Tu khinch meri photo books and stories free download online pdf in Gujarati

તું ખીંચ મેરી ફોટો

તું ખીંચ મેરી ફોટો

Patel jigna

“બારીના બે સળિયા વચ્ચેથી”

ચાંદીના વરખ જડેલા ગોળ ખડિયાના પેટમાં પડેલ કાળી ભમર શાહીમાં પીંછી ડુબાડીને ધારદાર કાંઠા સાથે ઘસીને અતિ નાજુકતાથી કોરા કાગળ પર લખેલો ‘ક’ કલમનો ‘ક’ જેટલો કાળો લાગે એવી કાળી રાતમાં બહુમાળીની છત પર કોઈ અસ્તિત્વ છે એમ સ્પસ્ટ દેખાય છે.

રાતના પોણા એક વાગ્યે આછી રજાઈમાં ઘાટી ઊંઘમાં ડૂબેલું શહેર શાંત બની ગયું છે. પણ સામેની છત પર ? આબાદ અપવાદ. કોઈ મોહતરમા. ત્રણેક ફૂટ ઉંચી દિવાલ પર અંધારી રાતમાં નાના બલ્બના પીળા પ્રકાશમાં સોનપરી લાગે છે. તેના આંદોલિત પગના પડછાયાને સ્પસ્ટ જોઈ શકાય છે. ગોઠણથી ખુલ્લા પગની ચમકતી ચામડી પર પીળા પ્રકાશના લીસોટા પણ પગની સાથે આંદોલિત છે.

આકાશ તરફ જોઇને એ કશુક બોલતી હોઈ એવું લાગ્યું. કદાચ કોઈ ગીત ગુનગુનાવતી હોઈ! યાં કોઈ મીઠી અને મેમરેબ્લ મોમેન્ટને પાણી છાંટીને તાજું કર્યું હોઈ. બની શકે એ સુમસામ રાતની શાંતિને માણી રહી હોઈ. કે અવાવરું રાતના અગોચર અંધારામાં હવા સાથે વાત કરતી છોકરી થોડી ઠંડી અને થોડી ગરમીના કોકટેલમાં પોતાની જાતને જ એન્જોય કરતી હશે!

તેના ચમકતા સોનેરી વાળ બિન્દાસ્ત ઉડી રહ્યા છે. સ્પેગેટીમાંથી દેખાતા ખુલ્લા ખભાના બંને ખૂણે ઉત્સાહ અને આનંદે અડ્ડો જમાવ્યો છે. જુલતા પગની પાની સુધી તરવરાટની તીવ્ર ગંધ આવે છે.

બ્લેક બોર્ડ પર ધોળા અક્ષરે લખેલા કોઈ શિક્ષકના હસ્તાક્ષરો ઉકેલી રહેલી આંખો આસમાન સામે મંડાઈ રહી. લાંબો કાળો પડછાયો તેના માપસરના ફિગરનો પુરાવો છે. ધીમેથી ઉપર હવામાં ઉઠેલા હાથ 70૦ જેટલા ફેલાયા હશે.

પેટની મુલાયમ ચામડીને સ્પર્શ કરતી ઠંડી હવા સીફોર્નના કપડા સાથે વારંવાર ઘર્ષણમાં આવવાથી ફરફર અવાજ સાથે પકડમપટ્ટીના દાવ ખેલવા લાગી. થોડી વાર જામેલી એ રમતને માત આપતા ગરમ હાથનો મખમલી સ્પર્શ કમરના મરોડ માટે અજાણ્યો નહિ જ હોઈ! એ સ્પર્શ પોતીકો અને જુનો છે.

બાજુની અડેલી છત પરથી કુદી આવેલો, પીઠ પાછળ ઉભેલો ઇવનો વંશજ હવાને પણ વચ્ચેથી પસાર થવા દેવાની અનુમતિ નહોતી આપવા માંગતો. કોઈ નાર્તાકીના અંગના મરોડને અચ્છો ચિત્રકાર તેના કેનવાસ પર ઉતારી રહ્યો હોઈ એ મરોડમાં સ્થિર થઈને ઉભેલી એ લૈલાને તેના મઝ્નુએ કમર જ્યાં વળાંક ખાઈને ઘૂમરી લઈને પાણીમાં જેમ ખાડો પડે એ ખાડામાં ખોબો ભરીને ઉભેલો છે.

