Keys to understand Islam books and stories free download online pdf in Gujarati

Keys to understand Islam

● ઇસ્લામ અને કુરાનને સમજવાની ચાવી: ઝાહીર અને બાતિન

~ ઇલિયાસ શેખ

હું એગ્રિકલ્ચરલ મશીનરીનાં એક્સપોર્ટ સાથે સંકળાયેલો હોવાથી, મારે મિડલઇસ્ટમાં ઇજીપ્ત જવાનું નિયમિત બને છે. છેલ્લે હમણાં જાન્યુ. ફેબ્રુ. માં જ ત્યાં હતો. ઇજીપ્ત એક ઇસ્લામિક દેશ છે. સમગ્ર વિશ્વમાં આજે આશરે 32 જેટલાં ઇસ્લામિક દેશો છે.

ઇસ્લામિક દેશોમાં નમાઝ પઢવા માટે, ઇબાબત કરવા માટે ઠેર-ઠેર મસ્જીદો જોવા મળે છે. પણ, ભારત અને પાકિસ્તાનમાં જોવા મળે છે - એવી મઝાર - દરગાહ બહું ઓછી જોવા મળે છે. બીજી મહત્વની વાત એ જાણવા મળી કે, અહીંની મસ્જીદોમાં, દૂકાનોમાં, હોટલ અને રેસ્ટોરન્ટમાં - ક્યાંય પણ નમાઝ પઢી શકાય છે. અહીં નમાઝ પઢનાર ઇસ્લામિક પહેરવેશમાં છે કે, જીન્સ અને ટીશર્ટમાં - એની કોઇ પરવાહ કરતું નથી. મેં અમારાં એક વેપારી મિત્રને આ અંગે પુછ્યુ તો એણે કહ્યું: આપણે માત્ર આપણી જાત પુરતા અલ્લાહના આદેશ મુજબ ઇબાબત કરવા માટે બંધાયેલા છીએ. બીજાના પહેરવેશ, ઇબાબત અને ઇમાન બાબતે દખલગીરી કરવાનો આપણને કોઇ અધિકાર નથી.'
વાહ, ક્યા બાત! એકદમ - અદ્દલ મારાં જેવું જ થિંકિંગ.!

મારો જન્મ ભલે મુસ્લિમ પરીવારમાં થયો હોય, પણ મારો ઉછેર તો બ્રાહ્મણો અને દરબારોના પાડોશમાં થયો છે. એટલે મને પવિત્ર કુરાનના પરીચય પહેલાં, રામાયણ, ભાગવત અને ઉપનિષદોનો પરીચય પહેલો અને વહેલો થયેલો છે. પવિત્ર કુરાનનો પરીચય તો બહુ મોડેથી, કોલેજ સુધીનો અભ્યાસ કરી લીધો પછી, રાજકોટમાં યોજાયેલા નેશનલ બુકફેરમાં મેં એક ઇસ્લામિક સ્ટોલની મુલાકાત લીધી, ત્યારે થયો. એમાં પણ એવું બન્યું કે, હું એક પછી એક પુસ્તકોના ટાઇટલ રસપૂર્વક જોઇ રહ્યો હતો, તો સ્ટોલને સંભાળતા એક મૌલાના મારી આવ્યા, મને મારું નામ પુછ્યું. મેં એમને 'ઇલિયાસ' કહ્યું. પણ ખબર નહીં કેમ, એને મેં બોલેલું 'ઇલિયાસ' જાણે કે 'નિલેષ' સંભળાયું હોય! - અથવા તો એણે મને પહેલેથી જ હું હિન્દુ છું, એમ ધારી લીધું હોય! એ જે હોય તે, પણ અમે બન્નેએ 10-15 મિનિટ વાત કરી, એમાં મને વારંવાર 'નિલેષભાઇ, નિલેષભાઇ' સંબોધી એ મને ઇસ્લામનો બોધ આપતા પુસ્તકો દેખાડવા લાગ્યા. મેં પણ એમાંથી મને રસપડે એવાં 4-5 પુસ્તકો ખરીદ્યા, પછી મૌલાનાસાહેબે મને ગુજરાતીમાં તરઝુમા (અનુવાદ) સાથેનું એક હોલી કુરાન ભેટ આપ્યું. જેનો મેં સહર્ષ સ્વીકાર કર્યો. મને બરાબર યાદ છે કે, હું એ 4-5 ઇસ્લામિક પુસ્તકો અને પવિત્ર કુરાન લઇને જ્યારે ઘરે પહોંચ્યો, તો મારાં હાથમાં ઇસ્લામિક પુસ્તકો જોઇને, મારાં બાપૂજી બહું રાજી થયેલાં.! મારી બાએ બીજે દિવસે મને ભાવે એવી મીઠી-મીઠી વાનગીઓ બનાવી હતી. જો કે, મેં એ પુસ્તકોનો પછી કોઇ વિશેષ અભ્યાસ કર્યો નહીં, એ અલગ વાત છે.!

