Ek patangiya ne pankho aavi - 37 books and stories free download online pdf in Gujarati

એક પતંગિયાને પાંખો આવી - 37

એક પતંગિયાને પાંખો આવી

પ્રકરણ 37

વ્રજેશ દવે “વેદ”

ફટાફટ ટેન્ટ છોડી નાંખ્યો. બધો સામાન બરાબર પેક કરી લીધો. ઘડિયાળ જોયા વિના જ નીકળી પડ્યા મંઝિલ તરફ લઈ જતાં રસ્તા પર, નિરજા અને વ્યોમા.

ફરી એ જ રસ્તો, એ જ જંગલ, એ જ ઝાડ. એ જ નીચે પડેલા પાંદડાઓ, ઝૂકેલી ડાળીઓ. એ જ આકાશ. એ જ વાદળો. એ જ હવા. બધું જ કાલે હતું, એવું જ હતું. હવે આ બધું જાણીતું લાગતું હતું. કાલની જેમ નવું નવું કે અજાણ્યું કશું જ નહોતું. સાથે સાથે, આજે સુરજ નામનું તત્વ પણ ન હતું.

સુરજ ક્યાંક ગાયબ થઈ ગયો હતો. આમ તો તે બહુ ગંભીર છે, તેની રોજની જવાબદારી પ્રત્યે. પણ આજે તેણે ગાપચી મારી કે શું? બીમાર પડેલો પ્રકાશ, વાદળોથી ઢંકાયેલા આકાશમાંથી ડરતો ડરતો પૃથ્વી પર આવી રહ્યો હતો. આછા પ્રકાશમાં જંગલ ખૂબ જ ગાઢ લાગતું હતું.

બન્ને ચાલતા રહ્યા. ક્યારેક કોઈ વાત, તો ક્યારેક એ જ પરિચિત મૌન. આ સિવાય કોઈ નહોતું તેઓની અને જંગલની વચ્ચે. ઘણું ચાલ્યા બાદ કોઈ ઝાડ નીચે બેસી ગઈ વ્યોમા. નીરજા હજુ પણ ચાલતા રહેવા માંગતી હતી. પણ વ્યોમાએ તેને હાથ પકડી રોકી લીધી. ઝાડને ટેકે પીઠ રાખી બેસી ગઈ.

ફરી એકાંતને અનુભવવા લાગ્યા, મૌન બનીને. ધ્યાનથી સાંભળતા રહ્યા, જંગલના એકાંતને.

કેટલીય વારના મૌન બાદ અચાનક જ વ્યોમા ઊભી થઈ. તેના પગરવથી મૌન ભંગ થયું. તે ધ્યાનથી કોઈ દિશામાં જોવા લાગી.

નીરજા પણ ઉઠી,”વ્યોમા, શું વાત છે?”

“એકદમ ધ્યાનથી કાન માંડ. તને કોઈ ગીત જેવુ કાંઇ સંભળાય છે?“

નીરજાએ તે તરફ કાન માંડ્યા. શાંત જંગલમાં કોઈના ગાવાનો અવાજ દૂર દૂરથી આવતો હતો. રસ્તાની ડાબી બાજુથી તે અવાજ આવતો હતો. બન્નેને હવે ખાત્રી થઈ ગઈ, કે કોઈ વ્યક્તિ ગીત ગાઈ રહ્યો છે અને તે ખૂબ જ નજીક પણ છે.

અવાજ ધીમે ધીમે નજીક આવતો હોય તેવું લાગ્યું. હવે તે સ્પષ્ટ સાંભળી શકાતો હતો. તે કોઈ ટીન એજ છોકરાનો અવાજ હતો. તે લોકલ ભાષામાં ગીત ગાતો હતો. તેના શબ્દો ખાસ સમજાતા નહોતા પણ તેના ગીતમાં લય અને તાલ હતા.

તે તાલ અને લયને ઓળખવાનો નીરજાએ પ્રયાસ કર્યો. તેને તેમાં બસંત બહાર રાગના આરોહ અવરોહની ઝલક જેવુ લાગ્યું. તે ધ્યાનથી પૂરા ગીતને સાંભળવા લાગી. તેની ધૂન પરથી તેને સમજાઈ ગયું કે કોઈ ભરવાડનો છોકરો જંગલનું ગીત ગાઈ રહ્યો છે.

ગીત હવે ખૂબ નજીક આવી ગયું. એક છોકરાને હાથમાં લાકડી સાથે જંગલની કેડી પર આવતા જોયો. તે ડાબી બાજુએથી આવીને કેડી વીંધીને જમણી બાજુએ જવા લાગ્યો. તેની પાછળ પાછળ 20 – 22 ગાયો પણ આવી. તે સૌ રસ્તાની જમણી બાજુ, જંગલમાં ભળી ગયા. પેલા છોકરાનું ગીત હજુ પણ જંગલમાં ગુંજતું હતું. તેના શબ્દો કાન પર મધુર સ્વરનો અનુભવ કરાવી રહ્યા હતા.

નીરજા હજુ પણ તે ગીત અને તેના રાગમાં વ્યસ્ત હતી. વ્યોમાને સંગીતમાં ખાસ સમજ નહોતી પડતી. પણ તેને તે ગીત ગમ્યુ. તેણે ગીત ગાતા અને કેડી પાર કરીને જમણી તરફ જંગલમાં ભળી જતાં, તે છોકરાને જોયો હતો. જંગલની કેડી પર તેણે વેદ પછી આ માત્ર બીજી વ્યક્તિને જોઈ હતી. તેને પેલા છોકરા જોડે વાત કરવાનું મન થયું. પણ તે તો જંગલમાં ભળી ગયો હતો. ગાઢ જંગલમાં તે ક્યાં છે તેની ખબર નહોતી પડતી. પણ તેનો અવાજ હજુ પણ સંભળાતો હતો.

વ્યોમા તે અવાજની દિશામાં દોડી. જંગલમાં ઘૂસવા લાગી. નીરજાએ તેને રોકવા અવાજ દીધો, પણ વ્યોમાએ તેને સાંભળ્યો જ નહીં. તે તો બસ ગીતની દિશામાં દોડવા લાગી. છોકરો ઝડપથી ચાલતો હતો, એટલે વ્યોમા દોડવા લાગી અને જંગલમાં થઈને પેલા છોકરા પાસે પહોંચી ગઈ.

વ્યોમાએ તેને અવાજ દીધો,”એ ય ..ય...” પણ તે પોતાની ધૂનમાં હતો. વ્યોમાનો અવાજ, તેના ગીતના અવાજને વીંધીને તેના કાન સુધી પહોંચી ના શક્યો. વ્યોમા ફરી દોડીને આગળ નીકળી ગયેલા છોકરા પાસે પહોંચી ગઈ. તેણે તેનો હાથ પકડી લીધો અને ઈશારાથી ઊભા રહેવા કહ્યું.

