સાચી શ્રીમંતાઈ
સોનલ ગોસલીયા
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
“ સાચી શ્રીમંતાઈ ”
“તમારી પાસે સંપત્તિ કેટલી છે એ મહત્વનું નથી, તમે કેવી વ્યક્તિ છો એ ખૂબ મહત્વનું છે”
વ્યક્તિ ગમે તેટલી ધનવાન,સ્વરૂપવાન કે બળવાન હશે. પરંતુ એનાં પારખાં એની ખાનદાની,સાદગી ને વ્યક્તિત્વ પર નિર્ભર હશે. ઘણીવાર સવાલ થાય છે કે શા માટે ઘણા બધા લોકોને જીંદગી કશું જ નથી આપતી ? જીવનભર અભિમાન કર્યું હોય, હું જ કંઇક છું, મારા જેટલું કોઇ શક્તિશાળી નથી, આવા અહંકારમાં લથપથ વ્યક્તિના સાચા મિત્ર કયાંથી હોય ? આવા લોકોને દૂરથી જ હાય-હેલો કહેવું બહેતર છે. એ મૂર્ખ અહમની આડે ભૂલી જાય છે કે ધન છુપાવવાની ઘણી જગ્યા મળશે પણ આંસુ સારવા કોઇનો હૂંફભર્યો ખભો નહીં મળે. સંપત્તિથી બધાં “દેખાતાં” સુખ ખરીદી શકાય છે. આંતરિક સુખ ને બળ તો આપણા સ્વજન ને મિત્રો પાસેથી જ મળે છે ને ? પૈસાના અહંમાં સંબંધને બાજુ પર મૂકવાની ભૂલનો પસ્તાવો માણસને કયારેક ને ક્યારેક તો થાય છે જ ને ? ત્યારે કદાચ ઘણું મોડું પણ થઇ ગયું હોય છે. ધર્મ પણ એટલું જ બળ આપે છે. આત્માની શુદ્ધિનો માર્ગ ધર્મ બતાવે છે . પણ ધર્મને તો પૈસા કમાવાની લાલચે સેવ્યો જ ન હોય ત્યાં જીવનની સાચી સમજણ દુઃખોમાંથી મુક્ત થવાના ઉપાયો ક્યાંથી સમજ્યા હોય ?
અમેરિકામાં મારા દૂરના એક સગા રહે. નરેશકાકા કહીને અમે એમને બોલાવીએ. ખૂબ જ ધનવાન ને નામી વ્યક્તિ. અઢળક સંપત્તિના માલીક. તેમને બે દીકરા. પત્ની સાધનાબહેન ખૂબ જ ધાર્મિક અને પ્રેમાળ. બે દીકરાને સંસ્કાર આપવામાં કોઇ જ કમી ન રાખી. નરેશકાકાને બીઝનેસ અને પૈસા કમાવા સિવાય કશું જ ના ગમે. ઘરમાં બે બાળકો અને પત્ની છે એ પણ ભૂલી જાય. બાળકોને પિતા માટે ના કોઇ પ્રેમ કે આદર. એમને બાળપણથી જ પિતાનો પ્રેમ ને સમય કદી મળ્યો જ ન હતો. બન્ને પુખ્ત થયા ને પોતપોતાના અલગ ઘર લઇ રહેવા લાગ્યા. પરણીને સેટલ થયા.
સાધનાબહેન એકલાઅટુલા ઘરમાં પડ્યા રહે. ધર્મ કરે, પુસ્તકો વાંચે ને જેમ તેમ સમય પસાર કરે. સાધનાબહેન બીમાર પડ્યા. શ્વાસની તકલીફ આમ તો ઘણા સમયથી રહેતી હતી પણ હવે દવા કે પમ્પની અસર પણ નહોતી થતી. માનસિક રીતે પણ પીડાતા હતા. એકલતા એમને કોરી ખાતી હતી. નરેશકાકાના હૂંફભર્યા બે શબ્દો સાંભળવા એમના કાન તરસતા હતા. પણ પૈસા કમાવવાની ઘેલછા માણસને અંધ જ કરી નાખે. લાંબી બિમારી પછી સાધનાબહેન મૃત્યુ પામ્યા. નરેશકાકાને કાંઇ ખાસ ફરક ના પડ્યો. એ ભલા ને એમનું કામ ભલું. ઘણા બધાંએ સલાહ આપી કે પુનઃલગ્ન કરી લો. અથવા બાળકોને પાસે બોલાવી લો. પણ અંહકારીને લેશમાત્ર રંજ ના હોય. એ મકક્મ જ રહ્યા. એકલા રહેવાનું નક્કી કર્યું. ઘણા મહિનાઓ પછી તેઓ એક દિવસ બિમાર પડ્યા. તાવ ઊતરે જ નહીં. સારા સારા ડોક્ટરોની દવા લીધી. પણ ખાસ કાંઇ ફરક ના પડ્યો. સેક્રેટરી લ્યુસી ખૂબ સેવા કરે. દીકરીની જેમ, પણ સાધનાબહેનના હાથનો પ્રેમાળ સ્પર્શ આજે એ ખૂબ મીસ કરતા હતા.દેશી ઉકાળા બનાવીને સાધનાબહેન કાયમ પીવડાવતા ને તાવમાં તત્કાલ રાહત થઇ જતી. આજે એ ઉકાળો કોણ બનાવી આપે? ધીમે ધીમે સ્વસ્થ થવા લાગ્યા. પાછા કામે લાગી ગયા. એના એ જ વાણી ને વર્તન સાથે કામ કરવા લાગ્યા.
