Cricket katha books and stories free download online pdf in Gujarati

ક્રિકેટ કથા

અક્ષય કુમારે એક ફિલ્મમાં કહ્યું છે કે એક જ એવી જગ્યા છે જ્યાં તમને દેશ પ્રેમ જોવા મળે.એ છે ભારત અને પાકિસ્તાનનો ક્રિકેટ મેચ.આમ જોઈએ તો વાત થોડે અંશે સાચી પણ છે.ભારત અને પાકિસ્તાનનો ક્રિકેટ મેચ હોય ત્યારે અચાનક બંને દેશના પ્રેક્ષકોમાં દેશ પ્રેમ છલકી આવે છે.આવા જ એક મેચની વાત કરવાની છે.વાત છે ૧૯૯૮ની ભારત,પાકિસ્તાન અને યજમાન બાંગ્લાદેશ વચ્ચે કોકા કોલા ટ્રાય સીરીઝ યોજાઈ. કોકા કોલા ઈન્ડીપેન્ડન્ટ કપ આવું નામ હતું. સીરીઝ માં કુલ ૬ મેચ રમવાના હતા.ત્રણેય ટીમો એક બીજા સામે એક એક વાર રમે ત્યાર બાદ ટોપની બે ટીમો ૩ મેચ ફાઈનલ રમે.

એ સમયની બાંગ્લાદેશની ટીમ આજની ટીમ જેવી નહોતી. અનુભવની સાવ કમી હતી યુવા ખેલાડી હતા પણ ખાસ પ્રતિભા નહોતી.તગડો ઝાડો અકરમ ખાન ટીમનો કેપ્ટન હતો.બાકીના ખેલાડીઓમાં અમીનુલ,રફીક વગેરે હતા.એ સિવાય ખાસ કઈ હતું નહિ એ સમયે સૌથી નબળી ટીમોમાં એ ટીમની ગણતરી થતી હતી.ભારત અને પાકિસ્તાનની ટીમ લગભગ સમાન જેવી હતી.પાકિસ્તાનની કમાન રશીદ લતીફના હાથમાં હતી.એ સિવાય સૌથી ખતરનાક બેટ્સમેનસઈદ અનવર અને એઝાઝ અહેમદ તેમજ બોલીંગમાં અકીબ જાવેદ હતા.જયારે ભારતના કેપ્ટન તરીકે અઝહરુદીન હતો.એ સિવાય સચિન,ગાંગુલી,જાડેજા અને બોલીંગનો ભાર શ્રીનાથ અને હરવિંદર સિંઘના માથે હતો.જેમ આજે સંકટમોચન યુવરાજ સિંઘ છે.તેમ એ સમયે રોબીન સિંઘ ભારત માટે સંકટ મોચન રહેતા.

પ્રથમ જ મેંચમાં ભારતે બાંગ્લાદેશને ૪ વિકેટે પરાજય આપ્યો.જોકે ૧૯૦ રનનો પીછો કરવામાં ભારતને ૪૬ ઓવર સુધી ઝઝૂમવું પડ્યું.પાંચ વિકેટ ઝડપીને જવાગલ શ્રીનાથ મેન ઓફ ધ મેચ થયો. કપિલ શર્મા આ મેચને ધ્યાનમાં રાખીને પણ સિધ્ધુ સાથે મઝાક કરી શકે અમ છે કેમ કે આ મેચમાં સીધું ઝીરો બોલમાં ઝીરો રન પર રનઆઉટ થયેલ.ભારત અને પાકિસ્તાનનું ફાઈનલમાં પહોચવું નક્કી હતું.થયું પણ એમજ.બીજા મેચમાં પાકિસ્તાનને ભારતે હરાવીને પોતાનો કોલર ઉંચો રાખ્યો.વરસાદના કારણે ૩૭ ઓવરની મેચ થઇ.જેમાં ભારતે પાકિસ્તાનને ૧૮ રને પરાજય આપ્યો.અઝહરુદીન ૧૦૦ રન બનાવીને મેન ઓફ ધ મેચ થયો.ત્યારબાદ પાકિસ્તાને બાંગ્લાદેશને ૯ વિકેટ થી કચડી નાખ્યું.આવી રીતે ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં પહોચ્યા.બધા મેચ ઢાકામાં જ રમવાના હતા.

