Taari ek aash books and stories free download online pdf in Gujarati

તારી એક આશ

તારી એક આશ

Part 2.

હર્ષદ ચૌહાણ.

કાળ સમક્ષ કોઈની ભલામણ નથી ચાલતી. એ તો અવિરત આગળ ધપે જ જાય છે. સમય ક્યારેક ઘવાયેલા ઘાને વધુને વધુ વણસાવી દર્દ આપતા જાય, તો ક્યારેક એ ઘાનાં દર્દને અમુક અંતરાલે દૂર કરી ઘાને વિસરાવી પણ દે છે. પછી એ ઘા શરીરનાં હોય કે હૈયાનાં. દર્દનું પ્રમાણ વધારવું કે ઘટાડવું, એનું ઉત્તરદાયિત્વ આપણી નિયતિ અને કાળ લે છે. શરીરનાં ઘા રુજાયા બાદ તેનું દર્દ આપણે વિસરી જઈએ છીએ. પણ હૈયાનાં ઘા ક્યારેય રુજાતા નથી, અને સ્મૃતિપટ્ટ પરથી એનું દર્દ ક્યારેય ભૂંસાતું નથી. ક્યારેક એ સ્મૃતિ જાગૃત થતાં ઘા ફરી તાજા થઈને ફરી દર્દને જીવંત કરી જાય છે.

બે દિવસ વીતી ગયાં. સતત ગાઢ નિંદ્રામાં પડેલી ચેતનાનું શરીર ધીરે ધીરે સક્રિય થવા લાગ્યું. મસ્તિષ્ક ધીરે ધીરે જાગવા લાગ્યું, જાણે કોઈ અફીણીનું અફીણ ઓસરવા લાગ્યું હોય તેમ નિંદ્રા નબળી પડી. સંઘર્ષતાવશ ચેતનાએ આંખો ખોલી. શરૂઆતમાં ધૂંધળી થયેલ દ્રષ્ટિ ધીરે ધીરે સ્વચ્છ થઈ. ખુદને એક પ્રકાશિત,સ્વચ્છ અને શાંત ઓરડામાં ભાળે છે. બેડની બાજુમાં ઉભેલી એક નર્સ હાથમાં કાગળિયા તપાસે છે. ચેતનાને કંઈક અજુગતું લાગ્યું. કંઈ ગમ ન પડી. મનમાં કંઈ સ્પષ્ટ નથી થતું. બેડની બીજી તરફ ચેતનનાં મમ્મી ઈશ્વરને હૈયું ભરી આભાર વ્યક્ત કરી રહ્યા છે. એની દીકરીના રક્ષણ માટે આંખો મીંચી કંઠે ઈશ્વરનું નામ લઈ પ્રાર્થી રહ્યા છે.

માથે અને હાથમાં અનેક પટ્ટીઓ વીંટળાઈને પડી છે. મનમાં બેઠા થવાનો એક નિર્ણય લીધો, થોડું બળ એકઠું કરી ઉભા થવાની કોશિશ કરી. પરંતુ શરીરમાં દર્દનો એક સણકો ચડ્યો અને પ્રયત્ન હારી. ચેતનાને ભાનમાં જોઈને નર્સ તુરંત ડોક્ટરને બોલાવી લાવી. આવતા જ ડોક્ટરે ચેતનાની નાડી તપાસી. અને બીજી તપાસ કરી. ચેતનાના મમ્મીના ચહેરે એક ખુશી સાથે થોડી ચિંતા પણ ચડતી જણાઈ.

" બધું જ નોર્મલ છે. કઈ ચિંતાજનક નથી. "ડોક્ટરે રિપોર્ટ ખોલી જણાવ્યો. "માથું પટકાવાથી જમણી તરફ પાછળ એક ઊંડો ઘા લાગ્યો છે. જે રુજતા થોડો સમય લાગશે.અને ડાબા હાથે એક ફેક્ચર છે. એ હાથની પૂરી કાળજી લેવી પડશે. બીજી નાનીમોટી થોડી ઈજાઓ થઈ છે. અને હા,ખરેખર એ તમારા નસીબ કે તમને સમયસર અહીં પહોંચાડવામાં આવ્યા. નહીં તો વધુ લોહી વહી જવાથી સિચુએશન વધારે સિરિયસ બની હોત. પાંચ દિવસ પછી તમે ડિસ્ચાર્જ થઈ શકશો." ડોક્ટરના આ શબ્દોથી ચેતનાના મમ્મીના અંતરે એક હાશકારો પ્રસરી ગયો. નર્સ સાથે કંઈક વાત કરી ડોક્ટર બહાર નીકળી ગયા.

