Chitra books and stories free download online pdf in Gujarati

ચિત્રા

નવલિકા

ચિત્રા

સોનલ ગોસલીયા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


“ચિત્રા”

વૈદિક વિધિના મંગલમય મંત્રોચ્ચાર સાથે સાવી અને કમલનાં લગ્ન શરૂ થયાં. મહેમાનો ઠાઠમાઠથી તૈયાર થઈને આવ્યા હતા. સાવી તો રૂપરૂપનો અંબાર લાગતી હતી. કમલ ત્રાંસી નજરે વારંવાર એને જોયા કરતો. આવું રૂપ ? મારી સ્વપ્નપરી આજે મારી જીવનસંંગિની બની ગઈ. કન્યાદાન દેતાં માબાપ વારંવાર આંખના ભીના ખૂણા લૂછતા હતા. લગ્નવિધિ પતી ગઈ ને સાવી કમલ સદાય માટે એક થઈ ગયા.જમણવાર પછી કન્યાવિદાયની વસમી વેળા આવી. વિદાયગીત ગાતી સ્ત્રીઓના અવાજ તરડાઈ ગયા, એમાં ડૂસકાં ભળ્યાં. વાતાવરણ જાણે ગમગીન બની ગયું. સાવીની આંખમાં આંસુની ધાર વહેતી હતી. દૂર ઊભેલી પોતાની મોટી બહેનને નિહાળ્યા કરતી, દોડીને ચિત્રાદીદીને વળગી પડી. “ દીદી, અજાણતાં મારાથી તમને કંઈક આડુંઅવળું બોલાઈ ગયું હોય તો મોટું મન રાખીને માફ કરી દેજો. તમે આમ એકલાં એકલાં ખૂણામાં શા માટે ઊભા છો ? તમે ખૂબ ખૂબ સુંદર છો. તમને જે સુંદર આંખ એક વાર પારખી જશે એ તમારો ગુલામ બની જશે. દીદી, તમે કેમ પોતાની જાત પર અત્યાચાર કરો છો. દાઝી ગયેલું શરીર છે, તો પીડા આત્માને આપો છો. ” હાથ પકડી ચિત્રાને પોતાની સાથે લઈ આવી. ચિત્રા એને વહાલથી ભેટી પડી. “મારી નાની બહેની ખૂબ ડાહી થઈ ગઈ છે. ખૂબ સુખી થા ને દુનિયાભરની ખુશીઓ તારા ચરણોમાં રમે એવી આ દીદીની તને શુભેચ્છા છે મારી લાડલી.” મા-બાપ તો ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યા. ઉંબરો ઓળંગી બહાર પગ મૂકવાનું ટાણું આવ્યું ત્યારે સાવી આગળ વધી ન શકી. એના ચરણોનું ચેતન જાણે હણાઈ ગયું. “બેના,” આંખનાં આંસુ લૂછતાં ચિત્રા બોલી,“હસતાં રમતાં અગણિત વાર ઠેકી નાખેલો આ ઉંબરો આજે પહાડ જેવડો લાગે છે ને? પણ આજે તો એને ઓળંગવો જ રહ્યો. ચાલ, હસતાં મોઢે જા તો. મમ્મી-પપ્પા સામે એક પ્યારું સ્મિત આપી દે બેના. એમનું મન ઘડીક તો જંપશે. ” સાવી મમ્મીપપ્પાને એવી તો વળગી પડી ને એટલી રડી કે થોડી વાર સુધી કોઈએ એમને જુદા ના પાડ્યા. છેવટે સાવીને ગાડીમાં બેસાડી ચિત્રાએ હસતા મોઢે એને વિદાય કરી. દીકરીની વિદાય પછીની વેદના તો એક દીકરીના માતાપિતા જ સમજી શકે.

