Murder Case books and stories free download online pdf in Gujarati

મર્ડર કેસ

મર્ડર કેસ

(ક્રાઈમ કથાઓ)

વિપુલ રાઠોડ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


અનુક્રમણિકા

૧ - ચુકાદો

૨ - એક્સક્લુઝીવ

૩ - ડેડ બોડી

૪ - ડરોઈંગરૂમ

૫ - ’બળાત્કાર’ની કબૂલાત

૬ - મારૂં મર્ડર

૭ - મોબાઈલ ચોરી

૮ - લાપતા પત્નીની લાશ !

૯ - સમય

૧૦ - સિરિયલ કિલર

૧ - ચુકાદો

હકડેઠઠ ભરેલી અદાલતમાં ન્યાયધીશે છેલ્લા ચાર માસમાં ચાલેલી દલીલોની વિગતો અને તેમાંથી પોતે ધ્યાને લીધેલી ખાસ બાબતો ડિક્ટેટ કરાવી દીધી છે. હવે કોર્ટરૂમમાં અને બહાર હાજર મેદનીને અદાલતનાં ફેંસલાની આખરી વિગતોની ચાતક નજરે વાટ છે. ચારેય આરોપીનાં ચહેરા ઉપર પસીનો બાઝી ગયો છે અને કોર્ટમાં પ્રસરી ગયેલા સુનકારમાં તેમના છાતીનાં ધબકારા નિરંકૂશ ગુંજી રહ્યા હોય તેવું તે ચારેયને લાગતું હતું. આ ચારેયનાં સગાવ્હાલા, મિત્રોની હાલત પણ કંઈક આવી જ હતી. જજનાં મૂખેથી બોલાતો એકેય શબ્દ ચૂકી ન જવાય એટલે બધાનાં કાન સરવા થઈ ગયા હતાં. ખીચોખીચ ગર્દીમાં આડાઅવળા ગોઠવાઈ ગયેલા પત્રકારો પણ કાગળ-પેન લઈને સાબદા બની ગયા છે. બધાની નજર જજ ઉપર સ્થિર થઈ ગઈ છે પણ આઠ-દસ લોકોનાં એક ઝુમખામાં ઉભેલી એક મહિલા એકીટસે આરોપીઓ સામે આક્રોશ ભરી નજર માંડીને ઉભી હતી. ઠાંસોઠાંસ ભરેલી અદાલતમાં પણ જાણે તે એકલી હોય તેમ લાગતું હતું. કોર્ટમાં પ્રસરી ગયેલી શાંતિમાં પણ તેના દિલ-દિમાગમાં ચાલતું ઘાતકી તોફાન હાહાકાર મચાવતું હશે તેવું સ્પષ્ટ જણાઈ આવતું હતું. કોર્ટમાં થોડી ક્ષણોથી પ્રસરી ગયેલા સન્નાટામાં પંખાનો કીચુડ-કીચુડ અવાજ બિહામણો લાગતો હતો અને શું થશે? એવો સવાલ સૌ કોઈનાં માનસમાં છવાઈ ગયો હતો. નિર્શ્ચેષ્ટ બની ગયેલી આખી અદાલતમાં જાણે ચેતનાનો સંચાર થયો અને જજે બોલવાનું શરૂ કર્યુ...

’ તમામ દલીલો સાંભળ્યા બાદ ધ્યાને લેવામાં આવેલી ઉક્ત બાબતોનાં આધારે અદાલત એવા તારણ ઉપર આવી છે કે...’ આટલું બોલીને અટકતાં જજે નાકની ડોંડી ઉપર પોતાના ચશ્મા સરખા કરતાં એક ઉંડો શ્વાસ લીધો... બીજી બાજુ અદાલતમાં કેટલાંયનાં શ્વાસ અદ્ઘર થઈ ગયા.

’...અદાલત એવા તારણ ઉપર આવી છે કે વિશ્વાસ ભગવાનજીની હત્યામાં કોઈ જ પ્રત્યક્ષ કે સાંયોગિક પુરાવા આરોપી જગુ લાધા, મગન જીવણ, તખુભા ખોડુભા અને ભોગીલાલ ભાણજીને દોષ્િત ઠરાવવા માટે પુરતાં નથી. માટે શંકાનો લાભ આપીને તમામ ચાર આરોપીને...’ જજ આટલું બોલી રહ્યા ત્યાં કોર્ટમાં ગણગણાટ શરૂ થઈ ગયો. બે ઘડી થોભીને જજે બધાં સામે થોડી અણગમાભરી નજર ફેરવી અને ફરીથી શાંતિ છવાઈ ગઈ અને તેણે ફરીથી બોલવાની શરૂઆત કરી કે ’તમામ ચાર આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવે છે.’

આરોપીનાં સગાસંબંધીઓ અને મિત્રોમાં જાણે ખુશીનું મોજું ફરી વળ્યું, કોર્ટરૂમ ઘડીભરમાં ઘોંઘાટથી શાકમાર્કેટ જેવી ભાસવા લાગી. ચારેય આરોપીનાં ચહેરા ઉપર મોટી ઘાત ટળી ગઈ હોય તેવો હાશકારો વરસી ગયો. અત્યાર સુધી છૂટેલો ભયનો પરસેવો હવ તેને ટાઢક આપતો હોય તેવું સ્પષ્ટ દેખાતું હતું. પત્રકારોને આજનાં સૌથી મોટા સમાચારનું મથાળું મળી ગયું હતું. અનેક ચહેરા ઉપર ખુશી ફરી વળી હતી જ્યારે અમુક ચહેરા ઉપર માયુસી જોવા મળતી હતી. ટોળા વચ્ચે આરોપીઓ સામે એકધારી જોઈ રહેલી અને એકલી-અટુલી લાગતી આછા રંગની સાડી પહેરેલી મહિલા ઉપર જાણે વજ્રઘાત થયો હતો. તેનું મન ચિત્કારી ઉઠયું પણ તેનો આ ભયંકર ઉંહકાર જાણે માત્ર આંખ પણ માંડ ભીની થાય તેટલાં આંસૂ વાટે બહાર નીકળી ગયેલો. અંદરથી ભાંગી પડેલી આ મહિલાને એકાદ બે માણસોએ ઝાલી રાખી હતી. પોતાની સાથે ઘોર અન્યાય થયાનો આક્રોશ કડવા ઘૂંટડાની જેમ તે પી રહી હતી અને આસપાસનાં માણસો તેને સાંત્વના આપવાનો પ્રયાસ કરતાં હતાં. જો કે હજી સુધી તેના મુખમાંથી એકપણ શબ્દ બહાર આવ્યો નહોતો.

સામે છેડે સૌથી ખુશ દેખાતા ચારેય આરોપીને પોલીસ કઠેડામાંથી બહાર કાઢી રહી હતી. ઘણાં લોકો ચારેયને ભેટી રહ્યા હતાં, હાથ મીલાવતાં હતા અને ખુશી ઈઝહાર કરતાં હતાં ત્યારે એ મહિલાનાં સંયમનો ભંગ થયો. ઘોંઘાટને ચીરતાં તેનાં ભાંગેલા અવાજમાં જજ ભણી લાચાર નજરે જોઈને બોલી ઉઠી...

’સાહેબ...’ બધાને ખ્યાલ હતો આ મહિલા કોર્ટનાં ક્યા ખુણામાં ઉભેલી હતી અને એટલે તે દિશામાંથી આવેલા અવાજે કોર્ટને ફરી એકવાર શાંત પાડી દીધી. બધાની નજર તેના ઉપર મંડાઈ અને તે આગળ બોલી ’સાહેબ હવે તો ચુકાદો આવી ગયો છે. પણ મારે થોડી વાત કહેવી છે. ફક્ત માનવતાનાં નાતે તમે સાંભળો એવી વિનંતી છે.’ જજની પરવાનગીની રાહ જોયા વગર તે આગળ બોલવાનું ચાલું રાખે છે. ’ આ ચુકાદા સામે મને કોઈપણ પ્રકારનો અસંતોષ નથી. કોર્ટે પોતાની ફરજ બરાબર બજાવી છે. તેની સામે આવેલા પુરાવાને ધ્યાને લઈને કોર્ટે આ ચારેય મહાનુભાવોને નિર્દોષ જાહેર કર્યા છે તે આવકાર્ય છે. ખરેખર તો મારી ફરિયાદનાં હિસાબે આ લોકોને આટલો સમય જેલમાં રહેવું પડયું, હાલાકી ભોગવવી પડી, અપમાનો સહન કરવા પડયા હશે... આ બધા માટે મારે તેમની માફી માગવી જોઈએ.’ કોર્ટમાં હાજર તમામની નજર અચરજ સાથે એ મહિલા ઉપર ચોંટી ગઈ હતી. અત્યાર સુધી દબાઈ રહેલો તેનો અવાજ હવે થોડો ખુલ્યો અને તેણે આગળ કહ્યું ’ જજ સાહેબ... મને આ ચુકાદા સામે કોઈ જ વાંધો નથી અને હવે મારે ઉપલી અદાલતમાં જવું પણ નથી. આ ચારેય સામે પુરાવા નથી એટલે તે છૂટે તે સ્વાભાવિક છે પણ...’

’...પણ મારા વિશ્વાસ, મારા દીકરાની હત્યા થઈ પછી અત્યાર સુધી આ ચારેય સીવાય અન્ય કોઈએ મારા દીકરાને માર્યો હોય તેવું ક્યાય જોવા, સાંભળવામાં આવ્યું નથી. આટલાં વખતમાં બીજા કોઈ ઉપર આવો આરોપ મુકાયો પણ નથી. જેટલા લોકોએ ખૂનની ઘટના જોઈ હતી એમણે મને છાનેખુણે આ ચારનાં જ નામ આપેલા. એટલે જ મારાથી આમની સામે પોલીસમાં ફરિયાદ થઈ ગઈ હતી. પણ હવે તમે કહો છો કે આ ચારેય હત્યારા નથી એટલે મારી ફરિયાદ ખોટી હતી એવું સાબિત થાય છે અને તેના માટે હું પોલીસ અને ન્યાયતંત્રની પણ માફી માગું છે. મારાથી થયેલી આ મોટી ભૂલનાં પાપે જ પોલીસ અને આ કોર્ટનો સમય બગડયો તેનો અફસોસ મને કાયમ રહેવાનો છે.’ કોર્ટમાં ટાંકણી પડે તો પણ રણકાર થાય તેવી શાંતિ વચ્ચે મૃતકની માતા આગળ બોલેવાનું ચાલુ રાખતા કહે છે...

’ મને સમજાતું નથી કે મને ન્યાય મળ્યો છે કે મારી સાથે અન્યાય થયો છે ? કદાચ મે આ ચારેય સાથે અન્યાય કરી નાખ્યો હોય તેવો પસ્તાવો પણ મને અત્યારે કોરી ખાય છે. ખેર... એ બધું બાજુંએ રાખીએ તો મારે એટલું જાણવું છે કે આ અદાલત મારા દિકરાની હત્યા જ થઈ હતી એટલું તો સ્વીકારે છે કે નહીં? જો મારા દિકરાની હત્યા જ થઈ હોય અને આ લોકો નિર્દોષ હોય તો અન્ય કોઈએ તો મારા દિકરાનો જીવ લીધો હશે ને? જો કે હજી સુધી તો બીજા કોઈએ તેને મારી નાખ્યો હોવાનું ધ્યાને આવ્યું નથી. તો તેનો મતલબ એવો થાય કે જો આ લોકોએ તેની હત્યા ન કરી હોય તો મારા દિકરાનું ખૂન જ થયું નહીં હોય ! આ લોકોએ તેને માર્યો નહીં હોય તો મારો દિકરો જીવતો જ હોવો જોઈએ. મારી અદાલતને માનવતાનાં ધોરણે માત્ર એટલી જ અપીલ છે કે જો મારો દિકરો જીવતો હોય તો તેને મારી પાસે પાછો પહોંચતો કરવાની વ્યવસ્થા કરી આપવામાં આવે...’

આટલું બોલીને તે ભાંગી પડી. કોર્ટને સન્નાટો ઘેરી વળ્યો. જજ હવે એ મહિલા સામે અનાયાસે આંખ મિલાવતા અટકી ગયા હતાં... બધા લોકો ધીમેધીમે કોર્ટની બહાર નીકળવા લાગ્યાપ

***

૨ - એક્સક્લુઝીવ

ગઈકાલે મોડી રાત સુધી તમામ સમાચાર ચેનલોમાં ચલાવવામાં આવેલો એક રીપોર્ટ આજે સ્વાભાવિક રીતે તમામ અખબારોની હેડલાઈનમાં ચમક્યો. દેશનાં કોઈપણ રાજ્યમાં ન હોય તેવો આકરો ભ્રષ્ટાચાર વિરોધી કાયદો ઘડાયો. આ કાયદાને લઈને મુખ્યમંત્રી અને શાસકપક્ષે વ્યક્ત કરેલો ગર્વ અને લીધેલો જશ, કાયદાની ઝીણી-ઝીણી વિગતો, ભ્રષ્ટાચારીઓ ઉપર આવનારી આફતથી માંડીને અનેક પરિમાણો અને પરિબળોની છણાવટ બધા અખબારોમાં પાના ભરીને ચમકી. જો કે આ બધા વચ્ચે એકમાત્ર સ્વાભિમાન અખબાર જ એવું નીકળ્યું જેની હેડલાઈન એક વિશેષ સમાચારથી અલગ પડતી હતી. ભ્રષ્ટાચાર મુદ્દે બધા અખબારો અને ચેનલો રાજ્ય સરકારની આરતી ઉતારતા હતાં ત્યારે સ્વાભિમાને આ મુદ્દે જ સરકારને ઝૂડી કાઢી.

સ્વાભિમાનનાં સંપાદક અભય જોશી અને એ વિશેષ સમાચાર ખોળી કાઢનાર સત્યપ્રકાશ શાહની અપેક્ષા મુજબ જ તેમના અખબાર અને એ અહેવાલે ખળભળાટ મચાવી દીધો, સનસનાટી ફેલાવી દીધી. સવારે અખબાર લોકો સુધી પહોંચતા સાથે જ તમામ ચેનલોનાં પત્રકારો આ સમાચારના ઉંડાણમાં પહોંચવા દોડવા લાગ્યા અને બીજા અખબારોનાં તંત્રી-પત્રકારોની ઉંઘ સવારના પહોરમાં હરામ થઈ ગઈ. સામાન્ય જનતાનાં મનમાં ભ્રષ્ટાચાર ખતમ થવાની જાગેલી આશા અમુક કલાકમાં જ હોલવાઈ ગઈ. ચોમેરથી સરકાર ઉપર ફિટકાર વરસવા લાગી. સમાચારજગતમાં વહેલી સવારથી જ ફોનની ધણધણાટી ધાણીફૂટ વછૂટવા લાગી.

રીલાયેબલ નામની વિરાટ કંપનીનાં ડિરેક્ટરને વહેલી સવારથી પોતાનો ફોન સ્વીચ ઓફફ કરી દેવો પડયો. તેની કંપનીનાં જનસંપર્ક અધિકારીઓને પત્રકારોનાં સવાલનાં ફાયરીંગ સામે ગોળગોળ વાતો વાળીને યોગ્ય જવાબ આપવા માટે જોઈતો સમય મેળવવો અઘરો થઈ પડયો હતો. સ્વાભિમાનમાં છપાયેલા અહેવાલે આ કંપનીની આબરૂનાં લીરા ઉડાડી નાખ્યા હતાં. આ કંપનીને બારસો એકર જમીનની ફાળવણીમાં થયેલી ગોબાચારીએ કંપનીને લોકોના જનમાનસમાં એક વિશ્વાસનાં પ્રતીકમાથી આરોપીનાં કઠેડામાં લાવી દીધી. રાજ્ય સરકારે આ ફાળવણીમાં મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો દાવો સ્વાભિમાન અખબારે કરેલો. આટલું જ નહીં પર્યાવરણની મંજૂરીથી માંડીને બીજા ઘણાં નિયમોનો છેદ ઉડાડતાં કંપનીને આ જમીન ધૂળનાં ભાવે આપી દેવામાં આવી હતી. જેનો ભાંડો સ્વાભિમાને ફોડી નાખ્યો.

સ્વાભિમાનનાં તંત્રી અભય અને આ એક્સક્લુઝીવ રીપોર્ટ બનાવનાર સત્યપ્રકાશનો ફોન પણ અપેક્ષાકૃત સવારથી રણકતો હતો. બન્ને ઉપર પત્રકાર આલમમાંથી અભિનંદનનો ધોધ વછૂટતો હતો. વળી કેટલાક પત્રકારો તેમની પાસેથી આ અહેવાલને આગળ ચલાવવા માટે કઈ રીતે આગળ વધવું તેનું માર્ગદર્‌શન પણ મેળવી રહ્યા હતાં.

આ બધા ફોન વચ્ચે અભયનો સેલફોન એક જાણીતા નંબર સાથે ગાજ્યો. એક-બે રીંગ વાગી ત્યાં સુધી મનોમન તે શું વાત કરવી તેની માનસિક તૈયારી કરી ચુક્યો હતો અને પછી તેણે ફોન રીસીવ કર્યો.

’હેલ્લો...’

’કેમ છો સર? એક જ મિનિટ સાહેબ વાત કરવા માગે છે.’ આટલું બોલીને સામે છેડેથી સેક્રેટરીએ અભયને થોભાવ્યો અને મુખ્યમંત્રીનાં ખુબ જ અંગત અને મુશ્કેલીનાં સમયમાં સરકાર માટે કષ્ટભંજક બની રહેતા શક્તિશાળી નેતા અને મંત્રી જગત જાનીને ફોન આપ્યો.

’અરે... અભયભાઈ આ શું છે? આવા ગપગોળા જેવા સમાચાર તમે ક્યારથી શરૂ કરી દીધા? કોઈએ ગેરમાર્ગે દોરવ્યા છે તમને, સ્હેજ કાળજી રાખો.’ ભારેખમ અવાજે જગત મંત્રીએ પોતાનો ઉકળાટ અને અકળામણ ઠાલવ્યો.

જરા પણ વિચલિત થયા વગર અભયે જવાબ વાળ્યો ’કાળજી તો સરકારે રાખવાની જરૂર નથી લાગતી જગતભાઈ...?’

’જુઓ આ વાતમાં કોઈ તથ્ય નથી અને હવે આ બંધ થવું જોઈએ.’ જગત મંત્રીએ હવે સૂર બદલતા ધમકીની ભાષામાં વાત છેડી.

’ મારૂં કહેવાનું પણ એ જ છે કે અમે જે લખ્યું છે એ બધા ગોરખધંધા બંધ થવા જોઈએ.’ અભયનો સામો ફુંફાડો સાંભળીને જગત મંત્રીએ ફોન કાપી નાખ્યો.

આ વાતચીત પછી અભયે તરત જ સત્યપ્રકાશને ફોન જોડયો અને આવતીકાલના છાપામાં તેની પાસે રહેલા પુરાવાઓમાંથી અમુક છાપવા માટેની તૈયારી કરવાની સુચના આપી દીધી. સામે સત્યપ્રકાશ પણ ઉત્સાહમાં હતો. તેને પણ સવારથી રાજકીય આલમમાંથી ફોન ઉપર ફોન આવતાં હતાં. વિરોધપક્ષોનાં નેતાઓ સરકાર ઉપર તૂટી પડવા માટે સત્યપ્રકાશને ખુબ હવા ભરી ચુક્યા હતાં. જો કે સત્યપ્રકાશ પોતાના અહેવાલનાં પડઘાથી ખુશ હતો.

