Love Story 1990 books and stories free download online pdf in Gujarati

લવ સ્ટોરી ૧૯૯૦

અર્પણ

મારા માતા-પિતા, પ્રભુ શ્રીરામ અને હનુમાનજી, જેઓ હંમેશા મારા હ્રદયમા રહે છે. મારુ મન જે કલ્પનાઓની દુનિયામા રહીને મને અવનવી વાર્તાઓ લખવા પ્રેરીત કરે છે. માતૃભારતી, જે મારા સપનાઓની દુનિયાને આકાર આપવામા મારી મદદ કરે છે. મારો મિત્ર પ્રિતેશ હિરપરા જે મારી વાર્તાનો વિવેચક છે.

***

જુન ૨૦૧૧

દર્શન એની પત્ની આસ્થા અને પુત્રી હેતલ સાથે નરોડા વિસ્તારમા બંગલો ખરીદીને ત્યા શિફ્ટ થયો. મકાન માલિકે સામાન સહિત મકાન આપી દીધુ હતુ. ત્યાના મકાન વર્ષો જુના હતા, એટલે આસ્થાને ગમ્યુ નહોતુ, પણ દર્શનના બજેટ મુજબ અહી પોષાય તેમ હતુ. આથી આસ્થાએ વિરોધ ન કરતા ત્રણેય અહી રહેવા આવી ગયા હતા. દર્શન એના નિત્યક્રમ મુજબ ઓફિસે જતો રહેતો. હેતલ બીજા ધોરણમા અભ્યાસ કરતી હતી એટલે એને નિશાળે મુકવા અને લેવા જવાની જવાબદારી આસ્થા સંભાળી લેતી. એક્ટિવા હતી એટલે વાંધો ન આવતો. બપોરના સમયે એકલી તે કંટાળી જતી.

બપોરના સમયે ચોમાસાની ઋતુનો પહેલો વરસાદ થયો. આસ્થાને વરસાદ ખુબ જ ગમતો. બારીની બહારથી થઇ રહેલા ધોધમાર વરસાદને માણતી રહી. રેડિયો પર એક સુંદર ગીત આવ્યુ, “તુમ જો આયે જિંદગી મે તો બાત બન ગઇ”. એક તરફ સુંદર વરસાદ અને ઉપરથી પ્રેમભર્યુ ગીત. એક સાથે આવો સંયોગ થતા આસ્થા એના ભુતકાળમા સરી પડી.

વર્ષ ૨૦૦૨ મા આસ્થા અને દર્શનના લગ્ન કરવામા આવ્યા હતા. પહેલી જ મુલાકાતમા બંનેએ એકબીજાને પસંદ કર્યા હતા. લગ્ન બાદ બંને વચ્ચે પ્રેમ વધ્યો હતો. બંનેના અંશ સ્વરૂપ હેતલ આવી હતી, ત્યાર બાદ તો એમની દુનિયા ફુલની જેમ મહેકી ઉઠી હતી.

આસ્થાને માત્ર એના પિતાની જ ચિંતા હતી. એ જ્યારે છ વર્ષની હતી, ત્યારે જ એની માતાનુ મૃત્યુ થયુ હતુ. એના લગ્ન બાદ તો પિતા એકદમ એકલા થઇ ગયા હતા. આ જ કારણે તે ઘણી વાર ઉદાસ થઇ જતી.

વીજળીનો જોરદાર કડાકો થતા આસ્થાની વિચારતંદ્રા તુટી અને વર્તમાનમા આવી ગઇ. એ દિવસો યાદ કરવામા સાંજના ક્યારે ૫ વાગી ગયા, એની તો એને ખબર જ ના રહી. આસ્થાએ પોતાના માટે ચા બનાવી, પણ પીવાનુ મન જ ના થયુ. અંતે હેતલને લેવા એની નિશાળે જતી રહી.

