Bhagini Virah books and stories free download online pdf in Gujarati

ભગિની વિરહ

માત પિતાની છત્રછાયા ગુમાવ્યા પછી પ્રેરણાનું એક માત્ર જીવવાનું કારણ હતું, મનન! એનો નાનો ભાઈ! પ્રેરણાની ઉંમર પંદર વર્ષની હશે અને મનન તો હજી આઠ વર્ષનો માંડ થયો હશે. એક બેદરકાર મુકાદમની લાપરવાહીથી કોઈ નવા મકાનની તાજી બનાવેલી છત ધરાશાયી થતા એમના મજુર માતા પિતાનું કમોતે મૃત્યુ થયું. કુદરતની ક્રુરતા પણ એવી કે આ બે નધણીયાતા બાળકોને સાંત્વના આપવાવાળા સગા-વ્હાલા ન જાણે પોતાના વતન છોડીને દુર સુદૂર મજૂરીએ હતા! પ્રેરણા કેમેય કરીને આ આઘાત જીરવી ગઈ. એ મનનથી છાનુંછૂપું કોઈ કોઈ વાર રડી લેતી. પણ મોટાભાગનો સમય એ શાંત અને ધીરગંભીર રહેતી. એણે પોતાનું અને મનનનું એક અલગ અસ્તિત્વ, એક અલગ દુનિયા બનાવવાનું શમણું સેવ્યું હતું.

સંજોગો જોઇને પ્રેરણાએ ભણવાનું તો ઓછું કરી જ દીધું હતું. રોજ રોજ બાંધેલા પાંચેક ઘરના કચરા પોતાં અને વાસણ પતાવીને સાડા દસ વાગ્યે અચૂક મનનને શાળાએ મુકવા જતી. પછીનો બપોર સુધીનો સમય નજીકમાં મજૂરીએ જતી અને ચાર વાગ્યાથી પાંચ સુધી જે સમય મળે એમાં વાંચી-લખી લેતી. મળતી કમાણીમાંથી એક ચોક્કસ ભાગ મનન માટે અલગ રાખે અને બાકીના ભાગથી એક ટંક ભોજન. આમ એમના ભરણનું ભારણ ઓછું થઇ જતું.

એક ચોમાસે મનને આપેલી જવાહર નવોદયની પરીક્ષાનું પરિણામ આવ્યું અને તે પાસ થયો. પણ કુદરત એટલી વિષમ હતી કે એ જ વખતે વાઈરલના લીધે મનન સખત બીમારીમાં પટકાયો. તાવ હતો કે મટવાનું નામ નહતો લેતો. દવા-દારૂ, દોરા-ધાગા બધું જ કર્યું પણ બીમારી પકડાઈ નહી. આ સમય દરમિયાન એની સંભાળ રાખવા માટે થઈને જે પાંચેક ઘરનું કામ બાંધેલું હતું, અનિયમિતતાના લીધે એ પણ હાથમાંથી ગયું. હવે આવકનો કોઈ સ્ત્રોત નહતો. પ્રેરણાએ જેમ બને તેમ જલ્દી નિર્ણય લેવાનો થયો. એણે નક્કી કર્યું કે ‘મજુરીમાં રાત દિવસ એક કરીને મનનને સાજો કરી દઉં અને જવાહર નવોદયની શાળામાં ભરતી કરાવી દઉં’

આખરે શહેરના એક મોટા ડોકટરે મનનની નસ ઓળખી અને દવા કરી. એક મહિના પછી મનન પહેલા જેવો પ્રેરણાને પાછો મળ્યો. સમય વેડફ્યા વગર પ્રેરણાએ શાળામાં દાખલો કરાવી દીધો.

“ભઈલા! રડતો નઈ હો કે! અહી થોડા ટેમમાં બધું ફાવી જાહે. મને ટેમ મલહે એમ હું આવતી રે તન મલવા”, મનનનો થેલો એના હોસ્ટેલ રૂમમાં મુકતાં મુકતાં પ્રેરણાએ કહ્યું.