સામાન્ય રીતે કોઈ મોટા સમાચાર એકાદ અખબારમાં કે ચેનલમાં આવે પછી બધા જ પ્રસાર માધ્યમો તેને ઝીલી લેતા હોય છે અને પછી ચોમેરથી એ સમાચારનો મારો ચાલુ થઈ જતો હોય. દિવસભર આખી સમાચાર દુનિયામાં આ હેવાલની ખુબ ચર્ચા તો ચાલી પરંતુ આ વખતે કોઈ અકળ કારણોસર સ્વાભિમાનનાં સમાચાર પછી અન્ય માધ્યમો તે બાબતે મૌન રહ્યા અથવા તો સમાચારની તીવ્રતા ઘટાડીને, મંદ પાડીને, કદ ઘટાડીને રજૂ કર્યા.

બીજા દિવસની સવારે સ્વાભિમાન ફરી એકવાર પુરાવા સાથેની હેડલાઈન લઈને આવ્યું. બધાની આંખો પહોળી થઈ જાય તેવા દસ્તાવેજી પુરાવાઓથી સરકાર હચમચી ગઈ. અન્ય અખબારોનાં પત્રકારો અને સંપાદકોને પણ હવે જનતાની નજરમાં આ સમાચારને મહત્વ નહીં આપવા બદલ ભોંઠપ અનુભવવી પડે તેવો તાલ સર્જાયો.

સત્યપ્રકાશની નવી સવાર પણ આગલા દિવસની જેમ જ ફોનનાં સતત વાગતા રહેલા રીંગટોન રૂપી કલરવથી શરૂ થઈ.

એક ફોનકોલ રીસીવ કરતાં તેણે કહ્યું ’હાં...જી...’

’થોભો... જગત સાહેબ વાત કરશે.’

’સત્યપ્રકાશ આ હવે બંધ નહીં થાય તો મોંઘું પડશે.’ જગતમંત્રીએ આગળ એકપણ શબ્દ ઉચ્ચાર્યા વગર આ ધમકી આપીને ફોન કટ કરી નાખ્યો. સત્યપ્રકાશે તત્કાળ પોતાના તંત્રી અભયને ફોન જોડયો અને મળેલી ચોખ્ખી ધમકીની જાણકારી આપી. સામે છેડેથી અભયે સત્યપ્રકાશને જાણકારી આપી કે હંમણા જ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી પણ ફોન આવી ગયો છે અને સીએમ તરફથી તમામ વાતોનાં ખુલાસા અને મુદ્દાઓનાં સમાધાન માટે તેને ગાંધીનગર તેડાવવામાં આવ્યો છે. જો કે અભયે સાથોસાથ સત્યપ્રકાશને કોઈપણ પ્રકારનો ભય નહીં રાખવા અને આવતીકાલે એ સમાચારમાં નવા પુરાવા સાથે વધુ એક ધડાકો કરવાની ધરપત અને સુચના પણ આપી.

ચોમેર સ્વાભિમાન અખબારની વાહવાહી થતી હતી. જનતામા આ એક જ છાપું લોકો સુધી સાચી જાણકારી આપતી હોવાનો ભરોસો વધુ એકવાર પુરવાર થયો હોવાની લાગણી હતી. અજાણ્‌યા લોકો પણ અખબારનાં કાર્યાલયે ફોન અને ઈ-મેઈલ લખીને અભિનંદનનો અને પ્રોત્સાહનનો મારો ચલાવવા લાગેલા.

સ્વાભિમાનનાં બીજા દિવસનાં અહેવાલ પછી અન્ય માધ્યમોએ સરકાર અને રીલાયેબલ કંપનીનાં ખુલાસાઓ સ્પષ્ટતાઓને મૂળ સમાચાર કરતાં વધુ મહત્વ આપ્યું હતું. વિપક્ષના આક્રમણને ખાસ જગ્યા મળી નહોતી. જો કે કોઈ જ અખબાર કે ચેનલે આ કૌભાંડનાં મૂળમાં પહોંચવાના પ્રયાસ સમાન અહેવાલો આગળ ધપાવવાની દરકાર નહોતી લીધી. આ બધા વચ્ચે અભય ગાંધીનગર મુખ્યમંત્રીને મળીને મોડી સાંજે કાર્યાલયે પરત આવ્યો. તે પોતાની ચેમ્બરમાં જતો હતો ત્યારે તેની નજર સત્યપ્રકાશ ઉપર પડી. જે ઘણા બધા કાગળનાં થોથા વચ્ચે કંઈક કામમાં વ્યસ્ત લાગ્યો. તેને કનડગત કર્યા વગર અભય ચેમ્બરમાં જઈને બેઠો અને પોતાના કામોમાં પરોવાઈ ગયો. રીપોર્ટ તૈયાર થયે સત્યપ્રકાશ તેની પાસે નિત્યક્રમ મુજબ આવશે તેનો તેને ખ્યાલ હતો.

એકાદ કલાક પછી સત્યપ્રકાશ પોતે લખેલો એક નવો રીપોર્ટ લઈને અભયની ચેમ્બરમાં પહોંચ્યો.

’સાહેબ...’ સત્યપ્રકાશ અંદર પ્રવેશતા વધુ કંઈ બોલે તે પહેલા જ અભયે તેને કહ્યું ’આવ... બેસ... એસપી.’ અભયનો સૂર ઢીલો હતો. સત્યપ્રકાશને લાગ્યુ કે કદાચ ગાંધીનગર જઈને આવ્યાનો સાહેબને થાક હશે.

સત્યપ્રકાશ અભયને એક ખાનગી વાત કરવા માગતો હતો એટલે તે અભયના એ થાકની પરવા કરવાનો નહોતો. જો કે તે કંઈ બોલવાની શરૂઆત કરે તે પહેલા જ અભયે સત્યપ્રકાશના હાથમાંથી પોતાના હાથમાં આવેલા રીપોર્ટ ઉપર નજર કરતાં કહ્યું ’જો એસપી... તને કદાચ અજુગતું લાગશે પણ સીએમ સાથે મારી બેઠક થઈ ગઈ છે અને આપણે આ કૌભાંડનાં અહેવાલ અટકાવીએ તો આપણે બન્ને ફાયદામાં રહીએ એવી વાત છે...’ અભયનાં શબ્દોથી સત્યપ્રકાશ થોડો વિચલિત થઈ ગયો. આ મતલબની વાત બન્ને વચ્ચે ક્યારેય થઈ નહોતી.

’તું સમજે છે ને હું શું કહેવા માગું છું...? એક હદ સુધી નીતિની વાતો બરાબર છે. પછી તો આપણે આપણા ભવિષ્ય અને ઘરનો વિચાર કરવો જ પડે. આવી વાત આપણે થઈ નથી એટલે તને વિચિત્ર લાગશે પણ ધરાઈ જશું એટલુ મળે એમ છે.’ અભય સત્યપ્રકાશને આગળ કંઈ સમજાવે તે પહેલા જ સત્યપ્રકાશે પોતાની વાત ઉતાવળે આરંભી.

’સાહેબ... હું પણ થોડો અચકાતો હતો પણ તમને મારે કહેવું હતું કે આજે રીલાયેબલમાંથી મને ફોન આવેલો અને ખુદ ડિરેક્ટર મનીષ પટેલે આ મતલબની વાત કરવા માટે જ કાલે આપણને બન્નેને તેડાવ્યા છે. મને ચોખ્ખા શબ્દોમાં કહેવાયું છે કે જે કિંમત થાય એ ચુકવાશે.’ સત્યપ્રકાશ પહેલીવાર પોતાના સ્તરથી હલકી વાત ઉપર ઉતરી આવ્યો હતો.

’ઓકે... ગોઠવી લઈએ. બન્ને અડધું-અડધું સમજી લેશું.’ અભયનાં ચહેરા ઉપર મંદ અને ખંધુ હાસ્ય હતું. સત્ય પ્રકાશ થોડો છોભીલો હતો પણ આવનારા દિવસોમાં પોતે પૈસાની પથારીમાં આળોટતો હશે તેવા સપનામાં રાચવા લાગ્યો.

નવી સવારનું સ્વાભિમાન ફરીથી એ કૌભાંડનાં સમાચાર લઈને આવેલું. જો કે આજે તેમાં સરકાર અને રીલાયેબલ કંપનીએ કરેલા ખુલાસાઓ સાથેનું હતું. લોકોએ માન્યું કે આનું નામ સાચી તટસ્થતા. જેનો ભ્રષ્ટાચાર ઉઘાડો પાડયો તેનો પક્ષ પણ રજૂ કરવાની નૈતિક હિંમત આ અખબારમાં છે.

***

૩ - ડેડ બોડી

છેલ્લા આઠ દિવસ જાણે ઘોર અંધકાર વચ્ચે ખુલ્લા મેદાનમાં કેડી શોધવા માટેનાં નિરર્થક પ્રયાસો જેવા બની ગયેલા. એમાં પણ મેદાની પવનની જેમ વિચારોની થપાટો અને સૂસવાટાએ એક અજ્ઞાત ભયનાં કૂવામાં ધકેલી દીધો હોય તેમ શાંતિલાલનો પરિવાર અશાંતિનાં પાણીમાં ગુંગળાઈ રહ્યો હતો. તેમના પત્ની કમળાબેન જાતજાતનાં વિચારો કરીને અધમૂવા થઈ ગયેલા. કોઈપણ અકસ્માત કે અપહરણ કે અન્ય કોઈપણ પ્રકારની અનીચ્છનીય ઘટનાનાં સમાચારમાં તેમને પોતાનો દિકરો આલોક જ સપડાયો હોવાનું દેખાવા લાગ્યું હતું.

એકનો એક દિકરો ક્યારેય સ્કુટરમાં પેટ્રોલ પુરાવા માટે પણ કહ્યા વગર ઘરની બહાર પગ મુકતો નહીં અને ઓચિંતા તે લાપત્તા થઈ જતાં બન્નેનાં પગ નીચે ધરતી સતત કંપતી હોય અને ગમે ત્યારે સરકી જાય તેવી હાલતમાં હતી. એક સામાન્ય નોકરીયાત શાંતિલાલની દુનિયા ખુબ જ નાની હતી અને તેમણે પોતાની દુનિયાનો એકેય ખુણો તપાસવાનો બાકી નહોતો રાખ્યો આ છેલ્લા આઠ દિવસમાં. પોલીસમાં જાણ કર્યા પછી પણ શાંતિલાલ અને કમળાબેનની શોધખોળ જરાય મંદ ન્હોતી પડી. ઘરમાં ક્યાય આડે હાથ મુકાઈ ગયેલી વસ્તુ મળતી ન હોય અને વારંવાર એક જ સ્થાને તેને શોધતા રહીએ તેવી રીતે પોતાના સગાવ્હાલાઓ અને આલોકનાં મિત્રોને એકથી વધુ વખત પૃચ્છા કરતું રહેતું હતું આ દંપતિ. આખી જીંદગી એકાદ અઠવાડિયાની એકસામટી રજા લઈને ક્યાંક ફરવાનાં માત્ર સપના જોયે રાખનાર આ પતિ-પત્નીએ આ આઠ દિવસમાં કેટલી રઝળપાટ કરી નાખી હતી તેનું પણ તેમને ભાન નહોતું.

હજી અઠવાડિયા પહેલા મંદિર જેવું રળીયામણું લાગતું ઘર આજે સ્મશાનવત ભેંકાર ભાસતું હતું. ઘરની દિવાલો જાણે ભણકારાનાં લાઉડસ્પીકર ગજાવતી હતી. મને કમને થોડુંક જમ્યા પછી બન્ને અત્યારે એકલા બેઠા છે. આજે કોઈ મિત્ર કે સંબંધીની ચહલપહલ નથી અને ઘરમાં સૂનમૂન બેઠા-બેઠા હવે દિકરાને ક્યા શોધવો તેની અટકળો બન્નેનાં મનમાં ચાલતી હતી. કમળાબેન સફાળા ઉભા થઈને પાડોશીને ત્યાં દોડી ગયા. તેમને અચાનક જ યાદ આવ્યું હતું કે આજે તેમના ઘરે છાપું નથી આવ્યું અને ફટાફટ બાજુમાંથી છાપું લાવીને પાના ફંફોળવા લાગ્યાં. એકેક સમાચાર ઝીણવટથી વાંચીને ફડકા સાથે પોતાના આલોક સંબંધિત કોઈ સમાચાર તો નથી આવ્યાને તેની ખાતરી કરવાં લાગ્યા. છેલ્લા ચારેક દિવસથી બધા જ સમાચાર વાંચી જવા તેમનો ક્રમ બની ગયો હતો. પાના ફેરવતા ફેરવતા છેલ્લા આટલાં દિવસોમાં રડીરડીને સુકાઈ ગયેલી આંખોને એક જાહેરાત ધ્યાને આવી... જેમાં મોટા મથાળે લખેલું હતું ’ગુમ થયેલ છે’. ફોટો સાથેની એ જાહેરાત વાંચીને તેમને સ્હેજે વિચાર આવી ગયો અને શાંતિલાલને બોલ્યા, ’આપણે પણ આવી એકાદી જાહેરાત આપી જોઈ હોય તો...’

’હમમમ... હા, એ પણ કરી જોઈએ. આજે જ સાંજે હું જાહેરાત આપી આવીશ.’ શાંતિલાલ પણ આલોકની શોધમાં કોઈ કસર છોડવા માગતા ન હતાં.

’સાંભળો... મુંબઈમાં મનુમામાને ફોન કરી જોઈએ તો ? કદાચ છેલ્લા એકાદ બે દિવસમાં એ ત્યાં પહોચ્યો હોય તેવું ન બને?’ ચિંતાતૂર કમળાબેને ફરીથી મુંબઈ ફોન કરવાં માટે સુચન કર્યુ પણ શાંતિલાલે હજી ગઈકાલે જ રાત્રે ત્યાં ફોન કર્યો હોવાની તેમને ખબર નહોતી. એટલે શાંતિલાલ ભાવહીન બોલ્યા ’કાલે રાત્રે જ ફોન કર્યો હતો મે. એ ત્યાં નથી ગયો.’ ફરીથી બન્ને મૂંગા થઈ ગયા અને પોતાના વિચારોમાં ગુંગળાવા લાગ્યા.

ઘર જાણે અવાજ પણ શોષી ગયું હોય તેમ બહેરાશ જેવી પીડાદાયક શાંતિ છવાયેલી હતી. ત્યાં જ શાંતિલાલનો મોબાઈલની રીંગ ધીમી-ધીમી સંભળાઈ અને કમળાબેન તુર્ત જ ઉભા થઈ રૂમમાંથી ફોન લેવા દોડી ગયા. ફોનમાં અજાણ્‌યો નંબર જોઈને તેમણે ઓસરીમાં શાંતિલાલને ફોન લંબાવવાની ધીરજ પણ ન રાખી અને કોલ રીસીવ કરીને બોલ્યા ’હલ્લો...’

’હું દેવલોક વિસ્તારનાં પોલીસ સ્ટેશનેથી બોલું છું... તમે કોઈનાં ગૂમ થયાની જાણ કરેલી છે !’ કમળાબેને કંઈ જ જવાબ આપ્યા વગર ફોન તરત જ શાંતિલાલને લંબાવ્યો અને કહ્યું ’આ લ્યો તો જલ્દી... પોલીસ સ્ટેશનેથી ફોન છે કદાચ કંઈક જાણ મળી લાગે છે...’

શાંતિલાલે તરત જ ફોન લઈને કહ્યું ’હા સાહેબ...’

’તમે ગૂમ થયાની જાણ કરી છે ને? તાત્કાલિક સરકારી હોસ્પીટલનાં શબઘર આવી જાઓ... એક મૃતદેહ આવ્યો છે. ઓળખ માટે આવવાનું છે.’ સામે છેડેથી ભાવશૂન્ય અવાજે બોલાયેલા આ શબ્દોએ શાંતિલાલને હ્ય્દયનાં બે ઉભા ફાડા કરી નાખતો ધ્રાસકો પાડી દીધો. તેઓ આગળ કંઈ પૂછે એ પહેલા જ સામેથી ફોન કપાઈ ગયો અને આ બાજુ શાંતિલાલની જાણે જીભ પણ કપાઈ ગઈ... વિચારશૂન્ય શાંતિલાલનું મન ચિત્કારી ઉઠયું. કપાળે ઓચિંતા પસીનો બાઝી ગયો અને આંખની કોરમાં ભીનાશ આવી ગઈ. કમળાબેનને પણ કંઈક માઠા વાવડનો અણસાર આવી ગયો. કંઈ જાણ્‌યા જોયા વિના તેમણે રોકકળ શરૂ કરી...

સ્હેજ સભાન થઈ શાંતિલાલે તેને શાંત્વના આપી અને હોસ્પીટલે કોઈ મૃતદેહની ઓળખ માટે જવાનું છુપાવીને પત્નીને કોઈ ઈજાગ્રસ્તને ઓળખવા માટે જવાનું હોવાનું કહ્યું.

ઘરથી હોસ્પીટલ તો આંખનાં પલકારામાં આવી ગઈ પણ ત્યાં સ્કૂટર પાર્ક કર્યા પછી શાંતિલાલનાં પગે જાણે જહાજનું લંગર બાંધ્યું હોય તેવો ભાર આવી ગયો. એક એક ડગલું ભરવામાં જાણે ભારેખમ પગને ઢસડી જવા જેવું બની ગયું. બીજીબાજુ કમળાબેનને સંભાળી રાખવાની પોતાનાં ખભ્ભાની જવાબદારી પણ ખરી. હોસ્પીટલનાં પરિસરની ચહલપહલ જાણે થંભી ગઈ અને સ્મશાનનાં ભેંકાર રસ્તે ચાલ્યા જતાં હોય તેવો બોજ શાંતિલાલની છાતી ભીંસતો હતો. દૂરથી દેખાતું શબઘરનું પાટીયું અને તેની જ દિશામાં મંડાતા પગલાં કમળાબેનને પણ કંઈક અશુભનાં અપશુકન કરાવતાં હતાં. તે હવે બસ કમકમાટીભર્યુ રૂદન શરૂ કરે એટલી જ વાર હતી...

માંડ શબઘર પહોચ્યા, ત્યાં ઉભેલા એક પોલીસમેન સાથે વાત કર્યા બાદ બન્ને વિચિત્ર પ્રકારની વાસ મારતાં ખંડમાં પહોચ્યા. અંદર લાઈટ ચાલું હતી પણ ધૂળથી રંગાઈ ગયેલી દિવાલો એ ઓરડાને અંધારીયો બનાવી રાખતી હતી. અંદરનાં કર્મચારીએ રોજીંદા બની ગયેલા ઘટનાક્રમનું નિરસ પુનરાવર્તન કરતાં બન્નેને અંદર બોલાવ્યા. એ એરડામાં ત્રણ ઢાંકેલી લાશ હતી. દુકાનદાર પોતાનો માલ વેંચવા માટે દેખાડવા આગળ જતો હોય તેમ એ છેલ્લી ડેડબોડી પાસે પહોંચ્યો. ’આવો... આ બોડી તમને દેખાડવાનું છે.’

કમળાબેનનું હ્ય્દય હવે બેકાબૂ હતું. છાતી ઉપર ઘણ પડતાં હોય એમ ધબકારા સાથે તેમનાં ઉંહકાર નીકળવા લાગ્યા, દીકરો ગુમાવ્યાની દહેશતે તેમનું શરીર વીજળીનો કરન્ટ લાગ્યો હોય તેમ કંપવા લાગ્યું. શાંતિલાલ કેમેય કરીને પોતાની સ્વસ્થતા જાળવી રાખવા, કમળાને સંભાળી લેવા શક્તિ એકઠી કરવાનાં પ્રયાસમાં આગળ વધ્યા જતા હતાં. બન્ને એ નિષ્પ્રાણ દેહની નજીક પહોચ્યા કે તરત જ પેલા કર્મચારીએ ઢાંકેલું કપડું ફટાક દઈને હટાવી દીધું.

