Sukhno Mandavo books and stories free download online pdf in Gujarati

સુખનો માંડવો

સુખનો માંડવો

પ્રફુલ્લ આર શાહ

“રચના બહેન છે?” મેં જાળી માંથી પૂછયું.

“તમે પારુલ આન્ટી ને?” લગભગ સાત વર્ષની બાળકીએ પૂછ્યું.

“હા, હું પારુલ.. ”

“આવો, મમ્મી હમણાં જ આવશે..” કહી તેણેજાળી વાળો દરવાજો ખોલ્યો, અને સોફા પર બેસવાને કહ્યું. શિલિંગ પંખો ચાલું કર્યોં. કોણ છે કહેતાં આવનાર વ્યક્તિને હું જોઈ રહી. મારે વધુ પડતું વિચારવું ના પડ્યું. તે તનાં દાદી હતાં.

“ દાદી, પારુલ આન્ટી છે. મમ્મી માટે આવ્યાં છે. ” કહી રસોડામાં ગઈ. આવો કહી તેનાં દાદી મારી બાજુમાં બેઠાં. મારાં આશ્ચર્ય વચ્ચે પેલી બાળકી ટ્રે માં પાણીનો ગ્લાસ લઈ મારી સામે ઉભી રહી ગઈ. મેં હસતાં હસતાં પાણીનો ગ્લાસ લઈ થેંક્યું કહ્યું. વેલકમ કહી તે તેનાં રૂમ માં ગઈ. પેલી બાળકી નોટ પેન લઈ તેની દાદી પાસે બેઠી. બંને જણ ધીમા સાદે વાતો કરતાં હતાં. મેં અનુમાન લગાવ્યું કે શાળાનું હોમવર્ક ને લગતી વાતો ચાલતી હશે. અચાનક તે ઉભી થઇ, મને પૂછ્યું કે લીંબુનો શરબત ચાલશે? મેં ના પાડી. તે હસતાં હસતાં બોલી કે ગરમી સખત છે. એની દાદી હસી પડ્યાં. ધીમેથી હસીને કહ્યું કે તારી મમ્મી આવતી હશે તે બનાવશે.

“ દાદી મમ્મી ને સરપ્રાઈઝ આપવું છે. પ્લીઝ, બનાવું કે?”

“ ઓકે બાબા એઝ યુ. લાઈક” અને ખુશીથી દાદીના ગાલ ચૂમી ને ગીત ગાતી ગાતી રસોડામાં ગઈ. મેરે પ્યારે દાદી, મેરે ભોલે દાદી…”

હસતી ઉછળતી તે આવી લીંબુનો શરબત લઈને. ટ્રે માં ત્રણ ગ્લાસ હતાં. ગ્લાસ ટ્રે માંથી લેતાં નામ પૂછ્યું. “ મારું નામ પિંકી. દાદીનું નામ સ્મૃતિ. દાદી મારાં બેસ્ટ ફ્રેન્ડ છે. દાદી સાચી વાત ને?”

“ રાઈટ. ઉ આર માય બેસ્ટ ફ્રેન્ડ. ”કહી દાદી હસવા લાગ્યાં.

“ આંટી, તમને નવાઈ લાગે છે ને અમારી વાતચીત થી.. હું ગજરાતી બોલું છું અને દાદી અંગ્રેજી.. !”

“ જરૂર. તું હોશિયાર છે. મારા મનની વાત જાણી ગઈ. ”

“ આન્ટી, વાત એમ છે કે દાદીને હું અંગ્રેજી અને દાદી મને ગુજરાતી શીખવે છે. અમે એકબીજાનાં ગુરુશિષ્ય છીએ. ”

“ વાહ. સરસ. ”

“પિંકી, તારું હોમવર્ક પૂરું કરો બેટા. તારી મમ્મી આવતી હશે. અને વાત સાંભળ ભાઈએ તારી ફરિયાદ કરી છે. કાલે તું એને કેમ રમાડતી ન હતી. ”

“ દાદી તે મસ્તી કરતો હતો. ”

“ જો, બેટા, તે નાનો છે . તારા જેવો મોટો થશે ત્યારે મસ્તી નહીં કરે. તું નહીં રમાડે તો તને હેરાન કરશે. તમે બધા રમો અને તેને ન રમાડો એ સારું કહેવાય. ”

“ ઓકે. સ્યોરી દાદી.. ” કહેતાં તે હોમ વર્ક કરવા લાગી.. ”

“ક્યૂટ છે .. ”મેં હસતાં હસતાં કહ્યું.