ચિત્રા નાનપણમાં અત્યંત રૂપાળી, સુંદર, નમણી પરી જેવી લાગતી હતી. બહાર લઈ જવામાં પણ માબાપને ડર લાગતો. વારંવાર નજર લાગી જતી અને માંદી પડી જતી. સ્કૂલમાં દરેક પ્રવૃત્તિમાં મોખરે રહેતી ચિત્રા ખૂબ સમજુ અને હસમુખી. બધાંને પરાણે વહાલી લાગે. બોલે તો જાણે ફુલડાં ખરે. સાવી એટલી જ ભદ્દી, બેડોળ, આળસુ. મમ્મી સદાય ચિંતીત રહે. મોટી આવી ડાહી સમજુ અને નાની સાવ અણઘડ જેવી. ચિત્રા મમ્મીને દરેક કામમાં મદદ કરતી. સાવીનું ધ્યાન રાખે. એને ભણાવે. ઘસી ઘસીને નવડાવે. બંને બહેનો વચ્ચે બાર વષર્નું અંતર. ચિત્રાને સાવી જીવથી વધારે વહાલી. સાવી સ્કૂલેથી આવે એટલે ચિત્રા એનાં કપડાં, બૂટ ઠેકાણે મૂકી દે. મમ્મી સૂઈ ગઈ હોય તો એને કોળિયા ભરાવી જમાડી પણ દે. ચિત્રા પપ્પાની અત્યંત લાડકી ને સાવી મમ્મીની. ખૂબ મઝા કરતો આ પરિવાર. ક્યારેય દીકરાની ઊણપ મહેસૂસ સુદ્ધાં ન કરતો. રવિવારે બધાં સાથે જમે ને મોજ મસ્તી કરે. એેક રવિવારે ચિત્રાએ રસોઈ બનાવવાનું નક્કી કર્યું. “મમ્મી, આજે તારે આરામ. હવે રવિવારે રસોઈ હું જ બનાવીશ. તું જા, પપ્પા સાથે હીંચકે બેસ. પેપર વાંચ. તારી વહાલીને ભણાવ. તને ગમે એ કર.” મમ્મી ચિત્રાને જોયા જ કરતી. “હે ભગવાન, આવી દીકરી ક્યા માબાપને ભારરૂપ લાગે ? લાગણીનું ઉદાહરણ જ તો દીકરી આપે છે. ધન્ય છે એ માબાપને જેના ઘરે દીકરી છે. જેને નથી એણે આ ઓરતા વહુમાં જરૂર પૂરા કરવા જોઈએ.” મમ્મી મનમાં મલકાતી હીંચકે જઈને બેઠી. ચિત્રા ખૂબ ઉત્સાહથી રસોઈ બનાવતી હતી. શીખંડ-પૂરી, ઢોકળાં, કઢી-ભાત,નું જમણ હતું. બધું બની ગયું. ફક્ત પૂરી બાકી હતી. તેલનો તાવડો મૂક્યો અને ચિત્રા પૂરી વણવા લાગી. ખૂબ તલ્લીનતાથી પૂરી વણતી હતી. મનમાં ગીતો ગણગણતી, પોતાના મનના માણીગર લોકેશના વિચારો કરતી હતી. એ લોકેશને ખૂબ જ પ્રેમ કરતી, પણ કદીય કહી નહોતી શકતી. લોકેશ, જે પપ્પાના મિત્ર સારંગ અંકલનો નાનો દીકરો. બંને સાથે રમીને મોટા થયા. ચિત્રાના મનમાં લોકેશ માટે એક વિશેષ સ્થાન હતું. આજે સાંજે એ લોકો ઘરે આવવાના હતા. ચિત્રાએ નક્કી કરી લીધું કે આજે તો મનની વાત જણાવી જ દઈશ. વિચારોમાં એનું ધ્યાન ના રહ્યું કે તેલ ઉકળવા લાગ્યું હતું. સાવી રમતી રમતી રસોડામાં આવીને મસ્તીમાં ચિત્રાને ધક્કો માર્યો. ચિત્રાનો હાથ તાવડી સાથે અથડાયો અને ગરમ ઉકળતા તેલની તાવડી ઉછળી. ચિત્રાના શરીર પર ઠેર ઠેર તેલ રેલાયું.

