Behni ane viro vahal no dariyo books and stories free download online pdf in Gujarati

બહેની અને વિરોઃ વહાલનો દરિયો

નવલિકા

બહેની અને વીરો : વહાલનો દરિયો

સોનલ ગોસલીયા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


“બહેની અને વીરો : વહાલનો દરિયો”

લીલાંછમ વૃક્ષોની હારમાળા. મઘમઘતાં ફૂલોથી શોભતી ઘાટીઓ. ઉછળતાં ખળ ખળ વહેતાં ઝરણાં. પ્રકૃતિએ જાણે સોળે શણગાર સજ્યા હતા. ઠંડો બરફીલો પવન શરીરને એક ચુંબકીય સ્પર્શ આપી જતો. એક અજબ અનુભૂતિ થતી આ સ્પર્શથી. વિહા...સુંદર, નાજુક અને અત્યંત હસમુખી ૧૮ વર્ષની યુવાન છોકરી. પ્રકૃતિના રૂપનો જાદુ એના તનમન પર છવાઈ ગયો હચો. એને બે હાથ ખોલી દુનિયાને બાથમાં ભરી લેવી હતી.

“વિહા... વિહા... ક્યાં ખોવાઈ ગઈ મારી દીકુ?” નિશીથ વહાલભર્યા છણકે બોલ્યો.

“ભૈયા.. અહીંયા તો છું બાલ્કનીમાં. તમે બેસાડીને ગયા ત્યાંની ત્યાં છું.”

“શું કરતી હતી દીકુ ?”

“ભૈયા, મનભરીને સૃષ્ટિને માણતી હતી. લીલાંછમ વૃક્ષો સાથે વાતો કરતી હતી. ખળખળતાં ઝરણાંનો મધુર રણકાર સાંભળતી હતી. દૂર દેખાતા પહાડોને નિહાળતી હતી. આવી ગજબની સુંદરતાને આંખોમાં ભરી મનમાં વસાવી લીધી. ભૈયા તમને થેન્ક્સ તો નહીં કહું, પણ જીવનભર તમારી આભારી તો રહીશ જ. મારા જેવી અપંગ બહેનને આવી સુંદર જગ્યાએ કેટલી માવજતથી લાવ્યા. નાનપણથી પહાડ, બરફીલી ઘાટીઓ, ઝરણાં જોવા તલસતી આ બહેનનું આજે સપનું પૂરું કર્યું તમે. હું આજે બહુ ખુશ છું ભૈયા. આવી ખાબડખૂબડવાળી જગ્યાએ મને લઈ આવવાની પપ્પા-મમ્મીની તો હિંમત જ નહોતી. તમે હિંમત કરીને આજે હું આ દૃષ્યો જોવા પામી.”

“ચાલ, ચૂપ થઈ જા. સાવ ગાંડી જ છે. મારી દીકુ માટે હું આટલું પણ ના કરું ? હું તારો મોટો ભાઈ છું. મારા માટે તારાથી વિશેષ કંઈ જ નથી. ચાલ, હવે નીચે રેસ્ટોરન્ટમાં જઈએ. મમ્મી-પપ્પા ત્યાં જ બેઠા છે ને આપણી રાહ જુએ છે.”