એક દિવસ એક ફંક્શનમાં એમના લંગોટિયા મિત્ર સતીષભાઈ મળી ગયા. સતીષભાઈને ખ્યાલ આવી ગયો કે મારો મિત્ર હવામાં ઊડવા લાગ્યો છે પૈસા ને સ્ટેટસના ગુમાનમાં. એની સાથે બોલવામાં પણ સ્ટેટસ વિરુદ્ધ લાગે. સતીષભાઈ ખૂબ સારા વક્તા હતા. તેમણે મ્યુઝીશીયન પાસેથી માઇક લીધું ને બોલવાની શરૂઆત કરી.
“હું મારા એક ખોવાયેલ મિત્રની શોધમાં છું. મારો એ લંગોટિયો યાર, જે ખૂબ પ્રેમાળ હતો, આજે એ પૈૈસાની આડમાં સંબંધો ભૂલી ગયો છે. મોંઘી મોંઘી દારૂની બોટલો, સ્ટેટસવાળી ગાડીઓ, હાઈ-ફાઈ લાઈફસ્ટાઇલના રંગો પર ન્યોછાવર થઈ ગયો છે. હું એને એક જ વાત પૂછવા માંગું છું....મિત્ર, તારું આ શરીર જ્યારે સાથ નહીં આપે, ત્યારે તારી આ જાહોજલાલી તને ઉષ્માભર્યો સ્પર્શ આપશે ? તારા માથે પ્રેમથી હાથ ફેરવશે ? તને લાગણીઓના આલિંગન આપશે ? શું કામનો એ પૈસો જે આપણને આપણી વ્યક્તિઓ ને આપણા મિત્રોથી અળગાં કરે? ખૂબ પૈસા કમાવ પણ અહંકારને દૂર ભગાડો. થોડી લાગણી, મીઠા શબ્દો, મૈત્રીની અતિમૂલ્યવાન મૂડીને જિંદગીભર સાચવી રાખજો. પૈસો સાથ આપે ન આપે પણ સંબંધ જરૂર સાથ આપશે. સંપત્તિને એને ઠેકાણે રહેવા દો ને સંબંધોને એના સ્થાને માન આપો. બંનેનું બેલેન્સ રાખો.
શાને ગુમાન કરતો ? ફાની છે જિંદગાની,
આ રૂપ ને જવાની એક દિન ફના થવાની.
આવ્યો છે ખાલી હાથે, જાવાનો ખાલી હાથે.
સિકંદર સમા રાજાની પણ ના રહી નિશાની.
નરેશભાઈની આંખમાંથી ડબડબ આંસુ વહેવા લાગ્યાં. મિત્ર સતીષભાઈની વાત એમને હાડોહાડ સ્પર્શી ગઈ. એ દોડીને એમને ભેટી પડ્યા. ઘણા વર્ષે આટલું રોયા. તેઓ સતીષભાઈને પોતાના ઘરે લઈ ગયા. બંને મિત્રોને જાણે જૂની યાદોનો ભંડાર મળી ગયો. નાનપણનાં નટખટ તોફાનો યાદ કર્યાં, સ્કૂલના પનીશમેન્ટ, ટીચરને હેરાન કરવા, ચાલુ પિરીયડમાં સીટીઓ મારવી. પછી શિક્ષકનો ઢોરમાર ખાવો, આ બધું યાદ કરીને, જૂની યાદોને વાગોળીને બેસુમાર હસ્યા. પોતાના ગામના એ જૂના વડલા, ચબૂતરો, ટૂટેલી ઓટલી, બધું યાદ કરતા જાય અને આંખો ભીંજાતી જાય. એમણે મનોમન નક્કી કર્યું કે સાચું સુખ તો મારે હવે માણવાનું છે. અહીંયાની જાહોજલાલી બહુ ભોગવી. હવે મારા ગામડે મીઠી માટીની સુગંધ માણવી છે. તેઓએ સતીષભાઈની મદદથી બધી પ્રોપર્ટી કાયદેસર બાળકોને નામે કરી દીધી. પોતાની મૂડી (અઢળક)સાથે લઈને પોતાના ગામ પાછા ફર્યા. ગામમાં આધુનિક સુવિધાઓવાળી નવી શાળા બંધાવી. બાળકોને સ્કોલરશીપ્સ આપી. ખેડૂતોને ઘણી આર્થિક મદદ કરી. બીજાં અન્ય નાનાં નાનાં ગામોમાં આર્થિક મદદ કરીને સુધારા કરાવ્યા. રૂપિયાનો સદ્ઉપયોગ કર્યો ને સદાય માટે સેવાનાં કાર્યોમાં પરોવાઇ ગયા. બાકીની જિંદગી સુવાસભરી કરીને લાખો લોકોના આશીર્વાદ લીધા.
પૈસા કરતાં માનવીને વધુ જરૂર છે પ્રેમની,
સુખી થવા માટે પ્રેમ છે ચાવી હેમની.