Dubata Suraje lavyu Prabhat - 9 books and stories free download online pdf in Gujarati

ડૂબતા સૂરજે લાવ્યું પ્રભાત - 9

( ગયા ભાગમાં આપણે જોયું કે નિષ્ઠા સ્વર્ણિમને મા શુભાંગીનીનો ઇતિહાસ જણાવે છે. નગરમાં ચૈત્ર સુદ આઠમ હોવાથી દર ત્રણ વર્ષે આવતા મહા ઉત્સવનું આયોજન થાય છે. માં શુભાંગીનીની ભવ્ય નગરયાત્રા નીકળે છે. છેલ્લે શૈલજા અને શુભાંગીની વચ્ચેના સંવાદમાં શુભાંગીની શૈલજાને કોઈ ઝટકો આપવાની વાત જણાવે છે શું હતી એ વાત જાણો હવે...)

શુભાંગીની તો શૈલજાને વાત કહી આગળ જઈ માં શકામ્બરીની મૂર્તિ પાસે જઈ ઊભી રહી ગઈ. પણ શૈલજા એની વાત સાંભળી મૂંઝાઈ ગઈ. આખરે શું ચાલે છે શુભાંગીની ના મનમાં?કઈ રમત રમવાની છે આ ડાકણ હવે મારી જોડે! કયા સરપ્રાઇઝની વાત કરતી હતી એ.. શું કરવાની છે!આવા અનેક પ્રશ્નો શૈલજાના મનમાં ચાલવા લાગ્યા, પણ પછી અચાનક આરતીનો સમય થતા એ થાળ તૈયાર કરવા આગળ ગઈ. આરતી તૈયાર કરવામાં પણ તેનું મન લાગતું નહોતું. ભૂલથી કપુર ને બદલે ખડી સાકર આરતીમાં મૂકી દીધી એ તો શુભાંગીની બાજુમાં આવી અને વાંકુ હસીને કહ્યું,"અરે શૈલજા જો તો ખરી. આરતીમાં કપૂર મૂકાય સાકર તો પછી પ્રસાદમાં હોય અને આજે તો પાછો મહા પ્રસાદ છે એટલે એની જરૂર નથી! તું ક્યાં ખોવાયેલી છે? .. સરપ્રાઇઝ ને હજી વાર છે! " એમ કહી શુભાંગીની કપૂર આરતીના થાળમા મૂકી શૈલજા સામેથી જતી રહી. શૈલજા ફરી મૂંઝાઈ. ‘હે માઁ શકામ્બરી મારું મન ખૂબ ગભરાય છે!’આમ તો શૈલજા ખૂબ હિંમત અને ધીરજ વાળી હતી પણ આજે તેને ચેન પડતું નહોતું. છેવટે આરતીનો શંખ ફૂંકાયો અને શૈલજા પણ આરતીમાં જોડાઈ ગઈ.મંદિર ભવ્ય રોશનીથી અને અનેકો દીવાઓથી શણગારાયું હતું. આરતીનો અવાજ આખા કર્ણપુરીમાં ગુંજતો હતો. ભાગ્યે જ કોઇ હશે જે આ સમયે નગરમાં હશે બાકી મોટાભાગના લોકો મંદિરમાં હતાં. જે લોકો રોજ ના આવતા એ લોકોય મહા-પ્રસાદીની લાલચે આજે આવ્યા હતા. આરતી પૂરી થઈ પછી માં શુંભાંગીનીએ મા શકામ્બરી ને આરતી અર્પણ કરી અને પછી આખું મંદીર ‘માં શકામ્બરીની જય! માં શુભાંગીનીની જય!’ ના જયઘોષથી ગૂંજી ઉઠયું. માં શુંભાંગીનીએ બંને હાથ ઉપર કરી આશીર્વાદ આપી જયનાદ શાંત કર્યો. આજે મંદિરમાં હજારોનું દાન આવ્યું હતું. સિંહમુખ તો સોનાથી છલકાતું હતું. શુભાંગીની તો એ જોઈને જ મનમાં ને મનમાં હરખાતી હતી.. પણ આજે તો એ ઉલ્ટી વધારે ખુશ હતી કેમકે એ શૈલજાને જવાબ આપવાની હતી. હવે માત્ર મહા પ્રસાદી અને કીર્તન બાકી હતા. શૈલજા મહા-પ્રસાદીની વહેંચણીની તૈયારીમાં લાગી ગઈ. મહા ઉત્સવનું આયોજન કરી એ થાકી ગઈ હતી. બધી જવાબદારીઓ તેના માથે