Bhanwar Gujarati Movie Review books and stories free download online pdf in Gujarati

ભંવર - ગુજરાતી મૂવી રીવ્યુ

ભંવર: સપનાની સફરે

‘ભંવર’ ફિલ્મ અદિતિ ઠાકોરના મનની ઉપજ અને લગભગ ભૂંસાઈ ગયેલ કલાને ફરીથી પરદે લાવવાનો એક કાબિલેદાદ પ્રયાસ છે. અદિતિ ઠાકોરે લગભગ અડધો દાયકો આ ફિલ્મ પાછળ વિતાવ્યા પછી તેનું બખૂબી નિરૂપણ થયું છે. આ ફિલ્મમાં ખરેખર મુખ્ય નાયક કહો કે નાયિકા, બંને અદિતિ ઠાકોર હોય તેવું જણાઈ આવે છે. નવો આઈડિયા, નવો કન્સેપ્ટ અને નવી ટેકનોલોજી સાથે ગુજરાતી ફિલ્મ જગતમાં ડિરેક્ટર લિસ્ટમાં વધુ એક નામ ઉમેરાયું છે. તેઓ પોતે ક્લાસિકલ મ્યુઝિક શીખેલા છે અને કથકમાં પણ મહારથ હાંસિલ કરી છે.

વાર્તાનું કેન્દ્રબિંદુ બહુ મહત્વનું છે. મનોરંજન એટલે માત્ર ટીવી કે રેડિયો અથવા હવે ઇન્ટરનેટ..અન સિવાય આપણે બીજું કશું જાણતા નથી. ત્યારે હજારો લોકો એવા છે કે જેઓના ઘરો માત્ર સામાન્ય કલાકારીગરી પર ચાલે છે જેની બજારમાં કોઈ કિંમત કરનારું બચ્યું નથી, તેથી તેની યોગ્ય કિંમત પણ ચૂકવાતી નથી. એ પછી ભલે નાટક ભજવતો કલાકાર હોય કે પછી નટ બજાણિયો હોય. એ ભલે કાષ્ઠમાં કલાકૃતિ કરનારો હોય કે પછી કઠપૂતળીના ખેલ કરનારો હોય. તેમની કૃતિને જોવી-નિહાળવી ગમે પરંતુ તેને મૂલવવાનો વખત આવે ત્યારે ખિસ્સું થોડું વધુ નાનું અને હૃદય એનાથી પણ ટૂંકુ થઈ જતું હોય છે.

આ ફિલ્મમાં પરદા પાછળના નાયક અદિતિ ઠાકોર છે અને તેટલી જ ખૂબસૂરતીથી પરદા પર તેમણે રીલ લાઈફના પાત્રોને ઉજાગર કર્યા છે. સુંદર ગામ, નદીની પાળ, ગ્રામ્ય યુવાનોનું જીવન, મિત્રો સાથેની મજા અને એકબીજાને પોતાની તકલીફો શેર કરીને હંમેશા સાથ આપવાનો કૉલ. આની સાથે ફિલ્મની શરુઆત થાય છે. નીલ ભટ્ટ કે જેઓ ભંવરનું પાત્ર ભજવી રહ્યા છે તેઓ કઠપૂતળીની દરેક કળામાં પારંગત છે. ખૂબ સારી રીતે તે ખેલ ભજવી જાણે છે. તેમના પિતાનો રોલ ભજવી રહેલા પ્રશાંત બારોટ ખૂબ સંઘર્ષ કરીને આ કળાને જીવંત રાખવા માંગે છે. તેઓ ગામેગામ ફરીને આ કળા ભજવે છે અને ગામમાં કોઈકનું શરણું લઈને ઘર ચલાવે છે. તેવામાં ભંવરને ફિલ્મોમાં અભિનય કરવો જોઈએ તેવું તેના મિત્રો તરફથી કહેવામાં આવે છે અને ભંવરને પણ એવું લાગે છે કે, તેને ફિલ્મોમાં અભિનય કરવો જોઈએ. કેટલાંક એવા પ્રસંગો પણ બને છે જેથી ભંવરને હવે અ કળા કોરી ખાય છે અને તેને છૂટકારો જોઈએ છે. તે ઘર છોડીને અમદાવાદ આવે છે.

અમદાવાદમાં તે ‘છોટુ’નો રોલ ભજવી રહેલા આદિત્ય લાખિયાની સાથે રહે છે. છોટુ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે એવું જણાવે છે પરંતુ ખરેખર તે ફિલ્મમાં સ્પોટબોયનું કામ કરતો હોય છે. અનેક સંઘર્ષો, ખિસ્સામાં એકપણ કાણો આનો ન હોવા છતાં ટકવું, મિત્ર છોટુ પર આર્થિક બોજો વધારવો, ફિલ્મોમાં કામ ન મળવું અને તરેહ-તરેહના કામો કરીને રોજિંદુ જીવન ચલાવવું .. આ બધું અઘરું છે. આ જર્ની તેવા જ અપ્સ-ડાઉનની છે જે સામાન્ય લોકોના જીવનમાં પણ આવતા હોય છે.

