Ajit bhimdev books and stories free download online pdf in Gujarati

ધ્રૂર્જટીનો સંકલ્પ

ધૂર્જટિનો સંકલ્પ

દામોદર ખડકો તરફ પહોંચ્યો, રાત્રિ ઠીક ઠીક વહી જતી, બધે અંધારું ઘોર હતું. એ ઘણી જ ઝડપથી આવ્યો હતો. એટલે જો ભીમદેવ મહારાજ આંહીં આવ્યા હોય તો એનો પત્તો કોઈ ને કોઈ રીતે લાગ્યા વિના નહિ રહે, એમ એને ખાતરી હતી. પશુ-પંખી-માનવ કોઈ કહેતાં કોઈ અત્યારે આંહીં ફરકતું ન હતું. અંધારું ગેબી, ગૂઢ ને ભેદી બન્યું હતું. દામોદરે તીક્ષ્ણ દૃષ્ટિથી ચારે તરફ નજર તો રાખી હતી, પણ મહારાજ આંહીં આવ્યાનું ચિહ્ન એની નજરે પડ્યું નહિ. ક્યાંય કોઈ સાંઢણી કે ઘોડા કે માણસ દેખાયાં ન હતાં. એણે પોતાના ઘોડાને પાસેના જંગલમાં ઊભો રાખવા માટે એક મોટા વૃક્ષનો આધાર લીધો. આવી અનેક મુસાફરીઓથી ટેવાઈ ગયેલો ઘોડો ત્યાં પાષાણની પ્રતિમા જેમ ઊભો રહી ગયો. દામોદર એકલો પગપાળો ખડકો તરફ આગળ વધ્યો.

અંધારામાં કાંઈ દેખાય એવું ન હતું. ખડકો ત્યાં જેમ ઊભા હતા તેમ જ ઊભા રહેલા દૃષ્ટિએ પડ્યા. કોઈ માનવ ત્યાં હોવાનું કોઈ ચિહ્ન નજરે પડ્યું નહિ. જમીન તરફથી આવનારો માણસ એમની ટોચે ટોચે આવીને ઊભો રહે. ત્યારે એની દૃષ્ટિએ અગાધ જલસાગર રેલાઈ રહેલો નજરે પડે. તે સિવાય કાંઈ ખબર ન પડે. ખડકો ઊંચા-નીચા, આડાઅવળા પથરાયેલા હતા. એમાં ચારે તરફ કંદરાઓ, ગુફાઓ, ખાડાઓ, ખો વગેરે હોવાથી અનેક સંકેત-સ્થાનોની કુદરતી ગોઠવણી જાણે થઈ ગઈ હતી. એટલે ચાંચિયાઓ અવારનવાર એનો ઉપયોગ કરતા. ઉપર જતાં પહેલાં એનાં નીચેનાં સ્થળોમાં એક દૃષ્ટિપાત કરી લેવા માટે દામોદર આગળ વધ્યો. વખતે ભીમદેવ મહારાજ ત્યાં જ ઊભા હોય ! એણે મહારાજના ઘોડાને આટલામાં કિનારે જ કોઈ સ્થળે ઊભો રહેલો જોવાની આશા રાખી હતી. પણ એને જંગલમાં ક્યાંક ગુપ્ત સ્થળે ઊભો રહેવા દઈને મહારાજ ભીમદેવ એકલા આ તરફ આવેલા હોવા જોઈએ. અત્યારે મહારાજ આ તરફ આવ્યા હોય, ચૌલા પણ પાછી ફરીને આંહીં આવવાની હોય તો, ચૌલાનો પ્રશ્ન ઘણો જ અટપટો બની જવાનો એને ભય લાગી ગયો. મહારાજ ભીમદેવને એ છેક કિશોરવયથી જાણતો હતો. એણે જોયું હતું કે તે સમયે પણ રાજામાં યુદ્ધની ઉત્સાહશક્તિ ખરેખર વિરલ હતી. એ કોઈ દેવસેનાનો નાયક થઈને શોભે એવો અતુલ પરાક્રમી જોદ્ધો હતો. એને યુદ્ધમાં જોવો એ એક મોજ હતી. રણચંડી મા મહાકાલી એવું લીલાયુદ્ધ ખેલી શકે. જાણે કે એને યુદ્ધનો જરાકે થાક ચડતો ન હતો. પણ આ વિરલ શક્તિએ એનામાં બીજું એક પ્રકારનું તેજ મૂક્યું હતું. એ કોઈપણ વાતમાં લેશ પણ પરાભવ સ્વીકારવા તૈયાર ન હતો. પાછી પાની ક્યાંય નહિ. પછી એ વાત રાજવહીવટની હોય, રાજજુદ્ધની હોય, પ્રેમની હોય, કે ગમે તે હોય. એટલે જો ચૌલા વિષેનો એનો જીવનપ્રભાતી પ્રેમ અત્યારે જાગી ઊઠ્યો હોય, તો એ પોતાનું ધાર્યું જ કરે એવો અતિ આગ્રહી હતો. અને તો દામોદરને લાગ્યું કે કિનારે આવીને વહાણ ડૂબે, તેમ એની પોતાની બધી યોજનાઓ ઊંધી વળી જાય.

