Krishnagaman books and stories free download online pdf in Gujarati

ક્રિષ્નાગમન

‘ક્રિષ્નાગમન’

હિના મોદી

કોણે કહ્યું કે- એક પુરુષમાં કંસ-રાવણ જ વસે છે!?

વેદ જેવું વ્યક્તિત્વ વિકસાવી એક સામાન્ય પુરુષ પણ અંતરથી ઈચ્છે તો એની અંદર વસેલ કૃષ્ણત્વને જાગૃત કરી શકે છે. તો વાંચો વેદની પ્રેરણાદાયક જીવનસફર.....

ક્રિષ્નાગમન

વેદ, આપશ્રી આપના નિત્યક્રમ પ્રમાણે બ્રહ્મમુહૂર્તમાં ઊઠી સ્નાન, દેવસ્નાન, ગણપતિ ચાલીસા, હનુમાન ચાલીસા, વિષ્ણુ સહસ્ત્રાવલી અને ગાયત્રી વૈદિક મંત્રોચ્ચાર કરી હિમાચ્છાદિત પર્વતોની હારમાળાના મધ્યભાગે આપ આપના ‘અંતરનાદ’ વિલાના બગીચામાં આરામખુરશી ઢાળી બેઠા છો. હિમશીલાઓને પરાવર્તિત થઈ સૂર્યકિરણો આપના શ્વેત તેજસ્વી મુખારવિંદને પ્રકાશિત કરી રહ્યા છે. સોનાવરખ વ્યક્તિત્વથી મઢેલ આપશ્રીને નિહાળી કુદરત પણ કિલ્લોલ કરી રહી છે.

‘સાહેબજી’નો ધ્વનિ આપશ્રીનાં કર્ણપટલ પર અથડાય છે. રામુકાકા એક કુરિયરમેનને લઈ આપશ્રીની સમક્ષ આવે છે. કુરિયરમેને આપનાં હસ્તમાં ત્રણ લેટર આપ્યા. આપશ્રીએ એ ત્રણ પત્રોનો સસ્મિત સ્વીકાર કર્યો અને રામુકાકાને જણાવ્યું આવનાર ભાઈને ચા-નાસ્તો કરાવી મોકલજો.

સ્થિતપ્રજ્ઞ એવા આપશ્રી, મનની નીરવશાંતિમાં હરહંમેશા વિહરનાર આપે પ્રથમ પત્ર ખોલ્યો. પત્ર ખોલતાંની સાથે આપનાં હોઠ પર અને મૂછો પર ન છુપાવી શકાય એવી આછી-આછી મુસ્કાન પ્રસરી ગઈ. પત્રમાંની લાગણીઓ વાંચવા અને અનુભવવા બગીચામાં ભ્રમરો આપશ્રીની ફરતે ફેરફુદરડી રમવા માંડયા...

વેદ!

આજે શુભદિને આપશ્રીને આપની ૬0મી વર્ષગાંઠ નિમિત્તે હદયના અણુએ અણુમાંથી શુભેચ્છા પાઠવું છું. આપણાં ૩૨ વર્ષનાં પ્રસન્ન-સુખદ દામપત્ય જીવનમાં હું પહેલી જ વખત આપની બર્થડે પર પ્રત્યક્ષ હાજર નથી. પરંતુ આપણું મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હતું. ભારતીય મૂળ પરંતુ રશિયન એવી આપણી પુત્રવધૂ (સોરી, મને યાદ છે આપણા ડો. તથાગતના જન્મદિવસે આપણે બંનેએ પ્રતિજ્ઞા લીધી હતી કે તથાગતની પત્નીને પુત્રવધૂ નહીં પરંતુ દીકરીનું સંબોધન કરીશું.) હા, તો આપણી દીકરી ડો. અન્વેષણાની પ્રસૂતિને કારણે હું હમણાં યુ.એસ.એ.છું. આપણી પૌત્રી અદ્દલ દદુ પર ગઈ છે. આપના જેવી જ અણીયારી ગહરી આંખો, વાંકડિયા વાળ, ગોરોવાન અને સશકત બાંધો. હસે છે ત્યારે તો જાણે મોતીડાં વેરાય છે॰ એને રમાડતાં-રમાડતાં આપશ્રીના સંસ્મરણોમાં ગરકાવ થઈ જાઉં છું.

