Dharmama kriyakand books and stories free download online pdf in Gujarati

ધર્મમાં ક્રિયાકાંડ..

ધર્મમાં ક્રિયાકાંડ..

*********************

# ‘સંપૂર્ણ વિશ્વે જેણે ધારણ કર્યું છે – તે ધર્મ.’

# ‘ધર્મ એક પ્રકારનું અફીણ છે !’

# ધર્મની આધારશિલા શ્રદ્ધાના ધરાતાલમાં હોય છે પણ તેમ જ સૌથી વધુ અંધશ્રદ્ધાની રેતી ભળેલી છે.

ધર્મના સંબંધમાં આવી અગણિત પંક્તિઓ લખાઈ છે, કહેવાઈ છે. ધર્મ શું છે અને કયો ધર્મ સર્વશ્રેષ્ઠ છે, એ લાંબી વિચારણાનો વિષય રહ્યો છે. સામાન્ય બોલાચાલ અને વહેવારમાં આપણે ધર્મનું સ્થૂળ રૂપ ઘટિત કર્યું છે. સાધારણતઃ આપણે કોક વિશેષ ભગવાન અથવા સંત અથવા પયગંબરએ (જેને ઇશ્વરના પ્રતિનિધિ રૂપે લોકોએ સ્વીકાર્યા છે) પ્રચારિત કરેલા મત અથવા સંપ્રદાયને ધર્મ ઘોષિત કર્યો છે પણ સુક્ષ્મ રૂપમાં પ્રવેશતાં ધર્મનો અતિ વિશાળ અર્થ પરિલક્ષિત થાય છે.

સંસ્કૃતમાં ધર્મનો અર્થ કોઈ પણ વસ્તુનો ગુણ તેમજ તેની પ્રકૃતિ જણાવવાનો હોય છે. ધર્મનો એક અર્થ કર્તવ્ય પણ થાય છે. દા.ત. અમૃતનો ધર્મ છે સજીવન કરવું, વિષનો ધર્મ છે મારવું, અગ્નિનો ધર્મ છે બાળવું, જળનો ધર્મ છે ઠારવું ! તેમજ માનવ માત્રનો એક જ ધર્મ હોવો ઘટે – માનવતા, પ્રેમ, સહિષ્ણુતા, ભાઈચારો અને કર્મણ્યતા. માનવની પ્રકૃતિ છે માનવને પ્રેમ કરવો. અહીં ધર્મના અર્થની વ્યાપકતા સમગ્ર વિશ્વથી સંકડાઈ ગઈ છે. ત્યારે આપણે પોતાની સગવડોના આધારે થોડીક વિલક્ષણ પ્રતિભાઓમાં ઈશ્વરીય શક્તિ શોધીને તેના મત તથા જીવન-દર્શન ભણી તેઓના અભિપ્રાયને ધર્મનું ચોગઠું બેસાડ્યું છે અને ધાર્મિક કટ્ટરતાના સામ્રાજ્યની સ્થાપના કરી છે.

આવા સમયે જે તે સંપ્રદાયમાં ફેલાયલા ક્રિયાકાંડોનાં ઔચિત્યને રેખાંકિત કરવા સંબંધિત મતના ટેકેદારો કહે છે – “ક્રિયાકાંડોથી જનતામાં જાગૃતિ, ઉત્સાહ અને લગન ઉત્પન્ન થાય છે. ઈશ્વરના પ્રતિ માનવની ચેતના અને શ્રદ્ધામાં ભરતી આવે છે. તેમજ ભાવનાં સાગરમાં ભક્તિના પવનથી આંદોલન જાગે છે. આમાં વાસ્તવિકતા કદાચ રજકણ સમાન પણ નથી. ક્રિયાકાંડોમાં નર્યું પ્રદર્શન હોય છે. તેના અતિરેકથી જીવનની સરળતા, હૃદયની નિર્મળતા અને પરમાત્મા પ્રત્યે ભાવોની તરલતાનો નાશ થાય છે.

ધાર્મિક ક્રિયાકાંડોનો અતિરેક પરમાત્માની ભક્તિમાં સ્થૂળતા અને ભૌતિકતા ભેળવે છે. ભૌતિકતામાં પ્રદર્શન હોય છે ને પ્રદર્શનથી જડતાનો જન્મ થાય છે. જ્યારે માનવ આદિકાળથી સરળ, સહજ અને અપ્રદર્શનકારી ધર્મનું શરણું શોધતો રહ્યો છે. એક એવાં ધર્મની શોધ તેના અંતરને સદા ટકોરતી હોય છે જેમાં પ્રેમ હોય, સર્વજીવ-સમભાવ અને સહિષ્ણુતાની સાહજિક અભિવ્યક્તિઓ હોય. અતિશય કર્મકાંડો પાછળનું પ્રદર્શન અને તેં પાછળની જડતા માણસને ઈશ્વરથી વિમુખ કરે છે. જેનું અતિ ઉત્તમ ઉદાહરણ છે – વૈદિક ધર્મનું પતન અને જૈન તથા બૌધ ધર્મનો ઉદય.

