Filmina books and stories free download online pdf in Gujarati

ફિલ્મીના

ફિલ્મીના

ગોવાથી મુંબઈ તરફ બસ ઝડપથી આગળ વધી રહી હતી. ગોવાના રોકાણ દરમ્યાનના નિર્મળ આનંદને એ વગોળી રહ્યો હતો. રહી રહીને વસવસો હતો ફિલ્મીના ન મળ્યાનો! એને ફિલ્મીના યાદ આવી રહી હતી.

દીવ-દમણ અને ગોવા ફિરંગીઓની હકૂમતમાંથી મુક્ત થયા પછીના એ દિવસો હતા. ગુજરાતના ચોથા ભાગની ભૂગોળ પર કબ્જો જમાવતો કચ્છપ્રદેશ ક્યાં અને ગોવા ક્યાં? એ કોઈ ઋણાનુબંધ જ હશે કે છેક કચ્છમાં તેને ફિલ્મીના મળી ગઈ હતી.

“ગોવા જાઓછો તો ફિલ્મીનાનો પત્તો મેળવજો” મેં હસતાં હસતાં તેમને કહ્યું હતું. પણ ગોવામાં ફિલ્મીના એને ક્યાંય ન મળી એનો એને અફસોસ હતો. ગોવાથી બસ ઉપાડતાં જ ફિલ્મીનાએ એનાં સ્મરણોનો કબ્જો લઇ લીધો.

કચ્છના નખત્રાણા જેવા નાનકડા ગામમાં પણ તાલુકા મથકની મુખ્ય પ્રાથમિક શાળાના શિક્ષકના રૂઆબ અને જિદના કારણે મળેલું સરકારી ક્વાર્ટર, બેઠા ઘાટના સરકારી બંગલા જેવા ઘરમાં રહેતા એ પરિવારની પાછળ જ થોડા સમયથી એક બંગલામાં એક ખ્રિસ્તી પરિવાર રહેવા આવ્યો હતો.

ક્વાર્ટરની પાછળ વરંડામાં અવિએ ફૂલછોડ વાવ્યાં હતાં. મા સવારે તુલસી વંદના કરી લે પછી જ અવિની સવાર પડતી. વરંડાની સરકારી દીવાલો ખૂબ ઊચી હતી. તે દિવસે સવારથી સૂર્ય સવારીમાં બફારાનો અનુભવ થતાં પાછળનો દરવાજો ખોલી અવિ ફૂલછોડની માવજતમાં લાગી ગયો હતો. ક્યારાની માટી થોડી ઊંચી-નીચી કરી છોડને પાણી પાયું અને માટીવાળા હાથે જ દરવાજા પાસે જઈને એ ઉભો રહ્યો.

તેણે જોયું તો પાછળના ક્વાર્ટરનો દરવાજો ખુલ્લો હતો અને ત્યાં ખુલ્લા દરવાજામાં એક માસૂમ પણ, ત્યાંના સમગ્ર વાતાવરણથી અલગ વરતાઈ આવે, મનને ગમી જાય એવી છોકરી ઊભી હતી અને વિમાસણથી પૂરા વાતાવરણને પામી જવાની, ઓળખી જવાની, ઓતપ્રોત થવાની ઈચ્છા તેની આંખોમાં વર્તાતી હતી.

અવિ તો આંખો પહોળી કરીને જોઈજ રહ્યો! તેણે માટી, ખાતર અને પાણીપાયેલા ફૂલ કરતાં બીજું જ ફૂલ જોયું. આંખોને ખેંચી રાખનાર એ ફૂલ તો વરંડાની પાછળ, સામેના મકાનના પ્રવેશદ્વારે ઊગી નીકળ્યું હતું. તેણે ક્યારી તરફ જોયું તો માવજતથી ઉછરેલો છોડ હળવી પવનની લહેરખીમાં ડોલીને હસી રહ્યો હતો.

અવિની આંખો પાછળના બંગલાના પ્રવેશદ્વાર પર ખોડાઈ રહી. ‘ આવી છોકરી અહીં ક્યાંથી?’ મૂંઝવણ અનુભવતો તે, માસૂમ છોકરીને જોઈજ રહ્યો.