મોઢા પર ખૂબ દાઝી. બળતરાથી ચીસો પાડવા લાગી. સાવી ડરી ગઈ. મમ્મી-પપ્પા દોડતાં આવ્યા ને દીકરીની આવી હાલત જોઈ પપ્પા તો બેભાન થઈ ગયા. “ઓ માડી રે, મને બચાવો, હું મરી જઈશ. મને ખૂબ બળે છે.” આવા હૈયાફાટ રૂદનથી મમ્મી તો માથાં પછાડીને રડવા લાગી. રડતાં રડતાં ડોક્ટરને ફોન કર્યો. ચિત્રા ખૂબ હિંમતવાળી દીકરી. એેણે બાથરૂમમાં જઈ પોતાના દાઝેલા શરીર પર ઠંડું પાણી રેડ્યું. બળતરા વધતી ગઈ. જોતજોતામાં બેભાન થઈ પછડાઈ ગઈ. ડાક્ટર આવ્યા. તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા. ચામડીના દરેક પડ ઊખડી ગયા. રૂપાળી દીકરી જોતજોતામાં કદરૂપી થઈ ગઈ. કુદરતના આ લાફાને ઝીલવા આ પ્રેમાળ દીકરી વેદનાભર્યા હૈયે તૈયાર થઈ ગઈ. ખૂબ જ સહનશક્તિથી આ કારમી પીડા સહન કરતી, મમ્મી-પપ્પા અને બહેનની ખુશી માટે અંદર ને અંદર ઘૂંટાયા કરતી. પરંતુ બહારથી ખૂબ કઠણ હોવાનો ડોળ કરતી. બે મહિના બાદ હોસ્પિટલથી ઘરે આવી. એણે નક્કી કરી લીધું કે હવે કોઈ મધુર સપનાં જોવાનાં નહીં. પોતાનું જીવન મમ્મી-પપ્પાની સેવામાં ને બહેનના સારામાં સારા ઉછેરમાં અર્પણ કરી દેવું. સાવીને ભણાવે, સરસ મઝાનાં કપડાં લાવે એના માટે. ભોજનમાં ફેરફાર કરી નાખ્યો જેથી સાવી પાતળી અને સુંદર લાગે. સાવી બહેનની આ હાલત માટે મનોમન પોતાને કોસતી. મેં દીદીને ધક્કો ના માર્યો હોત તો એ ના દાઝી હોત. પણ દીદીની મહાનતા તો કેવી, મને ક્યારેય અહેસાસ પણ ન થવા દીધો. મારે આવી મહાન બહેનનો અહેસાન કેટલા ભવ જન્મ લઈ ચૂકવવાનો ?

વહાલી બહેનની વિદાય પછી ચિત્રા ભાંગી પડી. એકાંતમાં બેસીને ખૂબ રડી. મારી શું જિંદગી ? મારાં શમણાં પાણીની જેમ રેલાઈ ગયાં. મારા પણ ઘરસંસાર માંડવાના કેવા મધુર ઓરતા હતા. આ કદરૂપા ચહેરા પાછળની વેદના સમજનાર મારૂું કોઈ જ નહીં ? મેં કોઈનું કંઈ બગાડ્યું નથી. બધાંનું ભલું ઇચ્છ્યું છે. છતાં મારા નસીબમાં આવું દુઃખ ? હસતાં મોંઢે સહન કરૂં છું એનો અર્થ એ તો નહીં કે મને દુઃખ ન થતું હોય.

“બેટા ચિત્રા.. ” આંખો લૂછતી પરાણે હસવાના ભાવ લાવતી ચિત્રા ઊભી થઈ. “હા, પપ્પા.. બોલો ને”

“બેટા, તારા મનની વેદના હું ખૂબ સમજું છું. તું મારું અભિમાન છે. તારા જેવી દીકરી પામી હું ધન્ય થઈ ગયો છું. તારા નસીબમાં પણ કોઈ સોહામણો રાજકુમાર જરૂર હશે.”

