Vicharoni Aarat books and stories free download online pdf in Gujarati

વિચારોની આરત

વિચારોની આરત

પ્રદિપ પ્રજાપતિ (પ્રભાત)

અર્પણ

મારા માતા - પિતા તથા મારા જીવનનો અભિન્ન ભાગ એવા મારા ગુરુજી તથા મિત્રોને…

1. આત્મહત્યાનું સાચું કારણ શું ?

ભારતએ વિકાસશીલ દેશ છે. ભારત પાસે યુવાધન પણ બહોળા પ્રમાણમાં છે પણ કડવી હકીકત તો એ છે કે ભારતમાં આત્મહત્યાનું પ્રમાણ રોજબરોજ વધતું જાય છે. WHO નાં એક અહેવાલ પ્રમાણે ભારતમાં દરરોજ 370 લોકો આત્મહત્યા કરી જીંદગી ટૂંકાવે છે .નેશનલ ક્રાઇમ રેકોર્ડનાં આંકડા મુજબ 2015 માં ગુજરાતમાં કુલ 7225 લોકોએ આત્મહત્યા કરી હતી અને આ આત્મહત્યામાં યુવાનોની સંખ્યા ખૂબ જ વધારે હોય છે. એક અંદાજ મુજબ પુરુષ કરતાં સ્ત્રીઓમાં આત્મહત્યાનું પ્રમાણ વધારે હોય છે. આ તો થઇ આત્મહત્યાના આંકડાઓની વાત પણ મૂળ સવાલ તો એ જ છે કે આ આત્મહત્યા પાછળનું કારણ શું ?
કોઇપણ વ્યક્તિ જ્યારે એકલતાનો અનુભવ કરે છે ત્યારે તે પોતાની જાતને અસુરક્ષિત સમજવા લાગે છે. આ જ કારણ છે કે તે દુનિયાને પોતાનાથી અલગ સમજવા લાગે છે તેથી જ તે તણાવ તથા ડિપ્રેશનનો અનુભવ કરવા લાગે છે.
વાત વિદ્યાર્થીકાળથી શરુ કરીએ કારણકે આજકાલનું શિક્ષણ ખૂબ જ તણાવપુર્ણ બની ગયુ છે તેથી વિદ્યાર્થીઓ ખૂબ જ માનસિક તાણનો અનુભવ કરતાં હોય છે તેથી એમની દિનચર્યા ખૂબ જ તણાવગ્રસ્ત બનતી જાય છે.અત્યારના સમય પ્રમાણે તો પાંચમાથી છઠ્ઠા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ પણ માનસિક તણાવનો અનુભવ કરતાં હોય છે. આ માનસિક તણાવનું પરિણામ ડિપ્રેશન સુધી લઈ જાય છે.