ત્યાં એ પ્રવેશદ્વારમાં ખ્રિસ્તી કાકી દેખાયા. પાછળના ક્વાર્ટરમાં રહેતી એ મહિલાને તે ખ્રિસ્તી કાકી કહી બોલાવતો. તેમણે એ અનોખા કેશકલાપ અને વેશપરિધાનવાળી છોકરી ને પહેલા માથે અને પછી પીઠ પર હાથ મૂકી કંઈક કહ્યું. પેલી છોકરીએ તેની સુરેખ આંગળી અવિ સામે ચીંધી એટલે કાકી ખડખડાટ હસી પડ્યાં અને અવિને હાથના ઈશારે નજીક બોલાવ્યો.

તેણે પહેલા તો માટીવાળા હાથ સામે જોયું, પણ પછી તરત દોડી ગયો. ગુજરાત સરકારની નોકરી અને વારંવાર સ્થળાંતર પછી કાકીને થોડું ગુજરાતી અને હિન્દી બોલતાં આવડી ગયું હતું.

તેમણે કહ્યું, “ અવિ, આફિલ્મીના છે, મારી દીકરી. ગોવામાં નાના-નાની સાથે રહીને ત્યાંજ અભ્યાસ કરેછે. વેકેશન ગાળવા અહીં આવી છે. તું એને તારી સાથે રમાડજે. જોકે એને અંગ્રેજી સિવાય કોઈ ભાષા બોલતાં આવડતી નથી. ક્યાંય તકલીફ પડે તો મારી પાસે ચાલ્યા આવજો. “ પછી કાકીએ ફિલ્મીનાને કંઈક કહ્યું તે સાથે એ રૂપકડી છોકરીએ એની તરફ હાથ લંબાવ્યો. અવિને તો કશી ખબર જ નહોતી! શેક હેન્ડ કરવાને બદલે તેણે ફિલ્મીનાનો હાથ પકડીને પોતાના ઘરના વરંડાના દરવાજા તરફ દોરી ગયો. અવિએ પાછળ ફરીને જોયું તો કાકી હસતાં હસતાં ઊભાં હતાં. ખ્રીસ્તી કાકીએ મૂકેલા વિશ્વાસથી એનામાં જવાબદારીના ગુણનું ફૂલ ખીલ્યું.

અવિએ વરંડામાં આવ્યા પછી ફિલ્મીનાનું કાંડું છોડ્યું. એણે જોયું તેનું કાંડું કચ્છની માટીથી ખરડાઈ ગયું હતું. પહેલીવાર સાંભળેલું નામ “ ફિલ્મીના “ તેના હોઠ પર બરાબર બેસતું ન હતું. તેથી સંબોધન વિના જ તેણે ક્યારા અને ફૂલોની વાત કરી. બાકી રહેલું માટીકામ પૂરું કર્યું. ત્યાં સુધી ફિલ્મીના એ બધું જોઈ રહી હતી. અવિએ હાથ ધોયા અને ભીના હાથે ફરી તેનો હાથ પકડી ઘરમાં લઇ ગયો.

સામેજ બા મળી. અવિએ તો ગુજરાતીમાં જ ઓળખાણ કરાવી ‘ મારી બા છે. ‘ ફિલ્મીનાએ જે રીતે અભિવાદન કર્યું તેના પરથી અવિને લાગ્યું કે તેણે આપેલી સંબંધની ઓળખાણ એ સમજી ગઈ છે. મોટાભાઈ, નાની બહેન, પિતાજી બધાની વાત તેણે ફિલ્મીનાને કરી. ફિલ્મીના સમજે કે ન સમજે કહી દેવું એ તેને ફરજરૂપ લાગ્યું.

ઉત્સાહથી અપાઈ રહેલી ઓળખવિધિ પૂરી થઇ કે બાએ ફિલ્મીનાને માથે હાથ ફેરવ્યો. કપાળના ભાગથી શરૂ થયેલા બાના અંગુલિસ્પર્શને અવિ એ છોકરીના માથાના વાળ જ્યાં પૂરા થતા હતા એ ગરદનના ભાગને ઈર્ષાળુ ભાવે જોઈ રહ્યો. અવિની નજર ત્યારેજ હટી જયારે બાએ પૂછ્યું, “અવિ, સવારના પહોરમાં આ સુંદર પતંગિયું ક્યાંથી પકડી લાવ્યો? “ અવિએ તરત જવાબ આપ્યો, “ બા, જોજે હવે મારા છોડ પર તરત જ ફૂલ ઉગશે! “

