What is your opinion books and stories free download online pdf in Gujarati

વોટ ઈઝ યોર ઓપિનીયન

1 - પ્રેમ

આપણા પ્રેમમાં જરૂરિયાત હોય છે. વ્યાપારીકરણ હોય છે.

એકબીજાની જરૂરિયાત ન સંતોષાય તો પડે છે ભંગાણ.

પેદા થાય છે નફરત!

પ્રેમ એટલે સામી વ્યક્તિ કે ચીજને જોતાં આર્કષણ ઊભુ્ં થાય, જે નિસ્ કામ હોય. જેને જોઈ લાગણીનું ઝરણું વહેવા લાગે. પ્રસન્નતા છવાઈ જાય. જેના માટે કંઈક કરી છૂટવાની ભાવના જાગે.

આઇ આમ જોવા જઈએ તો પ્રેમ શબ્દ બહુ છેતરામણો છે. લીલ જેવો લપસણો છે. ઊંડા પાણી જેવો મીંઢો છે. સાગર જેવો અમાપ છે. લજામણીનાં ફૂલ જેવો નાજુક છે. હિમશીખર જેવો બરછટ છે. નાનાં કે મોટા, જ્ઞાની કે અજ્ઞાની, ડાહ્યો કે પાગલ સૌ માટે બરફનાં ગોળા જેવો છે, જેને ચૂસવાનું મન થયા કરે.

જીવ શરીર ધારણ કરે છે આકર્ષણ નામનું રસાયણ લઈને. પશુ, પક્ષી, કે ફૂલો પાસે રંગ, સુગંધ, સ્વર હોય છે, જ્યારે માનવી પાસે અનોખું વ્યક્તિત્વ હોય છે જેને આકર્ષણ કહી શકાય!

માનવી એ મોટે ભાગે પ્રેમ શબ્દનું અવમૂલ્યન કરી નાખ્યું છે. ફરી ફરી દરેક પ્રેમને શારિરીક સંબંધ તરફ ખેંચી લઈ જાય છે. એમાં સ્રી કરતાં પરુષ ની ધારણા મોટે ભાગે શારિરીક સંબંધો લગી સિમીત થઈ જતી હોય છે. સ્રીઓનાં પ્રેમની અભિવ્યક્તિમાં સંરક્ષણ મહત્વનું હોય છે અને પુરુષનાં પ્રેમમાં વાસના. આની વચ્ચે બીજી અભિવ્યક્તિ બંને પક્ષ તરફ જે છે તે નિર્દોષતા.

પ્રેમમાં સમર્પણની એક પ્રબળ ભાવના, લાગણી પણ હોય છે. આ ભાવના સમાજનાં નબળા વર્ગને આર્શીવાદરુપ બને છે જ્યાં સુધી તે સાપેક્ષ છે ત્યાં સુધી. સ્વાર્થ નામનું વિષ જ્યાં લગી ઉત્પન્ન થતું નથી, ત્યાં સુધી જ.

પ્રેમ શબ્દ સ્વયં રોમાન્ટિક છે. સૌંદર્ય, શણગાર ભારોભાર એમાં ભળેલાં છે. જેનાથી આપણી પાંચે પાંચ ઈન્દિયો પ્રભાવિત છે. એટલે જ સંધર્ષોથી ધેરાયેલું જીવન જીવવા જેવું લાગે છે.

પ્રેમનું અંતિમ ચરણ એટલે ભક્તિ. આ અવસ્થા માનવીને નિજાનંદ તરફ લઈ જાય છે. આ અવસ્થા જગતનાં પ્રલોભનથી દૂર લઈ જાય છે એટલે સુધી કે સ્વ નામનું અસ્તિત્વ ખોઈ નાખે છે અને બ્રમ્હાાંનંદમાં વિલીન થઈ જાય છે જેમ બૂંદ બૂંદમાં ભળી જાય.

પ્રેમ એટલે સર્જન , વિસર્જનું પ્રેરક બળ! પ્રેમ જેટલો હકારાત્મક છે તેટલો જ નકારાત્મક પણ છે. શાંતિ ઝંખતો દેશ સમાજ ને અંતે મળે છે શું? યુધ્ધ યુધ્ધ …..