આ માનસિક તણાવ મૂળ યુવાનોની જીવનશૈલીમાં આવતાં ફેરફારથી પેદા થાય છે તથા આજકાલનાં બહારના નાસ્તા તથા બિનઆરોગ્યપ્રદ ખોરાક તથા મોડીરાત સુધીના ઉજાગરાને કારણે પણ માનસિકતણાવ ઉત્પન થાય છે. કોઇક વાર અપુરતૂ માર્ગદર્શન પણ તણાવ તથા ડિપ્રેશનને નોતરી શકે છે. આ માનસિક તણાવ તથા ડિપ્રેશનથી બચવાનો ખૂબ જ સરળ અને સચોટ ઉપાય એ યોગ તથા પ્રાણાયામ છે. જો વિધાર્થીઓને શાળા કક્ષાએથી જ યોગ તથા ધ્યાનનું જ્ઞાન આપવામા આવે તો આ ડિપ્રેશન તથા આત્મહત્યાનાં પ્રમાણને ઘટાડી શકાય છે. હવે વાત કરીએ યુવાનોમાં વધતાં જતાં આત્મહત્યાના દરની તો યુવાનોમાં આત્મહત્યાનું મુખ્ય કારણ બેરોજગારી છે. આજે ભારતમાં યુવાનોમાં સૌથી વધુ બેકારી જોવા મળે છે અને આ બેરોજગારીમાં પણ વિશિષ્ટ રૂપે શિક્ષિત બેરોજગારી જોવા મળે છે. સીધી વાત છે કે કોઈ યુવાન ખૂબ જ ભણે છે અને એ ભણતરની પાછળ ખૂબ જ ખર્ચ પણ કરે છે છતાં એને રોજગારી ન મળે તો એ તણાવ કે ડિપ્રેશનમાં આવી જાય છે અને આ જ કારણ આત્મહત્યા માટે મુખ્ય ભુમિકા ભજવે છે. બીજુ કારણએ પરિવારનું હોય છે કોઈપણ યુવાન જ્યારે બેકાર હોય તો તેના ઘરે પણ આ બાબતને લઇને ઘણું જ ગંભીર વાતાવરણ હોય છે અને તે યુવાનનાં માતા પિતા દ્રારા પણ રોકટોક કરવામાં આવતી હોય તો પણ આ એક ડિપ્રેશન માટેનું મુખ્ય કારણ બની શકે છે. આ માટે યુવાનને યોગ્ય માર્ગદર્શન તથા પ્રેરણા આપવાની જરૂર છે. યુવાન માનસિક રીતે સ્વસ્થ રહે તે માટે યોગ તથા પ્રાણાયામની સાથે સાથે યોગ્ય પ્રેરણાદાયી પુસ્તકોનું વાંચન પણ એટલું જ જરૂરી છે. જો યુવાન નક્કી કરી લે કે મારે સફળ થવું છે તો કોઈપણ પ્રકારનાં અવરોધ તેને રોકી શકતા નથી.
ભારતમાં સ્ત્રીઓનું પણ આત્મહત્યાનું પ્રમાણ પણ ચિંતાજનક છે. ભારતમાં સ્ત્રીઓનું આત્મહત્યાનું મુખ્યકારણ ઘર કંકાસ જોવા મળે છે .આ સિવાય અત્યાચાર તથા દુષ્કર્મથી પીડિત સ્ત્રી ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરી શકે છે.આ એક સામાજિક મુદ્દો છે તથા સમાજ માટે એક પડકાર પણ છે.આ બાબતે સમાજે એક જુથ થઈ અને આ બાબતને ગંભીરતા થી લેવાની જરૂર છે ત્યારે જ આપણા લોકોનો વિકાસ થશે.