“ તારું નામ શું બેટા? “ ફિલ્મીના ચૂપ. અવિની નાની બહેન સોનલે તેનો હાથ પકડીને પૂછ્યું, “ તારું નામ શું છે? “ જવાબમાં ફિલ્મીના સ્મિત આપી, ચૂપ રહી. પૂછાતા પ્રશ્નોથી અવિને અકળામણ થઇ. તેણે કહ્યું, “ ખ્રિસ્તી કાકીની દીકરી છે. નામ છે ફિલ્મીના અને ગોવામાં રહીને અભ્યાસ કરેછે.” સોનલે પૂછ્યું. “ એ મૂંગી છે? “ અવિને આ સવાલ ગમ્યો તો નહીં પરંતુ એણે કહ્યું. “ ના, ફિલ્મીના ગુજરાતી નથી જાણતી માટે. “ આઠ વરસની ઉંમરે અંગ્રેજી ના આવડવાનો અફસોસ અવિને થયો. તે ફિલ્મીના જોડે વાત કેમ કરશે?

અચાનક નાજુક હાથના સ્પર્શથી તેની વિચારધારા તૂટી. તેણે જોયું બસ ઝડપથી મુંબઈ તરફ આગળ વધી રહી હતી. ગોવા માઈલો પાછળ રહી ગયું હતું. બહાર અંધકારનું સામ્રાજ્ય પ્રતિક્ષણ જામતું જતું હતું.

એક સુંદર, પહેલી જ નજરે ગમી જાય તેવી નાનકડી છોકરી તેના પગ પર હાથ મૂકીને, બાજુની સીટ પર બેઠેલા તેના મમ્મી-પપ્પા સાથે ચેનચાળા કરતી, હસતી હતી. તેનો હસતો ચહેરો ખીલેલા ફૂલ જેવો સુંદર લાગતો હતો. અવિએ તેને ઊંચકીને ખોળામાં લીધી, “ મે આઈ નો યોર ગુડ નેમ બેબી?” ‘મેરી’ એટલું કહેતાંકને બેબી ખોળામાંથી ઉતરી મમ્મીની ગોદમાં લપાઈ ગઈ.

મેરીની મમ્મીનો ચહેરો જોઈ અવિને ફિલ્મીના યાદ આવી. આટલા વર્ષો પછી ફિલ્મીના મારી સામે ઊભી રહી હોત, તો પણ એ એ જ છે એમ માની લેવા પ્રમાણ શોધવા પડત! એ મેરીની મમ્મીને જોવા લાગ્યો અને ફિલ્મીનાનો ચહેરો શોધવા મથતો રહ્યો. ખરાબ ન લાગે તેથી તેણે નજર ફેરવી લીધી. ફરી એ જ વિચારો સાથે અનુસંધાન જોડાયું.

ફિલ્મીનાના ઘરમાં સમય પસાર કરવા કાર્ડ્સ, ચેસ વગેરે અનેક રમતો હતી. અવિ તો માત્ર ક્રિકેટ જ રમતો. ક્રિકેટ રમવાનો ખૂબ શોખ હતો. પણ ચેસ કે કેરમ તો કદી તે રમ્યોજ નહોતો. ફિલ્મીના અવિને એ બધી રમતો શીખડાવવા પ્રયત્ન કરતી પણ અવિને એ બધું સમજાતું નહિ છતાં ફિલ્મીનાના આનંદ ખાતર તેની સાથે એ રમતોમાં જોડતો.

એક દિવસ અવિએ કાકીને કહ્યું,”કાલે અમે ડુંગર પર આવેલા તળાવ પર ફરવા જઈશું.” કાકીએ આ વાત ફિલ્મીનાને કહી. તે તાળીઓ પાડી ઉઠી અને બોલી એ શબ્દો આજેય અવિને યાદ હતા-‘ ઓહ મમ્મી, આઈ વુડ લાઇક ટુ વિઝિટ ધ લેક.’

કાકીએ દુભાષિયાની અદાથી અવિને કહ્યું,” તારા પ્રસ્તાવથી ફિલ્મીના ખૂબ ખુશ થઇ છે. દરિયાના સાનિધ્યમાં રહેતી તેને ઘણા દિવસ પછી તળાવ જોવા મળશે. એ તારી સાથે આવશે હો.”