પ્રથમ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને દાવ લીધો અને માત્ર ૨૧૨ રન બનાવી શકી.વરસાદી માહોલ લગભગ દરેક મેચમાં બાધા રૂપ બન્યો.મેચ ૪૬ ઓવરની થઇ હતી. ૨૧૩ રનનો ટાર્ગેટ ભારતે માત્ર ૩૭ ઓવરમાં ૨ વિકેટે પાર કરી લીધો. સચિને ૯૫ રન અને ગાંગુલીએ ૬૮ રનનું યોગદાન આપ્યું. સચિન બોલીંગમાં પણ છવાયો અને ૩ વિકેટ લીધી.હવે બીજો ફાઈનલ રમવાનો હતો. જો ભારત જીતી જાય તો ત્રીજો ફાઈનલ રમવાની જરૂર નહોતી.પણ ઈતિહાસ પણ એક અવા મેચનું નિર્માણ કરવા માંગતો હતો જે જોનાર દરેક ક્રિકેટપ્રેમીના હદયમાં કાયમ માટે અંકિત થઇ જાય. ભારતની બીજા ફાઈનલમાં પાકિસ્તાન સામે શરમ જનક હાર થઇ. પાકિસ્તાનની માફક ભારતે પણ ટોસ જીતીને દાવ લીધો. બીજી એક વાત એ કે એ સમયે પાકિસ્તાનની ટીમ ટોસ જીતીને હમેશા દાવ જ લેતી.

બીજો મેચ પાકિસ્તાનના નામેં રહ્યો. ટોસ જીતીને ભારત દાવમાં આવ્યું અને શરમજનક સ્કોર નોંધાવ્યો. માત્ર ૧૮૯ રન બનાવી શક્યું. અઝહારુદીને અને અજય જાડેજાએ ગોકળગાયની ગતિએ અનુક્રમે ૬૬ અને ૩૪ રન બનાવ્યા. મોહમદ હુસેને પોતાનું શ્રેષ્ઠ પદર્શન કરીને ૪ વિકેટ લીધી. ૧૮૯ રનનાં જવાબમાં પાકિસ્તાને માત્ર ૩૧ ઓવર રમીને માત્ર ૪ વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી. સઈદ અનવરે અને આફ્રિદીએ વિસ્ફોટક શરૂઆત કરી અનવરે ૫૧ રન બનાવ્યા. અલમસ્ત ઈન્ઝમામ ઉલ હકે છેલે ૪૦ રન બનાવીને પાકિસ્તાનને લક્ષ્ય સુધી પહોચાડી દીધું. આમ ભારતનો ૬ વિકેટે કારમો પરાજય થયો. જોકે ખરાખરીનો ખેલ તો હવે પછી શરુ થવાનો હતો. ત્રણેય મેચ વચે એક એક દિવસ વિરામનો હતો ૧૮ જાન્યુઆરીએ છેલ્લો ફાઈનલ મુકાબલો યોજવાનો હતો. એક એવો મેચ થવાનો હતો કે ભાગ્યેજ કોઈ ભૂલી શકે. આજીવન યાદ રહી જાય તેવો મેચ.

છેવટે ૧૮ જાન્યુઆરીનો દિવસ આવી ગયો.ફરી પાછો વરસાદ વિલન બન્યો પણ માત્ર થોડીવાર માટે. મેચ થોડો મોડો શરુ થયો તેથી ઓવર ઘટાડીને ૪૮ કરી નાખવામાં આવી.

ભારતે ટોસ જીત્યો. જાણે કે પાછળના મેચની અસર અઝહરુદીન પર પડી હોય તેમ તેણે પાકિસ્તાનને બેટિંગનું આમંત્રણ આપ્યું. રશીદ લતીફ પણ ભારતને ટોસ જીતીને બેટિંગમાં ઉતારત આવું નિવેદન આપ્યું. આમ શરુ થયો રોમાંચક જંગ. સ્કોડ જોઈએ તો ભારતમાં સચિન, ગાંગુલી, રોબીન, અઝહર, જાડેજા, સિધુ, નયન મોંગિયા(કીપર), શ્રીનાથ, હરવિંદર સિંઘ,ઋષિકેશ કાનીટકર, તેમજ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલો સ્પિનર રાહુલ સંઘવી.પાકિસ્તાનની ટીમમાં અનવર,આફ્રીદી,સોહેલ,એઝાઝ અહેમદ,અઝહર મહેમુદ,મોહમદ હુસેન,કેપ્ટન લતીફ,હક,સકલેન મુસ્તાક,મંઝુર અખ્તર અને અકીબ જાવેદ. પાકિસ્તાનનો વિકેટ કીપર ખુદ કેપ્ટન લતીફ હતો અને ભારતનો વિકેટ કીપર નયન મોંગિયા.અમ્પાયર હતા રૂડી કર્ટઝન અને રસેલ ટીફીન.