વૈદિક ધર્મ બહુ જ વિશાળ અર્થ-માનક ધરાવતો વ્યાપક ધર્મ હતો. પરતું તેમ વ્યાપ્ત ક્રિયાકાંડોનાં અતિરેકે લોકોને જૈન ધર્મ જેવા પ્રમાણમાં સરળ અને સહજતાથી આત્મ-ગ્રાહ્ય ધર્મ ભણી વાળ્યા. લોકોએ ક્લિષ્ટ ધર્મનો ત્યાગ કરી સરળતાને આવકાર આપ્યો.

ક્રિયાકાંડોનો અંતિમ ઉદ્દેશ્ય પ્રદર્શન હોય છે અને પ્રદર્શન પાછળની ભૌતિકતા સદા વિનાશકારી નીવડે છે. માટે જ ઇસા મસીહે પોતાના ધર્મનો પ્રચાર કરવામાં સવિશેષ નોંધાવેલું – “સોયના સુક્ષ્મ છિદ્રમાંથી ઊંટ પસાર થઇ શકે છે પણ મારા ધર્મમાં ધનિકોનો પ્રવેશ અસંભવ છે. !”

શ્રીમદ ગીતા પ્રમાણે – “કર્મ એજ માનવનો સર્વોચ્ચ ધર્મ છે.” ધાર્મિક ક્રિયાકાંડનાં આયોજન પાછળ ધન – સમય અને શક્તિ વેડફવા કરતાં સાચા હૃદયથી પોતાના કર્મમાં મગન રહી આંતરિક સદગુણોનો ગુણાકાર કરવો જ સર્વોત્તમ ધર્મ છે. આત્મામાં પરમાત્માની સુગંધનો સાગર લહેરાતો હોય અને શરીર ઉપર પરિશ્રમથી ઉપજેલું પ્રસ્વેદ-બિંદુ ચળકતું હોય ત્યારે તેમાં જ ઈશ્વર પ્રતિબિંબિત થતો હોય છે.

ધાર્મિક ક્રિયાકાંડથી ઈશ્વર રાજી નથી થતો. કામમાં પરોવાયલાં હાથ નિહાળીને હજાર હાથવાળો હરખાતો હોય છે. દીનાનાથના સમ્મુખ દીન-હીન બની યાચાનામાં ફેલાયલા હાથ કરતાં પોતાના કામમાં વ્યસ્ત હાથ શ્રેષ્ઠ હોય છે. માણસે પોતાની ફરજ બજાવવાનો ધર્મ પાળવો, ફળ-દાન તો દાતાનાં હાથમાં છે. અને એ પોતાના કર્તવ્યમાં, પોતાના ધર્મમાં કદી ઉણો ઊતરવાનો નથી. હરિવંશરાય ‘બચ્ચન’ કહેતાં –

प्रार्थना मत कर – मत कर – मत कर..

मनुज पलायन के साधन हैं –

मठ, मस्ज़िद, गिरिजाघर.. प्रार्थना मत कर.

પોતાના કર્તવ્યનું પાલન કરવાના ધર્મને બજાવવા માટે માનસને કોઈ જાતના ક્રિયાકાંડની જરૂર હોતી નથી. મંદિર, મસ્જીદ કે દેવળોમાં ભવ્ય પ્રદર્શનો યોજીને ધનનો ધુમાડો કરવાથી ઈશ્વર નથી મળી રહેવાનો. પ્રભુડો તો વસે છે સંત રામદાસના જોડાં સીવવામાં, કબીરની ચાદર બુનવામાં, કેવટની પતવાર (હલેસાં) વીંઝવામાં કે ખેડૂતના હળની અણીએ કે મજૂરના પરસેવાના ઝળહળાટમાં. માટે જ કબીરજીના સૂરમાં સૂર મેળવીને ગાવાનું મન થઇ આવે છે (અત્રે પાછું ધાર્મિક ક્રિયાકાંડોને ભાંડવા હોય તો કબીરથી વધ સારી ચોટ કોણ કરી શકે ?)

पत्थर पूजै ईश्वर मिलै, तो मैं पूजूँ पहाड़,

ताते यह चक्की भली, पीस खाय संसार !