નિશીથ વિહાની વ્હીલચેર ચલાવવા લાગ્યો. વિહાએ એનો હાથ ચૂમી લીધો. “ભૈયા, ભગવાન તમને જીવનનાં તમામ સુખો આપે. આવો ભાઈ નસીબવાળી બહેનને જ મળે. પરભવમાં પાપ કરતાં પાછું વાળીને મેં જરૂર જોયું હશે. ત્યારે તો અપંગ હોવા છતાં દુનિયાની બધી જ ખુશીઓ મારા ખોળામાં મૂકો છો તમે ભૈયા.” નિશીથની આંખમાં આંસુ આવી ગયાં. એના માટે દીકુ હાર્દ અને પ્રાણ હતી. એની એક મુસ્કાન માટે એ કંઈ પણ કરી શકે છે. એને મનોમન આજે ખૂબ આનંદ હતો. પોતાના વહાલસોઈ દીકુને મનાલીની ટોચ પર લઈ આવ્યો હતો. એ મનોમન નિસાસા પણ નાખતો હતો.... વાહ રે કુદરત ! તારામાં દયા જ નથી. આવી સુંદર, દેખાવડી અને પ્રેમાળ છોકરીને પથારી પકડાવી દીધી ! આ ઉંમરે છોકરીઓ ઉછળકૂદ કરતી, બહેનપણીઓ સાથે હરે ફરે ને મારી દીકુને વ્હીલચેરમાં ફરવાનું ? મમ્મીએ તો એની યુવાની આ દીકરીની ચાકરીમાં જ કાઢી નાખી. એ પણ તનમનથી. વાહ મમ્મી, તને સલામ.

રેસ્ટોરન્ટમાં દાખલ થતાં જ રસોઈની સોડમ આવવા લાગી. બધાંએ ભરપેટ ભોજન કર્યું. ત્યારબાદ બધા લોન્જમાં બેઠાં બેઠાં ગપ્પાં મારવા લાગ્યા. બહારનું તાપમાન નીચું જતું હતું. ઠંડી વધી રહી હતી. બધાં ઉપર રૂમમાં આવ્યા. નિશીથે વિહાને ઊંચકીને પલંગ પર સૂવડાવી. “મમ્મી, તું પણ થાકી ગઈ હોઈશ. દીકુની બાજુમાં સૂઈ જા. અને હા, તારી દવા પહેલાં લઈ લેજે. તારે તો સાજા રહેવું જ પડશે ને?” મમ્મી દીકરાની આવી કાળજીથી ગર્વ અનુભવતી હતી. આ જમાનામાં આવો દીકરો ! “હું તો આ સંસારની લીલી વાડીને આવજો કરી ક્યારેય જતી રહીશ. ત્યારે મારા આ દીકરા પર દીકુનો પૂરેપૂરો ભાર આવી જશે. સદાય એને હિંમત આપજે પ્રભુ.” દીકુને પંપાળતાં મમ્મીને ક્યારે નિંદર આવી ગઈ એ ખબર જ ના પડી. પણ દીકુને આજે ઊંઘ નહોતી આવતી. એ ભાઈને અપલક જોયા કરતી હતી. નિશીથ લેપટોપ પર કંઈ કામ કરી રહ્યો હતો. વિહા ભૂતકાળના દિવસો વાગોળવા લાગી. હેતાલી... ભૈયાની ગર્લફ્રેન્ડ...પરી જેવી સુંદર અને અત્યંત નટખટ ! “સ્વીટ કપલ” એમને માટે યોગ્ય વિશેષણ કહેવાય. ભૈયા એને અનહદ પ્રેમ કરતા હતા. હેતાલીની ચંચળતા ભૈયાને અતિ વહાલી હતી. મેડ ફોર ઇચઅધર ! રંગીન પતંંગિયા જેવું યુગલ. હેતાલી આમ તો ખૂબ સમજુ પણ ક્યારેક અમારો ભાઈ-બહેનનો પ્રેમ એને ખટકતો. જે રીતે ભાઈ મારી કાળજી લે, મને ઊંચકીને સૂવડાવે, ફરવા લઈ જાય એ એનાથી સહન ના થાય.

એક વાર એણે કહ્યું, “નિશુ, એક વાત કહું? તારે જમાના સાથે કદમ મિલાવતાં શીખવું જોઈએ એવું તને નથી લાગતું?”

“હેત, તું શું કહેવા માંગે છે, પ્લીઝ જરા ચોખવટ કર ને.”

“જો નિશુ, ભોળા બનવાનું નાટક ના કર. વિહા અપંગ છે. તારી ફરજ છે એને સાચવવાની, એ બધી વાત સાચી પણ હવે એ યુવાન થઈ રહી છે. તું આટલી મોટી છોકરીને આમ ઊંચકે એ યોગ્ય ના કહેવાય. તારે એને માટે એક આયા રાખી લેવી જોઈએ.”

