Meera books and stories free download online pdf in Gujarati

મીરા

મીરા.....

સ્મિત અને હું મુંબઈ માં એક જ કોલેજ માં હતા ને એ સમયે અમારા વચ્ચે હૃદયની ફેરબદલી ક્યારે થઈ એ મને જ નથી સમજાયું. પણ કોલેજના ત્રીજા વર્ષમાં આવતા પહેલા જ એના પપ્પાની બદલી મુંબઈ થઈ ગઈ અને સ્મિતને જવું પડ્યું. પછી બસ અમારો સ્નેહ ફોનના વાયરમાં જ વહેતો. કેન્ટીનની મુલાકાત, થ્રિએટરના ફિલ્મો, બીચની આઈસ્ક્રીમ અને મકાઈ બધું જ માત્ર યાદ બની ને રહી ગયું.....

કોલેજ નું ત્રીજું વર્ષ પૂરું થયું પછી જ બધી સમસ્યા શરૂ થઈ હતી. મમ્મી પપ્પા મારા માટે સમાજમાં છોકરો જોવા લાગ્યા હતા પણ હું પપ્પાના કડક સ્વભાવને લીધે સ્મિત વિશે કાઈ કહી શકી નહિ. મારા પપ્પા છેક જ રૂઢિચુસ્ત માણસ હતા એ મને બહારની સમાજના છોકરા સાથે લગન કરવાની સંમતિ ક્યારેય નહીં જ આપે એ મને ખબર જ હતી. અને હું બીજા કોઈની થવા માંગતી નહોતી..... હું પપ્પાને કહી નહોતી શકતી અને સ્મિત વગર રહેવું નહોતું હું અંદરને અંદર ઘૂંટાવા લાગી. છ મહિના હું એ અવઢવ માં જીવી અને આખરે મેં સ્મિત સાથે ભાગીને ક્યાંક દૂર જતા રહેવાનો નિર્ણય કર્યો. મેં કપડાંની એક બેગ ભરી. થોડા પૈસા મમ્મી પાસેથી ફ્રેન્ડ્સ સાથે પીકનીક ઉપર જવાને બહાને લીધા અને થોડા પૈસા રીમાં અને પિંકી જોડેથી લીધા. અને હું પીકનીક નું બહાનું કરીને ઘરેથી નીકળી પડી.

હું મારા કપડાંની બેગ સાથે લઈ મુંબઈની ટ્રેનમાં ગોઠવાઈ ગઈ....ટ્રેન એક ચિત્કાર સાથે ઉપડી. થોડી વારમાં તો ટ્રેને સ્પીડ પકડી લીધી. મેં ઈયર ફોન લગાવ્યા પણ ક્યાંક ટ્રેનમાં ચડતા એ ખેંચાઈને બગડી ગયા હતા. હવે સમય પસાર કરવા એક જ રસ્તો હતો બીજા મુસાફરો સાથે પરિચય. હજુ હું સામે બેઠેલા માસી જોડે વાત કરું એ પહેલાં જ એક કાકા બાથરૂમ તરફથી આવીને એ માસી જોડે બેઠા. બન્ને જણ ઉદાસ દેખાતા હતા. વૃદ્ધ કાકાના કરચલી પડેલા ચહેરા ઉપર ભૂતકાળનું દુઃખ સ્પષ્ટ દેખાતું હતું.

હું એમને જોતી જ રહી. થોડી વારે પેલા માસીએ ટિફિન ખોલી ને અંદરથી સાદી રોટલી અને બટાકાનું સાખ નીકાળી કાકા આગળ ધર્યું.....

" મને ભૂખ નથી..... " કાકાએ હળવા અવાજે કહ્યું.

" જે થઈ ગયું એ હવે બદલવાનું નથી તમે આમ કેટલા દિવસ જમ્યા વગર રહેશો ?" માસીએ અશક્ત અવાજે કહ્યું.

કાકાએ પરાણે થોડું ખાઈ લીધું. એ જોઈ માસી ના ચહેરા ઉપરથી થોડું દુઃખ ઓસર્યું હોય એવું લાગ્યું. આખરે મેં હિંમત કરીને પૂછી જ લીધું....

" આંટી શુ થયું ?"

ખબર નઈ કેમ મારો પ્રશ્ન સાંભળીને જ કાકાના ચહેરાનાં ભાવ બદલવા લાગ્યા. એ ઉભા થઇ અને ઉપર સુઈ ગયા.

" આંટી મેં કઈ તકલીફ પહોંચાડી હોય તો માફ કરજો " મેં કહ્યું.

" ના દીકરા તે તકલીફ નથી પહોંચાડી મારેય તારા જેવડી એક દીકરી હતી સૃષ્ટિ....." એટલું બોલતા જ માસીની આંખોમાં જળજળીયા આવી ગયા. હું માસીની નજીક સરી બોટલ ખોલી એમને પાણી આપ્યું.

