Duv Lagyo Muj Man-Van Ma books and stories free download online pdf in Gujarati

દવ લાગ્યો મુજ મન-વનમાં


દવ લાગ્યો મુજ મન-વનમાં

અશ્વિન મજીઠિયા




© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

દવ લાગ્યો મુજ મન-વનમાં

“જો નંદિતા, લગન તો તારે સુબોધ સાથે જ કરવા પડશે. અને કરવા ય જોઈએ. તારા પેટમાં જે છોકરૂં છે, ઈનો બાપ તો આખરે ઈ જ છે ને -જયાબેને નંદિતાને પોતાની સલાહ અને ફેંસલો એક જ વાક્યમાં આપી દીધાં.

‘અરે પણ મમ્મી, એની લાયકાત છે કે મારી સાથે લગ્ન કરવાની? કંઈક તો વિચાર કર..!”

“લાયકાતની વાત કર છો, તો તું ય હવે કોઈ બીજા છોકરાંને પરણવાને લાયક નથી રઈ, સમજી..! કોણ ઝાલશે તારો હાથ ? કંઈ વિચાર કર્યો છે?”

“અરે પણ, મારો કંઈ એમાં વાંક? તું તો બધી હકીકત જાણે છે મમ્મી. સુષ્માની સુવાવડ કરવા જવાનો મને કોઈ શોખ નહોતો.”

“તો અમને ય કોઈ શોખ નો’તો તને ત્યાં મોકલવાનો. સુષ્મા તારી મોટી બેન છે. ને એના સાસુ-સસરાને એની સુવાવડને ટાંકણે જ, સાવ અંગત મરણને લીધે ચાર દી’ પરગામડે જવું પડયું, તો મારે તો તને મોકલવી જ રઈ ને, ત્યાં.” - રમણીકભાઈએ વચ્ચે ટાપશી પુરાવી.

“હા..ત્યાં એનો પેલો ગાંડો-ઘેલો દિયર સુબોધ..વાટ જ જોતો’તો ને મારી, તે મોકલી દીધી પપ્પા તમે મને.. હરામી સાલો..!”

“ને સાવ ગાંડો-ઘેલો તો નથી. હા, મંદ-બુદ્‌ધિનો છે ઈ. પણ ઈને તો ખબરેય નથી કે ઈણે શું પરાક્રમ કર્યું છે ઈ..! ને ઈમાં વાંક તો તારો જ ગણવાનો ને..! શી જરૂર હતી તારે સુવાવડ-ખાનેથી ઘેર આવવાની? રાત આખી રહી’તી ત્યાં, તો ન્હાવા-ધોવાનું ય ન્યાં જ પતાવી લેવું’તું..!” -રમણીકભાઈએ દીકરીને ટપારી.

“હા, ને રાંધીને ઘરે ટીફીન કોણ બનાવત? ઈ ઓલ્યો તમારો ‘મંદબુદ્‌ધિ’ ? પંકજ-જીજુને બે-ત્રણ કલાક ત્યાં સુષ્મા પાસે બેસાડી, હું જરા ફ્રેશ થવા ઘેર ગઈ. રાંધી ને બે ઘડી જરા આડી પડી, ઈ મોકાનો લાભ ઉઠાવી લીધો એમના ઈ નાના-નપાવટ ભાઈએ. એવા બધામાં તો ભારે બુદ્‌ધિ ચાલે છે, એ ‘મંદબુદ્‌ધિ’ની..!”

“પણ પછી, ઘરે આવીને પંકજકુમારે ય ભારે ઘોંઘાટ કરી મેલ્યો. ઈ ગાંડીયાને ગુસ્સામાં એટલો ઠમઠોર્યો, કે બીકનો માર્યો ઈ ઘરની બહાર ભાગ્યો, ને ગામ ભેગું થઈ ગયું.” -જયાબેને ‘અફસોસ’ જતાવ્યો.

“તે, એ તો કંઈ ભાગ્યો નો’તો મમ્મી. જીજુએ જ ધક્કા મારી મારીને એને ઘર બહાર કાઢી મેલ્યો’તો, ને પછી ફળિયામાં જઈને ધોયો’તો એને.”