ખભા પર લહેર કરતી લટોને આંગળીના ટેરવાથી તડીપાર કરાઈ. અને હળવેથી એ ખુલ્લા ખભા પર કોમળ ચુંબન થયું. બે ક્ષણ માટે હવા સ્તબ્ધ થઇ ગઈ. ઉપરથી જોઈ રહેલા તારાઓ શરમાઈને કોઈ વાદળની પાછળ સંતાઈ ગયા.

પાછું ફરીને, ખુલ્લા પણ ધીમા હાસ્ય સાથે એ છોકરીએ તેના માશુકનું ચમકીલું નાક ચપટીમાં લઈને ડાબે જમણે ઘુમાવ્યું. પછી એ છત પર નિર્દોષ, પ્રેમી સ્માઈલ વિખેરાઈ. બધું જીવંત બન્યું. ઠંડી લહેરખી તેની સાક્ષી બની. બંને પાળી પર ગોઠવાયા. નજાને ક્યાંય સુધી ગુફતેગુ થતી રહી હશે. મેં ખિડકી પછી લાઈટ અને પછી આંખો બંધ કરી દીધી.

***

"એન્ટોલ્ડ”

પીઢ અને મજાકિયા આંટી એટલે મારી શેરીના કંચનમાસી. ઉમર સાંઠ ઉપર તો ખરી જ. જાહોજલાલીમાં કોઈ કમી જ નહિ. ધનથી અને મનથી ધનવાન. તેમના ખેતરમાં મજુરી કરતા આદિવાસી પરિવારના ત્રણ બાળકોની ભણવા-ગણવાની બધી જવાબદારી તેમના ઉપર. એ સિવાય પણ તેના દયાળુ સ્વભાવની ઘણા પુરાવાઓ મારી પાસે અલરેડી છે જ. અને એક વધુ. નજરોનજર જોયેલું.

ગયા રવિવારે જયારે તેમના ઘરે કોઈ કામથી જવાનું થયું. બપોરના સાડા બાર જેવો ટાઇમ હશે. તેમના પતિ જમવાની રાહ જોઇને બેઠા હતા. આંટી રસોઈની તૈયારીમાં હતા. ત્યારે નવેક વર્ષની એક છોકરી તેમના બારણે આવી ને ઉભી.

નાકમાંથી ઘટ્ટ પ્રવાહી છેક હોઠ સુધી આવી ગયું હતું. કાળી ડોક પર મેલના પોળ જામી ગયેલા લગતા હતા. કારમાં દુકાળમાં પ્યાસી જમીન ઉપર પડેલી તિરાડો જેવી તિરાડો હાથ પર પડી હતી. અડદિયાના ચોસલા જેવી. વાળમાં તો કાંસકો પણ ઘૂસવાની હિમ્મત ન કરે એવા ઘુચવાળા વેરવિખેર હતા. પહેરેલ ફ્રોકનો ઓરીજીનલ કલર કયો હશે ? એ કેહવું મુશ્કેલ હતું. શિયાળાના ઝાલીમ પવને તેને ખૂણે ખૂણેથી શુકવી નાખી હતી.

ઘણી વખત જમવાનું માંગવા આવતી એ છોકરી આજે વધારે પડતી મેલી-ઘેલી લગતી હતી. આંટી કિચન માંથી બહાર આવ્યા. પગથી માથા સુધી નજર ફેરવી.

છોકરી સમજી ગઈ કે માસી તેને આ રીતે કેમ જોઈ રહ્યા છે. એ નીચું જોઇને ઉભી રહી. આંટી તેની બાજુમાં જઈને એક જ શબ્દ બોલ્યા. “નાહવું?”

નાની પણ સમજુ છોકરી રડમસ થઈ ગઈ.

“ અરે, લ્યો એમાં રોવા જેવી શું થઇ ગઈ. હાલ હાલ જટ, તારા બાપાને જમવાનું મોડું થાય છે.”

આંટી તનો હાથ પકડીને બાથરૂમમાં લઇ ગયા. બાથરૂમમાંથી આવતા પાણીનો અવાજ સાંભળીને અંકલ સમજી ગયા કે જમવામાં વાર લાગશે એટલે ટીવી ઓન કરીને બેસી ગયા.