"ચેતના બેટા, તું ઠીક છે ને ?" એક માનાં ચિંતિત અને લાગણીભર્યા શબ્દો ચેતનાને કાને પડ્યા. સુતા સુતા જમણી બાજુ નજર ફેરવી અને પોતાની મમ્મી તરફ જોયું અને એક હળવું સ્મિત કર્યું. એ સ્મિત ભાળતા જ જાણે એ માનાં હૈયે ટાઢક પ્રસરી ગઈ. "હે ઠાકર, મારી દીકરીની રક્ષા કરી એની હું હંમેશા ઋણી રહીશ. હે દ્વારકાધીશ, તારા ઉપકારને હું ક્યારેય નહીં ભૂલું." એક માંએ પોતાના સંતાનની રક્ષા ખાતર ઈશ્વર સમક્ષ કૃતજ્ઞતા વ્યક્ત કરી. અને ઈશ્વરે એ કૃતજ્ઞતા હોંશે હોંશે સ્વીકારી.

આખરે એ રાત રાહતભરી વીતી. સૂરજે ક્ષિતિજ પર ડોકિયું કર્યું અને સવારની મીઠી ઠંડકથી વાતાવરણ આહલાદક થયું. હોસ્પિટલની કાચની બારીમાંથી સૂરજનાં કિરણો બિન્દાસ્ત અંદર પહોંચ્યા. પરંતુ ચેતના માટે હજુ સવાર નથી થઈ. ચેતનાના મમ્મી ચેતના ઉઠે એ પહેલાં જ હવેલી એ જઈ પ્રસાદ લઈ આવી બેડની બાજુમાં બેઠા છે. આખરે ચેતના ઊંઘથી આઝાદ થઈ. સવારનો મીઠો તડકો ગોઠણથી પગની આંગળીઓ સુધી રેલાયો છે. થોડો સહારો લઈ બેડ પર બેઠી થઈ.

"બેટા તું ઠીક છે ને ? કોઈ તકલીફ થતી નથી ને?" આખરે એક માનું હૈયું સંતાન ખાતર તો ધબકતું હોય છે. જ્યાં સુધી સંતાન ન સુખી, ત્યાં સુધી એક માં કેમ સુખી રહી શકે.

"ના." કહી ચેતના થોડી અટકી. "હું ઠીક છું." કહી ચેતનાએ મૌન લીધું.

"બેટા તું આજે અહીં સલામત છો એનું કારણ ખબર છે?" ચેતનાએ પ્રસાદ ચબાવતા માથું ધુણાવી ખુદની અજાણતા દર્શાવી. 'બેટા, એ તારા બાપુજીના કર્મ તને ફળ્યા. એણે જીવતાતો કેટલાયનું ભલું કર્યું. ક્યારેય કોઈને દુઃખી નથી કર્યા. બટા, જ્યારે તું ત્રણ વરહની હતી ત્યારે એને આપણા ગામના હરેક ભૂખ્યા ભિખારીને ત્રણ દિ સુધી જમાડયા હતા. એ કોઈને દુઃખી ન જોઈ શકતા. તારે માટે એને ઘણું બધું કરવું હતું. પણ ઠાકરને તારા બાપુજીની વધારે જરૂર ત્યાં પડી હશે. બટા, એ ભલે આજે હયાત ન હોય, પણ એતો બાળપણથી જ તારી સાથે છે. તું ક્યારેય ખુદને એકલી ન સમજતી. ઠાકર બધું જ ઠીક કરશે. જ્યોત્સના બેનની વૃદ્ધ આંખો ભીંજાવા લાગી. એક દીકરીને આજે પિતાની પરલોક હાજરીનો સહારો મળ્યો. ત્યાર બાદ બંને બચપણની વાતમાં ખોવાઈ ગયા.

એટલામાં જ ખૂબ જોરથી દરવાજો ખોલી નર્સ અંદર આવી. બંનેની વાતો ત્યાંજ રોકાઈ. બેડ પાસે આવી ટેબલ પર દવાઓ મૂકીને ચેતનાની નાડી તપાસવા લાગી. પણ અહીં ચેતનાના મનમાં અનેક સવાલોએ અસ્તિત્વ માંડ્યું. મનની મૂંઝવણો દૂર કરવાનું નક્કી કર્યું.