“ના બુન. મારે અહી નથ રે’વું”, મનન આટલા વર્ષો માતાપિતાથી દુર રહ્યો અને હવે એકમાત્ર બહેનના સહારે હતો એ પણ જાણે છોડીને જતી હતી.

“રે’વું પડે મનુ. તારે મોટો સાહેબ બનવાનું સે ભાય. ચાર લોકો તારી ઓફીસુમાં તને સલામ ઠોકતા હશે એવું તું કે’તો ને એક દિવસ?! આમ હાવ નિરાશ થઇ જાય કેમ સાલે?”, પ્રેરણાએ જાણે પ્રેરણા આપવાનો પ્રયાસ કર્યો.

“પણ તું અહી આવતી રે’જે હો બુન”, કહીને મનન ગળે વળગ્યો. બંને ભાઈ બહેન એટલું રડ્યા કે જેટલું એમના માવતરના અવસાન વખતે હૃદયમાં ભરી રાખ્યું હતું.

અંતે છુટા પડવાની ઘડી આવી. પ્રેરણાએ ત્યાનાં મહિલા વોર્ડન સાબીદા બેગમને પોતાની પરિસ્થિતિની બધી જ વાત કહી દીધી. સાબીદા બેગમે એનો ભાઈ જ્યાં સુધી એમના હાથ નીચે છે ત્યાં સુધી એનું સંપૂર્ણ ધ્યાન રાખશે એવી ખાતરી આપી. છેલ્લે જતી વખતે પ્રેરણાએ દર છ મહીને મળવા આવવાનું ખોટું વચન આપીને ભાઈને ત્યાં મુક્યો. હવે મનનનું ભવિષ્ય સુનિશ્ચિત હતું.

દર છ મહીને પત્રમાં ના આવી શકવાનું કારણ અને એક રાખડી બંને બીજા છ મહિનાના અંતે અચૂક આવી જતા. સાબીદા બેગમ એ બંને સાચવીને સાંજે મનન આવે ત્યારે અચૂક આપી દેતા. દર વર્ષે રક્ષાબંધન પર પ્રેરણાનો રાખડી સાથેનો પત્ર આવતો.જે પત્રમાં મળવા ના આવી શકવાનું કારણ અને મનન પોતે જે વર્ષમાં પ્રવેશ કરી રહ્યો હોય એ વર્ષે પોતાનામાં કેવા પરિવર્તનો જોશે એની વાત પ્રેરણા લખતી. મનન પણ દરેક રાખડી જાતે પહેરવાનો પ્રયત્ન કરતો પણ નિષ્ફળ જતા એ રાખડી સાબીદા બેગમ પાસે પહેરાવડાઈ દેતો. પત્ર પર મોકલનારનું કોઈ સરનામું હોતું નહિ. ટપાલીને લાખ સમજાવવા છતાં ટપાલી એ શોધવા માટેની જદ્દોજહત કરવાની ના જ પાડતો હતો. મનન પત્ર અને રાખડી બંને સાચવીને ભેગા કરતો હતો. મનન મોટો અને સમજણો થતો ગયો. ગ્રેજ્યુએશન પણ જવાહર નવોદયની સ્કોલરશીપ પર પૂરું કર્યું. મહેનતમાં રાત દિવસ ઝંપલાવી અને સરકારી પરીક્ષા પાસ કરીને એક જીલ્લાનો સમાજ કલ્યાણ અધિકારી બન્યો. એની આ ખુશી મનાવવા એના માત્ર મિત્રો અને સાબીદા બેગમ જ હતા. પ્રેરણાની કમી હમેશા એને ખૂંચતી હતી. સમજણો થયા પછી ઘણીવાર બધું યાદ કરીને એ રડ્યો હતો.