ઘડીભર માટે સમય જાણે થંભી ગયો... ધબકારા થંભી ગયા... મોત સામે આવી ગયું હોય તેવો સૂનકાર ફરી વળ્યો... તમરા વાગવા લાગ્યા અને...

એક લાંબો હાશકારો.... બન્નેની આંખમાં જાણે હર્ષનાં આંસૂ આવી ગયા... રાહતથી બન્ને એકબીજાને ભેટી પડયા... આ દેહ આલોકનો નથી ! મોટી ઘાત ટળી ગયા પછી પણ ઓસરતા ડર વચ્ચે એક વિચિત્ર રાહત અનુભવાતી હોય તેવી લાગણી થઈ. ’ના... આ ભાઈને અમે નથી ઓળખતા’ બોલીને શાંતિલાલે પત્ની કમળાનો હાથ ઝાલી બહારની વાટ પકડી.

ત્યાં જ સામે એક બીજું દંપતિ મળ્યું. જાણે કોઈ ઔપચારિકતા પૂરી કરવાં આવ્યા હોય તેમ કોઈપણ પ્રકારની ભીતિ વગર તે પણ અંદર ઓળખવિધિ માટે જ આવ્યું હતું. અંદર પ્રવેશતા તેમના વચ્ચે થયેલી વાતચીત શાંતિલાલ અને કમળાબેનનાં કાને અથડાઈ...

બન્ને વચ્ચેની વાતમાંથી ખ્યાલ આવ્યો કે છેલ્લા ચાર મહિનામાં એ બન્ને અહીં નવમો મૃતદેહ ઓળખવા આવ્યાં છે. જો કે શાંતિલાલ અને કમળાબેન પોતાની રાહતનાં સંતોષ સાથે આગળ ચાલતાં રહયા અને બહાર નીકળીને પોલીસમેનને જાણ કરી કે અંદર રહેલાં બોડીનાં જીવ સાથે પોતાને કોઈ સંબંધ ન હતો. આ વાતચીત ચાલતી હતી ત્યાં જ....

અંદરથી પડઘાતી પોક સંભળાઈ... પોલીસમેન, શાંતિલાલ અને કમળાબેનને બે ઘડી એ બિહામણા રૂદનથી ફાળ પડી પણ સાથેસાથે એટલું સમજાઈ ગયું કે ડેડબોડી ઓળખાઈ ગઈ... પોલીસમેનને જાણે પોતાની જવાબદારી ઘટ્‌યાનો હાશકારો થયો... કદાચ ચાર-પાંચ માસથી પોતાના સ્વજનને શોધતા રહેલા એ અજાણ્‌યા દંપતિને પણ આ લાશ જોઈને પોતાની તલાશ પુરી થયાનો હાશકારો થયો હોય તો કોણ જાણે...

***

૪ - ડ્રોઈંગરૂમ

ટબુકડી અને ચંચળ નિયતીને આજે સ્કુલેથી ઘરે આવી અને મમ્મીએ જમાડી દીધા પછી પપ્પાની માર્કર પેન હાથમાં આવી ગઈ છે. ક્યારની તે પોતાની રફ બૂકમાં તેનાથી કંઈક ને કંઈક ચિતરામણ કરી રહી છે પણ હજી તેને આમાં સંતોષ મળતો નથી. આજે તેની અંદર જાણે સર્જનનું સુનામી સર્જાયું છે. પોતાને સાંભળેલી વાર્તાઓ અને વર્ણનો, ચોપડીઓમાં જોયેલા ચિત્રો અને કાર્ટુન તેની નજર સામે તરવરી રહ્યા છે અને તેના તેનું મન જાણે હાથને હુકમ કરી રહ્યું હતું કે ઉઠાવ માર્કર અને આ આકારોને સાકાર કર...

રફ બૂકનાં કેટલાય પાના બગાડી નાખ્યા પછી હવે તે આમ તેમ નજર દોડાવતી હતી. તેને ક્યાય કોઈ એવી મોટી વસ્તુ હાથ ન લાગી જેમાં તે મોટા આકારો દોરી શકે. તેની ચળકતી નજર આમતેમ શોધ કરતી હતી પણ કોઈ મોટા કોરા કાગળ કે બીજું કશુ જ તેના હાથ આવ્યું નહી. હાથમાં માર્કર લઈને તે આખા ય ઘરમાં ખાંખાખોળા કરી ચુકી હતી પણ હજી સુધી તેને કંઈ મળ્ય નહોતું. આ દરમિયાન તેને મમ્મી અંજલિએ એકવાર હાથમાં માર્કર લઈને ફરતી જોઈ લીધી હતી અને નિયતીને માર્કર મુકીને હોમવર્ક કરવાં બેસવા ટપારી હતી. જો કે નિયતી આજે પોતાની ધૂનમાં છે અને મમ્મીની વાત સાંભળી ન સાંભળી કરીને તેણે પોતાની શોધ ચાલુ રાખી હતી.

આખરે રમતા રમતા નિયતી ઘરનાં ઉપરનાં માળે ડ્રોઈંગરૂમમાં જઈ ચડી. છેલ્લા એકાદ અઠવાડિયાથી તેણે પોતાના મમ્મી-પપ્પા પાસે ડ્રોઈંગરૂમનો ઉલ્લેખ ઘણીવાર સાંભળેલો. મમ્મી-પપ્પાએ દિવાનખંડને સુશોભિત કરવાં માટે ઘણી લાંબી ચર્ચાઓ કરેલી અને તેનાં માટેનાં ઘણા આયોજનો કર્યા હતાં. આ આયોજનનાં ભાગરૂપે દિવાનખંડને આછા વાદળી રંગથી રંગવામાં આવ્યો હતો. હજી ત્રણ જ દિવસ પહેલા કલરનું કામ પુરૂ થયેલું અને ડ્રોઈંગરૂમમાં હજી રંગની કેરોસીન જેવી વાસ ઓસરી નહોતી. આખો રૂમ હજી ખાલી છે કારણ કે ત્યાં મુકવાના સોફા અને ટીવી સહિતનું અન્ય રાચરચિલું હજી બીજા ઓરડાઓમાં પડયું હતું અથવા તો નવું લાવવાનું હતું. ડ્રોઈંગરૂમની આકાશી અને કોરી દિવાલ જાણે નિયતીની કલ્પનાઓ સાકાર કરવાનું અવકાશ બની ગઈ.

નિયતીનાં નાનકડા હાથ આજે મોટા આકારો બનાવવા માટે થનગનવા લાગ્યા અને તેણે એક દિવાલ પાસે જઈને માર્કર પેનનું ઢાકણું ખોલ્યું. પછી એક પછી એક આડી-ઉભી, વાંકી-ત્રાસી, વળાંક અને કોણવાળી લિટીઓ દોરવાની શરૂઆત કરી. એક પછી એક આકારો તેણે બનાવેલી રેખાઓમાંથી ઉપસવા લાગ્યા. ઘર, પહાડ, સૂર્ય, વૃક્ષ, ચકલી, બેટ-બોલ, પેન, કાર, પતંગ, ભમરડો, સફરજન, મોબાઈલ, કોમ્પ્યુટર, લેમ્પ, મમ્મી-પપ્પાની કાર્ટૂન જેવી માનવઆકૃતિ સહિતના સંખ્યાબંધ આકારોએ નિર્જીવ દિવાલને જાણે નવચેતન આપી દીધું. ડ્રોઈંગરૂમને તે ચિત્રકામ કરવાં માટેનો રૂમ સમજતી હતી અને આજે તેણે દિવાનખંડને ખરેખર ડ્રોઈંગરૂમમાં ફેરવી નાખ્યો !

ચિત્રકામમાં તલ્લીન નિયતી પોતાની આ કાલ્પનિક દુનિયામાં વિહરતી હતી ત્યારે જ અચાનક તેના નાનકડા હ્ય્દય ઉપર ધ્રાસકો પાડી દેતો તમાચો તેના ગાલ ઉપર ચોંટી ગયો. તેના નરમ ગાલ ઉપર ભારેખમ હાથનાં ફડાકાથી લોહીનાં ટશીયા ઉપસી આવતાં ક્ષણભર જ લાગી. ભડકી ગયેલી નિયતીએ ઉચું ઉપાડીને જોયું તો મમ્મીની ગુસ્સાથી ધધખતી આંખે તેને ભયની ગર્તામાં ધકેલી દીધી. નિયતી કંઈની નાનકડી આંખમાંથી મોટા-મોટા આંસૂ નીકળવા લાગ્યા. અંજલિ જરા પણ શાંત પડયા વગર તાડુકી, ’ આ શું કર્યુ તે? માર ખાધાવગરની બગડતી જાય છે. કંઈ ભાન જેવી ચીજ છે? હજી બે દિવસ થયા નથી કલરને ત્યાં ડ્રોઈંગરૂમની દિવાલ ચિતરી મારી. આવવા દે તારા પપ્પાને.’ નિયતી ભયની મારી નિઃશબ્દ બની ઉભી રહી. તેની આંખ હજી પણ સુકાવાનું નામ લેતી નહોતી. નિઃસહાય બનેલી નિયતીને હવે ફક્ત એટલું સમજાતું હતું કે દિવાલ ઉપર ચિત્રો દોરીને તેણે કોઈ મોટી ભૂલ કરી નાખી છે. મમ્મી આજે પપ્પાને આ વાત કહેશે અને પછી પપ્પા પણ કદાચ તેને મારશે એવા ડરે તે ધ્રૂજવા લાગી. અંજલિએ ફરી બરાડો પાડયો, ’આજ તો તારી બુઘ્ધિ ઠેકાણે લાવી દેવી છે. તું ધીરી ખમ... અહીં જ પૂરી દેવી છે તારા પપ્પા આવે ત્યાં સુધી. ’ રાડારાડ કરીને અંજલિ રૂમની બહાર નીકળવા ઉતાવળે ચાલતી થઈ, નિયતીએ તેનો હાથ પકડવા પ્રયાસ કર્યો પણ મમ્મીએ તેને રૂમમાં જ ધકેલીને બારણું વાંસી દીધું.

હજી થોડીવાર પહેલા સુંદર લાગતો રૂમ નિયતીને હવે બિહામણો લાગવા માંડયો. એક ખુણામાં બેસીને ડુસકા ભરતી નિયતીને આજે પપ્પા તેનો વારો કાઢી નાખશે તેવી પાક્કી ખાતરી થઈ ગઈ હતી. મમ્મીનાં ગુસ્સા પરથી તેને અંદાજ આવી ગયો હતો કે હવે પપ્પાને મમ્મી કમ્પ્લેન કરશે એટલે તેને પનીશમેન્ટ મળશે. રડતા-રડતા તેને અચાનક ખ્યાલ આવ્યો કે જો મમ્મી-પપ્પાને શાંત પાડવા હોય તો દિવાલ તેણે જાતે જ ચોખ્ખી કરી નાખવી જોઈએ. હંમણા જ રંગકામ કર્યુ હોવાથી ઓરડામાં હજી બે-ચાર ગાભા પડયા હતાં. તેમાંથી એક લઈને તેણે પોતે કરેલા ચિત્રો ભૂંસવાનો પ્રયાસ કર્યો પણ માર્કર પણ જીદ્દી હતી તેનાથી બનેલા આકારો જાણે એ દિવાલો ઉપર કાયમી વસવાટ કરી ગયા હતાં.

નિયતીએ પોતાની બધી તાકાત લગાડીને દિવાલ સાફ કરવાનાં પ્રયાસ કર્યા પણ કંઈ વળ્યું નહીં. રૂમમાં પાણી નહોતું એટલે ગાભો પોતાના મોઢેથી થૂંકવાળો કરીને પણ તેણે ચિત્રો ભૂસવાનાં નાહક પ્રયાસ કર્યા. આમાં તેને કોઈ સફળતા ન મળી એટલે ડરથી તેનું રડવાનું વધ્યું. મોટેથી રડીને મમ્મી પાસે આજીજી કરી. પણ અંજલિએ દરવાજો ન ખોલ્યો તે ન જ ખોલ્યો. તેના માનસમાં અનેક પ્રકારની ભીતિઓ ભમતી હતી અને પપ્પાને સોરી કહેવા માટે ઘણું બધું તેણે વિચારી રાખ્યું. મમ્મીએ તેને માર્યુ હોવાની ફરિયાદ કરવાની સ્થિતિમાં તે નહોતી. ઉલટા હવે તેને પપ્પા મારશે તો શું થશે તેની જ ચિંતા સતાવતી હતી.

રડતી નિયતીને થોડીવાર પછી બહારથી અવાજ સંભળાયો અને તેને સમજ પડી ગઈ કે પપ્પાનું ઘરમાં આગમન થઈ ગયું છે. પારસે ઘરમાં પગ મુક્યો કે તરત જ અંજલિએ મોટા અવાજે કહ્યું કે ’જુઓ તમારી ગગીનાં કારસ્તાન... આજ તો તેને ટીચી નાખવાનું મન થાય છે. જાઓ... ઉપર અને જુઓ.’ પારસ ઉપરનાં માળે પહોચે ત્યાં સુધીમાં નિયતીનાં ધબકારા વધી ગયા હતાં અને મુંજારો તેની ચરમસીમાએ હતો. નિયતી પોતે દોરેલા ચિત્રો પાસે જ ઉભડક બેઠી હતી અને ત્યાં જ પપ્પાએ દરવાજો ખોલ્યો. તે અંદર આવ્યા. નિયતીની માસૂમ આંખમાં ભયનો ઓથાર જોયો અને કંઈ જ બોલ્યા વગર દરવાજો ખુલ્લો મુકીને પરત નીચે જતાં રહ્યા. નિયતી કંઈ સમજી નહીં અને તે સમજે તે પહેલા જ પપ્પા પાછા રૂમમાં આવ્યા. પારસ પોતાનો કેમેરા લઈને આવ્યો હતો. તેણે નિયતીને નરમ હાથે ઉભી કરી અને બાજુમાં પડેલી માર્કર તેના હાથમાં આપી અને વ્હાલથી કહ્યુ ’બેટા તું દોરતી હતી એવી રીતે અહીં ઉભી રહે તો તારા આ ચિત્ર પાસે.’ પપ્પાનાં અવાજની નરમાશ ભાંખીને નિયતી એટલું તો બોલી શકી કે ’પપ્પા સોરી... હવે નહીં કરૂં.’ પારસે તેને કંઈ નહીં બોલવાની સુચના આપતાં હાથમાં માર્કર લઈને ડ્રોઈંગ કરતી હોય તેમ ઉભા રહેવા કહ્યું. નિયતીએ પપ્પાની સુચનાનું પાલન કર્યુ અને પારસે પાછળથી એક ફોટો ખેચ્યો.

આકાશી રંગની દિવાલ ઉપર નિયતી ડ્રોઈંગ કરતી હોય તેવુ દ્રશ્ય કેમેરામાં કેદ થયું. પછી પારસ નિયતીને તેડીને નીચે લઈ ગયો અને પોતાના બેડરૂમમાં જઈને લેપટોપમાં અંજલિનું ફેસબૂક એકાઉન્ટ ખોલ્યું. જેમાં તેણે નિયતીનો નવો પાડેલો ફોટો ચડાવ્યો. અંજલિ રસોડામાં ઠામડા પછાળતી જમવાની થાળી તૈયાર કરતી હતી. તેનો ગુસ્સો હજી કાબુમાં નહોતો. બીજીબાજુ પારસ અને નિયતીએ અંજલિનાં એકાઉન્ટમાં ચડાવેલો ફોટો જોતજોતામાં જ લોકોની ભરપૂર પ્રશંસા મેળવવા લાગ્યો. લાઈકનો આંકડો થોડી જ વારમાં ૪૦૦થી ઉપર પહોંચી ગયો અને કોમેન્ટમાં અંજલિનાં મિત્રોએ ભરીભરીને નિયતીની આર્ટનાં વખાણ કર્યા. પારસે તરત જ અંજલિને રૂમમાં બોલાવી અને લેપટોપની સ્ક્રીન બતાવી....

પહેલા તો અંજલિને કંઈ સમજાયુ નહી પણ પછી અચાનક જ તેની આંખમાં ભીનાશ આવી ગઈ. તેણે વ્હાલભરી નજરે નિયતી સામે જોયું અને કાકલુદી કરતાં નિયતીએ મમ્મીને સોરી કહ્યું પણ હવે અંજલિથી પોતાનું રડવું રોકી ન શકાયું અને દિકરીને બથ ભરીને રડી પડી. તેને સમજાઈ ગયું હતું કે ઘરની દિવાલ સંતાન માટે ખીલવાનું આકાશ બનવું જોઈએ નહીં કે એ દિવાલમાં તેની સર્જકતા કેદ થઈ જવી જોઈએ....

***

૫ - ’બળાત્કાર’ની કબૂલાત

વર્ષોથી કોઈએ ખોલ્યો જ ન હોય અને નકામો ધૂંધવાતો હોય તેવા એક ઓરડાનો દરવાજો ખુલ્યો. સાવ ખાલીખમ એવા નાના ઓરડાને ચેતના મળી હોય તેમ દરવાજો ખુલવાનાં અવાજનો પણ નાનો પડઘો પડયો. પ્રકાશનાં શેરડાંએ તે ઓરડાની જર્જરિત દિવાલો, બાઝેલા કરોળિયાનાં જાળા અને ધૂળનાં થરને અજ્ઞાતવાસમાંથી ફરી એકવાર આ દુનિયાનો ભાગ બનાવી દીધા.

દરવાજો ખોલીને આવેલા એક સાધારણ કપડા પહેરેલા દૂબળા-પાતળા યુવાને અંદર પ્રવેશતા જ બારણાની બાજુમાં સ્વીચ બોર્ડ ઉપર હાથ લંબાવ્યો. એક પછી એક સ્વીચ ઓન-ઓફ કરતો ગયો અને એક સ્વીચ દબાવતાં પંખો કિચુડ-કિચુડ કરતો પોતાની ફરજ બજાવવા ઝઝૂમવા લાગ્યો. તેની ઉપર જામેલી ધૂળ ખરવા લાગી અને તેની હવાનાં કારણે જમીન ઉપરની ધૂળ પણ સ્હેજ ઉડી. જો કે આવી ગંદી જગ્યાનો ચિરપરિચિત અનુભવ ધરાવતો હોય તેમ આવેલો યુવાન આ ધૂળને ગણકારતો નથી. દરવાજો ખોલ્યા પછી તે ઓરડાની એકમાત્ર બારી ખોલે છે. ઘણાં સમયથી ખુલી ન હોવાના કારણે સજ્જડ બનેલી એ બારીને પોતાની પુરી તાકાત લગાડયા પછી એ ખોલી શક્યો.