2. સાચા અર્થમાં સ્માર્ટ વ્યક્તિનું નિર્માણ

આપણા સમાજમાં અને આ આધુનિક યુગમાં લોકો કહેતાં હોય છે કે સ્માર્ટ બનો પણ આપણને ખબર તો હોવી જોઈએ ને કે સ્માર્ટ વ્યક્તિ એટલે શું ?
આજના સમયમાં કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિને સરળતાથી છેતરીને તેની પાસે કામ કાઢવે તેને લોકો સ્માર્ટ વ્યક્તિ કહેતાં હોય છે તો આનો અર્થ તો એવો થાય કે સ્માર્ટ વ્યક્તિ પાસે નૈતિકતા હોતી નથી પણ આ વાત મારા મત મુજબ ખોટી છે. મારા મતે સ્માર્ટ વ્યક્તિ એટલે સદ્ગુણોને સાથે રાખીને નૈતિકતા પૂર્વક પોતાનુ જીવન જીવે તે. આપણો સમાજ સત્ય, અહિંસા, પ્રામાણિકતા અને ઉદારતા જેવા નૈતિક મૂલ્યોને ભૂલતો જાય છે અને પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરતો જાય છે. જો વાત કરીએ આજના વિદ્યાર્થીઓની તો તેઓ ભણતરને એક બોજ તરીકે લે છે અને વાંચનમાં પણ અભ્યાસક્રમ તથા પરીક્ષા પુરતું જ વાંચે છે. વિદ્યાર્થી જ્યારે શાળા કે કૉલેજમાં ભણતો હોય છે તયારે શિક્ષક કે પ્રાધ્યાપક પણ વિદ્યાર્થીઓને ફક્ત પરીક્ષા પુરતું વાંચવા માટે પ્રેરિત કરે છે અને વિદ્યાર્થીઓ પણ એમ જ કરે છે. આમ જ આપણા દેશનું શિક્ષણકાર્ય ચાલે છે. શિક્ષણના ક્ષેત્રમાં જ્યાં પણ જઇએ ત્યાં બધાને એમ જ શીખવવામાં આવે છે કે સ્માર્ટવર્ક કરો પણ જે લોકો આ વાત કરે છે તે જ લોકો સ્માર્ટવર્ક ને યોગ્ય રીતે વ્યાખ્યાયિત કરી શક્તા નથી, આનો અર્થ એ થાય છે કે તે જ લોકોને ખબર નથી કે સ્માર્ટવર્ક એટલે શું ? વિદ્યાર્થીઓને કહેવામાં આવે કે તમે સત્ય, અહિંસા, પ્રામાણિકતા જેવા મૂલ્યોને પોતાના જીવનમાં ઉતારો પણ આ વાતને વિધાર્થીઓ એક કાનથી સાંભળે છે અને બીજા કાનથી કાઢી નાંખે છે. આ જ કારણ છે કે આપણો સમાજ સ્માર્ટ વ્યક્તિ બનવાની દોડમાં પોતાના નૈતિક મૂલ્યોને ભૂલતો જાય છે અને આના લીધે જ અપરાધો વધતા જાય છે. આપણો સમાજ જ આ મૂલ્યોને હજુ સુધી શીખ્યો નથી અને જો શીખ્યો છે તો આપણને સમજવામાં કંઈક તો ખામી રહી ગઇ છે. આજના સામાજિક વાતાવરણ પ્રમાણે સાચા અને સારા વ્યક્તિને કોઈ સ્માર્ટ કહેતું નથી. આપણે પહેલેથી જ આપણા ભારતવર્ષની ભવ્ય શિક્ષણ પરંપરાને ગુમાવી બેઠા છીએ. કારણકે એ શિક્ષણ પદ્ધતિમાં શિષ્ય અને ગુરુની પરંપરા હતી જેમાં વિદ્યા પ્રાપ્ત કરવી એ એક પ્રકારની તપસ્યા કહેવાતી હતી.એ સમયના વિદ્યાર્થીને બધી જ કળાઓનું જ્ઞાન આપવમાં આવતું હતું.
સાચાં અર્થમાં સ્માર્ટ વ્યક્તિનું નિર્માણ કરવું હોય તો સમાજે આપણા યુવાનો તથા વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે નૈતિક મૂલ્યોનું જ્ઞાન યોગ્ય રીતે આપવું પડશે અને તેને અમલમાં પણ મૂકવું જ પડશે તો અને તો જ આપણો સમાજ અને આપણો દેશ સમૃદ્ધ બનશે.આજથી વર્ષો પહેલાં જ્યારે અંગ્રેજો આપણા દેશમાં આવ્યાં તે પહેલાના સમયમાં ભારત ખૂબ જ સમૃદ્ધ હતો. તે સમયમાં ભારત નાણાંની સાથે સાથે સદ્ગુણોથી પણ સમૃદ્ધ હતો. આપણે જ આપણી સંસ્કૃતિને ભૂલીને પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કર્યું છે. જ્યારે આપણો સમાજ અને લોકો આ મૂલ્યોને પાછા મેળવશે ત્યારે જ સાચા અર્થમાં સ્માર્ટ વ્યક્તિનું નિર્માણ સફળતા પૂર્વક થશે.

3. આપણા શિક્ષણમાં સર્જનાત્મકતાનો અભાવ શા માટે ?