“ને ઈ જ ફળિયામાં આ સામેવાળી પંચાતિયણ સવિતાની ભાભી વાસંતી રહે. ને વાત આખી, ઈ ગામથી આંઈ આપણે ગામ પહોંચી ગઈ..! પણ તો ય તારા નસીબ સારા દીકરી, કે સુષ્માના સાસરીયા અને પંકજકુમાર, તારા લગન સુબોધ હારે કરવા તૈયાર થ્યા છે.”

“એ..નસીબ તો મારા ફૂટેલા, કે તમારી આ ગ્રેજ્યુએટ દીકરીને તમે બેઉ એને ગળે બાંધવા બેઠા છો. બાકી એ લોકોને એમના એ બુદ્‌ધિના બળદિયા માટે કોણ દીકરી દેવાનું છે? કપડા પે’રવાનું ય ભાન નથી એને તો. સાલાને જેલમાં નખાવી દેવો જોઈએ..!”

“તે ઈ તો ત્યાં ય જશે, હસતો હસતો. ઈને કંઈ ભાન છે? આટલું થ્યા પછી ય ‘માસી..માસી’ કરતો મને ઈમને ત્યાં રોકાઈ જવાનો આગ્રહ કરતો’તોપ કોરટ-કચેરી કરત તો વકીલના ઘર ભરાય, વેવાઈવેલામાં સબંધ બગડે ને ગામ-ફજેતો થાય ઈ જુદો.. ને પછી મારે શું જિંદગી આખી તને અહિયાં મારી છાતીપર મગ દળવા બેસાડી રાખવાની? પરણે કોણ પછી તને?”

“તે નહીં રહું અહિયાં તમારી સાથે, છાતીએ મગ દળવા. કરી લઈશ હું મારો રસ્તો. દીકરીનું શિયળ લુંટાઈ ગયું તેની તમને તો કોઈ દયા નથી, શું નથી જાણતી હું એ?

“દયા ને સાનુભુતી તો ઘણી થઈ આવે છે મને, મારી ય ઉપર. પણ તારૂં આ પાપ, દિવાળી પે’લા જ છાપરે ચડીનેપ”

“પાપ ? મારૂં ? મમ્મી, કંઈક તો વિચાર કર બોલતા..”

“ના..ના.. પાપ તારૂં નહીં, પાપ તો મારૂં. આ સુષ્માના જન્મ પછી મારી પર મારા સાસરીયાઓએ જાણે કે ઓછા માછલા ધોયા’તા, તે બીજી દીકરીને ય મેં બધાંની ઉપરવટ થઈને જનમ આપ્યો, ને આજે આ દી’ જોવા મળ્યો મને.. દીકરો હોત તો આ..ને વહુ લાવવાની તૈયારી કરતી હોત હુંપપ.હવે ક્યાં હાલી અટાણે? વાતનો નિવેડો તો લાવ..” -નંદિતાને ઉઠીને ચાલતી થતી જોઈ, જયાબેને બૂમ પાડી.

પણ કંઈપણ જવાબ દીધા વગર નંદિતા ઘરની બહાર ચાલી નીકળી. ક્યાં જવું કંઈ સૂઝતું ન હતું. મા-બાપે ય જાણે તેનાં વેરી થઈ ચુક્યા હતા, કે ગામમાં નાક ન કપાય એટલા ખાતર એવા એક અસ્થિર મગજના યુવકને તેને ગળે બાંધવા માંગતા હતા, જેની વાસનાની આગમાં તેની આબરૂ, તેનું ભવિષ્ય, તેનું બાકીનું આયખું હોમાઈ ગયું હતું. બળાત્કારની એ વસમી વેળાને ભૂલવાની કોશિષમાં ને કોશિષમાં બે મહિના વીતી ગયા, ને ત્યારે તેને ભાન થયું કે પોતાને ગર્ભ રહી ગયો છે. ખોબા જેવા ગામમાં ગર્ભપાતની વાત તો જંગલની આગની પેઠે ફેલાય જાય. પરગામમાં કોઈ ઓળખાણ નહીં કે કુંવારી છોકરીનો ગર્ભપાત કરી આપે. અને આમને આમ તણાવ વધતો ગયો, પણ ઉપાય સુઝે નહીં. અંતે સાળીની દયા ખાઈને તેના બનેવી, અને સુબોધના મોટાભાઈ પંકજે આ વચ્ચેનો ‘રસ્તો’ કાઢી આપ્યો, કે ઘરની વાત ઘરમાં જ રહે. ને પંકજના મા-બાપને તો ના પાડવાનું કોઈ કારણ જ ન હતું. તેમનાં અભણ અને ગાંડાઘેલા દીકરાને ભણેલી-સુશીલ પત્ની અનાયાસે જ મળી જતી હતી, તો તેમને તો શું વાંધો હોય?

