Have shu karvu books and stories free download online pdf in Gujarati

હવે શું કરવું

હવે શું કરવું ?

ગોગદેવ ચૌહાણને વિદાય કર્યો. એણે સમાચાર આપ્યા એટલે જયપાલને સ્તમ્ભતીર્થમાંથી બોલાવી લાવવા માટે એક ઝડપી સાંઢણી તે તરફ તરત ઊપડી ગઈ. જયપાલ મંગરોલને કિલ્લેપતિ હતો. લોકવાયકા પ્રમાણે મંગરોલના જ કોઈ ને કોઈ ઉત્તેજનને પરિણામે ગજનવી આંહીં આવી ચઢ્યો હોય તે સંભવિત હતું. જયપાલ એ વિષે વધારે પ્રકાશ આપી શકે. સોમનાથના જુદ્ધમાં જયપાલ અને કુમારપાલ બંને ભાઈઓને, જીવસટોસટનું જુદ્ધ ખેલતા, દામોદરે પોતે જ જોયા હતા. કુમારપાલ તો હજી પથારીવશ હતો. કેટલાક લોકો દરિયામાં થઈને નાસી છૂટ્યા, તેમાં જયપાલ નાસી ગયેલ હોવો જોઈએ. પણ એ બંને શંકાથી પર હતા. જયપાલ સ્તમ્ભતીર્થમાં સહીસલામત હતો. એ વાત મળતાં દામોદરને આનંદ થયો. ગર્જનકે કોઈ ને કોઈ રીતે પાછા ફરવા માટેની જે યોજના કરવાની હતી, તેમાં જયપાલ એક ઘણી મહત્ત્વની કડી બની શકે.

દરમ્યાનમાં દામોદરને કાને ગર્જનકની અનેક અવનવી વાતો આવતી જ રહી. પણ એક વાત આવી અને એ ચોંકી ઊઠ્યો. મહારાજ ભીમદેવે પણ એને એ જ કહ્યું હતું. ગર્જનક પાટણ છોડવા જ માગતો નથી, એવા સમાચાર આવ્યા. મહારાજ ભીમદેવને રાજ ઉપર આવ્યે માંડ બે જ વર્ષ થયાં હતાં. હજી મહારાજ પોતાની યુદ્ધનીતિ ઘડી રહ્યા હતા. એટલામાં આ પ્રબળ વંટોળિયો આવ્યો. હવે જો ગર્જનક પાટણ છોડે જ નહિ, તો ગુજરાત છિન્નભિન્ન થઈ જાય, ચૌલુક્યોની સત્તા નામશેષ બની જાય; કાં એ તાબેદાર બની જાય.

દામોદરને આ સમાચાર મળ્યા ને તેની વેદનાનો પાર ન રહ્યો. પાટણનું પતન પોતાના વખતમાં થશે કે શું એ વિચારે એના રોમ રોમમાં અગ્નિ પ્રગટાવ્યો. સોમનાથમાંથી મીઠાખાને વિદાય લીધી હતી ને ત્યાં હવે ગર્જનકનો કોઈ ખાસ કાબૂ રહ્યો ન હતો. પરંતુ મીઠાખાનને ગર્જનકે પાટણની આસપાસના માર્ગને સુરક્ષિત રાખવા માટે પણ બોલાવી લીધો હોય.

ગમે તેમ, ગર્જનક પાટણમાં પડ્યો હતો. દેશ છોડવાની એને ઉતાવળ જણાતી ન હતી. એની વિદાયની કોઈ હિલચાલ હજી સંભળાતી ન હતી. છેલ્લી માહિતી પ્રમાણે એ તો ત્યાં મુંજપુરમાં એક મસ્જિદ બંધાવી રહ્યો હતો.*

ગર્જનક જો પાટણથી ખસે જ નહિ, તો મહારાજ ભીમદેવ અજમેર તરફ જાય કે ગમે તે તરફ જાય, પણ એક મહાન ભયંકર નિશ્ચયાત્મક યુદ્ધ વિના કોઈ પણ નિર્ણય આવી શકે નહિ. એવા યુદ્ધ માટે પાટણના છિન્નભિન્ન યોદ્ધાઓને અત્યારે ભેગા કરતાં કરતાં આકાશપાતાળ એક થઈ જાય તેવું હતું. હજી રા’ નવઘણ ક્યાં હતો એનો પત્તો ન હતો. હજી બીજે ક્યાંયથી પણ કોઈ આશા ભરેલા સમાચાર આવતા ન હતા. અને આ રહેઠાણની દિન-પ્રતિદિન વધુ ને વધુ જાહેરાત થઈ જવાનો ભય હતો.

