Shivani books and stories free download online pdf in Gujarati

શિવાની

નવલિકા

શિવાની

સોનલ ગોસલીયા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


શિવાની

કમ ઓન શિવાની, ડોન્ટ બી સ્કેર્ડ. કેટલી મજા આવે છે દરિયામાં નહાવાની. ખળખળ આવતા મોજાં, જયારે પગને ચૂમીને જતા હોય ત્યારે એવો સુંવાળો અહેસાસ થાય છે. કયારેક સૌમ્ય તો ક્યારેક રૌદ્ર સ્વરૂપે હોય છે આ મોજાં, કુદરતનો આ નજારો જો નહી માણે તો જરૂર પસ્તાઇશ. મારો હાથ પકડી રાખજે, કાંઇ જ નહી થાય તને. સમજાવા પ્રયત્ન કરતો આસુતોષ એના ચહેરાના ગંભીર ભાવ વાંચી રહ્યો હતો. શિવાની ગભરાતા બોલી “ના આસુ રહેવા દે પ્લીઝ. તને ખબર છે ને કે નાનપણથી જ મને બિહામણાં સપના આવે છે હું દરિયામાં નહાવા ગઇ છું ને તણાઇ ગઇ. મને કોઇ બચાવી ન શક્યા. મારે હાથે કરીને મરવા નથી જવું.”

આસુ ખડખડાટ હસ્યો. “ગાંડી છે સાવ તું. આવા સપનાં તો ડરપોક લોકોને જ આવે. આવી રીતે ડરી ન જવાય. આ બધા આપણા ભ્રમ છે. આવાં સપનાં જો સાચાં પડતાં હોત તો આખી દુનિયાનો ગગનચુંબી વિકાસ થઇ ગયો હોત. મને તો હંમેશાં એવાં સપનાં આવે છે કે હું આલીશાન મહેલમાં રહું છું. મારી આસપાસ મારા ચમચાઓ ઊભા હોય. મોંઘીદાટ ગાડીઓમાં ફરૂં. વિગેરે વિગેરે...પણ ડીયર બંધ આંખે જોયેલા સપનાં, ખુલ્લી આંખે પૂરા કરવા આયોજન કરવું પડે છે. હિમ્મત કરી પુરૂષાર્થ કરવો પડે છે. ચાલ તું એક વાર દોસ્તી કરી લે દરિયા સાથે, ખૂબ મોજ કરાવશે તને ભીજવીને.” આસુના બહુ કહેવાથી શિવાની ગઇ તો ખરી પણ એના મનમાં ઊંડે ઊંડે જે ડર હતો એ એના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો. પાણીમાં પગ મૂકયો ને એ સ્પર્શ એને ખૂબ ગમ્યો. નાહકની ડરૂં છું. આસુ મારી સાથે છે પછી શા માટે ડરવાનું ? ધીમે ધીમે એનો ડર ઓછો થવા લાગ્યો, પછી તો ખૂબ મજા કરી દરિયાનાં વહેતા પાણીમાંંં. આસુ તો નવાઇ પામી ગયો. “મેડમ કયાં ગયો તમારો ડર ? નહોતું આવવું ને પાણી પાસે ?”

“આસુ,ખૂબ મજા આવે છે. જાણે ઉછળતાં મોજાં સાથે મનભરી લાડ કરી લઉં. હાશ, આજે મારો ડર ગયો.” “સારૂં સારૂં, હવે બહાર નીકળીએ, ખૂબ નાહ્યાં. હવે થોડો આરામ કરીને શોપીંગ કરવા જઇશું. કાલે ફરીથી આવીશું.” બન્ને હોટલ પર ગયા. નહાઇને ફ્રેશ થઇને સૂઇ ગયા. સાથે શોપીંંગમાં ગયા.

આસુ અને શિવાનીનાં પ્રેમલગ્ન. ખૂબ સુખી કુટુંબની સ્વરૂપવાન દીકરી. આસુનું કુટુંબ આર્થિક રીતે સામાન્ય. બન્નેએ ભાગીને લગ્ન કર્યા હતાં. ૬ મહિને શિવાનીના કુટુંબીજનોએ એ લોકોને સ્વીકાર્યા હતાં. પછી ગ્રાન્ડ રીસેપ્શન રાખ્યુ હતું. દીકરીને આસુ સાથે ખુશ જોઇ એ લોકોને મનમાં ઘણી રાહત થઇ. બધું ખૂબ સરસ થઇ ગયું. બન્ને ફેમીલીના ગાઢ સંબંધ બંધાઇ ગયા. વારે તહેવારે શિવાનીનાં સાસરીયાંને એનાં પિયરમાં જમવાનું આમંત્રણ અચૂક હોય. શિવાનીનાં સાસુ પણ ખૂબ હોંશીલા. વહુને દીકરીની જેમ રાખે. શિવાનીને પિયરની ખોટ ના સાલવા દે.