***

2 - શ્રધ્ધામાં સમજણ

ગુરુ એટલે શું? આપણો સીધો, સરળ જવાબ છે જ્ઞાન આપે તે ગુરુ. કોઈને પૂછીએ કે ફલાણી વસ્તુ ક્યાં આવી અને તે રસ્તો બતાવે તો તે શું ગુરુ કહેવાશે? તબલા, હારમોનિયમ શિખવે , ગાડી ચલાવતાં શીખવે તે ગુરુ છે? ગુરુનો અર્થ જાણકાર થાય સીધી સાદી ભાષામાં. આપણી જિંદગીમાં આ હિસાબે તો અસંખ્ય ગુરુઓનો સમાવેશ થાય. પણ આપણે ગુરુનો અર્થ એ કાઢીએ છીએ કે આપણાં ભયભીત મનને શાંતિ આપે. આપણી કલ્પનાને ભ્રમણાંની પાંખ આપે, આપણને ભયનાં કેદી બનાવી મીઠાં, ખોટા આશ્વાસનો આપી તેનાં ગુલામ બનાવે. આમ પણ સરેરાશ માનવી ગુલામ રહેવાની પ્રબળ ઈચ્છાશક્તિ રાખે છે. આજનું શિક્ષણ જીવન લક્ષી નથી, પણ પૈસા કેવી રીતે મેળવવા તે છે. પરિણામે આજનો માનવી આવનાર પ્રતિકૂળ સંજોગોનો પ્રતિકાર કરવાને બદલે ગુરુઓ પાછળ ધસડાય છે!

આપણું જીવન ચલિત છે, સત્ય પણ ચલિત છે. જે ચલિત છે તે સ્થિર નથી. જે સ્થિર નથી તે પકડી શકાતું નથી. જે પકડી ના શકાય તેના વિશે જાણકારી ના મળે. પણ આપણે ભ્રમણામાં રહેવા માંગીએ છે. જેનો લાભ કહેવાતા ગુરુઓ લે છે. આ ગુરુઓ અનુયાયીની ફોજ ઊભી કરે છે. આ ફોજ એક પ્રકારનું પ્રચાર તંત્ર છે. કારણ હતાશ માનવી પોતાનાં પગ પર ઊભો રહી શકતો નથી. ગુરુ કેઅનુયાયી એકબીજાનાં પૂરક છે. બંનેને એકબીજા વગર ચાલતું નથી.

આપણને સત્ય તરફ આપણું મન લઈ જશે. પૂજા, કર્મકાંડ, ગુરુઓ, ચાલી આવતી અજ્ઞાની પરંપરા , જેઓ સંસાર થી ભાગી જઈ ઉપદેશ આપનારા સાધુસંતો સત્યનાં દર્શન નહીં કરાવી શકે. દર્શન આપણાં ચક્ષુથી કરવાનાં છે. માટે સત્ય પામવા આપણે આપણાં ગુરુ થવાનું છે.

ગુરુ માળી જેવાં છે. માળી ફૂલોની માવજત કરે છે. બીજમાં રહેલી શક્તિને પારખી તેને ઉછેરી કુદરતનાં ખોળે મૂકે છે. પણ ફૂલોને બંધનમાં રાખતું નથી. ગુરુ ક્યારે પણ બંધનમાં બંધાતો નથી. શિષ્યોને બંધનમાં બાંધતો નથી. ગુરુને મન તારોમારો ભેદભાવ નથી. તે પ્રકાશ લઈને અંધકાર દૂર કરે છે. ગુરુ શિષ્ય બનાવતો નથી પણ શિષ્યને બંધનમુકત કરે છે. મુક્તિનું નામ દીક્ષા છે. જ જીવન છે.

***

ગુરુ આંખોનું કાજળ છે. દષ્ટિ નથી પણ સૃષ્ટિનાં દર્શન કરાવે છે. જિંદગી નથી પણ જિંદગીને આકાર આપે છે. ગુરુ ના તો બ્રહ્મ છે, ના વિષ્ણુ છે પણ ગુરુ સાક્ષાત્કાર કરાવવાની મંજિલ બતાવે છે. ગુરુ સ્વયં બ્રહ્મલીન છે. ગુરુ બંધન સ્વીકારતો નથી કે કોઈને બંધનમાં બાંધતો નથી. પ્રાકૃતિક અંશ છે. કર્મમય જીવન જીવી જાય છે. જેમ સૂરજ, ચંદ્ર, જળસૃષ્ટિ, વૃક્ષો શું એનું જીવન છે. ગુરુ ઝાકળ જેવો, ટહુકા જેવો, ખડક જેવો એટલે કે પ્રાકૃતિક ગુણધર્મોનો સરવાળો. સૃષ્ટિ સ્વયં એક ગુરુ છે. ગુરુ એટલે સાદિ ભાષામાં કહી એ તો ગાઈડ. જે રસ્તો ચીંધે છે. પણ પોતાને ખભે ઊંચકી પ્રદર્શન નથી કરતો. ગુરુ આશ્રમ માં રહે છે. આશ્રમ એટલે પ્રકૃતિથી ધેરાયેલું નિવાસ સ્થાન. આધુનિક ઉપકર્ણોથી ત્યજ છે. ગુરુ એટલે ગુરુ . શિષ્યો નામના પૂંછડાથી મુક્ત છે. આવા ગુરુને કોટિ કોટિ વંદન.