તે ચોંકી ગયો. કોઈ વ્યક્તિ આ જંગલમાં તેની સામે આવીને ઊભી છે ! અને તે પણ એક છોકરી? કોઈ અજાણ્યા શહેરની છોકરી? સુંદર છોકરી? અને તે તેનો હાથ પકડીને ઊભી છે ! કશુંક કહી રહી છે આ છોકરી. તેણે વ્યોમાની સામે નજર કરી. વ્યોમા પણ તેને જ જોઈ રહી હતી. વ્યોમા તેનો હાથ ખેંચી રાખી તેને ઊભા રહેવા ઈશારો કરી રહી હતી. તે રોકાઈ ગયો.

તેને પહેલી જ વાર કોઈ અજાણી છોકરીનો સ્પર્શ થયો હતો. તે રોમ રોમ રોમાંચિત થઈ ગયો. એક આખું લીલુછમ્મ જંગલ તેની નસેનસમાં દોડવા લાગ્યું. વ્યોમાએ હજુ પણ તેનો હાથ પકડી રાખ્યો હતો. જંગલ વિસ્તરતું જતું હતું. આખા શરીરમાં વ્યાપી ગયું.

છોકરાએ વ્યોમાની આંખમાં નજર કરી. વ્યોમાએ પકડી રાખેલા હાથ પર નજર કરી. વ્યોમાએ પણ તે હાથ તરફ નજર કરી.

તેણે છોકરાની આંખમાં જોયું. બંનેની નજર મળી. બંનેના હાથમાંથી કોઈ ઝરણું બંને બાજુ વહેવા લાગ્યું. બંનેના હોઠો અનાયાસ જ સ્મિત આપી બેઠા. તે શરમાઇ ગઈ. તે સફાળી જ જાગૃત થઈ ગઈ. તેણે ઝડપથી છોકરાનો હાથ છોડી દીધો.

ખૂબ સુંદર જેલમાથી તાજા જ છૂટેલા હાથને જોતો રહ્યો, તે છોકરો. વ્યોમાને શું કરવું કે કહેવું તે સૂઝયું જ નહીં. તે એમ જ ઊભી રહી ગઈ. બસ, જોતી રહી એ છોકરાને. બંનેના હોઠો પરથી સ્મિત વહેતું ગયું, તેઓની આંખોમાં વસી ગયુ. સ્મિતની હાજરીમાં તેઓ કશું બોલી ના શક્યા.

“વ્યોમા... વ્યોમા..” નીરજા પણ વ્યોમાની પાછળ પાછળ ત્યાં આવી ગઈ. નીરજાના આવવાથી વ્યોમાને નિરાંત થઈ ગઈ. તે દોડી ગઈ નીરજા પાસે. છોકરો ફરી વિસ્મય પામ્યો. એક બીજી છોકરી? એ પણ સુંદર? એ પણ યુવાન? એ પણ અજાણ્યા શહેરની? બે, બે અજાણી છોકરી? આ જંગલમાં શું કરી રહી છે તે? તેને કશું જ ન સમજાયું. તેણે જ વાતની શરૂઆત કરી.

“તમે બંને કોણ છો?” પેલા છોકરાએ અંગ્રેજીમાં પૂછ્યું.

નીરજા અને વ્યોમાએ સ્મિતની આપલે કરી,”વાહ. આ તો અંગ્રેજી બોલી જાણે છે.”

“તું અંગ્રેજી જાણે છે? વાહ.” વ્યોમા આનંદિત થઈ ગઈ.

“હા. હું કોલેજ સ્ટુડન્ટ છું.” પહેરવેશથી ગામડિયો લાગતો છોકરો, કોલેજ સ્ટુડન્ટ છે તે જાણી બન્ને વિસ્મય પામ્યા. પણ ગમ્યું.

“શું નામ છે તારું, છોકરા?” નીરજાએ વાતનો દોર આગળ ચલાવ્યો.

“મારૂ નામ વિલ્સન છે. અને છોકરીઓ, તમારું?”

“હું વ્યોમા અને આ મારી મિત્ર નીરજા છે.” વ્યોમાએ ઉત્સાહથી પરિચય આપ્યો.

“તમને અહીં જોઈને આનંદ થયો. સાથે આશ્ચર્ય પણ.“

“અમે એક ખાસ મિશન પર અહીં છીએ.” નીરજાએ તેને આ જંગલમાં આવવાનું કારણ વિગતે સમજાવ્યું.

“વિલ્સન, શું થોડો સમય આપણે સાથે ચાલી શકીએ?” વ્યોમાએ અપીલ કરી.

“સ્યોર. પણ તમારી દિશા અને મારી દિશા અલગ છે.“ વિલ્સને કહ્યું.

“તો થોડી વાર, સાથે બેસી તો શકાય ને?” નીરજાએ વિનંતી કરી. વિલ્સનને તે વિનંતી સ્પર્શી ગઈ.

નીરજા અને વ્યોમા, વિલ્સનને જ્યાં તેઓનો સામાન પડ્યો હતો ત્યાં લઈ ગઈ. ત્રણેય ઝાડ નીચે બેસી ગયા.

વિલ્સન ગયો ચરાવે છે, એટલે તે જંગલનો માણસ છે. નીરજા અને વ્યોમા જંગલ વિશે, વિલ્સન પાસેથી ઘણું બધું જાણવા માંગતા હતા. તે જંગલને કદાચ ખૂબ સારી રીતે જાણે છે. વિલ્સન પણ મજેદાર લાગ્યો. તેના વિશે પણ જાણવું ગમશે.

વિલ્સન પણ પોતાના જંગલ વિશે, કોઈને પણ બધું જ કહેવા ઉત્સુક હતો. આ તો બે સુંદર, યુવાન અને દૂરના કોઈ શહેરની છોકરી પૂછી રહી હતી. તેને તો ગમતું હતું, જંગલ વિશે વાતો કરવી અને જંગલે તેને તે અવસર આપી દીધો.

“આ જંગલ ...” વિલ્સને જંગલ તરફ નજર કરી અને કહેવા માંડયું.

“તું કોલેજ સ્ટુડન્ટ છે અને ગાયો પણ ચરાવે છે?” વ્યોમાએ તેને વચ્ચેથી જ અટકાવી પ્રશ્ન કર્યો.

“તો પહેલાં મારા વિશે કહી દઉં, જંગલની વાત પછી.” વિલ્સને સ્મિત આપ્યું.“ખેતી અને પશુપાલન અમારો ધંધો છે. આ બધી ગાયો અમારી જ છે. કોલેજમાં અભ્યાસ સાથે હું તેમાં પણ ધ્યાન આપું છું. હાલ વેકેશન છે, એટલે મારી પાસે સમય ઘણો છે. લાસ્ટ યરની એક્ઝામ પૂરી થઈ ગઈ છે.રિઝલ્ટની પ્રતિક્ષા કરું છું.”