હનીમૂન કરવા જવા માટે હવે આ યુગલ માનસિક રીતે તણાવમુક્ત થયું. કયાં ફરવા જઇશું એ મૂંઝવણમાં બન્નેમાં તકરાર થઇ ગઇ. આસુનેે દરિયા કિનારો ગમે અને શિવાનીને પાણીથી સખત ડર લાગે. નાનપણથી આવતા બિહામણા સપનાં એને પાણીની નજીક ના જવા દે. કેટલાક જયોતિષીઓને બતાવી જોયું. કોઇ કહે પાણીની ઘાત છે, કોઇ કહે કે આવા સપનાં કેવળ મનનો ડર જ વધારે છે. છેવટે શિવાની માની ગઇ ને ગોવા જવાનું નક્કી થયું. આજે શિવાનીને મનમાં ખૂબ આનંદ થયો. હાશ, હવે આવા સપનાંથી ડરતી નહીં ફરુ. લાઇફને એન્જોય કરીશ, મારા આસુ સાથે. ખૂબ શોપીંગ કરીને પાછા ફર્યા, ડીનર કરી ડાન્સમાં જોડાયા. ખૂબ મોજમસ્તી કરીને પોતાની રૂમમાં ગયા. શિવાની એક એક ક્ષણ પોતાના હ્ય્દયમાં કેદ કરવા માંગતી હતી. આવી સુખદ પળો, મનભરીને માણી લઉં. સુુંંદર વિચારો સાથે મીઠી નિંદરમાં, સુંદર સંસારના સુંદર પળોની માળા ગૂંથવા લાગી. સવારે ઊઠી ત્યારે ખૂબ સ્વસ્થ અને પ્રસન્ન દેખાતી હતી. “આસુ, કાલે રાત્રે મે ખૂબ સરસ મજાનું સ્વપ્ન જોયું. હું પ્રેગનેન્ટ છું અને તું મને એટલું સાચવે છે કે મને મારી પોતાની ઇર્ષા આવે છે.” “વાહ મેડમ, આવાં સપનાં જોવાય. ચિયર્સ ફોર ધેટ ડ્રીમ.” કહીને શિવાનીને ભેટી પડયો.

ચા-નાસ્તો કરી નાહી-ધોઇ તૈયાર થઇ બન્ને સાઇટ સીઇંગ માટે નીકળ્યા. ખૂબ મજા કરી એક એક પળને મોજથી માણતા હતા. સાંજે બીચ પર ગયા. દરિયાકિનારે બેઠાં બેઠાં હાથમાં હાથ પરોવીને સુંદર ભવિષ્યનાં સપના જોતાં વાતો કરતાં દરિયાનું ખૂબસુરત દૃશ્ય માણતા હતા. બન્નેને પાછુ નાહવાનું મન થઇ આવ્યું. દરિયામાં ઘણાં બધાં યુગલો મસ્તી કરતાં, પાણીમાં ડુબકી મારતાં મારતાં નાહતાં હતાં, કોઇક ફોટા પાડે, તો કોઇક છબછબીયાં કરે, તો કોઇ સ્વીમીંગ કરે. શિવાની કિનારે જ નહાવા લાગી. આસુ થોડો અંદર ગયો. “આવો મેડમ, આટલા દૂર ના ઊભા રહો. પાણી બહુ ઊંડુ નથી.” આસુએ કહ્યુ. શિવાની તરત જ આસુ પાસે જતી રહી. જરાય ડર્યા વિના ખૂબ મજાથી નહાવા લાગી. છબછબીયાં કરતાં કરતાં આસુ પર પાણી ઉડાડવાની મજા પડતી એને. આસુ એનો એક હાથ પકડી રાખતો જેથી શિવાનીને હિમ્મત આવે. આસુનો પગ પથ્થર સાથે અથડાયો. એક ચીસ નીકળતાં જ એનો હાથ છૂટી ગયો શિવાનીના હાથમાંથી. શિવાની ડરી ગઇ કે આસુ ને શું થયું ? હજુ આસુ એનો હાથ પકડે એ પહેલાં જોરદાર આવતાં મોજાં સાથે શિવાની તણાવવા લાગી. આસુ બૂમાબૂમ કરે. શિવાનીની ચીસોથી બધા વ્યક્તિઓ ડઘાઇ ગયા. આસુને સ્વીમીંગ ના આવડે.