***

સાંજે ૭ વાગ્યે દર્શન ઘરે આવ્યો. ૮ વાગ્યે જમ્યા બાદ દર્શને આસ્થાને જોઇને વાત કરી, “શુ થયુ આજે ઉદાસ કેમ છે?”

“કઇ નહી, બસ આખો દિવસ એકલી કંટાળી જઉ છુ એટલે જ....” આસ્થાએ કહ્યુ.

“હેયય....હવે હુ સાચુ કહુ? પપ્પાની યાદ આવે છે ને?” દર્શને કહ્યુ.

આસ્થાએ હકારામા માથુ ધુણાવ્યુ. તેના ગળે અચાનક ડુમ્મો ભરાયો અને તે દર્શનને વળગી રડી પડી.

“એવુ હોય તો થોડા દિવસ પિયર જઇ આય ને આસુ, નજીક જ છે ને.” દર્શને પ્રેમથી એના ગાલ પર હાથ ફેરવ્યો અને કપાળે ચુમ્મી કરી. આસ્થાએ એને કસીને ગળે લગાવ્યો.

બીજા દિવસે આસ્થા હેતલને લઇને એના પિતાને ત્યા જતી રહી. બે દિવસ રહ્યા બાદ તે પાછી આવી હતી. તે પિતાનુ વાત્સલ્ય અને પ્રેમ મેળવી હવે થોડી ખુશ જણાતી હતી.

***

બીજા દિવસે બપોરે સાફ સફાઇ કરવા એ ઉપરના રૂમમા ગઇ. જ્યારે મકાન જોવા આવી હતી ત્યારે એણે એક કબાટ જોયુ હતુ, જેમા બહુ બધી બુક્સ હતી. આજે ફરી એને જોઇને આસ્થાને બુક્સ વાંચવાનુ મન થયુ, પણ તે સમજી ગઇ કે બધી જુના જમાનાની છે. સમય પસાર થાય એટલે એમાથી એક રોમેંટિક નોવેલ કાઢીને નીચેના રૂમમા જઇ વાચવા લાગી. એ દિવસે એને ખુબ મજા આવી ગઇ, “વાહ એ જમાનામા લેખકો કેટલુ સારુ લખતા હતા યાર?”

હવે બુકસ વાચવી આસ્થાનો નિત્યક્રમ થઇ ગયો હતો. બુક્સ સાથે મિત્રતા કરીને બપોરનો સમય ક્યા પસાર થઇ જતો એને ખબર જ ના પડતી. જ્યા સુધી નોવેલ પુર્ણ ના થાય હવે એને ચેન પડતો નહી.

આમ જ એકવાર તે રૂમમા ગઇ. આજે ફરી તેણે એક નવી રોમેંટીક બુક કાઢી, પણ નિકાળતા સમયે એક કાળા રંગની ડાયરી નીચે પડી ગઇ. તેણે એ ડાયરી ઉપાડી. થોડી ધુળ ચડી ગઇ હતી. એણે તે ધુળ સાફ કરી. તેના પર લખ્યુ હતુ, “વર્ષ ૧૯૯૦”.

આસ્થાએ અચરજ સાથે ડાયરી ખોલી. પહેલા પાને જુના જમાનાનો બ્લેક એંડ વાઇટ ફોટો ચિપકાવેલો હતો. કોઇ કપલનો ફોટો હતો. એમા યુવતીનો ફોટો જોઇને એને કોઇ જાણીતો ચહેરો લાગ્યો. થોડી વાર સુધી તેણે યાદ કરવાની ખુબ કોશિષ કરી અને અચાનક એના મુખેથી શબ્દ નિકળી પડ્યો, “કેસર દીદી....”

***

આસ્થા નીચેના રૂમમા આવી ગઇ, સાથે એ ડાયરી પણ લેતી આવી. પહેલા પાને તેણે ફરી એ જ ફોટો જોયો. કેસરની સાથે કોઇ યુવાન એના ખભે હાથ મુકીને ઉભો હતો. બંનેની જોડી સોહામણી લાગતી હતી.