"સિસ્ટર, એક વાત જણાવશો ?" નર્સ તરફ જોઈ હળવા અવાજે બોલી.

"યસ મિસ, પૂછો."

"મને અહીં કોણ લાવ્યું ? અને આ વાગ્યું કેવી રીતે ?"

"તમને ખરેખર યાદ નથી...?"

ચેતનાએ કોઈ જ જવાબ ન આપ્યો. પરંતુ નર્સ ચેતનાના મૌનને ભણી ગઈ. અને ચેતનાની મૂંઝવણ દૂર કરી.

" મિસ, તમારું એક્સિડન્ટ થયું હતું, કાર જોડે. અને તમે ત્યાં જ બેભાન થઈ ગયા. તમે લકી છો કે તમને અહીં ઝડપથી પહોંચાડી દીધા. નહિ તો આફત આવી પડી હોત. "

"સિસ્ટર, પણ અહીં લાવ્યું કોણ?" ચેતનાના મમ્મીએ આતુરતાપૂર્વક પૂછ્યું.

" એ કોઈ......... તેવીસ ચોવીસ વરસ આસપાસનો યુવાન હતો. મિસને ખુબજ ઝડપથી અહીં લાવ્યો. ખુબ ચિંતામાં પણ હતો. તુરંત ડોક્ટરને સારવાર કરવા કહેવા લાગ્યો. કંઈક અજીબ જ હતો એ વ્યક્તિ..! જ્યારે ખુદને વિશે પૂછ્યું તો કહે, હું એને એટલે કે તમને ઓળખું છું. બસ, આટલું જ કહી બીજી કોઈ જ ઓળખ ન આપી. નામ પણ નહીં. અને છેલ્લે તમારા ઘરે જાણ કરી દેવાનું કહી તુરંત નીકળી ચાલ્યો. કંઈક અજીબ જ હતો એ...! "

આટલું કહી નર્સે ચેતનાને બેડ પર શરીર લંબાવવા કહ્યું.ચેતનાને હળવેકથી બેડ પર શરીર ઢાળી આરામ લીધો. અને નર્સ બીજા પેશન્ટ પાસે ચાલી ગઈ. "બેટા, એ જે કોઈ પણ હોય. પણ મારે માટે તો એ ઠાકર જ છે જે તને સમય પર અહીં લાવ્યો." ચેતનાને ચાદર ઓઢાડતા મમ્મીએ કહ્યું. પરંતુ ચેતના દિમાગને જોર દઈ રહી હતી એ વ્યક્તિનો ચહેરો યાદ કરવા. પરંતુ જેમ દરિયા કાંઠે રેતીમાં રચાયેલ ચિત્ર મોજાંની એક તરંગે વિખેરાય, તેમ ચેતનાના માનસપટ્ટ પરથી ઘણું બધું ભૂંસાઈ ગયું હતું. ખોવાયેલી સ્મૃતિ ન જડી. મન ખંખોળ્યું. આખરે પ્રયાસ હારી.થોડીવાર બાદ કોલેજની સહેલી મિતાલી ત્યાં ચેતનાને મળવા આવી પહોંચી. "ચેતના, આ કેમ થયુ? મને કાલે રાત્રે ખબર પડી કે તારું એક્સિડન્ટ થયું છે. એટલે તુરંત મળવા આવી. અત્યારે ઠીક છો ને..? "

પરંતુ ચેતના તો વિસામણમાં મુકાઈ. જાણે કોઈ અજાણ્યું જ સામે ધસી આવ્યું હોય. મમ્મીએ ઓળખ આપી છતાં ન ઓળખી શકી. ડોક્ટરના એક પરીક્ષણ બાદ જાણવા મળ્યું કે ચેતના તેના ભૂતકાળની અમુક બાબત અને અમુક ચહેરાઓ ભૂલી ચુકી છે. સ્મૃતિની અમુક રેખાઓ ભૂંસાઈ ચુકી છે. ચેતનાએ સુવર્ણ પળો ગુમાવી કે અંધારી પળો..?, નજીકના ચહેરા ભૂલી કે દૂરના..?, એ તો એની નિયતિ જ જાણે. આપણું નિમિત્ત ક્યારે શું લઈ આવે કે શું છીનવી જાય એ તો નિયતીને ઘડનાર જ જાણે. આ માનવ દેહ ભોગવી તો શકે, પણ પારખી ન શકે.