અવિને આજે ગોવાથી પાછા ફરતાં ફિલ્મીનાની પાણીના સાનિધ્યની ઘેલછા સમજાઈ! તેને ગોવાના બીચ યાદ આવી ગયા. તેને એમ પણ થયું કે ગોવાના દરિયાકિનારાની સરખામણીમાં નાનપણમાં ફિલ્મીનાને બતાવેલું તળાવ કોઈ જ વિસાતમાં નહોતું. પણ વતનનાં એ તળાવ સામે ગોવાના બીચ મહત્વ નથી ધરાવતાં એ અવિની લાગણી હતી અને એમાં વજૂદવાળું કારણ એ હતું કે એ દિવસે ફિલ્મીના આખો દિવસ તેની સાથે એ તળાવ પર હતી. એ તળાવનું વિશેષ મહત્વ હતું.

નિયત સમયે બીજા દિવસે તે ફિલ્મીનાને ઘેર પહોંચી ગયો. કાકીએ નાસ્તો, પાણી અને કોફી સાથે લઇ જવા આપ્યાં.

અવિ અને ફિલ્મીના ડુંગર ચઢવા લાગ્યાં. વાતચીતમાં ભાષાનો અવરોધ હતો જ છતાં બંને જે બોલે એ બેઉ જણ સમજી જતાં હતાં. ફિલ્મીના થાકી ગઈ. અવિએ વોટરબેગ ખોલી પાણી પાયું અને કહ્યું, “ હવે આપણે ઉપર ચઢવાનું નથી. ડુંગરની અધવચ્ચેની કેડીએથી જ એ તળાવ પર પહોંચવાનું છે.” ફિલ્મીના જે સમજી હોય તે પણ વળાંક આવતાં તેણે અવિનો હાથ સજ્જડ રીતે પકડી લીધો.

અવિને ફિલ્મીનાનો હાથ પોતાના હાથમાં હોવાનો અનુભવ નવો લાગ્યો. થોડું ગમ્યું અને થયું.’આ હાથ છુટે નહીં તો સારું!’

તળાવ પાસે પહોંચતા જ ફિલ્મીના ’વન્ડરફુલ, વન્ડરફુલ!’ એવું તાળી પાડીને બોલી હતી. અવિના કાનમાં એ શબ્દો ફરી ફરીને પડઘાવા લાગ્યા.

બંને થાક્યાં હતાં, ભૂખ પણ લાગી જ હતી. અવિએ નાસ્તાનો ડબ્બો ખોલ્યો. શબ્દો કરતાં બંનેનુ સાનિધ્ય વધારે બોલકું હતું. અવિ તળાવના કિનારે ફિલ્મીનાને દોરી ગયો. ખોબામાં પાણી લઇ મોં પર છાલક મારી, ભવ્ય શીતળતાનો અનુભવ થયો. ફિલ્મીનાએ પણ તેમ જ કર્યું અને ખૂબ ખુશ થઇ.

ફરી પાછા એ ઘટાદાર વૃક્ષ નીચે તેઓ આવી બેઠાં. ફ્લાસ્ક ગ્લાસમાં પહેલા ફિલ્મીનાએ ને પછી અવિએ કોફી પીધી. હવે શું કરવું. અવિને કંઈ સમજ ન પડી. વૃક્ષના થડના ટેકે તેણે આસન જમાવ્યું. બંને વચ્ચે થોડી વાર ચુપકીદી રહી. ફિલ્મીનાની આંખો માદક હવાના તરંગે બોઝિલ બની. અવિએ હિન્દી - ગુજરાતી અને અંગ્રેજી શબ્દોનો આધાર લઇ થોડીવાર આરામ કરવા કહ્યું. અભિનય પણ કરી બતાવ્યો. ફિલ્મીના થાકી પણ હતી. વૃક્ષને અઢેલીને બેઠેલા અવિના ખોળામાં તેણે માથું મૂકી દીધું. અવિનો હાથ પોતાના હાથમાં લઈ તે સૂઈ ગઈ.

અવિએ કબૂલ કર્યું હતું કે હું પુરુષ છું તેની સંજ્ઞા મને એ સ્થળે એ સ્થિતિમાં પહેલીવાર મળી, ન સમજાય એવું કંઈક ચિત્ત્તતંત્રમાં થઇ રહ્યું હતું. શું કરવું જોઈએ તેની કોઈ સમજ નહોતી.