આસ્થા જ્યારે ૧૦ વર્ષની હતી ત્યારે બાપુનગરમા આવેલા એના ડોક્ટર પિતાની હૉસ્પિટલમા એક નર્સ હતી, તે કેસર હતી. આસ્થા ઘણી વાર એના પિતા સાથે હૉસ્પિટલ જતી. એમ તો ત્યા બધી નર્સ અને સ્ટાફ એને લાડ લડાવતા, પણ એમા સૌથી ખાસ એટલે કેસર. એ આસ્થાને ખુબ વહાલ કરતી, ચોકલેટસ આપતી, એને ચુમ્મીઓથી નવડાવી દેતી. આ જ કારણે વારંવાર આસ્થા હોસ્પિટલ જતી. આસ્થાની મમ્મી જે એના નાનપણમા મૃત્યુ પામ્યા હતા અને એ એકલી પડી ગઇ હતી, તેની કમી કેસરે પ્રેમ આપીને પુરી કરી હતી, પણ અચાનક એક દિવસે કેસર ક્યા જતી રહી ખબર જ ના પડી. આસ્થા એને યાદ કરીને ઘણા દિવસો રડી હતી. વર્ષો બાદ આજે આસ્થાએ કેસરનો ફોટો જોયો હતો. ભુતકાળનો એ સંસ્મરણ આજે ફરી આસ્થાને યાદ આવી ગયો. એને ડાયરી વાંચવાની ખુબ તીવ્ર ઇચ્છા થઇ અને શરૂઆત કરી.

***

૧ મે, ૧૯૯૦

હુ ખુબ જ ખુશ છુ. મે મારો નવો ગેરેજ ખોલ્યો છે. ખુબ કમાવીશ અને મારા માતા પિતાના તમામ સપનાઓ પુર્ણ કરીશ. હુ ખુબ ભણુ એ પપ્પાની ઇચ્છા હતી, પણ મારુ મન નહોતુ લાગતુ, ડબ્બો હતો ભણવામા. ખેર એ બધુ ભુલીને હવે કામે લાગી જાઓ, મિ.રવિ. એક નવો શોખ મનમા જાગ્યો છે, ડાયરી લખવાનો એટલે આજથી શુભ શરૂઆત કરુ છુ.

આસ્થાને લાગતુ હતુ કે ડાયરી કેસરની હશે, પણ આ તો કોઇ રવિ નામના યુવકની નીકળી. અંદર કેસરનો ફોટો હતો એટલે તેને વાંચવાની ઇચ્છા થઇ.

૫ મે, ૧૯૯૦

આજે હુ થોડાક કામથી લાલ દરવાજા ગયો હતો. બસ સ્ટેન્ડ પાસે ઉભો હતો. ત્યા મે એક સુંદર છોકરી જોઇ. લગભગ બાવીસ વર્ષની હશે. મે ઘણા પ્રયાસ કર્યા કે તેની બાજુએ ના જોઉ, પણ આ બેશરમ આંખો માને તો ને? વારંવાર એના ચહેરા સામે આ બદમાશ આંખો ચોટી જતી હતી. ઘઉવર્ણો ચહેરો, પાણીદાર આંખો, લાંબા વાળ અને એમા ભરાવેલી રિબીન, સપ્રમાણ કદ અને શરીર. મારે તો ત્યાથી વાસણા જવુ હતુ, પણ એ છોકરી જે બસમા ચડી, એની પાછળ પાછળ હુ પણ ચડી ગયો. ત્યારે ખબર નહોતી કે બસ નરોડા સુધી જઇ રહી હતી. બસમા ભીડ ખુબ હતી હુ તેની પાછળ જ ઉભો હતો. એક માદક સુગંધ એના શરીરમાથી આવતી હતી, હુ આંખો બંધ કરીને એ સુગંધ માણી રહ્યો હતો. એમ તો સ્વભાવે હુ શરમાળ છુ, નિશાળમા પણ ક્યારેય કોઇ છોકરી સામે જોયુ નહતુ, પણ આજે બેશરમ કેવી રીતે બન્યો, ખબર નહી.