હેલ્પ, હેલ્પની બૂમો સાંભળી એક યુવકે ડૂબતી શિવાનીને બચાવવાની કોશીશ કરી પણ આવા વિશાળ દરિયાના તોફાની મોજા એને કયાં ખેંચી ગયા એ ખબર ના પડી. બે કલાકની મહેનત પછી એ યુવક શિવાનીને બહાર કાઢી લાવ્યો. આસુ તો નિઃશબ્દ બની ગયો. એટલો ઘેરો શોક લાગ્યો એને કે ગાંડાઘેલાં કરવા લાગ્યો. શિવાનીના શરીરમાં પાણી ભરાઇ ગયા હતા. ટુરીસ્ટમાં એક ડોક્ટર હતો, એણે શિવાનીને ડેડ જાહેર કરી. માતમ છવાઇ ગયો. આસુનું હૈયાફાટ રૂદન જાણે ઇશ્વરને પણ ધ્રુજાવી નાખે. શિવાનીને ચૂમીને આસુ બોલ્યો “હું જ તારો ખૂની છું. તારૂં એ સપનુ સાચું હતું, તને ઇશ્વરે સંકેત આપ્યો હતો કે પાણીથી દૂર રહેજે. હું તારો ભ્રમ તોડવા તને બળજબરી લઇ આવ્યો દરિયામાં. હું તારો ગુનેગાર છું. આ ગીલ્ટ સાથે હું કેવી રીતે જીવીશ ? બધાં આસુને આશ્વાસન આપવા લાગ્યા. આસુ પાસેથી ઘરનો નંબર લઇને ઘરે આ ઘટનાની જાણ કરી. વલોપાત કરતાં એના માતા-પિતા ઘટનાસ્થળે પહોંચી ગયા. આસુ એમને ભેટીને રડવા લાગ્યો. આસુની સામે લાચાર નજરે જોવા લાગ્યા. મારી દીકરીને પાણીથી ખૂબ ડર લાગતો હતો. આસુ, તમે સામેથી એને મોત પાસે લઇ આવ્યા ? કુદરત કયારેક આપણને અમુક સંકેત આપતા હોય છે. મારી દીકરી ખૂબ ભોળી હતી. ઇશ્વરમાં અતૂટ શ્રધ્ધા રાખતી. મારી વહાલીને ઇશ્વરે નાનપણથી જ પાણીથી દૂર રહેવાનો સંકેત આપી દીધો હતો. તમે લોકો અહીંંંયા ફરવા આવ્યા ત્યારથી જ મારૂ મન ગભરાતું હતું. અંદર ને અંદર જીવ બળ્યા કરતો હતો. અંતે આવા સમાચાર મળ્યા.

આસુની હાલત તો એવી કફોડી હતી કે કશું જ બોલ્યા વગર રડ્યા જ કરે. બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી. પી.એમ.ના રીપોર્ટ પ્રમાણે શિવાનીને ૨ માસની પ્રેગનેન્સી હતી. અરે રે આ શું થયું? શિવાનીનું આ સપનું પણ સાચું પડ્યું? જયારે વસંતની મોસમમાં પૂરબહાર આનંદ માણવાનો વખત આવ્યો ત્યાં જ મારૂં બધું છીનવાઇ ગયું ? બધા શિવાનીના મૃતદેહ લઇને મુંબઇ પાછા ફર્યા. આવો કાળો કેર, અસહ્ય્ય દર્દ દુઃખની સીમા વીંધીને હ્ય્દય સોસરું નીકળી જાય છે. અગ્નિસંસ્કાર વેળાએ પિતાના કરૂણ રૂદનથી જાણે સમગ્ર વાતાવરણ શોકમય બની ગયું. આસુની તો જાણે દુનિયા ઉજડી ગઇ વસતાં પહેલાં.

આજે એને એની આ જીદ એની વ્હાલી પત્ની શિવાની અને એના આવનાર બાળકથી દૂર લઇ ગઇ. લોકો થોડા દિવસ શોક મનાવશે. મારી તો આખી જિંદગી શોકમય થઇ ગઇ. આ ડંખ સાથે જિંદગી જેમતેમ જીવી લઇશ ને જલ્દી જલ્દી મારી શિવાની પાસે જતો રહીશ...

દયા ના આવી એ સમુદ્રને મારા પર....?

મારી વ્હાલીની લાશ મૂકી દીધી કિનારા પર.

બરબાદ કર્યો મને, ના રહી મારી હસ્તી,

આંખથી ઓઝલ નથી થતી પ્રેમભરી એ મસ્તી.

લોકો કહે છે સમુદ્ર કહેવાય દરિયા દિલ,

સમાવી લીધી મારી જાનને બની જે સંગદીલ.

આપી કિસ્મતમાં મારી વિરાની,

લઇને મારી વહાલી સાથે મારા પ્રેમની નિશાની.

લોકોમાં કોણ જાણે કયો ગુનો વસી ગયો,

રૂંવે રૂંવે છે કમકમાટી આવા ગુનામય વિરાની.

વાહ...વાહ... રે કુદરત કેવી તારી કરામત,

દિલ તૂટ્યું પણ હું અભાગિયો રહ્યો સલામત.