આજથી લગભગ 33-૩૪ વર્ષ પહેલાં હું આપશ્રીની પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં સી.ઇ.ઓ. હતી. મારા પિતાશ્રી અને આપશ્રીના પિતાજી વચ્ચે ગાઢ મૈત્રીનાં કારણે હું અને આપશ્રી સપ્તપદીનાં ફેરા લઈ લગ્નગ્રંથિથી જોડાયાં હતાં. તે સમયે મારામાં સામાજિક પરિપક્વતા ન હતી. આપશ્રીએ મારી કાળજી એક નાના બાળકની જેમ આજીવન રાખી છે. આપણાં મહારાજ મનભાવન, અવનવી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવતા તો પણ આપશ્રી મારા હાથની અનબેલેન્સ ડીશ જાણે દુનિયાની સર્વશ્રેષ્ઠ ડીશ હોય એવાં જ અહોભાવથી આરોગતા. દેશ-વિદેશની આપની બિઝનેશટ્રીપમાં મને કોઈ એવી ટ્રીપનું ધ્યાન નથી કે મારા માટે સરપ્રાઈઝ ગીફ્ટ ન લાવ્યા હોય. મને શું જોઈએ? મને શું ગમે? એ વિશે મારે ક્યારેય વિચારવું જ નથી પડ્યું. દરેક સુખ-સગવડ જરૂરિયાત કરતાં વધારે મારાં ચરણમાં હમેંશ હાજર જ હોય. તથાગતનાં જન્મનાં દિવસો યાદ કરતાં હું રોમાંચિત થઈ જાઉં છું. હું તો તથાગતનાં જન્મે અને અનુભવે મા બની. પણ...તમે...આપ. આપશ્રી તો ત્રૂણાનુબંધ એક પિતાની સાથે મા પણ! આપણા ઘરમાં રાત-દિવસનાં નોકર-ચાકર હોવા છતાં અડધી રાત્રે આપશ્રી ઊઠીને તથાગતની કાળજી રાખતા. તથાગતને બોલતાં,ચાલતાં, ખાતાં, ભણતાં શીખવવામાં તમે મારાથી હમેંશા આગળ રહ્યા છો. તથાગતમાં નિર્ણયશક્તિ, નિરીક્ષણશક્તિ, સમજણ, સહનશીલતા, ધ્રૈર્ય, શ્રધ્ધા વિગેરે ગુણો આપશ્રીએ અલાઉદ્દીનની જાદુઇ છડી જેમ વાત વાતમાં અને રમત-રમતમાં વિકસાવી દીધાં. આટલી સહજતા અને સરળતાથી આપશ્રી જ કરી શકો.

ગુજરાત, મહારાષ્ટ્ર, યુ.પી.માં આપણી ફેકટ્રીસ. પરંતુ તથાગતનાં વિચારો, શોખ બિલકુલ અલગ. એ વખતે હું થોડી વિહવળ થઈ ગયેલી. હું કહેતી આ બધું કોણ સંભાળશે? એ સમયે ખૂબ જ શાંતિથી આપશ્રીએ મને સમજાવેલુ. “ક્ષિતિ, તારી બારીમાંથી સીમિત આકાશને જોવાનો કશો અર્થ નથી. આકાશ બહુ વિશાળ છે. તથાગત મુક્ત પંખી છે. એને આકાશમાં વિહાર કરવાનો સંપૂર્ણ અધિકાર છે”

વેદ! તે સમયે આપશ્રીએ મારાથી થનારી એક ખૂબ મોટી ભૂલમાંથી ઊગારી લીધી હતી. આજે હું ગદગદિત થઈ સ્વીકારું છું. આપણો તથાગત આજે મંગળગ્રહ પર રીસર્ચ કરી રહ્યો છે. ભારતનું નામ આખા વિશ્વમાં લહેરાવી રહ્યો છે. વેદ! ડૉ.તથાગત પુરોહિત એ આપશ્રીની પરિપક્વતા, સમજદારી અને માવજતનું ફળ છે.

વેદ! પેન્ક્રિયાસની મારી સર્જરી ક્રિટીકલ હતી. તે સમયે પણ ક્ષણનો પણ વિલંભ કર્યા વિના આપશ્રીએ મને લંડન લઈ જઈ ટ્રીટમેન્ટ કરાવી હતી. તમારા સ્ટેટસનો રજ માત્ર પણ વિચાર કર્યા વિના નર્સ કરતાં પણ વધુ આપશ્રીએ મારી સંભાળ રાખી હતી.