હું દ્રઢપણે માનું છું કે, ધર્મ એ, પતિ અને પત્નિ (અથવા તો નર અને માદા)ના બેડરૂમ રીલેશન જેવી એકદમ અંગત બાબત છે. બીજું સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે કે, ઇટ ઇસ ગુડ ટુ બી બોર્ન ઇન ચર્ચ. બટ બેડ ટુ ડાઇ ઇન ઇટ.' અર્થાત. ચર્ચમાં જન્મ અને ઉછેર થાય - એ ખુબ જ સારી વાત છે. પણ પછી જીવનલીલા પણ ચર્ચમાં જ સંકેલાય, તો એ તો બહું ખરાબ વાત છે.' ધર્મ જ્યાં સુધી અંગત રહે છે, ત્યાં સુધી જ ધારણ કરવાને લાયક રહે છે. પણ ધર્મ જ્યારે જમાત બની જાય છે, ત્યારે એ મઝહબમાંથી પાવર-હબ બની જાય છે. માનવ-સંસ્કૃતિનો આ ઈતિહાસ રહેલો છે કે, માનવ સમૂહમાં હિંસક બની જાય છે, જ્યારે એકલો હોય ત્યારે શાંત હોય છે. એમાં પણ સમૂહ જ્યારે સમુદાય અને સંપ્રદાય બની જાય, ત્યારે તો એ કલ્પી ન શકાય એવું પ્રેશર-ગ્રપ બની જાય છે.

ફરીથી કુરાનની વાત પર આવીએ તો સૌ પહેલા એક વાત સમજી લેવાની જરૂર છે કે, આરબ-દેશોમાં પાંગરેલા જગતના ત્રણ મોટાં ધર્મો (ઇસાઇ, ઇસ્લામ અને યહૂદી) આદેશાત્મક ધર્મો છે. એટલે કે એમાં ધર્મ પાલનના આદેશ આપવામાં આવ્યા છે. કમાન્ડમેન્ટસ આપવામાં આવ્યા છે. સવાલ અને સમસ્યાનું કારણ આ આદેશોના અલગ-અલગ સમયે થઇ રહેલા અર્થઘટનમાં પડેલું છે. હું દ્રઢપણે માનું છું કે, કુરાનમાં આપવામાં આવેલા આદેશો, એ વ્યક્તિગત આદેશો છે, સામુહિક નહીં. કેમ કે, કુરાનમાં વારંવાર એક વાતનો ઝિક્ર આવે છે, કયામતને દિવસે (ઓન ધી જજમેન્ટ-ડે) દરેક મનુષ્યે પોતાના પાપ-પુણ્યના હિસાબ વ્યક્તિગત રીતે આપવાના છે, સામુહિક ધોરણે નહીં. બીજું કુરાનમાં જે આદેશ આપવામાં આવ્યા છે, એ જે –તે સમયના સંજોગોને આધીન આપવામાં આવેલા છે અને જે – તે વ્યક્તિને સંબોધીને આપવામાં આવેલા છે. પયંગબર મોહમ્મદ સાહેબ અને ત્યારબાદના ચાર ખલીફાઓએ ઇસ્લામની ભૌગોલિક સીમા વિસ્તારી એમાં પયગંબર સાહેબને ખરાં સત્યના દર્શન થયાં હતાં – એટલે એમની હયાતીમાં ઇસ્લામનો ફેલાવો “દાવત”ના માર્ગે થયો. પયગંબર સાહેબ લોકોને દાવત એટલે કે જમણ માટે બોલાવતા અને એમને અલ્લાહના આદેશ વિષે હદીસ (પ્રવચન) આપતા. એમાંથી થોડાં લોકો દાવત સ્વીકારતા. જે દાવત નહોતા સ્વીકારતા એ લોકો પ્રત્યે એ દિવસોમાં પયગંબરના પ્રભાવના કારણે કોઇ વેરભાવ કે ભેદભાવ રાખતા નહીં. ઇસ્લામના ઈતિહાસમાં તો ત્યાં સુધીનું બયાન છે કે, જ્યારે મક્કામાં ઇસ્લામ-વિરોધીઓનો ત્રાસ વધી ગયો, તો પયગંબર સાહેબ પોતે જ મક્કાથી મદીના તરફ હિજરત કરી ગયા. મદીનામાં એમને આશરો આપનાર અન્સારી કબીલા (સમુદાય) પણ ઇસ્લામમાં નહોતો માનતો. પણ પયગંબર સાહેબની ખ્યાતિને કારણે એમણે, આશરો અને સંરક્ષણ પુરા પડેલા. અન્સારી કબીલાએ તો બહુ મોડેથી ઇસ્લામનો સ્વીકાર કર્યો હતો.