પણ મીઠાખાન ખસ્યો છે એ સમાચાર મળતાં જ સોમનાથના ખંડેર તરફ લોકોનો તો મોટો ઘસારો પાછો શરૂ પણ થઈ ગયો હતો. ઘોડા ઉપર, ટટ્ટુ ઉપર, સાંઢણીઓ ઉપર, ગાડામાં, પગપાળા ચાલતા, રાત ને દિવસ, અનેક રસ્તેથી લોકો ભગવાન સોમનાથનાં દર્શને ઊપડ્યા હતા. ગર્જનક પાટણમાં પડ્યો હતો. ગમે તે પળે તે પાછો ત્રાટકે એ ભય હતો. છતાં એ ભય જાણે હવામાં ઊડી ગયો જણાતો હતો. ટોળેટોળાં માણસો સોમનાથ જઈ રહ્યાં હતાં. સંઘમાં જવાથી જાણે કોઈને ભય જણાતો ન હતો. આવશે તો વળી લડીશું, મરીશું, ભાગીશું, જે થવું હશે તે થાશે, કાં દરિયામાં નાસી જઈશું, કાં મોક્ષ મેળવીશું, એવી અટપટી વિચિત્ર ગેરવ્યવસ્થિત મનોદશા પ્રગટી નીકળી હતી. વરહોજી ને વરહોજીના સાગરીતો આ બધા સમાચાર પહોંચાડી રહ્યા હતા. દામોદરને આ સ્થાન પ્રગટ થઈ જવાનો ભય વધતો જણાતો હતો.

----------------------

*આ વિષેનો ઉલ્લેખ બૉમ્બે ગેઝેટીયરમાં છે. ઈ.સ. ૧૮૭૮માં મુંજપર પાસેથી મળેલા એક લેખ પ્રમાણે મહમૂદ ગજનવીએ એ બંધાવેલ.

તે જયપાલની રાહ જોતો હતો, એ આવી જાય, તેની પાસેથી છેલ્લામાં છેલ્લા સમાચાર આવે, પછી કયો માર્ગ લેવો, તેની વધારે ચોક્કસ રેખા દોરી શકાય. અત્યારે પાટણમાંથી તો જાણે પાંદડું પણ ચાલે તેવું ગર્જનકે રહેવા દીધું હોય તેમ લાગતું ન હતું, એટલે ગર્જનક જવા માગતો ન હોય એ તદ્દન સંભવિત જણાતું હતું. મહારાજ ભીમદેવે રા’ની સાથે મળીને ફરીને એક મોટું સેન ઊભું કરવું રહ્યું. ધંધૂકરાજને મનાવીને પાટણ ઉપર ચડાઈ લાવવાનું કહેવરાવવું રહ્યું. સાંભરવાળાને મનાવવા રહ્યા અને જે વખતે એ બધા પાટણ ઉપર આવે, તે વખતે મહારાજ ભીમદેવ ને રા’ નળકાંઠો વીંધીને આડે માર્ગે પાટણ ઉપર જાય એ જોવું રહ્યું. આ એક જ યુદ્ધરચના અત્યારે શક્ય જણાતી હતી.

પણ પોતે જે અથાક ધન મેળવ્યું હતું તે લૂંટાઈ જવાના ભયે જો ગર્જનક પાટણ છોડવા માગતો ન હોય, તો તો એને કોઈ ને કોઈ રીતે વિશ્વાસ આપીને પણ તૈયાર કરવામાં આવે તો વગર જુદ્ધે દેશ થાળે પડે. ને ગર્જનક ખો ભૂલી જાય તેવો ઘા કરવાની તક વખતે મળી જાય. પણ એ શી રીતે બને ? એનો રસ્તો ?