આટલું કર્યા પછી તે થોડા ઉતાવળા પગલે ફરી રૂમની બહાર નીકળ્યો અને બહાર રાખેલી એક ખુરશી અને લાકડાનું ટેબલ અંદર ખેંચી લાવ્યો. ખુરશીને તેણે સામેની સાવ કોરી દિવાલ પાસે ગોઠવી અને પછી ટેબલને તેનાથી પાંચ-છ ફૂટનાં અંતરે એકદમ સામે મુક્યું. આટલું કર્યા પછી પોતાના ખિસ્સામાંથી તેણે હાલમાં જ ખરીદેલો સેકન્ડહેન્ડ સ્માર્ટ ફોન કાઢ્‌યો પછી આમતેમ જોયું. પણ ઓરડામાં કંઈ તેના ઉપયોગનું ધ્યાને ન આવ્યું. ફરી તે બહાર નીકળી ગયો. લાંબા સમયે કોઈ આવ્યું હોવાથી ઓરડો પણ તેની પરત આવવાની વાટમાં હોય તેમ લાગતું હતું. થોડીવારમાં એ પાછો આવ્યો અને આ વખતે તેના હાથમાં એક ઈંટ હતી. ઈંટ તેણે લાકડાનાં ટેબલ ઉપર ગોઠવી અને પછી પોતાના મોબાઈલમાં કેમેરા ચાલુ કરીને ઈંટનાં ટેકે ગોઠવ્યો. જેથી સામેની ખુરશી તેમાં ઝીલાય જાય.બે-ચાર ક્ષણ તેણે આ વિડીયો શૂટ કર્યો અને પછી ફોન ફરીથી પોતાના હાથમાં લઈને તેણે એ વિડીયો જોયો. એ શૂટિંગ તેને બરાબર લાગ્યું. તે ફોન પોતાના હાથમાં જ રાખીને ઓરડાનાં બારણે ગયો અને તેને વાંસી દીધું. હવે ઓરડામાં બારીમાંથી આવતાં પ્રકાશનાં કિરણો સીધા ખુરશી ઉપર પડતાં હતાં. અનાયાસે કોઈ કલાસૂઝ ધરાવતી વ્યક્તિએ આ ગોઠવણ કરી હોય તેવું લાગતું હતું. ફરી મોબાઈલ ફોનમાં વિડીયો કેમેરા ઓન કરીને તેણે ખુરશી કેમેરામાં બરાબર કેદ થાય તેવી રીતે ઈંટનાં ટેકે મોબાઈલને ગોઠવ્યો.

હવે તે કોઈ ઉતાવળમાં ન હોય એવી રીતે ખુરશી પાસે ગયો અને તેના ઉપર બેઠો. કેમેરામાં તેનો આછી દાઢી ઉગેલો અને થાકેલો - નિસ્તજ ચહેરો કેદ થવા લાગ્યો. બારીમાંથી આવતો પ્રકાશ તેના ચહેરાની જમણીબાજુ પ્રકાશિત કરતો હતો અને ડાબીબાજુ છાયામાં દબાતી હતી. એક ઉંડો શ્વાસ ખંચીને તે પોતાના ભારે અવાજમાં બોલવાની શરૂઆત કરે છે.

’હવે... એ સમય આવી ગયો છે જ્યારે કદાચ બધા લોકો મારા ઉપર વિર્શ્વાસ, ભરોસો કરી શકશે. કારણ કે હવે મારી વાત નહીં માનવાનું કોઈ કારણ લોકો પાસે બચ્યું નહીં હોય.’ તેના ચહેરા ઉપર કોઈ જ ભાવ નથી.

’ મારૂં નામ સત્યેન અમરશી... મારા નામથી પરિચિત હશો !’ આટલું બોલીને તેના હોઠ એક તરફ ખેંચાઈને ભેદી સ્મિત આપતાં ગયા. તેણે આગળ બોલવાનું ચાલું રાખ્યું. ’ મેં હવે ગુનાની સજા કાપી લીધી છે એટલે મારી પાસે ખોટું બોલવાનું હવે કોઈ કારણ છે નહીં. એટલે હું સત્ય જ બોલીશ અને તમારે લોકોએ પણ માનવું પડશે કે અત્યારે હું જે બોલી રહ્યો છું એ જ સત્ય છે.’ તેની તેજહીન આખમાં મક્કમતા હતી.

’ જેને બધાં લોકોએ બળાત્કાર સમજ્યો અને માન્યો તે વાસ્તવમાં બળાત્કાર ન હતો. હા, તેનો મતલબ એવો નથી કે કશું જ બન્યું ન હતું. પરંતુ, જે બન્યુ એ બધું જ બન્નેની મરજી, સહમતીથી થયેલું.

...પણ કદાચ તેની કોઈ મજબૂરી રહી હશે. જેના કારણે જ એના પરિવારે કરેલી બળાત્કારની ફરિયાદમાં તેણે પણ સૂર પુરાવી દીધો. જો કે તેની એ મજબૂરીનાં કારણે પોલીસ... કોર્ટ... સમાજ અને ત્યાં સુધી કે મારો પરિવાર પણ લાચાર બની ગયો. મજબૂર થઈ ગયો.

આ ફરિયાદ પછી પોલીસે મને પકડયો, મીડિયાએ મારા કપડા ફાડયા, ઉતાર્યા... સમાજે બળાત્કાર ગુજાર્યો અને કોર્ટે સજા સંભળાવી...’ સત્યેનની આંખમાંથી અસહ્ય પીડા સાથે ઝળઝળીયા આંસૂ બની ગાલને ખરડી ગયા... તેણે હાથથી એ અશ્રુધાર લૂછીને પોતાની વાત આગળ ચલાવી...

’ હવે હું જેલમાંથી બહાર આવી ગયો છું અને કહે છે કે મારી સજા પુરી થઈ ગઈ.’ તેનાં દાંત ભીંસાઈ ગયા એવી ખીજ તેનો ચહેરો છુપાવી ન શક્યો. ’ પણ... મારૂં કહેવું અને માનવું છે કે એક જેલમાંથી બહાર નીકળીને હું બહાર ખુલ્લી જેલમાં બંદી બની ગયો છું... અને મારી સજા હજી ખતમ નથી થઈ.’

’ મારા પરિવારે મને બેદખલ કરી નાખ્યો છે અને હવે તેઓ તો મારૂં મોઢું પણ જોવા માગતાં નથી, નોકરી પણ નથી અને કોઈ રાખવા પણ તૈયાર થશે કે કેમ? એ સવાલ છે. મારા પોતાના મિત્રો હવે મારી સાથે વાત કરવામાં મારી પડખે ઉભા રહેવામાં પણ ધિક્કાર, શરમ અનુભવે છે. મારા જાણીતા લોકો જ હવે મારી સામે અજાણ બની જુએ છે અને ભૂલેચુકે મારી સામે મંડાયેલી એમની નજર મારામાં એક ગુનેગારને જ જુએ છે... તો કેવી રીતે કહું કે મારી સજા પુરી થઈ ? તમે પણ કેવી રીતે કહી શકો કે મારી સજા પુરી થઈ? વાસ્તવમાં એક સજા પૂરી થઈ અને હવે બીજીની શરૂઆત થઈ. પહેલી સજા દસ વરસ ચાલી અને હવે આ નવી સજા કદાચ મારા મોત સાથે પુરી થશે.’ પોતાનામાં ધરબાયેલો જ્વાળામુખી આજે માંડમાંડ ફાટ્‌યો હોય તેમ બેદરકારીથી શબ્દોરૂપી લાવારસ વહેવાનું આગળ ચાલું રહે છે.

’ હું માનું છું કે બળાત્કારની સજા ફાંસી જ હોવી જોઈએ. પરંતુ આ મોતની સજા કાયદા થકી હોવી જોઈએ. જો મને આવો કાનૂની મૃત્યુદંડ ફટકારાયો હોત તો આજે મને ખ્યાલ હોત કે હું ક્યારે મરવાનો છું... ક્યારે આમાંથી છૂટવાનો છું. આ બહારની જેલમાં પણ મને તો સજા-એ-મૌત જ મળેલી છે પણ હું ક્યારે મરીશ તેની મને ખબર નથી.

આ સાંભળ્યા પછી તમને મારા ઉપર ભરોસો બેસે તો તમને લાગશે કે અરે, આ કેસ તો બળાત્કારનો છે જ નહીં. જો તમે આવું માનો કે તમે આવું વિચારો તો એ તમારી ભૂલ હશે. કારણ કે બળાત્કાર તો થયો જ હતો... બળાત્કાર તો થઈ જ રહ્યો અને હજી ય કદાચ આગળ બળાત્કાર ચાલું જ રહેશે... મારી સાથે’

આટલું બોલીને સત્યેન જાણે પોતાની અંદરની બધી આગ ઓકીને હળવો થઈ ગયો... તે ભાંગી પડયો. તેનો આક્રોશ હવે આક્રંદમાં ફેરવાઈ ગયો. થોડીવાર તે પોતાનું માથું પકડીને રડયો અને પછી પોતાની જાતને સંભાળીને ઉભો થયો. સામેનાં ટેબલ પાસે જઈને ફોન પોતાનાં હાથમાં લીધો અને કેમેરા બંધ કરીને પોતાનો વિડીયો જોયો...

સૌપ્રથમ પોતાના ફોનમાં સેવ કરેલા થોડા નંબરોમાંથી સત્યેને એક નંબર શોધ્યો. જેના ઉપર બળાત્કારનાં આરોપમાં પોતાને સજા થઈ હતી તે નંબર ઉપર આ વિડીયો વોટ્‌સએપથી સેન્ડ કર્યો... નસીબજોગ એ ફોન નંબર હજી પણ એ યુવતી પાસે જ હતો. તે આ વિડીયો જુએ છે. આટલા વર્ષો બાદ ફરી તેની સામે પોતાના જૂઠ અને પાપ આવીને પોકારતા હતાં. તેની અંદર પર્શ્ચાતાપનાં ભાવ જાગે છે પણ હવે તેનાથી કંઈ જ થઈ શકે તેમ નથી. આમછતાં સત્યેનનો અવાજ લોકો સુધી પહોંચાડવા આ વિડીયો તે યુટ્‌યુબ અને ફેસબૂકમાં ચડાવી દે છે... જેમાં આ વિડીયો વાયરલ બની જાય ગયો... બીજીબાજુ સત્યેને જેટલા પણ નંબર ઉપર આ વિડીયો મોકલ્યો ત્યાંથી તે આગળને આગળ વહેતો થવા લાગ્યો.

***

૬ - મારૂં મર્ડર

લગભગ એકાદ કલાકથી મારી લાશ હાઈવેથી થોડે ઉંડે ઝાડીઝાંખરામાં પડી હતી પણ હજી સુધી કોઈનું ધ્યાન તેના ઉપર પડયું નથી. વહેલી સવાર હોવાથી હાઈવે ઉપરની અવરજવર પણ ધીમી હતી. જો કે મારૂ નીર્જીવ શરીર એવી જગ્યાએ પડયું હતું જ્યા નજીકથી જ એક પગદંડી નીકળતી હતી. એટલે કોઈ ખેતમજૂર કે માલધારી ત્યાંથી નીકળે તો તેનું ધ્યાન મૃતદેહ ઉપર અચૂક પડી જાય તેમ હતું. થયું પણ એવું જ. માખીઓનાં બણબણ અને જીવજંતુઓની ચડઉતરમાં લાશ પડી હતી ત્યાં જ એક કિશોરવયનો છોકરો ત્યાંથી પસાર થયો. તેના હાથમાં પાણીનું ડબલું હતું. કદાચ હાજતે જતો હતો. જે જગ્યાએ લાશ પડી હતી, ત્યાંથી નીકળનારનું ધ્યાન તેના ઉપર ન પડે તો જ નવાઈ હતી. આમ એ કિશોરનું ધ્યાન પણ તેના ઉપર પડી ગયું. તેની આંખો પહોળી થઈ ગઈ અને તે ત્યાંથી દોડીને પરત નાઠો. તે નજીકની એક હાઈવે હોટેલમાં કામ કરતો હતો અને પોતાના હોટલનાં માલિક સહિત કેટલાક લોકોને લઈ પરત આવ્યો. થોડીવાર થઈ ત્યાં તો આસપાસમાં આ લાશની વાત વાયુવેગે પ્રસરી ગઈ અને લોકોનું સારૂં એવું ટોળું મને જોવા એકઠું થવા લાગ્યું. અહીં આવ્યા પછી હોટલનાં માલિકે પોલીસને ફોન જોડીને લાશની જાણ કરી. પોલીસે ફોન ઉપર આપેલી સુચના મુજબ હોટલ માલિકે ત્યાં એકત્ર થયેલા લોકોને મૃતદેહથી અંતર રાખીને ઉભા રાખ્યા. અડધો કલાક જેટલો સમય વીત્યો હશે ત્યાં પોલીસની ગાડી આવી પહોંચી.

ખાઈબદેલો લાગતો જમાદાર જીતુભા પોતાના બે ત્રણ સાથીદારો સાથે રોફ જમાવતાં લાશની નજીક આવ્યો અને લાશની ફરતે ચક્કર લગાવ્યું. મારા પેટમાં ખુંચેલું ચાકુંને ધ્યાને રાખીને તેણે પોતાના ઉપરી એએસપી જી.કે.વેગડાને મોબાઈલ જોડયો. જીતુભાએ ફોનમાં કહ્યું, ’સાહેબ હાઈવે ઉપર હોટલ હરિયાળી પાસે એક લાશ મળી છે. મર્ડરનો કેસ છે. તમારે આવવું પડશે.’ જીતુભાએ ફોન કર્યા પછી વીસ પચ્ચીસ મિનીટે વેગડા સાહેબ ત્યાં પહોંચ્યા. આ દરમિયાન જીતુભાએ પોતાના સાથીદારો સાથે મળીને ભીડને દૂર ખસેડી લીધી હતી અને મારી લાશને સૌથી પહેલા જોનાર છોકરા રઘુને પણ સામાન્ય સવાલો કરી લીધાં હતાં. જેમાં તેને જાણવા મળ્યું કે રઘુએ લાશ જોયા પછી પોતાના શેઠ શામજીને જઈને જાણ કરી હતી અને તેણે જ પોલીસ બોલાવેલી.

વેગડાએ આવતાં વેંત સ્થળની આસપાસનાં વિસ્તારમાં ખૂણેખૂણો ફંફોળી લેવાની સુચના પોતાના નીચલા પોલીસકર્મીઓને આપી. લગભગ બે-ત્રણ કલાક સુધી ત્યાં આસપાસમાં શોધખોળ ચાલતી રહી પણ કોઈને કશું જ હાથ લાગ્યું નહીં. બીજીબાજુ વેગડાએ પોતાની સાથે આવેલા ફોટોગ્રાફર પાસે લાશની ચોતરફી તસ્વીરો લેવડાવી લીધેલી અને મારા ગજવા ફંફોળીને તેમાંથી મારો બટવો કાઢીને મારી ઓળખ કરી લીધી હતી. મારા ડરાઈવીંગ લાયસન્સ થકી તેને જાણવા મળ્યું હતું કે મારૂં નામ રશ્મીન રામાણી છે. તેણે મારા ખિસ્સામાંથી ફોન પણ કાઢ્‌યો અને તેમાં કોલ રજીસ્ટરથી માંડીને ઘણા ખાંખાખોળા કર્યા. કોન્ટેક્ટની યાદીમાંથી તેને મારા ઘરનો નંબર આસાનીથી મળી ગયો. કારણ કે મે મારી પત્ની હીનાનો નંબર હોમ નામે સેવ કરેલો હતો. તેણે એ નંબર ઉપર મારાં મૃત્યુની જાણ કરી અને ઓચિંતા આવેલા આંચકાથી હતપ્રભ મારી પત્નીએ ફોન ઉપર જ કલ્પાંત કર્યો. વેગડાએ ઘટનાસ્થળની જાણ કરી એટલે બેબાકળી હીનાએ તરત જ ફોન કાપી નાખ્યો અને અમારા અન્ય સગાવ્હાલાઓને ફોન કરીને સ્થળ ઉપર પહોંચવા રવાના થઈ ગઈ. આ દરમિયાન રઘુ અને શામજી ઉપરાંત બીજા લોકોની પૂછપરછ પણ વેગડાએ હાથ ધરી હતી. કોઈએ કંઈ અસામાન્ય જોયું હોય તો તેની જાણકારી મેળવવાના પ્રયત્નો તેણે કર્યા. જો કે આમાં તેને નિષ્ફળતા જ મળી. તેણે ફોરેન્સિક નિષ્ણાંત ઉપરાંત એમ્બ્યુલન્સ પણ બોલાવી લીધી હતી. ફોરેન્સિક અધિકારીએ ત્યાં પહોંચ્યા પછી સાવધાની પુર્વક મારા પેટમાં ખુંચેલું ચાકુ બહાર કાઢ્‌યું અને તેના ઉપર કોઈનાં ફિંગરપ્રિન્ટ હોય તો એ ભૂંસાય નહીં તેની ખાસ કાળજી લીધી.

ઘટનાસ્થળે મારા સગાસંબંધીમાંથી હીના અને મારો અત્યંત અંગત મિત્ર રાહીલ સૌથી પહેલા આવી પહોચ્યા હતાં. હીનાએ મને જોતાં વેત પોક મૂકીને કલ્પાંત કર્યુ હતું અને રાહીલની આંખમાં પણ ઝળઝળીયા હતાં. તે હીનાને શાંત પાડવાના પ્રયાસો કરતો હતો. પોલીસે બન્નેને થોડે દૂર મોકલી મારા મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી. જેવી મારી લાશ ખસેડવામાં આવી કે તરત જ વેગડાની આંખોમાં સ્હેજ ચમક આવી ગઈ. મારી લાશની નીચેથી એક મોબાઈલ તેને મળી આવ્યો. તેણે એ ફોન તરત જ ગજવામાં નાખીને મારી લાશ સાથે સરકારી હોસ્પિટલ ભણી ચાલતી પકડી. ઘટનાસ્થળને કોર્ડન કરી ત્યાં બે ચાર પોલીસ ડોગસ્કવોડ સાથે તપાસ કરતાં રહ્યા. જેમાં તેમને એક રબ્બરના હાથમોજા મળી આવેલા.

વેગડા અને મારી પત્ની સહિતનો આખો કાફલો લાશ લઈને હોસ્પિટલ પહોંચી ગયો જ્યા અગાઉથી મારા ઘણા સગાઓ મારી વાટ જોઈ રહ્યા હતાં. જો કે તે કોઈને મારૂં મોઢું જોવા મળ્યું નહીં. પત્રકારો અને ફોટોગ્રાફરોનાં ઉતરી આવેલા ધાડા પણ ફક્ત દૂરથી ભીડનાં જ ફોટા મેળવી શક્યા. મને થોડી જ વારમાં ઓપરેશનનાં ટેબલ ઉપર ગોઠવી દેવાયો અને મારી લાશ ઉપર તબીબી ચીરફાડ થઈ. પોસ્ટમોર્ટમમાં બહાર આવ્યું કે મારા શરીરમાં ઓછા પ્રમાણમાં ઝેર હતું. કદાચ તેનાથી મૃત્યુ ન પામતા મને છરીનાં ઘા ઝીંકીને ખતમ કરાયો હોવાનાં તારણ ઉપર તબીબો આવેલા. લગભગ સવારે સાડા છ વાગ્યાનાં અરસામાં મારૂ મૃત્યું થયું હોવાનું પણ ડૉક્ટરોએ પોલીસને જણાવેલું.

મોડી રાત્રે મારી અંતિમક્રિયા પછી બીજા દિવસે મારા ઘરે જ ઉઠમણું ગોઠવાયું હતું. મારા મા-બાપ સદંતર અભાન જેવા, રોઈરોઈને અડધા થઈ ગયેલા. મારી પત્નીની આંખમાં પણ આંસૂ હતાં. મારા મોટા મિત્રવર્તુળમાંથી આવેલા સંખ્યાબંધ લોકોને મારો મિત્ર રાહીલ સાચવી રહ્યો હતો. ત્યારે જ બધાને આચકો આપતાં વેગડા સહિતની આખી પોલીસ ટીમ ત્યાં આવી પહોંચી. આવતાં વેંત જ તેમણે સીધો રાહીલનો કાંઠલો ઝાલી લીધો. ઉપસ્થિત સમુહ સ્તબ્ધ રહી ગયો અને પોલીસ તેને ઉઠાવી ગઈ !

