Ketlik kismat kathao books and stories free download online pdf in Gujarati

કેટલીક કિસ્મત કથાઓ...

કેટલીક

કિસ્મત કથાઓ

  • લેખક: મુર્તઝા પટેલ
  • સુખનો પાસવર્ડ...આસમાનેથી પણ ખુલે છે.

    દોસ્તો,

    આજે તમને ત્રણ ‘સાવ સામાન્ય’ લાગતા કલાકરોની વાત કરવી છે. પણ તેમના વિશે વાંચ્યા પછી તમારા સૌની નજરમાં તેઓ ‘અસામાન્ય કલાકારો’ બની જવાના છે. એટલે શરૂઆત કરીએ તેમના ‘સામાન્ય’ પરિચયથી....

    પહેલો કલાકાર છે જેસ્સી કોહેન-

    ન્યુયોર્કના સબ-વેમાં છેલ્લાં સાત વર્ષથી સંગીતના પેશનેટ શોખને સંતોષવા તે ગિટાર વગાડે છે. ગિટાર અને ગીતથી તેના જીવન-સંગીતને વણી લઇ કદાચ એ થોડુક પેટીયું રળી લેતો આર્ટીસ્ટ છે. કોઈ તેને સાંભળે કે ન સાંભળે તેની તેને જરાયે પરવા નથી. કારણકે સાત વર્ષની તેની આ લગનીની સામે આવી લાગણીને દબાવી દીધી છે.

    બીજો કલાકાર છે: ઝેક ઓરિયોન.

    ન્યુયોર્કમાં જ રહેનારા ઝેકને તમે જુઓ તો લઘરાયેલી દાઢી અને દબાયેલાં ગાલ તેની ગરીબાઇની વ્યાખ્યા બતાવી દે. પણ ‘માના અપની જેબસે ફકીર હૈ, ફિર ભી યારો દિલકે હમ અમીર હૈ’ની દશાને અપનાવેલા આ ઝેકભાઈ પણ ન્યુયોર્કની ગલીઓમાં રાઉન્ડ મેટલ-ગિટાર જેવું વાદ્ય વગાડે છે, ત્યારે તેના જમણા પગના તળિયે ભરાવેલી મિની-ખંજરી અને ડાબા પગથી દબાતુ બાઝ-ડ્રમ તેની પાસેથી પસાર થતા કોઈપણ બીઝી સંગીત-પ્રેમીને થોડીક ક્ષણો માટે પણ ડોલતો કરી શકે એવું સૂરીલું કામ કરે છે.

    ત્રીજી કલાકાર છે: નાજાહ લુઇસ.

    ઘૂંગરાંયેલા-વાંકડિયા વાળવાળી આ બ્લેક-બ્યુટી જ્યારે હાઈસ્કૂલમાં ભણતી ત્યારથી જ તેને પણ ગિટારનો ચસ્કો લાગ્યો ‘તો. તેની સાથેના બીજાં દોસ્તો રીસેસ દરમ્યાન ધમાલ-મસ્તીમાં બિઝી હોય ત્યારે નાજાહ કોઈક ખૂણામાં બેસીને તેની ગિટારી ધૂનમાં મસ્ત રહેતી.

    તેનું કહેવું છે કે ‘ન્યુયોર્ક જેવાં લાઈવ શહેરમાં દોડ્યે જતો કોઇ શખ્સ તેમનું કાનમાં ભરાવેલું હેડફોન કાઢી તમારું સ્ટ્રીટ સંગીત સાંભળવા થોડીવાર માટે પણ ઉભું રહે તો સમજવું કે...”તમે સંગીત ક્ષેત્રે કાંઈક ક્રિયેટિવ કામ કરવા માટે સર્જાયા છો. તમારું દબાયેલું નસીબ કોઈક ક્ષણે ઉઘડી જવાનું છે. તો સદાય ‘લાઈવ’ રહેજો.”

    આ ત્રણેની પાસે કોઈપણ વ્યક્તિ ચંદ ડોલર-સેન્ટના સિક્કા મુકી જાય તો પણ લેવાની પરવા ન કરે એવાં અલગારી ફૂટપાથિયાં કલાકારો છે. ભિખારી નહિ, પણ સંગીતને પામી ચુકેલાં ભેખધારીઓ કહી શકાય. તેમના જીવનની અનોખી સંઘર્ષ-કથામાં ઘણાં આરોહ-અવરોહ રહેલાં છે.