એનો ઉત્સાહ, એની રણશૂરવીરતાનો, પૂરોપૂરો વિકાસ સાધીને દામોદર એને ભારતભરમાં પ્રસિદ્ધ કરવા માગતો હતો, એકચક્રવર્તી બનાવવાનું સ્વપ્ન સેવતો હતો. પણ રાજા કયે વખતે કયું પગલું ભરશે. એ કહેવું ઘણું મુશ્કેલ હતું. જેવો એ પરાક્રમી હતો અને મૃત્યુને હથેળીમાં લઈને ફરનારો હતો, તેવો જ એ સપ્તરંગી પણ હતો. જો સમજે તો ઇશારામાં સમજે. ન સમજે તો કોઈનાથી ન સમજે. અત્યારે આ ચૌલા વિષે એમ જ થયું હતું. દામોદરે માન્યું હતું કે રાજાના દિલમાં એ વાતનું ક્યાંય સ્થાન જણાતું ન હતું, ત્યાં અચાનક જ આ વાત જાગી નીકળી. તે વિચાર કરતો એક તરફની કંદરાઓ તરફ આગળ વધ્યો. એની નજરે એક કંદરામાંથી કાંઈક પ્રકાશ આવતો જણાયો. એ આશ્ચર્યમાં પડી ગયો. કંદરાઓની અદ્‌ભુત રચનાને લીધે ચાંચિયાઓ ત્યાં વારંવાર આવી ચડતા એ એણે સાંભળ્યું હતું. એવા કોઈ ચાંચિયા અત્યારે આંહીં પડ્યા છે કે શું તેની એને સમજણ પડી નહિ. આગળ વધવામાં જોખમ હતું. પાછળ જવામાં પણ હવે જોખમ નહિ હોય એમ કહી શકાય નહિ. તેણે ત્યાં ઊભાં ઊભાં જે તરફથી પ્રકાશ આવતો હતો તે તરફ સ્થિર દૃષ્ટિ કરીને વધારે બારીકીથી જોવા માંડ્યું.

ત્યાં અંધારામાં કોઈક બે-ત્રણ જણ બેઠા હોવાની એને શંકા ગઈ. એક તરફના ગોખલામાંથી દીવાનો આછો ઉજાસ આવી રહ્યો હતો. થોડી વાર સ્થિરતાથી જોયા પછી દામોદરને ખાતરી થઈ ગઈ કે કોઈ બે-ત્રણ જણા ત્યાં બેઠેલા જણાય છે. આ કંદરામાંથી દૂર દૂરના સાગરમાંથી આવતી વસ્તુઓ દેખાય તેવું હતું. માટે એ ત્યાં બેઠેલા હોવા જોઈએ.