સૌથી પહેલા એક ઉદાહરણ જોઈએ તો બે વિદ્યાર્થી છે અને બન્ને દસ ધોરણ સુધી સાથે જ ભણે છે તેમાંથી પ્રથમ વિદ્યાર્થી ભણવાનું છોડીને પિતાનો ધંધો સંભાળે છે અને બીજો વિદ્યાર્થી આગળ ભણવાનું ચાલુ રાખે છે અને તેં સ્નાતક થાય છે ત્યાર બાદ અનુસ્નાતક પણ થાય છે. હવે લગભગ દસ વર્ષ બાદ જોઈએ તો પ્રથમ વિદ્યાર્થી જે પિતાનો ધંધો સંભાળતો હતો એ બહુ જ મોટો ઉધોગપતિ બને છે અને જે બીજો વિદ્યાર્થીએ એક સામાન્ય કંપનીમાં નોકરી કરે છે. હવે મૂળ સવાલ તો એ જ થાય કે બીજો વિદ્યાર્થી આટલું બધુ ભણ્યો છતાં તેં સામાન્ય કંપનીમા નોકરી કરતો હોય છે અને પ્રથમ વિદ્યાર્થીએ ખાસ શિક્ષણ લીધુ નહોતું છતાં તેં પોતાના પિતા ધંધામાં આગળ આવીને એક સારો ઉદ્યોગપતિ બન્યો તો આવું શા માટે ? આનો અર્થ એવો જ થાય છે કે આપણે આપણા બાળકોને જે શિક્ષણ આપવું જોઈએ તે આપતાં નથી અને જો શિક્ષણ યોગ્ય છે તો શિક્ષિત આપણું શિક્ષણએ પશ્ચિમી સંસ્કૃતિ પ્રમાણે આપવામા આવે છે અને આપણા બેરોજગારીથી લઇને આત્મહત્યા સુધીના કિસ્સાઓ શા માટે બને છે ?
શિક્ષણમાં મૂળભૂત પાયાના મૂલ્યોની જ ખામી છે તેજ કારણે આપણા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતાનો અભાવ જોવાં મળે છે. તે પાયાના મૂલ્યોની જો વાત કરીએ તો પ્રથમ મૂલ્ય આવે છે માતૃભાષા. આ એક કડવું સત્ય છે કે આપણી મોટાભાગની શિક્ષણ સંસ્થાઓ અંગ્રેજીમાં જ શિક્ષણ આપે છે.ભારત સિવાય કોઇક જ એવો દેશ હશે કે જ્યાં શિક્ષણ માતૃભાષામાં ન અપાતું હોય. આમાં અંગ્રેજીનો કોઈ વિરોધ નથી પણ એ વાતનું દુઃખ છે કે આપણા દેશમાં મોટાભાગનું શિક્ષણએ અંગ્રેજીમાં આપવામા આવે છે. બીજા મૂલ્યોની જો વાત કરવામાં આવે તો આપણા શિક્ષણમાં યાદ શક્તિ ચકાસવામાં આવે છે એટલે કે યાદ શક્તિની જ પરીક્ષા કરવામાં આવે છે તે જ કારણે વિદ્યાર્થીઓની