“પપ્પા, જીવનની વાસ્તવિકતા હું બખૂબી સમજું છું. ખોટા દિલાસા અને આશ્વાસનોથી હું ટેવાઈ ગઈ છું. તમે મારા પિતા છો, એટલે તમને જરૂર આવી આશા બંધાય કે મને કોઈ સોહામણો વર મળે. પપ્પા, દેખાવથી જ આકર્ષાઈને લોકો સંબંધ બાંધે છે. કદરૂપા લોકો ઘૃણાને જ પાત્ર હોય છે. હવે જેવાં મારાં નસીબ અને સંજોગ. તમે દુઃખી ન થાવ.” દીકરીની આવી વાત સાંભળી એ પિતા ઇશ્વર સાથે દલીલો કરતો. “વાહ રે પ્રભુ, અજબ છે તારી માયા. એેક દીકરીને ગુલાબની ક્યારી, બીજીને કાંટાની વાડી!”

ઘરમાં સાવીના ગયા પછી સન્નાટો છવાઈ ગયો. ગૂંજતું ઘર શાંત થઈ ગયું. ચિત્રા પીએચ.ડી. કરવા ડૉ. સુધીરના ક્લિનિક પર અવારનવાર જતી. એની મહેનત, કામ પ્રત્યેની નિષ્ઠા જોઈ, ડૉક્ટર તો ડઘાઈ જ ગયા. “ચિત્રા, તું ખૂબ મહેનતુ છે. તારી વાણીમાં જે નમ્રતા છે. એ સાબિત કરે છે કે તારી સહનશક્તિને સલામ છે.” “્‌રટ્ઠહા ર્એ જીૈિ, આપના સપોર્ટથી હું આ ડિગ્રી પ્રાપ્ત કરી શકીશ. મારી મહેનત ફળે એટલે બસ.” ડૉ.સુધીર ૪૫ વર્ષના સજ્જન અને સૌમ્ય વ્યક્તિ. તેમની પત્ની દિવ્યાના અકાળ અવસાન બાદ એમનો મોટા ભાગનો સમય હોસ્પિટલ અને પોતાના ક્લિનિકમાં ફાળવતા. ચિત્રા સાથે સમય ગાળતાં તેમનેે કોઈ અંગત વ્યક્તિની હૂંફ મળતી હોય એવો અહેસાસ થવા લાગ્યો. ચિત્રાને પણ ક્યારેક ક્યારેક એમના મનની વાત બહાર લાવવાનું મન થઈ આવતું, પણ પોતાના દાઝેલા શરીરને જોઈ નિસાસા નાંખી રોઈ પડતી. એક દિવસ ચિત્રા એનાં મમ્મી-પપ્પા સાથે બેસી વાતો કરતી હતી. ત્યાં જ અચાનક ડૉ. સુધીર આવી ચડ્યા. “આવો આવો, ડોક્ટર સાહેબ, આજે અમારા ઘરે આપનાં પગલાં ?શું વાત છે ?” પપ્પાએ વિનયભર્યો આવકાર આપ્યો.

“હું ખાસ આપને જ મળવા આવ્યો છું. થોડી અંગત વાત કરવી હતી.”

“હા, બોલો ને સાહેબ.”

“વાત જાણે એમ છે કે તમારી આ દીકરી ચિત્રા ખૂબ મહેનતુ,પ્રેમાળ અને નમ્ર છે. લોકો રૂપ પર મોહી પડે છે. હું ચિત્રાના ગુણો પર મોહી પડ્યો છું. મારા અંતરની લાગણીઓને જગાવી છે એણે. મારી નજરમાં તો એ ખૂબ જ દેખાવડી છે. હું તમારી દીકરી ચિત્રા સાથે લગ્ન કરવા માગું છું.” ડૉક્ટરની વાત સાંભળી ચિત્રાનાં મમ્મી-પપ્પા ફાટી આંખે એકબીજાંને જોઈ રહ્યાં.

“શું વાત કરો છો સાહેબ ?અમારી દીકરી તમને પસંદ છે ? લગ્ન પણ કરવા માંગો છો? સાહેબ, આ નિર્ણય તમે ઉતાવળે તો નથી લીધો ને? ”

“ના, વડીલ. બિલકુલ ઉતાવળ નથી કરી. ખૂબ ખૂબ વિચારીને આ માંગું લઇને આવ્યો છું.”

