપર રામેશ્વરમની અમારી યાત્રા અહી પૂરી થાય છે. બીજા ભાગમાં રામેશ્વરમની આસપાસના સ્થળોને આવરી લઈશુ.