આ સમયે ભંવરની મુલાકાત દિશાનું પાત્ર ભજવી રહેલ તારિકા ત્રિપાઠી સાથે થાય છે. બંને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરે છે. દિશા તેનાથી બનતી મદદ પણ કરે છે, છતાં ભંવરને કોઈ ચાન્સ મળતો નથી. બંનેની મુલાકાત, પ્રસંગો અને વાર્તામાં પ્રેમના બિંદુને સારી રીતે પ્રોજેક્ટ કરાયું છે. વિના પૈસે શહેરમાં થતાં પ્રેમની કિંમત જ અલગ હોય છે. આ દરેક નાની-નાની વાતોને બખૂબી વાર્તામાં વણી લીધી છે. ફિલ્મનો અંત ખરેખર સરસ રીતે કરવામાં આવ્યો છે. પ્રેડિક્ટેબલ છે પરંતુ તેને પણ યોગ્ય રીતે વળાંક આપવો એ ખૂબ અગત્યનું છે.

અમદાવાદના બેકગ્રાઉન્ડને ખૂબ સારી રીતે ફિલ્મમાં દર્શાવાયું છે. અલગ-અલગ વિસ્તારોમાં શૂટિંગ કરીને અમદાવાદના ઘણા વિસ્તારને આવરી લેવાયો છે. બાકીનું ગ્રામ્ય વિસ્તારનું શૂટિંગ હિંમતપુરામાં થયું છે. દરેક અભિનેતાઓએ પણ તેમના દરેક રોલને ન્યાય આપ્યો છે. લગાનમાં ‘કચરા’ના પાત્રથી જાણીતા બનેલા આદિત્ય લાખિયાનો છોટુ તરીકે રોલ પણ સુંદર છે. આદિત્ય લાખિયાનો જન્મ અને ઉછેર અમદાવાદમાં થયો છે. દિશા કે જે, ભંવરની ઓપોઝિટમાં છે તેને પણ પરદા પર કમાલની એક્ટિંગ કરી છે, તે જરાયે નવોદિત હોય તેવું લાગતું નથી. કારણ કે, તેણી ત્રણ વર્ષની નાની ઉંમરથી અભિનય કરી રહી છે. અંતે, ભંવર એટલે કે નીલ ભટ્ટે પણ દર્શકોને સીટ જકડીને રાખે તેવું પાત્ર ભજવ્યું છે. આમ પણ દર્શકો માટે તે અજાણ્યો ચહેરો જરાયે નથી. કારણ કે, ‘સ્ટાર ટીવીની દિયા ઔર બાતી હમ’ સિરિયલમાં એક ઇન્સ્પેક્ટરનું દમદાર પાત્ર ભજવીને તેઓ દર્શકોના મનમાં છવાયા જ છે. ફિલ્મમાં સાતેક અર્થસભર ગીતો મૂકવામાં આવ્યા છે, જે ફિલ્મની એક મ્યુઝિકલ રાઈડ કરાવે છે. પ્રોડ્યુસર યોગેન્દ્ર કુમારે પણ કોઈ કચાશ નથી છોડી તેવું સ્પષ્ટ જણાઈ આવે છે.

ભંવરનું શીર્ષક પણ ખૂબ પ્રસ્તુત છે. ભંવર એ વિચારો અને પેશનનું ભંવર છે, તે લુપ્ત થતી કળામાં સર્વાઈવલનું ભંવર છે, તે બે પેઢી વચ્ચેના જનરેશન ગેપને પૂરી કરવા મથતી બંને જનરેશનનું ભંવર છે, વૈચારિક મતભેદોનું ભંવર છે અને ઘણી બધી સંવેદનાનું ભંવર છે. જીવન એક રંગમંચ છે અને આપણે તેની કઠપૂતળીઓ છીએ. આ ફિનોમિનાને સમજાવવા માટેની કળા દિવસે ‘ને દિવસે લુપ્ત થતી જાય છે. તેના પર બેઝ્ડ આ ફિલ્મ આર્ટિસ્ટિક છે.

ડિરેક્ટર અદિતિ ઠાકોર કહે છે કે, “ભંવર એ અર્બન કે રૂરલ નહીં, પરંતુ એક સરસ ગુજરાતી ફિલ્મ છે.”

***