કંડક્ટર ટિકિટ માટે નજીક આવ્યો, અને મે મારા પાકીટમા હાથ નાખ્યો ત્યારે ખબર પડી કે કોઇએ મારુ પાકિટ મારી લીધુ. અંદર ૧૦૦ રૂપિયા હતા, ખુબ જ દુખી થયો, પણ પછી એ છોકરીને પાછી જોઇને એ દુખ ગાયબ થઇ ગયુ. કંડક્ટરને ખબર પડતા એણે ઘંટડી વગાડી અને બસ ઉભી રાખી. હુ નીચે ઉતરતો જ હતો ત્યા જ એ છોકરીએ બુમ મારી, “સાંભળો અંદર આવી જાઓ, હુ તમારી ટિકીટ લઇ રહી છુ, ક્યા જવુ છે?”

મે ખુશ થઇને કહ્યુ, “આ બસ ક્યા સુધી જઇ રહી છે?”

કંડક્ટર ખિજાયો, “શુ માણસ છે, બસમા ચડી ગયો ને ખબર જ નથી કે બસ ક્યા જઇ રહી છે? અરે નરોડા સુધી.”

“ઠીક છે નરોડા સુધીની ટિકિટ આપી દો.” કંડકટરે ટિકિટ આપી અને મે એ છોકરી સામે જોઇને આંખોથી આભાર વ્યક્ત કર્યો.

થોડીવારે અમારી પાસેની જ સીટ ખાલી થઇ અને એ છોકરી અને હુ સાથે બેઠા. વાત કરવાની તો ઘણી ઇચ્છા હતી, પણ શરમ આવતી હતી. બાપુનગર આવતા તે ઉતરી ગઇ અને હુ પણ સાથે ઉતરી ગયો. તેની પાછળ પાછળ હુ ચાલવા લાગ્યો. થોડીક આગળ ચાલી હશે એ અને અચાનક પાછળ જોયુ, ખબર નહી એને કેવી રીતે ખબર પડી હશે.

“તમે મારો પીછો કરી રહ્યા છો?” છોકરી ગુસ્સે થઇ ગઇ.

હુ થોડો ગભરાયો અને થોથવાતા બોલ્યો, “નહી...નહી...એ તો...”

“એ તો શુ?” એણે એવી રીતે કહ્યુ કે હુ નીચે જોઇ રહ્યો.

“તમે ટિકિટના પૈસા કાઢ્યા એટલે આભાર, પણ હુ એ પૈસા પાછા આપુ એટલા માટે....”

“ચાલશે વાંધો નહી.” એણે કહ્યુ.

“આભાર....” મે કહ્યુ.

એ ત્યાથી જતી રહી.

આ દુનિયા ખુબ મોટી છે, જો એકવાર કોઇ દુર થાય તો શોધવામા આખુ જીવન પણ નાનુ પડી જાય. મને પહેલી વાર કોઇ છોકરી ગમી હતી એટલે મોકો ગુમાવવા નહોતો માંગતો. આ વખતે મે સાવધાનીથી એનો છેક સુધી પીછો કર્યો. એ હોસ્પિટલમા કામ કરતી હશે. ત્યાથી હુ પણ ગેરેજ જતો રહ્યો. સાંજે છ વાગ્યે ફરી હોસ્પિટલ પાસે જતો રહ્યો. સામે એક ચાની દુકાન હતી, ત્યા હુ એ છોકરીના છુટવાની રાહ જોતો હતો.

લગભગ સાડા આઠ વાગ્યે તે બહાર આવી અને મારા ચહેરા પર ખુશીની લહેર કેવી રીતે છવાઇ, એ હુ કહી ના શકુ, જાણતો નથી.

છોકરી બસ સ્ટોપ પાસે ઉભી હતી. ત્યાથી હુ થોડે દુર ઉભો એને જોઇ રહ્યો હતો. અચાનક એની નજર મારા પર ગઇ અને આંખોથી ગુસ્સે ભરાઇ. મે નજીક જઇને એના પૈસા આપતા કહ્યુ, “તમારા પૈસા....”