હતી. આજ સુધી તેનાથી કોઈ ચૂક થઈ નહોતી. બધાને મહા પ્રસાદી વહેંચવાની કામગીરી પતે એટલે પછી પોતે શૈલજા હંમેશા છેલ્લા જમતી. મહા પ્રસાદી મંદિરની બહાર લઈ જઈ શકાતી નહી અને એનું ખાસ ધ્યાન મંદિરના દ્વારપાળ રાખતા,પણ આજે કાંઈ અલગ જ ઘટના બની. મહા પ્રસાદી વહેંચાવા લાગી હતી. સૌ મંદીરના ચોગાનમાં જઈ મહા પ્રસાદી લેવા માંડ્યા હતા. પણ અચાનક જેમ જેમ મહા પ્રસાદી વહેંચાવાં માંડી ત્યાંતો લોકો મહા પ્રસાદી ખાતાની સાથે જ દસ થી પંદર મિનિટમાં ઘણા બધા લોકોને ચક્કર આવવા લાગ્યા કેટલાક ને ઉબકા-ઉલ્ટી થવા માંડયા તો કેટલાક ને આંખોમાં ઝાંખપ આવવા માંડી. કેટલાકના પેટમાં જબરદસ્ત દુઃખાવા ઉપડ્યા તો કેટલાક તો માથું પકડી બેસી ગયા. શૈલજા આ બધું જોઈ હતપ્રત થઈ ગઈ! હે માઁ શકામ્બરી આ બધું શું થઈ રહ્યું છે? આટલા વર્ષોમાં ક્યારેય આવું નથી બન્યું. આ બધા લોકોને એકસાથે શું થઈ રહ્યું છે.. આખા મંદિરમાં લોકોની પીડાઓનો અવાજ વ્યાપી ગયો હતો. હજી મંદિરના સેવકો જમવાના બાકી હતા. આ બધું જોઈ સૌ મા શુભાંગીની પાસે પહોંચ્યા. શુભાંગીની મંદિરના ગર્ભગૃહમાં જાપ કરતી હતી. આમ તો કોઈની જવાની હિંમત થતી નઈ પણ આજે જવું જ પડે તેમ હોવાથી સેવકો ત્યાં ગયા. બહારથી બૂમો પાડવા લાગ્યા, મા માં રક્ષા કરો માં.. માં શુભાંગીની ની બૂમો પાડવા લાગ્યા.. શુભાંગીની નાટયાત્મક રીતે બહાર આવી. શૈલજા ને હજી પણ સમજાતું નહોતું. મહા પ્રસાદી ખાઈને નિત્યા પણ મુર્છિત જેવી થઈ ગઈ હતી. આ જોઈ સ્વર્ણિમ ખૂબ ચિંતામાં આવી ગયો. " નિત્યા, ઉઠ નિત્યા, નિત્યા ની બૂમો પાડી રહ્યો હતો" તેની ચિંતા મોઢા પરથી સ્પષ્ટ જણાતી હતી. તે નિત્યા પર પાણી છાંટી રહ્યો હતો. નિષ્ઠા પણ ત્યાં આવી, તેને જોઈને નવાઈ લાગી પણ એ કાંઈ બોલી નહીં. સ્વર્ણિમને વાસ્તવિકતા નું ભાન થતાં એણે નિત્યાનું માથું પોતાના ખોળામાંથી નિષ્ઠાના ખોળામાં નાખી દીધું. અને પછી બંને એને ઉઠાડવા લાગ્યા. સેવકોની બૂમો સાંભળી શુભાંગીની દેવી બહાર આવ્યા. અને પૂછ્યું, " શું વાત છે! મારી પૂજામાં ભંગ કરવાનું શું કારણ છે!, આટલાં ગભરાયેલા કેમ લાગો છો!" શુભાંગીની એ પૂછ્યું. " માં અનર્થ થઇ ગયો છે.. મહા પ્રસાદી ખાઇને અનેક લોકો ખૂબ બીમાર પડ્યા છે! કેટલાક ને ચક્કર આવ્યા છે, તો કેટલાક ઉલ્ટીઓ કરે છે! તો કેટલાક ને મૂર્છા આવી ગઈ છે! સૌ આક્રંદ કરે છે માં.. હવે તમે જ કઈ કરો!" એક પ્રમુખ સેવકે કહ્યું. " શું?? આ કેવી રીતે શક્ય છે! મારા ભક્તો પર આટલું મોટું સંકટ! હે માઁ આ બધું કેમ? શું કમી હતી મારી અને મારા ભક્તોની ભક્તિમાં! મને શક્તિ આપો કે હું તેમનું રક્ષણ કરી શકું."