પાકિસ્તાનની ઓપનીંગ જોડી અનવર અને આફ્રીદી મેદાને ઉતર્યા.શ્રીનાથે બોલિંગની શરૂઆત કરી. અનવર અને આફ્રિદીએ આક્રમક શરૂઆત કરી જોકે ૧૮ રન બનાવી આફ્રીદી હરવિંદર સિંઘનો શિકાર બન્યો બીજી બાજુ સઈદ અનવરની ફટકાબાજી ચાલુ હતી. આમેર સોહેલ નવો બેટ્સમેન આવ્યો અને બંને એ ટીમનો સ્કોર ૬૬ સુધી પહોચાડયો. ફરી હરવિંદર સિંઘે પાર્ટનરશીપ તોડી. આમેર સોહેલ ૧૪ રન બનાવી નયન મોંગિયાના હાથમાં ઝીલાયો. આ સમયે ૧૨ ઓવર પૂરી થઇ.સોહેલ પછી નવો બેટ્સમેન આવ્યો એઝાઝ અહેમદ. બસ પછી તો બંને જાણે યુધ્ધ કરતા હોય તેમ જામી પડ્યા. સિક્સર ફટકારવાને બદલે સિંગલ,ડબલ અને બાઉન્ડ્રી ચાલુ રાખી. બંને એ સદી ફટકારી દીધી.૨૩૦ રનની પાર્ટનરશીપ કરીને ટીમનો સ્કોર ૨૯૬ રન સુધી પહોચાડી દીધો.આ દરમ્યાન ભારતના કોઈ બોલર કારગત સાબિત ન થયા. ૪૬ મી ઓવરમાં હરવિંદર સિંઘે અનવરને આઉટ કર્યો. અનવર ૧૩૨ બોલમાં ૧૪૦ રન બનાવી આઉટ થયો.તેમાં ૧૪ ચોગ્ગા અને ૨ સિક્સર હતી.ત્યાર બાદ ૪૭ મી ઓવરમાં અહેમદ પણ ૧૧૨ બોલમાં ૮ ચોગ્ગા અને ૧ સિક્સર સાથે ૧૧૭ રન બનાવી શ્રીનાથનો શિકાર થયો. ૪૮ મી ઓવર સચિને ફેકી. મહેમુદે અને હુસેને ૪૮ ઓવર પૂરી થઇ ત્યારે ટીમનાં સ્કોરને ૩૧૪ સુધી પહોચાડ્યો. છેલ્લા સચિનનો શિકાર મહેમુદ થતો ગયો.ભારતના બોલરો ખર્ચાળ પુરવાર થયા.હરવિંદર ૩ વિકેટ લઇ શક્યો પણ ૭૪ રનના ભોગે. સંઘવી કોઈ કૌતુક ન બતાવી શક્યો. ગાંગુલીએ માત્ર ૫ રન આપ્યા પણ તેના ભાગે ૨ ઓવર જ આવી.

૩૧૪ રનનો પીછો કરવા સચીન અને ગાંગુલીની જોડી મેદાનમાં ઉતારી.સચિને શરૂઆતમાંજ ફટકાબાજી શરુ કરી.માત્ર ૨૬ બોલમાં ૪૧ રન બનાવી સચિન શાહિદ આફ્રિદીનો શિકાર થયો.ટીમનો સ્કોર ૮ ઓવરમાં ૭૧ રન સુધી પહોચી ગયો. વિશાલ ટાર્ગેટનો પીછો કરવા માટે મેદાનમાં એ સમયના સંકટ મોચન રોબીન સિંઘનું આગમન થયું. રોબીન સિંઘે અને ગાંગુલીએ બાજી સંભાળી લીધી. સિંગલ ડબલ અને વચ્ચે વચ્ચે બાઉન્ડ્રી ફટકારવાનું ચાલુ રાખ્યું. ટીમનો સ્કોર ૨૫૦ રન સુધી પહોચાડ્યો.દરમિયાન ગાંગુલીએ પોતાની સદી પૂરી કરી. ૨૫૦ રને રોબીન સિંઘને હુસેને આઉટ કર્યો.આ સમયે મેચ ભારતની તરફેણમાં હતો. કેમકે ૩૮ ઓવર પૂરી થઇ હતી અને જીત માટે ૧૦ ઓવરમાં ૭૫ રનની જરૂર હતી અને ૮ વિકેટ હાથમાં હતી.પણ અહીંથી સકલીન મુસ્તાકનો સ્પેલ શરુ થયો અને ભારતનો ધબડકો શરુ થયો.અઝહરુદીન ૧૧ બોલમાં ૪ રન બનાવી આઉટ... સામે છેડેથી અકીબ જાવેદે ગાંગુલીને બોલ્ડ કર્યો.ગાંગુલીએ ૧૩૨ બોલમાં ૧૨૪ રન બનાવ્યા. ૪૨.૪ ઓવરમાં ૪ વિકેટે ટીમનો સ્કોર ૨૭૪ થયો.૩૨ બોલમાં ૪૧ રનની જરૂર હતી. સિધુ અને જાડેજા ક્રીઝ પર હતા.૪૪ મી ઓવરમાં સિધુ સક્લેનનો શિકાર બનયો. બેટિંગમાં આવ્યો નવો ચહેરો કાનીટકર જેનો માત્ર ત્રીજો મેચ હતો. ૪૬ મી ઓવર શરુ થઇ. સકલેન ના પેલા જ બોલ પર જાડેજાએ ચોગ્ગો ફટકાર્યો. બે બોલમાં એક એક રન અને ચોથા બોલ પર જાડેજા બોલ્ડ. મોંગિયાએ આવીને એક રન.લઈને સ્ટ્રાઈક પોતા પાસે રાખી.હવે ૨ ઓવર અને ૧૮ રનની જરૂર હતી.ફરી જાવેદ બોલીંગમાં આવ્યો. પેલા જ બોલે મોંગિયાનો ચોગ્ગો. પછીના બે બોલમાં સિંગલ અને ચોથા બોલે ડબલ.પાંચમાં બોલે એક રન અને છેલ્લો બોલ કાનીટકર રમી ન શક્યો એક રનની કોશિશમાં વિકેટ કીપર રશીદે મોંગિયાને રનઆઉટ કર્યો.હવે બેટિંગમાં આવ્યો શ્રીનાથ જે નોન સ્ટ્રાઈકર હતો. અને છેલ્લી ઓવરમાં સકલેન એક એવી ઓવર ફેકવા જઈ રહ્યો હતો જે તેને આજીવન યાદ રહેવાની હતી.