મહારાજ ભીમદેવે સોમનાથના રણક્ષેત્રમાં અદ્‌ભુત વીરતા બતાવી હતી. તેની વીજળી અસર જનસમુદાયમાં પ્રગટી હતી. એ દેવપુરુષ સમાન ગણાવા મંડ્યા હતા. એની એક હાકલે હજારો માણસો હજી પણ શસ્ત્ર-અસ્ત્ર લઈને ઘેર ઘેરથી નીકળી પડવાના. અત્યારે સોમનાથ તરફ ધસી રહેલો માનવસમુદાય ભીમદેવ મહારાજને નામે મરવા તૈયાર હતો. મહારાજ પાછા આવશે, વળી મંદિર ઊભું થશે, વળી ત્યાં સોનેરી ઘંટા બંધાશે, વળી ત્યાં સમુદ્રસ્નાન થતાં હશે, એવી એવી આશાની, ઉલ્લાસ ને હિંમતની વાતો પાછી પ્રગટવા મંડી હતી. દામોદરને એ જોઈતું પણ હતું. મહારાજ ભીમદેવના અંતરમાં બેઠેલો પરાજયનો ડાઘ ભૂંસી નાખવા માટે એ જરૂરી હતું. પણ એ સમજતો હતો કે હવેનું જુદ્ધ એ કાંઈ નાસભાગનું જુદ્ધ ન હોય; એ તો ગુજરાત રાખવાનું કે ખોવાનું જુદ્ધ હોય.

મહારાજ મૂલરાજદેવે રુદ્રમાળનું મહાન મંદિર ઊભું કર્યું, મહારાજ્ય સ્થાપ્યું. શું પોતાને હાથે એ મંદિર ને રાજ બંને ખોવાઈ જશે ? આવી તીવ્ર વેદના દામોદરના મનમાં રાત ને દિવસ ઊઠી રહી હતી. એને ક્યાંય આરામ ન હતો. ‘પાટણ ગયું !’ એ સ્વપ્ને એ રાતમાં પણ બેબાકળો જાગી ઊઠતો.

અને ગર્જનક રહેવાનો સંકલ્પ કરી બેસે, તો ખરેખર ગુજરાતને માથે એ જેવી તેવી આફત ન હોય. મહારાજ ભીમદેવને લાંબું ખૂનખાર જુદ્ધ ખેડવું પડે, અને તે પણ કઢંગી પરિસ્થિતિમાં.

ગર્જનક પાસે પ્રબળ કસાયેલું સૈન્ય હતું. ધનધાન્યના કોઠાર સમા પાટણ પ્રદેશમાં એ પડ્યો હતો. એને હંફાવવા આકાશપાતાળ એક કરવું પડે. તે દરમ્યાન તો ગર્જનક પોતાના પાયા મજબૂત રીતે ધરબી પણ કાઢે. એ જુક્તિવાળો પણ હતો. એને ત્યાં કયાં હિંદુ સરદારો પણ ન હતા ? પાટણ પ્રદેશમાંથી પણ એ નવા સરદારો, નવી રચના, નવી માયા ઊભી કરે તેવો હતો.

સોમનાથનો પરાજય કાંઈ હિસાબમાં નહીં, એવો એક નવો પરાજય ડોકિયાં કરી રહ્યો હતો. અને આ બધું છતાં આમાંથી જ રસ્તો કાઢ્યે છૂટકો હતો, બીજો કોઈ ઉપાય ન હતો.

એક આશાજનક સમાચાર એને મળ્યા હતા. ગર્જનકના સૈન્યમાં પણ આ વિષે મતભેદ હતો : એક પક્ષ આંહીં રહી જવામાં જોખમ જોતો હતો; બીજો પક્ષ આંહીં રહેવામાં, મહાન રાજની સ્થાપના જોતો હતો. સુલતાન બીજા પક્ષમાં હતો. અંગત થોડા સરદારો એમાં હા ભણતા હતા. હિંદુ સેનાપતિઓ એ મતમાં હતા. બીજા બધા સામે હતા.