૩૨ વર્ષના આપણાં સહિયારા જીવનકાળમાં પ્રગતિનું શ્રેય આપશ્રીએ હમેંશા મને એકલીને જ આપ્યું છે. જીવનનાં કપરાં અવરોહનાં દિવસોનો મને ક્યારેય ખ્યાલ પણ આવવા નથી દીધો. સમાજની સ્ત્રીઓ માટે હું ધણીવાર ઈર્ષ્યાનું કેન્દ્રસ્થાન પણ બની છું. લોકો કહેતાં ‘ભગવાન જાણે, ક્ષિતિએ એવાં તે ક્યાં પુણ્યકર્મ કર્યા હશે કે પરમેશ્વર જેવો પતિ મળ્યો.’ આજીવન આપશ્રીએ એક માળીની જેમ મારી માવજત કરી છે. એક ગુલદસ્તાનની જેમ મને સાચવી છે. આપશ્રી મારાં પતિ જ નહીં પરંતુ ગાઈડ, ફિલોસોફર અને ફ્રેન્ડ રહ્યા છો.

આજે પણ આપશ્રીના ૬૦મા જન્મદિવસે પણ હું આપશ્રીને ગીફ્ટ નથી આપતી પરંતુ માંગુ છું- આપ જ ભવોભવ મારા પતિ બનજો.

યુ આર બેસ્ટ હસબન્ડ લાઈક ક્રિષ્ના.

વેદ! આપશ્રીએ ખૂબ જ સહજતાથી પત્રને આપના હ્રદયને સ્પર્શતો રહે એ રીતે આપના શર્ટનાં ડાબા ખિસ્સામાં મૂકી દીધો. ઊંડો શ્વાસ લઈ આંખોને હળવા હાથોથી માલીસ કર્યું. ચશ્માને ઠીકઠાક કર્યા. આકાશ અને ધરતીનાં મિલનને દૂર...દૂર...થી થોડી ક્ષણો નિહાળી રહ્યા. જાણે કે ‘ક્ષિતિ’ને નિહાળી રહ્યા હોય એવો વાતાવરણમાં અહેસાસ થયો. ફરી એક ઊંડો શ્વાસ લીધો ને ટેબલ પર મૂકેલ બીજો પત્ર ખોલ્યો...

વેદ! એકી ક્ષણે આપશ્રી અક્ષરોને ઓળખી ન શક્યા પણ અક્ષરોમાંથી પવનની લહેરોમાં લાગણીઓ પતંગિયાઓની જેમ ઊડવા માંડી એ આપશ્રીએ અને કુદરતે અનુભવ્યું...

વેદ!

મેની મેની હેપ્પી રિટર્નસ ઓફ ધ ડે. ક્ષિતિને મારા સ્પેશિયલ સ્વીટ રીગાર્ડ્સ.

લગભગ ૩૫ વર્ષથી આપણે એકમેકને રૂબરૂ મળ્યા નથી. હું પારાયણી દેશમુખ. આપણી પ્રથમ મુલાકાત ઓલ ઈન્ડિયા એન્ટરન્સ એક્ઝામમાં થયેલી. હું મારા સ્ટુડન્ટ કેરિયરમાં શાળા, કોલેજ, સ્ટેટમાં કોમ્પીટીટીવ એકઝામમાં હમેંશા ફર્સ્ટ રહેતી. અને પ્રથમ વખત જ ઓલ ઈન્ડિયા લેવલે મારો સેકન્ડ રેન્ક આવ્યો હતો. એ મારાથી બિલકુલ સહન થયું ન હતું. બધાં જ ન્યૂઝ પેપરમાં પ્રથમ ક્રમે વેદ પુરોહિત અને એની બાજુમાં મારો નાનો ફોટો પારાયણી દેશમુખ. એ મારા માટે હળાહળ અપમાન હતું. મારા સ્વભાવની વિરુધ્ધ હતું. વેદ! તમે વધુ ઇન્ટેલિજન્ટ હતાં. દરેક ડિપાર્ટમેન્ટમાં ગોલ્ડ મેડલ તમને જ મળતા. અને મને! સિલ્વર કે બ્રોન્ઝ મેડલ. મારી તમારા તરફથી ઈર્ષ્યા વધતી ગઈ.