રાહીલ વિરૂદ્ધ મારી હત્યાનાં નક્કર પુરાવાઓ મળ્યા હતાં પોલીસને. ચોકીએ જતાં વેંત સૌપ્રથમ તો રાહીલનાં ફિંગરપ્રિન્ટ લેવાયા હતાં. વાસ્તવમાં મારી લાશ નીચેથી મળેલો ફોન રાહીલનો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું એટલે જ પોલીસે તેને ઝડપી લીધેલો. લાંબી પુછપરછ દરમિયાન રાહીલ સતત પોતે હત્યા કરી હોવાનું નકારતો રહેલો પણ પોલીસ તેની પાસે કબૂલાત માટે બળજબરી ઉપર ઉતરતી જતી હતી. તેની ધોલધપાટ ચાલતી હતી ત્યારે જ ફિંગરપ્રિન્ટનો રીપોર્ટ પણ આવી ગયો અને પછી તો પોલીસ બેફામ બની ગઈ કારણ કે ફિંગરપ્રિન્ટ મેચ થઈ ગયા હતાં. જો કે રાહીલ હજી પણ તૂટવાનું નામ લેતો ન હતો.

બીજા દિવસે છાપાઓમાં પણ મારી હત્યાનો ભેદ અમુક કલાકમાં જ ઉકેલાઈ ગયો હોવાનાં સમાચારો છવાઈ ગયા હતાં. જો કે મારી પત્ની આ સમાચારથી અકળાઈ ગઈ. આખરે તે પોતાની આબરૂ નેવે મુકીને પોલીસ સમક્ષ હાજર થઈ અને રાહીલનાં બચાવમાં પોલીસ સામે અનેક ખુલાસા કરવા લાગી. જો કે રાહીલ સાથે તેના આડાસંબંધની જાણ થયા પછી પણ મારી હત્યા રાહીલે ન કરી હોવાનું પોલીસને માનવામાં આવતું ન હતું.

આખરે રાહીલે આપેલા એક ખુલાસાથી પોલીસને રાહીલ ઉપરની શંકા નબળી પડી. રાહીલે પોતાનો ફોન ગુમ થયો હોવાની પોલીસ ફરિયાદ બે દિવસ પહેલા જ કરી હતી. આટલું જ નહીં તેણે હત્યાનાં સમયે પોતે જ્યા ભાડેથી એકલો રહે છે તેવા પોતાના ઘેર જ હોવાનો પણ પુરાવો આપેલો. રાહીલને સવારે બ્રશ કરતાં અગાસીમાં ચક્કર મારવાની આદત હતી અને આ દરમિયાન તેણે એકાદ કલાક સુધી હીના સાથે જ પોતાના નવા ફોન અને નવા નંબર ઉપરથી વાત કરી હતી. ત્યારે તેના મકાન માલીકે તેને ત્યાં જોયેલો પણ ખરો. પોલીસે તેના નવા ફોન અને હીનાનાં નંબરનાં રકોર્ડ તપાસ્યા અને રાહીલનું ફોન લોકેશન પણ ચેક કર્યુ. બન્નેની વાતમાં પોલીસને તથ્ય જણાયું. તો પછી મારી હત્યા કરી કોણે? પોલીસ ગોટાળે ચડી ગઈ.

પોલીસને હવે કદાચ આ હત્યાનો ભેદ ઉકેલવો ભારે કઠિન બની જશે. કારણ કે મારી હત્યા મેં પોતે જ કરેલી. હીના અને રાહીલ વચ્ચેનાં પ્રેમ અને શરીર સંબંધનો ભાંડો ફૂટી ગયા બાદ હું ભાંગી ગયો હતો. હીનાને દિલોજાન ચાહી અને તેણે જ મને દગો દીધો. મારા જીગરજાન દોસ્તે મારી પીઠમાં ખંજર ભોંક્યું. એટલે મે જીંદગીનો અંત આણ્‌યો અને સાથોસાથ રાહીલની પણ જીંદગી આણી નાખવા કારસો કર્યો. તેનાં ઘરેથી જ મે તેનો ફોન અને તે વાપરતો એ છરી ચોરી કરી લીધેલી. હત્યાની સવારે હું હાઈવે ગયો અને મારા જ પેટમાં જનૂનભેર છરી ભોંકી દીધી. જો કે એ છરી ઉપરથી રાહીલની આંગળીઓની છાપ ભૂંસાય નહીં તેના માટે મે રબ્બરનાં મોજા વાપરેલા. જે મરતાં પહેલા મે ત્યાં જ ક્યાક ફેંકી દીધેલા.

જો કે પોસ્ટમોર્ટમમાં મારા લોહીમાંથી ઝેર કેવી રીતે મળ્યું? તેની મને પણ કંઈ ખબર નથી. વહેલી સવારે હું ઘરેથી નીકળ્યો ત્યારે મેં માત્ર મારી પત્નીનાં હાથ બનાવેલી ચા જ પીધી હતી !! કદાચ તેણે જ... કદાચ હીના અને રાહીલ ઈચ્છતા હતાં એ મારૂં મર્ડર મેં જાતે જ કરી નાખ્યું...

***

૭ - મોબાઈલ ચોરી

એક સ્ત્રી હોવાથી વિશેષ કોઈ ખાસ સુંદરતા નહીં ધરાવતી, ખુબ જ સાધારણ જીંદગી જીવવા ટેવાયેલી નૈના માટે આજનો દિવસ પણ હંમેશાની માફક સામાન્ય હતો. પોતાની કાર લઈને ઓફિસ પહોંચી અને બે-ચાર વ્યક્તિઓ સામે ફક્ત કેઝ્‌યુઅલ હળવા સ્મિતની આપલે કરતાં તે પોતાના ક્યુબમાં જઈને ખુરશી ઉપર થોડી આરામથી બેઠી. સ્ટાફનાં અન્ય લોકો સાથે વધુ કોઈ સરોકાર ન રાખતી હોય તેમ તે ઓફિસમાં પ્રવેશી ત્યારે અન્યોએ પણ તેનાં આગમન કે હાજરીની વિશેષ નોંધ લીધી નહી. પોતે સ્ટાફમાં સૌથી વધુ આર્થિક સંપન્ન હતી અને નોકરી તેના માટે માત્રને માત્ર વ્યસ્ત રહેવાનું એક બહાનું માત્ર હતી. આમછતાં તેનાં વસ્ત્ર પરિધાનથી માંડીને શોખ અસાધારણ રીતે ખુબ જ સાધારણ રહેતાં. ખુબ જ ઓછા લોકો સાથે ભળવું અને ઓછું બોલવું તેની તાસીરનો એક ભાગ બની ગયો હતો. ઓફિસમાં કામ સીવાયનાં સમયમાં પોતાની એકલતા સાથે વાતો કરવી અને દિકરીએ બે વર્ષ પહેલા જન્મદિવસે ભેટમાં આપેલા કિંમતી સ્માર્ટફોનમાં માતૃભારતી એપ ઉપર વાંચન કરતાં રહેવું તેનો ક્રમ બની ગયેલો.

હંમેશાની માફક આજે પણ પોતાનું પર્સ ટેબલ ઉપર એક ખુણામાં મુકતા પહેલા તેમાંથી પોતાનો ફોન કાઢીને કોમ્પ્યુટરની બાજુમાં રાખી તેણે આજનાં કામનાં શ્રીગણેશ કર્યા. હજી તો તેનો જીવ કામમાં પરોવાય તે પહેલા જ દસ-પંદર દિવસ પહેલા નવા-નવા નોકરીએ લાગેલા નિત્યનું આગમન થયું. ખુબ જ ગરીબીમાં ઉછરેલો અને અત્યંત સાધારણ દેખાતો આ યુવાન હજી ઓફિસમાં નવો હોવાનાં કારણે સહકર્મીઓ તેનાથી અંતર રાખતાં હોય તેવું લાગતું હતું. બોલકો અને મળતાવડો નિત્ય બધાં સાથે હળીમળી જવાનાં તમામ પ્રયાસો કરી ચુકેલો પણ સામેના લોકોએ તેને હજી સુધી મચક આપી ન હતી, ભાવ આપ્યો ન હતો. એટલે તે આ ઓફિસમાં થોડું અસહજ અનુભવતો હતો. જો કે તેની નોકરીનાં પહેલા એક-બે દિવસમાં નૈનાએ તેને અન્ય લોકો કરતાં પ્રમાણમાં સારો અને પોતાનાં સ્વભાવ અનુસાર યથાશક્તિ, છતાં સારો પ્રતિભાવ આપેલો એટલે અવાર-નવાર પોતાની નવરાશમાં તે નૈના પાસે આવી જતો. ત્રણ-ચાર દહાડા નૈનાએ આ સાહજિક ગણ્‌યું પણ નિત્યનો આ ક્રમ નિત્યક્રમ બનવા લાગતાં નૈનાને આમાં અકળામણ થવા લાગેલી. આટલાં વર્ષની નોકરીમાં તેના બાજુમાં ભાગ્યે જ કોઈ આવી રીતે આવીને ગામ ગપાટા મારતું. વળી, પોતાની પ્રાઈવસી પણ નૈનાને છીનવાતી હોવાનું લાગવા લાગ્યું હતું.

ઓફિસનાં અમુક લોકોને બાદ કરતાં નૈના સહિત બધાને સામેથી ગુડમોર્નિગ કરતો કરતો નિત્ય પોતાના ટેબલ ઉપર કામે લાગી ગયો. નૈના પણ પોતાના કામમાં પરોવાઈ ગઈ હતી. આખી ઓફિસમાં લાયબ્રેરી જેવી શાંતિ પ્રસરી ગયેલી. એકાદ કલાકનો સમય પસાર થયો હશે ત્યાં જ નૈનાને સ્હેજ અચંબો પમાડે તેવી રીતે નિત્ય તેની પાસે ધસી આવ્યો.

’કેમ છો નૈના બેન?’

આજે પણ આ વ્યક્તિ સમય ખોટી કરશે અને પછી ફુરસદ નહીં મળે એટલે પોતાનું વાંચન નહીં થઈ શકવાનાં ડર સાથે નૈનાએ તેના ઉપર વધુ ધ્યાન નહીં આપતાં કહ્યું ’ફાઈન... આપને કામમાંથી નવરાશ પણ મળી ગઈ?’ નૈનાએ પોતાનું કામ ચાલું રાખીને એવું ધાર્યુ હતું કે નિત્ય ત્યાંથી રવાના થશે પણ તેની આ ધારણા રોજની માફક ખોટી પાડતાં નિત્ય આવીને નૈનાની બાજુની ખુરશીમાં ગોઠવાઈ જતાં બોલ્યો ’કામ તો થોડું બાકી છે પણ થયું થોડી ફ્રેશનેસ પણ જરૂરી છે.’

નૈના પોતાના સ્વભાવ અનુસાર વધુ કોઈ પ્રતિક્રિયા નથી આપતી પણ નિત્યનું બકબક શરૂ થઈ જાય છે. ’આજે તો સવાર-સવારમાં ખુબ જ હેરાન થયો. પંચર પડયું, બે કિલોમીટર સ્કૂટર દોરવ્યું ત્યારે મારો મેળ પડયો. સારૂં છે તમારી જેમ કાર નથી નહીંતર ધક્કો મારીને હું ક્યારે પહોંચું?’ આટલું બોલીને તે મોટેથી હસ્યો. જો કે નૈનાએ તેના મોટા અવાજથી અન્ય લોકોને કામમાં ખલેલ પડી શકે તે મતલબથી આજુબાજુ જોતાં નિત્ય હાસ્ય અટકાવે છે અને ટેબલ ઉપર રહેલા સ્માર્ટફોન સામે જોતા આગળ કહે છે, ’નૈના બેન તમારા જેવો જ ફોન ક્યારેક મારે પણ લેવો છે. આમાં મસ્ત ગેમ્સ ચાલે ને ! મને તો બાળપણમાં કોઈ ગેઈમ મળી નથી. હવે શોખ પુરા કરીશ.’ આટલું બોલીને તે નૈનાને પુછ્‌યાવગર ફોન પોતાના હાથમાં લઈને ફંફોળવા લાગે છે. અગાઉ લગભગ છ-સાત વખત આવું બની ગયેલું. નૈનાબેને પોતાની નાખૂશી છતાં તેને હજી સુધી આવી રીતે ફોન નહીં અડકવા ટોકેલો નહીં. પરંતુ રોજ આવી રીતે આવીને ઘરોબો કેળવવાનાં પ્રયાસ કરનાર અને પોતાનાં ફોનમાં રમત કરવાં લાગતાં નિત્યથી હવે તે બરાબર ચીડાતી હતી અને નિત્યનાં નિકટતા વધારવાનાં પ્રયાસો પણ નૈનાને અસહજ લાગતા હતાં. ગુસ્સો પણ આવતો. જે અત્યાર સુધી નૈનાએ દબાવી રાખેલો.

’મારે ખરેખર ખુબ જ કામ છે’ કહીને નૈનાએ નિત્યને ત્યાંથી રવાના થવા મોઘમ કહ્યું. નિત્ય પણ સમજદારી દેખાડતાં ત્યાંથી જતો રહ્યો. વધુ એકાદ કલાક પસાર થઈ ગયો. આ દરમિયાન પણ નિત્ય બે વાર નૈના નજીક આમતેમ ચક્કર મારી ગયેલો. નૈનાને હવે પોતાના કામમાં ઘણી રાહત થઈ ગઈ હતી. તેની કામની ઝડપ પણ હવે ઉતાવળી નહોતી. ત્યાં ફરીથી નિત્ય આવી પહોંચ્યો. ’નૈનાબેન, ચાલો ચા પીવા જઈએ.’ નૈના હંમેશા એકલી જ ચા પીવા જતી. ઓફિસ જે બહુમાળીમાં હતી તેની સામે જ બરાબર ચાની કિટલી હતી. જે ચાવાળો નૈનાની પસંદનો મોળો ટેસ્ટ સ્પેશિયલ બનાવી આપતો. છેલ્લા થોડા દિવસોમાં એકાદ બે-વાર નૈનાએ નિત્યને ચા પીવામાં કંપની આપેલી. ત્યારે નૈનાએ નિત્યને ચાનાં પૈસા આપવા દીધા ન હતાં. નૈનાને પણ હવે ચા પીવાની ઈચ્છા તો હતી જ. આની સાથોસાથ નિત્યનો રોજીંદો વ્યવહાર પોતાને માફક ન હોવાનું મોકો મળ્યે કહેવાનું તેણે નક્કી કરી રાખેલું. એટલે તે હકારાત્મક ભાવે ઉભી થઈ.

’નૈનાબેન... આજે પૈસા આપવાનો વારો મારો. રોજેરોજ તમે આપો તે મને સારૂં નથી લાગતું. ભલે હું તમારી જેમ સુખી નથી પણ ચા તો મને પણ પોસાય.’ ઓફિસમાંથી નીકળતાં વેત નિત્યની વાતો શરૂ થઈ ગઈ. ચાની કિટલીએ પહોંચતા સુધીમાં નિત્ય ઘણી બધી વાતો કરતો જાય છે. નૈના તેની આ વાતો સાંભળી-ન સાંભળી કરતી રહી. નૈનાને આવેલી જોઈને ચાવાળો તેની સ્પેશિયલ ચા બનાવવા લાગે છે અને હંમણા જ ચા પહોંચાડવાનો જવાબ માત્ર હાવભાવથી આપી દે છે. ત્યાં રાખવામાં આવેલી ખુરશી ઉપર બેઠા પછી ચા આવે તે પહેલા નૈના શક્ય તેટલાં ગળપણ સાથે પોતાની પ્રાઈવસી છીનવાતી હોવાની લાગણી પ્રગટ કરતાં પોતાના એકલતાપ્રિય સ્વભાવ વિશે નિત્યને ઘણું બધું કહે છે. નિત્યનો ચહેરો થોડો ઉતરી ગયો અને પોતાના કારણે નૈનાને આટલાં દિવસોમાં તકલીફ પડી હોવાનું જાણીને ’સોરી નૈનાબેન... હવે ધ્યાન રાખીશ.’ કહીને મૌન થઈ ગયો. બન્ને વચ્ચે થયેલા આ વાર્તાલાપ દરમિયાન ચા આવી અને પીવાઈ ગઈ હતી. ત્યાંથી નીકળીને બન્ને ઓફિસ પહોંચી જાય છે પણ આ વખતે નિત્ય ખુબ જ ઓછું બોલ્યો હતો.

ઓફિસમાં બન્ને પોતપોતાના સ્થાન ગ્રહણ કરી ફરીથી ધીમેધીમે કામે લાગે છે. અચાનક નિત્ય પોતાની જગ્યાએથી ઉભો થઈ થોડા ઉતાવળા પગલે ઓફિસની બહાર નીકળ્યો. પોતાની બેઠક પાસેથી પસાર થયેલા નિત્ય ઉપર નૈનાનું ધ્યાન પડયું હતું પણ તે પોતાના કામમાં વ્યસ્ત રહી. થોડીવારમાં નિત્ય ફરીથી પાછો આવ્યો ત્યારે પણ તે નૈના પાસેથી પસાર થયો, બન્નેની નજર મળી પણ નિત્ય કંઈ જ બોલ્યા વગર પોતાની જગ્યાએ બેસી ગયો.

નૈના પોતાના કામમાંથી નવરાશ મળતાં હવે થોડું વાંચવાની ઈચ્છા થતાં ટેબલ ઉપરથી ફોન ઉપાડવા હાથ લંબાવે છે. ફોન ત્યાં નહોતો ! કદાચ પોતે ફોન બહાર કાઢવાનું ભૂલી ગઈ હોવાનું માનીને તે પોતાનું પર્સ ખોલીને જુએ છે પણ ત્યાંય ફોન ન હતો. પોતે ચા પીવા ગઈ ત્યારે ફોન સાથે લઈ ગઈ હતી કે નહીં એ પણ તેને બરાબર યાદ આવતું નથી. અચાનક તેના દિમાગમાં તિખારો ઝર્યો. છેલ્લા કેટલાંક દિવસથી નિત્યની નજર તેના ફોન ઉપર હતી અને પોતાને ગમતું ન હોવા છતાં તે હળવામળવાનાં પ્રયત્નો શા માટે કરતો હતો તે હવે નૈનાને સમજાવા લાગ્યું. અનેકવાર આવા ફોનની ઈચ્છા પણ નિત્યએ દર્શાવેલી અને તેની દાનત બગડી હોવાની મજબૂત શંકા નૈનાને થઈ. વળી, ચા પીધા પછી ઓફિસમાંથી નિત્ય થોડીવાર માટે બહાર પણ ગયો હતો. નક્કી એ ફોન બહાર ક્યાક સંઘરવા માટે જ ગયો હોવાનુ નૈના માનવા લાગી. નૈનાએ ટેબલ ઉપરનાં લેન્ડ લાઈનમાંથી પોતાના નંબર ઉપર કોલ પણ કરી જોયા. ફોન દરવખતે બંધ જ આવ્યો. હવે નૈનાને પાક્કી શંકા હતી કે ફોન ઉપર નિત્યએ જ હાથ સાફ કર્યો. આવી જ રીતે ચાવાળાએ પણ કદાચ ફોન મળ્યા પછી લઈ લીધો હોઈ શકે. ચાની કિટલીએ ફોન ભૂલાઈ ગયો હશે તો બીજા કોઈ ગ્રાહકને પણ ફોન મળી ગયો હોવાનું નકારી શકાય નહીં. તેવા વિચાર પણ નૈનાએ કરી જોયા. જો કે અચાનક કોઈ ઉપર આવી રીતે આળ મુકવી પણ નૈનાને ઉચિત નહોતી લાગતી એટલે તે કેવી રીતે નિત્ય કે ચાવાળાને ફોન વિશે પુછવું તેવી ઉલઝનમાં પડી ગઈ.

