Matru di ni bhet books and stories free download online pdf in Gujarati

માતૃ દિ ની ભેટ

કાન્તાબાએ રસોડામાં ચાની તેયારી કરી.

ઘણા વખત પછી મોટા દીકરા રમેશને ત્યાં તેઓ રહેવા આવ્યાં હતા. રમેશ એન્જીન્યર હતો, એને સારી જોબ હતી. પણ એની પત્ની સુધાને ઘેર બેઠા કામ થાય એ ઈરાદાથી પચ્ચીસ રૂમની એક નાની મોટેલ લીધી હતી. મોટેલના પાછળના ભાગમાં રહેવાનું ઘર હતુ. સુધા મોટેલના કામમાં દોડાદોડ કર્યા કરતી, સાજે જીમ નામનો માણસ ડેસ્ક સંભાળતો, પછી સુધા રસોઈ કરતી, સવારની ચા રોજ સુધા બનાવીને કીટલીમાં ભરી રાખતી પણ આજે કીટલી ખાલી હતી.

‘અરે, ચા તેયાર થઈ કે નહિ? ‘તેમના પતિ મનુકાકા સીન્યર સેન્ટર જવા નીકળતા બોલ્યા,

'આ કેબીનેટના ખાનાઓ ખંખોળી થાકી ગઈ, ચાનો મસાલો મળતો નથી, કાન્તાબાના આવજમાં થાક અને ચીઢ હતી,

એટલામાં મોટેલના બહારના ડેસ્કનું બારણું ખોલી માયા આવી, એના એક વર્ષના પીન્ટુને મનુકાકાના હાથમાં આપી વંટોળની જેમ જતી રહી. તોફાની વંટોળે બઘુ વેરણછેરણ કરી નાખ્યું તેમાં જીર્ણ પુરાણા વુક્ષો જેવાં કાન્તાબા અને મનુંકાકા, પીન્ટુ રડતો હતો, કાન્તાબા મૂળમાંથી ઊખડી પડ્યા હોય તેમ ધ્રુજી ઊઠ્યા, કેટલાંય મહિનાઓથી દબાવી રાખેલો ગુસ્સો, અપમાન અને નારજગીનો જાણે વલ્કેનો ફાટી નીકળ્યો, તેઓએ પીન્ટુને એક ઝાટકા સાથે મનુકાકાના હાથમાંથી લઈ લીધો, અકળાતા અવાજે બોલ્યાં, 'સીન્યર સેન્ટર મારે ય જવાનું છે. એક કાન્તા હજાર કામ કેમની કરે?આજે રમેશ ઘેર આવે ત્યારે બધો ફોડ પાડીને વાત કરવી છે. '

રમેશની દીકરી માયા છોકરાને લઈને ચાર મહિનાથી મોટેલ પર આવી છે. એ અને એનો વર મોટેલના એક રૂમમાં રહે છે. બીજે ઘર રાખવાની વાત કરે છે, પણ ક્યારે તે કોઈ કહેતું નથી. આમ તો સુધા ય કંટાળી છે, રમેશ જોબ કરે તેમાં અને સુધા મોટેલના કામમાં બીઝી, અમેરિકામાં વસતા સૌનો એક જ મંત્ર, 'બીઝી 'તેમાંય મોટેલવાળાને રજા જેવું કઈ નહિ, પટેલ અને મોટેલ, સોનામાં સુગંધ ભળે કે દુધમાં સાકર ભળે તેમ પટેલના લોહીમાં મોટેલનો ધંધો ભળી ગયો છે. કમાણી સારી પણ મહેનત કરવામાં ઘરના કામની ઘૂળઘાણી, જુવાનિયાઓને પેસા કમાવાની લાયમાં ઘરની કાઈ પડી નથી, પણ કાન્તાબા અને મનુંકાકાને નિવૃત્તિની વયે ફાવતું નથી.