    સંગીતના શોખને સુખમાં ટ્રાન્સફોર્મ કરી ચુકેલાં આ ત્રણે જણાવને ખબર ન હતી કે કોઈક તેમને નીરખી રહ્યું છે. તેમની કળાને પારખી રહ્યું છે. બીજાં પથિકોની જેમ સામાન્ય રીતે પસાર થઇ જતો એક વ્યક્તિ એક દિવસ આ ત્રણેનો પહેલા મિની-ઈન્ટરવ્યુ લે છે. અને પછી તેમની સંગીતકારીની અદાઓને વિડીયોમાં રિકોર્ડ કરી લે છે.

    ત્રણેને સરખી ફીલિંગ્સ આવે કે....અમારી ફિલ્મ ઉતારી પૈસા બનાવનાર જેવાં તો સેંકડો લોકો આવીને ચાલ્યા ગયા છે. આમાં નવું શું છે?

    પણ એક દિવસે આ ત્રણે જણાની પાસે (અલબત્ત અલગઅલગ સ્થળે) બ્લ્યુ-સૂટમાં સજ્જ થયેલાં કેટલાંક નવયુવાન-યુવતીની ટિમ આવીને તેમના હાથમાં ચેક જેવો પેપર મુકે છે. અને સરપ્રાઈઝ સાથે ફરમાવે છે:

    “જેસ્સી, ઝેક અને નાજાહ. તમે ન્યુયોર્કને તમારા સૂરીલાં સંગીતથી ‘લાઈવ’ રાખી ઘણું મજાનું કામ કરો છો. તમારી કળાને લીધે ઘણાં લોકો બ્લ્યુ-મૂડમાંથી પિંક-મૂડમાં આવી જતાં હશે એવું અમે માનીએ છીએ. પણ તમારી આ ફ્રિ દેખાતી સર્વિસને અમે બહુમાન આપવા માંગીએ છીએ.

    એટલે અમારી કંપની ‘બ્લ્યુ-જેટ એરવેઝ’ તમને ગ્લોબલ ટૂર-ટિકિટ ગિફ્ટ કરે છે. આખા એક વર્ષ દરમ્યાન તમે ચાહો તે દેશમાં રખડપટ્ટી કરી-ફરીને તમે તમારી કળાને હજુયે વધુ ફેલાવો એમ બ્લ્યુ-જેટ ઈચ્છે છે.”

    એક તરફ આ ત્રણેની આંખોમાંથી આંસુ નીચે ઉતરી રહ્યા છે, પણ બીજી તરફ તેમનું કેરિયર, શોખ અને સુખનું સંયોજન ઉપરની તરફ આસમાને ઉચકાઈ રહ્યું છે...બ્લ્યુ-જેટ એરવેઝમાં.

    તો દોસ્તો, સુખનો પાસવર્ડ આ રીતે હંમેશા Hidden થઇને આપણી પાસે આવતો હોય છે. અને આપણને ‘બંધ થયેલી લાગતી લાઈફ’માં રહેલાં Hidden નસીબને ખોલી ક્યાંય આગળ મૂકી આવતી હોય છે. જરૂરી છે સુખને અંદરથી બહાર કાઢતા રહી વહેંચતા રહેવાની...ફ્રિ થઇ....આપતા રહેવાની..મેળવતા રહેવાની.

    એક ‘હટકે’ લેટર જે કેરિયર બનાવે બેટર....

    અમેરિકાના એક શહેરમાં ન્યુઝપેપરમાં નવા ખુલનારા હાયપર-માર્કેટમાં ‘સેલ્સ ઓફિસર’ ના ઇન્ટરવ્યુ માટે ની જાહેરાત આપવામાં આવી.

    ૧૭૦૦ જેટલી રિઝ્યુમ/બાયોડેટાનો ખડકલો ૩ દિવસમાં થઇ ગયો. લખાણની ઓલમોસ્ટ એક જ સ્ટાઈલ. પેપર અલગ-અલગ, નોકરી માટે હમ્બલ રીક્વેસ્ટ, ભલામણોનું સ્પામીંગ, વગેરે… વગેરે… વગેરે… રીક્રુટમેન્ટ ઓફિસરની વાંચીને થાકી ગયેલી આંખોમાં ચમક ત્યારે આવી જ્યારે એના હાથમાં અમેરિકન ધ્વજની ડીઝાઈનનું એક કવર આવ્યુ. એક ‘હટકે’ લેટર હતો…જેમાં આ રીતે લખ્યું હતું:

    || “મી. સેમસન, મને દેખાઈ રહ્યું છે કે તમે બીજા લેટર્સ-બાયોડેટા વાંચીને ઘણાં થાકી ગયા હશો. પણ મારો આ નાનકડો લેટર જ્યારે પણ વાંચો ત્યારે પૂરેપુરો વાંચજો. પછી તમને લાગે તો જ મને જોબ ઓફર કરજો. કોઈ ઉતાવળ ના કરશો.