બસ ઊભી રહી. રાત્રિભોજન અહીં જ લેવાનું હતું. મેરીને લઈને તેના મમ્મી-પપ્પા પણ નીચે ઉતરવા માટે ઊભા થયાં. અવિ તેમની પાછળ હતો. ફ્રેશ થઇ હોટેલમાં બેસવાની જગ્યા શોધવા લાગ્યો. બે-ત્રણ બસના ઉતારુઓ ભેગા થઇ જતાં હોટેલમાં બધાં જ ટેબલ ભરાઈ ગયા હતાં. ક્યાંક એકાદ બેઠક ખાલી હોય તેની શોધમાં તે ફર્યો. મેરીના મમ્મી-પપ્પા જ્યાં બેઠા હતાં ત્યાં એક ખુરશી ખાલી હતી, એ બાજુ વળી તેણે મેરીને જ પૂછ્યું, “બેટા, અહીં બેસું તો વાંધો નહીં ને?”

મેરીના પપ્પાએ જવાબ આપ્યો, “વેલકમ” “ આઈ એમ અવિનાશ દવે ફ્રોમ મુંબઈ!” વાત કરતો અવિ ખુરશી પર ગોઠવાયો અને મેરીની મમ્મી તરફ જોયું.

તેમણે પહેલા બિયર મંગાવ્યો, મેરીના પપ્પાએ અવિને પૂછ્યું,”તમે લેશોને?” અવિએ કહ્યું, “એક શરતે, બિલ હું ચૂકવીશ. એટલા માટે કે મેં તમારા પરિવારની સ્વતંત્રતા હરી લીધી છે.” હસવા સાથે એ બાબત પર પછી વિચારવાનું નક્કી કરી, તેઓએ અવિને પોતાના ટેબલ પર આવકારી લીધો. ઔપચારિક વાતો થતી રહી.

અવિએ બધી વાત કરી અને સામે બેઠેલા ખ્રિસ્તી દંપતીના ચહેરા પરના અકળ ભાવ જોઈ તે મૂંઝાયો. ક્ષણાર્ધ પછી મેરીના પપ્પા કઇંક મર્માળુ હસ્યા, જાણે કહેતા હોય ‘ આ મારી પત્ની એ જ તો છે તમારી બાળસખી ફિલ્મીના’... પણ અવિ કંઈ ચોક્કસ રીતે નક્કી ન કરી શક્યો એ હાસ્ય નું રહસ્ય...

આગળ વધતી વાતો વચ્ચે અવિને લાગ્યું પણ ખરું કે આ સ્ત્રી જ ફિલ્મીનાછે. પણ... અવિ કંઈ પણ નિર્ણય કરીને કંઈ પૂછીને ખાતરી કરે તે પહેલા જ કંડકટરે બસ ઉપાડવાની સૂચનાઆપી. સૌ પોતાની જગ્યાએ બસમાં ગોઠવાઈ ગયા.

થોડીવારે અવિએ જોયું તો મેરી એના મમ્મી-પપ્પાના ખોળામાં સૂઈ ગઈ હતી. ધીરે ધીરે બસના બધા જ પેસેન્જર્સ નિંદ્રાને આધીન થઇ રહ્યા હતા. અવિની આંખ વચ્ચે વચ્ચે ખૂલી જતી હતી અને શું આ જ ફિલ્મીના હોઈ શકે? એવા વિચાર વચ્ચે જ ફરી બંધ થઇ જતી હતી.

અવિને તો પેલી ખોળમાં, હાથ પકડીને સૂઈ ગયેલી ફિલ્મીના જાગે તેની પ્રતીક્ષા હતી, પણ પેલી સ્ત્રી એટલે કે મેરીની મમ્મી તો સાવ ચૂપ હતી!

બસ મુંબઈમાં પ્રવેશી, થોડીવારે ઊતરવાનું થયું ને તેણે મેરી તરફ , એના મમ્મી-પપ્પા તરફ જોયું. બાય કહેવા હાથ ઊંચો કર્યો. બસમાંથી ઉતરતાંપોતાનું કાર્ડ આપ્યું. મેરીના પિતા કાર્ડ આપે તે પહેલા તો બસ ઉપડી. અવિ જતી બસને જોઈ રહ્યો-જોતો જ રહ્યો.

ચાનો કપ હાથમાં આપતા મેં પૂછ્યું, “ અવિ, કેવી રહી સફર?” ને અવિ અપલક નેત્રે મારી સામે જોતો રહ્યો...! ત્યાં તો ટેલિફોન રણકી ઊઠ્યો. અવિએ જ રિસીવર ઊંચક્યું. સામેથી અવાજ સંભળાયો, “ હાય, અવિ આઇએમ ફિલ્મીના હીયર...!

અને અવિના બીજા હાથમાં રહેલો ચાનો કપ છલકાઈ ઊઠયો.