“ઓહો. તો તું કોલેજ વિશે થોડી વાતો કરી શકે?“ વ્યોમા કોલેજ માટે ઉત્સાહિત થઈ ગઈ.

“પહેલાં નક્કી કરી લો, હું મારા વિશે વાત કરું? કે મારી કોલેજ વિશે વાત કરું? કે પછી જંગલ વિશે?” વિલ્સન, વાતના વિવિધ વિષયોમાં ઉલઝાઇ ગયો.

“તું જંગલ વિશે જ કહે” નીરજાએ પોતાનો મત વ્યક્ત કર્યો.

“ના, ના. ના. પહેલાં કોલેજ. પછી જંગલ.” વ્યોમાએ ભિન્ન વાત કરી.

વિલ્સન બન્નેને જોઈ મનમાં વિચારવા લાગ્યો ‘કેવી ચંચળ છે આ ઉંમર? એક ક્ષણ જંગલ, તો બીજી ક્ષણ કોલેજ. મન કેવું એક વાત થી બીજી વાત પર દોડતું હોય છે. સ્થિરતા કે ગંભીરતા નથી હોતી. આ બન્ને પણ હજુ ચંચળ જ છે. મારે એમને યોગ્ય રીતે હેન્ડલ કરવા પડશે.’

“ઓકે, ઓકે. હું બન્ને વાત કરીશ. પણ પહેલાં, તમે તમારી કોલેજ વિશે વાત કરો ને.”

“અમારી કોલેજ? અમે તો ક્યારેય કોલેજ ગયા જ નથી.” વ્યોમાએ વાતનો દોર પોતાના હાથમાં લીધો.

“કેમ? તમે કોલેજમાં નથી ભણતા? કે પછી ભણવાનું જ છોડી દિધું? અને નીકળી પડ્યા આમ રખડવા?”

“મી. વિલ્સન, કોઈ વિશે આમ ખોટી પૂર્વધારણાઓ બાંધીને વાત ન કરાય.” નીરજા ચિડાઇ ગઈ.

“અમે હજુ હમણાં જ અમારી જુનિયર કોલેજની પરીક્ષા આપી છે, અને રિઝ્લ્ટ આવ્યા બાદ કોલેજ જોઇન કરીશું.” વ્યોમાએ સ્મિત આપ્યું.

“ઓહ. એમ વાત છે. મને એમ હતું કે આપ પણ કોલેજ સ્ટુડન્ટ હશો. ખેર. હું તો થોડી મજાક કરતો હતો, નીરજા. ખોટું તો નથી લાગ્યું ને?”

“ઓહ. તું પણ મજાક મસ્તી કરી લે છે? જો મજાક હોય તો મને વાંધો નથી.” નીરજાએ સ્મિત આપ્યું. વાતાવરણ ફરી નોર્મલ થઈ ગયું.

“તો કોલેજની વાત કરી રહ્યા હતા, આપણે.” વ્યોમાએ ફરી વાત શરૂ કરી.

“તમે કોલેજ જોઈ નથી, પણ કોલેજ વિશે ઘણું સંભાળ્યું હશે જ. તમારા મનમાં કોલેજ વિશે કેવી ધારણાઓ છે? કેવી કલ્પનાઓ છે? મને એ બધું જાણવું ગમશે.”

“કોલેજ એટલે ઘણું બધું. ઉત્સાહ અને આનંદથી છલકાતા યુવાન છોકરા છોકરીઓ, મુક્ત આકાશમાં ઉડતા પતંગિયાઓ…” વ્યોમાએ શરૂઆત કરી.

“કોઈ નિયમો નહીં, કોઈ બંધનો નહીં. એક આઝાદી. એક સ્વતંત્રતા. કહો કે સ્વછંદતા.“નીરજા પણ જોડાઈ.

“ચારે તરફ વહેતી રોમાંટીક હવા. બોય ફ્રેંડ્સ, ગર્લ ફ્રેંડ્સ. પહેલાં આંખોથી થતી વાતો, પછી શબ્દોથી. પછી આલિંગન અને ચુંબન. ગમતો રોમાન્સ.“

“ભણવા કરતાં મસ્તી વધુ કરતાં કોલેજીયનો. ક્લાસને બદલે કેંટિનમાં વધુ સમય પસાર કરતાં એ લોકો. બંક મારી થીએટરમાં ફિલ્મો જોતાં સ્ટુડન્ટ્સ.”

“મોટી મોટી ગાડીઓમાં ફરતા છોકરાઓ. મનગમતા કપડાં પહેરવાની છૂટ. કોઈ યુનિફોર્મ પણ નહીં. રોજ નવા નવા કપડાં.”

“છોકરીઓની છેડતી કરતાં પૈસાદાર માબાપના, બગડેલા નબીરાઓ, વિધ્યાર્થી કરતાં ગુંડાઓ જેવા વધુ લાગે.”

“કેંટિનમાં કે ગાર્ડનમાં હાથમાં ગુલાબ લઈને મનગમતા પાત્રને પ્રેમનો પ્રસ્તાવ કરતા હોય, એકને બીજું ગમતું હોય, બીજાને ત્રીજું ગમતું હોય અને ત્રીજાને વળી પહેલું ગમતું હોય. પ્રણય ત્રિકોણ રચાતાં હોય.“

“રાજકારણનો અડ્ડો હોય તેમ કાવાદાવા, ષડયંત્રો અને દુશ્મનીની પાઠશાળા, મારામારી, ડ્રગ્સ, હથિયારોની હેરાફેરી અને લગભગ બધા જ અનૈતિક કાર્યોના કેરિયર તરીકે કોલેજીયનોનો થતો ઉપયોગ.“

“ક્યારેક પ્રણયના ત્રિકોણને બદલે રચતાં ચતુસ્કોણ, પંચકોણ કે અષ્ટકોણ. ખબર જ ના પડે, કે કોણ કોને પ્રેમ કરે છે? અને કોને કોણ પ્રાપ્ત થાય તો બધા સુખી થાય. જેનો કદાચ કોઇ સુખદ અંત ના પણ હોય.”

“ભણવા આવતા નિર્દોષ સ્ટુડન્ટ, જાણ્યે અજાણ્યે ફસાઈ જાય કોઈ ચક્કરમાં. અને જે કોઈ નક્કર સપનાઓ લઈને કોલેજ આવ્યા હોઈએ તે સપનાઓ પિંખાઈ જાય. તેને બદલે કોઈ અંધારી જિંદગી તરફ ધકેલાઇ જતું યૌવન.”

નીરજા અને વ્યોમા પોતપોતાની કલ્પના અને ધારણા પ્રમાણે કોલેજ વિશે કહેતા રહ્યા. વિલ્સન મૌન બની સાંભળતો રહ્યો. બસ સ્મિત આપતો રહ્યો. તેણે બન્નેને બોલવા દીધા.

