Aa prem pan gajab chhe books and stories free download online pdf in Gujarati

આ પ્રેમ પણ ગજબ છે !....

આ પ્રેમ પણ ગજબ છે !..

જોયા છે પ્રેમના નામે છળ-કપટ કરનારા

એમ પણ ક્યાં કહું છું બધા સરખા હોય છે !?

શેઠ ધનીરામની દીકરી પુજા સુખી સમ્પન પરિવારમાં લાડકોડથી ઉચારેલી એકની એક દીકરી, પાંચ વર્ષ પસાર થઇ ગયાં. પૂરાં પાંચ વર્ષ. ઘટનાસભર અને પસીનાસભર. શેઠ ધનીરામની દીકરી પુજા જાત નિચોવીને હર્ષદનો સંસાર મહેકથી છલકાવતી રહી.

આખું શરીર તૂટતું હતું તો પણ પુજા સવારના પાંચ વાગ્યે ઊઠી ગઇ. નવ માસની દીકરી ચંચલ અને ૩૦ વર્ષનો પતિ હર્ષદ એક સરખી ગાઢ નિદ્રામાં સૂતેલા હતા. સહેજ હસીને, માથું ઝટકાવીને પુજા બાથરૂમમાં સરકી ગઇ. મનમાં બબડી રહી, ‘આ પ્રેમ પણ ગજબની ચીજ છે ! પપ્પાના ઘરે હતી ત્યારે હું છેક સાડા નવ વાગ્યે ઊઠતી હતી. ઘરમાં સૌથી છેલ્લી. જ્યારે અહીં સાસરીયામાં સૌથી વહેલી ઊઠું છું ને સૌથી મોડી સૂવું છું. તેમ છતાં કંટાળો નથી આવતો; કારણ? કારણ કે હું હર્ષદને પ્રેમ કરું છું.’

નાહી-ધોઇને પાણી ગરમ કર્યું. એ પછી સાસુને જગાડ્યાં, ‘સાસુમા ! ઊઠો ! જય શ્રી કૃષ્ણ.’ આ એનો નિત્યક્રમ હતો. એ સાસુને ઉઠાડે; પછી સાસુ સસરાને જગાડે. સાત વાગતાંમાં તો ઘર પૂજા-પાઠના મંત્રોચ્ચાર અને ઘંટડીના અવાજથી ગુંજી ઊઠ્યું. ત્યારબાદ પુજા કિચનમાં ઘૂસી. સાસુ-સસરા માટે ચા-નાસ્તો તૈયાર કર્યો. હર્ષદ અને ચંચલ તો હજુ પણ સુઈ રહ્યા હતા.

છેક સાડા આઠ વાગ્યે પુજા એ પતિને જગાડ્યો. પ્રેમથી, માથાના વાળમાં હળવો હાથ ફેરવીને, ‘એઇ…, જાગો હવે ! સાડા આઠ વાગી ગયા. તમે બ્રશ કરીને આવો ત્યાં સુધીમાં હું નાસ્તો બનાવી દઉં.’

નાસ્તો પણ શેનો ? ચુસ્ત વૈષ્ણવ પરિવારમાં પુજા ઓમલેટ બનાવતી હતી ?! આ પણ એક જબરો વિરોધાભાસ હતો. પુજાના પપ્પા શેઠ ધનીરામના ઘરમાં તો કાંદા-લસણની પણ મનાઇ હતી. અને પુજાના સાસુ-સસરા પણ ‘જય શ્રી કૃષ્ણા’ના મુખપાઠમાંથી ઊંચા આવતાં ન હતાં. પણ હર્ષદ ઘણા વર્ષ હોસ્ટેલમાં રહીને ભણ્યો હતો એટલે ઓમલેટ ખાવાની આદત પડી ગઇ હતી અને પતિનું મન સાચવવા માટે પુજા પોતાનાં સાસુ-સસરાને છેતરી લેતી હતી.