***

3 - દુ:ખ સંસારમાં નથી પણ લોભમાં છે.

સંસારમાં દુ:ખ છે એમ કહેવું અજ્ઞાનતા પ્રગટ કરવા જેવું છે. દુ:ખ સંસારમાં નથી પણ લોભમાં છે. એકના બે કરવાની લાલચમાં છે. આપણાં ગજા ઉપરાંત પ્રાપ્ત કરવાની લાલચ, કે લોભમાં છે. લોભ છૂટી જાય તો સંસારમાં દુ:ખ જડશે નહી. સંસારમાં દુ:ખ નહીં રહે તો સંસાર સ્વર્ગ જેવો લાગશે. આપણું ઘર એક તીર્થ સ્થાન બનશે. આપણે સૌએ માનસિકતા કેળવી લીધી હોય છે કે તીરથ કરવા જઈશું એટલે કષ્ટનો સામનો કરવો પડશે. એટલે તીર્થ સ્થાનમાં પડતાં કષ્ટ આપણને ત્રાસદાયક નથી લાગતાં.

લોભ એટલે શું? લોભ એટલે આપણી યોગ્યતા કરતાં વઘારે મેળવવાની ઈચ્છા. ચમત્કાર પર ભરોસો રાખી મહેનત કર્યા વગર પ્રાપ્ત કરવાની ઈચ્છા. પરિણામે આપણે આપણાં મનસુબામાં નિષ્ફળ જઈએ છીએ અને દુ;ખી થઈએ છીએ! દાખલા તરીકે આપણને તરતા ન આવડે અને ચમત્કારની આશા રાખી તળાવ કે નદીમાં જંપલાવીએ તો ડૂબી જ જવાના. પરિણામ દુ:ખ ઉત્પન થશે.

બીજા શબ્દોમાં કહીએ તો યોગ્યતા પ્રાપ્ત કર્યાં વગર , ફોગટમાં મળી જાય એ આશા રાખવી તેને લોભ કહેવાય. સંસારમાં દુ:ખ છે એમ માનવાને બદલે લોભમાં દુ:ખ છે એમ માનશું તો આપણો સંસાર આપણને કંસાર જેવો મધુર લાગશે. સંસારમાં રહીને પરમસુખ પ્રાપ્ત કૃષ્ણે કર્યું છે, નાનક, કબીર, રૈદાસ, મીરાં કે નરસિંહ જેવાઓએ સંસારને માણ્યો છે, ગાયો છે કારણ લોભ જેવી વૃત્તિથી પર હતાં. જ્યાં મધુરતા હોય ત્યાં ગૂંજન હોય. જ્યાં ગૂંજન હોય ત્યાં ભજન હોય, ભક્તિ હોય. જ્યાં ભક્તિ છે ત્યાં ભગવાનનો વાસ છે.

***

4 - સ્રી અને પુરુષ --એક નજરે. .

પુરુષ

પુરુષ એટલે પુરુષાર્થી પણ પરાધીન. સ્રી વગર ના ચાલે. સ્રીની નાજુકતા, નમણીયતાનો આશિક. સ્રીની પાંપણો પટપટ થાય તો મોઢામાં લાળ ઝરે. પુરુષ ની એકલતા સ્રીનો સથવારો શોધતી હોય. ગમે તેટલો શૂરવીર પણ સ્રી જોઈ ઝૂકી જાય. પુરુષ પોતાની શૂરવીરતા સ્રીને બતાવવા સતત અધીરો . અંદરથી ડરપોક. પુરુષની બહાદૂરી સ્રીને જોઈ ચારગણી ખીલી ઊઠે. પુરુષ માટે સ્રી એક ઓટલો છે, વિસામો છે, લક્ષ છે. કદાચ સ્રી ન હોત તો પુરુષ આળસુ બનીને એક જગ્યાએ પડી રહેત. અને યુધ્ધ ગાજ્યાં નહોત.