    આપ જે કંપનીને કુરીયરનો કોન્ટ્રાક્ટ આપવાના છો એ જ કંપનીની આ શહેરની ઝોનલ ઓફીસમાં હાલમાં હું આસીસ્ટન્ટ વેર-હાઉસ મેનેજર તરીકે જોબ કરું છું. મારા વાળ બ્લ્યુ રંગના છે. પગમાં જાંબલી રંગના મોજા અને બૂટની આજુ-બાજુ નાનકડી પાંખો ભરાવેલી રાખું છું.

    જ્યારે પણ તમને ટાઈમ મળે ત્યારે તમે અમારી કંપનીના મેઈન ગેટ પાસેથી પસાર થાવ ત્યારે થોડેક જ દૂર લાલ રંગની પેન્ટ અને યલો ટી-શર્ટ પહેરેલો ફક્ત એક જ વ્યક્તિ તમને હાથમાં વોકી-ટોકી લઈને કામ કરતો દેખાય તો સમજી જશો કે એ હું જ હોઈશ. તમે મને રૂબરૂ મળવા બહાર બોલાવશો તો ૧૦ મીનીટ માટે મળવા આવી શકીશ. એ વખતે એટ લીસ્ટ તમને જ્યુસ પીવડાવવાની ઓફર પણ કરી શકું છું. મારો મોબાઈલ છે……………” ||

    દોસ્તો, કહેવાની જરૂર ખરી કે ત્રીજે દિવસે આ ‘યંગમેન’ નવા જ જન્મેલા હાયપર માર્કેટના ‘ચીફ સેલ્સ મેનેજર’ તરીકે ડબલ પગારે જોડાઈ ચુક્યો હતો.

    લંડનમાં આવેલો ગોલ્ડઝબોરો બૂકસ્ટોર નવી આવતી (અને બેસ્ટ-સેલર્સ બની શકે તેવી) બૂક્સની વેલ્યુ વધારવા તેના લેખકની સિગ્નેચર સાથે વેચવામાં મશહૂર છે.

    થોડાં અરસા અગાઉ તેના માલિકે એક નવા જ ઉદ્ભવેલા લેખક રોબર્ટ ગોલબ્રેઈથના લોંચ થયેલા પુસ્તક ‘ધ કૂકૂઝ કોલિંગ’નું પણ માર્કેટિંગ કરવા ટ્રાયલ-ઓર્ડરરૂપે સાઈન કરેલી ૨૫૦ કૉપીઝનું ખરીદ કર્યું. વેચાણ ભાવ રાખ્યો: ૧૭ બ્રિટીશ પાઉન્ડ.

    ગોલ્ડઝબોરો બૂકસ્ટોરના માલિકને અનુભવ પરથી ખબર તો પડી કે લેખકનું અસલ નામ બીજું જ કાંઈ છે. પણ તેને તો નામ કરતા દામમાં વધારે રસ હતો એટલે વાતને પણ ત્યાં જ પડતી મૂકી. હવે આપણામાંથી કેટલાંક દોસ્તો જાણતા જ હશે કે આ રોબર્ટ ગોલબ્રેઈથના પેન-નામ હેઠળ હેરી પોર્ટરની મશહૂર લેખિકા જે.કે.રોવ્લિંગનું નામ કોઈક રીતે બહાર ટપકી આવ્યું. જાહેરમાં થોડી ખફા થઇને તેણે આ વાતનો સ્વિકાર પણ કર્યો.

    જ્યારે આ બાજુ સ્ટોરના માલિકને તો નાનકડી લોટરી લાગી ગઈ. સાઈન કરેલા ૧૭ પાઉન્ડના પુસ્તકનો ભાવ તેણે રાતોરાત ૧૦૦૦ પાઉન્ડ કરી નાખ્યો અને તેના નસીબે બધી નકલો ચપોચપ વેચાઈ પણ ગઈ...બોલો !

    જો કે...ગોલ્ડઝબોરોનો આ માલિક હજુયે પસ્તાય છે. એટલાં માટે કે...તેણે માત્ર ૨૫૦ કૉપીઝ કેમ ખરીદી?!?!

    જો અંદરખાનેથી (પેઈજમાંથી) ખબર પડી ગઈ હોત તો કદાચ જે.કેના નામ પર હજુ વધારે જેકપોટ કમાણી કરી હોત! ખૈર, બ્રાન્ડિંગ દ્વારા કમાણીનું ‘રોવ્લિંગ’ કેમ કરવું તે આ બ્રિટીશર્સ પાસેથી શીખવા જેવું તો ખરું. |

    માર્કેટ મોરલો:|

    =>•જૂનો (ખોટો પડેલો) ક્વોટ: “નામમાં શું છે? - ગુલાબને કોઈ પણ નામે બોલાવો તેની સુગંધમાં કોઈ ફરક પડતો નથી.”- શેક્સપિયર

    =>•નવો (સાચો પડેલો) ક્વોટ: “નામમાં ઘણું બધું છે. બસ તેનું ‘સુગંધીદાર’ બ્રાન્ડિંગ જરૂરી છે.”