ગૂમ થયેલા પોતાના ફોનની ચિંતા અને નિત્ય ઉપર શંકા વચ્ચે નૈનાનું મન બેચેની અનુભવતું હતું અને આમ જ કલાકો પસાર થતાં ગયા, ઓફિસ છૂટી પણ ગઈ. નિત્ય આજે નૈના કરતાં ઓફિસમાંથી વહેલો નીકળી ગયેલો. નૈના ઓફિસમાંથી નીકળતા પહેલા ફરી એકવાર પોતાના ટેબલ ઉપર ખાંખાંખોળા કરી જુએ છે અને પછી નિત્યનાં ટેબલને તપાસવા માટે પણ પહોંચી જાય છે. જો કે ફોન નિત્યએ લીધો હોય તો તેના ટેબલમાં છુપાવે એટલો તે મૂર્ખ નથી એવું માનીને નૈના તલાશી લેવાનું માંડી વાળે છે. જો કે ઓફિસમાંથી જતાં-જતાં તે પટ્ટાવાળાને કહેતી જાય છે કે તેનો ફોન મળે તો સાચવીને રાખે.

પોતાની દિકરીએ ગિફ્ટ કરેલો મોંઘો ફોન ખોવાયાની ચિંતા અને નિત્ય ઉપર ચોરીની મજબૂત શંકાની ઉધેડબૂનમાં તે પોતાની કાર લઈને બહાર રોડ ઉપર નીકળે છે. ત્યાં જ પેલા ચાવાળાની નજર પડી જાય છે અને ’નૈના બેન...’ કહેતી મોટી બૂમ પાડે છે. નૈનાને અચાનક યાદ આવી જાય છે કે તે ચા પીવા આવી ત્યારે વાતોવાતોમાં પૈસા આપ્યા વગર જ જતી રહી હતી. એટલે ફટાફટ કાર સાઈડમાં પાર્ક કરીને પોતાના પર્સમાંથી પૈસા કાઢતા કિટલીએ આવી બોલી ’વાતોવાતોમાં પૈસા આપવાનું ભૂલી ગઈ હતી.’

’પૈસા તો તમારા સાથે હતા એ ભાઈ તમે લોકો ગયા પછી તરત જ પાછા આવીને આપી ગયેલા’ કહેતા-કહેતા ચાવાળાએ પોતાના ખાનામાંથી ફોન કાઢીને નૈનાને આપ્યો અને બોલ્યો ’એ ભાઈ ઓછીવાર અહી તમારા સાથે ચા પીવા આવેલા છે એટલે ભરોસો તેના ઉપર કેમ કરવો? મેં એને ફોન આપવાનું ટાળ્યું અને ઘણાં બધા ફોન આવતાં હતાં એટલે પછી ફોન પણ બંધ કરીને મુકી દીધેલો. આજે ઘરાકી જાજી હતી તો તમને ફોન આપવા આવવાનું પણ ભુલાઈ ગયું.’ મનમાં ફોન મળી ગયાનાં હાશકારા સાથે ભોઠપ અનુભવતાં નૈના ફોન લઈને આભાર માનતાં ત્યાંથી રવાના થઈ.

***

૮ - લાપતા પત્નીની લાશ !

યોગેશ આજે ઉતાવળે ઘરનો દરવાજો બંધ કરતાં બહાર નીકળ્યો. કોલોનીમાં બધા મકાનોનાં ફળિયાની દિવાલો નાની એટલે આડોશ-પાડોશમાં રહેતા લોકો જતા-આવતાં પોતપોતાના ફળિયામાંથી જ હાઈ-હેલ્લો કરી લેતાં. જો કે આજે યોગેશે ફટાફટ ડેલી ખોલીને સ્કૂટરને કિક મારી. બાજુવાળા રમેશભાઈ ફળિયામાં ઝાડને પાણી પાતા હતાં. તેમનું ધ્યાન પડયું એટલે તેમણે બહાર નીકળતા યોગેશને અટકાવતાં મોટા અવાજે કહ્યું, ’આજે પાછા ઓફિસ માટે મોડા પડયા લાગો છો. ગુડમોર્નિગ કર્યા વગર જ ચાલતી પકડી એમ ને... ખેર, કાલે રાત્રે મે તમને ફોન કરેલો, પાર્ટી કરવી હતી પણ તમારો ફોન જ બંધ આવ્યો...’ પાર્ટીનું નામ પડતાં જ યોગેશનાં કાન સરવા થયા. ’મારા ફોનની બેટરી ઉતરી ગઈ હતી. પણ ફોનની વાત સારી યાદ કરાવી... આ ઉતાવળમાં હું શેઠાણીનું રીચાર્જ કરાવવાનું ભૂલી જાત. ચાલો પહેલા એ કરતો આવું. નહીંતર કૃતિ આજે તો મારો વારો જ પાડી દેશે.’ પોતાની પત્નીનો ફોન રીચાર્જ કરાવવાની વાત કરવાં સાથે જ યોગેશ આગળ બોલ્યો, ’મેળ હોય તો પાર્ટી આજે રાત્રે કરીએ સો ટકા...’. રમેશભાઈને પણ કંપની જોઈતી હતી એટલે તેણે કહ્યું ’આજે પણ કાલની જેમ જ ઘરે એકલો છું. આવો એટલે બેસીએ. મગાવી રાખું છું માલ’ યોગેશ તેને સામે ’ઓ.કે.’ કહીને રવાના થયો.

રસ્તામાં કૃતિનું રીચાર્જ કરાવીને યોગેશ ઓફિસ પહોંચ્યો. અંદર પગ મુકતા સાથે જ તેના ભાઈબંધ બની ગયેલા સાથી કર્મચારી જીતેશે ચેતવતાં કહ્યું, ’આજે જોખમ છે તારા ઉપર મોટા... બોસને આવતાં વેંત તારૂ કોઈ કામ હતું પણ તું નહોતો એટલે ગરમી પકડીને ચેમ્બરમાં જતાં રહેલા.’ યોગેશ થોડો મુંજાયો અને સીધો જ પોતાનો થેલો જગ્યા ઉપર મુકીને બોસની ચેમ્બરમાં ગયો અને કહ્યું ’સોરી સર... આજે વાઈફની તબિયત થોડી ખરાબ હતી તો લેઈટ થઈ જવાયું. કંઈ કામ હતું?’ તેના સાહેબે ખુલાસા ઉપર વધુ ધ્યાન આપ્યા વગર એક ફાઈલ તેને પકડાવી અને આજના દિવસમાં એ કામ પતાવી આપવા સુચના આપી. યોગેશને ઠપકાની બીક હતી પણ એવું કંઈ બન્યું નહીં એટલે તેને રાહત થઈ પણ એક જ દિવસમાં આખી ફાઈલનો હિસાબ માથે આવી પડતાં થોડી અકળામણ પણ અનુભવાઈ.

બહાર આવીને પોતાની જગ્યાએ ગોઠવાતા બાજુમાં જ બેઠેલા જીતેશને ઠોસો મારતાં કહ્યું, ’આપણું બહાનું ચાલી ગયું હો... કૃતિની માંદગીનું કહી દીધું, જો કે મારા બેટાએ આ આખી ફાઈલ પકડાવી દીધી.’ બે ઘડી વાતો કરીને બન્ને પોતપોતાના કામમાં વળગી ગયા. બપોરે જમવાનો સમય થયો ત્યારે જીતેશે કહ્યું ’ચાલ હવે છોડ, જમી લઈએ.’ જીતેશની વાત સાંભળી યોગેશે કામ પડતું મુક્યું અને પોતાનું ટીફીન કાઢવા થેલો ખોલ્યો અને તેને ઝબકારો થયો ’અરે શીટ યાર... કૃતિ આજે તેનું રીચાર્જ કરાવવાનું યાદ કરાવતાં કરાવતાં મારૂં ટીફીન નાખવાનું જ ભૂલી ગઈ લાગે છે...’ જીતેશે કહ્યું ’અરે વાંધો નહીં, મારૂં તો છે... જમી લેશું બેય ભાઈ...’ બપોરનાં ભોજન પછી ઓફિસનાં મિત્રો સાથે થોડીવાર રીલેક્સેશનમાં ગપાટા માર્યા પછી બન્ને ફરી કામે વળગી ગયા.

સાંજે છૂટવાનાં સમય પહેલા યોગેશે એક કોલ જોડયો ’અરે કૃતિ આજે ઘેર રસોઈ નહીં બનાવતી. હું ઘેર આવતાં કંઈક લેતો આવીશ. રમેશભાઈ પણ એકલા છે આજે તો અમારે પાર્ટી છે. અમે બન્ને એને ત્યાં જ જમીશું. ઓ.કે.?’ યોગેશની વાત અનાયસે સાંભળી રહેલા જીતેશને થોડી નવાઈ લાગી હોય તેમ તેણે પુછ્‌યું ’લ્યા... તું પીએ છે એ પણ ભાભીને ખબર છે? કંઈ બોલતાં નથી?’ યોગેશ ગર્વ લેતાં કહ્યું ’અમારા વચ્ચે કંઈ છુપું નથી’ જીતેશે માથું આશ્ચર્યમાં ધુણાવ્યું અને બન્ને પોતપોતાના કામ આટોપવામાં લાગી ગયા. જીતેશ દારૂ પીતો નથી એટલે યોગેશે તેને સાચોખોટો આગ્રહ કરવાનો પણ કોઈ સવાલ ન હતો.

ઓફિસ પતાવીને બન્ને પોતપોતાના રસ્તે રવાના થયા. રસ્તામાંથી યોગેશ પિત્ઝા પાર્સલ કરાવતો ગયો. ઘેર જઈને એક-દોઢ કલાક જેવો સમય કાઢ્‌યો હશે ત્યાં જ તેના ફોનમાં રમેશભાઈનો મિસ્ડકોલ આવી ગયો. યોગેશ તરત જ એક પાર્સલ લઈને ફળિયામાં આવ્યો અને દિવાલ ટપતાં મોટેથી અવાજ માર્યો ’કૃતિ હવે તું જમી લેજે. અમે રમેશભાઈને ત્યાં બેઠા છીએ. વાર લાગશે અમારે અને અહીં જ જમી લેશું ’

સાંજે સાડા સાતેક વાગ્યાથી શરૂ થયેલી પાર્ટી બે-ત્રણ કલાક ચાલી. યોગેશ અને રમેશભાઈ આરામથી પીતા-પીતા અલક-મલકની વાતોમાં પરોવાઈ ગયેલા. બન્ને પીવાનો કાર્યક્રમ પુરો થયા પછી બન્ને સાથે જમ્યા. ભોજન પછી યોગેશ પોતાનાં ઘરે સુવા માટે જતો રહ્યો.

બીજા દિવસે સવારે યોગેશ ઘરની બહાર નીકળતાં દરવાજે ઉભો રહીને બોલતો હતો ’કૃતિ આજે તો ટીફીન મુકવાનું ભૂલી નથી ને?’ પોતાના ફળિયામાંથી સ્કુટર બહાર કાઢતા રમેશભાઈ રમેશભાઈએ યોગેશની વાત પુરી થવાની વાટ જોઈ અને પછી કહ્યું ’કાલે જલ્સો પડી ગયો ને ! ચાલો મારે તમારી ઓફિસ તરફ જ આવવાનું છે. સાથે ચાલ્યા જઈએ...’ યોગેશે પણ પોતાનું સ્કુટર બહાર કાઢ્‌યું અને પછી બન્ને સાથે ગયા. રમેશભાઈ પોતાના કામ માટે જતા રહ્યા પછી યોગેશ ઓફિસ પહોચીને પોતાના કામમાં લાગી ગયો. આજે બપોરે પણ તેણે પોતાનો થેલો ખોલ્યો ત્યારે તેમાં ટિફિન નહોતું. એટલે તેણે ફોન જોડીને કૃતિ ઉપર નારાજગી ઠાલવી. આગળના દિવસની જેમ જ આજે પણ ફરીથી તે જીતેશનાં ટીફીનમાં જમ્યો. જમતાં જમતાં જીતેશે પુછેલું કે ભાભી સાથે કોઈ ઝઘડો નથી થયો ને? કારણ કે લાંબા સમયથી બન્ને સાથે નોકરી કરતાં પણ જીતેશની પત્ની ટીફીન ભૂલી હોય તેવું ક્યારેય બનતું નહીં. જો કે યોગેશે જીતેશની વાત નકારી. સાંજે યોગેશે ઘરે રવાના થવા પહેલા કૃતિને ફોન કર્યો કે કંઈ લાવવાનું હોય તો રસ્તામાંથી તે લેતો આવશે. પોતે કાગળ ઉપર બે ચાર વસ્તુઓ ટપકાવી. પછી ઓફિસથી નીકળી નજીકમાં જ આવતી કરિયાણાની દુકાનેથી તેણે થોડો સામાન ખરીદ્યો. જીતેશ પણ તેની સાથે હતો કેમ કે બન્ને ત્યાંથી એક મિત્રની ચાની હોટેલે થોડીવાર બેસવા જવાનાં હતાં. સાંજની ચા બન્નેએ સાથે માણી અને એકાદ કલાક સુધી હળવાશભરી વાતો કરીને બન્ને પોતાના ઘેર રવાના થયા.

પછીની સવારે યોગેશ નોકરી ઉપર જવા ઘરમાંથી બહાર નીકળતાં મેઈન ડોરને તાળું મારતો હતો. ત્યાં જ બાજુંમાંથી અવાજ આવ્યો... ’યોગેશભાઈ કૃતિ ક્યાય બહાર ગઈ છે? કેમ તાળું?’ યોગેશે તાળું મારતાં જ રમેશભાઈનાં પત્ની સંગીતાબેનને કહ્યું ’અરે ભાભી તમે આવ્યા અને એ ગઈ... તેની એક બહેનપણીનાં ઘેર કંઈક પ્રસંગે રાજકોટ ગઈ છે. કાલે રાત્રે જ એનો કાર્યક્રમ નક્કી થયો.’ સંગીતાબેને કાર્યક્રમ શબ્દ પકડી લેતાં વળતો કટાક્ષ કર્યો ’તમે અને તમારા ભાઈ પણ રાત્રે કાર્યક્રમમાં વ્યસ્ત હતાં ને?’ યોગેશે હળવી મુસ્કાન કરી અને તાળું મારીને ઓફિસ જવા રવાના થયો.

આજે પણ તે ટિફિન લઈને ગયો ન હતો. જો કે તેણે સવારમાં જ ફોન કરીને કૃતિ બહારગામ નીકળી હોવાનું જણાવીને જીતેશને બે ટિફિન માટે કહી દીધેલું. બપોરે જમ્યા પછી નિંરાતનાં સમયમાં તેણે કૃતિને ફોન જોડયો. બે ત્રણવાર રીંગ આખી પુરી થઈ ગઈ. પણ કોલ રીસીવ ન થયો. આખરે કંટાળીને તેણે રાજકોટ કૃતિની ફ્રેન્ડ રૂચાને ફોન કર્યો. જો કે રૂચાએ યોગેશને જોરદાર આંચકો આપ્યો. રૂચાએ કહ્યું કે તેને ત્યાં કોઈ પ્રસંગ નથી અને કૃતિ ત્યાં આવી જ નથી. યોગેશનાં હોશકોશ ઉડી ગયા. તેણે ફોન કર્યો ત્યારે જીતેશ પણ સાથે જ હતો. બન્નેને કંઈક અમંગળનાં એંધાણ આવ્યા.

યોગેશ રઘવાયો બન્યો પણ જીતેશે તેને થોડી શાંતિ રાખી કૃતિની બધી જ બહેનપણીઓ અને સગાવ્હાલાઓમાં કોલ કરવાં સલાહ આપી. ઓફિસનો સમય પુરો થવા સુધીમાં યોગેશ લાગતા-વળગતા તમામ લોકોને ફોન કરી ચુક્યો હતો અને તેને કૃતિનાં કોઈ જ વાવડ મળ્યા નહીં. તેનાં માથા ઉપર ચિંતાની લકીરો અને પરસેવો વધતાં જતાં હતાં. જીતેશે પણ પોતાના ઘરે જવાને બદલે યોગેશની સાથે રહેવાનું મુનાસીબ માન્યું. બન્નેએ કૃતિને શોધવાનાં પ્રયાસો મોડી રાત સુધી કર્યા પણ તેના કોઈ જ સગડ મળ્યા નહીં. થાકી હારીને યોગેશને તેના ઘરે મુકીને જીતેશ પોતાના ઘરે નીકળી ગયો અને સવારે કંઈક વિચારવાનું બન્નેએ નક્કી કર્યુ. રાત્રે જ જીતેશે પોતાના બોસને ફોન કરીને સ્થિતિ જણાવી દીધેલી અને બન્નેની રજા માગી લીધેલી. વહેલી સવારમાં તે યોગેશનાં ઘરે દોડી આવેલો. ત્યારે રમેશભાઈ અને તેના પત્ની પણ યોગેશ પાસે હતાં. આખરે બધાએ લાંબી ચર્ચા પછી પોલીસમાં ગુમશુદાની જાણ કરવાનું નક્કી કર્યુ.

આમછતાં બપોર સુધી બધાએ કૃતિને શોધવાનાં પ્રયાસો કર્યા અને આખરે સાંજ પહેલા-પહેલા પોલીસચોકીએ જઈને જાણ કરી. પોલીસે તેમની ફરિયાદ સાથે કૃતિના ફોટો સહિતની ઘણીબધી વિગતો મેળવી. પોલીસને ફરિયાદ કર્યા પછી પણ બધા લોકો કૃતિને શોધવાનો પ્રયાસ કરતાં રહ્યા પણ નિરાશા જ હાથ લાગતી. માંડ-માંડ રાત પડી. બીજા દિવસે પણ ફરી એ જ ક્રમ આગળ વધ્યો અને રાત સુધી કૃતિનો કોઈ પત્તો લાગ્યો નહીં. ટેન્શનમાં યોગેશ ડીપ્રેસ થતો જતો હતો...

ત્રણ દિવસની આ દોડાદોડીમાં કૃતિ સાથે કોઈ અણબનાવ બન્યો હોવાની ભીતિથી યોગેશ મુંજાયો હોવાનું જાણતો જીતેશ સતત તેની સાથે રહીને તેની ચિંતા

ઓછી કરાવવાનાં પ્રયાસો કરતો રહ્યો હતો. જો કે જીતેશ પણ જાણતો હતો કે યોગેશની ચિંતા ગંભીર હતી અને તેમાં કૃતિનો પત્તો ન લાગે ત્યાં સુધી કોઈ ઉકેલ ન હતો. બન્ને પોતાના મિત્રની ચાની હોટેલ ઉપર બેઠા હતાં ત્યારે જ અચાનક અજાણ્‌યા નંબર ઉપરથી યોગેશને ફોન આવ્યો. એ પોલીસનો કોલ હતો. યોગેશને તાત્કાલિક સરકારી હોસ્પિટલનાં શબઘરમાં બોલાવાયો અને યોગેશ ઘડી બે ઘડી ધબકારા ચુકી ગયો. બેભાન થવાની હાલતમાં આવી ગયેલા યોગેશને જીતેશ અને તેના મિત્રો માંડમાંડ સંભાળીને શબઘર તેડી ગયા.