પણ એ કોણ હોઈ શકે ? દામોદરને ચિંતા આ વાતની થઈ. કોઈ ચાંચિયા હશે કે દુશ્મનના માણસો હશે કે રાજા ભીમદેવના ખાસ અંગત ગુપ્તચરો આવીને ચૌલાદેવીની નૌકાની પ્રતીક્ષા કરવા માટે બેસી ગયા હશે ? રાજા ભીમદેવ એમાં હશે ? કોણ હોઈ શકે એ એકદમ કળી શકાય તેવું ન હતું. એટલામાં એના કાને ત્યાં થઈ રહેલી વાતોનો અવાજ આવ્યો. તે ધીમે પગલે આગળ વધ્યો. એણે કંદરાની બહારની ખડક-ભીંતનો આધાર લીધો. એક તરફ શાંત ઊભા રહીને તેમની વચ્ચે થતી વાતો એ સાંભળવા લાગ્યો. એ એક્કાન થઈ ગયો. પોતે ઊભો છે ત્યાંથી વાતનો દોર પકડી શકાય તેમ છે તે જોઈને એને આનંદ થયો.

‘પણ એ તો આંહીં દરેક વદ તેરશ-ચૌદશે, એટલે કહોને શિવરાત્રિએ - આજ દિવસ સુધી ક્યાં આવતી ન હતી ? આજ કાંઈ નવી નવાઈની આવતી નથી.’ કોીક બોલતું હતું. દામોદરને અવાજ તદ્દન અપરિચિત લાગ્યો. સામેથી કોઈનો પ્રત્યુત્તર આવ્યો.

‘આવતી હતી એ વાત સાચી. એની ભક્તિનો કોઈ પાર નથી. એણે ભગવાન સોમનાથનું પતન થયું, છતાં પોતાનો શિવરાત્રિ નૃત્યનો ક્રમ અખંડ જલી રહેલા દીપની પેઠે ચાલુ રાખ્યો હતો. તે આજ દિવસ સુધી. આવી મહાન દેવનર્તિકાને નૃત્ય કરવાનો અધિકાર નથી, એમ મઠપતિ મહારાજ કહે, તે દેવનર્તિકા સ્વીકારે ખરી ? એમાંથી તો મહાન ઘર્ષણ ઊભું થાય !’?

‘ઘર્ષણ ઊભું થાય કે ન થાય, દેવનર્તિકા વાત સ્વીકારે કે ન સ્વીકારે...’

ત્રીજો અવાજ આવ્યો. દામોદર ચમકી ગયો. આ અવાજ પેલા બંને અવાજથી જુદી જ સંસ્કારછાપ આપી જતો હતો. કોણ હશે ? તેના મનમાં સવાલ ઊઠ્યો. મહારાજ તો ન હતા એ ચોક્કસ હતું, તે એક્કાન થઈને સાંભળી રહ્યો.

‘સ્વીકારે કે ન સ્વીકારે...’ સંસ્કારી અવાજ આગળ બોલતો હતો, ‘પણ મઠપતિજી મહારાજ ત્રિલોકરાશિની આજ્ઞા, આ સ્થાનમાં જો અત્યારે પણ, સર્વોપરી રહેવી જ જોઈએ, અને હોવી જોઈએ. રાજા પણ એ આજ્ઞાની ઉપરવટ જઈ ન શકે !’

‘તો તો વળી નવી વાત ઊભી થશે.’

‘શી ?’

‘શી તે તમને નક્કર ખબર નહિ હોય, ધ્રુબાંગજી ?... રાજા આના પ્રેમમાં પડ્યો કહેવાય છે તેનું શું ? એ પોતાની નર્તિકાનું અપમાન સાંખશે ? અને આ તો પાછો ભીમદેવ !’

‘અરે ! ધિજ્જટજી ! રાજાનો પ્રેમ હોય કે ન હોય, દેવને અર્પણ થયેલી દેવનર્તિકા, એનાથી બીજું કાંઈ જ ન થાય !’

દામોદર ચમકી ગયો. અરે ! આ તો સોમનાથમાં બેસી ગયેલા રા’ના પેલા બે માણસો લાગે છે. ધ્રુબાંગ ને ધિજ્જટ. પણ ત્યારે ત્રીજો કોણ ?