એણે પૈસા પર્સમા મુક્યા, “હમમમ....”

બસ આવી અને એ બેસી ગઇ. હુ પણ સાથે ગયો. એ સરસપુર ઉતરી ગઇ. કદાચ ત્યા જ રહેતી હશે, પણ ફરી પાછળ જવુ યોગ્ય ન લાગ્યુ.

ઘરે તો આવી ગયો છુ, રાતના સાડા બાર વાગી રહ્યા છે, પણ યાર એ છોકરીના કારણે આજે ઉંઘ નથી આવી રહી. આ મને શુ થઇ રહ્યુ છે, સમજી નથી શકતો.

***

૧૨ મે, ૧૯૯૦

ગેરેજના કામમા એટલો વ્યસ્ત રહુ છુ, કે ડાયરી લખવાનો પણ સમય નથી. સોરી ડાયરી. શુ કરુ? એક તરફ કામ...કામ...ને કામ અને બીજી તરફ એ છોકરીની યાદ...યાદ...ને યાદ....

મે હિંદી ફિલ્મો ઘણી જોઇ છે, નોવેલ વાંચવાનો પણ શોખ છે. મારા કબાટમા સો થી વધારે બુક્સ છે. મને ખબર નહોતી કે ફિલ્મોની જેમ અસલ જીવનમા પણ પ્રેમ થતો હશે. કોઇની યાદમા આપણે બેચેન થઇ જઇએ, કામમા મન ના લાગે. આ બધુ ફિલ્મોમા જોઇને હસુ આવતુ હતુ, પણ હવે આ મારી સાથે જ થઇ રહ્યુ છે, એ છોકરી મારી આંખોની સામેથી હટતી જ નથી. મે નક્કી કર્યુ છે કાલે હોસ્પિટલમા જઇને એને મળીશ જ.

***

૧૩ મે, ૧૯૯૦

આજે સવારે ૧૧ વાગ્યે ગયો હતો. ઝાડા-ઉલ્ટીનુ બહાનુ બનાવીને ડોક્ટરને મળ્યો. એમણે ઇંજેક્શન માટે કહ્યુ અને નર્સને બોલાવી. મને બહુ બીક લાગે છે ઇંજેક્શનથી. હુ ના પાડવા વાળો હતો, પણ એ છોકરી જ આવી તો ઇંજેક્શન લેવા પણ તૈયાર થઇ ગયો. એ છોકરીએ મને જોઇને મોઢુ મચ્કોડ્યુ, પણ હુ મનથી ખુબ ખુશ થયો હતો, એને જોઇને.

બીજા રૂમમા મને એ છોકરી લઇ ગઇ. મને એમ કે થાપે આપશે, એટલે મે પેંટનુ બટન ખોલ્યુ.

એ છોકરી મતલબ નર્સ શરમાઇ ગઇ અને ચહેરા આગળ હાથ મુકીને બીજી તરફ જોઇને બોલી, “એયયય....બેશરમ....હાથે લેવાનુ છે, છી....”

હુ ભોટો પડ્યો. મે હાથ આગળ કર્યો અને એણે મને ઇંજેકશન આપ્યુ. એનુ ધ્યાન મારા હાથ પર હતુ અને મારુ ધ્યાન એના ચહેરા પર. સફેદ રંગના ગણવેશમા પણ સુંદર લાગતી હતી. એને જોઇને પહેલી વાર ઇંજેક્શનથી ડર ના લાગ્યો. આજે એને જોઇને આટલા દિવસની બેચેનીઓને ખુબ રાહત મળી.

ત્યા જ કોઇ નાની છોકરી આવી અને એને વળગીને બોલી, “કેસર દીદી....”

“અરે બેટા આસ્થા તુ....?” આમ કહી એણે એને ગળે લગાવી દીધી.

