antim ichchha - 5 books and stories free download online pdf in Gujarati

અંતિમ ઈચ્છા - 5

(ગતાંક થી ચાલુ)

"રાહુલ, તારો આ નિર્ણય યોગ્ય નથી. તું આવી રીતે અમને મૂકી ને જતો રહેશે તો અમારું આ ઉંમરે શું થશે ?" પોપટલાલ રાહુલ ને સમજાવી રહ્યા હતા. રાહુલ પોપટલાલ ની વાત શાંતી થી ઘર માં મુકેલા હિંચકા પર બેઠા બેઠા સાંભળી રહ્યો હતો. તેના પર પિતા ની વાત ની કોઈ અસર થઇ રહી ન હતી. તેના ચહેરા પર તે મક્કમ ભાવ જોઈ શકાતો હતો. રાહુલ ની માતા પણ એક ખુરશી પર બેસી ને રડી રહી હતી. આ એક માતા માટે ખૂબજ કપરો સમય હતો, જે સંતાન ને ઉછેરી ને મોટો કર્યો એ હવે તેમના થી દૂર જવાની વાત કરી રહ્યો હતો. કદાચ ! હંમેશ માટે.

" આ ઉંમરે તો હવે તારે અમારી સાથે રહી ને અમારા સપનાઓ પુરા કરવાના હોય, અત્યાર સુધી મેં તમને મહેનત કરી ને ઉછેર્યા, હવે તારો સમય છે. પણ નહી તારે તો અમેરિકા જવું છે, ત્યાં સેટટલ થવું છે. અમારો તો વિચાર કર. આ તારી માં નો તો વિચાર કર" હવે કઠણ હૃદય ના પોપટલાલ પણ ભાંગી પડ્યા હતા. તેમનો અવાજ ગળામાં થી નીકળી જ નથી રહ્યો.

હવે ક્યાર નો ચૂપ બેઠેલો રાહુલ બોલ્યો. "હું વિચાર કરું ? તમે કર્યો હતો અમારો વિચાર. આખી જિંદગી ઘર થી દુર રહ્યા, અઠવાડિયે એક વખત ઘરે આવતા અને ઘણીવાર તો પંદર દિવસે. જ્યારે સ્કુલ માં દરેક મિત્રો ના પપ્પા આવતા ત્યારે મારી આંખ તમને શોધતી, જયારે રાત્રે બારી ના પરદા હલતા જોઈને ડર લાગતો ત્યારે તમે ના મળતા, તમને ખબર છે હું મોટો કેવી રીતે રહ્યો ? તમને દરેક ટ્રેન નો સમય અને ક્યારે કયા પ્લેટફોર્મ પર આવશે તે મોઢે યાદ રહેતું અને કદાચ અત્યારે પણ હશે, પણ તમને યાદ છે મારે ક્યારે કેટલા ટકા આવેલા ? ક્યારેય બાજુ માં બેસી ને સ્કુલ નું હોમવર્ક કરાવ્યું હતું ?" રાહુલ ના આ શબ્દો પોપટલાલ ને વાગી રહ્યા હતા. તે પણ એક ખુરશી માં બેસી ગયા હતા.

થોડા સમય માટે રૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો. રાહુલ ની માતા ના રડવા ના ડુસકા રૂમ ના ગંભીર વાતાવરણ ના ગવાહ હતા. આશરે દશ મિનિટ કોઈ જ એક શબ્દ બોલ્યું નહી. આટલી વાર ની શાંતિ પછી પોપટલાલ બોલ્યા ;

"....પણ આ બધું તો મેં તમારા માટે જ કર્યું ને ? દિવસરાત મહેનત કરી ને પૈસા કોના માટે કમાયા, મારા માટે ? તારા માટેજ ને ?"

"હંહ, મે કહ્યું હતું ?" રાહુલ બોલ્યો

"તો પછી આ બધું કોના માટે હતું ?" પોપટલાલ બોલી રહ્યા હતા. પોપટલાલ ની છાતી માં એક અજીબ પ્રકાર નો દુખાવો થઇ રહ્યો હતો અને રાહુલ ના આકરા શબ્દો તે દુખાવા પર વધુ પ્રહાર કરી રહ્યા હતા.

"પપ્પા, હવે બધું ના બોલાવડાવો મારા મોઢે. તમે તમારી જિંદગી માં જે કરવું હતું તે કર્યું અને હવે હું કરીશ જે મારે કરવું હશે તે" રાહુલ મક્કમ જ હતો.

"મારે બોસ્ટન ની યુનિવર્સિટી માં અભ્યાસ કરવો છે. ત્યાં સેટ થવું છ, આપબળે આગળ વધવું છે." રાહુલ આગળ બોલ્યો.

ઘણા સમય થી ચુપ એવા રાહુલ ના મમ્મી શારદા બેન થી ના રહેવાયું અને તે બોલ્યા

" તે નક્કી જ કરી લીધું છે ને ! તારે જવું જ છે ને, જા જતો રહે, હંમેશ માટે. ખુશ રહેજે ત્યાં" આ શબ્દો માં એક સહમતિ કરતા શારદા બેન ના અવાજ માં એક માતા નો દર્દ સંભળાઈ રહ્યો હતો. આ કેટલું અઘરું હતું ! એક માતા માટે. તે પોતાના વૃધ્ધાવસ્થા ના સહારા ને છોડી ને જવાનું કહી રહી હતી. કદાચ, આ સમયે એક માં નું કાળજું કેટલું રડ્યું હશે ! કદાચ એ સમયે એક માતા જ આ આઘાત સહન કરી ને પોતાના પુત્ર ને દૂર જવા ની રજા આપી શકે.

"તું ક્યાં તેને પરવાનગી આપે છે ?" પોપટલાલ બોલ્યા.

" જવું છે ને એને, ભલે જતો. એકલો રહેશે ને તો ખબર પડશે, એક મહિના માં આવશે મમ્મી પપ્પા ની યાદ અને પાછો આવતો રહેશે." શારદા બેન બોલ્યા.

આ એક માતા ની શરણાગતિ હતી એક પુત્ર ની જીદ સામે. જાણે તેની આંખો સામે વીતેલી દરેક ક્ષણો યાદ આવતી હતી, દરેક પ્રસંગ આંખો સામે આવી રહ્યો હતો.

અને પછી અંતે રાહુલ ઉચ્ચ અભ્યાસ અને અમેરિકા રહેવા ના સપના સાથે માતાપિતા ને છોડી ને જતો રહ્યો. કદાચ એ દિવસો માં પોપટલાલ કે શારદા બેન ને રાત્રે ઊંઘ પણ ન આવતી.

***

નિશા આ ભાગ વાંચતા વાંચતા રડી પડી, તેની આંખો ભીની થઇ ગઈ. કદાચ એ પોપટલાલ અને શારદા બેન ની લાગણીઓ સમજી રહી હતી, તેમનું દુઃખ દર્દ સમજી રહી હતી. નિશા એ ભીની આંખે જ લેપટોપ શટડાઉન કર્યું.

નિશા એ ત્યારબાદ પોતાનો મોબાઈલ હાથ માં લીધો અને મોહિત ને મેસેજ કર્યો અને તેની સાથે ચેટિંગ કરી ને મન હળવું કર્યું.

*****