ખેડૂત રાજકુંવરી : ઉપશીર્ષકો સાથે ગુજરાતી શીખો - બાળકો અને વયસ્કો માટે વાર્તા

Gujarati   |   06m 27s

Can a princess ever become a farmer? Find out for yourself. ખેડૂત રાજકુંવરી ભીલી લોકકથા કંસારી એક મોટા શક્તિશાળી રાજાની દીકરી હતી. એ રાજકુંવરી હતી, છતાં નાનપણથી જ તેની ઈચ્છા ખેડૂત બનવાની હતી. આ વાત થી તેના પિતાને ગુસ્સો આવતો, અને તે મોટી થતાં જ, તેના પિતાએ તેને રાજમહેલ છોડી જવાનો હુકમ કર્યો. “રાજમહેલની બહાર જિંદગી કેવી મુશ્કેલ હોય છે તેનો અનુભવ તને થાય તેમ હું ઇચ્છું છું. જેથી તને કંઈક સમજ આવે,” તેમણે ગુસ્સાથી કહ્યું. એટલે કંસારીએ નાનપણથી એકઠાં કરેલાં બી બાંધી લીધાં, અને જંગલમાં રહેવા જતી રહી. તેણે નાનકડી ઝૂંપડી બાંધી અને નજીકનાં ખેતરોમાં બી વાવવાનું શરુ કર્યું. એ સખત મહેનતનું કામ હતું, પણ કંસારીને તેમાં તેનાં ત્રણ નવાં મિત્રો મદદ કરતાં: બિલાડી, પોપટ અને કરોળિયો. બિલાડી ખેતરમાંના ઉંદરોનો શિકાર કરતી. કરોળિયો ઝૂંપડીની સંભાળ રાખતો. પોપટ રાજયમાં જઈ ત્યાનાં તાજા સમાચાર લાવતો. તેઓ બધાં સારાં દોસ્તો થયેલાં અને આનંદથી સાથે રહેતાં. થોડા સમયમાં તો રાજ્યમાં બધાં કંસારીનાં કસદાર ખેતરો વિશે વાતો કરતા હતા. આ વાતોથી રાજા ગુસ્સે થઈને દેવોના રાજા ઈંદ્ર પાસે ગયા. પોતે પોતાની દીકરીને પાઠ ભણાવવા ઈચ્છતા હતા. તેથી રાજાએ ઈંદ્રને મદદ કરવા વિનંતી કરી. ઈંદ્રએ કહ્યું, “તું મારા પર બધું છોડી દે હું દુકાળને મોકલું છું. બધો પાક સુકાઈને મરી જશે.” પોપટે આ વાત સાંભળી લીધી અને જલદીથી કંસારીને કહી દીધી. કંસારી અને તેના મિત્રોએ તેમના પાકને ભેજવાળા નદી કિનારે ખસેડી લીધો. જ્યારે દુકાળ પડ્યો, ત્યારે રાજ્યમાંનો બધો પાક સુકાઈ ગયો, પણ કંસારીનો પાક બચ્યો. ઈંદ્રએ આ જોયું અને માથું ખંજવાળ્યું. “હવે હું પૂર મોકલીશ, જે કંસારીને રોકશે,” તે બોલ્યો. પણ ફરીથી, પોપટ ઈંદ્રને સાંભળી ગયો. આ વખતે કંસારીએ તેના મિત્રો સાથે મળીને ડુંગરના ઢોળાવ પર પોતાનો પાક વાવ્યો. જયારે પૂર આવ્યું ત્યારે રાજ્યનો બધો પાક ડૂબી ગયો. પણ વધારાનું પાણી ડુંગરની તળેટીમાં વહી જતાં માત્ર કંસારીનો પાક બચ્યો. “હું હજારો ઉંદર મોકલીશ!” ઈંદ્રએ નક્કી કર્યું. પણ પોપટે ઈંદ્રની યોજના વિષે બિલાડીને વાત કરી. “અરે વાહ! હું મારી બધી બિલાડી મિત્રોને ઉજાણી માટે બોલાવીશ!” બિલાડી બોલી. થોડી જ વારમાં ખેતરમાંના બધા ઉંદરોને બિલાડીઓ ખાઈ ગઈ. હવે ઈંદ્ર માટે હદ આવી ગઈ. “હું પક્ષીઓ મોકલીશ તે પક્ષીઓ સામે પાક બચાવી શકશે નહીં!” તે બોલ્યો. પણ કરોળિયાએ તેના અન્ય કરોળિયા મિત્રોને બોલાવ્યા અને તેમણે પાકની ઉપર ચીકણી જાળ ગૂંથી દીધી. જયારે પક્ષીઓએ પાક પર હુમલો કર્યો ત્યારે તેઓ ચીકણી જાળમાં ફસાઈ ગયા. ફરીથી પાક બચી ગયો. દરમિયાન રાજા માટે મોટી સમસ્યા થઈ. દુકાળ અને પૂરે રાજ્યના બધા પાકનો નાશ કર્યો હતો. લોકો ભૂખે મરતા હતા. રાજા ઈંદ્ર પાસે મદદ માટે ગયા. ઈંદ્રએ કહ્યું, “તમારે મારી મદદની જરૂર નથી. તમારી દીકરી કંસારી લોકોને ખવડાવી રહી છે.” તે રાજાને જંગલમાં લઈ ગયો. ત્યાં તેણે જોયું કે કંસારી અને તેનાં મિત્રો બધાંને થેલા ભરીને અનાજ આપતાં હતાં. રાજાને પોતાની ઉપર શરમ ઊપજી અને દીકરી માટે ગૌરવ અનુભવ્યું. “રાજમહેલમાં માત્ર રહેવા કરતાં બીજી ઉમદા બાબતો પણ છે. ખરું કે નહીં?” ઈંદ્રએ પૂંછ્યું. રાજાએ દીકરીની માફી માગી અને તેને મહેલમાં પાછા ફરવા વિનંતી કરી. કંસારીએ પિતાને માફી આપી, પણ મહેલમાં પાછી ન ગઈ; તે તેના મિત્રોની સાથે ઝૂંપડીમાં જ આનંદપૂર્વક રહી. કંસારી પછીથી ખેડૂત રાજકુંવરી તરીકે જાણીતી થઈ. Illustrations: Emanuele Scanziani Music: Ladislav Brozman & Riccardo Carlotto Animation: BookBox

×
ખેડૂત રાજકુંવરી : ઉપશીર્ષકો સાથે ગુજરાતી શીખો - બાળકો અને વયસ્કો માટે વાર્તા