એકાએક એક દિવસ આપણી કોલેજમાં ઇન્ટરનેશનલ કંપનીનાં ચેરમન શ્રી લક્ષ્મીનિવાસ શ્રીવાસ્તવ મુલાકાતે આવ્યા. એ વખતે મારો સિતારો ચમકી ગયો. તમારાથી વધારે મેં એમને પ્રભાવિત કરી દીધેલા. અને પછીથી તેમનાં દીકરા શ્રી નિધિનિવાસ સાથે હું લગ્નગ્રંથિથી જોડાઈ ગયેલી. વેદ! આની પાછળનું કારણ પણ તમે જ હતાં. મારે ક્યાંક ને ક્યાંક તમારાથી આગળ નીકળવું જ હતું. લગ્નની ગીફ્ટમાં મને મારા સાસરેથી ચાર્ટડપ્લેન મળ્યું હતું. હું એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના તમારાથી જોજનો દૂર નીકળી ગઈ.

આ પાંત્રીસ વર્ષનાં સમયગાળામાં મને બધું જ અતિ મળ્યું છે. પતિનો અતિ પ્રેમ, સાસરાપક્ષનો અતિ આદરભાવ, સંતાનોનો અતિ સ્નેહ, પુષ્કળ ધન-સંપત્તિ, પુષ્કળ સમૃધ્ધિ, દેશ-વિદેશમાં પ્રસિધ્ધ, હાઈ પ્રોફાઇલ લાઈફ સ્ટાઈલ. મેં અને મારા હસબન્ડ શ્રી નિધિનિવાસ શ્રીવાસ્તવે અનેક અંતરિયાળ ગામોને દત્તક લઈ શાળા, કોલેજ, હોસ્પિટલથી વિકસિત કર્યા છે. જીવનમાં અનેરો આનંદ, પ્રસન્નતા, ભરપૂર આત્મસંતોષ મેળવ્યાં છે. આજે સાંઠનાં ઉંબરે પણ ખૂબ જ સુંદર છું. વીસ વર્ષની છોકરી કરતાં પણ છતાં...વેદ! મને મનની સુંદરતાનો અહેસાસ થયો નથી. વેદ!આ બધાં જ અતિ, પુષ્કળ, હાઈ-ફાઈ શબ્દોમાં હું ધણીવાર ગૂંગળામણ અનુભવતી. આ બધું જ ધણીવાર મેં નિર્મૂલ્ય અનુભવ્યું છે. આ બધાંની વચ્ચે પણ મારી આંખોને કઇંકની ખોજ રહેતી. મારા દિલનાં એક ખૂણામાં કઇંક ઉણપ વર્તાતી. વેદ! ખૂબ જ બીઝી શિડ્યુલમાં મને મારી જાતને ઓળખવાની સમજણ ન પડી.

વેદ! ગયા વર્ષે અમારી કંપનીના લીગલ એડ્વાઈઝર સાથે અમારી મિટિંગ હતી. તેમણે અમને સજેશન આપ્યું, ‘આપણે એક પદ્ધતિસરનું વીલ તૈયાર કરવું જોઈએ.’ મારા હસબન્ડે કહ્યું ‘ઓ.કે. ફાઈન.’ હું પણ સંમત થઈ. મારી અઢળક સંપતિનું લીસ્ટ તૈયાર થઈ ગયું. પણ વેદ! મારી અઢળક સંપત્તિ પછી પણ મારી પાસે એક અમૂલ્ય મિલ્કત છે. વેદ! તારા પ્રત્યેનો પ્રેમ...!!! ઓહ નો. વોટ ઈઝ ધીસ? નોટ ફેર, પારાયણી નોટ ફેરનાં ચિત્કારે મારાં દિલ અને દિમાગને અજંપામાં ધકેલી દીધાં.