***

સ્રી

સ્રી એટલે પ્રેરણામૂર્તિ, પ્રેરણાદાયી. વાત્સલ્યમૂર્તિ. સ્રી સતત પુરુષને દોરતી હોય છે, ઉત્સાહ વધારતી હોય છે. પણ પોતાને માટે એશઆરામ ગોતી લેતી હોય છે. સતત ઝંખતી હોય છે કે તેનાં પગ નીચે ફૂલોની જાજમ હોય.

સ્રી એટલે આંસુઓનો સાગર. ઝરણાં રૂપે, વરસાદ રૂપે સંજોગોને આધીન વરસી જાય છે. સ્રીનાં આંસુ પુરુષ લૂછે તો તે કોમળ ઝાકળ જેવી, પણ પોતાનાં આંસુ જો પોતે લૂછે કે પી લે તો તે રણચંડીનો અવતાર ધારણ કરી લે છે. ત્યારે તેની શક્તિને આંબવી મુશ્કેલ છે.

સ્રીની આંખોમાં શું છે તે કળવું મુશ્કેલ છે. સ્રીની આંખોમાં નશો છે કે નફરત તે શબ્દો દ્રારા જ જાણી શકાય છે. નશા કે નફરત બંને ખતરનાક હોય છે પુરુષ માટે. તે લીલ જેવી આકર્ષક છે. લપસવું સહજ છે. તે કોઈનું છત્ર થવામાં માનતી નથી, પણ તેને છત્રછાયામાં રહેવું ગમે છે. તે સતત ઝંખતી હોય છે કે પુરુષ તેનો હાથ પકડે. બદલામાં તે આપે છે અમૂલ્ય એનો સાથ. તે દગો આપી શકે પણ દગો સહન કરી શકતી નથી. તેને ગમે છે કોઈ રૂપનાં વખાણ કરે, માનસન્માન આપે. સામેવાળાની આંખોમાં શું છે તે પારખવાની સીક્સ સેન્સ ગજબની તેનામાં હોય છે. તે ભોળી નથી. પણ ભોળપણ તેનો સ્વભાવ છે. જેમાં પુરુષ સપડાય છે. તે ચતુર છે પણ મુત્સદી નથી. કદાચ લાગણીશીલ તેનો સ્વભાવ.

તે કોયલની જેમ ટહુકી જાણે છે, મોરની જેમ ઠમકઠમક નૃત્ય કરી શકે છે અને ધારે તો હાથમાં તલવાર રહી સૃષ્ટિને ધ્રૂજાવી શકે છે. ભાગ્યે જ તે કોઈ પણ કામ આવેશમાં કરે છે. એટલે પુરુષની જેમ પસ્તાવો કરવો સ્વભાવમાં નથી.

***

Article Gujarati

ક્યારેક ક્યારેક લાગે છે કે મહાભારત કે રામાયણ હજી પણ જીવંત લાગે છે. પાત્રો બદલાયા છે. મંત્રની જગ્યાએ યંત્રો આવ્યા છે. બાકીનું બધું એ જ લાગે છે. માણસજાતની પ્રકૃતિ , સ્વભાવ, સામાજિક બંધન, રીતરિવાજ માં સાધારણ ફેરફાર સિવાય ખાસ મૂળભૂત બદલાવ નજરે પડતો નથી. માણસજાત કે સમાજ ગમે તેવો બદલાવ લાવવા પ્રયત્ન કરે પણ બે પગલાં આગળ ચાલીને ચાર પગલાં પાછળ ખસી જાય છે!

આજે પણ દરેક સમાજમાં ધૃષ્ટરાષ્ટ જેવી વ્યક્તિઓ પડેલી છે. ૨૧મી સદીમાં અમુક સંપ્રદાયોમાં સ્રીઓનું અવમૂલ્યનાં થાય છે. બળાત્કાર જેવા કિસ્સા સામાન્ય થઈ પડ્યાં છે. જાહેરખબરોમાં સ્રીઓને જે રીતો દર્શાવામાં આવે છે ત્યાં સમાજ ચૂપ છે!