ચેતના જ્યોત્સનાબેનનું એક જ સંતાન અને બીજો શ્વાસ. ચેતનાને જીવનદાન અપાવનાર એ વ્યક્તિને મળવા જ્યોત્સનાબેન અત્યંત આતુર હતા. આ જગતે એકમાત્ર પોતીકું એવી ચેતનાને બચાવનારના એ દિલથી ઋણી હતા.ચેતના નવ વર્ષની હતી ત્યારે જ પિતાએ આ માયાવી જગતથી શાશ્વત વિદાય લીધી. સફેદ સાડલો અપનાવીને પણ જ્યોત્સનાબેને ચેતનાને મોટી કરી, ભણાવી. પરવરીશને પુરી નિષ્ઠાથી નિભાવી. સંસ્કાર સીંચ્યા. સત અસતની પરખ કરાવી. પ્રમાણિક્તાને ચેતનાની સખી બનાવી. એક માનું કર્તવ્ય પુરી નિષ્ઠાથી નિભાવ્યું. જવાબદારીઓ માથે લઈ ચેતનાના ભવિષ્યને આકાર આપવા શિક્ષણ અપાવ્યું. અને ચેતનાએ પુરી ખંતથી વિદ્યા મેળવી. મહેનત કરી કરી આગળ વધી. નસીબથી મહેનત નથી બનતી, મહેનતથી નસીબ ઘડાય છે. ઈશ પણ ચેતનાને કુશળતા અને સમજણશક્તિ ભેટ કરી ગયો. અમદાવાદની સારી એવી કંપનીમાં જોબ કરીને દરેક આર્થિક તંગીઓ દૂર કરી. મહત્વાકાંક્ષી દ્રષ્ટિ સાથે સફળતાનાં પથને સર કરવા લાગી. અને એક માનું હૈયું દીકરી પામી ગર્વિત થવા લાગ્યું. કેમ ન હોય..! એક દીકરીએ દીકરો નહિ પણ દીકરી બનીને તમામ જવાબદારીઓ માથે લીધી.

જક્કી સમય પણ અણધારી વેગે આગળ ધપે જાય છે. સમય ભૂલી ગયેલાને પાછળ છોડી જાય છે, જ્યારે સમયનું ભાન રાખી જીવતાને જગત જીતાવી જાય છે. ખરો મતલબી છે આ સમય..! ચેતનાનું શરીર દિનપ્રતિદિન સબળ થવા લાગ્યું. મહિનાઓ વીત્યા. દર્દ ઓસરવા લાગ્યું. ઘા ભરાયા અને જિંદગી થાળે પડી. ભૂતકાળ ભૂતકાળમાં જ થીજી ગયું અને ભવિષ્ય હાથ ફેલાવી રાહ જોવા લાગ્યું. ચેતના હર્ષભેર જીવવા લાગી.

આજે ઓફીસનો પ્રથમ દિન છે. " ચેતું બેટા." રસોડામાંથી જ્યોત્સનાબેને ચેતનાને વિનવ્યું. " હવે તારે કોઈ જ વાહન લઈ ઓફિસે જવાનું નથી. રોજે બસમાં જ જવાનું છે. સમજી બેટા...?"

" ઓકે મમ્મી, હું બસમાં જ જઈશ. બસનો ટાઈમ થવા આવ્યો છે. ટિફિન તૈયાર છે ને ?" આજે થોડી ઉતાવળમાં હતી.

"હા. જો ટેબલ પર મૂક્યું. બેટા, ધ્યાનથી જજે. અને ઠાકરને પગે લાગતી જા"

" ઓ....કે. તમે ચિંતા નહીં કરો. હું ધ્યાન રાખીશ." ઘરનાં મંદિરે એક નમન કરી, ખભે પર્સ અને ટિફિન લઈ તે ઓફિસે જવા નીકળી. ઘરની નજીક આવેલા ભીડભંજન બસ સ્ટોપે આવીને બસની રાહ જોવા લાગી. બસ આવી અને સમયસર ઓફિસે પહોંચી. મન થોડું ચિંતિત જણાતું હતું. સૂક્ષ્મ ડર પણ વાંરવાર ઉછળતો જણાયો.