“હા. એનાં વગર ઘર સુનું લાગે. જુઓ, મેં કહ્યું દીકરી ગુજરાતી તો શખો. તો મને કહે તમે અંગ્રેજી શીખો તો તે ગુજરાતી શીખશે. મેં તેની વાત સ્વીકારી લીધી. આજે સરસ મઝાનું ગુજરાતી લખી, વાંચી, બોલી, જાણે છે. ”

“ તમને તકલીફ પડી હશે”

“ હાસ્તો. પણ વિચાર કર્યો કે આ તક જતી રહેશે તો તે ગુજરાતી વાંચી, લખી નહીં શકે. આમેય મુંબઈ માં ગુજરાતી શાળા નથી. શાળામાંથી ગુજરાતી ભાષા નો એકડો જ નીકળી ગયો છે. ”કહી નિઃશ્વાસ નાખી બોલ્યાં કે બીજાને દોષ દેવાં કરતાં આપણે આપણી ફરજ બજાવવી જોઈએ. બાકી કાળ પોતાનું કામ કરતું રહે છે.

“ સરસ, તમારું કાર્ય પ્રશંશીય છે. ”

“ આ ઉંમરે જે થાય તે કરી લઉં છું. બેઠાં બેઠાં બેસી ગામની પંચાત કરીને મન બાળવા કરતાં ઘરમાં સૌને ઉપયોગી થઈએ તો બધા ખુશ. તમારું શું માનવું છે. ”

પરાણે હું બોલી “સાચી વાત છે. પણ તમારી જેવી સમજણ આવવી જોઈએને!”

“ જુઓ બહેન, સમજણ તો બધામાં હોય છે, પણ આપણે સમજવા નથી માગતાં. આપણે આપણું સુખ જોવાને બદલે બીજાના સુખનો વિચાર કરીએ તો જિંદગી ગુલાબી બની જાય છે. ”

હું પરાણે હસી. કોણ જાણે કોઈ અજાણી પીડાથી હું પીડાઈ રહી હતી.

“ તમારે કેટલાં દીકરી દીકરા. ”

“બે દીકરા બે દીકરી. મોટો મલાડ રહે છે. દીકરીઓ પરણી ને સુખી છે. એક અમદાવાદ, બીજી સુરત. ”

“ સરસ. ”કહી હું વિચારમાં ખોવાઇ ગઈ. મને ચૂપ જોઈ તેઓ એ વાત પૂરી કરતાં કહ્યું કે લોકોના જેવા તેમને વારા નથી રાખ્યાં. ””

“ એક જગ્યાએ જિંદગી જીવી જવાની

બે મહિના અહીં, બે મહિના ત્યાં, આ મગજમારી મારે ના જુએ. પહેલેથી કહી રાખ્યું હતું છોકરાઓને. પાલવે તો ઠીક નહીં તો મારે મારી રૂમ છે. પણ ભગવાનની કૃપાથી છોકરાઓ જમાના પ્રમાણે સારા છે. છોકરાઓથી સારી વહુઓ છે. જો વહુ આડી ફાટે તો છોકરાઓ શું કરી શકવાના? આખર ઘર તો સ્રીઓનું જ કહેવાય. પુરુષો બાપડાં કમાઈ જાણે. વહેવાર તો સ્રી જ કરેને? લો આ આવી ગઈ રચના. ”કહેતાં તેમને દરવાજો ખોલ્યો.

ઘણા વર્ષે રચના સાથે મુલાકાત થઈ. મારી બેસ્ટ સ્કૂલ ફ્રેન્ડ. સમયનાં વહેણમાં જુદા પડી ગયાં અને અચાનક મળ્યાં. એકબીજાને ઘરે આવવા આમંત્રણ આપ્યાં, પણ આ તો મુંબઈ શહેર! કારણ વગર કોઈ મળી જ ન શકે. છતાં વગર કારણે ફોન કરી એનાં ઘરે ગઈ.

આમ તો આર્થિક રીતે તે મારાં કરતાં સાધરણ, પણ જ્યારે મળે ત્યારે એમ જ લાગે કે ભગવાને એની આસપાસ સુખનો માંડવો સજાવીને રાખ્યો છે. આજે એનાં ઘરેપ્રત્યક્ષ જોયું કે સુખ એટલે શું?. જ્યારે મારે મોટરગાડી, વૈભવ, સમાજમાં વટ, પણ છે. તોયે મારા જીવને ચેન ન મળે. કારણ વગર નો ગુસ્સો ઘરમાં અશાંતિની ઘૂળ ગમે ત્યારે પાથરી જાય એ વધારામાં!

મેં સહજતાથી કહ્યું કે તારી સાસુ તો

“ અરે, એમની વાત જ ના કરતી.. ” મને અધવચ્ચેથી અટકાવી તે બોલી.

“કેમ?” મેં ઉત્સુકતાથી પૂછ્યું. મને લાગ્યું કે એનાં સાસુ જેવા દેખાય છે તેવા નહીં હોય. “ જવા દે.. પછી નિરાંતે એમનાં વિશે વાત કરીશું. એમની વાત કરવા બેસીશ તો રાત ઓછી પડશે. બોલ, ગરમ કે કોલ્ડ શું ચાલશે?”