દામોદરને કાંઈક આશા મળી. કદાચ સુલતાન જાય તો જાય.

રાસાયનિક નાગાર્જુને જ્યાં રહીને કોણ જાણે કેવી અશક્ય વસ્તુઓ સિદ્ધ કરી હશે ત્યાં અત્યારે પોતે રહેતો હતો. પણ ક્યાં એ ને ક્યાં પોતે ? એક દિવસ દામોદર મહેતો આંટા મારતો મારતો ગુફાની અંદર ફરી રહ્યો હતો. એની સામે એક નાનકડો દીપ જલતો હતો. એના મનમાં વિચારમાલા ફરતી હતી.

‘સુલતાન જાય,’ એ વિચાર કરી રહ્યો હતો, ‘પણ એ જ્યાં જ્યાં ગયો હતો, ત્યાં ત્યાંના રાયને તાબેદાર બનાવીને એ પાછો ફર્યો હતો. એની એ રાજનીતિ હતી. એનું શું ? આંહીં ગુજરાતનો ભીમદેવ તો અગ્નિ સોંસરવો નીકળે. જલનો સાગર પી જાય, વિષપાન કરે, યુદ્ધમાં મરી ખૂટે, પણ એ કોઈને વશ તો ન થાય તે ન જ થાય; નામનો પણ વશ ન થાય. એની સમક્ષ એવી વાત મૂકનારો માથું ખૂએ એટલે એ કલ્પના જ અશક્ય હતી. રાજા ભીમદેવ કાં રાજા રહે, ને કાં પ્રાણ ખૂએ. ત્રીજી કોઈ વાત એ ન કરે; કદાપિ પણ ન કરે.

‘બાકી રહી લડાઈની વાત. પણ એ તો કાં લાંબું બહારવટું ખેડવું પડે, કાં બધાને ભેગા કરવા પડે, અને એ કોઈ દિવસ શક્ય હતું ? એટલે મહારાજને પોતાને પોતાના જ પાટણ ઉપર લડાઈ લઈ જવી પડે તેવી વાત રહેતી હતી.

‘પણ હા... એક બીજી વાત હતી,’ દામોદરના મનમાં અચાનક એવી નવી જ વાત ઊઠી. તે અત્યંત ઉતાવળે ઘૂમવા મંડ્યો. તેનો વિચિત્ર દેખાતો પડછાયો પણ તેની સાથે જ ઘૂમી રહ્યો હતો. પણ એ કોઈ વસ્તુ તરફ તેનું ધ્યાન ન હતું. એને તો આ નવી વાતનું આકર્ષણ લાગ્યું હતું.

એટલામાં કોઈનો પગરવ કાને આવ્યો. તે ચાલતો અટકી ગયો. ‘કોણ ?’ તેણે મોટેથી બૂમ પાડી.

‘એ તો હું છું પ્રભુ ! હું વરહોજી !’

‘કેમ ?’

‘જયપાલજી આવ્યા છે !’

‘આવ્યા છે ? ક્યાં છે ? જલદી મોકલો !’

થોડી વારમાં જ એક બેઠી દડીનો રૂપાળો પણ મજબૂત માણસ ત્યાં દેખાયો. તેનો ચહેરો ઉગ્ર અને કડક જણાતો હતો. એની આંખમાં રતાશ હતી. સામાને ડારી નાખે એવી સચોટ છાપ એની મુખમુદ્રામાંથી ઊઠતી હતી. તેણે કેડે તલવાર લટકાવી હતી. તે આવીને ઊભો રહ્યો. દામોદર ફરતો અટકી ગયો.

‘જયપાલ ! ક્યારે હમણાં આવ્યો ?’

‘હા પ્રભુ ! ચાલ્યો આવું છું.’