“ઓહ, શટ અપ હેત, એ મારી બહેન છે. ધાર કે એની જગ્યાએ મારી દીકરી હોત તો હું એની સેવા ના કરત? ”

“ઓહ, પ્લીઝ નિશુ, ડોન્ટ બી ઓવરએક્ટીવ. જીવનની સચ્ચાઈથી ભાગતો ના ફર. ક્યાં સુધી એને સાચવીશ હેં ? ક્યારેક તો તારો સંસાર માંડીશને ? તારું ફેમિલી પણ તારો પ્રેમ અને સમય માગશે. ક્યાં ક્યાં પહોંચી વળીશ તું?”

“ગાંડીઘેલી વાત ના કર, હેત. જે સંબંધ ભવિષ્યમાં બંધાવવાના છે તેના માટે વર્તમાનના અણમોલ સંબંધમાં શા માટે આગ ચાંપુ? હું એવો સ્વાર્થી નથી, સમજી.”

ર્“ંર,ર્ ં.દ્ભ. ્‌રીહ ઙ્મૈજીંહ ર્ં દ્બઅ ઙ્ઘીષ્ઠૈર્જૈહ, નિશુ. હું તારી સાથે લગ્ન નહીં કરી શકું. મારો પતિ એની અપંગ બહેન ને ઘરડાં માબાપની સેવામાં રચ્યોપચ્યો રહે એ મને ના પોષાય.”

“વાહ હેત વાહ ! શું તારા વિચારો છે ! સ્વપ્નની દુનિયામાં માણસો ઘેલા બની જાય છે. ક્યારેય વિચારતા નથી કે બધું ઇશ્વરના હાથમાં છે. આનંદના તેમ જ દુઃખના દિવસોમાં એકસરખો સાથ આપનાર જ સાથી કહેવાય છે.મારે તારામાં એક સાથી, એક સખી, એક પત્ની, એક પ્રિયતમા જોવી હતી. આટલેથી જ તેં મોંઢું ફેરવી લીધું ?સારૂં થયું મને અત્યારે જ ખબર પડી ગઈ. લગ્ન પછી મારી હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થાત ને !”

વિહા સૂતાં સૂતાં રડતી હતી. એ ભૂતકાળની વાત એને કદીય ભૂલાતી ન હતી. વિહા રડતાં રડતાં પડખું ફરી. જોયું તો ભાઈ એના કામમાં વ્યસ્ત હતો. મારા કારણે મારા ભાઈની આ હાલત છે. આ વાતને સાત વર્ષ વીતી ગયાં, પણ ભાઈ હજુ હેતાલીને એટલું જ ચાહે છે. આજે પણ એની તસવીર પોતાના વોલેટમાં રાખે છે. ભાઈ જેવા ખૂબ ઓછા લોકો દરેક સંબંધને પૂરી લાગણીથી નિભાવી જાણે છે. વિચારોમાં ક્યારે આંખ મિંચાઈ ગઈ એને ખબર જ ના રહી. સવારે ઉઠતાંવેંત જ બારીમાંથી ખૂબસૂરત દૃશ્ય માણતાં તનમનમાં તાજગી આવી ગઈ. મમ્મીએ વહાલ કરતાં બે ચૂમી ભરી લીધી. પપ્પા દીકરીને લાડ કરતાં કરતાં ખૂબ લાગણીથી જોતા રહ્યા. મનોમન બોલ્યા, “આ ફૂલ જેવી દીકરીના પણ ઘણાં અરમાન હશે. કોઈ સપનાંનો રાજકુમાર એના હૃદયમાં પણ હશે. આ છોકરીની જિંદગી શું ? બસ વ્હીલચેરમાં જ જીવન વિતાવવાનું? શું નથી કર્યું એના પગના ઈલાજ માટે ? લોકો કહે છે કે સાયન્સ ખૂબ આગળ વધ્યું છે. પણ મને તો અહીંયાથી જ અટકી ગયું હોય એવું લાગે છે. ”