બોલી શુભાંગીની દોડીને બહાર ચોગાનમાં આવ્યા.બધા ભકતો આ જોઈ “ માં મા રક્ષા કરો અમને બચાવો” ની બૂમો પાડવા લાગ્યા . શુભાંગીની પણ જાણે ખૂબ ચિંતામાં આવી ગઈ હોય એવો ડોળ કરવા લાગી. શુભાંગીની જોરથી એલાન કરવા લાગી, " નગરજનો, ગભરાવાની જરૂર નથી. મહા પ્રસદીમાં કઈ ભળ્યું લાગે છે. જેનાથી સૌની આ હાલત થઈ છે! પણ ચિંતા ના કરો હવે હું ઉપસ્થિત છું. આપણે મા શકામ્બરીની આરાધના કરી છે!માં જરૂર કોઈ રસ્તો બતાવશે. હું હમણાં જ માં સાથે વાત કરી કાંઇક કરું છું. ત્યાં સુધી મન અને શરીર શાંત રાખવા પ્રયત્ન કરો અને મા શકામ્બરી નું ધ્યાન કરો. અને ધ્યાન રહે મારા અને મા શકામ્બરી વચ્ચેના સમયમાં મંદીરમાં કોઈએ આવું નહીં. અહીં ચોગાનમાં જ રહેવું. આવું કહી શુભાંગીની ઝડપથી મંદીરમાં જતી રહી. શૈલજા શુભાંગીનીની યોજના અમુક હદ સુધી સમજી ગઈ હતી પણ કાંઈ કરી શકે તેમ નહોતી. સ્વર્ણિમ અને નિષ્ઠા નિત્યા પાસે હતા. થોડી વાર થઈ શુભાંગીની એક તગારામાં કઈ પ્રવાહી લઈ બહાર આવી અને સેવકોને બોલાવ્યા. થોડી વાર સમજાવ્યા પછી તગારામાં કઈ ભૂકો ભેળવ્યો. સૌ બીમાર ભક્તો જોયા કરતા હતા. છેવટે શુભાંગીની ઉભી થઈ અને સાથે બધાં સેવક પણ ઊભા થયા. અનેક પ્યાલા ભરાયા અને લોકોને એ પ્રવાહી પીવડાવવા લાગ્યા. શુભાંગીની પોતે પણ કેટલાક પ્યાલા ભરી ઔષધિ બીમારોને પીવડાવવા લાગી! શૈલજા બધો તમાશો જોયા કરતી હતી. થોડી વારમાં લગભગ બધા બીમાર થયેલાઓને ઔષધી અપાઈ ગઈ. થોડી વાર શુભાંગીની એ બધાને આંખો બંધ રાખવા અને મા શકામ્બરી નું ધ્યાન કરવા કહ્યું. વાસ્તવમાં એની કઈ જરૂર નહોતી પણ પોતાનું નાટક વધારે અસરકારક બનાવવા એણે આમ કહ્યું. છેવટે આશરે અડધો કલાક પછી બધાને રાહત જણાવા લાગી. ઉલ્ટીઓ શાંત થવા લાગી, માથાના સણકા ઓછા થવા લાગ્યા. નિત્યા પણ થોડી ભાનમાં આવી અને સ્વસ્થ થઈ. એટલે સ્વર્ણિમના જીવમાં જીવ આવ્યો. શુભાંગીનીનો અસલી દાવ હવે શરૂ થવાનો હતો. ધીરે ધીરે સૌ સ્વસ્થ થતાં ઊભા થઈ મંદિરમાં દાખલ થયા, અને માં ની મૂર્તિને પગે લાગ્યા. શુભાંગીની પોતાના સ્થાને ગઈ. શુભાંગીની એ કહ્યું, " તમે બધા સ્વસ્થ છો એ જોઈ મને અત્યંત આનંદ થઈ રહ્યો છે. મારી પ્રાર્થના ફળી." શૈલજા એને તાકીને જોઈ રહી હતી. લોકોના મતે તો આ મા શુભાંગીની નો ચમત્કાર હતો! આખું મંદીર ' માં શુભાંગીની ની જય'ના જયનાદ થી ફરી ગૂંજી ઉઠયું! જયનાદ તો રોજ થતો હતો પણ આજનો જયનાદ જાણે શુભાંગીની ના વિજયનું ગીત ગાતો હતો. જયનાદ સમયે શૈલજા અને શુભાંગીનીની નજરો મળી અને શુભાંગીનીની આંખોમાં અને ચહેરા પર વિજયના ભાવ સ્પષ્ટ હતા પણ હજી આટલું પૂરતું