‘તું સ્તમ્ભતીર્થમાં હતો એ તેં કહેવરાવ્યું પણ નહિ ? એ તો સારું થયું કે ગોગદેવ ચૌહાણ મળી ગયા. નહિતર મહારાજ પોતાના જોદ્ધાઓને પોતે શોધવા નીકળે એમ ?’

‘ના પ્રભુ ! એમ નથી. સ્તમ્ભતીર્થ હજી હું પહોંચ્યો જ થોડા દી પહેલાં. મારા મનને એમ હતું કે હું પણ કંથકોટ પહોંચું. ત્યાં તો કંથકોટ પડ્યાના ખબર આવ્યા !’

‘એમ થયું ? ત્યારે તો બરાબર. ગર્જનક કયે રસ્તે થઈને પાછો જવાનો છે ? સાંભરને રસ્તે શું સંભળાય છે ત્યાં ?’

‘પ્રભુ ! એ જવાનો જ નથી !’

‘જવાનો જ નથી ? કોણે કહ્યું ?

‘પાટણથી આવનારો દરેક સ્તમ્ભતીર્થમાં એ વાત કરે છે. એને ત્યાં હજી મતભેદ છે. સેનાપતિ, સરદારો, વજીરો કેટલાક સામે પડ્યા છે. પણ સુલતાન અહીં રહેવા માગે છે. એને આંહીં પાટણમાં એક લંકા વ્યાપી રાજનો સ્તંભ રોપવો છે ! કહે છે કે કેટલાક સરદારો ને હિંદુ સેનાપતિઓ, સુલતાનને રાખવા માગે છે ! પછી તો જે હોય તે.’

‘રાખવા માગે છે ? એવા કોણ ?’

‘એક તો છે તિલક નામનો !’

‘પેલો હજામ છે તે ?’

‘હા પ્રભુ ! પણ એ હજામ માત્ર સુલતાનના પગ સંભાળતો નથી. કાન પણ સંભાળે છે. સિપાહસાલાર મસૂદનો તો એ જમણો હાથ છે.’

‘અને બીજો ?’

‘બીજો સેવંતરાય નામે છે.’

‘એ શું કહે છે ?’

‘એ પણ એ જ. આંહીં ગુજરાતમાં લંકાનાં મોતી આવશે. દુનિયામાં જોટો ન જડે તેવા ગજરાજો આવશે. છેક લંકા, સુમાત્રા ને જાવાના ધનભંડાર આંહીં ઠલવાશે. આંહીં સમુદ્ર છે, સોનું છે. સુલતાનને આકાશ અડતા સોનાના થાંભલા પળે પળે નજરે પડે છે. એને સોનાનાં, રૂપાનાં, માણેકનાં, નીલમનાં, મોતીનાં, હીરાનાં સ્વપ્નાં આવે છે. એની ધનતૃષ્ણા એને આંહીં રાખશે, પ્રભુ ! મને તો એમ જણાય છે !’

દામોદર વિચાર કરી રહ્યો : ત્યારે તો પોતાને મળેલા સમાચાર સાચા જણાતા હતા.

તે પળ-બે પળ આંખો મીંચી ગયો.

થોડી વાર પછી એણે આંખ ઉઘાડી, ત્યારે એમાંથી એક નવો જ પ્રકાશ આવી રહ્યો હતો. તેણે જયપાલ સામે જોયું. જયપાલને પણ આ ફેરફાર નવાઈ પમાડી રહ્યો. તે કાંઈક પૂછવા જતો હતો ત્યાં દામોદર જ બોલ્યો : ‘જયપાલ ! ગર્જનકને આંહીં રહેવું હોય કે ન રહેવું હોય, પણ જે સમય હવે જાય છે, તે કટોકટીનો બનતો જાય છે. તારા ઉપર મહારાજ દુર્લભસેનના ચારે હાથ હતા એમ કહેવાય છે, તે સાચું ?’

જયપાલ વિચાર કરી રહ્યો. તેણે દામોદરની અગાધ ઊંડી નીતિ વિષે થોડું થોડું સાંભળ્યું હતું. આ પ્રશ્ન શા માટે હોઈ શકે એ એ કાંઈ સમજી શક્યો નહિ.