મારે જે મૂળ મુદ્દો કહેવો છે તે એ છે કે, ઇસ્લામ-ધર્મ વ્યક્તિગતમાંથી સામુહિક બન્યો, એ જ એની વગોવણીનું સૈકાઓથી કારણ છે. મોહમ્મદ સાહેબને જે સત્ય લાધ્યું, એ દિવ્યસત્યની પ્રતીતિ એમના અનુયાયીઓ વ્યક્તિગત રીતે કરે એવો એમનો આગ્રહ હતો. આમ પણ દિવ્યતાના દર્શન જાતે કરી શકાય છે. પણ કોઈને કરાવી શકાતા નથી. એટલે બંદગી (સાધના)ના માર્ગે વ્યક્તિએ પોતે જાત મહેનતથી જ આગળ વધવાનું હોય છે. ઇસ્લામને એટલે જ “અમન-એખલાસ અને સમાનતા’નો ધર્મ માનવામાં આવે છે. એટલે ઇસ્લામમાં આજપણ મુસ્લિમ તરીકે મુસલમાનના ઘરે જન્મીને પણ મુસ્લિમ બની શકાતું નથી. મુસ્લિમ તરીકે સ્વીકૃતિ પામવા માટે ઇસ્લામના આદેશોનું પાલન કરવું પડે છે. આ આદેશો આમ તો કોમન ગુડ હ્યુમન ક્વોલિટી છે. ન્યાય, ઈમાનદારી, સત્યપ્રીતિ, પર્યાવરણ રક્ષણ, દાન, ગુડ હેલ્થ, મેડીટેશન, વફાદારી, ફરજ-પાલન, વફાદારી, અહિંસા જેવા ખ્યાલો તો સનાતન અને વૈશ્વિક છે. એ કોઇ એક જ મઝહબની જાગીર ન હોય શકે.

સમય જતાં, ઇસ્લામનો જેમ વિસ્તાર (વિકાસ નહીં) થતો ગયો, એમાં ઇસ્લામિક સ્કોલરો ઇસ્લામને વ્યક્તિગતમાંથી સામુહિક બનાવતા ગયા. સમૂહ જીવનના પોતાને અનુકુળ આવે એવા કાયદા બનાવતા ગયા. અલૌકિકની ઝાંખીને જોયા વગર આ સ્કોલરો જાણે કે એમને મોહમ્મદ સાહેબને જે પ્રાપ્ત થયું’ તું, એ જાણે કે એમને પણ પ્રાપ્ત થઇ ગયું છે. એવાં ભ્રમમાં રાચવા લાગ્યા. ઇસ્લામના ખ્યાલ, હાર્દ અને મર્મને સર્વવ્યાપી કરવાને બદલે આ સ્કોલરોએ ઇસ્લામને એક દુન્યવી ઓળખ આપવાનો ગુનો કર્યો. વ્યક્તિગત બંદગીના અદભુત મઝહબને “ઝાહિર” બનાવી દીધો. ઇસ્લામને બરાબર સમજવા માટે ઇસ્લામના આ શબ્દો “ઝાહિર” અને “બાતિન” સમજવા બહું જરૂરી છે. આજે પોતાને ઇસ્લામિક સ્કોલર માનતા અનેક જડબુદ્ધિ વિદ્વાનો પણ “ઝાહિર” અને “બાતિન”ના મર્મને હજી ભેદી નથી શક્યા.