" તો શું થયું સૃષ્ટિ ને ?" મારાથી પુછાઈ જ ગયું.

" બદલાઈ ગઈ...... સૃષ્ટિ સૃષ્ટિના રંગે રંગાઈ ગઈ..... એકની એક હતી.... એના પપ્પાએ તો કેટલો લાડ પ્રેમથી ઉછેર કર્યો હતો..... !"

મને કાઈ સમજાતું નહોતું પણ હું કઈ પૂછી શકું એમ પણ નહોતી....

" સૃષ્ટિ જન્મી ત્યારે સાચું કહું તો મા હતી તોય મને મનમાં થયું હતું કે દીકરો હોત તો સારું..... પણ એના પપ્પાને તો સૃષ્ટિ જ એમની સૃષ્ટિ હતી.... ખાતા પિતા ફરતા ઉઠતા બેસતા સૃષ્ટિ જ સૃષ્ટિ...... બસ....."

માસીએ આંખો લૂછી અને વાત આગળ વધારી..... " એજ સૃષ્ટિ અમિત નામના છોકરા સાથે ભાગી ગઈ...... " માસી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.....

" એ મરી ગઈ છે હવે એનું નામ લઈને શુ કામ રડે છે તું ? મેં રોઈ લીધું એના નામનું..... " ઉપરથી કાકાનો અવાજ આવ્યો.

" બધી આબરૂ ઈજ્જત સાથે લઈને ગઈ એના પપ્પાની..... આજે તો બે મહિના ને ત્રણ દિવસ થયા એને ગયા ને. આખી જિંદગી ભેગી કરેલી આબરૂ એક દિવસમાં એ લઈ ને ગઈ.... "

હું શું કહું ? હું જ એ કામ કરવા જઈ રહી હતી ને...... બસ અફસોસ સાથે મેં સાંભળ્યા કર્યું....

" એને અમારા એટલા લાડ પ્યાર ઓછા પડ્યા એટલે....... હવે અમારાથી એ ઘર માં એ ગામ માં રહેવાય એમ નથી. સૃષ્ટિના રૂમમાં, ઘરમાં, આંગણમાં બધે જ જાણે એ ફરતી હોય એમ ભણકારા થાય અને એના પપ્પાનો જીવ બળી બળી ને અર્ધો થઈ જાય છે. નથી ખાતા નથી પિતા..... તે હવે છેવટે મેં નક્કી કર્યું કે હવે હરિયાણા છોડીને મુંબઈ માં જતા રહીએ ત્યાં ન કોઈ ઓળખે ને ન કોઈ મહેણાં મારે...... "

માસી ફરી એક વાર રડી પડ્યા. મેં એમને માંડ શાંત કર્યા અને સુવડાવી દીધા..... કાકા પણ ઉપર કદાચ સુઈ જ ગયા હતા. પણ મને ઊંઘ ન આવી..... પપ્પા..... મને અચાનક જ પપ્પા યાદ આવ્યા..... થું છે તને મીરા ..... મારા અંદરથી અવાજ આવીને મને ધિક્કારવા લાગયો..... તું તારા સ્વાર્થ ખાતર એ માં બાપને મૂકી ને ચાલી આવી..... બસ એટલા માટેજ તને લઈને પપ્પા ફરતા હતા ? સાચે જ બસ એટલા ડરથી જ લોકો દીકરીને ધૂતકારે છે.... એટલે જ બસ દીકરી કોઈને નથી જોઈતી.... બસ એટલે જ દીકરીને એક માં પણ પેટમાં જ મારી નાખે છે ...... મીરા તું ......તું કલંક છે મીરા..... યાદ કર એ ક્યારેય વહેલો ન ઉઠનારો ભાઈ રક્ષાબંધન ના દિવસે વહેલો તૈયાર થઈને આવી જાય છે..... યાદ કર જરાક ટ્યુશનમાં મોડું થતું અને પપ્પા શિક્ષકના ઘરે હાજર થઈ જતા......

હે રામ ...... આ મારો જ અંદરનો મને શું કહે છે ? સાચે જ હું ગુનેગાર છું.....

મારા ગયા પછી મારો ભાઈ કોઈને મોઢું નઈ બતાવી શકે..... ફ્રેન્ક રહેવું એ તો બસ બહારની વાત છે, જમાનો મોડર્ન છે એ પણ બસ બહારની વાત છે પણ ખરેખર જો છોકરી ભાગી જાય તો એના ઘરવાળા ઉપર લોકો બધી વાતો કરે જ..... બસ કહેવા પૂરતું જ બધું મોડર્ન થયું છે પણ ખરેખર તો હજુ લોકો ઘરે હાથથી જ ખાતા હોય છે ચમચી તો માત્ર હોટેલમાં જ વાપરે છે .....