“પ્રણયના આવા અનેક કોણો જોવાની મને તો મજા પડે. એ જોવા જ હું તો કોલેજમાં જઈશ.“ વ્યોમા હજુ પણ બોલતી રહી.

નીરજા ગંભીર થઈ ગઈ. મૌન બની ગઈ. એકલી એકલી બોલતી વ્યોમા પણ અટકી. બધા જ મૌન થઈ ગયા. વિલ્સને બંનેની આંખમાં નજર કરી. કોલેજ વિશે હજુ પણ તેઓના ચહેરા પર અવનવા ભાવો હતા. એક વિસ્મય હતું. તેને તે ગમ્યું.

“ઓહો, તો કોલેજમાં આવું બધું હોય છે? કેવું અલગ અને અદભૂત છે, નહીં?” વિલ્સને પણ વિસ્મયના ભાવો ચહેરા પર લાવતા કહ્યું.

“કેમ તું અમને આવો સવાલ કરે છે? તારી કોલેજમાં પણ આવું બધું, તેં જોયું જ હશે ને?”

“કે પછી તું પણ કોલેજ નહોતો જતો?” વ્યોમાએ વ્યંગ કર્યો. તેના વ્યંગ પર ત્રણેય હસી પડ્યા.

“હું તો રોજ કોલેજ જતો હતો. ભાગ્યે જ કોઈ ગાપચી મારી હશે. પણ..” વિલ્સન અટકી ગયો, એક પળ માટે. ઊંડો શ્વાસ લઈ તેણે બંનેની આંખમાં જોઈ સવાલ કર્યો,”તમે ફિલ્મો બહુ જોતાં લાગો છો?”

“હા, અમને ફિલ્મો જોવી ગમે. તો આપણે ફિલ્મો વિશે પણ વાતો કરીએ.” વ્યોમા માટે નવો વિષય સર્જાઈ ગયો.

“ના. આપણે ફિલ્મો વિશે હાલ વાતો નહીં કરીએ. માત્ર કોલેજ અને જંગલની જ વાતો કરીશું.” નીરજાએ વ્યોમાને ટપારી.

“રહસ્ય અને રોમાંચ ભરપૂર વાર્તા કે નવલકથાઓ પણ વાંચતાં લાગો છો.” વિલ્સને નવી વાત કરી.

“કેમ તું આવું બધું કહે છે? મૂળ વાત પર કેમ નથી આવતો?” નીરજા ફરી ચિડાઇ ગઈ.

“એટલા માટે નીરજા, કે તમે કોલેજ બાબતે જે પણ કહ્યું તે બધું જ કોઈ વાર્તા કે ફિલ્મ માટે સાચું હોઇ શકે છે. પણ હકીકતમાં તેમાંનું ભાગ્યે જ કાંઇ કોલેજમાં જોવા મળે છે.” તે એકાદ પળ રોકાયો. ફરી કહેવા લાગ્યો, ”ફિલ્મો અને વાર્તાઓમાં તેના દર્શકો અને વાચકોને જકડી રાખવા આવી બધી વાતો ભરી દેવામાં આવતી હોય છે. પણ એ સત્ય નથી.”

“તો કોલેજનું સત્ય શું છે? કહી દે ને.” નીરજા હજુ પણ ચિડાયેલી હતી. તેનો ચહેરો થોડો લાલ થઈ ગયો. વિલ્સનને તેના ચહેરાની લાલી ગમી. તેને થયું કે એ લાલી હંમેશા તેના ગાલ પર રહે અને તે તેને જોયા કરે. પણ, તે માટે નીરજા ચિડાઇ જાય, તે તેને પસંદ ન પડ્યું.

તેણે સ્મિત કરી નીરજાને કહ્યું, ”કોલેજ એ એક યાત્રા છે, જર્ની છે. જે ત્રણ વર્ષ લાંબી છે. આ યાત્રામાં માણસ બનવાની કળા, જીવનને શ્રેષ્ઠ રીતે જીવવાની કળા, શીખવા મળે છે. સંઘર્ષના દિવસોમાં સ્થિર રહેવાની કળા, તો આનંદના દિવસોમાં જીવનને ભરપૂર માણવાની કળા. કોલેજ એ કોઈ ખોટું સાધન નથી કે નથી ટાઈમ પાસ કરવાની જગ્યા. અહીં તો મળે છે, નવી હિમ્મત, નવી તાકાત, નવો જોશ, નવી દ્રષ્ટિ.” નીરજા અને વ્યોમા પર એક દ્રષ્ટિ કરી તેના ભાવોને ચકાસી લીધા. તેને તે જાણીતા લાગ્યા.

“કોલેજ કોઈ પણ પ્રકારના દુષ્કર્મોનું કરવાનું કેન્દ્ર નથી હોતું. ત્યાં આવું કાંઇ જ નથી થતું હોતું. પ્રેમના નાટકો માટેનું એ રંગમંચ પણ નથી જ.” વિલ્સને વાત આગળ વધારી, ”હા, ઘણી પ્રેમ કથાઓ અહીં સર્જાય છે જરૂર, પણ માત્ર કોલેજ કાળ પૂરતી જ. તે ભાગ્યે જ તેના અંતિમ લક્ષ્યને પામે છે. કોઈ અનૈતિક કામ પણ ક્યારેક થઈ જતાં હોય છે. પણ, એ અપવાદ રૂપે જ.”

નીરજા અને વ્યોમા તેને રસપૂર્વક સાંભળી રહ્યા. તેઓને લાગાવા લાગ્યું, કે વિલ્સનની વાતમાં સત્ય ડોકાઇ રહ્યું છે. તેના શબ્દો વડે તેઓનો ભ્રમ ભાંગી રહ્યો છે. તેના શબ્દો, તેની વાતો ગમવા લાગી. તેઓએ તેને બોલવા દીધો.

“કોલેજ કેટલાક છકી ગયેલા નબીરાઓનું મનોરંજનનું સ્થળ પણ નથી. એ તો છે, આંખમાં સપનાઓ લઈને આવેલા યૌવનને સાચી દિશા આપતું સ્થાન. એ આપણી અંદર રહેલી ક્ષમતા અને શક્તિને યોગ્ય આકાર આપે છે. આપણાં ભવિષ્યની રેખાઓ દોરી આપે છે. એક સુંદર વ્યક્તિત્વ અર્પે છે.”

“ઓહ. કોલેજ એટલે એક એવું શિલ્પ સ્થાન, કે જ્યાં કાચા અને ખરબચડા પથ્થર જેવા યૌવનને કોઈ શિલ્પકારના હસ્તે કંડારીને સુંદર મુર્તિ બનાવી દેવાય.” નીરજાએ પોતાના મન પ્રમાણે વ્યાખ્યા કરી.