તેણે હાથ જોડ્યા : ‘હા પ્રભુ ! મહારાજને મારા માટે પ્રેમ હતો એ ખરું !’

‘ત્યારે તારે દુર્લભસેન મહારાજને મળવા જવાનું છે. જશે ના ?’

જયપાલ આભો બની ગયો. તે કાંઈ બોલ્યો નહિ.

‘કેમ કાંઈ બોલ્યો નહિ ?’

‘પ્રભુ ! હું વિચાર કરી રહ્યો હતો. દુર્લભસેન મહારાજ હવે છે ક્યાં ?’

‘કેમ, સાધુ મહારાજ દેવશીલ છે ને ? એ બેઠા શુક્લતીર્થમાં, નર્મદાકિનારે. એમણે ભારે તપશ્ચર્યા આદરી છે. પ્રભાતથી સાંજ સુધી એક જ ધૂન લાગી છે, સાચું ?’

‘એ તો સાચું છે, પ્રભુ !’

‘ત્યારે એ દેવશીલ સાધુ રાજ સંન્યાસીનું આપણે કામ છે. તારે જવાનું છે. બોલ, તું જશે ?’

‘પણ પ્રભુ ! એ તો હવે તદ્દન સાધુરાજ છે. સંન્યાસી જીવન ગાળે છે. હું જાઉં તો મને જયપાલ નામે પણ નહિ ઓળખાવે. દુનિયાની કોઈ જ વાત જાણે એ જાણતા નથી !’

‘એ ખરું. પણ આપણે તો એનું જ કામ પડ્યું છે. તું જવાની હા કહે, તો તારે જવાનું છે !’

જયપાલની નવાઈ વધતી ચાલી : ‘શું કામ છે, પ્રભુ ?’

‘કામ તો ગાંડાભાઈ ! પછી કહેવાશે. હમણાં તો મારી નજર તારા ઉપર છે. તેં કહ્યું, દર્લભસેન મહારાજને તારા ઉપર પ્રીતિ હતી, બોલ જઈશ ?’

‘જઈશ પ્રભુ ! પણ દુર્લભસેન મહારાજે જૂનું લેશ પણ નામનિશાન આ સંન્યસ્તમાં રાખ્યું નથી, એ સમજીને જ આપણે જવું રહ્યું. કહે છે કે એ કોઈને ઓળખતા પણ નથી. ઓળખે છે, પણ જાણે જાણતા જ નથી. પાટણને પણ ‘સરસતી નદી કા મોટા ડેરા’ કહે છે, પાટણ નહિ. એની પાસે જવાથી શું થશે ?’

‘થવાનું તો થયા જ કરશે, જયપાલ ! આ દુનિયામાં આપણું ધાર્યું ઘણું થાય છે, ને આપણું ન ધાર્યું પણ ઘણું થાય છે. તું હા કહે તો મારે પછી બીજાને ન કહેવું. બીજો કોઈ મારી નજરમાં આવતો નથી. હું પોતે જાઉં તો છે !’

જયપાલને કાંઈ સમજ પડી નહિ. વધારે બોલવાથી વધારે સમજ પડે તેવું પણ ન હતું. એટલે તેણે બે હાથ જોડીને માત્ર માથું નમાવ્યું : ‘હા પ્રભુ !’ એટલું જ એ બોલ્યો.

‘મને લાગતું જ હતું કે તું ના નહિ કહે. ઠીક, હવે હમણાં તો તું આરામ લે. કુમારપાલજીને મળ. સામેની બાજુએ ડાબે હાથે વળી જાજે. ત્રીજી ગુફામાં એમની પથારી છે. હું પછી તને બોલાવીશ.’

જયપાલ બે હાથ જોડીને ગયો. પણ સંન્યાસી થઈ બેઠેલા. એટલે સંસારને મનથી મૃત્યુ જ પામેલા, દેવશીલ સાધુ સંન્યાસીરાજને પોતાને શું કરવા મળવા જવાનું હશે, તે વાતની ગડ એને કોઈ રીતે બેસતી ન હતી.