બૌદ્ધિક શક્તિનો વિકાસ ઓછો થાય છે. કોઇપણ એક વિદ્યાર્થીને પૂછવામાં આવે કે તમે પરીક્ષામાં કેવી રીતે તૈયારી કરશો તો વિદ્યાર્થીનો જવાબ એ જ હશે કે જે પણ અમને ભણાવવામાં આવ્યું છે તે યાદ કરીને. એક સરળ ઉદાહરણ લઇએ તો એક વિદ્યાર્થી શાળામાં કે કૉલેજમાં જાય છે ત્યારે શિક્ષક વિદ્યાર્થીને પાઠ્યપુસ્તક માંથી અને જે વસ્તુ અભ્યાસક્રમની અંદર હોય તેટલું જ ભણાવે છે અને વિદ્યાર્થી આ જ વસ્તુ ઘરે જઇને ભણે છે અને યાદ રાખીને પરીક્ષા આપે છે, આ ઉદાહરણ પરથી કહી શકાય કે વિદ્યાર્થી ભણતરમાં ફક્ત પોતાની યાદ શક્તિનો ઉપયોગ કરે છે અને બૌદ્ધિક શક્તિનો ઉપયોગ તો કરતો જ નથી અને શિક્ષક દ્રારા પણ એવા કોઇપણ પગલાં ભરવામાં આવતાં નથી કે જેમાં વિદ્યાર્થી પોતાની બૌદ્ધિક શક્તિનો વિકાસ કરી શકે તેથી આ પણ એક મોટું કારણ છે કે આજના વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતાનો અભાવ છે. હવે ત્રીજા મૂલ્યની જો વસ્ત કરીએ તો એ છે કલાનું મૂલ્ય, જેમ જેમ વિદ્યાર્થી આગળ ભણતો જાય છે તેમ તેમ કલાનું મૂલ્ય ઘટતું જાય છે મારા મતે તો ઉચ્ચ શિક્ષણમાં તો કલાનું મૂલ્ય વધારે હોવું જોઈએ. આપણા શિક્ષણમાં જ નવમાં ધોરણ સુધી જ ચિત્રકલાનો વિષય આવે છે ત્યાર બાદ કૉલેજ સુધી ક્યાંય આ વિષય આવતો જ નથી અને વાત કરીએ સંગીતની તો આ વિષય પણ ઓછો શીખવવામાં આવે છે અને બીજી કલાઓની જો વાત કરીએ તો નાટ્યકલા આવી જાય છે. શાળા અને કોલેજોમાં ફરજીયાત યોગનું શિક્ષણ આપવામા આવું જોઈએ તેનાથી વિદ્યાર્થીનો માનસિક તથા બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસ થાય છે
આ બધા પરિબળો જો શિક્ષણમાં આવી જાય તો જ આપણા વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિનો પુરતો વિકાસ થશે અને દેશનું ભવિષ્ય પણ કૌશલ્ય સાથે પરિપૂર્ણ હશે.