“એક મિનિટ, પ્લીઝ. મારે લગ્ન નથી કરવાં.” વાત અટકાવતાં ચિત્રા બોલી. એનો અવાજ ગંભીર અને દર્દીલો બની ગયો. “સર, અત્યારે હું જરાય દુઃખી નથી. કારણ કે હું એક આત્મવિશ્વાસ સાથે જીવી રહી છું. તમારી સાથે લગ્ન કર્યાં પછી તમારો જરા પણ અણગમો, મને જીવનમાં પૂરેપૂરી નિષ્ફળ કરી નાંખશે. દ્ગું નથી ઇચ્છતી કે કોઈ મારા પર દયા ખાઈને મને અપનાવે. સર, આ વાતને અહીંયા જ પૂરી કરી નાંખો.”

“ચિત્રા, હું તારા પર કોઈ દયા નથી કરતો. તને સાચા મનથી પ્રેમ કરું છું. તારી સુંદરતા પારખી ગયો છું. તને વિશ્વાસ ન હોય તો તને યોગ્ય લાગે એમ કર. હું તને અબઘડી અપનાવવા તૈયાર છું.” કહી ડૉ. સુધીર ઊભા થયા.

“ચાલો, વડીલ. હું રજા લઉં. મને તમારો દીકરો સમજી કાંઇ પણ કામ હોય તો વગર સંકોચે જણાવજો. ચિત્રા, નિર્ણય તારે લેવાનો છે. તારી મંજૂરી મળશે એ પણ મારી જિંદગીની અણમોલ અને સુખદ પળ હશે.” કહી ડૉક્ટર નીકળી ગયા. મમ્મી-પપ્પા રાજી રાજી થઈ ગયા. “મારી ચિત્રાના ભાગ્ય ખૂલી ગયા. આાટલું સરસ માંગું સામેથી આવ્યું. બેટા, તું કેમ ના કહે છે ? તારો દેખાવ એમને નથી નડતો તો તું શા માટે પાછી પાની કરે છે?” ચિત્રાના મનમાં તો પરણવાનાં સપનાં હતાં જ. ખૂબ વિચારીને અંતે એણે “હા” કહી. બધાં રાજી રાજી થઈ ગયા. ડૉક્ટર-ચિત્રાનાં લગ્ન લેવાયાં. એ મંગલ દિવસ આવી ગયો. બધાંનાં હૃદય ખુશીથી છલકાઈ ગયા. કન્યાદાનની વેળા આવી. સાવી મમ્મી-પપ્પા પાસે હાથ જોડી વિનંતી કરવા લાગી. “મમ્મી, પપ્પા, તમે એક દીકરીનું કન્યાદાન દીધું. અને ભવોભવના પુણ્ય બાંધ્યા. મારી આ દીદી, જે મારી મા, બહેન, સખી, વડીલ બધું જ છે. જેણે મારા ઉછેરમાં કોઈ જ કમી નથી રાખી. પોતાના જીવથી વધુ વહાલ કર્યું છે. એ વહાલી બહેનીનું કન્યાદાન મારે અને કમલે કરવું છે. આ વાતથી સમાજ ઉહાપોહ જરૂર કરશે. કદાચ પરંપરા તૂટશે. પણ તમારી સંમતિ હોય તો મને કોઈની પરવા નથી. આ બહેનીનું ઋણ તો હું કદાચ ક્યારેય ચૂકવી નહીં શકું. પણ થોડી ક્ષણો એની મા જરૂર બનવા માગું છું.”

“વાહ, મારી દીકરી, વાહ! લાખ રૂપિયાની વાત કરી તેં. તને અમારી મંજૂરી છે. કર કન્યાદાન તારી વહાલી બહેનનું. ચિત્રા, તું અમારા માટે ખૂબ જ અણમોલ હતી અને રહીશ. ઇશ્વરે તને જેટલું દુઃખ આપ્યું, એનાથી સવાયું સુખ આપશે. આજથી તારા સુખના દિવસોનો મંગળ પ્રારંભ થાય છે. ખૂબ સુખી થા.”

Share

NEW REALESED