“તો એ શિલ્પકારો એટલે કોણ? કોલેજના પ્રોફેસરો?” વ્યોમાએ પ્રશ્ન કર્યો.

“તે સુંદર મૂર્તિઓ, તેઓના હાથે કેવી રીતે સર્જન પામે છે?” નીરજાએ પણ જીજ્ઞાસા વ્યક્ત કરી.

વિલ્સનને આ પ્રશ્ન ગમ્યો. તેનો તે જવાબ આપવા લાગ્યો, “કોલેજનું પહેલું પગથિયું ચડતું યૌવન, ખરેખર અપરિપક્વ હોય છે. તે હજુ કાચું હોય છે. તેણે જોયેલી દુનિયા ખૂબ જ નાની, જાણીતી અને મર્યાદિત હોય છે. જ્યારે તે કોલેજમાં આવે છે, ત્યારે તેને મળે છે વિશાળ અને અમર્યાદિત જગત. એક અજાણ્યું જગત. તેમાં તે પોતાની જાતને ફિટ કરવા પ્રયાસ કરે છે. ક્યારેક સફળ થાય તો ક્યારેક નિષ્ફળ. સફળતા આત્મવિશ્વાસ અને નિષ્ફળતા નવો અનુભવ આપી જાય છે. જીવનમાં બંને જરૂરી છે. તે બંને તેને કોલેજમાં જ મળી જાય છે. ધીરે ધીરે તે નવી અને અજાણી દુનિયાને જાણવા લાગે છે. તેમાં તે પોતાની જગ્યા શોધવા લાગે છે. અને તક મળે ત્યારે તે જગ્યા પર તે ગોઠવાઈ જાય છે. તે આખી પ્રક્રિયામાં તેનું ઘડતર થાય છે. તેના વ્યક્તિત્વના નકામા કાંકરાઓ ખરવા લાગે છે, કામના પથ્થરો તેની યોગ્ય જગ્યાએ ગોઠવાતા જાય છે. અને તેમાંથી સર્જાય છે, નવા અને સુંદર વ્યક્તિત્વની એક મુર્તિ.“

બન્ને વિલ્સનની વાતો એકાગ્ર ચિત્તે સાંભળતી રહી. તેના શબ્દો નવી દિશા અને દ્રષ્ટિ આપી રહ્યા હતા. વિલ્સનનું વ્યક્તિત્વ તેને ગમવા લાગ્યું. તેઓને લાગ્યું કે વિલ્સન પણ એક સુંદર રીતે મહાન શિલ્પકારના હાથે કંડારેલી કોઈ મુર્તિ છે. આ મુર્તિ અનુપમ છે. અદભૂત છે.

“કોલેજના પહેલાં દિવસથી શરૂ થયેલી યાત્રા બાદ, છેલા દિવસ સુધીમાં તમારું રૂપાંતર કોઈ નવા વ્યક્તિત્વમાં થાય. રૂપાંતરની આ પ્રક્રિયા સતત થાય. કોલેજને અંતે રૂપાંતર પૂરું થાય. તેનો અહેસાસ તમને કોલેજના છેલ્લા દિવસે થાય, કોલેજને છોડતી વખતે થાય. અને જો તેમ થાય તો જ તમારરું કોલેજમાં આવ્યાનું સફળ.”

“અને એવું ના થાય તો?“ નીરજાએ શંકા વ્યક્ત કરી.

“જો તેવું ના થાય, તો કોલેજને દોષ ના દેવાય. ઘણી વખત કોઈ પથ્થર લાગતો માણસ ખરેખર ખડક પણ હોઇ શકે.” વિલ્સને બોલેલા શબ્દો, બન્નેમાંથી કોઈને પણ ના સમજાયા.

“આ પથ્થર અને ખડક એ બધું શું છે? તેનો મતલબ શું છે? કશું ય સમજાયું નહીં.” વ્યોમાએ પૂછ્યું.

“ઓહ, હું ભૂલી ગયો કે તમે હજુ કોલેજમાં ગયા નથી. મારે તમને સમજાય એવા શબ્દો વાપરવા જોઈએ.” તે હસ્યો, અટક્યો. ફરી કહેવા લાગ્યો, “મુર્તિ પથ્થરમાંથી બને, ખડકમાંથી નહીં. પથ્થરને કંડારી શકાય, ખડકને નહીં. જો કોલેજમાં આવતો સ્ટુડન્ટ પથ્થર હોય તો તેમાંથી મુર્તિ બની શકે, પણ જો તે ખડકની જેમ સંવેદના વિનાનો હોય, તો તેના પર પડતાં શિલ્પકારના હથોડાના ઘા વ્યર્થ બની જાય. તેમાંથી કશું જ ખરે નહીં, અને તે એમ જ ઊભો રહે. કાળમીંઢ બનીને.“

“ઓહ, એનો અર્થ એ, કે પથ્થરમાં મુર્તિ પહેલેથી જ હોય છે. તેને માત્ર કંડારવાની જ હોય છે. જયારે ખડકમાં તેવું કશું જ નથી હોતું. રાઇટ?” નીરજા હવે તેના શબ્દોના મર્મને સમજવા લાગી.

“વિલ્સન, તું પથ્થર હતો કે ખડક?” વ્યોમાએ અણીદાર સવાલ પૂછી નાંખ્યો. નીરજા તેના સવાલથી ચોંકી ગઈ. તેની આંખોએ વ્યોમાને ઠપકો આપ્યો, ’આ તે કેવો સવાલ?’ વ્યોમા કોઈ પ્રતિક્રિયા આપે તે પહેલાં તો વિલ્સને કહ્યું, ”તમને શું લાગે છે? તમે જ કહો.”

વ્યોમાએ જવાબમાં આપ્યું મૌન. પણ નીરજાએ આપ્યો જવાબ, ”ખડક ક્યારેય જંગલમાં ગીતો ના ગાઇ શકે. કોઈ અજાણી બે છોકરીઓ સાથે આમ, પોતાના વિચારોને વહેંચે નહીં.” વિલ્સન અને નીરજા હસી પડ્યા. વ્યોમા હજુ પણ મૌન.

“મને પણ છેલ્લે દિવસે જ ખબર પડી, કે હું પણ પથ્થર હતો. અને બની ગયો કોઈ નવી જ મુર્તિ.”

“કોલેજનો છેલ્લો દિવસ કેવો હોય છે, વિલ્સન? કેવી કેવી લાગણીઓ જન્મતી હોય છે.” વ્યોમાએ મૌન તોડ્યું.

“કોલેજનો છેલ્લો દિવસ એટલે, આખી યાત્રાને ફરીથી જીવી જવાનો દિવસ. ત્રણ વર્ષને ખૂબ જ થોડા સમયમાં જીવવાનું. અને બને તો બધા દોસ્તો સાથે કરેલા અયોગ્ય વ્યવહારની, ખુલા દિલે ક્ષમા માંગી લેવાની. મેં પણ એમ જ કર્યું હતું.”