આજે એનુ નામ જાણીને ખુબ ખુશી થઇ, “કેસર....”

***

૨૫ મે, ૧૯૯૦

પપ્પાની તબિયત ખુબ ખરાબ હતી. હૉસ્પિટલમા અઠવાડિયુ દાખલ રાખવામા આવ્યા. મારી અને મમ્મીની ચિંતાનો કોઇ પાર જ નહતો. કાલે જ રજા આપવામા આવી અને હવે થોડુ સારુ છે એટલે અમને હાશકારો થયો છે. કાલે એ છોકરી...મતલબ કેસરને ફરી જોવા જઇશ. મન ખુબ ઉતાવળુ થઇ રહ્યુ છે, એવુ થાય અત્યારે જ સવાર થઇ જાય તો સારુ. પણ કાલે ફરી કોઇ બિમારીનુ નાટક કરીને જઇશ.

***

૨૬ મે, ૧૯૯૦

અરે યાર આજે ગયો હતો, પણ હોસ્પિટલ બંધ હતી. ભગવાન કરે કે એ મને ફરી જોવા મળે, ખુબ જલ્દી. મારી આંખો એને જોવા બેબાકળી થઇ રહી છે. એનો પ્રેમાળ ચહેરો જ મારી આ તલપને શાંત કરી શકશે.

***

૨૮ મે, ૧૯૯૦

પેટમા દુખાવાના બહાને આજે ફરી હોસ્પિટલ જઇ આવ્યો. ડોક્ટરે દવા આપી, પણ મે ઇંજેક્શનનુ જ કહ્યુ, જેથી કેસરનો સ્પર્શ મને ફરી માણવા મળે. ડોકટરે ના પાડી, પણ મે ખુબ આગ્રહ કર્યો ત્યારે એ માન્યા અને મને બીજા રૂમમા જવાનુ કહ્યુ.

ખુશીના મારે હુ મનથી ઉછળતો બીજા રૂમમા ગયો. એક શ્યામ રંગનો માણસ આવ્યો અને કહ્યુ, “પેંટ થોડુ ખોલી દો, થાપે આપીશ.”

મારા મનમા ફાળ પડી, “અરે પેલા મેડમ ક્યા છે?”

“આજે રજા પર છે, પણ તમે જલ્દી કરો ને.” એ મારી પંચાત પર ગુસ્સે ભરાયો. મે પેંટ થોડુ નીચે કર્યુ અને...

“આહહહ....” મારા મોઢેથી જોરથી ચીસ નીકળી ગઇ. એનો હાથ ખુબ ભારે હતો. આજે આખા દિવસથી મારા થાપે દુખાવો થઇ રહ્યો છે, બેસુ તો એ જલ્લાદની યાદ આવે છે, સાથે કેસરની પણ, એ કેમ ના આવી. હુ નારાજ છુ એનાથી.

***

આસ્થા આ વાંચીને ખડખડાટ હસી પડી. રવિની પાગલપંતી પર એ હસવા પર કાબુ ન રાખી શકી. અચાનક એને યાદ આવ્યુ કે પાંચ વાગી ગયા હતા, એટલે તે હેતલને લેવા નિશાળે જતી રહી. સાંજે જમ્યા બાદ વાતો કરતા કરતા ત્રણેય ઉંઘી ગયા. આસ્થાને બીજા દિવસનો ઇંતજાર હતો, દર્શન જાય અને પાછી ડાયરીને વાંચે. બીજા દિવસે દર્શનના ગયા બાદ અને હેતલને નિશાળે મુકીને તેણે ઘરનુ કામકાજ જલ્દી પતાવી દીધુ અને ફરી ડાયરી લઇને બેસી ગઇ.