“ અરે , લીંબુ નો સરસ શરબત પીધો. તારી દીકરીએ પાયો.. ” મેં હસતાં હસતાં કહ્યું.

“ ના, મારી દીકરીએ નહીં , પણ મારાં સાસુએ કહ્યું હશે.. ” કપડાં બદલતાં તે બોલી.

“ નારે, મને કહે આન્ટી ગરમી સખત છે… તમારા માટે ઠનડું ચાલશે ને કહી તેણે લીંબુ નો શરબત મને સર્વ કર્યો. ખરેખર તારી દીકરી ઢીંગલી જેવી ક્યૂટ છે. ”

“ આ તો મારાં સાસુની કેળવણી છે. બાકી.. હું મારાં કામમાંથી ઊંચી આવું તો ને.. ” કહી અચાનક તેની આંખમાંથી આંસુ સરી પડ્યાં. હું મુંઝાઈ ગઈ. કદાચ તેનાં સાસુથી તે ત્રાસી ગઈ હશે. આમેય સાસુઓને વહુના હક છીનવવામાં મઝા આવતી હોય છે. મોટપણું જતાવવાનો ડોસાડોસીઓને બહુ શોખ હોય છે. આવા વિચારો મારાં મનમાં રમવા લાગ્યાં. હું તેને દિલાસો આપવા જતી હતી ત્યાં તો તે બોલી, “ મારાં સાસુ તો. દયાનીદેવી છે!તું ધારે છે એવું નથી. ” કહી તે આંસુ લુછવા લાગી. રચનાની વાતે મારાં કુવિચારો નાં બ્લુનમાંથી હવા કાઢી નાખી અને હું મનોમન લજવાઈ ગઈ.

“ તું એમ કેમ બોલી કે તું ધારે છે એવું નથી. “

“ કદાચ તને એવો વિચાર આવ્યો હોય કે હું મારાં સાસુથી પરેશાન છું. ”

હું ખોટું બોલીને કહી નાખત કે મેં એવું વિચાર્યું નહોતું તો શું ખબર પડવાની હતી? અને હા કહેવાની મારી હિંમત ચાલતી ન હતી. મેં વચલો માર્ગ કાઢ્યો અને પૂછયું , “તે કેમ એવું ધારી લીધું?”

“ના બસ આમ જ . જનરલી આપણી માન્યતા એવી ઘર કરી ગઈ છે કે સાસુ વહુને વિતાડે. અરે હું કોઈને કહું કે મારી સાસુ તો લાખોમાં એક છે તો માને જ નહીં! વળી શિખામણ પણ આપે કે જરા સાવચેત રેજે. ”

“ ખરેખર તું નસીબદાર છે. પણ સવારે મન્દિર તો જતા હશેને?”

“ અનુભવે તે સમજયાં છે કે ઘરમાં ઠાકોરજીની સેવા હોય તો ભટકવાની જરૂર શી? સવારે વહેલા ઊઠી ને રસોડામાં.. ચા, દૂધ, રસોઈ કરે.. હું છોકરીને તૈયાર કરું.. અમારા ત્રણનું ટિફિન તેઓ જ તૈયાર કરે.. ખરેખર ઘરમાં વડીલ હોય તો ઘરની રોનક કંઈક અનોખી હોય છે. બાકી ઘર હોય તો વાસણ અથડાય ખરાં પણ ગોબો ન પડે.. ” કહી હસવા લાગી.

“ ચલ, ફરી મળશું. સાચ્ચે જ તારી વાતો ખૂટે એવી નથી. ” કહી હું ઉભી થઇ અને…

અને મારી આંખે અંધારા આવી ગયાં. હું મારી માન્યતાઓની દુનિયામાંથી બહાર આવી. રચનાની સામે મારું વામન સ્વરૂપ મને જ ડંખી રહ્યું હતું. મુખ્ય સડક પર આવી. એક બાજુ ઊભી રહી. ફોન લગાવ્યો. “ હું બોલું છું.. સાંભળો, સાંજે મોટાભાઈને ઘરે આવજો… હું ત્યાં જાઉં છું .. ”

“ કેમ કેમ ના પૂછો.. બાને લેવા .. હવે આપણો વારો આવ્યો છે એ પણ તમને યાદ દેવરાવાનું.. અને મોટા ભાઈને કહી દેજો કે બા આપણાં જ ઘરે હવેથી રહેશે… હા હું બોલું છું તમારી પત્ની. સમજ્યાં કે… તમને માન્યામાં ન આવતું હોય તો ભલે.. ફોન મુકું છું.. ” અને બરફ જેવાં વહેતા ઠંડા પવનમાં મારાં ચહેરા પરનાં ઝાકળ શા બુંદ લૂછી મારો ચહેરો જોવા લાગી મારાં મન દર્પણમાં.. હું સ્વસ્થ હતી, ખુશ હતી, પેલી નાની શી પરીની જેમ…

સમાપ્ત