મનુકાકાએ કારનું હોર્ન સાભળ્યું, ચા પીધા વિના જ એમના દોસ્ત સાથે સીન્યર સેન્ટર ઉપડી ગયા. વીકમાં બેવાર તેઓ બ્રીજ રમવા જતા કાન્તા પણ બીગો રમવા જતી. સગીત કે ગીતોના કાર્યક્રમમાં તેઓ સીન્યર સેન્ટર જતા. પણ કેટલાક મહિનાઓથી બધું ખોરવાયું હતું,

માયા પિત્ઝાનું બોક્ષ લઇને આવી, 'બા, તમે ને દાદા લંચમાં ખાજો, રવિવારે મધર્સ ડે છે, એટલે મોટેલના બઘા રૂમ બુક થઈ ગયા છે. મમ્મી બે દિવસ ખૂબ બીઝી છે. ' એણે કાન્તાબાને ખભે ઊંધી ગયેલા પીન્ટુને અંદરના રૂમમાં સૂવડાવી દીઘો, પછી બાનો ખભો દબાવતા બોલી 'બા, ખભો દુ:ખી ગયો ને?, 'એણે હળવેથી બાના ખભે માથું નમાવ્યું, પછી કહે, 'મને ય તમારે ખભે ઊંઘાડતા, પોચા ઓશિકા જેવો બહુ ગમે. '

કાન્તાબાનો ખભો ભારથી તૂટી પડતો હતો. થાકેલા અવાજે બોલ્યા', જો હવે નર્યા હાડકા છે. 'માયા કહે, બા તમે તો મજબૂત છો. બીજા સીન્યરને જોજો, લાકડી લાવશે, વોકર વાપરતા હશે, સ્પેસ્યલ પીલો અને પાછો કોકની પાસે ઓક્સીજનનો બાટલો હશે. એ બહાર જતા બોલી 'મમ્મીએ તમારા માટે પણ કોઈ ભેટ લાવવાનું મને કહ્યું છે. શૂઝ જોઈએ કે સ્વેટર ? કાન્તાબાને લાગ્યું કે ઓક્સીજન વિના તેમનો જીવ ગુંગળાય છે, તેમના પગ સ્થિર રહેતા નથી, તેઓ આક્રન્દ કરી ઉઠ્યા, 'મારે કાઈ જોઈતું નથી, 'માયા નવાઈ પામી જતી રહી. કાન્તાબા હજી બોલતા હતા, 'મારે શાંતિથી બેસવું છે. વાંચવું છે, ગીતો સાંભળવા છે. આ ખભા વર્ષોના બોજથી તૂટી ગયા છે. '

સુધા ઘરમાં આવી કાન્તાબાને જાણ થઈ નહિ, તે ઉતાવળમાં પિત્ઝાનો એક ટૂકડો ખાતાં બોલી, બા, શું તૂટી ગયું?તમારે ચિંતા નહિ કરવાની' કાન્તાબા મનમાં વિચારતા હતા કે હું ખુદ તૂટીને કટકા કટકા થઈ ગઈ, હવે મારો એકેય ભાગ સાજો નથી, મારા કટકા -કરચોની તીણી અણીઓએ મને જ લોહીલુહાણ કરી નાખી, ચિતા નહિ કરવાની?, સુધાએ તેમને ખાવાનો આગ્રહ કર્યો, 'બા, તમને પિત્ઝા ભાવે છે, લો. કાન્તાબાનું ગળું છોલાઈ ગયું હતું, ગળાની અંદર ઉતરતું નથી, તેઓ પાણી પીને ઊઠી ગયાં સુધાએ પુછ્યું, 'બા, માયા તમારે માટે શું લાવે?, ' કાન્તાબા મક્કમ અવાજે બોલ્યાં, 'કાઈ નહિ, મારે જે જોઇશે તે માગી લઈશ. '