4. મન લગાવીને કામ કરવું અને મનને હરાવીને કામ કરવું !

ઘણાં ખરાં લોકો એમ કહે છે કે તમારે મન લગાવીને કામ કરવાનું છે પણ શ્રેષ્ટ વ્યક્તિ અને સફળ લોકોનાં વ્યક્તિત્વને જોઇએ તો તે લોકો મન લગાવીને નહીં પરંતું મનને હરાવીને કાર્ય કરતા હોય છે
જેમ જેમ લોકો માનસિક તણાવનો અનુભવ કરે છે ત્યારે એ લોકો કહેતા હોય છે કે આજે તો કામમાં મન લાગતું નથી અને ઘણાં શિક્ષકો પણ વિદ્યાર્થીઓને પણ કહેતાં હોય છે કે તમારે મન લગાવીને કામ કરવાનું છે. મન લગાવીને કામ કરવાનો સામાન્ય અર્થ એ એકાગ્રતાથી કાર્ય કરવાનું છે પણ જે કાર્યમાં એકાગ્રતા ન લાગતી હોય ત્યાં આ વાત આવે છે. આપણા મનની શક્તિઓ અપાર છે પણ કેટલીક બાબતોના કારણે આ શક્તિઓનો આપણે પુરતો ઉપયોગ કરી શકતા નથી. સામાન્ય સંજોગોમાં કોઇપણ માણસ કોઇપણ કાર્યમાં પોતાની એકાગ્રતા એટલે કે મનને લગાવવાનો પ્રયત્ન કરશે અને કદાચ તે સફળ પણ થઇ જશે પણ આ સામાન્ય સંજોગોની વાત હતી પણ જ્યારે સંજોગ વિકટ હોય એટલે કે પરિસ્થિતિ બહું જ ગંભીર હોય ત્યારે શું થાય ? એક સરળ ઉદાહરણ દ્રારા સમજીએ તો એક કંપનીમાં કામ કરતા સેલ્સ મેનેજરને સેલ્સનો પ્રોજેક્ટ બનાવીને તેનું આવતીકાલે પ્રેઝન્ટેશન આપવાનું છે પણ તેની પાસે સમય ખૂબ જ ઓછો છે. તે મેનેજર આ ગંભીર સમયમાં મન લગાવીને કામ કરવાનું વિચારશે અને પ્રયત્ન પણ કરશે પણ મન તેની સામે એકથી એક ચડિયાતા બહાનાઓ મુકશે જેવા કે આટલા ઓછાં સમયમાં પ્રોજેક્ટ કેવી રીતે પૂરો થશે. આ બહાનાઓથી કોઇપણ સામાન્ય માણસ હારી જશે અને નાસીપાસ થઇને હાર માની લેશે પણ વિશિષ્ટ માણસો આ સમયમાં મનનાં કોઈપણ બહાનાઓનો સ્વીકાર કરશે નહીં અને પોતાની જાત પર એક અતૂટ વિશ્વાસ રાખીને કાર્ય પર ધ્યાન આપશે, આ જ વખતે તે વિશિષ્ટ વ્યક્તિએ પોતાના મનને હરાવી દીધું અને પોતાની જીત પાક્કી કરી લીધી.
આમ તો મન લગાવીને કામ કરવું અને મનને હરાવીને કામ કરવું એ એક જ વાત છે પરંતું તેને અપનાવવાની રીત અને તેનાં પરિણામો જુદા છે. જે રીતે કમ્પ્યુટર ઓપરેટર પોતાના કમ્પ્યુટરને કુશળતાથી ઓપરેટ કરી શકે છે તે જ રીતે આપણે પણ આપણા મનનો કુશળ રીતે યોગ્ય દિશામાં ઉપયોગ કરી શકીએ છીએ પણ જે રીતે કમ્પ્યુટરને કુશળતાથી ચલાવવા માટે યોગ્ય તાલીમ તથા નિયમિત પ્રેક્ટિસની જરૂર હોય છે તેજ રીતે મનનો પણ યોગ્ય દિશામાં ઉપયોગ કરવા માટે પ્રેક્ટિસની જરૂર પડે છે. આને એક પ્રકારનું રહસ્ય કહી શકાય પણ આ રહસ્યની સાધના કરીને તેને પોતાનામાં ઉતારવું એ જ સૌથી મોટી ઉપલબ્ધી છે. આનો મૂળ અર્થ એટલો જ છે કે પોતાના મન પર અંકુશ રાખો અને તમારે જે જોઈએ છીએ તે કાર્ય તરફ મનને યોગ્ય રીતે અને યોગ્ય દિશામાં વાળો. આ એક વાત દરેકને જુદી જુદી રીતે લાગુ પડે છે તેથી આ વાતનો ઉપયોગ કરવાનાં પ્રયત્નો અને પરિણામો પણ જુદા જુદા હોય છે


5. શિક્ષકમાં રહેલી ખામી વિદ્યાર્થીમાં દેખાઇ શકે ?