પોલીસે અહીં મળેલી એક મહિલા લાશ તેને બતાવી. યોગેશ તો બેબાકળો બની ભાન જ ભૂલી ગયેલો. તેના મનમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી આવેલા અનેક ડરામણા ખયાલો જાણે સાચા પડયા હોય તેમ તેની આંખો ફાટી ગઈ હતી અને તે ભાંગી પડયો હતો. જીતેશ અને તેના અન્ય મિત્રોને બેરહેમીથી ચગદી નાખવામાં આવેલું લાશનું માથું ઉબકા લાવી ગયું. અમુક લોકો તો એ મૃતદેહની હાલત જોઈને મોઢા ફેરવી ગયા. જીતેશ થોડી હિંમત રાખીને યોગેશને સંભાળી રહ્યો હતો. ચોધાર આંસૂએ રડતા યોગેશને બધા બહાર લઈ ગયા અને પછી પોલીસે મૃતદેહ ઓળખની કાર્યવાહી શરૂ કરી. પોલીસને એ લાશના પર્સમાંથી એક પાકિટ મળેલું. જેમાં એક ડાયરીમાં નામ, સરનામું લખેલું હતું. પોલીસે તેના આધારે જ યોગેશને ફોન કરેલો. જો કે પોલીસે કપડાથી માંડીને ધડ સુધી ઘણી બધી વિગતોની પૃચ્છા કરીને મૃતદેહ તેની પત્નીનો જ હોવાની ખાતરી કરવાં યોગેશને ઘણી બધી વાતો નરમાશથી પુછી. જેમાં કપડા વિશે યોગેશને ખાતરી ન હતી પણ પર્સ અને કાનની હાથની બંગડીનાં આધારે તેણે કૃતિ જ હોવાની પુરી સંભાવના વ્યક્ત કરેલી. પોલીસને આ લાશ કૃતિની જ હોવાની ખાતરી થઈ ગયા બાદ તેને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધી.

સ્હેજ સ્વસ્થતામાં આવ્યા બાદ પોલીસે પ્રાથમિક જાણકારીઓ મેળવવા માટે યોગેશ સાથે વાતચીત કરી. જેમાં તેમને જાણવા મળ્યું કે યોગેશે બે દિવસ પહેલા જ પોતાની પત્ની ગૂમ થયાની જાણ પોલીસમાં પણ કરેલી. એ પહેલાનાં દિવસોનાં ઘટનાક્રમ વિશે પણ પોલીસે આછોપાતળો અંદાજ મેળવ્યો. સાંજ સુધીમાં હોસ્પીટલે યોગેશના સગાસંબંધીઓ પણ ઉમટી પડયા હતાં. યોગેશની પૂછપરછ પછી પોલીસે તેના પાડોશી રમેશભાઈ અને તેમના પત્ની સહિતનાં લોકોને પણ ઘણા સવાલો કર્યા. જીતેશ સહિતનાં મિત્રોની પણ પુછપરછ થઈ. બધા લોકો પાસેથી પોલીસે એવું જાણવાનો પ્રયાસ કર્યો હતો કે યોગેશ અને તેની પત્ની વચ્ચેનાં સંબંધ સામાન્ય હતાં કે નહીં. તેમના વચ્ચે કોઈ મોટો ઝઘડો કે બીજી કોઈ માથાકૂટ તો ન હતી ? યોગેશ અને તેની પત્નીનાં ચારિત્રયથી માંડીને તેમના વ્યવહાર-વર્તન સહિતનો તાગ મેળવવાનો પ્રયાસ પોલીસે આ લોકોની પુછપરછમાં કર્યો. જો કે પોલીસને તેમાં શંકા ઉપજાવે તેવી કોઈ વાત હાથ લાગી નહીં.

પોસ્ટમોર્ટમ પછી મૃતદેહની યોગેશ અને તેના પરિવારને સોંપણી કરી દેવામાં આવી. બીજા દિવસ સવારે અગ્નિદાહ આપવામાં આવ્યો. બીજીબાજુ પોલીસને હાથમાં પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યો. તપાસનીશ અધિકારી ઉસ્માન કુરેશીને આ રિપોર્ટ જોઈને કંઈક ભેદી બન્યાની ગંધ આવી ગઈ. તેણે તાબડતોબ જીતેશ અને રમેશભાઈ સહિતનાં યોગેશનાં મિત્રોને તેડાવ્યા અને છેલ્લા ચાર-પાંચ દિવસનાં ઘટનાક્રમો વિશે તેમની પાસે જેટલી જાણકારી હતી તે બધી જ મેળવી. જેમાં યોગેશે પોલીસમાં પત્ની લાપતા બન્યાની જાણ કરી ત્યારથી માંડીને તેના આગલા દિવસની શોધખોળ અને એ પહેલાનાં બે-ત્રણ દિવસમાં બનેલા ઘટનાક્રમો વિશે કુરેશીએ જાણ્‌યું. આ લોકોની પુછપરછ પછી કુરેશીનું દિમાગ વધુ ચક્કર ખાઈ ગયું. તેણે તાત્કાલિક કૃતિનાં મોબાઈલ નંબરની ડીટેઈલ પણ કઢાવી. એ જોયા બાદ કુરેશીને દાળમાં કંઈક કાળું નહીં પણ આખી દાળ કાળી હોવાનું દેખાવા લાગ્યું. કુરેશીએ અંતિમસંસ્કારની વિધિ પછી સીધા જ યોગેશને પોલીસ ચોકીએ તેડાવી લીધો અને પછી તેની પુછપરછ શરૂ કરી. જીતેશ અને રમેશભાઈ સહિતનાં લોકોએ કહેલી વાતોનો તાળો યોગેશનાં જવાબોમાં બરાબર મેળ ખાતો હતો. આમછતાં કુરેશીએ જીતેશની ધરપકડ કરી !

વાસ્તવમાં જીતેશે તેની પત્ની ગુમ થયા વિશે જે જાણકારી લોકોને આપી હતી તેને પોસ્ટમોર્ટમ રીપોર્ટ સાથે જરા પણ મેળ બેસતો ન હતો. કારણ કે ચાર દિવસ પહેલા જ ગુમ થયેલી વ્યક્તિ છ દિવસ પહેલા મૃત્યુ કેવી રીતે પામી શકે એ સવાલનો જવાબ માત્ર યોગેશ પાસે જ હોવાનું પોલીસે કળી લીધું હતું. જીતેશ અને રમેશભાઈએ વર્ણવેલા ઘટનાક્રમો મુજબ એ લોકોએ પણ કૃતિને પોલીસમાં લાપતાની ફરિયાદ અગાઉનાં બે દિવસોમાં પ્રત્યક્ષ જોઈ ન હતી. ફક્ત યોગેશના મોઢે બે દિવસ તેની વાતો સાંભળેલી. જીતેશે જણાવ્યા મુજબ યોગેશે તેની પત્ની સાથે આગલા બે દિવસમાં ફોન ઉપર વાતો કરેલી પણ કૃતિનાં ફોનમાં છેલ્લા છ દિવસથી કોઈ જ કોલ રીસીવ થયેલો નહતો. એટલે પોલીસને સો ટકા ખાતરી થઈ ગઈ હતી કે આ હત્યા પાછળ યોગેશનો હાથ છે અથવા તો તે કંઈક છુપાવી રહ્યો છે. પોલીસને યોગેશની આકરી પુછપરછ કરવાની પણ જરૂર ન પડી. આ તથ્યો સામે મુકવામાં આવતાં જ યોગેશ ભાંગી ગયો. તેણે પોતાનો અપરાધ કબુલી લીધો. જો કે યોગેશે કરેલા એક ખુલાસાથી પોલીસ પણ ચોંકી ઉઠી. યોગેશે કૃતિ સાથે બીજી એક હત્યા પણ કરેલી. તેણે કૃતિ કરતાં ય વધુ ક્રુરતાથી જીજ્જ્ઞેશને પણ ખતમ કરી નાખેલો. જેની લાશ તેણે કૃતિની લાશ જ્યાથી મળી ત્યાં જ દાટી દીધેલી. કૃતિની લાશ તેણે ઈરાદાપુર્વક રઝળતી મુકી દીધેલી જેથી તે પત્ની ગૂમ થયા બાદ તેની કોઈએ હત્યા કરી હોવાનું નાટક ચલાવી શકે. કૃતિ અને જીજ્જ્ઞેશનાં આડા સંબંધે આ હત્યાકાંડ સર્જ્યો હોવાનું પણ યોગેશે કહ્યું. પોલીસે તેની કબૂલાત મુજબ બીજી લાશ ખોળી કાઢી અને હત્યાનાં હથિયારથી માંડીને અન્ય પુરાવાઓ એકત્ર કરી લીધા.

***

૯ - સમય

’કેમ યાર તું ક્યારેય ઘડિયાળ નથી બાંધતોળ ?’

’ઘડિયાળ માણસને સમય બતાવે છે અને અત્યારે મારો જે સમય ચાલી રહ્યો છે તે મારે જોવો નથી.’

’એટલે !?’

’એટલે કે...જો ઘડિયાળ અત્યારે મને મારો ખરાબ સમય દેખાડવાની હોય તો મારે શા માટે એવી ઘડિયાળ બાંધવી. જ્યારે પણ હું ઘડિયાળ બાંધીશ, તેની પાસે મને મારો સારો સમય દેખાડવા સીવાય છુટકો નહીં હોય. વળી, એ ઘડિયાળ જ મારા સારા સમયની ચાડી ખાતી હશે અને તેનો પુરાવો પણ હશે.’

’સીધી વાત કરને વિશુ... તારી આ ફિલસૂફીમાં મને કંઈ ટપ્પા નથી પડતા’

’તો સીધી વાત એમ છે કે બાંધીશ ત્યારે દુનિયાની મોંઘામાં મોંઘી રીસ્ટ વોચ બાંધીશ, નહીંતર આખી જીંદગી નહીં બાંધું ’

ધીમા પગલે ચાલ્યા જતાં વિર્શ્વાસભાઈને ટ્રાફિકનાં ઘોંઘાટ વચ્ચે પણ પોતાના લંગોટિયા યાર સાથે થયેલો આ વાર્તાલાપ કાનમાં ગુંજતો હતો. તેમનાં પગલાં આપોઆપ ચાલ્યે જતાં હતાં અને પોતે એક જાગતું સપનું જોતા હોય તેવી મનોસ્થિતિ હતી.

ઉપરનો સંવાદ હજી તેના કાનમાં પડઘાતો હતો ત્યાં જ સ્વપ્નદ્રશ્ય બદલાઈ ગયું અને પોતે નોકરી કરતાં હતાં ત્યારે બનેલા એક અંગત મિત્ર સાથેની વાતચીત તેમની મનચક્ષુમાં તરવરવા લાગી.

’યાર મને તારૂં ગણિત દિમાગમાં નથી ઉતરતું. આજનાં સમયમાં આવી સુરક્ષિત નોકરી મળવી મુશ્કેલ છે. તું તારી કારકીર્દિ હાથે કરીને જોખમાવવા ઉપર ઉતરી આવ્યો છે વિર્શ્વાસ ’

’નોકરી મારા માટે એક પગથીયું હતી. મારે આખી જીંદગી આમ ખંડખંડ જીવવું નથી. સમય મને જ્યા લઈ જાય ત્યાં પહોંચવું મારો ધ્યેય નથી. મારે સમયને મારી મરજી મુજબ દોરવવો છે. અને જો જે મારા સપનાં સાકાર થશે... આ વિર્શ્વાસને એટલો આત્મવિર્શ્વાસ છે ! ’

’હશે... તારી સાથે કોણ લમણાઝીંકમાં જીત્યું છે તો હું જીતીશ...’

’કેટલા વાગ્યા?’

’૧૨.૪૦’

’સારૂં ચાલ... ત્યારે હું હવે નીકળું. વિજય મુહુર્તમાં આ નોકરી છોડીને નવી દિશા અને નવી આશા સાથે નવી શરૂઆત કરવા...’

વિર્શ્વાસભાઈનું વધુ એક સપનું પુરૂં થયું. તેઓ હજી પણ પોતાની મંજીલ સુધી પહોંચ્યા નથી. જે શહેરમાં તેમણે બાળપણમાં ચોકલેટની ચોરી કરી, જે શહેરમાં તેમણે ભણતા-ભણતા કારખાનામાં હાથ કાળા અને શરીર પરસેવે ભીનું કર્યુ, જે શહેરમાં નોકરી કરીને મહિનાની આખર તારીખો ગણી, જે શહેરમાં તેમણે નાનકડું ધંધારૂપ સાહસ કર્યુ, સાહસને સામ્રાજ્યમાં બદલાવ્યું અને રજવાડી ઠાઠ ભોગવ્યો એ શહેરની જાણીતી ખુશ્બો સાથે ભૂતકાળ વાગોળતા વાગોળતાં તેઓ આગળ ચાલ્યા જતાં હતાં...

’વિર્શ્વાસભાઈ તમે તમારા જામેલા ધંધામાંથી બધી મૂડી ખેંચીને આમ નવા સાહસ કરો છો એ જરા વધું પડતું છે. ભવિષ્યનો થોડો વિચાર કરીએ તો સારૂં રહેશે. દર વખતે સાહસી માણસને સફળ જ બનાવવો એવું કુદરતે ક્યાય લખી નથી આપ્યું. એક તો આ ધંધો નવો છે અને એમાં જો તમારૂં ડુબશે તો સઘળું ડુબશે યાદ રાખજો...’

’તમે ખોટા છો એવું હું નથી કહેતો પણ હું આવો જ છું. જે જોખમ ખેડવાનાં વિચાર માત્રથી લોકોનાં હાજા ગગડી જાય તેવા સાહસ ખરેખર તો એટલા જોખમી હોતા જ નથી. મારા મતે સરળ કામ ક્યારેય સરળ નથી હોતું અને કઠિન ક્યારેય એટલું કઠિન હોતું નથી. મારો ક્રમ નિરંતર આગળ વધવાનો છે અને હું એ જ કરવાં જઈ રહ્યો છું.’

પોતાની તમામ મૂડી રોકીને વિર્શ્વાસ ભાઈનાં એ સાહસે જાણે તેમની દુનિયા જ બદલી નાખેલી. ખુબ જ ટૂંકા સમયમાં તેમના આ નવા ધંધાએ તેમને ઉદ્યોગપતિમાં પરિવર્તિત કરી દીધેલા. એમને હવે પોતાના એકમાત્ર સપનાને પુરા કરવાનો સમય આવી ગયો હોય તેવું લાગ્યું. પોતાના એક માણસને તેમણે ખાસ મુંબઈ મોકલ્યો હતો અને મોંઘામાં મોંઘી ઘડિયાળ મગાવી હતી. બ્રેકેટ કંપનીએ બહાર પાડેલી લિમિટેડ એડિશનની એ ઘડિયાળ બાંધ્યા પછી તેમને લાગતું હતું કે આખરે સમયને તેમણે પોતાના કાંડે બાંધીને દેખાડયો. પોતાના ભૂતકાળને વાગોળતા તેઓ આગળ જઈ રહ્યા છે અને હવે તેમને યાદ આવે છે એ દિવસ જ્યારે પહેલીવાર તેમણે એક અખબારને ઈન્ટરવ્યુ આપ્યું. તેમના જીવનનાં પ્રારંભકાળથી માંડીને એક સફળ ઉદ્યોગપતિ તરીકે પ્રસ્થાપિત થવા સુધીનાં અનેક સવાલોનાં જવાબો તેમણે ઉત્સાહથી આપેલા પણ એક સવાલનો જવાબ આપતી વખતે તેમની અંદર ગર્વનો ઉભરો આવી ગયેલો...

’તમને શું શોખ છે?’

’મને કોઈ ખાસ શોખ નથી, હા મારૂં એક સપનું હતું. દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ બાંધવાનું. જે મે અત્યારે પહેરેલી છે...’

’વાહ... આ ઘડિયાળ દેખાય એવા ફોટો સાથે જ તમારો લેખ આપણે પ્રગટ કરશું.તમારા આ સપના વિશે થોડું વિગતે કહો લોકોને આવી હળવી વાતોમાં વધું રૂચિ હોય છે.’

’આ સપનાં પાછળ આમ તો કોઈ વધું મોટી વાત નથી. હા, હું જીવનનાં એક કાળ સુધી ક્યારેય કોઈ જ ઘડિયાળ બાંધતો નહી. મેં મનોમન એટલું નક્કી કરેલું કે પહેરીશ તો વૈભવી કાંડા ઘડિયાળ.’

’વાહ, આ વાત તો તમારા લેખમાં હાઈલાઈટ કરવી પડશે...’

એક ઝબકારા સાથે આ યાદ અલોપ થઈ ગઈ અને ચારેકોર અંધારૂં છવાઈ ગયું. પોતાના વિચારમાં લાપતા બનેલા વિર્શ્વાસ ભાઈને એક સ્કૂટરે ઠોકર મારી દીધી અને તેઓ રસ્તામાં પડી ગયા. વાહન ચાલક ’ આવાને આવા માણસો જોઈને ચાલતાં નથી...’ બબડતો - બબડતો ત્યાંથી નીકળી ગયો. વિર્શ્વાસ ભાઈને કળ વળતાં જાતે જ ઉભા થઈને પોતાના કપડાં ખંખેરતા ઉભા થયા. ઉભા થતાં - થતાં તેમને પોતાની ઘડિયાળ નીચે પડેલી દેખાઈ. તે ટક્કરથી પટકાયા ત્યારે તે નીચે પડી ગઈ હતી. તેનો કાચ તૂટી ગયો હતો. વિર્શ્વાસ ભાઈએ ઘડિયાળ ઉપાડતાં તેમાં સમય જોયો. ઘડિયાળમાં ૧૨.૪૦ સમય ઉપર અટકી ગઈ હતી. ઘણા વરસ પછી તેઓ પોતાની એસી ઓફિસમાંથી બહાર વાતાનુકુલિત મોટરકાર વગર આવી રીતે ચાલીને નીકળેલા એટલે બપોરે વિજય મુહુર્તનો તાપ આજે ફરીથી તેમને કારખાનામાં પોતે મજૂરીકામ કરતાં ત્યારે વળતાં પરસેવા જેવો અનુભવ કરાવતો હતો. જો કે ઘણા સમયથી આવા તાપનો અનુભવ છુટી ગયો હોવાથી તેમને આકરૂં પડતું હતું. પણ હવે તેમનું ગંતવ્ય સ્થાન વધું દૂર નથી એવું મનોમન બોલતાં-બોલતા તેઓ પોતાની ધીમી ચાલથી આગળ વધતા જાય છે.

આખરે તેઓ પહોંચી ગયા પોતાના નક્કી કરેલા સ્થાને. કાચનો દરવાજો ખોલીને તેઓ અંદર આહલાદક એસીની ઠંડકમાં પહોચ્યા કે એક હાશકારો તેમના મુખમાંથી સરી ગયો.

’અરે શેઠ... તમે?’ દુકાનમાં વિર્શ્વાસ ભાઈનાં પહોંચતા સાથે જ દુકાનદારે એક મધુર આવકારો આપતાં આશ્ચર્ય વ્યક્ત કર્યુ અને આગળ બોલ્યો ’ આપ ચાલીને આવ્યા છો કે શું? અરે એક ફોન જોડી લીધો હોત તો તમારે જોઈએ તે વસ્તુ સાથે મારા માણસને મોકલી આપેત તમારી પાસે. તમે કેમ આવી તસ્દી લીધી. હું પોતે આવી જાત આપ કહેત તો...’

’અમુક કામ જાતે જ કરવાં પડતાં હોય છે...’

’અરે તમે તો મને શરમાવો છો. બોલો બોલો... શું હાજર કરૂં આપની સેવામાં? મારા પાસેનાં એન્ટીક કદાચ આપને જચે તેટલા મોંઘા નહીં હોય... તો પણ ફરમાવો. પ્રયત્ન કરીશ તમારી માગણી પુરી કરવાનો.’ દુકાનદાર આંગણે આવેલા મોટા માણસને રાજી કરવાના તમામ પ્રયાસો કરતો હતો.

’આજે મારે કંઈ ખરીદવાનું નથી. મારે મારી આ ઘડિયાળ વેચવાની છે.’ આટલું બોલીને વિશ્વાસભાઈ પોતાની ઘડિયાળ કાઉન્ટર ઉપર મુકે છે.