“વાહ, ખરેખર તો છેલ્લો દિવસ જ સૌથી અદભૂત હોતો હશે, ખરું ને?”

“કોલેજનો છેલ્લો દિવસ એટલે, વિતેલા દિવસોની યાદને લઈને ત્યાંથી ચૂપચાપ નીકળી જવાનો દિવસ. સ્મરણોનું અખૂટ ભાથું સાથે લઈ જવાનું. સૌ લાગણીઓને મનના નાના એવા એક ખૂણામાં ઠાંસી ઠાંસીને ભરી દેવાનું. અજાણ્યા કોઈ પથ પર, યાત્રા કરવા નીકળી પડવાનું. દોસ્તોને, કેન્ટીનને, બગીચાને, લાઇબ્રેરીને, પુસ્તકોને, ક્લાસને, જેના પર બેસીને ત્રણ વર્ષ વિતાવ્યા હોય તે બેન્ચને, પ્રોફેસરોને, મેદાનને, એસેમ્બલી હોલને, રંગમંચને, કોણ જાણે કોને કોને સદાય માટે છોડી જવાનું હોય છે, કોલેજના છેલ્લા દિવસે. એમાંનું કશું જ, ક્યારેય ફરી નથી મળવાનું.....” બોલતાં બોલતાં વિલ્સનના ગળે ડૂમો ભરાઈ ગયો. જાણે તેને કોઈ યાદ આવી ગયું, અને જાણે તેને તે સદાય માટે છોડી આવ્યો હોય. તેના શબ્દો અટકી ગયા, પણ ગાલ પર બે ચાર મોતી અટકયા નહીં, બસ ટપકી ગયા.

તે રડી રહ્યો હતો. તેના હોઠો સ્મિત આપી રહ્યા હતા. રુદન અને સ્મિત ! બંને એક સાથે. નીરજા અને વ્યોમા ભાવાવેશમાં તેને જોતાં રહ્યા. તેની પાસે વિલ્સને કહેલાં શબ્દોનો કોઈ જવાબ નહોતો.

થોડી વારે તે સ્વસ્થ થયો. બે અજાણી છોકરીઓની હાજરીમાં પુરુષ થઈને રડવાનો તેને કોઈ અફસોસ ના થયો.

“પુરુષ થઈને પણ રડી શકાય છે, એ મને કોલેજે શીખવાડયું. કોલેજના છેલ્લા દિવસે હું રડ્યો છું. ખુલ્લે આમ રડ્યો છું. મને તેનો ક્ષોભ નથી. ઘણાં દોસ્તો પણ રડ્યા છે.”

“ઓહ, કેટલો અલગ હોય છે, કોલેજનો છેલ્લો દિવસ? કેટલો અદભૂત અને અવિસ્મરણીય હોય છે, છેલ્લો દીવસ ! ”

“કોલેજનો છેલ્લો દિવસ, ખરેખર તો અસલી જીવનનો પહેલો દિવસ હોય છે. જિંદગીની વાસ્તવિકતાઓનો પહેલો દીવસ. આ ગાયો સાથે જંગલમાં આવવું એ મારા જીવનની વાસ્તવિક્તા છે.”

“અને અત્યારે અમારી પણ વાસ્તવિકતા એ છે, કે અમે જંગલમાં છીએ. આપણે જંગલની વાતો કરવા રોકાયા અને પહોંચી ગયા કોલેજે.” નીરજાએ જંગલની વાત સાંભળવા ઉત્સુકતા બતાવી.

તે ફરી સ્વસ્થ થયો. કહેવા લાગ્યો, “હા. ચાલો હું તમને જંગલની વાત કરું. આ જંગલની વાત.” તેણે ગળાને ખંખેર્યુ. કોલેજના સંસ્મરણોને છોડી, ફરી જંગલમાં આવી ગયો, “મને આ જંગલમાં ફરવું ગમે છે. રોજ સવારે ગાયોને લઈને નીકળી પડું છું હું, આ જંગલમાં. જંગલ મારો મિત્ર છે. હું અહીં આવું તે તેને પણ ગમે છે.” વિલ્સને જંગલ તરફ બે હાથ ફેલાવી દીધા, ”તે રોજ મારી પ્રતિક્ષા કરતું હોય છે.”

“જંગલ પણ પ્રતિક્ષા કરે?” નીરજાને વિસ્મય થયો.

“હા. જંગલ પણ પ્રતિક્ષા કરે. એક એક પાંદડાઓ, એક એક ફૂલ, આ ડાળીઓ, આ વૃક્ષો, આ હવા, નદી, પર્વત, ઝરણાંઓ, ધોધ, પંખીઓ, ... બધા જ પ્રતિક્ષા કરતા હોય છે.”

“ઓહ, ખરેખર?” વ્યોમાની નજરમાં કોઈ ચમક આવી ગઈ.

“હા. ખરેખર. આ માટી, આ રસ્તો પણ પ્રતિક્ષા કરતાં હોય છે, તેના આગંતુકની.” વિલ્સને જંગલની કેડીઓ તરફ બંને હાથ ફેલાવી દીધા.

“એટલે કે આ જંગલને પણ આપણી જેમ જ લાગણીઓ હોય છે, તેની અંદર પણ માનવીય ભાવ ધબકતા હોય છે.” નીરજાને વિલ્સનની વાતમાં મજા પડવા લાગી.

“હા. જંગલ પણ એક જીવંત અસ્તિત્વ છે. તેને પણ એ બધા જ સંવેદનો હોય છે, જે પ્રાણી માત્રને હોય છે.”

“ઓહ, વોટ એન ઇંટ્રેસ્ટિંગ.” વ્યોમાએ બન્ને હાથના પંજા એકબીજામાં ભેરવી દીધા.

“તો શું, અમારા અહીં આવવાની પણ પ્રતિક્ષા કરતું હતું આ જંગલ?” નીરજાને જંગલની વાતો વધુ પોતીકી લાગી.

“ચોક્કસ કરતું હતું. હજુ પણ આગળનો રસ્તો તમારી પ્રતિક્ષા કરી રહ્યો છે. જંગલના ...”

“કેમ ખબર પડે, કે આ જંગલ પ્રતિક્ષા કરતું હતું, અમારા આગમનની?”

“તમે જંગલમાં પ્રવેશો ત્યારે જ ખબર પડી જાય, કે જંગલને તમારું આગમન ગમ્યું છે કે નહીં. જો તેને તમારું આવવું ગમ્યું હોય તો સમજી લેવું કે તે તમારી પ્રતિક્ષા કરતું હતું. જંગલ સૌને સંકેતો આપી દે છે તેની લાગણીઓના.”

“કેવા સંકેતો હોય છે તેના?”