નહોતું. શૈલજાનું સંકટ તો હવે શરૂ થવાનું હતું. છેવટે લાંબા સમય પછી શુભાંગીની એ જયનાદ શાંત કર્યો. અને પછી આ બધા ચમત્કારનો શ્રેય મા શકામ્બરી ને આપ્યો. હું તો માત્ર નિમિત બની છું…વગેરે પોતાની મહાનતા દર્શાવતા વાક્યો કહ્યા. એટલામાં કોઈ ત્યાંથી બોલ્યું," પણ મા આ બધું થયું કેવી રીતે!? આજ સુધીના કોઈ પણ ઉત્સવમાં ક્યારેય આવું નથી થયું!આટલો મોટો અનર્થ! કેમ માં?? " આ સાંભળી શુભાંગીની હરખાઈ ગઈ. કેમ કે એને આજ જોઈતું હતું કે કોઈ આવું બોલે! જોતજોતામાં બધા લોકોમાં આજ વાત થવા લાગી કે આવું થયું કઈ રીતે! છેવટે શુભાંગીની બોલી," શૈલજા આ બધો કારભાર તો તું સંભાળે છે ને? પણ આ કેવી રીતે શક્ય છે! તારાથી તો આટલી મોટી ભૂલ થાય જ નઈ! " શૈલજા આ સાંભળી ડઘાઈ ગઈ... " તારા કામમાં ભૂલ કેમની થાય? તું તો કેટલી ચોકસાઇ થી કામ કરે છે! તો પછી આ બધું શું થઈ ગયું આજે! ક્યાં ગફલત થઈ ગઈ? " શુભાંગીની વાતને હવા આપતા બોલી. શૈલજા અત્યંત ચિંતિત થઈ." માં આ વિશે હું કઈ નથી જાણતી! મને કશી ખબર નથી " શૈલજાએ ધીમા સ્વરે કીધું. પણ શુભાંગીની એ કરેલી ચીનગારી પવનવેગે આગ બની મંદિરમાં ફેલાઈ ગઈ. સૌ લોકો વાતો કરવા લાગ્યા કે જો શૈલજા જ બધું સંભાળતી હોય તો બધાની જવાબદાર પણ એજ છેને!બધાં શૈલજા પર શબ્દોથી ફિટકાર વરસાવવા લાગ્યા. શૈલજા આ બધું જોઈ ખૂબ દુખી થઈ રહી હતી પણ કઈ કરી શકે તેમ નહોતી. હાથ જોડીને કહી રહી હતી કે પોતે કઈ નથી કર્યું પણ કોઈ સાંભળવા તૈયાર નહોતું. આ સમયે શુભાંગીની સામે જોતા શુભાંગીનીએ વ્યંગમાં હાસ્ય વેર્યું. શૈલજા મનમાં બોલી મે ક્યારેય નહોતું વિચાર્યું કે તું આટલી હદે નીચે ઉતરી જઈશ શુભાંગીની! જે લોકો આજસુધી શૈલજા ના વખાણ કરતાં થાકતા નહોતા એ લોકો જ આજે શૈલજા પર આરોપ મૂકી રહ્યા હતા. શૈલજાને પોતાનું વર્ષોનું સમ્માન ધૂળમાં જતું દેખાઈ રહ્યું હતું. છેવટે શુભાંગીની એ સૌને શાંત કર્યા. " સૌ શાંત થાઓ! હું જાણું છું કે શૈલજાથી જે ભૂલ થઈ છે એ બહુ મોટી છે પણ હું તેને માફ કરું છું!" શુભાંગીની આટલું જ બોલી ત્યાં તો આખા મંદિરમાં ઉહાપોહ મચી ગયો. શુભાંગીની જાણતી હતી કે તે માફ કરવાની વાત કરશે તો લોકો વધારે ઉશ્કેરાશે. અને એવું જ થયું. સૌ જોરશોરથી શૈલજાને સજા આપવાની વાત કરવા લાગ્યા. કેટલાક ગામનિકાલ ની સજા આપો, તો કેટલાક કારાવાસની સજા કરો, તો કેટલાકે મોં કાળું કરવાની અને કેટલાકે તો અંગારા પર ચલાવાની વાત કરી!! એક એક શબ્દ શૈલજાના સ્વમાન પર પ્રહાર કરતા હતા. શુંભાંગીની જાણતી હતી કે તે દિવસે સૌ સામે સ્વર્ણિમને આપેલા વચન ને લીધે એ શૈલજાને શારીરિક કે આર્થિક