“ઝાહિર” એટલે જાહેર, ધેટ વિચ ઈઝ વિઝીબલ. જેમાં ઇસ્લામિક પહેરવેશ, દાઢી, હિઝાબ, સ્થૂળ રીતે સમય પ્રમાણે નમાઝ પઢવી વગેરે આવે. ટૂંકમાં ઝાહિર એટલે એવી બધી જ ચેષ્ટાઓ જેનાથી એ વ્યક્તિ મુસ્લિમ છે, એ નરી આંખે જોઈ શકાય. મને લાગે છે, આજનો ઇસ્લામ આ ઝાહિરની નબળી માનસિકતામાં સબડી રહ્યો છે. એટલે જ આજે જગતનો સૌથી આધુનિક મઝહબ (ઇસ્લામ પછી જગતમાં એક પણ ધર્મ આવ્યો નથી. જે આવ્યા છે એ કાં તો સંપ્રદાય છે અને કાં તો ઇસ્લામની જ પ્રતિછાયા સમાન ધર્મો છે.) બદનામીની ખીણમાં ગબડી રહ્યો છે. ઇસ્લામમાં જે ઝાહિર છે, એ દેખાડો છે. કબર સમાન ખાડો છે, ઇસ્લામના રીયલ દિવ્યસત્યથી તો એ જોજનો દુર છે. જગત અત્યારે જે જોઇ રહ્યું છે, એ “ઝાહિર” ઇસ્લામને જોઈ રહ્યું છે. જે ખરેખર ઇસ્લામની સાચી ઓળખ નથી. ઇસ્લામની ખરી ઓળખ “બાતિન” શબ્દને સમજતા મળે છે.

“બાતિન” એટલે છુપાયેલું, ધેટ વિચ ઈઝ નોટ વિઝીબલ. ખાસ કરીને ઇસ્લામમાં જે ચેષ્ટાઓ “ઝાહિર” કરવામાં આવે છે, એના પાછળનો ઈરાદો, હેતુ, Intension શું છે? એ “બાતિન” છે. ઇસ્લામમાં સ્થૂળ ચેષ્ટાઓ કરતા “નિયત” અને “દાનત”નું બહુ મોટું મહત્વ છે. “બાતિન”ના આ ખ્યાલમાંથી તો ઇસ્લામની આખી એક સૂફી-પરંપરા પાંગરી છે. સૂફીઓ જ ઇસ્લામના ખરાં બ્રાન્ડ એમ્બેસેડરર્સ છે. ઇસ્લામનો અર્થ સમર્પણ થાય છે. પોતાના સમગ્ર અસ્તિત્વને અલ્લાહના ચરણોમાં, એના ગુણગાન ગાવામાં સમર્પિત કરી દેવું એટલે જ ઇસ્લામ. ઇસ્લામનું આચરણ જ્યારે વ્યક્તિગત રીતે કરવામાં આવે ત્યારે એ ઈશ્ક અને મોહબ્બતથી છલોછલ ભરેલો મઝહબ બની જાય છે. પણ, ઇસ્લામ જેવો જમાતમાં, સમૂહમાં ઝાહિર થાય છે, એ એનું પ્રેમાળ સૌદર્ય ગુમાવી બેસે છે. આમ પણ પ્રેમ એ એકાંતમાં બંધબારણે કરવાની ચેષ્ટા છે. પછી એ પ્રેમની ચેષ્ટા “ઈશ્કે હકીકી” એટલે કે ખુદવંદ કરીમ સાથેની મોહબ્બત હોય, કે પછી “ઈશ્કે મિજાજી” એટલે કે પ્રિયપાત્ર સાથેની મોહબ્બત હોય. પ્રેમ બંધ બારણે જ સારો લાગે. કેમ કે, પ્રેમ “બાતિન” છે. એને ઘરનો ઉંબરો વટાવીને “ઝાહિર” કરો, તો પ્રેમની વગોવણી જ થાય. એટલે જ હું તો મારાં “બાતિન” ઇસ્લામ સાથે મોજથી જીવું છું. મારે પાક પરવરદિગારના દર્શન કરવા માટે મસ્જીદે જવાની જરૂર નથી પડતી. હું તો મારી આંખ બંધ કરીને એની સાથે મનોમન ગુફતેગો અને મહોબ્બત કરી લઉં છું. અસ્તુ.•••