વેદ! ઘણીવાર ન્યૂઝચેનલ, મેગેઝીન્સમાં સમાચાર આવે છે કે મારો દીકરો ઉપનિષદ શ્રીવાસ્તવ અને મારી દીકરી આહલાદી શ્રીવાસ્તવ એમનાં અતિ બાહોશ, કાબેલ, બત્રીસ લક્ષણા પિતા કરતાં પણ બે કદમ આગળ નીકળ્યા. વેદ! આ બે કદમ જે મેં તમારાંમાંથી પ્રેરણા લઈ મારાં દીકરા-દીકરીનાં ઘડતરમાં જાણ્યે-અજાણ્યે રોપ્યા છે. જે છે તે તમારી નિષ્ઠા, તમારી ઉદાત્તભાવના અને ખુલ્લું દિલ. વેદ! ઘણીવાર તમારી અને અમારી કંપનીઓ કોમ્પિટિશનમાં આવી જતી. પણ તમે અમારી કંપનીઓને ખોટ-નુકસાન થાય એવાં તમારી ફેવરમાં કયારેય નિર્ણય નથી લીધા. વેદ! તમારી શુદ્ધતા અને સાત્વિકતાની સામે હું વામણી પુરવાર થઈ. સાચું કહું તો હું આપણી પ્રથમ મુલાકાતમાં જ તમારાથી ઈમ્પ્રેસ થઈ હતી પરંતુ જીંદગીની પાઠશાળામાં હું નાપાસ થઈ છું. આજીવન વારંવાર મનોમન મેં તમને વંદન કર્યા છે.

વેદ! મારા હદયનો અજંપો, મારી આંખની કોરપ, મારા પતિ મિ. શ્રી નિધિનિવાસથી છૂપી રહી ન શકી. તેમણે કહ્યું, ‘પારાયણી! આજે તારો બળાપો ખાલી કરી મુકત થઈ જાય. કમ ઓન પારાયણી!’ મેં હિંમત એકઠી કરી મારા હદયનાં એકતરફી અનુરાગનો એકરાર કર્યો. મારા પિતાશ્રીએ મને છાતી સરસી ચાંપી, મારા વાળમાં હાથ ફેરવતાં કહ્યું’ “આઈ નો, ધીસ મેટર ફ્રોમ વેરી ફર્સ્ટ ડે” હું ચોંકી ગઈ. મારો પુત્ર ઉપનિષદ અને મારી પુત્રી આહલાદીએ કહ્યું “મોમ! ઈટ્સ ઓ.કે. નથીંગ ઈઝ રોંગ.” બેટા પિતા સમાન સસરાજીએ મારા માથા પર હાથ ફેરવતાં કહ્યું “બેટા,પારાયણી! એક દીકરી, એક પત્ની, એક વહુ, એક મા, એક બિઝનેસવુમન તરીકે તું ખૂબ જ સફળ રહી છે. અમને તારા પર ગર્વ છે. આ બધાં જીવનનાં પાત્રો એ ‘પાર્ટસ ઓફ લાઈફ’ છે. જે તેં ખૂબ જ નિષ્ઠા અને વફાદારીથી નિભાવ્યા છે. પરંતુ બેટા, પારાયણી! જીવનનાં આ બધાં તબક્કાઓથી અલગ પણ વ્યક્તિત્વનું એક પોતાનું અલાયદું વિશ્વ હોય છે. એની સાથે જીવી જવાનો દરેક માણસને સંપૂર્ણ અધિકાર છે. સામાજિક બંધારણને નુકશાન થાય એવું તેં કોઈ કાર્ય કર્યું નથી.’ આથી, તારે ગીલ્ટ ફીલ કરવાની કોઈ જરૂર નથી.’ મારા સાસુજી દિપક્ષિતા આઈએ કહ્યું ‘બેટા, મેરા બચ્ચા! આજા મેરી ગોદી મેં લેટ જા. અપના દિલ હલકા કર લે. શુધ્ધત્વકો પાના યે કોઈ પાપ નહીં બલ્કે પ્રભુ કા પ્રસાદ હૈં. ગોપિયાઁને ભી શ્રીકૃષ્ણ કો ચાહા હૈ.’

મારા આત્મા સાથે જીવી લેવા મારાં ફેમિલિનાં બધાં જ સભ્યોએ સપોર્ટ કર્યો. વેદ! જે સત્ય હું મારા મનનાં બંધ ઝરુખે પણ સ્વીકારી શકતી ન હતી એ સત્ય હું આજે, ખુલ્લાં આકાશ તળે, મુક્ત મને સ્વીકારું છું વેદ! મેં તમને ચાહયા છે.

યુ આર માય લવ લાઈક ક્રિષ્ના.