“હવા પોતાનો મિજાજ બતાવે, માટી શુષ્ક લાગે, પાંદડાઓ સ્મિત ના આપે, ડાળીઓ રસ્તો વિકટ બનાવે, જંગલ રાહ ભૂલાવે, મંઝિલ ભૂલાવે, ક્યાંક ભટકાવે, તો સમજવું કે જંગલને તમારું આગમન નથી ગમ્યું. જંગલ જેની પ્રતિક્ષા કરતું હતું, તે અતિથિ તમે નથી.” વિલ્સન હવે જંગલમય બનવા લાગ્યો. તેની અંદર રહેલું જંગલ, વિલ્સનના શબ્દો વડે પોતાની વાત કરતું હતું.

“ખરેખર? કેવું અજીબ પણ સુંદર છે, આ જંગલ.”

“આજે બીજો દિવસ છે, તમારો જંગલમાં. તમને જંગલે કેવા સંકેતો આપ્યા છે?” વિલ્સને બન્નેની આંખમાં પ્રશ્નનું કાજલ આંઝી દીધું.

કાજળઘેરી આંખો શોધવા લાગી, જંગલે આપેલા સંકેતોને. કેવા સંકેતો આપ્યા છે જંગલે, આ વિતેલી ક્ષણોમાં? વિચારવા લાગી, બન્ને. જંગલે તો બધા જ સારા સંકેતો આપ્યા હતા. કેવું હસીને આવકારી રહ્યું છે આ જંગલ. ખરેખર જંગલ પ્રતિક્ષા કરતું હશે જ.

“લાગે છે કે જંગલ અમારી પ્રતિક્ષા કરતું હતું.” વ્યોમાએ વિલ્સનના પ્રશ્નનો જવાબ આપી દીધો.

“ખરેખર? મને પણ એમ જ લાગી રહ્યું છે. આ જંગલે મને જે સંકેતો, તમારા આગમનના આપ્યા છે તે કહે છે, કે જંગલે તમને આવકાર્યા છે. પણ આ તો જંગલ છે. તેની સાથે જરા પણ રમત રમવાની કોશિશ કરશો તો ...”

“જંગલ સાથે રમત પણ રમાય? શું તે ગિલ્લી દંડા પણ રમે?” વ્યોમા હવે મજાકના મૂડમાં આવી ગઈ. વિલ્સન અને નીરજા વ્યોમાની વાત પર મન મૂકીને હસ્યા. વ્યોમા પણ હસવા લાગી. ત્રણેયના સાચા હાસ્યને જોઈ જંગલ પણ હસ્યું. ચારેયના હાસ્યથી હવા પણ ખુશ થઈ ગઈ. એક સ્પર્શ કરીને ચાલી ગઈ.

“જંગલ આટલું બધું ધબકતું હશે, એ નહોતી ખબર. આ....” વ્યોમા કહી રહી હતી.

“હજુ તો જંગલ વિશે વાત શરૂ કરી છે. ઘણું ઘણું છે આ જંગલ વિશે કહેવાનું.” વિલ્સને વ્યોમાને કહ્યું.

“તો કહે ને, એ બધું. અમારે એ બધું જ સાંભળવું છે.“ બન્ને અધિરી થવા લાગી.

“તો જંગલ રોજ પ્રતિક્ષા કરે છે મારી. હું પણ તેને ક્યારેય નિરાશ નથી કરતો. નિયમિત તેને મળવા આવી જાઉં છું.” વિલ્સને વાતનો દોર સાંધતા કહ્યું. નીરજા અને વ્યોમા એકચિત્તે તેને સાંભળી રહી, ”હું આવું એટલે આ જંગલ મને કોઈ ગીત ગાવાનું કહે. તેને મારૂ ગીત ગાવું બહુ ગમે છે.”

“તો જંગલને ગીત પણ ગમે?” ફરી નવું વિસ્મય બંનેની આંખમાં આવી બેસી ગયું.

“હા. કેમ નહીં.? જંગલને એ બધું જ ગમે, જે દરેક જીવતી વ્યક્તિને ગમે. મેં કહેલું જ ને, કે જંગલ પણ એક જીવંત અસ્તિત્વ છે. તેને પરખ છે બધી વાતની. બધા ભાવોની. બધી વેદનાની અને સંવેદનાની.”

“તો તું હમણાં જે ગીત ગાતો હતો, તે જંગલની ફરમાઇશ પર ગાતો હતો?”

“હા. બિલકુલ એમ જ. હું રોજ જંગલને ગીત સાંભળવું છું. તેના માટે જ ગાઉં છું.”

“ગીત સાંભળીને જંગલ કેવું વર્તન કરે?”

“હું તેને ગમતાં જ ગીતો ગાઉં છું. એટલે એ સ્મિત આપે છે. તે ખૂબ જ ખુશ થઈ જાય છે”

“અને ક્યારેક તારું ગીત તેને ના ગમે તો?”

“તો જંગલ, કરી દે મારી સાથે કિટ્ટા. તરત રિસાઈ જાય. અબોલા લઈ લે. પછી...”

“પછી તું એને મનાવે પણ ખરો?” નીરજાને કિટ્ટા બૂચ્ચાની રમત યાદ આવી ગઈ.

“હાસ્તો. મનાવવું તો પડે જ ને? ભાઈબંધી તો રાખવી જ પડે ને? ભાઈબંધ રિસાઈ જાય, તે કોઈને પણ ના ગમે. મને તો ના જ ગમે. તમને?” વિસલને સવાલનું તીર છોડી દીધું.

નીરજાને યાદ આવી ગયું કે ટ્રેનમાં વ્યોમા કેવી રિસાઈ ગઈ હતી. અને પછી માંડ માંડ મનાવી હતી. તેણે વ્યોમાની આંખમાં જોયું. ત્યાં પણ એ જ પ્રસંગ હતો. ભાઈબંધ રિસાઈ જાય તો ....

“હું જાણું છું કે તમને પણ ના જ ગમે.” વિલ્સનના શબ્દોથી તેઓ ટ્રેનની યાદ છોડી ફરી જંગલમાં આવી ગયા.

“ખરી વાત છે તારી, દોસ્ત.” નીરજાએ અનાયાસ જ વિલ્સનને દોસ્ત કહી દીધો. વિલ્સનને તે ગમ્યું.

“દોસ્ત ! વાહ. મારા દોસ્ત આ જંગલે, બીજા બે દોસ્ત આપી દીધા. આ જંગલ છે જ એવું. આપવામાં હઁમેશા ઉદાર.”

“તો એ દોસ્ત જંગલ વિશે હજુ વધુ કહે ને.”

“આ જંગલ ! વાતો કરે, બોલે, વાતો સાંભળે. ગીત સાંભળે, તો ક્યારેક ગાય પણ ખરું. તેના શ્વાસમાં સંગીત વહે. તે શ્વાસ લે, સાથે ચાલે. ક્યારેક તમને હંફાવવા દોડીને આગળ નીકળી જાય. તો કદીક પોતે જ હાંફી જાય.