ઓફિસે પહોંચતા જ તમામ ક્લીગ્સે ચેતનાનું હરખભેર સ્વાગત કર્યું. સાથે કામ કરતા દરેક એમ્પ્લોયર્સે ચેતનાને શુભેચ્છાઓ પાઠવી. અંતરનો ડર બે પળમાં બાષ્પ થયો અને હૈયે થોડો હરખ આવ્યો. આત્મવિશ્વાસ સાથે થોડી હિમ્મત પણ આવી. સૌ કોઈએ 'વેલકમ બેક' કહ્યું. પરંતુ થોડે દુર પોતાની ઓફિસની કોરે ઉભેલો પચાસેક ન્યૂ યર જોયેલો બોસ, કંઈક મોં ચડાવીને આ સ્વાગતમ સમારોહ જોઈ રહ્યો હતો. જાણે ચેતનાનું આગમન તેને ફળ્યું ન હોય. ચેતનાની નજર બોસ પર પડી. તુરંત જ એ નિર્દોષ હરખહસી ખામોશ થઈ ગઈ. દરેકને ધન્યવાદ પાઠવી પોતાનું કેબીન સાંભળ્યું અને કામે વળગી પડી.

બે ઘડી બાદ એ બોસ ફરી પોતાનું કાયમી ચડેલું મોં લઈ ચેતના તરફ આવ્યો. કેબીન પાસે આવી કઠોર અવાજે બોલ્યો, "ચેતના....." ચેતનાએ ડરભરી આંખે ઉપર જોયું. "ચેતના, આપણે ઘણા સમયથી હાજર ન હતા. અને કામ પણ થોડું વધી ગયું છે. તારે એટલે હવે થોડું વધારે કામ કરવું પડશે. મને ફરિયાદનો મોકો ન મળવો જોઈએ. ઇઝ ધેટ ઓ.કે..?" બોસના આ કઠોર શબ્દોએ હૈયાના હરખને ત્યાં જ વેધી માર્યો. અંતમાં દબાતા સ્વરે કહ્યું," ઓ.કે સર."

ચેતના કોઈ સામાન્ય એમ્પ્લોય નહતી. કુશળતા અને સમજદારી તેને આ તકલીફમાંથી જરૂર પાર ઉતારશે. ધીરે ધીરે કામ હળવું થવા લાગ્યું. ફરી એ સામાન્ય દિવસો સમીપ આવા લાગ્યા. ભૂતકાળ જાણે ભૂતકાળમાં જ થોભી ગયું હોય તેમ દિવસો ફરી આગળ ધપવા લાગી. જાણે સપનાઓ સાકાર કરવા ફરી સજ્જ થઈ ગઈ. બોસનું ચડેલું મોં, ટાઢીયા તાવની જેમ ધીરે ધીરે ઉતારવા લાગ્યું. ચેતનાએ આખરે પોતાનું જૂનું સ્થાન હાંસિલ કરી લીધું.

આજે ફરી એક સામાન્ય દિન ઊગી નીકળ્યો. દિવસનો ફરી એ જ જૂનો ક્રમ. જાણે કોઈએ સ્વીચ શરૂ કરી હોય અને ચારેકોર કામ કરતા રોબોટ નીકળી પડે તેમ ઉઠી ઉઠી લોકો ધંધે નીકળી પડ્યા. બાઇક અને કારો સડક પર ઉભરાવા લાગ્યા. બસ સ્ટોપ પર, જાણે પુરથી ફસાયેલ બદનસીબ જેમ નાવની રાહ જોવે તેમ, એક દિનરૂપી ભવ પાર પાડનારા બસની રાહ લોકો જોવા લાગ્યા.

ચેતના માટે પણ આ એક સામાન્ય દિન. ફરી એજ બસ સ્ટોપ પર એ જ બસની રાહ જોઈ રહી છે.

"હેય, ચેતના...." પાછળથી કોઈ હળવા અવાજે બોલ્યું. પાછળ ફરી જોઉં તો હોસ્પિટલની એ નર્સ ઉભી હતી. ચેતના નર્સ પાસે ગઈ. "હાઈ સિસ્ટર. હાઉ આર યુ? તમે અહીં..!"

" હા. હું દરરોજ આ બસસ્ટોપ પરથી જ જઉં છું. પણ આજે બસ થોડી લેટ છે એટલે."

"ડોન્ટ વરી. હમણાં જ મારી બસ આવશે. તમે એમાં હોસ્પિટલ પહોંચી જશો. ટાઈમ થઈ ગયો છે."

" હાથમાં કેમ છે હવે? કોઈ દુખાવો નથી થતો ને ?" નર્સે પોતાની કામની નિષ્ઠા દાખવી.