તેઓ પાણીનો પ્યાલો લઈ રૂમમાં જતા રહ્યાં, પડદા ખોલી સોફામાં બેઠાં પણ ચેન નહોતું, મનમાં વલોણું ચાલતું હતું. 'હા, મારે જોઈએ છે તે માગીશ. 'બાળક માં પાસે હક્કથી માંગે, કહેવાય છે કે માગ્યા વિના મા ય ન પીરસે, પણ મા કદી માંગે નહિ, બસ આપ્યા કરે. આપવામાં પ્રેમથી એનું હેયું હરખાય, બસ, માં આપતી જાય, છોકરાના છોકરાં થાય, મા આપતી જાય, પછી શું?એનું ધ્યાન બહારથી આવતા અવાજ તરફ ગયું, ગયું। બારીને અડીને ઊભેલા વૃક્ષોને મજૂર કાપી રહ્યો હતો, બહાર સુધા બોલતી હતી, 'બહુ મોટાં અને ઊચા થઈ ગયાં છે. હરીકેનમાં પડશે તો મોટેલને નુકશાન, 'કાન્તાબા મનમાં પડઘા પડતા હતા, નુકશાન ;;; કોને નુકશાન ?

શેનું નુકશાન?વૃક્ષને અને બીજાને નુકશાન, છાયો આપતા વૃક્ષને ભારરુપ ડાળી પાંદડાનો ત્યાગ કરવો જ પડે. કાન્તાબા માટે આપવું સહજ હતું, આનદ મળતો, પણ માગવાનું દોહ્યલું, હવે બાળપણ ન રહ્યું, ન મા રહી, રહ્યાં અભિમાન અને અહંકાર, અકડાઈ અને જીદ, હવે આ ખખડેલા શરીરને બધાનો બોજ લાગે છે. માગવું એટલે જાતને નમાવવું, જે કાન્તાબાથી કદી થયું નથી. મનુકાકાની હારોહાર બેંકમાં નોકરી કરતાં, ઘરનું અને બહારનું પહોંચી વળતાં, ઘરના કે બહારના પાસે માગવાની વાત નહિ,

મનુકાકા સીન્યર સેન્ટરથી પાછા આવી ગયા હતા, તેઓ કહે, 'તારી બહેન કોકિલા તારી ખબર પૂછતી હતી, 'કાન્તાબા હજી નારાજ હતાં, બોલ્યાં કહેવું'તું ને પડી ભાગી છે. '

મને વાત નથી કરતી '' મનુકાકા પાસેના સોફામાં બેઠા। 'ક્યાં વાગ્યું છે?'કાન્તાબા કહે, જવા દો, લોહી નીકળે તો બતાવું, આ તો મૂઢમાર, કોકિલા શું કહેતી હતી?

'એને તો લ્હેર છે, બાજુમાં સીન્યર હોમમાં રહે એટલે શાંતિ, તારે ઘરની પળોજણ જલદી બહાર નીકળાતું નથી, ગયા વર્ષે આપણે ઇન્ડિયા ગયા અને પછી હું માંદો પડ્યો, તેમાં મારું ડ્રાઈવીગ લાયસન્સ ગયું હવે આપણે જાતે બહાર જવાનું બંઘ થઇ ગયું, 'મનુ કાકાને ય કાન્તાથી મુકત થઈ બહાર ફરાતું નથી તેનો અફસોસ થતો હતો એટલે કહ્યું,

કાન્તાબા મક્કમ થઈ બોલ્યાં, 'આપણે રસ્તો કાઢીશું, 'ફોનની રીગ વાગતી હતી, ફોન મનુકાકાના જેકેટના ખિસ્સામાં હતો. કાન્તાએ ઊઠીને ફોન લીધો, એમને વાત કરવાનો મૂડ નહોતો પણ મનીષાનો અવાજ સાંભળી બોલ્યાં, જયશ્રી કૃષ્ણ, તેમની દીકરી મનીષા, તેનાં બે દીકરા અને ડોક્ટર જમાઈ ઓહાયો રહેતાં હતાં, તેણે કહ્યું' બે દિવસ પછી આવીશ, તને તારો પોતાનો ફોન આપીશ।તારી જોડે વાત કરવી હોય પણ પપ્પા ફોનની રીગ સાભળતા જ નથી. 'કાન્તાબા બોલ્યાં, 'મળવા આવજે, મારે માટે કાઈ લાવતી નહિ, મારે જોઇશે તે માગી લઇશ. 'મનીષાને નવાઈ લાગી।બાને શું જોઈતું હશે? તેને વિમાસણ થઈ, બાને માટે શું ગીફ્ટ લેવી?એણે નાનાભાઈ મુકેશને ફોન કર્યો, મુકેશ કહે, 'મને સમજ ના પડે. તારી ભાભી વિચારશે, ' 'પણ બાએ ગીફ્ટ લાવવાની ઘસીને ના પાડી છે. બા ગુસ્સામાં હતા. 'મનીષાએ ચિતા કરતા કહ્યું, મુકેશને બા એની ઘેર રહેવા આવતાં ત્યારે ટેન્સન થઈ જતું, એટલે ચિતા થઈ કે પોતાના ઘેર આવશે તો, !