***

Article July 16

આજકાલ સૌને દીકરી પર વહાલ વરસી રહ્યું છે કારણ કે , આપણી જાણીતી કહેવત યાદ કરી લઈએ.

૧) ડુંગરા દૂરથી રળિયામણાં!

૨) બે વાસણો ભેગા થાય તો અવાજ થાય જ.

૩) દરેક માબાપ દીકરા પાસેથી ઊંચી અપેક્ષા રાખે છે. પરિણામે દુખી થાય છે.

૪) આજ દીકરીઓનું પોતાની સાસુ નું વર્તન કેવું હોય છે તે દીકરીની મા સારી રીતે જાણે છે.

૫) આજ દીકરી જો પાંચ છ મહિના પોતાના માબાપ સાથે રહેશે તો તું તું મૈં મૈં થઈ જાય છે.

અપવાદ હોય તો તે અલગ વાત!

***

ઘણીવાર ઘરને સજાવવા જાતજાતનાં ચિત્રો લગાવામાં આવે છે. ક્યારેક આવા ચિત્રો ઘરની સુંદરતા વધારવાને બદલે મુસીબતો ઊભી કરે છે. વાસ્તુ વિજ્ઞાનમાં આવા ચિત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ડૂબતું જહાજ કે નાવ. ઘરમાં હિંસક જનાવરોનાં ફોટાં, ભૂત, પ્રેત, રાક્ષસોનાં ફોટાં, પાણીનાં ફુવારા, નટરાજની મૂર્તિ જે વિનાશકારી રુપ છે, તાજમહાલનો ફોટો જે સમાધિ છે, મહાભારતનાં ચિત્રો જે યુધ્ધ સંબંધિત છે. વાસ્તુ વિજ્ઞાન મુજબ આ ફોટાઓ થી નકારાત્મક ઉર્જા પેદા થાય છે.

fd

2)

આપણે ધણીવાર સાંભળ્યું હશે કે તને લોકો જ સારા લાગે છે. ઘરવાળા કડવાં ઝેર જેવાં લાગે છે. બહારનાં સાથે કેવી મીઠાસથી વાત કરે છે, ઈજ્જત આપે છે, ઘરવાળા સાથે વાત કરતાં જોર આવે છે. આપે નોંધ્યું હશે કે આજનાં યુવકોને મિત્રો, સાથે બહાર ફરવું, સિનેમા જોવા જવાનું ગમશે પણ ઘરનાં ભાઈબહેન કે માતાપિતા સાથે જવું નહીં ગમે. આનું કારણ જાણવા પ્રયત્ન કર્યો છે? સાચી વાત એ કે આપણને ઘરનાં સભ્યોની કદર નથી. આપણને બહારનાં લોકો પસંદ છે, કારણ કે તેઓ આપણી વાહવાહ કરે છે. આપણી ભૂલો નજરઅંદાજ કરે છે. આપણી મરજી મુજબ જીવવા દે છે. જ્યારે માબાપ કે ભાઈ બહેન આપણી ભૂલો બતાવે છે. ખોટેખોટી વાહવાહ નથી કરતાં એટલે તેઓ કડવાં લાગે છે. પરંતુ ધ્યાનથી વિચારીશું તો જણાશે કે દોસ્તોની તુલનામાં આપણું ભલું આપણો પરિવાર ઈચ્છતો હોય છે. પરિવારનાં દરેક જણ એવું ઈચ્છે છે કે આપણું ખરાબ ના થાય. આપણે કોઈ મુસીબતમાં ના આવી જઈએ. તેથી તેઓ ઘણીવાર આપણને ટોકે છે.

તેથી આપણને એમ લાગે છે કે માબાપ કે ભાઈબહેનને આપણી કદર નથી. વારંવાર આપણી ટીકા કરે છે. મને પ્યાર નથી કરતાં. બસ મારી ખોડ ખાડે છે. પણ આવું વિચારવું ભૂલભરેલું છે.

મિત્રો એક વાત યાદ રાખજો કે આપણા દોસ્તો આપની વાહવાહ કરે છે તે મતલબી છે. આપણા મિત્રો પણ આપણી સાથે સ્પર્ધા કરતાં હોય છે.