તો જો હું ભાગી જઈશ તો મારા પપ્પા પણ આવી રીતે ભૂખ્યા તરસ્યા ...... મારો જીવ તાળવે થઈ ગયો.... શ્વાસ રૂંધાવા લાગ્યો હોય એવી ભીંસ મને થવા લાગી.... મને મારા બાળપણ અને જવાની ના એક એક દિવસ યાદ આવવા લાગ્યા..... મમ્મી..... પપ્પા.....

થોડી વાર થઈ અને ટ્રેન ઉભી રહી..... લોકો ચડવા અને ઉતરવા લાગ્યા.... પેલા કાકા અને માસી પણ પોતાનો સામાન લઈને ઉતરવા લાગ્યા....

" ચાલ નયના મુંબઈ આવી ગયું...... હવે અહીં ક્યાંક ઘર સોધીને જીવવાનું છે..... " કાકાએ જીર્ણ સ્વરમાં કહ્યું....

અને નયના બેન પણ મારી સામે એક નજર કરીને એક બેગ લઈને ઉતરી ગયા...... કાકાએ ન કોઈ પેસેન્જર સામે જોયું ન મારી સામે.... કેટલી નફરત થઈ ગઈ હતી એમને દીકરી પ્રત્યે ? અને કેમ ન થાય ? આખરે જે પ્રેમ કરે એને જ તો નફરત કરવાનો હક હોય છે.... ! તો મારા મમ્મી પપ્પા અને ભાઈ પણ મને આવી જ નફરત કરશે .....?

વિચારો જ્યારે પગલું ભરીએ ત્યારે નથી આવતા પણ પછી જ આવે છે એ મને ત્યારે જ ખબર પડી. હું પણ થોડીવારમાં ત્યાં ઉતરી. રેલવે કેન્ટીનમાં જઈને ચા નાસ્તો કર્યો અને સ્વસ્થ થઈને સ્મિતને ફોન લગાવ્યો....

" હાય મીરા વેર આર યુ બેબી..... હું ક્યારનો તને ફોન કરતો હતો..... "

" સ્મિત મેં મારો ફેસલો બદલી દીધો છે હું તારી સાથે ભાગી ને નઈ આવી શકું તું તારા ઘરવાળાને વાત કરી જો એ માને તો મારા પપ્પા સાથે વાત કરજે નહિતર આપણા નસીબ..... "

" હું તો ક્યારનોય તને એજ સમજાવતો હતો મીરા.... પણ તું જ તારા પપ્પાથી ડરતી હતી..... મને તો આ બધું યોગ્ય નહોતું લાગતું પણ હું બસ તારા ખાતર તૈયાર થયો હતો ચાલ બાય.... " કહી સ્મિતએ ફોન મૂકી દીધો.....

હું રડવા માંગતી હતી પણ મુંબઈના એ ભરચક રેલવે કેન્ટીન ઉપર મેં મારી જાતને માંડ સંભાળી..... મને તો એ કાકા અને માસી ભગવાન જ લાગ્યા મારી આંખ ખોલવા જાણે ભગવાને જ એમને મુક્યા હોય..... ! અને સ્મિત પણ સમજુ હતો એ મને એ દિવસે જ ખબર પડી.......

મેં તરત રિટર્ન ટિકીટ કરાવી અને હું ફરી ઘર તરફ નીકળી પડી ..... હા ભલે સ્મિત નું સ્મિત એનો સહવાસ મારા નસીબમાં હશે તો મને મળશે પણ મને જે પ્રેમ જે સહવાસ કોઈ સ્વાર્થ વગર જ મળ્યો છે એને હું આમ જનવરની જેમ રહેંસી નઈ નાખું.... મારી આંખ છેલ્લી ઘડીએ ખુલી જ ગઈ જો એ કાકા અને નયના બેન ન મળ્યા હોત તો મને જીવન ભર કેટલો અફસોસ થાઓત ? મારા પરિવારનું શુ થાઓત ? એજ વિચારોમાં હું બેઠી હતી.... અને ફરી એક વાર ચિત્કાર સાથે ટ્રેન ઉપડી..... હા આ વખતે ટ્રેન મને સાચા રસ્તે લઈ જતી હતી...... ટ્રેનની આ મુસાફરી મને મારા જીવનમાં ક્યારેય નહીં ભુલાય ..... !

વિકી ત્રિવેદી 'ઉપેક્ષિત'

આવી અન્ય વાર્તાઓ વાંચવા માટે મને મારા what's app no. 9725358502 ઉપર મેસેજ કરીને મારી સાથે જોડાઈ શકો છો..... વાંચકોને ઉપેક્ષિતના જય શ્રી કૃષ્ણ.....