રોજ સવારે જ્યારે બંને વૃદ્ધો હવેલીએ દર્શન કરવા જાય ત્યારે એ હર્ષદ માટે ભાવતી વાનગી બનાવી દેતી હતી.

‘તું તો ભારે જબરી! ત્રણ વર્ષથી ઘરમાં ઓમલેટ બનાવે છે, પણ મમ્મી-પપ્પાને ખબર સુધ્ધાં પડી નથી.’ હર્ષદ ક્યારેક ખુશ થતો ત્યારે પુજાની પ્રશંસા કરી લેતો.

‘સાચું કહું, હર્ષદ? સાસુ-સસરાને છેતરવાં એ મને પણ ગમતું નથી.’

‘તો પછી તું આટલી હિંમત કેમ કરે છે?’

‘કારણ કે હું તને પ્રેમ કરું છું. તને ખુશ રાખવા માટે હું બધું જ કરી શકું છું, ગમે તે હદે જઇ શકું છું.’

‘હશે હવે, ઓફિસે મોડું થશે જલ્દી નાસ્તો પતાવો એટલે હું પણ બીજા કામે લાગ્યું’

હમણાં રસોઇ બનાવવી પડશે. પછી ઓફિસે પહોચ્વાનું. બપોરે લંચ અવરમાં ઘરે આવીને સાસુ-સસરાને જમાડવા, ચંચલને પેટ ભરાવવું, એના માટે પૌષ્ટિક પ્રવાહી આહાર બનાવીને ફ્રીઝમાં મૂકી દેવો, કામવાળી બાઇ પાસે વાસણો મંજાવવા અને ફરી પાછાં ઓફીસ પર હાજર થઇ જવું. સાંજે ઘરે આવ્યા પછી પાછું એનું એ જ ચક્કર. સાંજની રસોઇ, રાતનું ભોજન, રાતનાં વાસણ !’

‘‘થાકી જાય છે ને?’’ હર્ષદે ચા પીતા પીતા પૂછી લીધું.

‘હા, દિવસની દોડધામ અને રાતના ઉજાગરા. અડધી રાત સુધી તું મને સૂવા નથી દેતો અને બાકીની અડધી રાત તારી દીકરી મને જગાડે છે. સુવાવડ પછી બીજી સ્ત્રીઓ ફૂલીને ઢોલ જેવી બની જતી હોય છે, જ્યારે મેં નવ મહિનામાં દસ કિલો જેટલું વજન ગુમાવ્યું છે.’

‘આ અફસોસ છે કે ફરિયાદ?’

‘બેમાંથી કંઇ નથી; ફક્ત તમારા માટેનો પ્રેમ છે.’ જવાબ આપતી પુજાની આંખો ગૌરવ અને સંતોષની લાગણીથી ચમકી રહી હતી.

હર્ષદ ઓફીસે પહોચ્યો, ને ઘરે પુજાએ કહેલી વાતો પર વિચારવા લાગ્યો.. પુજા મારા સંસાર ને સુખી રાખવા શું શું કરે છે તે પણ કોઈ ફરિયાદ કે આશા વગર.. ઘરકામવાળી બાઇ, રાંધવાવાળી રસોયણ, ઘરને સ્વચ્છ રાખનાર સફાઇ કામદાર, આયા, ધોબણ, ઘરડાં માં-બાપની ચાકરી કરનારી અને આટલી બધી ભૂમિકાઓ ભજવ્યા પછી પાછી ‘ઉર્મિલા’ તો ખરી જ ! જો પ્રેમ નામના તત્વને બાદ કરી નાખવામાં આવે તો આટલાં બધાં કામ માટે દર મહિને એક લાખ રૂપિયા ખરચે તો પણ હર્ષદને આટલાં બધાં કામો કરી આપનારા મજૂરો ન મળે ! અને ફરી ઓફીસમાં પણ સેક્રેટરીની ભૂમિકા અદા કરે તે તો લટકામાં, ખરેખર પ્રેમ મહાન છે. પુજા એટલું બધું મારા માટે કરે છે તો મારે પણ...