તે દિવસે મનનને હોસ્ટેલ મુકીને પ્રેરણા સીધી ત્યાંથી કોસો દુર એક “નવજીવન વૃદ્ધાશ્રમ”માં રોજીંદા કામો કરનાર તરીકે જોડાઈ. ત્યાં રહેતા વૃધ્ધોની સેવા કરવી, એમની દવાના સમય નક્કી કર્યા પ્રમાણે દવા આપવી વગેરે કામોમાં પોતાની જાતને જોતરતી ગઈ. એ મનનને એવા ડરથી મળવા નહતી જતી કે ક્યાંક મનનની માસુમિયત અને નિર્દોષતા એને પોતાની પાસે પાછો લઇ જવામાં કારણભૂત ન બને. એ કોઈ પણ ભોગે મનનને એના સપનાની દુનિયા આપવા ચાહતી હતી. એક બહેન માટે ભાઈના સપના પુરા થવા કરતા મોટી બીજી કોઈ જ સ્પૃહા ન હોઈ શકે.

પ્રેરણા જ્યાં કામ કરતી હતી એ નવજીવન વૃદ્ધાશ્રમમાં લગભગ પચાસ વૃદ્ધ યુગલ હતા અને એમની સારસંભાળ લેતી પ્રેરણા સૌને પોતાની દીકરી લાગતી! પ્રેરણાને પોતાના માવતરની સેવા કરવાનો અવસર તો કુદરતે છીનવી લીધો પણ અન્ય ઘણા યુગલો કે જેમના સંતાનો માટે એમનું કોઈ મહત્વ નથી એમની સેવા કરવાનો અવસર એને સાંપડ્યો હતો. એ બધાયની દિલથી સેવા કરતી એટલે બધામાં પ્રિય પણ એટલી જ હતી! વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીએ આ ધ્યાનમાં લીધું અને પ્રેરણાને ત્યાની સેક્રેટરી બનાવી દીધી. પત્રમાં માત્ર “હું હેમખેમ છું અને મારી જરાય ચિંતા કરતો નઈ” એટલું લખીને એ ટૂંકાવી દેતી. ઘણીવાર એને થયું કે લખી દઉં કે હું ક્યા છું અને શું કરું છું પણ એની અંદરની બહેને એને એમ કરતા દરવખતે રોકી હતી.

કુદરત હવે પોતાના ખેલનો અંતિમ પડાવ ખેલવાના મૂડમાં હતી. વૃદ્ધ દંપતીઓની સંખ્યા વધતા એક બીજું વૃદ્ધાશ્રમ ખોલવાની તાતી જરૂરીયાત ઉભી થઇ. કારણ કે હવે જો સંખ્યા વધે તો ઓરડીઓ ખૂટે તેમ હતી અને જૂની ઈમારતમાં રીનોવેશન પણ શક્ય નહતું. આ માટે ટ્રસ્ટીએ મીટીંગ કરી અને બીજું વૃધાશ્રમ ખોલવા માટે પરમીશન લેવાનું કામ પ્રેરણાને સોંપ્યું. પ્રેરણાએ એ વિસ્તારના કોર્પોરેશનને લેખિત અને મૌખિક રજુઆતો કરી પણ ટેબલ પર ‘ભાર’ મુક્યા વગર તેઓ પરવાનગી આપે એમ નહતા. આથી પ્રેરણાએ મીડિયાનું શસ્ત્ર અપનાવ્યું. એક લોકલ ન્યુઝ ચેનલના પત્રકારને આપેલા ઈન્ટરવ્યુંમાં એણે પ્રશાસનને કડક શબ્દોમાં વખોડી કાઢ્યું હતું અને વધુમાં ઉમેર્યું હતું કે ‘ભ્રષ્ટાચાર એટલો ચરમ પર છે કે કોઈને માણસાઈ માટે પણ રૂપિયાની જરૂર છે’.