    કુદરતનું કિસ્મત કનેક્શન...

    એ ઘનઘોર જંગલમાં એક પ્રેગ્નન્ટ હરણીને પ્રસુતિનું દર્દ શરુ થઇ રહ્યું છે. તેની રોજિંદી ઝડપી અને કુદ્કુદી દોડ આજે સાવ ધીમી છતાં અધીરી બની કોઈ એક મુકામ શોધી રહ્યું છે.

    થોડેક દૂર જ આવેલા એક ઉંચા ખડકની બખોલમાં તેને ‘સેફ મેટરનીટી હોમ’ દેખાઈ રહ્યું છે. પણ આ શું?- અચાનક વીજળી ચમકે છે અને તેની ચકમક હરણીની સાવ પાસે આવેલા એક ઝાડ પર પડે છે. જેનાથી ભડભડ કરતી આગ શરુ થાય છે. હરણીને તો હવે ભાગવું એ જ છુટકો.

    પણ તેણે તાકાત તો ‘ડિલીવરી’ માટે સાચવી રાખી છે. એટલે... ‘લાવ જલ્દી પેલી બખોલમાં પહોંચી જાઉં.’- એવું વિચારી એ ધીમી ચાલે ગભરાયા વિના ત્યાંથી આગળ વધતી જ જાય છે. અને પાછળથી આગ પણ...

    ‘ઓહ! એક વધુ મુસીબત?.... હરણીને અચાનક ઉંચા ખડક પર તો લાલ આંખો કાઢતો વનરાજ ઉભેલો દેખાય છે. એ ગભરાય છે. ફફડે છે. છતાં... ‘મારું બચ્ચું અને હું આજે આ સાવજનો કોળિયો તો નહિ જ બનીએ.’-

    હરણીના વિચારોમાં તેજી આવે છે છતાં ચાલમાં તો એ જ સાબૂત ધીમાપણું. અરે ! હજુ એક વધુ અવરોધ?!?!?! – એક તરફ વધી રહેલી આગ અને બીજી તરફ કાળ સમા વનરાજ વચ્ચે આ કોણ આવી ચડ્યું?!?!?- એક તીરંદાજ શિકારી!

    જેનું એક તીર બસ હવે હરણીને કોળિયો કરી જવા માટે નિશાન તાકી રહ્યું છે? પણ બખોલે આવી ચૂકેલી હરણીને હવે ક્યાં કોઈની ફિકર છે?- એની તો માત્ર એક જ ઉમ્મીદ છે કે...‘મારું પ્યારુ બચ્ચું આ દુનિયામાં અવતરી જાય એટલે’.....બસ ! તેના આ જ વિશ્વાસ પર કુદરતનું ચક્કર પણ તેની દશા બદલી રહ્યું છે...

    =•= ચમકેલી વીજળીના જોશ સાથે એ જંગલ પર વાદળો ઘેરાઈ ચુક્યા છે. અને મેઘ ખાંગા થવાની તૈયારીમાં છે.~~~\\\\ \\\\~~~

    =•= વરસેલો મેઘ હવે પ્રસરતી આગ પર ‘ફાયરબ્રિગેડ’નું કામ કરી રહ્યો છે....|) ==

    =•= હરણી પર ટંકાયેલા શિકારીના તીર પર પડેલાં પાણીના ટીપાં તીરને સીધી સાવજની દિશા તરફ ફંટાવે છે.-->

    =•= શિકારીને આજે વરસાદી મહેર સાથે ‘શેર’ નામના ‘જેકપોટ’ની મહેરબાની હાથમાં આવે છે.-)/\\(-

    =•= હરણી ‘સિક્યોર્ડ’ બખોલમાં નાનકડા હરણને ‘ડિલીવર’ કરી રહી છે.

    ^-_-^ કુદરતમાં અપ‘હરણ’નું આવું અમેઝિંગ કિસ્મતી ચક્કર...બસ આમ જ હાલતું રહે છે. ચાલતું રહે છે....

    મેજીકલ મોરલો: “ચિત્કારી નહિ....બસ ચમત્કારી નજર જરૂરી.”

    સંપર્કસૂત્ર:મુર્તઝા પટેલ

    ફેસબૂક પર:

    ટ્વિટર પર:

    વોટ્સએપ પર: +20 122 2595233