બપોરના અઢી વાગ્યા હશે. પુજા એની કેબીનમાં બેસીને કામ કરી રહી હતી, ત્યાં ઓપરેટરે એને લાઇન આપી, ‘મેડમ, આપનો ફોન છે. વાત કરો ’ સામે છેડે કોઇ યુવતીનો અવાજ હતો.

‘‘હલ્લો! આર યુ મિસિસ હર્ષદ મહેતા ? આઇ એમ કાજલ. આઇ વોન્ટ ટુ ટોક ટુ યુ…’’

પુજા કોઇ કાજલ-બાજલને ઓળખતી ન હતી, છતાં એણે કહી દીધું, ‘બોલો, હું જ પુજા હર્ષદ મહેતા છું. શું વાત કરવી છે તમારે?’

‘ફોન ઉપર નહીં; હું અડધા કલાકમાં આવું છું, તમે ઓફિસમાં જ છો ને?’ પુજા ની ‘હા’ સાંભળીને કાજલએ ફોન કાપી નાખ્યો. થોડીવાર પછી કાજલ પુજાની ઓફિસે પહોચી.

‘આઇ એમ સોરી, પુજા, હું જે કહેવા માટે આવી છું તે સાંભળીને તમને દુ:ખ થશે, પણ મને આશા છે કે તમે મને અને હર્ષદને યોગ્ય રીતે સમજવાની કોશિશ કરશો.’ કાજલએ પાણી પહેલાં પાળ બાંધવા માંડી.

‘હર્ષદ? હી ઇઝ માય હસબન્ડ. મારે મારા પતિને સમજવા માટે કોશિશ શા માટે કરવી પડે ? હું એને સમજીને તો પરણી છું. પાંચ વર્ષથી એકબીજાના ગાઢ પરિચયમાં જીવ્યાં પછી અમે લગ્ન કર્યાં છે અને તમે મને એમ કહો છો કે મારે હજુ હર્ષદને સમજવાની કોશિશ કરવી જોઇએ ? શા માટે ?’

‘કારણ કે…’ કાજલએ ધડાકો કર્યો, ‘હું અને હર્ષદ પ્રેમમાં છીએ.’

‘વ્હોટ?!’ પુજા ઊભી થઇ ગઇ. પછી તરત જ એને ભાન થયું કે અત્યારે એ ઓફિસમાં બેઠી છે અને ઓફિસમાં બીજા કર્મચારીઓ પણ હાજર છે. એ પાછી ખુરશીમાં બેસી ગઇ. ‘મામલો શું છે? મને વિગતવાર જણાવ.’

કાજલ બોલતી ગઇ, અમે છેલ્લાં ત્રણેક વર્ષથી એકબીજાની સાથે છીએ.’

‘તમારા સંબંધો…? ૩ વર્ષથી’

‘‘હા, અમે કશું જ બાકી નથી રાખ્યું. પણ હું હવે હોટલોના બંધ કમરા વચ્ચે ઊજવાતા પ્રેમથી કંટાળી ગઈ છું. મારા ઘરે પણ આ બાબતની ગંધ આવી ગઇ છે. મારાં મમ્મી-પપ્પાએ છોકરાઓ બતાવવા માંડ્યા છે, પણ હવે મેં ફેંસલો કરી લીધો છે.’

‘શું?’

‘ફ્લેટ રાખીને જુદાં રહેવાનો. પપ્પાને મેં મનાવી લીધા છે. એ લોકોને પણ હર્ષદ ગમી ગયો છે. એ પરણેલો છે એની સામે અમારા ઘરમાં કોઇને વાંધો નથી. બસ, તમે મંજૂરી આપો એટલી વિનંતી કરવા આવી છું.’