કાન્તાબા રાત્રે રમેશની રાહ જોતાં હતાં પણ રમેશ કમ્પનીના બહાર કામે બહાર ગયો હતો. આજે સુઘા થાકીને બહાર સોફામાં સુઇ ગઈ હતી. રોજ કાન્તાબા રસોઈમાં મદદ કરતા, મનુકાકાએ કાન્તાને કહ્યું, 'કોઈને જમવાની પરવાહ નથી. આપણે બે ફ્રીજમાંથી કાઈ કાઢીને ગરમ કરી ડીનર પતાવીએ, ' મનુકાકાને જમતા જમતા ઓછુ આવી ગયું, 'આજ હું કાર ચલાવતો હોત તો અમે બન્ને કોઈ ઇન્ડિયન રેસ્ટોરામાં ગરમ ઢોસા ખાવા જાત '

મધર્સ ડેના દિવસે રવિવારની રજા હતી, સીન્યર માં-બાપથી મોટેલના રૂમોમાં ઘમાલ ચાલતી હતી. રોજના કરતાં ચાર ઘણી કારથી પાર્કિગ લોટ ભરાઈ ગયો હતો. મુકેશ પોતાની કારને મોટેલના પાછળના ભાગમાં લઈ ગયો. એની પત્નીના હાથમાં પેકેટ હતાં, મુકેશે ફૂડનું એક મોટું પોટ રસોડામાં જઇ મુક્યું, મનીષા છોકરાને તેયાર કરતી હતી. રમેશ અને સુઘા

ખરેખરી દોડાદોડ કરતા હતા. કાન્તાબા મોટી કોરની સફેદ સાડી પહેરી બહારના રૂમમાં છોકરાઓથી ઘેરાયને બેઠાં હતાં, કોઈને ગલી કરી હસાવતા તો કોઈને બે પગ ઉપર ઊભા કરી પાવ રે પાવ કરતાં હતાં મનુકાકાનું ઘ્યાન ટી વી. માં હતું, તેઓ ક્રિકેટ મેચ જોતા હતા. મુકેશ અને મનીષા બાને મળી આવ્યાં હતાં પણ વાત કરવાની હિમત નહોતી, બધાયના મનમાં ઉચાટ હતો. બા એમની ગીફ્ટ લેવાની ના પાડે છે. શું કહેશે ? આજ સુઘી બાએ કાઈ માગ્યું નથી. એમને શું જોઈતું હશે! પપ્પાને માટે કારની માંગણી કરશે, કે પછી ફરી ઇન્ડિયા જવું હશે! રમેશ અને સુધાને વિચારવાનો ટાઇમ મળ્યો નથી. છેવટે બઘાય હેપી મધર્સ ડે કહી બાની પાસે આવ્યા, જમાઈ રાજેશે બાને ગુલાબના ફૂલો આપ્યા, બાએ હોશથી લીઘા, ફૂલોની તાજગી અને મંદ સુગંધથી બાનો ચહેરો ખીલી ઊઠ્યો, બધાનો જીવ હેઠો બેઠો, બાએ વારાફરતી દીકરા દીકરી, વહુઓ સૌને વહાલ કરી આશીર્વાદ આપતાં કહ્યું, 'તમારી સોની હું રજા માગું છુ, તમારા પપ્પા અને હું હવે સીન્યર હોમમાં રહેવા જઈશું, એ જ માર્ગ મને અમારા શેષ જીવન માટે યોગ્ય લાગ્યો છે. કોઈ દલીલ કરતા નહિ, તમારું સુખી જીવન દૂરથી જોઇને અમે રાજી થઈશું.

તરુલતા મહેતા