વેદ! તમે આંખો પરથી ચશ્મા ઉતારી, મોં પર પાણીની છાલક મારી, ઊંડા શ્વાસ લઈને સસ્મિત પત્રને ગડી કરી તમારાં શર્ટનાં ડાબી તરફનાં ખિસ્સામાં હ્રદયને સ્પર્શે તેમ મૂકી દીધો. સૂર્યની આભાઓ આ અદભુત દ્રશ્યનાં સાક્ષી રહ્યા. સ્થિતપ્રજ્ઞ એવાં આપ વેદ! ફરીથી ચશ્મા પહેરી તમે ત્રીજો તમારા હાથમાં લીધો...

પત્ર ખોલતાં વેંત જ પત્રમાના અક્ષરો, શબ્દો, લાગણીઓ જાણે કે શાળામાંથી કિલ્લોલ કરતાં બાળકો છૂટે તેમ આખાયે બગીચામાં આમ-તેમ દોડાદોડી કરવા મંડ્યા. પુષ્પોની સુગંધ પણ બાકાત ન રહી. રંગ અને સુગંધનાં મિશ્રણથી એક મધમધતું આહલાદક માહોલ બની ગયો.

હેય, હાય, હેલો સખા!

કેમ છે તું? ધરડો તો નથી થઈ ગાયોને? હાથમાં લાકડી લઈને ચાલતો હોય એવી કલ્પના માત્રથી મને હસવું આવી જાય છે. આમ પણ તું ટકલો તો ક્યારનો થઈ ગયો છે. જો તારી બુધ્ધિ સાંઠે નાસી જાય તો! બિચારી ક્ષિતિનું તો કચુંબર થઈ જાય. હા, હવે સમજાયું સમજાયું ક્ષિતિ એટલે જ તને મૂકીને યુ.એસ.એ. તથાગત અને અન્વેષ્ણા પાસે જતી રહી લાગે છે. ચાલ હવે આજનો દિવસ તારી વધુ ખિંચાઇ નથી કરતી. સાઠમી વર્ષગાંઠ નિમિત્તે તને ખૂબ...ખૂબ...ખૂબ... શુભકામનાઓ.

સખા! હું મારી લાઈફમાં તારી પ્રત્યે ગઇકાલે પ્રથમ વખત જ ગંભીર થઈ ગઈ.મારા ધૂંટણમાં થોડો દુ:ખાવો હતો. આથી મારા હસબન્ડ અનુભવ એકલા જ તારા માટે બર્થ ડે કાર્ડ લઈ આવ્યા. મારી ટીવન્સ દીકરીઓ પંછી અને પાંદડી પણ અમારા ઘરે આવ્યા છે. ઘણા લાંબા સમયે આખું કુટુંબ ભેગું થયું છે. ટોળટપ્પાં ચાલતાં હોય ને તને યાદ ન કરીએ એવું બની જ કેવી રીતે શકે! મારા સાસુએ વાત છેડી “વેદ ફોન પર અવારનવાર ખબરઅંતર પૂછે છે. પણ લાંબા સમયથી મળ્યો નથી. બધા પોતપોતાની રીતે તારી મધુર સ્મૃતિઓ વાગોળતાં હતા. પણ હું...હું કયાંક ખોવાય ગઈ. ત્યાં તો મારી નટખટ ન્યૂઝરીડર પાંદડી હાઉક કરતી મારી પર ત્રાટકી એય મોમ! વેર આર યુ? ત્યાં તો મારી પંછી જે પાર્લામેન્ટમાં બેસી દેશનાં કોયડા ઉકેલે છે તેણે ચપટીમાં જ મારો કોયડો ઉકેલી નાંખ્યો. પંછી બોલી મોમ! તમને અંકલમામુની યાદ આવે છે ને? ચાલો આજે આપણે તમારી ‘સખામુસાફરી’ની અલગારી વાતો કરીએ. ને સખા! જોતજોતામાં આખું આયખું મારી આંખ સમક્ષ રજૂ થવા માંડયું.