પણ નંદિતાને વાંધો હતો. બળજબરીથી જે શારીરિક સંબંધ બંધાયો હતો તેને ઈશ્વરની ઈચ્છા સમજીને, તે પોતાની બાકીની જીંદગી જાણીજોઈને બરબાદ કરવા નહોતી માંગતી. ગામમાં બહુ વાત ફેલાણી નહોતી, પણ જેવી તેનાં વિવાહની ક્યાંક વાત ચાલશે, કે આ વિઘ્‌નસંતોષીઓ પાણીમાં પથરાં ફેંકવા તૈયાર જ બેઠા હતા, તેની નંદિતા અને તેનાં મા-બાપને ખબર જ હતી. એટલે હવે એક જ રસ્તો દેખાતો હતો, સુબોધ સાથે નંદિતાના લગ્નપ

એ દુર્ઘટના વખતે પોતાપર થયેલ જુલમનો પ્રતિકાર કરવામાં નિષ્ફળ રહ્યાનો અફસોસ નંદિતાને તે ઘડીથી આજ દિવસ સુધી, હંમેશાં રહ્યા કર્યો. આક્રોશ અને ક્રોધનો દવ તેનાં મન-વગડામાં સતત પેટતો જ રહ્યો, અને મનની શાંતિને ઝાળતો રહ્યો. કાયદેસર ફરિયાદ કરી ગુનેગારને સજા પણ ન દેવડાવી શકવાનો વસવસો તેને ઝંપવા નહોતો દેતો. પોતાની અસહાયતા પર તેને પોતાને જ દયા આવતી રહી. આમાં કંઈ જ નહીં થઈ શકે એવું જાણતી હોવા છતાં, આગળ શું કરવું તેના વિચારમાં તે અહર્ન્િાશ પરોવાયેલી રહેતી. અને તેમાં અત્યારે, મા-બાપ સાથેની દલીલોથી તેનું મન વધુ ને વધુ વિચલિત થતું ચાલ્યું. પોતાની હૈયા-સગડીનો તાપ તેનાથી કેમેય કરીને ઝીરવાતો નહોતો. તસુભાર પણ વાંક ન હોવા છતાં, જિંદગીભરની સજા મળવાના હવે એંધાણ વર્તતા હતા. મા-બાપે બતાવેલ રસ્તે તે ચાલવા ઈચ્છે, તો યે ચાલી નહોતી શકતી. મન અને મતિ બેઉ સાથ નહોતા આપતા, એ માટે. અને કોઈપણ નિર્ણય લીધા વગર બસ બેસી રહે, તો બે-ચાર મહિના બાદ બળી મરવા જેવી સ્થિતિ આવી જાય..!

“કેમ કરીએ રે અમે.. કેમ કરીએ

દવ લાગ્યો રે ડુંગરીયે, કેમ કરીએ..!

ચાલવા જઈએ તો અમે.. ચાલી નવ શકીએ, વાલીડા..

બેસી રહીએ તો અમે.. બળી મારીએ..

દવ લાગ્યો રે ડુંગરીયે.. કેમ કરીએ”

બજારમાં કાછીયાની દુકાને રેડીયોપર વાગતા ભજનને સાંભળી નંદિતા ક્ષણભર થંભી ગઈ. મીરાંબાઈએ જાણે બિલકુલ પોતાની જ મનોગત કહી હતી એમાં.