વાતો કરતાં કરતાં ક્યારેક સાવ મૌન બની જાય, ક્યારેક ઇશારાઓમાં કશુંક કહેવા લાગે, કવિતા કરે કે દાદીમાની જેમ વાર્તા પણ કરવા લાગે. રમવા લાગે. રમતા રમતા પાછું રૂઠી જાય. મનાવો તો માની પણ જાય.

ક્યારેક ગાલને ચૂમે, તો ક્યારેક આખેઆખું આલિંગન આપી પોતાના પાલવમાં છુપાવી દેય. પોતાના ખોળામાં બેસાડી દે. છાતી સરસું ચાપી લે.. હસતાં હસતાં અચાનક … રડવા પણ લાગે. ...” વિલ્સન બોલતા બોલતા જંગલની સંવેદનાઓમાં ખોવાઈ ગયો. તેના ગળામાં કશુંક અટકી ગયું. તે ભાવુક થઈ ગયો. શબ્દો થાકી ગયા. તે મૌન બની ગયો.

તેના મૌન સાગરમાં ઊછળતા મોજાઓની વાછટમાં, નીરજા અને વ્યોમા ભીંજાતા રહ્યા, પલળતા રહ્યા.

તેઓની આંખના જંગલમાં કોઈ વાદળી વરસી પડી, ધીમી ધારે. પાંપણ પરથી બિંદુઓ ગાલ પર ટપકવા લાગ્યા, ટીપ...ટીપ...ટીપ....

હોઠો પર ખીલી ઉઠ્યું લીલાછમ સ્મિતનું જંગલ.

વ્યોમાએ બાંધી રાખેલા બન્ને હાથના પંજા છોડી નાંખ્યા. જંગલ તરફ નજર કરી. તેણે અનુભવ્યું, કે તેઓની વાતો સાંભળવા જંગલ આવીને ક્યારનું ય લપાઈને ચૂપચાપ બેસી ગયું હતું. વ્યોમાની નજર પડતાં જ ઊઠીને ભાગી ગયું. દોડી ગયું જંગલમાં. વ્યાપી ગયું જંગલમાં. ભળી ગયું જંગલમાં.

ત્રણેય મૌન બની ગયા. જંગલની સંવેદનાઓમાં ડૂબેલ, કોઈ કશું ય બોલવાના મૂડમાં નહોતા. બસ અનુભવ કરતાં રહ્યા, જંગલને.

“મારે હવે જવું પડશે.” અંતે વિલ્સને મૌન તોડ્યું. નીરજા અને વ્યોમા પણ મૌનસાગર છોડી જંગલમાં આવી ગયા.

“ઓહ, નો. આટલું જલ્દી?” વ્યોમાએ અનિચ્છા વ્યક્ત કરી.

“થોડો વધુ સમય રોકાઈ શકાય તો..?” નીરજાએ પણ વાતને સમર્થન આપ્યું.

“મને પણ ગમત, પણ મારે જવું પડશે. અને તમારે પણ, હવે જવું જોઈએ. હજુ લાંબો રસ્તો કાપવાનો છે.” વિલ્સન ઉઠ્યો.

“હા, અમારી મંઝિલ દૂર છે. પણ...” વ્યોમા તેને જવા દેવા માંગતી નહોતી.

“વિલ્સન, તારી સાથે વીતેલો સમય અમને સદાય યાદ રહેશે.” નીરજાએ વિદાયની વાસ્તવિક્તાને સહજ સ્વીકારી લીધી.

“મને પણ. જંગલને પણ આ ક્ષણો ગમી છે. તે પણ તેને ક્યારેય નહીં ભૂલે.” વિલ્સને સ્મિત આપ્યું.

“ઓહ. થેન્ક યુ વિલ્સન. થેન્ક યુ જંગલ.” વ્યોમાએ પણ સ્મિત આપ્યું.

“વિલ્સન, એ તો કહે કે અમે રસ્તો તો નથી ભૂલ્યા ને? તું તો આ જંગલનો જાણકાર છે.” નીરજાએ કેડી પર નજર નાંખી.

“નીરજા, તું યોગ્ય રસ્તા પર જ જઇ રહી છે. આ કેડી તને લઈ જશે, પેલા ધોધ સુધી.”

“અને હું? શું હું ખોટા રસ્તે છું? હું પણ નીરજા જોડે જ ચાલુ છું તે તું જાણે જ છે ને?”

“મારો કહેવાનો મતલબ...” વિલ્સન ખુલાસો ના કરી શક્યો.

“તારો મતલબ સ્પષ્ટ છે. તું મને નીરજાથી અલગ ગણે છે.” વ્યોમા તોફાની મૂડમાં હતી.

“એવું નથી.” વિલ્સન થોડો વિચલિત થઈ ગયો.

“વ્યોમા, દોસ્ત સાથે આવું ના કરાય.” નીરજાએ વ્યોમા સામે આંખ કાઢી.

“સોરી, વિલ્સન. હું તો જરા મજાક કરતી હતી.” વ્યોમાએ કાન પકડી વિલ્સનની માફી માંગી.

“ઓહ. ઠીક છે. દોસ્તીમાં આવું ચાલે.” વિલ્સને તેને માફ કરી દિધી.

“તો તું જાય છે? તારી સાથે મજા પડી, આ જંગલને જાણવાની. જંગલના સંવેદનોને અમે હવે સમજી શક્યા છીએ.” નીરજાએ આભાર વ્યક્ત કર્યો.

“હા, જંગલ છે જ એવું. બસ, તમે પણ તેને એ રીતે જ જોતાં રહેજો. તમે જેવું ચાહશો, જંગલ તેવો જ પ્રતિસાદ આપશે.”

“ખરેખર? તો જંગલ મારી સાથે રોમાન્સ કરશે?” વ્યોમા ફરી નટખટ બની ગઈ.

વિલ્સન અને નીરજા તેના આ મજાક પર હસી પડ્યા. વ્યોમા પણ જોડાઈ ગઈ.

ગીત ગાતો ગાતો વિલ્સન, જંગલમાં ઓગળી ગયો. તેનું ગીત જંગલમાં હવા બનીને ફેલાતું રહ્યું. નીરજા અને વ્યોમા તેને જતાં જોઈ રહી. તેનું ગીત સાંભળતી રહી. જંગલ પણ જાણે કાન માંડીને તેનું ગીત સાંભળતું હોય તેમ હવાને પકડીને ડોલવા લાગ્યું.

“ચાલો, હવે ફરી મંઝિલ તરફ પ્રયાણ કરીએ.” નીરજા વ્યોમાનો હાથ પકડી કેડી પર ચાલવા લાગી.