સખા! તારા અને મારા પેરેન્ટસ વચ્ચે ગાઢ મિત્રતા. આપણા બંગલા પણ બાજુ-બાજુમાં અને વચ્ચે એક કોમન વિશાળ ગાર્ડન. યોગાનુયોગ આપણા બંનેના જન્મ પણ એક જ વર્ષ અને એક જ મહિનામાં થયેલા. એટલે જ તો આપણી મિત્રતા પણ પારણામાંથી. સખા! તને યાદ છે... લગભગ આપણે અઢી-ત્રણ વર્ષનાં હોઉશું ત્યારે સાયકલ રમતાં-રમતાં તને એક ધસરડો પડેલો અને હું તરત જ દોડીને ફર્સ્ટ એઇડ બોક્સ લઈ આવેલી. તારું ડ્રેસિંગ કરી બેન્ડીજ તને લગાડેલી. દૂર હીંચકે ઝૂલતા આપણાં દાદા-દાદી ચૂપચાપ આ આપનો નિર્દોષ ડ્રામા જોઈને મલકાતાં-મલકાતાં આપણને નજીક બોલાવીને કહ્યું”જો વેદ, તારે નિમંત્રીને સખી કહેવાનું અને નિમંત્રી! તારે વેદને સખા કહેવાનું.” જે આપણે આ ઉંમરે પણ આપણો નિર્દોષ-ભાવુક અંતરનો સંબધ જાળવી રાખ્યો છે. સખા! એકબીજાની કેર કરવી, હૂંફ આપવી એ જાણે આપણાં બંનેના રગેરગમાં તાણા-વાણાની જેમ વણાય ગયેલું સ્કૂલ, કોલેજમાં એકબીજાનું હોમવર્ક કરી આપવું, પ્રોજેકટ, જર્નલ તૈયાર કરી આપવા. એકબીજાની ભાવતી વાનગીઓ, પસંદ-નાપસંદનો ખ્યાલ રાખવો વિગેરે જાણે આપણા જીવનમાં સહજ હતું. તને કે મને કોઈકની સાથે વાંકું પડતું ત્યારે આપણે એકમેકની ફેવર લઈ સામેવાળાનો ઉધડો લઈ નાખતાં.

સખા! આપણા યૌવનકાળમાં આપણાં પેરેન્ટસે આપણી સાથે મીટીંગ કરી પૂછી નાખેલું “તમારે લગ્નગ્રંથિથી જોડવું છે? અને, જોડાશો તો સારી વાત છે.’ ને આપણે બંનેએ મક્કમતાથી ના કહી હતી. આપણે આપણી અનન્ય, અમૂલ્ય લાગણીઓને સાંસારિક નામ આપી તુચ્છ કરવા માંગતા ન હતા. ત્યાર પછી મારા લગ્ન અનુભવ સાથે થયા પરંતુ આપણાં પેરેન્ટસે મારા સાસરાપક્ષને આપણી પ્રગાઢમૈત્રીની વાત જણાવી દીધી હતી. મારા સાસરાપક્ષવાળાએ કેટલોક સમય આપણને અંડર ઓબ્ઝર્વેશન રાખ્યાં હતાં. ત્યારબાદ માન્ય મહોર લગાવી હતી. સખા! વર અને કન્યા બંને પક્ષનું લગ્નનું તમામ આયોજન તેં બખૂબીથી આબેહૂબ કર્યું હતું. સગાં-સ્નેહીઓનું માનવું હતું કે કન્યાવિદાયનાં પ્રસંગે આપણે ખૂબ જ રડીશું. પરંતુ સખા! આપણે એવું કશું જ નહિ કરેલું. આપણને શ્રધ્ધા હતી કે આપણી પ્રગાઢ મિત્રતાનો સંબંધ ક્યારેય ખતમ નથી થવાનો. આપણે અદભૂત-અલૌકિક મિત્રતા!!!