શું કરવું.. કેમ કરવું..કંઈ ઉકેલ નહોતો મળતો. આવી કપરી વેળાએ અશાંત અને અસંતુષ્ટ મનનો અજંપો ક્યાં જઈ ઠાલવવો તેની વિમાસણમાં ભર-બપોરે ભર-બજારની વચ્ચે આ નવયૌવના દિશાહીન બનીને ચાલતી રહી..ચાલતી રહી..ચાલતી જ રહીપ.

“ચરણ ચાલે ચિંતાગ્રસ્તાના..આતમ એકલ અટવાય,

દિશાહીન દલડું દુઃખે..મતિ મ્હાય મૂંઝાય..!”

*****

“તો પછી હેં, આ તમારી ઉજળી જાતવાળાઓ કરતા અમારૂં હલકું વરણ સારૂં નઈ?” -ચંપાએ નંદિતા આગળ પોતાનો બળાપો કાઢ્‌યો- “માવડિયો વર, અને સાસરીયાનો અખૂટ ત્રાસ ને મારપીટ. બધાથી છોડાવી મારા બાપે. બસ એક વાર એને વાત કરવાની ખોટી હતી. આબરૂની લ્હાયમાં ને લ્હાયમાં જો રહ્યા હોત એ, તો હું આજે ય સબડતી હોત ત્યાં. પણ ના..! ઝગડીને મને ત્યાંથી લઈ આવ્યા, ને આજે સુખેથી મારા દીકરાની સાથે જુદું ઘર માંડીને ચાર વરસથી રહું છું. માવતરપરે ય બોજ નથી બની..!”

બજારની વચ્ચોવચ, બહુ વાર સુધી નંદિતાએ અભાનપણે ચાલ્યા કર્યું, ને ત્યાં અચાનક તેને આ ચંપા મળી ગઈ. મન હળવું કરવા તેને ઘરે ગઈ, ને પેટ ઠાલવી દીધું તેની આ એક વખતની ખુબજ અંગત સખી પાસે. ચંપાનું પિયર અહીં, ને સાસરૂં પચીસેક માઈલ દુર. પણ હાલમાં પોતાના દીકરા સાથે બાજુના શહેરમાં એકલી રહેતી હતી, ને દવાખાનામાં સફાઈ-કામદારનું કામ કરીને પોતાનું ને દીકરાનું પેટીયું રળી લેતી હતી.

“તે ચંપા, આ બધામાં મારો શું વાંક? કે મારે જાણી જોઈને કુવામાં પડવાનું..!”

“કંઈ દોષ નઈ તારો, ને છતાંય દોષ્િાણી તો તું જ ગણાય. આ સમાજ જ એવો છે. વાંક કાયમ આપણો જ દેખાવાનો, ને ભોગવવાનું પણ તારે જ ભાગે આવવાનું. હા, જો ભોગવવા તૈયાર હો તો..!”

“ભોગવવું તો મારે નથી જ. પણ કંઈ રસ્તો નથી જડતો. માવતર ને સમાજ, બેઉ સામેની કોર જઈને બેઠા છે, તે નમતું તો મારે જોખવું જ પડશે ને..!”

“શા માટે ? જો હિમ્મત હોય, તો કરી દેખાડ. હાલી નીકળ મારી ભેગી. રે’જે મારી સાથે. મારો દીકરો ને તારૂં છોકરૂં. મા ને માસી ભેગા મળીને ઉછેરશું બંનેને. એકમેકની ઓથ રહેશે, ને કોઈની સાડીબાર નહીં.”

“હાય હાય, અલી..આ તારા વરણને લીધે, નિશાળમાં તારી સાથે હળતીમળતી, તે ય મારા મા-બાપને ગોઠતું નઈ.. ને હવે તારા ભેગું રે’વાની વાત માંડુ, તો મને તો ભોયમાં જ ભંડારી દે..”

“તે કે’વું હોય તો કે’જે, નઈતો નીકળી પડજે છાનીમાની. ચાર દી’ વાત્યું થશે, ને બધું થાળે પડી જશે. હિંમત તો તારે દાખવવી જ રહી, નઈતો આખો જન્મારો રોતી રે’વાની.”