નુકસાન કરી શકે તેમ નહોતી પણ શૈલજા માટે એ બધા કરતાંય વધારે મહત્વ આત્મગૌરવનું હતું જેને આજે ખૂબ ઊંડી ઠેસ પહોંચાડી હતી. શૈલજાની આંખોમાં પાણી આવી ગયું અને શુભાંગીનીના ચહેરા પર સ્મિત છવાઈ ગયું. હવે શુભાંગીની અંતિમ દાવ રમવાની હતી. બધાને શાંત કર્યા અને કહ્યું કે, " શૈલજાએ આખા મંદીરની વર્ષોથી સેવા કરી છે અને એ પણ સારી રીતે. એના આપ સૌ સાક્ષી છો. અને એ મા શકામ્બરી ની પ્રિય ભક્ત છે એટલે એની એક ભૂલ બદલ આવી અંગારા પર ચાલવાની કે ગામનિકાલ ની સજા ના આપી શકાય અને હું તો તેને માફ કરવા સજ્જ જ છું પણ તમારા અતિશય આગ્રહને લીધે હું તેને પંદર દિવસ માટે પ્રમુખ પદે થી નીસ્કાષિત કરું છું અને મંદિરમાં પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકું છું. " શુભાંગીની ની વાત સાંભળી સૌ સંતુષ્ટ થયા અને ફરીથી જયજયકાર થઈ ગયો. શુભાંગીની એ એક કાંકરે ત્રણ પક્ષી માર્યા હતા! શૈલજાનું બધું સ્વમાન, બધી આબરૂ ના કાંકરા કરી નાખ્યા, તેને માફ કરવાની વાત કરી લોકોમાં મહાન બની ઉપરાંત લોકોના નામે એને સજા પણ આપી દીધી! અને લોકોને સાજા કરીને ઇશ્વરતુલ્ય બની જાય છે એ તો અલગ જ!! છેવટે શૈલજાએ સૌની માફી માંગી, શુભાંગીની ને પણ પગે લાગવું પડયું. એક એક ક્ષણ તેને ડંખી રહ્યો હતો પણ ઉહકારો પણ નીકળતો નહોતો. સૌ નગરજનો રવાના થયા. શૈલજા પણ જઈ રહી હતી પણ શુભાંગીની એ અટકાવી. બંને એકાંત માં હતા. "કેવી લાગી સરપ્રાઇઝ શૈલજા?" શુભાંગીની અટ્ટહાસ્ય કરતા બોલી. " મારી.. મારી માફી મંગાવી હતીને પેલી બે બદામની વૈભવી પાસે! જો આજે આખા નગર સામે શું દશા થઈ તારી!" શૈલજા બોલી "મેં ક્યારેય નહોતું વિચાર્યું કે તું આટલી મેલી રમત રમીશ. મને નીચું દેખાડવા આખા ગામનું સ્વાસ્થ્ય જોખમમાં મૂક્યું તેં!પોતે જ ઝેર ભેળવ્યું અને પોતે જ મારણ પણ તૈયાર રાખ્યું હતુંને તે?!" " કેટલી સમજદાર છે તું શૈલજા! મને કોઈની પરવા નથી.. એ લોકોમાંથી કોઈ મરી પણ જાત તો મને શું? જવાબદાર તું જ રહેત ને!" ફરી શુભાંગીની હસીને બોલી. " આજે ભલે તારો વિજય થયો હોય પણ એક દિવસ જરૂર માં શકામ્બરી તારો ચહેરો આખા નગર સામે લાવી દેશે અને એવું બહુજ જલ્દી થશે!" શૈલજા ચેતવીને જતી રહી. અને શુભાંગીની વિજય ના મદમાં હસતી રહી...

*****


થોડા દિવસ પછી જ્યારે સ્વર્ણિમ નિષ્ઠાના ઘેર જાય છે ત્યારે તે શુભાંગીની ને થોડી પરેશાન જુએ છે અને શુભાંગીની જ્યારે ઘરની બહાર નીકળે છે ત્યારે સ્વર્ણિમ અને શૈલજા એનો પીછો કરે છે અને પછી જે જુએ છે એ જોઈ બંને ના પગ નીચેથી જમીન સરકી જાય છે!!!

હર્ષિલ શાહ અને અભિષેક ત્રિવેદી