“ચાલો, બધાં ફટાફટ તૈયાર થઈ જાવ, સાઈટસીઈંગ માટે જવાનું છે.” કહેતાં નિશીથ નહાવા ગયો. વારાફરતી બધાં તૈયાર થઈ ગયા. સરસ મજાનાં દૃશ્યો જોતાં જોતાં બધાં ટુરિસ્ટો આનંદ અને ગમ્મત કરતાં સફર કરતા હતા. બસ એક સરસ મજાના ધોધ પાસે રોકાઈ. બધઆં ઊતરવા લાગ્યા. નિશીથે વિહાને ઊંચકીને ઊતારીને ફોલ્ડીંગ વ્હીલચેરમાં બેસાડી. બીજા મુસાફરો ભાઈ-બહેનનો આવો પ્રેમ જોઈ દંગ થઈ ગયા. વિહા આનંદવિભોર બની ગઈ. ધોધને આટલા નજીકથી એ માણશે એ કલ્પનાથી જ એ ઝૂમી ઊઠી. નિશીથ એની વ્હીલચેરને ધોધ પાસે લઈ ગયો. પાણીના છાંટા એને ભીંજવતા હતા. દીકુને ખુશ જોઈ નિશીથ મનોમન બોલી ઊઠ્યો, “મારી મહેનત ફળી. હું એને લઈને આવ્યો ત્યારે ખબર ન હતી કે કુદરતના રૂપ પર એ આટલી ફિદા થઈ જશે.” બીજી બાજુ દીકુ મનોમન બોલી, “આ મારો ભાઈ મારા કારણે એની જિંદગીની ફિકર નથી કરતો. હું હોઈશ ત્યાં સુધી એનો સંસાર નહીં મંડાય. આટલો મોટો ધોધ છે, કુદીશ તો ક્યાંય તણાઈ જઈશ. પણ આ રેલીંગ મને કોણ ઓળંગાવશે ? મારી અપંગતા મને મરવા માટે પણ સાથ નથી આપતી.” આજે એને જીવન ખતમ કરવાના જ વિચારો આવતા હતા. “કોને કહું ? કોઈ આમાં મારી મદદ કરશે? ભાઈ જાણશે તો અધમૂઓ થઈ જશે. હે ઇશ્વર, મારી મદદ કર.” નિશીથે એને તેડી લીધી. ખૂબ નજીક રેલીંગ પાસે લઈ ગયો. ધોધનું પાણી હવા સાથે તાલ મિલાવતું હતું.

“બસ જોઈ લીધો ધોધને ? ખુશ ને?”

“ભૈયા, મારે રેલીંગ પર બેસવું છે.”

“ગાંડી થઈ ગઈ છે? મોતના સિંહાસન પર બેસવું છે? ચાલ હવે, બેસ તારી ફરારીમાં.” નિશીથે એને એની ફરારી (વ્હીલચેર)માં બેસાડી અને આગળ વધ્યો. ત્યાં કોઈએ નિશીથના ખભે હાથ મૂક્યો. પાછળ ફરીને જોયું તો ચોંકી ગયો.

“અરે હેતાલી! તું અહીંયા?”

“હા, નિશુ, હું આટલાં વર્ષોમાં પહેલીવાર મારા બાળકને લઈને બહાર નીકળી છું.”

“ઓહ! આ તારો દીકરો છે ? તારા જેવો જ સુંદર છે.”

“હા, નિશુ. ખૂબ સુંદર છે. મને અતિ વહાલો છે. પણ કુદરતે મને મારા શબ્દો જ મને પાછા આપ્યા છે. નીલને પોલીયો છે. ૪ વર્ષની ઉંમરે પણ એને તેડીને ફરવો પડે છે. ક્યારેક વ્હીલચેરમાં ફેરવું, પણ મમ્મા જ તેડી રાખે એવી જીદ પકડે છે. આયા રાખી હતી, પણ એને મમ્મા જ જોઈએ. અને મને એને રડાવવો જરાય ના પરવડે. મારી આંખનું રતન છે.”