નંદિતા ચંપાને એકટશ નીરખી રહી તેનું માપ કાઢતી. બેનપણી પર ભરોસો તો સો ટકા હતો..છતાંય પણ..!

“માવતર તારા દુશ્મન નથી ઈ હું ય જાણું છું, પણ સંતાન કરતાં સમાજની બાજુ ઝાઝા નમે, ત્યારે વળગીને તો ન જ રહેવાય એટલું સમજી લે મારી બેના. બધા સામું જોતી રહીશ..તો પોતા સામે ક્યારે જોઈશ?”

“પણ મારી સુવાવડ? બાપના નામ વગર ? કોણ સહી કરશે?”

“એ હું જે દવાખાનામાં કામે છું..એ દાકતરભાઈ બહુ ભલા છે. આપણને મદદ કરશે. ઈ બધું, તું મારી માથે મૂકી દે. તારી સુખરૂપ સુવાવડની જબાબદારી મારી, બસ?”

“આ બધી લમણાઝીક કરતાં ગરભપાતપ”

“નામ ન લઈશ. પાપ કે’વાય બેના. દોષિણી તો નસીબે બનાવી, હવે જાણીજોઈને પાપિણી ન થા. એક તો કાયદાબહારનું, ને પાછું જીવની હત્યા, દાકતરે’ય તૈયાર ન થાય. હા, સુવાવડ કરાવી દઈશ તારી.

ભડની દીકરી થા..! છોકરૂં તો કાલ સવારે મોટું થઈ જશે. પાપનું પોટલું બાંધીશ તે ક્યે જન્મારે છુટીશ એમાંથી..! લે આ મારૂં સરનામું ત્યાંનું. મન હોંકારો દે, તો હાલી આવજે ત્યાં. લડી લઈશું દુનિયા સામે બેઉ જણીયુ મળીને..!”

નંદિતા ઘરે પાછી આવી. દીકરીને શાંત જોઈ મા-બાપને થોડી ધરપત થઈ, કે છોકરી માની જશે અને અણધારી આ આફત ટળી જશે. પણ નંદિતાના મનમાં ચાલી રહેલ તોફાનને છાવરતી એ શાંતિ હતી. પોતે ખાસ્સું એવી ભણેલી છે..ચંપા કરતાં તો ક્યાંય વધુ. જો એ હિંમત અને સ્વમાનભેર જીવી શકતી હોય, તો પોતે કેમ નહીં? આમે ય એને જે સાસરે જવાનું છે, તેમાં યે વળી શી ભલીવાર છે? પાણી વગરનો બેવકૂફ જેવો વર. ને માથે પેલો બનેવી..પંકજ, જે હવે જેઠ થવાનો. નિયત તો એની ય સાફ નથી લાગતી. આ વાત તો ત્યારે છાની રાખી શકાઈ હોત, પણ એણે જાણી જોઈને ગામ ભેગું કર્યું લાગે છે. ને હવે પોતાના ભાઈને બહાને મને તેનાં ઘરમાં લાવવા માગે છે. સુબોધ કમાતો તો કંઈ છે નહીં, એટલે પંકજની જ દયા પર રહેવાનું. ને પછી એની દયાનું જો ‘વળતર’ માંગે તો? સુષ્મા તો પહેલેથી જ સાસરામાં દબાઈને રહી છે. એટલે જ તો પોતાની બહેનપર થઈ રહેલ અન્યાયની સામે તે બોલી નહોતી શકી, પિયરમાં કે સાસરામાં. તો તેની મદદની તો આશા યે શું કરવાની..! નંદિતાનું મન મક્કમ થતું ચાલ્યું. બધો નિર્ણય બસ..પોતે જ લેવાનો છે, કઠણ થઈને.