***

‘વણઝારા’

બસ સ્ટેશનના જુના- જર્જરિત મકાનમાં કેટલાક વણઝારાઓ મહેલની માલીપા રેહતા હોઈ તેવા ઠાઠમાઠથી રહે છે. રાતના 8:32 થયા છે. બરડા ડુંગરની તળેટીમાં વસેલુ નાનકડું ગામ કડકડતી ઠંડીમાં ‘મા’ ના આંચલમાં લપાઈ ગયેલા બાળકની જેમ ઠંડીમાં ખેત-મજુરી કરવા માટે દક્ષિણ ગુજરાતથી આવેલા પ્રકૃતિપ્રેમીઓ ‘કોંકણી’ અને ‘મરાઠી’ એમ મિક્ષ ભાષા બોલે છે.

એક સ્ત્રી તેના ચારેક વર્ષના બાળકને પથ્થર પર બેસાડીને કડકડતી ઠંડીમાં ખુલ્લામાં નવડાવી રહી છે. બાળકના ચેહરા પર સહેજ પણ ઠંડી લાગ્યાનો ભાવ નથી. એ હાથમાં બે-ચાર નાના કંકરથી રમી રહ્યો છે.

ચાર પુરુષોએ તાપણું કર્યું છે. ખેતીવાડીની વાતો ચાલી રહી છે. બાજુમાં ત્રણ પથ્થર રાખીને બનાવેલા ચુલા પર રાંધતી સ્ત્રીએ મુઠી ભરીને લસણનો વઘાર નાંખ્યો. મોંઘીદાટ હોટેલના મેનુમાં આવતી ‘શબ્જી’માં પણ આ સ્મેલ કે સ્વાદ નહિ હોઈ!

બીજા એક ‘મંગારા’ પર હાથથી ટીપીને બનાવેલો જુવાર-નાગલી (એક જાતનું અનાજ)નો રોટલો તાવડીમાં આડો પડ્યો. સાથે રેહતા પાંચેક પરિવારોમાં દરેકને ત્યાં કંઈ ને કંઈ રંધાઈ રહ્યું છે. રોટલાના ટપાકાઓનું એક લયબદ્ધ સંગીત વાગતું હોઈ તેમ લાગે છે. તેમના બાળકો નજીકમાં રમી રહ્યા છે.

બહાર ઓટલા પર બેઠેલા પરિવારમાં સ્ત્રી તેમના બાળકને પેટ ભરાવી રહી છે. તેનો પતિ શાક સમારી રહ્યો છે. બંને હસી હસીને તેના બાળક વિષે કંઇક વાતો કરી રહ્યા છે. દિવસભરના કામનો સહેજ પણ થાક કોઈના ચેહરા પર નથી લાગતો. બધા કોઈ ને કોઈ કામમાં મસ્ત-વ્યસ્ત છે. થોડી જ વારમાં જમવાનું તૈયાર થઇ ગયું. જમવા બેસી ગયેલા દરેક પરિવારે તેમનું ખાવાનું આપસમાં બાટી લીધું.

અહી શાંતિ અને શુકુન છે.

ટોચથી તળિયા સુધીના તેના રસ્તામાં આવતા રીસ્તેદારોને સલામ ભર્યે જતું. રતુંબડા કુસુમને કિસ કરીને, કાનમાં કંઇક કહી આગળ ચાલ્યું. ભારે પથ્થર પર હલકું થઈને કુદરતી સોફાની શાન વધારી અગ્રે ગચ્છતિ.

શરીર પર ઉગી નીકળેલા રોમ જેવા વ્રુક્ષ પર હોમ બનાવીને રેહતા પંખીના માળામાં ચીં ચીં કરતા પારેવડાને પોતીકા બનાવીને, એ વ્રુક્ષની ધબકતી છાતીના પર્ણના ધબકારને એકાકાર થઇ તેનો અહેસ્થેટીક આવકાર જીલીને અલવિદા કહી આગળ ચાલ્યું.

કોઈ કાચા ફળ સાથેની પાકી ભાઈબંધી કરીને, સુકા ઘાસની લીલી છાંયામાં છૂ થઇ ને હવાને હાથતાળી દઈ, તેના જુગલ જોડીદારોને સલામ કરીને ક્યાંક અલિપ્ત થઇ ગયું.

*****