સખા! મારું લગ્નજીવન ખુબ જ પક્વ, સુંદર અને સમૃધ્ધ રહ્યું છે. આમ છતાં ક્યારેય નિયતિનાં લેખને કારણે ડાઉન્સ પણ આવ્યા છે. કૌટુંબિક ઝધડાને કારણે જયારે અમારા ‘વસુગંગા’ ડેરીફાર્મને સીલ્ડ કરવાનો સમય આવ્યો ત્યારે તેં જ કોર્ટમાંથી ‘સ્ટે’ લઈ આવી સમાજમાં અમારી આબરૂ સાચવી લીધી હતી. ઓસ્ટ્રેલિયાથી પરત થતી વખતે એરોપ્લેન લેન્ડીગમાં અમારા આખા કુટુંબ પર કાળાકેર છવાયો હતો પરંતુ સૌથી પહેલા તેં જ અમારો સંપર્ક કર્યો હતો. બેસ્ટ ડૉક્ટર ટીમને એકઠી કરી દીધી હતી. ને અમારા ઘરના બધા સભ્યોને હેમખેમ બચાવી નવું જીવનદાન બક્ષ્યું હતું. મારી બંને દીકરીઓની કોમ્પિટીટીવ એક્ઝામમાં તું હનુમાનચાલીસાનું અધ્યયન કરતો. અડધી રાત્રે પણ જો કોઈ મુશ્કેલીમાં હોઈએ તો કોઈક અલૌકિક શક્તિ દ્ધારા તું ખેંચાઇ આવતો, તું ફોન કરી પૂછી લેતો “આર યુ ઓ કે?” સખા! આપણી મિત્રતાનું મૂલ્ય કોઈ હોય જ નહીં શકે. મારી એક બેન્ડીજનું મૂલ્ય તેં આજીવન ભરપાઈ કર્યું છે. હું આજે અહો...અહો...અનુભવું છું.

સખા! આજે કુદરતને, કુદરતના સત્યને, કુદરતના માનવીય, આત્મીય નકશાને સમજવા તત્પર થઈ ગઈ. મારી દીકરીઓ પંછી અને પાંદડીએ મને વધુ ભાવવિભોર થતાં અટકાવી. મારી દીકરી બોલી “મોમ! યુ આર સો લકી. અમારા જનરેશનમાં આવી મિત્રતા શકય જ નથી. ઓપોઝીટ જેન્ડર મતલબ સેકસ્યુલ રીલેશન અને સમાજ એને એ જ નજરથી મૂલવે છે. આ એક કુદરતે આપેલ અણમોલ બક્ષીસ છે. વાતમાં સૂર પૂરવતાં મારા સાસુજી બોલ્યાં- “દીકરીઓ! આ તમારા જમાનમાં જ નહીં, અમારા જમાનમાં પણ, યુગો પહેલાં અને યુગો પછી પણ આવા શુદ્ધ સંબંધો દીવો લઈને શોધવા જઈએ તો પણ નથી જડતા. એક કૃષ્ણ અને દ્રૌપદીનો સંબંધ અને બીજો વેદ અને નિમંત્રીનાં સંબંધના આપણે સાક્ષી થયા. કેવી દિવ્ય મિત્રતા!!!’

વેદ! તમે ચશ્મા ઉતારી, ઊંડા શ્વાસ લઈ થોડી ક્ષણો આંખો બંધ કરી બ્રહ્માણ્ડનાં દર્શન કરી રહ્યાં. અલૌકિક, અદભૂત વિચક્ષણ જીંદગીને નિહાળી રહ્યા. આ અદભૂત નઝારો જોવા બગીચાનાં ફૂલ, પાન, પંખી અને ખુદ કુદરત પણ મંત્રમુગ્ધ થઈ ગઈ. પર્વતો પોતાની સ્થિરતા છોડી મન ડોલાવીને નાચવા લાગ્યા. ઝરણાઓએ વહેવાનું છોડી દઈ સ્થિર થઈ ગયા. કોણે કહ્યું કે- એક પુરુષમાં કંસ અને રાવણ જ વસે છે! તમે પુરુષ અવતારને સાર્થક કરી દીધો. પુરુષ અંતરથી ઈચ્છે તો એની અંદર વસેલાં કૃષ્ણતત્વને જાગૃત કરી શકે.

રામુકાકાએ પૂછયું- “સાહેબજી, બપોરે ભોજનમાં શું લેશો? વેદ! આપે ઉત્તર આપ્યો- “એક ફળ અને એક કટોરી દૂધ.” વેદ! આપશ્રી ઊભા થઈ આપનાં ‘અંતરનાદ’ વિલામાં બનાવેલ લાઈબ્રેરીમાંથી ‘ક્રિષ્નાગમન’ પુસ્તક લઈ એનો અભ્યાસ કરવા મગ્ન થઈ ગયા. વાતાવરણમાં પવનની લહેરખીઓ વાંસળીનાં સૂર રેલાવતી હોય એવો અહેસાસ થઈ રહ્યો.