***

૫ જુન, ૧૯૯૦

આ વખતે મારા દોસ્ત ચિંટુને દર્દી બનાવીને લઇ ગયો. ડોકટરની કેબિનમા એને એક્લો જ મોકલ્યો. હુ બહાર રહ્યો. સામેના ટેબલ પર કેસર બેઠી હતી. એના કામમા વ્યસ્ત હતી. હુ એને મન ભરીને જોઇ રહ્યો હતો. અચાનક એનુ ધ્યાન મારી તરફ ગયુ અને મે નજર હટાવી દીધી. થોડી વારે ફરી મે એની સામે નજર કરી, એ મારી સામે જ જોતી હતી, એણે ફરી મોઢુ મચ્કોડ્યુ.

હુ એને ગમુ છુ કે નહિ? ખબર નહી. કેમ કે હુ એને જે નજરથી જોઇ રહ્યો હતો, એ મને જોતી નહતી. કેસરને મળવાના ચક્કરમા હુ ગેરેજનુ કામ પણ અધુરુ રાખતો હતો, અને એને મારી કોઇ પડી જ નહતી. મનોમન વિચારી લીધુ હવે હુ એને ક્યારેય નહી મળવા આવુ.

***

૨૭ જુન, ૧૯૯૦

આખોય મહિનો કેસરને યાદ કરીને જ વિતાવ્યો છે. મારો દોસ્ત ચિંટુ, ગેરેજમા કામ કરતા લકી અને ભીખાકાકા બંને એમ જ કહે છે કે મને કેસરથી પ્રેમ થઇ ગયો છે. મારે એની પાસે જઇને પ્રેમનો એકરાર કરવો જોઇએ. બહુ હિંમત બંધાવી છે એમણે, તો હુ એની સમક્ષ પ્રેમનો એકરાર કરીશ જ.

***

૮ જુલાઇ, ૧૯૯૦

આજે સવારે સરસપુરના બસ સ્ટેન્ડ આગળ ઉભો હતો. વિચાર્યુ હતુ કે કેસરને કહી જ દઇશ, “હુ તને પ્રેમ કરુ છુ, તુ જ મારી જિંદગી છે.”

હુ એની પાસે જતો જ હતો ત્યા જ કેસર કોઇ છોકરાને પોતાના ચપ્પ્લનો સ્વાદ મંડાવી રહી હતી, “શુ કહ્યુ નાલાયક, પ્રેમ....માય ફુટ્ટ....” એ છોકરો તો ત્યાથી નાસી જ છુટ્યો, સાથે હુ પણ.

***

૧૫ જુલાઇ, ૧૯૯૦

કોઇની બાઇક રિપેરીંગ માટે આવી હતી. રિપેર કરીને મારે એને બાપુનગર પહોચાડવાની હતી. સાંજે ૫ વાગ્યે હુ બાપુનગર જઇ પહોચ્યો. એ જ હોસ્પિટલ પાસેથી પસાર થતા એક નજર એ તરફ પડી ગઇ અને રિક્સા સાથે મારો અક્સ્માત થઇ ગયો. બધા ભેગા મળીને મને હોસ્પિટલમા લઇ ગયા. કેસરે માથા પર અને હાથ પર ડ્રેસીંગ કરી આપ્યુ. એનો સ્પર્શ પામીને મને કેમ ખુબ ખુશી થાય છે, ખબર નહી. કેસરની આંખો આજે મને થોડી ચિંતા સાથે જોઇ રહી હતી.

“બહુ વાગ્યુ છે?” કેસરે પુછ્યુ.

“ના....” મે કહ્યુ.

કેસર ત્યાથી જતી રહી. ૮ વાગ્યે મને રજા આપવામા આવી. હુ બસ સ્ટેન્ડ પર બેઠો એની રાહ જોતો હતો. સાડા આઠ વાગ્યે એ બહાર આવી. એ મારાથી થોડી દુર બેસી, “કેવી રીતે થયો અકસ્માત?”

“બસ અચાનક, ધ્યાન ક્યાક બીજે હતુ.” મે કહ્યુ.

“થોડુ ધ્યાન રાખો, કઇ થઇ જશે તો? તમારા પરિવારનુ શુ થશે?” કેસરે કહ્યુ.