આમને આમ ચાર-છ દિવસ વીત્યા હશે, કે એક સવારે રોઈ-બરાડીને જયાબેને ગામ ગજવી નાખ્યું. ગામવાળા ભેગા થઈ ગયા. વાતો થવા લાગી. છોકરી ભાગી ગઈ. પણ કોની સાથે? ગામના તો બધા જુવાનીયા મોજુદ હતા. બે ત્રણ ઘરમાં જ્યાં નંદિતાનું ‘કાળું મ્હો થયા’ની જાણ હતી, તેઓ સુબોધ સાથે તંતુ જોડવા માંડયા. પણ તેની સાથે તો વાજતેગાજતે પરણવાની વાત સંભળાતી હતી, તો એની સાથે ભાગે શું કામ? ને આમે ય એ છોકરામાં ક્યાં પાણી છે કોઈની છોકરીને ભગાડીને લઈ જવાનું? વાતની કોઈ ગડ નહોતી બેસતી. ગામવાળાએ પોલીસમાં જાણ કરવાની વાત કરી, પણ જયાબેન, અને તેમની વાત માનીને રમણીકભાઈ, પોતાના નસીબને દોષ દઈને શાંત જ બેસી રહ્યા.

દિવસો વિતતા ગયા. ગામમાં વાતોનો જે વંટોળ ઉઠ્‌યો હતો, તે થોડા અઠવાડિયામાં શમી ગયો. નંદિતા ભાગી ગઈ, એ વાત હવે સૌને કોઠે પડી ગઈ હતી.

પણ જયાબેનને કેમેય શાતા નહોતી વળતી. રોજ રાતે કાગળની એ નાની એવી ચબરખી હાથમાં લઈને એકીટશે તેની સામે નીરખી રહેતા. આમાં કોઈક સરનામું હતું. તેમની દીકરીની ક્ષેમકુશળતાની બાંહેધરી હતી એમાં. જતાં જતાં નંદિતા મુકી ગઈ હતી આ ચબરખી. પણ જયાબેને કોઈનેય આ વાત કરી નહોતી, કે ન તો કોઈ તપાસ કરાવી હતી એ સરનામે. તેમને ભરોસો હતો પેલા ભગામોચીની દીકરી પર. અનાયાસે જ જયાબેનને વર્ષો પહેલાની એ વાત આવી ગઈ, જ્યારે નંદિતા ચંપાના ઘરે કશું’ક ખાઈને આવી’તી, ને પોતે તેને ધમકાવી હતી. ત્યારે નાનકડી નંદિતાએ સામે એક વેધક સવાલ કર્યો હતો કે- “મમ્મી, આ એક વાર એના ઘરે હું ખાઈ આવી, ને અભડાઈ ગઈ. તો આપણા ઘરનું કેટલીયે વાર ખાઈ-ખાઈને એ ચંપા હજુ સુધી ઉજળી કેમ નથી થઈ?”

ત્યારે તો આ દલીલનો તેમની પાસે કોઈ જવાબ નહોતો, પણ આજે હતો, કે હા, ભલે જનમથી નહીં પણ મનથી તો એ ઉજળી થઈ જ છે. દુનીયાદારીની બીકે પોતે તો નંદિતાને છેહ દીધો, પણ ભલે હલકા વરણની, તોયે આખરે તો એક સ્ત્રી જ બીજી સ્ત્રીને કામ આવી. ને તેનું જીવતર દોજખ બનતું અટકાવ્યું. રહી રહીને જયાબેનના મનમાં સવાલ ઉઠતો, કે કેમ ઉછેરશે નંદિતા પોતાના સંતાનને..?

તો યે મનમાં એક ધરપત હતી..કે અહિયાં સાસરામાં તો ગાંડા-ઘેલા પતિની સાર-સંભાળ રાખવાની હતી જિંદગીભર, અને એ પણ બીજી કોઈ ઉમીદ રાખ્યા વિનાપજ્યારે સંતાન-ઉછેરમાં તો એક આશા ય બંધાય સંતાનના મોટા થવાની, મોટાં થઈને પરિપકવ અને જવાબદાર બનવાની.

અને એ જ ધરપત આપી, જયાબેન પોતાના મનનો અજંપો હળવો કરી, પ્રભુ-સ્મરણ સાથે સુઈ જતાં..

- અશ્વિન મજીઠિયા..