ગજપતિ કુળપતિ: ઉપશીર્ષકો સાથે ગુજરાતી શીખો - બાળકો અને વયસ્કો માટે વાર્તા

Gujarati   |   06m 08s

Small noses catch small colds. Big noses catch big colds. Poor Gajapati Kulapati has a big nose and he caught a big cold... ગજપતિ કુળપતિ અશોક રાજગોપાલન દ્વારા ગજપતિ કુળપતિ એક મોટો હાથી હતો. ગજપતિ કુળપતિ એક શાંત-સૌમ્ય હાથી હતો. એકવાર રાત્રે વરસાદ આવ્યો. ગજપતિ કુળપતિ ભીંજાય ગયો. ગજપતિ કુળપતિ ને શરદી થઈ ગઈ. નાનાં નાકમાં નાની શરદી થાય. મોટા નાકમાં મોટી શરદી થાય. ગજપતિ કુળપતિનું નાક જેટલું મોટું, એટલી મોટી એને શરદી થઈ. કેળાંવાળાએ ગજપતિ કુળપતિ ને જ્યારે પૂછયું, “કેળાં જોઈએ કે!” ગજપતિ કુળપતિએ મોં ખોલ્યું અને કહે, “આહ . . . . .” આહSSSSSSSS… છૂછૂછૂછૂછૂ! હુશ! કેળાંવાળાનાં હાથમાંથી કેળાં ગયાં ઊડી. પચ્ચાક! કેળાં પડયાં ટપાલીનાં માથા ઉપર. ટપાલી પડયો ગાયની ઉપર. ધડામ! હવામાં પૂંછડું ઊભું કરી દોડી ગાય. બા ગજપતિ કુળપતિ ને બહુજ દુખ થયું. પોતાનાં દોસ્તોને દુખ પહોંચે તે ગજપતિ કુળપતિ ને ન ગમે. “સૉરી” કહેવા ગજપતિ કુળપતિએ જેવું મોઢું ખોલ્યું, “આહSSSSSSSSSS... છૂ!” કેળાંવાળો ભાગ્યો, એવો તો ભાગ્યો! ટપાલી પણ ભાગ્યો, એવો ભાગ્યો! ગાય ભાગી, બરાબર ભાગી! ગજપતિ કુળપતિ ને વધારે દુખ થયું. પોતાનાં દોસ્તોને માઠું લાગે તે ગજપતિ કુળપતિ ને ન ગમે. ગજપતિ કુળપતિ મંદિરની ભીંત પાછળ સંતાઈ ગયો. દિવસ આખો ત્યાંજ રહ્યો. ગામમાં બધાંને ખબર પડી ગઈ કે ગજપતિ કુળપતિને શરદી થઈ છે. કેળાંવાળો દૂધવાળાને કહે, “ગજપતિ કુળપતિને શરદી થઈ છે.” દૂધવાળો દરજીને કહે, “ગજપતિ કુળપતિને શરદી થઈ છે.” દરજી ફૂલવાળીને કહે, “ગજપતિ કુળપતિને શરદી થઈ છે.” ફૂલવાળી ટપાલી ને કહે, “ગજપતિ કુળપતિને શરદી થઈ છે.” ટપાલી રાડ પાડતાં કહે, “અરે મને ખબર છે કે ગજપતિ કુળપતિને શરદી થઈ છે!” તે રાત્રે ખૂબ મોટો અવાજ થયો. બધાં જાગી ગયા. કૂતરું છે કે શું ? અવાજ વધારે મોટો થયો . . . સિંહ ગર્જયો કે શું ? અવાજ મોટો થતો ગયો . . . મેઘ ગાજયો કે શું ? ખૂબ મોટો અવાજ થયો . . . આભ પડયું કે શું ? આહSSSSSSSSS… છૂSSSSS! પહેલાં કોઈએ ન સાંભળી હોય એવી મોટી છીંક. આ તો ગજપતિ કુળપતિ! બધાંએ માથું હલાવ્યું અને પાછા ગયા સૂઈ. તે છીંક ખાધી ત્યાં તો ગજપતિ કુળપતિ ની શરદી થઈ ગઈ ગાયબ. સવાર પડી અને ગજપતિ કુળપતિ તાજો માજો થઈ ને આવ્યો બહાર. બધાં ભેગાં થઈ ગયા. તેને થાબડ્વા લાગ્યાં. એક ડાહ્યા દાદીમાં કહે, “ચાલો આપણે ગજપતિ કુળપતિ માટે એક ઘર બનાવીએ. જેથી તે ફરી વરસાદ માં ભીનો નહીં થાય.” પછી તો કેળાંવાળો, દૂધવાળો, દરજી, ફૂલવાળી, ટપાલી, અને દાદીમાં, બધાંએ સાથે મળીને ગજપતિ કુળપતિ માટે એક ઘર બનાવ્યું. ગજપતિ કુળપતિ એટલો ખુશ થઈ ગયો કે વાત ન પૂછો. તે દિવસ પછી, લોકો ને ક્યારેક સંભળાતું “આહછૂ” અને “આહSSSSSSSS...છૂ” અને “આહSSSSSSSS...છૂ” અને “આહSSSSSSSS.....છૂ” પણ તે પછી ક્યારેય નહી . . . “આહSSSSSSSSSSSS...છૂSSSS...!” Story: Ashok Rajagopalan Illustrations: Ashok Rajagopalan Music: Jerry Silvester Vincent Translation: Mamata Pandya Narration: Makrand Shukla Animation: BookBox

×
ગજપતિ કુળપતિ: ઉપશીર્ષકો સાથે ગુજરાતી શીખો - બાળકો અને વયસ્કો માટે વાર્તા