Akbandh Rahashy - 3 in Gujarati Fiction Stories by Ganesh Sindhav (Badal) books and stories PDF | અકબંધ રહસ્ય - 3

અકબંધ રહસ્ય - 3

એકબંધ રહસ્ય

ભાગ - 3

Ganesh Sindhav (Badal)

આજે રવિવારની રજા હતી. રૂમનાં બારણાં બંધ રાખીને સુરેશ બપોરની રસોઈ બનાવતો હતો. એણે લેંઘો અને બનિયન પહેર્યા હતાં. ડોરબેલ વાગ્યો. એણે બારણું ખોલ્યું. સામે બે મુસ્લિમ બાનુઓ ઊભી હતી. એમાંની એકે પૂછ્યું, “સર! અંદર આવીએ ?” સુરેશે એમને આવકાર આપ્યો. એણે હાથ લંબાવીને સોફા પર બેસવા કહ્યું. એ બંને બાનુઓએ સ્ત્રી સહજ સંકોચથી બેઠક લીધી.

એમાંની એક બાનુએ કહ્યું, “સર! અમે આપની વિદ્યાર્થીનીઓ છીએ. મારું નામ નજમા છે. ને આનું નામ રઝિયા છે, અમે બંને થર્ડ ઈયરમાં ભણીએ છીએ.”

“હા, હું તમને સારી રીતે જાણું છું.”

સર! ગયા ગુરુવારે આપે આપના લેક્ચરમાં કહ્યું હતું કે, “હિન્દુ મુસલમાનનાં તોફાનો સત્તા હાંસલ કરવા માટે રાજકીય પક્ષો કરાવે છે. તોફાનોના કારણે અનેક પરિવારનાં બાળકો નિરાધાર બને છે. જાનમાલ અને લુંટથી દેશને પારાવાર નુકસાન ભોગવવું પડે છે. રાજકીય પક્ષોની આ મેલી રમતના ખેલ મેં મારી જાતે જોયા છે.”

રઝિયા કહે, “સર! વર્ગખંડમેં તમે તોફાનોની વાત અધુરી છોડી હતી. એ અધુરી વાત પુરેપુરી સાંભળવા માટે અમે અહીં આવ્યાં છીએ.” એણે પોતાની વાત આગળ લંબાવી. “સર! ગાંધી શતાબ્દીના હુલ્લડમેં મારા અબ્બાજાન ને અમ્મીની કતલ તીક્ષ્ણ હથિયાર વડે થઈ હતી. હું એમની એકની એક બેટી છું. હાલ મારી માસીના ઘરે રહીને અભ્યાસ કરું છું. મારા શિક્ષણનો ખર્ચ મહિલા સેવાનું કામ કરતી હિન્દુ સંસ્થા આપે છે.”

સર! આપે કહેલી એ વાતો અમને ગમી છે. એથી અમે હિંમત કરીને આપને મળવા આપના ઘરે આવ્યાં છીએ, એની જાણ અમારી જમાતના લોકોને થશે તો એ અમને નિરાંતે જીવવા નહીં દે. એણે આગળ કહ્યું, “મને એ બધાં કહેશે તારા અબ્બાજાન અને અમ્મીના હત્યારાને ઘરે શા માટે ગઈ હતી? અમારો અભ્યાસ પણ એ લોકો છોડાવી શકે છે.”

“સર! હિન્દુઓમાં તમારા જેવા ભલા માણસો છે એથી તો અમારો વિશ્વાસ ટકી રહ્યો છે. અમારામાં પણ તમારા જેવા સારા માણસ હોય છે. એમાંના એક પ્રોફેસર હમીદ પાનવાલા છે. એ અમને આગળ અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન આપ્યા કરે છે. અમે બંને એમ.એ. થયા પછી કોલેજની અધ્યાપિકા બનવા માંગીએ છીએ. એમાં તમારું માર્ગદર્શન મળે એવી અપેક્ષા છે.”

રઝિયાની આંખોમાં સુરેશની છબિ અલપઝલપ રીતે ઝડપાતી હતી. એજ રીતે સુરેશ ફરતી દ્રષ્ટીએ રઝિયાને જોઈ લેતો. શહેરમાં આવીને સુરેશે ‘કટી પતંગ’ નામની ફિલ્મ જોઈ હતી. એની હિરોઈનના રૂપનિધિમાં સહજતાથી રઝિયાના રૂપનું નિરૂપણ થતું હતું.

વાતને વળાંક આપવાના હેતુથી રઝિયાએ રસોડા તરફ જોઇને સુરેશને પૂછ્યું, “સર! તમે જાતે રસોઈ બનાવો છો ? તમારા વાઈફને શા માટે બોલાવતા નથી ? જો તમને વાંધો ન હોય તો તમારી અધુરી મુકેલી રસોઈ અમે પકાવી આપીએ.” રઝિયાના આ પ્રશ્નોનો ઉત્તર સુરેશે હા-ના કરતા ટાળી દીધો. વચ્ચે નજમા બોલી “સર! હવે અમે જઈએ.” સુરેશે ડોકું હલાવીને હકાર ભણ્યો. બંને ઊભી થઈને દરવાજા બહાર નીકળી ગઈ. એમના ગયા પછી સુરેશ ઘણીવાર સુધી સુનમુન બેસી રહ્યો. છેવટે અધુરી મુકેલી રસોઈ આટોપીને એ જમવા બેઠો. જમતા જમતા એની દ્રષ્ટિ રોડ પરના ઝાડની ડાળખીએ લટકી રહેલા પતંગ પર ગઈ. એણે રઝિયાની પરિસ્થિતિ એ લટકતા પતંગ જેવી લાગી. પોતાના અબ્બાજાન અને અમ્મીની કતલ કરનાર હિન્દુ સમાજ માટે રઝિયાના મનમાં નફરત નહોતી. એના શિક્ષણનો ખર્ચ આપનાર પણ હિન્દુઓ જ છે. મતલબ કે સમગ્ર હિન્દુ સમાજને મુસ્લિમો પ્રત્યે નફરત નથી. એવી જ રીતે બધા જ મુસલમાનોને હિન્દુઓ પ્રત્યે વેર નથી. આ હકીકતથી બંને કોમોએ વાકેફ થઈને તોફાનો કરાવનાર તત્વોને ઓળખીને લેવા જોઈએ. શંભુ, સાધુરામ, મામદ ને જાસદ જેવા નાસમજ લોકો રાષ્ટ્રદ્રોહી છે.

Rate & Review

Gordhan Ghoniya

Gordhan Ghoniya 4 months ago

yogesh dubal

yogesh dubal 6 months ago

Bhimji

Bhimji 1 year ago

Vadhavana Ramesh

Vadhavana Ramesh 2 years ago

r patel

r patel 2 years ago