ઊડતો હાથી : ઉપશીર્ષકો સાથે ગુજરાતી શીખો - બાળકો અને વયસ્કો માટે વાર્તા

Gujarati   |   06m 22s

Find out how a flying elephant changes the life of a poor farmer. ઊડતો હાથી ભીલી લોકકથા એક સમયે શેરડીની ખેતી કરતો એક ખેડૂત નાના ગામમાં રહેતો હતો. તે પોતાના ખેતરમાં સખત મહેનત કરતો અને ઘણા પાકની આશા રાખતો હતો. એક સવારે તેણે જોયું, કે તેના પાકનો મોટો જથ્થો ગાયબ હતો. બીજે દિવસે, બીજો વિશાળ જથ્થો ઊપડી ગયો હતો. ખેડૂતે વિચાર્યું, “આજે રાત્રે હું જાગતો રહીશ અને જોઇશ કે મારી શેરડી કોણ ખાઈ જાય છે?” તે રાતે, બારી પાસે ઊભો રહી, પોતાના ખેતરની ચોકી કરતો રહ્યો. જેવો ચંદ્ર ઊગ્યો કે તેણે આકાશમાં એક નાના ટપકાને મોટું થતાં જોયું. જે એક હાથી હતો, જે ઊડીને તેના જ ખેતરમાં આવતો હતો. ખેડૂત આશ્ચર્યથી તેને નીચે ઊતરતો અને તેની શેરડી ખાતો જોઈ રહ્યો. તે પગના પંજા પર ચાલીને બહાર નીકળ્યો અને હાથી ખાઈ લે તેની રાહ જોવા લાગ્યો. તેની રાહ જોવા લાગ્યો. જયારે હાથી પાછો ફરવા ઊડયો, ત્યારે તેને પકડી લેવા ખેડૂતે તેનું પૂંછડુ ઝડપી લીધું. થોડી જ વારમાં તેના ખેતર ઉપર થઈને તે ઈંદ્રના સ્વર્ગમાં ઊડવા લાગ્યો. સ્વર્ગ તો સુંદર પંખીઓ અને ફૂલોથી ભરેલું હતું. ત્યાંની જમીન ચાંદીના ઘાસ અને કીમતી પથ્થરોથી છવાયેલી હતી. થોડી જ વારમાં ખેડૂતે રાજમહેલ જોયો અને તે ઈંદ્રને મળ્યો. “તમારો હાથી ઊડીને નીચે આવ્યો અને મારી બધી શેરડી ખાઈ ગયો. મારો પાક નાશ પામ્યો,” ખેડૂતે કહ્યું. “હું દિલગીર છું. મારા રાજ્યમાંથી જે જોઈએ તે તું લઇ જા. હું ખાતરી રાખીશ કે તે ફરીથી નીચે ન આવે અને તારા પાકને નુકસાન ન કરે,” ઈંદ્રએ કહ્યું, અને સુરક્ષિત વળતા પ્રવાસ માટે આશિષ આપ્યા. ખેડૂતે બે મુઠ્ઠી ભરી હીરા લીધા અને ઘેર પાછો આવ્યો. તેણે મોટું ઘર બાંધ્યું અને ઘણો ધનવાન બની ગયો. થોડા સમયમાં તેની અચાનક વધેલી સંપત્તિ માટે આખા ગામને કુતૂહલ થયું. એક દિવસ, ગામના થોડા લોકો ખેડૂત-પત્નીની મુલાકાતે પહોંચ્યા “આટલા પૈસા તમને ક્યાંથી મળ્યા? તમારા ખેતરમાં દાટેલો ખજાનો હાથ લાગ્યો કે શું?” તેમણે પૂછ્યું. ખેડૂત પત્નીએ જે બન્યું હતું તે કહ્યું. તે સાંજે ગામ લોકોએ હાથીને ફરી ધરતી પર આવવા લલચાવાનું નક્કી કર્યું. આપણે સ્વર્ગમાં જઈશું, ત્યારે માત્ર બે મુઠ્ઠી કરતાં ઘણા વધારે હીરા લઇ આવીશું!” તેમણે કહ્યું. તેઓએ શેરડીના ખેતર વાવ્યાં અને ખાતરી હતી તે મુજબ, એક રાતે હાથી નીચે ઊતરી આવ્યો. એક ગામવાસીએ તેની પૂંછડી ઝડપી લીધી અને તરતજ હાથીની પાછળ ઊડતા ગામવાસીઓની સાંકળ લાઇન લાગી ગઈ. તેઓ જયારે ઉપરની તરફ ઉડતા હતા, ત્યારે તેઓ પાછું શું લાવશે તે વિશે વાતો કરવા માંડ્યા. છેલ્લે, જેણે હાથીની પૂંછડી પકડી હતી તે ગામવાસીનો વારો આવતાં, ઉત્સાહમાં બોલ્યો, “હું આટલા બધા હીરા પાછા લાવીશ.” તેણે તેના હાથ પહોળા કર્યા અને હાથીની પૂંછડી છોડી દીધી. બધા ગામવાસીઓ ઢગલો થઈને જમીન ઉપર પડયા. આકાશમાં અદૃશ્ય થઇ જતા હાથીને તેઓ ઉદાસ થઈને જોઈ રહ્યા. “ચિંતા નહીં. હાથી આવતી કાલે પાછો આવશે,” ગામવાસીઓ બોલ્યા. ગામવાસીઓની આ યુક્તિ વિશે સાંભળીને ઈંદ્રએ સ્વર્ગમાં જ શેરડીનાં ખેતરો વાવવાની વ્યવસ્થા કરી. પછી હાથીને ફરીથી નીચે આવવાની જરૂર જ ન રહી. ગામવાસીઓએ ઘણી રાતો સુધી આકાશમાં જોતાં જોતાં હાથીની વાટ જોઈ પણ હાથી ફરીથી ક્યારેય નીચે આવ્યો જ નહીં. Illustration : Emanuele Scanziani Music : Ladislav Brozman & Riccardo Carlotta Animation : BookBox

×
ઊડતો હાથી : ઉપશીર્ષકો સાથે ગુજરાતી શીખો - બાળકો અને વયસ્કો માટે વાર્તા