એનો અવાજ મને ખુબ ગમતો હતો. બસ સાંભળી રહુ એવુ થતુ હતુ.

“હજુ ગયા નહી, કેમ?” એણે પુછ્યુ.

“બસ નથી મળી.” મે કહ્યુ.

“અરે ૮:૧૫ ની છે તો ખરી.” એણે કહ્યુ.

“હા, પણ ૮ વાગ્યે રજા મળ્યા પછી એ બાઇક માલિકને આપવા ગયો હતો.”

કેસરે આજે પહેલી વાર આછુ સ્મિત આપ્યુ અને હુ તો ઘાયલ થઇ ગયો. બસ આવી અને એ જતી રહી. હુ પણ સામે બાજુ જઇને રિક્સામા બેસી નરોડા જતો રહ્યો. એ સુંદર સ્મિત હજી મારી આંખોની સામે તરવરે છે. લાગે છે આજે ઉંઘ નહી આવે.

***

૧૭ જુલાઇ, ૧૯૯૦

મારા દોસ્ત ચિંટુ પાસેથી નકલી દાઢી-મુંછ અને શુટનો બંદોબસ્ત કરાવ્યો. દર વખતે હુ જ હોસ્પિટલમા જઉ તો કેસરને શક થઇ જાય. મારે એના હાથથી માર નથી ખાવો ભાઇ, એટલે કરવુ પડે. દાઢી-મુંછ અને શુટમા હુ ૪૫ વર્ષનો દેખાતો હોઇશ. એવો વેશ ધારણ કરીને હુ મારી મમ્મીને મળ્યો, એ પણ ના ઓળખી શકી. એટલે ખાતરી થઇ કે કેસર મને ઓળખી જાય એ તો ચાન્સ જ નથી.

ડોકટરે નર્સને બોલાવી અને ઇંજેક્શન માટે ફરી બીજા રૂમમા લઇ ગઇ. કેસરને જોઇને હુ ખુબ ખુશ થયો. મે મારો કોટ નિકાળ્યો અને શર્ટની બાય ઉપર ચઢાવી. કેસર મને ઇંજેક્શન આપવા જ વાળી હતી, ત્યા એ બદમાશ છોકરી આસ્થા ફરી આવી.

ન જાણે કેમ એને મારી મુંછ પર ક્યાથી વહાલ આવ્યુ. એણે મસ્તીમા મારી મુંછ ખેંચી અને નિકળી ગઇ. દાઢી તો કેસરે જ નીકાળી દીધી. એ નાનકડી છોકરી તો હસવા જ લાગી. કેસરે અદબ વાળી અને કહ્યુ, “તો મિ. ઘણા ટાઇમથી કોઇને કોઇ બિમારી લઇને તમે આવો છો અને આજે દેખાવ બદલીને. મતલબ તમે બિમારીનુ નાટક કરો છો, પણ કેમ?”

હુ આજે ફરી ભોટો પડ્યો હતો. ત્યા ઉભો ન રહ્યો અને ઉભી પુછડીએ ભાગ્યો.

***

આસ્થાની યાદોમાથી એ બનાવ થોડો ધુંધળો થઇ ગયો હતો, પણ આજે ફરી યાદ આવતા એ કેટલીય વાર સુધી હસતી રહી. દર્શન આવ્યો અને ડાયરી બંધ કરી. આજે એ થાકી ગયો હતો, જમીને ઉંઘી ગયો, પણ આસ્થાને એ ડાયરી વાંચવાની ખુબ ઇચ્છા થઇ. રાતે ૧૧ વાગ્યે એ ફરી ઉભી થઇ અને ડાયરી હાથમા લીધી. નાઇટ લેમ્પના આછા પ્રકાશમા તે ભુતકાળના કોઇના સંસ્મરણો વાગોળવા લાગી.

***

તો મિત્રો તમને મારી વાર્તા કેવી લાગી, એ રેટીંગ અને કમેંટસ કરીને જણાવવા વિનંતી.

વધુ આવતા અંકે....