એને બહુ રાહ જોવી ન પડી. ધિજ્જટ બોલતો લાગ્યો : ‘તમારી એ વાત સાચી, ધ્રુબાંગજી ! દેવને અપાયેલી દેવનર્તિકા તરફ તો રાજાને પણ માનથી વરતવું પડે, એવી દેવાજ્ઞા છે. અને મઠપતિજી પણ એ વાતમાં બહુ ચોક્કસ રહે છે. પણ પૂછો, આ રહ્યા પંડિત ધૂર્જટિજી કે આનું પરિણામ શું આવે ?’

‘પરિણામ એનું એક જ આવે. રાજા અને મઠપતિ સામસામા આવી જાય. રાજાનો માનવપ્રેમ અગાધ છે. મઠપતિનો ધર્મપ્રેમ અગાધ છે. ચૌલાનો દેવપ્રેમ અગાધ છે. ત્રણે વચ્ચે કોઈ કારણથી આમાંથી જ ઘર્ષણ ઊભું થાય તો સોમનાથનું નવું મંદિર પણ ઊભું થાતું રહી જાય ! આ વાત છે. ને અત્યારે તો આ ઘર્ષણ નવો વિનાશ વેરે !’

‘કેમ ?’

‘કેમ શું ? ગર્જનકના ધામા હજી આંહીં પડ્યા છે. કહે છે કે એને ખસેડવા માટે દામોદર મહેતો આકાશપાતાળ એક કરે છે, પણ કોઈ કારી ફાવતી નથી. એ તો ખસે ત્યારે ખરો, જુદ્ધ કરવા જતાં તો વરસ બે વરસ નીકળી જાય. એટલે એ કોઈ જુક્તિથી ખસે તો, પણ એ જ્યાં ખસે, ત્યાં જો આંહીં આ નવું સળગ્યું હોય, તો થઈ રહ્યું ! લોકો એ જાણે. પછી કોઈને આ સ્થાન પ્રત્યે શ્રદ્ધા રહે ખરી ? ને શ્રદ્ધા વિના સ્થાન ક્યાંય ઊભાં થયાં છે કે આંહીં સ્થાન ઊભું થાય ? અને વખતે આ ઘરકજિયાની ગંધે તો બીજા રાજાઓ પણ આંહીં દોડ્યા આવે. એ બધા રાહ તો જુએ છે. એટલે આ નાની દેખાતી વાત જેવી તેવી નથી. ગુજરાતનું માંડ સ્થિર થયેલું રાજ, આટલી આ એક નાની ચિનગારીમાંથી છિન્નભિન્ન થઈ જવાના પંથે પળે.’

પંડિતની સંસ્કારી, સુંદર અને અર્થભરપૂર વાત-દોર પકડતાં દામોદર ત્યાં અંધારામાં પણ એક પ્રકારનો રોમાંચ અનુભવી રહ્યો. પોતે જે વાત જે રીતે જોતો હતો, તે વાતને તે રીતે જ જોનારો, એક માણસ આંહીં હતો, એ જેવોતેવો આનંદ ન હતો એને પંડિત ધૂર્જટિને ભેટવાનું મન થઈ આવ્યું. પણ એટલામાં કાંઈક વધુ લાગણીથી બોલાતા પંડિતના શબ્દો એના કાને પડ્યા : ‘ધ્રુબાંગજી ! ધિજ્જટજી ! તમને તો જે થતું હોય તે ખરું, પણ મને તો આ દેવનર્તિકા ચૌલાનું નૃત્ય જોઉં છું અને થાય છે કે સોમનાથ ભગવાનના આ પતન પછી આંહીં બેઠાં માખો મારવી, એ તો જીવડાકીડાનું જીવન છે ! એ નૃત્ય કરે છે, ભગવાન શંકરની સામે પોતાનું જીવનદર્દ ઠાલવે છે. અને વાયુમંડલ આખું જાણે આપણા કાનમાં બોલે છે કે, ઊઠો ઊઠો, ભીરુઓ ! ઊઠો. ખતમ થઈ જવા માટેનો સંકલ્પ કરીને ઊઠો. તમને લૂંટીને આ ચાલ્યો જાય, અને એ લૂંટ પછી, તમે સમાધાનની ને શાંતિની, જાણે મોટા મુત્સદ્દી હો તેમ વાતો કરો. કાં અદૃષ્ટ ભાવિના શાપ વરસાવવા બેસો, એ બધું ઠીક છે, એ બધું બીજાઓ માટે રહેવા દો. સત્તાના પડછાયા શોખીનો માટે રહેવા દો. પણ તમારો ધર્મ તો આ સુલતાનને અને એના તમામને, કોઈક ઠેકાણે રણમાં રોળી નાખવાનો છે. ‘ઊઠો ઊઠો ! કોઈક તો ઊઠો !’ કોઈક તો ઊઠો !’ મને તો એના નૃત્યમાં આ હવા દેખાય છે.’