સારી નોકરીની તક મળતાં બીજા શહેરમાં જતાં રહે છે. બીજા શહેરમાં નવા મિત્રો બનાવી લે છે અને આપણને ભૂલી પણ જાય છે. જ્યારે આપણા માબાપ કે ભાઈબહેન ક્યારે પણ આવું નહીં કરે. માટે ઘરવાળાને સૌ પ્રથમ આપણા મિત્રો બનાવો. જેટલું સન્માન, પ્યાર, સમય આપણા મિત્રોને આપીએ છીએ એટલો જ સમય આપણા ઘરનાં સભ્યોને આપો. તેમની સાથે દોસ્તી કરી સિનેમા જોવા કે બહાર ફરવા જાવ. પરિવાર જોડે આત્મીયતા બંધાશે અને ધરમાં ખુશીની જાજમ પથરાઈ જશે.

***

---- " સત્ય એ જ ઈશ્વર છે". ---

ઈશ્વરનાં અસ્તિત્વમાં માનો છો, ઈશ્વર છે કે નહીં એ વિવાદમાં ન પડતાં હું ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારું છં કે નહીં એ મહત્વનું છે. આ પ્રશ્નનો જવાબ ખરાં દિલથી માંગવામાં આવે તો એક જ જવાબ મળશે કે કોઈ ઈશ્વરને માનતું નથી. મોટાભાગનાં લોકો ખોટું બોલતા હોય છે કે તેઓ ઈશ્વરને માને છે. ઈશ્વરને નથી માનતો એમ કહેનારા લોકો પણ ખોટું બોલે છે, કારણ તેઓ પોતાની જાતને આધુનિકતામાં ખપાવવા માંગે છે.

સૌ પ્રથમ રોજિંદી વાતનો દાખલો લઈએ. આપણે ગાડી, કે મોટરબાઈક કે કોઈ પણ વાહન રોડ ઉપર ચલાવતાં હોઈએ ત્યારે લાલ સિગ્નલ જોતાં ગાડી ઊભી રાખીએ છીએ. કારણ ટ્રાફિક પોલીશ પકડશે. અર્થાત આપણને ખબર છે કે ત્યાં પોલીશનું અસ્તિત્વ છે. એટલે ખોટું કામ કરતાં અટકી જઈએ છીઅ. આ જ વાત આપણાં રોજિંદા જીવન પર લાગું પડે છે. આપણે ન કરવાનાં કામ , જેવાં કે ખોટું બોલવું, કોઈનું દિલ દુભાવવું, આપણા અહ્ મને પોષવો, સંપત્તિ ભેગી કરવા ખોટાં કામ કરવા, જે રાજ્યમાં રહેતાં હોઈએ તે રાજ્યની કાયદાકીય ચોરી કરવી, જેવાં કે સેલ્સ ટેક્સ, ઈન્કમ ટેક્સ, વગેરે ટેક્ષની ચોરી. વૃધ્ધો પ્રત્યે તિરસ્કાર કરવો, અરે ધાર્મિક આચાર્યો પણ એમનાં પ્રતિસ્પર્ધી આચાર્યોની ટીકા કરતાં અચકાંતા નથી. ચાલી આવતી જૂની પરંપરા ખાસ કરીને પુત્રીઓ તરફનો અણગમો નો જાહેરમાં વિરોધ કરીએ છીએ? કેટલાંક સંપ્રદાયો કે ધર્મો સ્રીઓનો તિરસ્કાર કરતાં હોય છે છતાં ૨૧ મી સદીમાં રહેતાં પોતાને સુધારાવાદી કે આધુનિક સાહિત્યકારો ગણાવતાં ધૃતરાષ્ર્ટ ની જેમ જીવી રહ્યાં છે.

અરે! મંદિરમાં આપણે આપણાં નામની તક્તિ લગાડવાં સ્પર્ધા કરતાં હોઈએ છીએ. આ બધાનો અર્થ એટલો કે આપણે ઈશ્વર છે એ વાત ૧૦૦ ટકા સ્વીકારતાં નથી. જે કાંઈ કરીએ છીએ તે એક ભ્રમણાં છે, આપણે આપણી જાતને છેતરીએ છીએ, સમાજમાં આપણું સ્ટેટશ બતાવવા માટે મથામણ કરીએ છીએ. પોતાની જાતને ધાર્મિક આચાર્ય ગણાવતાં આચાર્યો પાસે ઈશ્વર માટે કોઈ સ્પષ્ટ ખ્યાલ નથી. તર્ક દલીલથી સામેવાળાને સમજાવા બાલિશ પ્રયત્ન કરે છે. આજે તો પૈસાથી ભગવાનનાં દર્શન કરાય છે અર્થાત ભગવાનની ખરીદી થઈ રહી છે! શું ખરેખર તમે ઈશ્વરમાં માની ઉપર જણાવેલી પ્રવૃત્તિ નથી કરતાં? આવી પ્રવૃત્તિને ઉત્તેજન નથી આપતાં? આપણી જાતને પૂછવા જેવો પ્રશ્ન નથી લાગતો? જાહેરમાં વિરોધ કરીએ છીએ?