’અરે... શેઠ તમે પણ મજાક ઉડાવી લો. નાના માણસની. તમારે શી જરૂર આ વેચવાની ?’ દુકાનદારનો આ સવાલ સાંભળી નિઃસાસો નાખતાં વિશ્વાસભાઈ જવાબ આપે છે...

’સમય... સમયની જરૂરિયાત છે.’

વિર્શ્વાસભાઈ ઘડિયાળ ટેબલ ઉપર મુકીને સામે રાખવામાં આવેલા સોફા ઉપર થોડા આરામથી બેસે છે. ત્યાં જ દુકાનદારનો એક માણસ આવીને તે વેપારીને કાનમાં હળવેકથી કહી ગયો

’તમને નથી ખબર? થોડા દિવસો પહેલા જ આમની કંપનીનાં ઉઠમણા થઈ ગયા...’ દુકાનદાર આંખો બંધ કરીને સોફા ઉપર બેઠેલા વિશ્વાસભાઈ સામે જોઈ રહ્યો...

***

૧૦ - સિરિયલ કિલર

રોજની જેમ આજે પણ કલ્પિત બીચ ઉપર એકાંતનાં સમુદ્રમાં વિચારોનાં ઘૂઘવાટમાં ઘેરાયેલો બેઠો હતો. ભૂતકાળની ભૂલોનાં વિચાર અને ભવિષ્યની કલ્પનાનાં જંગલમાં જાણે તે અત્યારે વર્તમાનમાં પોતાનું અસ્તિત્વ જ ગુમાવી બેઠો હોય તેવી તેની હાલત. થોડીવાર દરિયામાં ઉછળતા મોજાઓ સામે બેધ્યાનપણે જોયા કર્યા પછી લટાર મારવાની ઈચ્છા થતાં તે નિર્જન બીચ ઉપર પોતાના પગલાં પાડતો ચાલવા લાગ્યો. ઘેરા અંધારામાં ચંદ્ર પ્રકાશ અને દરિયાના ખારા પાણીમાંથી પરાવર્તિત થતાં આછા મીઠા ઉજાસમાં તે ચાલ્યો જતો હતો. ત્યારે જ તેની નજર અચાનક એક બગલથેલા ઉપર પડી. જીજ્ઞાસાવશ તેણે પાણીનાં મોજાથી ભીંજાઈ ગયેલો એ બિનવારસી થેલો ઉપાડયો. તેણે થેલો ખોલીને અંદર જોયું તો માત્ર પારદર્શક કોથળીમાં વિંટાળેલી એક ડાયરી તેને દેખાઈ, બીજું કશું એ થેલામાં નહોતું. કોઈ માણસનો થેલો અહીં પડી ગયું હોવાનું ધારીને તેણે થેલો સાથે લીધો અને જો અંદરથી કોઈ નામઠામ મળે તો જેનો હોય તેને એ થેલો પહોંચાડવાના વિચાર સાથે તે ચાલતા ચાલતા નજીકમાં જ પોતાના ઘેર જવા નીકળી ગયો.

આજે ઘરે તે એકલો હતો. ઘરનું તાળું ખોલીને તે પોતાના રૂમમાં પહોચ્યો. પોતે સાથે લઈ આવેલો થેલો તેણે ટેબલ ઉપર મુક્યો અને થોડીવાર માટે ટીવીમાં જીવ પરોવવાનો પ્રયાસ કરવાં લાગ્યો. જો કે તેમાં પણ કંઈ રસપ્રદ નહીં લાગતા તેણે રૂમમાં આમતેમ નજર ફેરવી. ફરી તેનું ધ્યાન તેને દરિયેથી મળી આવેલા થેલા ઉપર ગયું. આ થેલામાં કોઈ નામ-સરનામુ કે ફોન નંબર હોય તો તે તપાસવા માટે તેણે ફરીથી થેલો ઉપાડયો અને પોતાના પલંગ ઉપર બેઠો. ભીનો થઈ ગયેલો એ થેલો પોતાની પથારી ભીની ન કરે તેની કાળજી રાખતા તેણે અંદરથી કોથળીમાં બંધ ડાયરી બહાર કાઢી અને પછી એ થેલાનાં બે ખાના પણ તપાસ્યા. જો કે તેમાંથી તેને કશું જ મળ્યું નહીં. ભીનો થેલો હળવેકથી થોડે દૂર ફંગોળતા તેણે ડાયરીમાંથી આ થેલાનાં માલિકનો પત્તો મળી જ આવશે તેવું ધારીને પાના ઉથલાવવાની શરૂઆત કરી.

પથારી ઉપર લંબાવતાં તેણે ડાયરીનું પહેલું પાનું ખોલ્યું. જેમાં પ્રમાણમાં મોટા અક્ષરે કહી શકાય તેવી રીતે લખેલું હતું ’મારૂં ભેદી જીવન’. નીચે નામ લખેલું હતું વિદ્યુત સાગર. સાથે એક ફોન નંબર પણ લખેલો હતો. જો કે અત્યારે મોડી રાત હોવાથી, હવે સવારે જ ફોન ઉપર આ ડાયરી અને થેલો મળ્યા હોવાની જાણ કરવાનું કલ્પિતે નક્કી કર્યુ. ડાયરીનાં એકાદ બે પાના ઉથલાવતાં તેને ખ્યાલ આવી ગયો હતો કે આ જેતે વ્યક્તિની અંગત ડાયરી છે. આમછતાં આજની એકલતાને કોઈનાં જીવનમાં ડોકીયું કરી લેવાની અસભ્યતા આચરવામાં ખર્ચી નાખતા પોતાની જાતને તે રોકી ન શક્યો.

એક પછી એક પાના ફેરવતો ગયો અને તેને જેમાં જેમાં રસ પડયો એ પાનાનાં લખાણ તે વાંચતો ગયો. જો કે જેમ જેમ તે આગળ વાંચવા લાગ્યો તેનો જીવ ઉચક થતો ગયો. આ ડાયરીમાં લખાયેલા આખરી કેટલાંક પાનામાં તો કલ્પિતને કંપારી છૂટી ગઈ. તેનાં રોમરોમમાં ભયનાં પ્રસ્વેદ બીંદુઓ વછૂટવા લાગ્યાં. અજાણતા જ તેણે કોઈ મોટા કુંડાળામાં પગ મુકી દીધો હોય તેવી દહેશતથી તે થરથરવા લાગ્યો. વળી આજે તે ઘરમાં એકલો હતો અને સ્વભાવે થોડો ડરપોક પણ ખરો. એટલે હવે તેને ઉંઘ આવે તેવી સંભાવના બચી નહોતી.

માંડ કરીને આ ડાયરી સાથે તેણે સવાર પાડી અને પછી ઉતાવળે પ્રાતઃ ક્રિયાઓ પતાવીને તેણે સીધી પોતાની કાર મારી મુકી. તેણે પોતાની સાથે મળી આવેલો થેલો અને ડાયરી પણ લીધી હતી. તેની કાર રસ્તામાં ક્યાય પણ અટક્યા વિના સીધી જ પોલીસ ચોકીએ જઈને રોકાઈ. પોતાના જૂના મિત્ર અને ક્રાઈમબ્રાન્ચનાં પીએસઆઈ એસ.પી.ઝાલાને તેણે બહારથી ફોન જોડયો. તેનો મિત્ર ઓફિસે છે કે નહીં તેની પૃચ્છા કરી. જો કે ઝાલા હજી પોતાના ઘેર જ હતો અને તેણે કલ્પિતને રાહ જોવા કહ્યું. થોડીવાર સુધી તો કલ્પિત તેના પોલીસ અધિકારી મિત્રની રાહ જોઈ શક્યો પણ પછી પોતાની વિહ્‌વળતાના વશમાં તે વધુ વાર બેસી રહી શકે તેમ નહોતો. તેણે ફરી પોતાના મિત્રને ફોન જોડયો અને હવે પોતે તેના ઘરે જ આવી રહ્યો હોવાનું કહ્યું. ઝાલાને પણ આમ ઓચિંતા આવી પડેલા મિત્રને કંઈક ગંભીર મુંજવણ હોવાનો અંદેશો આવી ગયો અને તેણે તેને પોતાના ઘેર જ ચર્ચા કરીશું તેવી ધરપત આપી.

વિનાવિલંબ કલ્પિત ઝાલાના ઘેર પહોંચ્યો અને ચા-પાણીનાં આગ્રહ સામે વધુ કોઈ પ્રતિક્રિયા આપ્યા વિના કલ્પિતે પોતાને મળેલા થેલામાંથી ડાયરી કાઢીને ઝાલાને હાથમાં સોંપી. ઝાલાએ તે હાથમાં લેતા સહજ અચરજ સાથે તેમાં શું હોવાનું પુછ્‌યું અને તેના આ સવાલથી કારણવગર અકળાઈને કલ્પિતે કહ્યું, ’ જો તો ખરા... મારા રૂવાડા હજી પણ ઉભા છે. છેલ્લા આઠેક માસમાં થયેલા પાંચ-છ મર્ડરમાં કોઈ સિરિયલ કિલરનો હાથ હોવાની તારી શંકા સાચી છે.’

’શું?’ હવે ઝાલાનાં કપાળ ઉપર કરચલીઓ પાડતા ભંવા તણાયા.

’હાં... તું જેને શોધે છે આ એ હત્યારાની જ ડાયરી છે. એક-એક હત્યા કેવી રીતે કરવામાં આવી, તે વખતે આ હત્યારાની મનોદશા કેવી હતી એ બધી જ વાતો આ ડાયરીમાં તેણે ટપકાવેલી છે. હા, લોહીપ્યાસો હત્યારો કોઈ મનોરોગી હોય તેવો મને અંદાજ આવે છે.’

કલ્પિતની આટલી વાત સાંભળીને ઝાલાએ ઉતાવળે ડાયરીનાં પાનાઓ ઉથલાવવા લાગ્યા. જે - તે દિવસે કેવી રીતે હત્યા કરવામાં આવી, પછી પોલીસને લાશ ક્યારે મળી, પોલીસ પોતાની શોધમાં કેવા હવાતિયા મારી રહી છે તે સહિતની વિગતો આ ડાયરી લખનાર વિદ્યુતે તારીખવાર પ્રમાણે ટપકાવેલી હતી.

કલ્પિતની ભલે રાતની ઉંઘ હરામ થઈ ગઈ હતી પણ ઝાલાને તો સવાર-સવારમાં બગાસું ખાતા પતાસું હાથ લાગી ગયું હોય તેમ તેના જોમનો કોઈ પાર ન રહ્યો. અત્યાર સુધી શહેરમાં દહેશત ફેલાવી દેનાર અને પોલીસની આબરૂનો ધજાગરો કરી નાખનાર ભેદી હત્યાઓનો મોટો પુરાવો અને સગડ બની શકે તેવી ડાયરી તેના હાથમાં આવી ગઈ હતી. હવે તે હત્યારાને પાતાળમાંથી પણ ખોળી કાઢવાની તૈયારી મનોમન કરી ચુક્યો હતો. તેણે કલ્પિતને તો સાંત્વના આપીને રવાના કર્યો પણ પછી પોતે આકાશ-પાતાળ એક કરવામાં લાગી ગયો.

સૌથી પહેલા તો તેણે પોતાના આસિસ્ટન્ટને ડાયરીમાં લખાયેલા મોબાઈલ નંબરનાં કોલ રેકોર્ડ અને લોકેશનની વિગતો ટેલીકોમ કંપનીમાંથી કઢાવવાનો આદેશ છોડયો. પછી ઓફિસ પહોંચીને તેણે ડાયરીનો ઉંડો અભ્યાસ શરૂ કર્યો. જેમાં તેને આ ડાયરી લખનાર શખસ વિદ્યુતનાં ઘરનાં સરનામાનો અંદાજો મળી ગયો. તાબડતોબ તેણે પોતાની ટીમ તૈયાર કરી અને પોતાના અંદાજ પ્રમાણે એક વિસ્તારમાં તપાસ ચલાવી. જેમાં તેને વિદ્યુત છેલ્લા દસેક મહિનાથી એક ઓરડીમાં ભાડેથી રહેતો હોવાની જાણકારી મળી. જો કે તેના મકાન માલિકે વિદ્યુત એકદમ સાધારણ જણાતો હોવાનું અને છેલ્લા એકાદ અઠવાડિયાથી ભેદી રીતે ગુમ થઈ ગયો હોવાનું જણાવ્યું. ઓરડાની તલાશીમાં ઝાલાને વિદ્યુતનો બંધ સ્વીચઓફફ થયેલો મોબાઈલ ફોન મળી આવેલો. જો કે તેમાંથી ઝાલાને બીજીકોઈ ભેદી માહિતી હાથ લાગી નહીં. મકાન માલિકની મદદથી ઝાલાએ તેનો સ્કેચ તૈયાર કરાવડાવ્યો અને રાજ્યમાં તમામ પોલીસ સ્ટેશનો અને તમામ મીડિયામાં એ તસ્વીર વહેતી કરાવી દીધી.

ઝાલાએ હવે એ હત્યારાને પકડી પાડવા માટે ચારેકોર ઘોડા દોડતા કરી દીધા હતાં. આ દરમિયાન જ તેના હાથમાં વિદ્યુતની કોલ ડીટેઈલ આવી. આમાં તેને કોઈ ખાસ શંકાસ્પદ બાબતો લાગી નહીં. જો કે સમયાંતરે ફોનનાં લોકેશન ક્યા હતાં એ જાણીને ઝાલા પણ ગોટાળે ચડી ગયો. દરેક હત્યાનાં સમયે વિદ્યુતનાં ફોનનું લોકેશન તેના ઘરનું જ જોવા મળતું હતું પણ એ હત્યાનાં થોડા દિવસો પછી તેના ફોનનું લોકેશન લાશ મળવાનાં સ્થળની આસપાસ જોવા મળ્યું. ઝાલાને શંકા ગઈ કે હત્યા વખતે વિદ્યુત ફોન ઘેર રાખીને જતો હશે. જેથી તે કોઈ પુરાવા ન છોડી જાય. વળી હત્યા પછી થોડા દિવસે કદાચ તે ભૂલેચુકે કોઈ પુરાવા છૂટી ન ગયા હોવાની ખાતરી કરવા માટે જે તે સ્થળે જતો હશે તેવો તર્ક ઝાલાએ લગાડયો અને હત્યારો ભારે શાતીર દિમાગ હોવાની ધારણા તેણે બાંધી. જો કે આવો ભેજાબાજ ડાયરી લખવાની અને એ દરીયાકાંઠે ભૂલવાની ભૂલ કેવી રીતે કરી ગયો હશે એ સવાલ પણ ઝાલાને અકળાવતો હતો.

શહેરમાં ચારેકોર હવે આ હત્યારાની ચર્ચા ફરીથી છેડાઈ ગઈ હતી. ઠેરઠેર પોલીસે સિરિયલ કિલરના સ્કેચ સાથેની ચેતવણીઓ ચીપકાવી દીધી હતી. લોકોની નજર પણ હવે ભીડ વચ્ચે આ ખતરનાક હેવાનનો ચહેરો શોધતી હતી. આ બધા વચ્ચે એક માણસ બસ સ્ટેન્ડ ઉપર એસટીબસમાંથી ઉતર્યો. થાક ઉતારવા અને રીફ્રેશ થવા માટે તે એક ઠંડાપીણાની દુકાને પહોંચ્યો અને ત્યાં નજીકમાં જ પોતાના ચહેરા સાથેની જાહેર ચેતવણી વાંચીને તે ડઘાઈ ગયો.

હવે તે પોતાના ઘેર જવાને બદલે બધાની નજર ચુકવીને સીધો ક્રાઈમબ્રાન્ચ પહોંચ્યો. પોતાના ચહેરા સાથેની ચેતવણી વિશે પોલીસને જાણ કરીને તેણે ઝાલાસાહેબ સાથે મુલાકાત માગી. તે વખતે કલ્પિત સાથે બેઠેલા ઝાલાએ તુરત જ તેને પોતાની ચેમ્બરમાં બોલાવ્યો અને તેને જોઈને ઝાલાની આંખમાં આગની ઝાળ ભભૂકવા લાગી.

તેને જોતા વેંત પોતાની ખુરશી ઉપરથી ઉછળીને ઉભા થયેલા ઝાલાનાં મુખમાંથી બેફામ ગાળોની ગોળીઓ ફુટવા લાગી પણ આજીજીનાં સૂરમાં આવેલા શખસે કહ્યું કે ’ પહેલા મારી વાત સાંભળો. હું સામેથી તમારી પાસે આવ્યો છું મતલબ કે મારે તમને કશુંક જણાવવાનું છે.’ ઝાલાએ ગાળાગાળી બંધ કરતાં જ વિદ્યુતે શાંતિથી પોતાની વાત મુકતાં કહ્યું કે, ’તમે જેને શોધો છો એ હું નથી.’ જો કે તેની કલ્પના બહાર ઝાલાએ કંઈ વિચાર્યા વિના એક તમાચો તેના ગાલ ઉપર ચાંભુ પાડી દે તેવી તાકાતથી ઝડી દીધો અને કહ્યું ’તારા જેવા હરામી આવું જ બોલતાં હોય’. આટલું બોલીને બીજો ફડાકો તેણે વિદ્યુતને ચોંટાડી દીધો. જો કે ઝાલાની જેમ જ કલ્પિતને ભારે આશ્ચર્ય પણ થતું હતું કે આ ખતરનાક ખૂની સામેથી કેવી રીતે પોલીસ પાસે આવી ગયો!

’સાહેબ મારી વાત તો સાંભળો... હું કોઈ હત્યારો નથી. હું તો એક લેખક છું. આપણાં શહેરમાં બનેલી ઘટનાઓ ઉપર હું એક ઉપન્યાસ લખું છું. જેમાં મે તાજેતરમાં થયેલી ભેદી હત્યાઓનો આધાર લઈને હત્યારાની કાલ્પનિક ડાયરી લખી છે. આ પુસ્તક હું એવી રીતે લખી રહ્યો છું જાણે હું જ કોઈ સાઈકો હોય અને આ હત્યાઓ કરતો હોય. મેં આ વાર્તા લખવા માટે બધી હત્યાઓના સ્થાનોની પણ મુલાકાત લીધેલી અને પોલીસની તપાસની વિગતો પણ હું લખતો. મારા લખાણની ડાયરી ખોવાઈ ગઈ છે નહીંતર હું તમને બતાવેત. તમારી કોઈ ભૂલ થઈ છે...’ નાહક ફસાઈને માર ખાઈ ચુકેલો વિદ્યુત કાંપતા-કાંપતા એક શ્વાસે આટલું બોલી ગયો. વિદ્યુતની આટલી વાત પછી ઝાલાએ તેની ઘણી ઉલટ તપાસ કરી. જો કે તેને ધીમે-ધીમે વિદ્યુતની નિર્દોષતાની ખાતરી થવા લાગી. વિદ્યુતે પોતાના પ્રકાશક સાથે પણ શહેરમાં બનતી હત્યાની ઘટનાઓ વિશે પોતે વાર્તા લખતો હોવાની ચર્ચા કરેલી. તેની સાથે પણ તેણે ફોન ઉપર ઝાલાની વાત કરાવી દીધી. પછી કોઈ મોટી ભૂલ થતી હોવાનું ભાન ધીમે-ધીમે ઝાલાને થવા લાગ્યું હતું. કલ્પિત પણ ત્યાં બેઠા-બેઠા પોતાના હિસાબે એક સાધારણ લેખકને હાલાકી ભોગવવી પડી હોવાના અફસોસમાં સરકવા લાગ્યો હતો.

ઝાલા માથું ખંજવાળતા તેની સામે જોઈ રહ્યો... કલ્પિત પણ શૂન્યમનસ્ક થઈ ગયો.

***