આખા સ્ટેડીયમમાં શાંતિ છવાઈ ગઈ. એક ઓવર અને ૯ રનની જરૂર.પેલા જ બોલે કાનીટકરે ૧ રન લઇ શ્રીનાથને સકલેન સામે ધરી દીધો. શ્રીનાથ ટેવ મુજબ હવામાં અધર બેટ રાખીને સક્લેનના બીજા બોલમાં જોરથી પ્રહાર કરીને પોઈન્ટ તરફ શોટ રમ્યો. ઝડપથી બે રન પુરા કર્યા.૪ બોલમાં ૬ રન. ફરી ત્રીજા બોલમાં બોલ હવામાં...... બધાના શ્વાસ અધર કેચ માટે મીડ ઓન માં એક સાથે ત્રણ ફિલ્ડર ભેગા થયા.પણ કોણ કેચ કરે? આવી મૂંઝવણમાં એકે પણ કોશિશ ન કરી.બરાબર ત્રણ ફિલ્ડર વચે બોલ પડ્યો અને તે સમય દરમ્યાન ફરી ૨ રન શ્રીનાથના. એ સમયે પણ કેચ છોડવાની પાકિસ્તાનની આદત હતી.જે આજે પણ બરકરાર છે. ચોથા બોલ પર શ્રીનાથે એક રન લીધો અને હવે ૨ બોલમાં ૩ રનની જરૂર.સ્ટ્રાઈક પર કાનીટકર.

પાંચમો બોલ ફેકવા સક્લેને રનીંગ લીધી.સામે ડાબોડી કાનીટકર. લેગ સાઈડમાં સક્લેનનો બોલ અને જોરથી સામો વળતો પ્રહાર બોલ મીડ ઓન ઉપરથી સીમા રેખા બાર...........ચોગ્ગો .........!!!!! ભારતની ઐતિહાસિક જીત.એ સમયે આ વિશ્વ રેકોર્ડ હતો. એ સમયનો ૩૦૦ નો સ્કોર આજનો ૪૦૦ બરાબર કહી શકાય. ભારતની શ્રેણી જીત. મેન ઓફ ધ મેચ ગાંગુલી. અહો આશ્ચર્યમ....સૌથી વધુ રન સીરીઝમાં અનવરના ૩૧૫ રન. વિકેટ વધુ સક્લેનની ૧૩ વિકેટ પણ મેં ઓફ ધ સીરીઝ માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકર.... સચિનના સીરીઝમાં ૨૫૮ રન અને ૫ વિકેટ હતી બાંગ્લાદેશની પી.એમ.શેખ હસીનાની પણ ઉપસ્થિતિ હતી.જેના હસ્તે અઝહરને ટ્રોફી એનાયત કરવામાં આવી.રશીદ લતીફને ભારત પર પૂરો વિશ્વાસ હતો તેથી જ તેણે છેલ્લે કહ્યું કે અમે જ જીતશું આવું નહોતું લાગતું.

અને હા.....ઋષિકેશ કાનીટકરે એક ચોગ્ગાના જોરે બે વર્ષ સુધી ટીમ ઇન્ડિયામાં સ્થાન બનાવી રાખ્યું.............