કહેવાય છે ને કે "શિક્ષક કભી સાધારણ નહીં હોતા" આ વાત પહેલા જેવી સક્ષમ આ સમય રહી નથી. શિક્ષકએ માતા - પિતા બાદ ઘડતર કરતો વ્યક્તિ છે તેથી વિદ્યાર્થીઓને કઇ તરફ લઇ જવા અને વિદ્યાર્થીઓનું ઘડતર કેવી રીતે કરવું એ શિક્ષકના જ હાથમાં છે. એક કડવી હકીકત એ પણ છે કે આજના શિક્ષકો એટલા સક્ષમ હોતા નથી અને આની સીધી અસર વિદ્યાર્થીના ભવિષ્યના ઘડતર પર થાય છે. એક ઉદાહરણ જોઈએ તો એક શિક્ષક શાળામાં ભણાવે છે અને વિદ્યાર્થીઓની સામે વ્યસન પણ કરે છે આ વાતની સીધી અસર વિદ્યાર્થી મન પર થશે અને વિદ્યાર્થીને વિચાર આવશે કે અમારાં સાહેબ જ વ્યસન કરે છે તો અમે વ્યસન કરીએ એમાં ખોટું શું છે ? આ બાબતની વિદ્યાર્થીના ભવિષ્ય પર ખરાબ અસર થાય છે. આવી ઘણી બધી બાબતો છે જે શિક્ષકોમાં રહેલી ક્ચાસને પ્રદર્શિત કરે છે. ઘણીવાર શિક્ષક જ્ઞાનની ઉણપ રહેલી હોય તેથી તે વિદ્યાર્થીને પણ ખોટું શીખવે છે તેની અસર વિદ્યાર્થીના ભવિષ્ય પર થાય છે. આ તો વાત કોઈ ભણતરના જ્ઞાનની થઇ પણ કેટલીક વાર તો શિક્ષકમાં સામાન્ય જ્ઞાનની પણ ઉણપ હોય છે.
આપણા પ્રાચીન ભારતની શિક્ષણ પરંપરાએ ભવ્ય અને અદ્ભૂત હતી દુઃખની વાત છે કે તે આજે જોવા મળતી નથી. તેં સમયમાં શાળાની જગ્યાએ ગુરૂના આશ્રમ હતાં. વિદ્યાર્થીએ આશ્રમમાં જ રહેવાનું હતું અને એ આશ્રમમાં જ શિક્ષણ મેળવવાનું હતું. એ સમયમાં શિક્ષકની જગ્યાએ ગુરૂનું સ્થાન હતું એટલે કે ગુરૂ શિષ્ય પરંપરા હતી. વિદ્યાર્થી એટલે કે શિષ્ય પોતાના ગુરૂને સર્વસ્વ માનતો અને ગુરૂની ભગવાનની જેમ પૂજા કરવામાં આવતી હતી અને ગુરૂના ગુણએ ભગવાન કરતાં ઓછાં પણ નહોતા. વિદ્યાર્થીને આશ્રમમાં બધી જ વિદ્યાઓ તથા બધી જ કળાઓ શીખવીને પરિપૂર્ણ કરવામાં આવતા હતા તેથી જ આપણા ભારતનો ઇતિહાસ આટલો ભવ્ય અને સમૃદ્ધ હતો.
કેટલાક સમયથી વર્તમાનપત્રોમાં શિક્ષકની એવી ઘટનાઓ આવે છે જે આપણા સમાજને અને સમગ્ર શિક્ષણતંત્રને શરમમાં મુકી દે છે. આ વાત પરથી જ ખ્યાલ આવે કે જો શિક્ષકમાં જ ઉણપ હશે તો આપણા ભારતના ભવિષ્ય સમા આપણા વિદ્યાર્થીઓ પર કેવી અસર થાય છે. આવી કેટલીક ઘટનાઓથી સમાજે કંઇક શીખવું જોઈએ અને આપણા વિદ્યાર્થીઓ માટે કેવા શિક્ષકની જરૂર છે તે વાત પર પણ ગંભીરતા પૂર્વક ધ્યાન આપવું પડશે. કેટલીક વાતો આપણે વિદ્યાર્થીઓને શીખવી પડશે. આપણે સૌ જાણીએ છીએ કે જેમ જેમ જમાનો આધુનિક થતો જાય છે તેમ તેમ આપણો સમાજ નૈતિક મૂલ્યોને ગૂમાવતો જાય છે અને તેની અસર ઘણી વાર શિક્ષકો પર પણ જોવા મળે છે. તેથી આપણે સૌએ એક સાથે મળીને આ વાત વિશે ગંભીર રીતે વિચારવાની જરૂર છે ત્યારે જ આ સમસ્યાનો યોગ્ય નિકાલ આવશે.