‘પણ આપણે શું કરી શકીએ પંડિતજી ? મહારાજ ભીમદેવ જેવા જ્યાં પહોંચ્યાં નહિ, ત્યાં આપણે કોણ ?’

‘મહારાજ ભીમદેવ જ્યાં ન પહોંચે ત્યાં આપણે પહોંચી શકીએ, ધિજ્જટજી ! આપણે શું કરી શકીએ તેમ તમે કહો છો ? અરે ધિજ્જટજી ! આપણે તો આખી સેનાને રણમાં રોળી નાખીએ ? શરત એટલી કે આપણે દટાઈ મરવા માટે તૈયાર થઈ જવું જોઈએ. સોમનાથની ખાતર મરી છૂટવું જોઈએ.’

‘મરી છૂટીએ ચાલો, પણ શી રીતે ?’

‘રીત આની એક જ છે’ પંડિતના અવાજમાં આત્મવિશ્વાસનો રણકો ઊઠ્યો : ‘રીત આની એક જ છે. હું તો કાશ્મીરમાં અનુભવ લઈને રીઢો પણ થયો છું.’

દામોદર આ સાંભળતાં મનમાં તો ક્યારનો આ પંડિતના જેવી અદ્વિતીય વિરલ વ્યક્તિને જોવા માટે અધીરો થઈ ગયો હતો. પણ તેને વાતદોર તૂટવાનો ભય લાગ્યો. વળી મહારાજ ભીમદેવ વિષે હજી વાત અંધારામાં હતી.

‘રીત આની એક જ છે’ પંડિતનો દૃઢ, શાંત, સ્થિર અવાજ આવ્યો : ‘ગર્જનક, ઉતાવળમાં, અજ્ઞાત માર્ગો લેવામાં, ઘા મારીને લૂંટ લઈને બધી લૂંટ જલદી ઘરભેગી કરવામાં, માનનારો છે. એને કામ સાથે કામ છે. એટલે બધા રાય ત્યાં ગઢબીટલી ભેગા થયા છે, એ સાંભળીને એ સિંધને માર્ગે પાછો ફરવાનો, એ બધા એને રોકે, એ ધંધો એ નહિ કરવાનો. એ વાત એને આકરી પડે. આ વાત દીવા જેવી સ્પષ્ટ છે. આપણે સંકલ્પ કરીએ ધિજ્જટજી ! આપણું થવું હોય તે થાય, ભલે માથું પડે, ને રણરેતીમાં દટાઈ જવું પડે, ભલે મા ધરતીના ખોળામાં ધગધગતી રેતીમાં ભોંમાં ભંડારાઈ જવું પડે...’