રામાયણકાળમાં સીતાનો ત્યાગ, મહાભારત કાળમાં ભરી સભામાંદ્રૌપદીને જે રીતે લાવવામાં આવે છે, અને દ્રૌપદીનું વસ્ત્રાહરણકે ૨૧મી સદીમાં થતા બળાત્કાર શું ઈશ્વર નાં અસ્તિત્વ પર સવાલ નથી ઉઠતો?

ઈતિહાસનાં પાનાં ખોલો. જણાશે કે ધર્મો યુધ્ધો થયાં છે, થાય છે, છતાં રહેશે કારણ કે ઈશ્વરનાં અસ્તિત્વ ઉપર આપણાંમાં કેવળ અંધશ્રધ્ધા છે.

" સત્ય એ જ ઈશ્વર છે". - મહાત્મા ગાંધીજી.

***

દિવસે દિવસે મુંબઈ જેવા શહેરમાંથી ગુજરાતી ભાષા ધસાતી જાય છે. ગુજરાતી શાળાઓ વિધાર્થીના અભાવે બંધ પડી રહી છે. આજની નવી પેઢીને ગુજરાતી વાંચતા લખતા નથી આવડતું ગુજરાતી બોલવામાં ગડબડ કરી નાખે છે. માબાપને આ બાબતે કોઈ ચિંતા પણ નથી.

ગુજરાતી ભાષાનાં લેખકોને પણ પોતાનાં પુસ્તકો માટે પબ્લીશરો સહેલાઈથી મળતાં નથી. કારણ ગુજરાતી લાયબેરી નામની સંસ્થા પૈસા તથા વાચકોના અભાવે બંધ પડી રહી છે. પ્રથન હરોળનાં કવિઓની પચાસ બુક ખપતાં નાકે પાણી આવી જાય છે આવું જાણીતા પુસ્તક વિક્રેતાઓનું કહેવું છે. ગુજરાતી સાહિત્યનું હિત લઈને બેઠેલાં ગણ્યાંગાંઠયા વ્યક્તિઓ ને નામપ્રસિધ્ધિ સિવાય ભાગ્યે જ કોઈ રસ છે. પરિણામે ગુજરાતી ભાષા બરફની જેમ અસ્તિત્વ ગુમાવી રહી છે.

હજી પણ મોડું નથી થયું. દરેક ગુજરાતીએ વેળાસર જાગવાની જરુર છે. ખાસ કરીને આપણા બાળકોને ગુજરાતી ભાષાનું પ્રાથમિક જ્ઞાન મળે તેની વ્યવસ્થા કરવી જોઈએ.

વેકેશન ચાલી રહ્યું છે. બાળકોને રજા છે. છે. માબાપ બાળકોને ઈતરપ્રવૃતિ જેવાં કે સંગીત, નૃત્ય, ચિત્રકળા, વગેરે વેકેશન ક્લાસીસ ભરાવી રહ્યાં છે. તો સાથેસાથે આપણાં બાળકોને ગજરાતી ભાષાનું પ્રાથમિક જ્ઞાન મળે તે માટે પ્રયત્ન કરવો જોઈએ. આ માટે ધણી સામાજિક સંસ્થા પ્રવૃત છે. બીજું આપણાં બાળકોને હિન્દી ભાષા શીખવાડાય છે. બંને ભાષામાં ઘણાં અક્ષરો લગભગ સરખાં છે. તો માબાપ થોડો સમય કાઢીને આ કામ કરી શકે છે. બાળકો તો કુમળી ડાળ છે. જેમ વાળીએ તેમ વળે. આપણી ગુજરાતી ભાષાનાં ગૌરવ કાજે.

ગુજરાતી સાહિત્યનાં અમૂલ્ય વારસાથી વંછિત રહી ન જાય તે માટે આપણી પવિત્ર ફરજ છે કે બાળકો ગુજરાતી વાંચતાં લખતાં શીખે.

પ્રફુલ્લ આર શાહ.