કર્મ પછી ધર્મ કહેવડાવવાનો માણસનો બીજો સદગુણ છે – પ્રેમ. બિનજરૂરી ક્રિયાકાંડોને વખોડતાં દરેક ભગવાન, સંત અથવા પયગંબરએ પ્રેમ, દયા ને કરુણાને સર્વોપરી માનવ ધર્મ માણ્યો છે. એટલે જ તો કવિ નિદા ફાઝલી મસ્જીદ જાવા કરતાં વધુ તવજ્જોહ (મહત્વ) કોક રડતા બાળકને હસાવવાને આપે છે.

घर से मस्ज़िद दूर है चलो.. यूँ कर लें,

किसी रोते हुए बच्चे को हँसाया जाय !

શ્રાવણ મહિનો બેસે એટલે શિવાલયોમાંથી દૂધની નદી વહી નીકળે.. એટલું દૂધ ભક્તો શિવલિંગ ઉપર રેડતાં હોય છે. શ્રીનાથજી બાવાની હવેલી કે સ્વામીનારાયણ મંદિરમાં ‘હિંડોળા’નું સર્જન થાય ત્યારે હજારો કિલો ફળ, પકવાન અને મિષ્ઠાન સજાવામાં આવે. પર્યુષણ દરમ્યાન કરોડો રૂપિયાની ઉછામણી કરવામાં આવે. નોરતામાં માતાજીની ‘પલ્લી’ હોય ત્યારે ટનબંધ ઘી તેમની ઉપર રેડી નાખતા આખાય ગામમાં ઘીની નદી વહી નીકળે. ત્યારે નિમ્ન વર્ગને ખાવાના ફાંફા હોય. ગરીબ તો કદાચ હજીય માંગીને કશુંક મેળવી લે છે પણ સાચો ભોગ તો મધ્યમ વર્ગનો લેવાય છે. એને હાથ લાંબો કરીને માંગતા શરમ નડે છે. ના માંગી શકે, ના મેળવી શકે, ના મરી શકે. આ સૌથી કપરી પરિસ્થિતિ છે. ફરી કવિ કહે છે –

अन्दर मूरत पर चढ़े – घी-पूरी-मिष्ठान,

बाहर सीढ़ी पर बैठा, ईश्वर माँगे दान !

ઇસ્લામમાં સર્વમાન્ય સત્ય છે કે અલ્લાહ એક છે. એમનાં સિવાય કોઈ પરવરદિગાર નથી. તે અશરીરી, નિરાકાર છે. અંતિમ સત્ય અને સર્વશક્તિમાન છે. જ્યારે એમનું કોઈ રૂપ, રંગ, આકાર જ નથી તો પછી આટલી મોટી મોટી મસ્જિદો શાનાં માટે બનાવવામાં આવી છે ? જ્યારે કે કરોડો જીવતાં જાગતા ઇન્સાન ફૂટપાથ ઉપર કે ઝુંપડપટ્ટીમાં કે પછી જંગલોમાં મરવાના વાંકે જીવી રહ્યાં છે. એક માત્ર અલ્લાહની બંદગી ખાતર આટલું વિશાળ ભવન બનાવીને ખાલીખમ્મ રાખવાનું હોય તો પછી અલ્લાહની જ દેન જેનો ઇન્સાન શાને બેઘર-બાર હાલ બેહાલ જીવી રહ્યો છે ? નિદા ફાઝલી ફરી સવાલ ઉપાડે છે –

बच्चा बोला देख कर मस्ज़िद आलिशान..

अल्लाह तेरे एक को इतना बड़ा मकान ?

એથી જ ટૂંકાણમાં કહેવું હોય તો કહી શકાય કે સમજુ માણસ બધાં ભગવાનો, બધાં જ મહાપુરૂષો, બધાં જ પુસ્તકો, બધાં જ સિદ્ધાંતો અને બધી જ ફિલસૂફીનો પોતાના, સમાજના કે દ્એશના ફાયદામાં ઉપયોગ કરી લેવો જોઈએ... સાવ અર્થહીન, બિનઉપયોગી ક્રિયાકાંડોમાં ધન, સમય અને શક્તિ વેડફવા ના જોઈએ. સમજદાર માણસે ભગવાન મહાવીર પાસેથી જ્ઞાનની ભિક્ષા – શ્રી કૃષ્ણ પાસેથી પ્રેમની શિક્ષા અને કબીરજી પાસેથી કર્મની દીક્ષા મેળવી લેવામાં જ ખરી બુદ્ધિમત્તા છે. એ જ સાચો ધર્મ છે. ક્રિયાકાંડ... એ ભ્રમણાથી વિશેષ કશું નથી.

~~ કુમાર જિનેશ શાહ (9824425929).