એનો ઈન્ટરવ્યુ વાઈરલ થયો અને સંજોગોવસાત સરકારના જેતે સંલગ્ન મોટા અધિકારીને કોર્પોરેશન પાસેથી વિગતો મેળવવા ત્યાં મોકલવામાં આવ્યા. જે અન્ય કોઈ નહી પણ મનન હતો. મનને ત્યાં જઈ બધી લેખિત અરજીઓ વાંચી. અક્ષરો અને હસ્તપ્રતો જોતા એને મનમાં થયું, “આ હેન્ડરાઈટીંગ ક્યાંક તો જોયેલા છે”. એણે મગજ પર જોર આપ્યું અને પોતાની પાસે રહેલા પ્રેરણાના પત્રો બહાર કાઢ્યા. એ વિસ્મય પામી ગયો. શું કરવું? કોને કહેવું? કે એની સાથે શું થયું છે! મનન ખુશ થઈને રડી રહ્યો હતો. આખરે એની બહેન એને પાછી મળી હતી. આવું કોઈ કરે છે ભલા?! આટલા વર્ષો સુધી મળવા ના આવો અને આમ અચાનક જડી જાઓ? ભગવાન ક્યારેક કોઈ ચીજ આપતા સમય લગાવે છે પણ આપે છે ત્યારે કોઈ કમી બાકી નથી મુકતો.

મનને તાબડતોબ પ્રેરણાને પોતાની કોર્પોરેશનની ઓફીસ બોલાવી અને પોતાની ઓળખ છુપાવી રાખી. એણે ટેબલ પર પોતાને મળેલી રાખડીઓ અને પત્રો સજાવીને મૂકી દીધા. બધું ગોઠવાઈ ગયું હતું અને પ્રેરણાએ ઓફીસમાં પગ મુક્યો. એ ગુસ્સામાં એટલી કાળીપીળી હતી કે રાખડી કે પત્રો કશું જ એને જોયું નહિ અને આવીને રીતસર બુમ પાડી,

“ક્યા છે પેલા મોટા સાહેબ જેને તમે સલામો મારો છો? બોલાવો એમને અને બતાવો કે અહી શું ચાલી રહ્યું છે તે!”

મનન સામેથી આવે છે. આટલા વર્ષો બાદ સ્વાભાવિક છે કે પ્રેરણા મનનને ન ઓળખી શકી. એટલે એ હજીયે ગુસ્સામાં લાલઘૂમ જ હતી,

“બસ એક ઈન્ટરવ્યું શું આપ્યો તમે દોડ્યા આવો છો લાટસાહેબો બધા. અત્યાર સુધી ક્યાં હતા?”

“બુન.......”, મનન એક શબ્દ બોલ્યો કે તરત પ્રેરણા શાંત થઇ ગઈ. એનો ગુસ્સો સળગતી દિવેટથી જેમ મીણ પીગળે તેમ શમી ગયો. એણે ઉપરથી નીચે સુધી મનનને જોયો. સહેજ નજર ફેરવતા એણે પોતે મોકલાવેલી રાખડીઓ અને પત્રો ટેબલ પર સજાવેલા જોયા. અને જેમ શુલપાનેશ્વર પાસે નર્મદાનો ધોધ પડે તેમ એની આંખો ભરાઈ આવી અને ટપટપ અશ્રુબિંદુઓ ગાલ પરથી સરકીને જમીન પર પડવા લાગ્યા. બંને ભેટ્યા અને એકબીજાને કશું કહ્યા વગર રડવા લાગ્યા. એ જ રડવું આવ્યું જે હોસ્ટેલના રૂમમાં આવ્યું હતું.

ભાઈ બહેનના આ મિલનનું કોર્પોરેશનનું દરેક વ્યક્તિ સાક્ષી હતું. એ ક્ષણની અસર એટલી તો પ્રચુર હતી કે આ પછી કોર્પોરેશનના કોઈ અધિકારીએ કોઈ સામાજિક કામ માટે રૂપિયોય લીધો નથી...