“ઓહ માય ગોડ ! હેત, આવું તારી સાથે કેમ બન્યું ? ઇશ્વર નિર્દય તો છે જ, પણ હિંમત રાખીન ખૂબ સરસ રીતે ઉછેરજે નીલને. લાચારી માણસને ડિપ્રેશનમાં લાવી દે છે. પછી એ બોજ સમજવા લાગે છે પોતાને. અને હેત, તારૂં દર્દ મારાથી વિશેષ કોણ સમજી શકે?”

“હા, નિશુ. મને હવે ખબર પડે છે કે પોતાની વ્યક્તિની પીડાથી આપણું મન ઘવાય છે.”

“તારા પતિ ક્યાં છે ? કેમ દેખાતા નથી?”

“નિશુ, એ બે વર્ષ પહેલાં કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા.” આટલું બોલતાં હેતાલી ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડી.

“ઓહ નો ! આટલું બધું દુઃખ મારી હેતને જ મળ્યું ? કુદરત, તારામાં સહેજ પણ દયા નથી ?”

વિહા પણ આંસુ વહાવી રહી. મમ્મી-પપ્પા હેતાલીના માથે હાથ મૂકી દિલાસો આપવા લાગ્યા. નિશુ વાતાવરણને આનંદિત બનાવવા વાત બદલવા લાગ્યો.

“ચાલો, બધાં કોફી પીએ. છોટુ, તને શું ભાવે ?”

“અંકલ, મારૂં નામ નીલ છે. પણ છોટુ કહેશો તો ચાલશે.”

“અરે વાહ, બહુ સ્માર્ટ દીકરો છે.”

“હા નિશુ, ભણવામાં ખૂબ હોંશિયાર છે. બોલવામાં તો ઉંમર કરતા ંઘણો આગળ છે.”

હેતાલી વિહા પાસે બેઠી. એને વહાલ કરતાં બોલી, “કેમ છે દીકુ ? મને માફ કરી દે, હું તારા માટે જેમતેમ બોલી હતી.”

“બસ, બસ. હેતાલી, તમે હવે ભૂતકાળ ભૂલી જાવ. તમારો દીકરો બહુ મીઠડો છે. ”

“હા, તારા જેવો જ.” બધાં હસી પડ્યા.

કોફી પીને સૌ છૂટા પડ્યા. એે રાત્રે નિશુને ઊંઘ ના આવી. પડખાં ફરવામાં રાત વિતાવી. એના મગજમાંથી આજની મુલાકાત જતી ન હતી. “ખૂબ સુખી થા” એવા આશીર્વાદ આપ્યા હતા મેં મારી હેતને ! આવા શ્રાપ તો નહોતા આપ્યા. આટલી નાની વયે વિધવા થઈ ગઈ ? પરોઢિયે આંખ મિંચાઈ. ઊઠ્યો ત્યારે પપ્પા, મમ્મી ને દીકુ એની પાસે તૈયાર થયેલા ઊભા હતા. “બાપ રે ૧૦ વાગી ગયા. આપણે ટ્‌્રેન પકડવાની છે. સોરી સોરી, પપ્પા, ખૂબ મોડું થઈ ગયું.”

“ના ના, દીકરા, હજુ જરાય મોડું નથી થયું. જાગ્યો ત્યારથી જ સવાર ગણાય, બેટા.” પપ્પા એના માથે હાથ પંપાળતાં બોલ્યા, “દીકરા, તું હેતાલીને અપનાવી લે. આજે એની આ હાલત જોઈને તું કેટલો દુઃખી થયો એ અમે સમજી ગયા. હજુ પણ તારા હૃદયમાં કુણી લાગણી છે એના માટે. તું તારી દીકુને સાચવતો હતો. હવે બંને મળીને દીકુ અને નીલને સાચવજો.”