‘તમે ગભરાશો નહીં…’ કાજલ બોલ્યે જતી હતી, ‘હું હર્ષદને સાવ છીનવી લેવા નથી માંગતી. આપણે અઠવાડિયાના તમામ દિવસોને એકાંતરા વહેંચી લઇશું. હર્ષદ આપણાં બંનેનો સહિયારો પતિ બની રહેશે.’

પુજા એ એક ઊંડો શ્વાસ છાતીમાં ભરીને પ્રશ્ન પૂછ્યો, ‘હર્ષદને આ વાતની જાણ છે?’

‘હા, એણે તો મને તમને મળવા માટે મોકલી છે.’

કાજલએ જ હર્ષદનો મોબાઇલ નંબર લગાડી સેલફોન પુજાના હાથમાં આપી દીધો.

‘શા માટે, હર્ષદ? મારામાં તને શાની ખોટ લાગી ?’ વીજળીના ચમકારા પછી જેમ મેઘરાજા વર્ષે છે તેમ પુજા વરસી પડી.

‘આમ તો તું બધી રીતે મને ગમે છે, ડાર્લિંગ! પણ કાજલની સાથે મારું મન મળી ગયું છે. ને પુજા હું થોડી સ્પેસ લેવા માગું છું, આખો દિવસ તારી સાથે રહી ને કંટાળી ગયો છું, પાંચ વરસમાં’

‘મન મેળ તો આપણી વચ્ચે પણ છે ને, હર્ષદ! પણ હવે હું તને ઓળખી ગઇ છું. પુરુષો બધા સરખા જ હોઈ છે.. કોઈ દિવસ તેને પત્નીનો પ્રેમ નથી દેખાતો, દેખાઈ છે તો માત્ર ને માત્ર હવસ,’

‘તારા પરિવાર માટે જાત ઘસી-ઘસીને ખતમ થઇ ગઇ. અને તેં મને શું ઇનામ આપ્યું!, હું તારી અને કાજલની આ લંપટલીલાને ક્યારેય સ્વીકારીશ નહિ. હું તમને ઉઘાડા પાડીશ. જરૂર પડે તો કોર્ટના બારણે ટકોરા મારીશ, મીડિયાની પણ મદદ લઇશ.’

તને એમ હશે કે એક છોકરીની મા બન્યાં પછી હું ક્યાં જવાની છું ? પણ હર્ષદ, હું એકવીસમી સદીની શિક્ષિત અને કમાતી નારી છું. મારા ઘરને સલામત રાખતાં મને આવડે છે. ધીસ ઇઝ અ વોર્નિંગ ટુ બોથ ઓફ યુ!’ પુજા જાણે કે આજે જગદંબા બની ચુકી હતી, અવાજમાં આગ વહેતી હતી, એણે ફોન કાપ્યો ત્યાં સુધીમાં સામે છેડે બેઠેલો હર્ષદ પણ બળી ને ખાખ થઇ ચૂકયો હતો.

પુજાની સામે બેઠલી કાજલે તો જાણે માં જગદંબા જોઈ લીધા હોઈ તેમ પૂતળી બની ચૂકી હતી.

થોડીવાર પછી કોમમાંથી બહાર આવી હોય તેમ ‘સોરી, દીદી! આઇ ડોન્ટ વોન્ટ ટુ હર્ટ યુ. હું બીજી કોઈ સેક્રેટરીની નોકરી શોધી લઇશ, આ તો મને હર્ષદસરે કરવા કહ્યું હતું.’ આટલું બોલીને કાજલ છૂમંતર થઇ ગઇ.

ને પુજા કાજલ ને જતા જોઈ રહી, અને વિચારી રહી હતી કે આ હતું શું !?

છેલ્લો દડો....

ક્યાં કહું છું કે મદિરા જ વધારી આપો,

જિંદગીભર જે રહે એવી ખુમારી આપો.

ફૂલની જેમ અમે સાચવી રાખ્યું છે હૃદય,

દર્દ આપો તો જરા વિચારી આપો.

– ‘આદિલ’