પંડિતના શબ્દો સાંભળતાં દામોદર ધ્રૂજી ઊઠ્યો : ‘આપણે જો બે-ત્રણ જણા સંકલ્પ કરીએ તો એ થાય. હું તો ભગવાન સોમનાથનો પૂજારી છું. વયોવૃદ્ધ પૂજારી મહારાજે મારામાં શ્રદ્ધા મૂકીને મને ધર્મપુત્ર જેવો ગણ્યો છે. એવી રીતે મારું ગૌરવ કર્યું છે. ભગવાને મને સેંકડો દિવસ સ્વર્ગની સોહામણી ભૂમિનાં દર્શન કરાવ્યાં છે. એની સમક્ષ ઊભા રહેતાં મેં અનેક નૃપતિઓની વંદના ઝીલી છે. ભગવાન સોમનાથને છાંયે હું રાજાઓનો પણ રાજા હોઉં, એમ દિવસો સુધી જીવવાનું ગૌરવ માણી રહ્યો છું. મેં નિશ્ચય કર્યો છે. તમે આવો તો ભલે, ન આવો તો હું એકલો પણગર્જનકના સેનને માર્ગ બતાવનારો ભોમિયો બની જવા માગું છું. હું કાશ્મીરથી સેંકડો વખત સોનાનાં કમળ લઈને આંહીં આવતો હતો. હવે હું મારી જન્મભૂમિમાં પાછો ફરી જવા માગું છું. મારે કાશ્મીર જવું છે. રસ્તો હું જાણું છું. મને વિશ્વાસ છે. ગર્જનક, મને એ તરફનો જાણીને, મારી આ વાતને કુદરતી ગણશે. પછી હું છું, ગર્જનક છે. એનું સેન છે, ને સિંધનાં, જોજનોમાં ફેલાયેલાં નપાણિયાં ભયંકર રેતરણો છે. જો તમામને પાણી વિના ગાંડા ન કરી દઉં તો હું પૂજારીનો દીકરો નહિ. અમસ્તા પૂજારી મને દીકરો ગણે છે ? સોમનાથનું વેર આમ લેવાશે. મારું ભલે જે થવું હોય તે થાય. દેવનર્તિકા ચૌલાનું આજનું નૃત્ય જોઈને, પછી હું ઊપડી જવા માગું છું. એના નૃત્યમાંથી મને કોઈક આકાશી શબ્દોના ભણકારા, જાણે રાત ને દિવસ સંભળાયા જ કરે છે ! કોઈક જાણે મને કહી રહ્યું છે : વત્સ ! ઊઠ ઊઠ, તું તો ભગવાન શંકરનો અંતેવાસી ગણ છો. તારો પાછા ફરવાનો વખત થઈ ગયો છે. ધિજ્જટજી ! ધ્રુબાંગજી ! તમે આવો તો આપણો કાર્યક્રમ સાંગોપાંગ શોભી ઊઠે. પણ હવે આ નવી વાત ઊભી થઈ છે. ેટલે એક-બે દિવસ થોભીને જઈશ. પણ જઈશ, નૃત્ય જોઈને. એ નૃત્ય તો મને મરતાં મરતાં જાણે માનું વહાલભર્યું ચુંબન કરતું દેખાશે ! ચૌલાનું નૃત્ય હું જોઉં છું અને મને થાય છે કે, હવે હું જીવું છું, એ કીડાજીવડાનું દિવસો કાઢવાનું જીવન છે. જીવન દેવે આપ્યું હતું. જીવન, દેવ પાછું માગે છે. હવે જીવવું એ મરણથી પણ બદતર નરકવાસ છે. દેવનર્તિકાના નૃત્યમાંથી મને તો રાત ને દિવસ આવા ભણકારા સંભળાયા કરે છે !’

‘એમ તો અમને પણ થાય છે !’ ધ્રુબાંગ ને ધિજ્જટ બંને એકી સાથે બોલી ઊઠ્યા.

‘તમને ?’