"ના. કોઈ જ દુખાવો નથી. પહેલાની જેમ જ સાજો થઈ ગયો છે. "

"સારું....સારું. ટેક કેર.." બંને વાતોમાં ગુંચવાયા. સમય પસાર કરવા બન્નેને સથવારો મળ્યો. થોડી ક્ષણો વીતી. પરંતુ આજે બસો થોડી વધુ જ મોડી લાગે છે. નોકરિયાતોને પોતાની ઘડિયાળ થોડી વધુ ગતિમાન લાગવા લાગી. ચેતના અને નર્સ વાતો કરવામાં મશગુલ થઈ ગયા. આખરે બસ આવી. નોકરિયાતો એક પળ પણ ન વેડફાય તેમ ધક્કા મુક્કી કરી બસ પર જાણે આક્રમણ માંડ્યું હોય તેમ ચડવા લાગ્યા. ચેતના અને નર્સ પણ હડપ કરી ચડી ગયા. બસ અંદર બે સીટ ખાલી દીઠી. નર્સનો હાથ પકડીને ચેતનાએ તુરંત એ સીટોને વિજયી કરી. ચશ્માં ઠીકઠાક કર્યા અને બસની એ નાની સફરે ફરી બંને વાતો એ ચડ્યા. બારીએ બેઠેલા નર્સ પણ ચેતનાને સલાહ સૂચનો આપવા લાગ્યા.

બસ રોડના ટ્રાફિકને ચીરીને પોતાની મંજિલ આંબવા દોડવા લાગી. એ ખીચોખીચ બસમાં સીટ મળવી એ પણ શહેરમાં બચી ગાયેલા બે ચાર બગીચાઓની જેમ દુર્લભ છે. ટિકિટ અને બસપાસોની ચકાસણી થઈ. મંજિલ સુધીનું અડધું અંતર કપાઈ ગયું. પરંતુ અચાનક સિસ્ટરને બારી બહાર કોઈક દેખાય છે. તુરંત ચેતનાનો હાથ પકડી બોલી પડ્યા, " ચેતના... જો પેલો જાય..!!"

" કોણ ?" ચેતના કઈ સમજી નહીં.

" અરે પેલો, જે બ્લુ શર્ટમાં અને ખભે બેગ નાખીને જાય. ત્યાં..." સિસ્ટરે ચેતનાને બારી બહાર આંગળી વડે નિર્દેશ કર્યો. અધીરાઈ સાથે આંખો બારી બહાર આમતેમ ફરવા લાગી. આખરે ચેતનાની નજર એ વ્યક્તિ પર સ્થિર. પરંતુ બસની ગતિ તો અસ્થિર હતી. ધીરે ધીરે બસ આગળ ધપવા લાગી. એ વ્યક્તિ પાછળ છૂટવા લાગ્યો. પરંતુ ચેતનાની નજર એ વ્યક્તિને પકડી રાખવા મથી રહી છે. અંતર આતુરાઈ આણી અધીર થવા લાગ્યું, "પ્લીઝ બસ. ઉભી રહી જા.. પ્લીઝ...પ્લીઝ.." પરંતુ અધીર મનને ડ્રાઈવર કેમ ભાંખે. અચાનક એક ઝટકાથી ઉભી થઈ અને મશગુલ ડ્રાઈવર તરફ બૂમ પાડી," ઓ...ડ્રાઈવર બસ રોકો. ઓ..ડ્રાઈવર કાકા, બસ રોકો... પ્લીઝ."

ચેતનાની અધીરાઈ ડ્રાઈવરને કાને પડી. બસ રોકાઈ. બેગ ખભે નાખી ઉતરવા જતા સિસ્ટરે હાથ પકડી રોકી, "ક્યાં જાય છે? એ તો ક્યાંય પાછળ રહી ગયો. તારે જોબ પર મોડું થશે." ચેતના સેકન્ડભર થોભી. પરંતુ દૂરથી દેખાયેલ એ વ્યક્તિ નજર સમક્ષ ચમક્યો. "ડોન્ટ વરી સિસ્ટર. હું પહોંચી જઈશ.." કહી તુરત જ એ બસ પરથી ઉતરી ગઈ અને બસ પોતાની મંજિલ તરફ નીકળી ચાલી. નિયતીનો ખેલ પણ અજબ છે. કોને ક્યાં અને ક્યારે ભેટો કરાવી દે એ તો નિયતીનો ઘડનાર એ કુંભાર જ જાણે.........

ક્રમશઃ part 3