“ના ના પપ્પા. હેતાલીની મંજૂરી વગર હું એક કદમ પણ એની તરફ આગળ ના વધું.”

“બેટા, અમે હેતાલીને ફોન કરીને સવારે બોલાવી લીધી છે. ફોન પર સઘળી વાત કરી, અમારી પ્રસ્તાવનાનો જવાબ એણે હામાં આપ્યો છે. બોલ, હવે તને મંજૂર છે ?”

વિહા ભાઈને હાથ જોડી કહેવા લાગી, “ભૈયા, તમે જેને જીવથી પણ વધુ પ્રેમ કરો છો, એને ઇશ્વરે ફરીથી તમારી જિંદગીમાં સ્થાન આપ્યું છે. નહીંતર આમ અચાનક તમારી હેત તમને ક્યાંથી મળત? અપનાવી લો ભાભીને!”

નિશીથે કહ્યું, “પપ્પા, તમે જાણો છો ને કે મારા જીવનમાં દરેક સંબંધને હું સાચા હૃદયથી નિભાવું છું. હું મનોમન ફક્ત હેતને જ ચાહતો હતો અને ચાહું છું. જેને આટલું ચાહીએ એની સ્વીકૃતિ મળે, તો એના જેટલો નસીબદાર કોઈ હેાઈ શકે?”

દીકુ તાળીઓ પાડીને ઝૂમી ઊઠી. એનું મન આજે હિલ્લોળાં લેતું હતું. “મારો ભાઈ દુનિયાનો સર્વશ્રેષ્ઠ ભાઈ છે. આજે એની ખુશીમાં મને જે આનંદ મળે છે, એ કદાચ હું નાચું, ગાઉં કે કૂદકા મારું તો પણ વ્યક્ત નહીં કરી શકું. હે ઈશ્વર,મારી નીત નીતની તારી સાથેની લડાઈમાં હું ફક્ત અને ફક્ત મારા ભૈયાની ખુશી માંગતી હતી. ક્યારેક વિનંતી કરતી તો ક્યારેક તારી સાથે ઝઘડતી. આજે ઇશ્વર તેં મારી દરેક પ્રાર્થના અને ઝઘડાનો અંત લાવી દીધો. મારા ભૈયાનો ઘરસંસાર મંડાશે. એનો પ્રેમ એને પાછો મળી ગયો.” એની આંખમાંથી હર્ષનાં આંસુ સરી પડ્યાં.

“ઓ મારી દીકુ, હું જાણું છું, આજે તું જેટલી ખુશ છે એટલો કદાચ હું પણ નહીં હોઉં. મારી લાડલી, તારો અને મારો પ્રેમ દરેક ભાઈબહેન માટે પ્રેરણારૂપ હશે.”

બંને એકમેકને ભેટીને રડી પડ્યા. પપ્પા હેતાલી અને નીલને લઈ આવ્યા. નીલને તેડીને ઊભેલી હેતની પાસે જઈને નીલને એના હાથમાંથી લઈ લીધો. એના મસ્તકને ચૂમીને કહ્યું, “ચલો બેટા, દાદા-દાદી ને ફોઈને પ્રણામ કરો. આજથી તું મમ્મીનો નહીં પણ પપ્પાનો દીકો.”

નાનકડો નીલ ટગરટગર બધાંને જોઈ રહ્યો. હેતને ઈશારાથી પાસે બોલાવી, બંનેના ખભે હાથ રાખીને બોલ્યો, “અને યાર, હું તમારા બંનેનો દીકો.” બધાં હસી પડ્યાં.

“કોણ છે પારકાં ને કોણ પોતીકાં

જીવનપથ પર ઘોર અંધકાર છે.

કડવા અનુભવ બતાવે સ્વાર્થના રસ્તા

બાકી જ્યાં નવી કૂંપળો ફૂટે, ત્યાં લીલાં પાન છે.”