‘હા કેમ ? અમે શું માણસ નથી ? અમે શું ભગવાન સોમનાથના નથી ? અમને એ લટકાંફટકાંમાં ઝાઝી સમજણ પડતી નથી. એ ખરું; પણ પૂછો ધ્રુબાંગજીને, તમારી સાથે અમે જોવા આવતા ને છાનું છાનું આપણે સૌ એ જોતા, પછી પાછા ફરતાં મેં ધ્રુબાંગજીને કેટલીયે વાર કહ્યું હતું કે, ધ્રુબાંગજી ! કહો ન કહો, પણ આ જોઈને જાણે છાતી વીંધાઈ જાય છે. થાય છે કે રે ભૂંડા જીવ ! આ માયાને હવે શું વળગી રહ્યો છે ? આ પડેલા પથરાને હવે શું ચોંટ્યો છે ? ક્યાંક જઈને આ તારા દેવનું વેર લેવા માટે મરી જાને ! અમને પણ ઘણી વખત એ થતું હતું. આજે તમે કહ્યું ત્યારે વાત સમજાણી કે એ આકાશી વાણી, આ દેવનર્તિકા મોકલતી હતી ! પણ તો ત્યારે આ મઠપતિજી મહારાજને શું સૂજ્યું છે ?’

‘એમને જે સૂજ્યું તે ભલે એ કરે. દેવનર્તિકા દેવનર્તિકા જ રહી શકે. ભીમદેવ મહારાજ હોય કે મોટો ભોજરાજ હોય, દેવને માથે જે ફૂલ ચડે તે દેવનું જ હોય. એ તો ઠીક, રાજા છે, દામોદર મહેતો છે; એનો રસ્તો કાઢશે, આપણને સૂજે તે આપણે કરો. આપણે ક્યારે ઊપડવું છે, એ વાત કરો. તમે સાથે છો, એ જાણીને મારું મન તો હવે અધીરું થઈ ગયું છે.’

‘તમે કહો ત્યારે !’ ધિજ્જટજી બોલ્યો.

‘તો તો સાંઢણી ‘રણપંખણી’ ઉપાડીએ, ધિજ્જટજી ! મારા ધ્યાનમાં તો એ વાત આવે છે !’

ધ્રુબાંગ ઉત્સાહમાં આવી ગયો હતો.

‘આપણે સંઘ તો રા’ની સાથે હજાર વખત ખેડ્યું છે. આપણને એની નવાઈ નથી. રા’ નવઘણની તો વાત સાંભળતાં ગજ ગજ છાતી ફૂલી જાશે. આપણે જાણે કે રણના ભોમિયા છીએ. ફક્ત સુલતાનને વિશ્વાસ આવવો જોઈએ. નકર આંહીં કાંધ મારે. કાંધ મારે તેનો વાંધો નથી, પણ વેર વેરને ઠેકાણે રહી જાય એનો વાંધો છે. એટલે વાત પાર પાડવી જોઈએ. મલક આખો આ વાત સાંભળશે ત્યારે ધ્રુબાંગજી ! આપણા નામના ઘેર ઘેર રાસડા ઊપડશે ! ચારણો આપણા નામની બિરદાવલિ ગાશે ! રજપૂતાણીઓ રાસડા ગાશે ! ને આપણે સરગાલોકમાં એ સાંભળીશું !’

‘આપણે ત્રણે...’ પંડિત ધૂર્જટિ બોલી ઊઠ્યો.

‘હા, ત્રણે, ત્યાં બેઠાં બેઠાં...’ ધ્રુબાંગે કહ્યું. આકાશ તરફ આંગળી કરીને આ વાક્ય બોલ્યાની ધ્રુબાંગની કલ્પના દામોદરે પકડી લીધી. એને આ ત્રણે જણા આવી રીતે આમ સંકલ્પ કરતા બેઠા હશે, એનો કાંઈ ખ્યાલ ન હતો. દેવકૃપાથી જ આ સુભગ પળ એને મળી ગઈ હતી. પણ આ ત્રણે વીરોનો સમર્પણનો ઉત્સાહ સાંભળતાં, એના મનમાં ન સમજી શકાય તેવી એક કરુણ છાયા ઊભી થઈ ગઈ. તે મૂંગી ઊંડી વેદના અનુભવી રહ્યો. એની નજર ધરતી ઉપર સ્થિર થઈ ગઈ.

પણ એટલામાં ત્રણે જણા એકી સાથે બોલી ઊઠ્યા :

‘એ દેખાય !’

સમુદ્ર ઉપર એક નાનકડી નાવડી આવી રહી હોય તેમ લાગ્યું.