Jay siyaram bhagat na penda books and stories free download online pdf in Gujarati

જય સીયારામ ભગતનાં પેંડા

જય સીયારામ ભગતનાં પેંડા

ભવ્ય રાવલ

રાજકોટની લોકલ ટુ ગ્લોબલ બ્રાન્ડ : ‘જય સીયારામ ભગતનાં પેંડા’

પેંડા મીઠાઈનાં રાજા છે. આપણે ત્યાં કોઈપણ શુભ પ્રસંગ પેંડા વિના અધૂરો છે. એમાં પણ પેંડાનું નામ પડે એટલે રાજકોટ યાદ આવે. જાણે રાજકોટ અને પેંડા એકબીજાનાં પર્યાય હોય. આમ તો આખું રાજકોટ જ પ્રખ્યાત છે પણ જ્યારે રાજકોટનું શું-શું પ્રખ્યાત છે તો એમાં એક નામ રાજકોટનાં પેંડાનું આવે. રાજકોટમાં કોનાં પેંડા વખણાય તો સ્વાભાવિક રીતે આપણે સૌ જાણીએ જ છીએ કે, રાજકોટનાં જય સીયારામ ભગત પેંડાવાલા રાજકોટથી સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. ૧૯૩૩ની સાલમાં સૌ પ્રથમ હરજીવનભાઈ સેજપાલે દૂધના પેંડા બનાવવાની શરૂઆત કરી ત્યારથી લઈ આજ સુધી ‘જય સીયારામ ભગતનાં પેંડા’ રાજકોટની લોકલ ટુ ગ્લોબલ બ્રાન્ડ બની છે.

પહેલાનાં સમયમાં માત્ર માવાનાં પેંડાનું જ ચલણ હતું. દૂધનાં પેંડા કોઈક ભાગ્યે જ બનાવતું એવા સમયે ૧૯૩૩ની સાલમાં હરજીવનભાઈ ઉર્ફે જય સીયારામે રાજકોટમાં સૌ પ્રથમ જાતે દૂધનાં પેંડા બનાવી થાળામાં લઈ ફરતા-ફરતા પેંડા વેંચવાની શરૂઆત કરી. આ જય સીયારામ એટલે હરજીવનભાઈ સેજપાલ. જય સીયારામ પેંડાવાલાનાં સ્થાપક હરજીવનભાઈ સેજપાલને ‘સીતારામ’ નામમાં અતૂટ શ્રદ્ધા અને તેઓ શ્રી રામ ભગવાનનાં પરમ ભક્ત. અલબત્ત તેઓને રામાયણ કંઠસ્થ હતી આથી જ તેઓએ પોતાની પેંડાની દુકાન સહિત સંતાનોનાં નામ પણ રામાયણનાં પાત્ર પરથી રાખ્યાં છે. હરજીવનભાઈને કોઈપણ ક્યારેય પણ મળે ત્યારે જય સીયારામ બોલવાની ટેવ હતી. આ રીતે પણ તેઓ જય સીયારામનાં હુલામણા નામથી જાણીતા બન્યા. હરજીવનભાઈની જેમ જ તેમનાં સંતાન રઘુભાઈને પણ રામાયણ કંઠસ્થ છે.

જ્યારે આઝાદીનાં થોડા સમય પહેલાં જય સીયારામનાં પેંડા રાજકોટ સ્ટેટમાં જાણીતા બન્યા ત્યારે જય સિયારામે ઉર્ફે હરજીવનભાઈએ રાજકોટ શહેરની ઠોસાગલીમાં એક નાનકડી દુકાન લઈ પેંડા બનાવવા-વેંચવાનું શરૂ કર્યું. જેમાં સફળતા મળતા હરજીવનભાઈએ ધર્મેદ્ન રોડ, પંચનાથ રોડ તથા યાજ્ઞિક રોડ પર પોતાની શાખાઓ ખોલી. ટૂંકસમયમાં જ રાજકોટનાં જય સીયારામ પેંડાવાલાનાં પેંડા એટલાં તો પ્રખ્યાત બન્યા કે, રાજકોટની એક ઓળખ આજે પણ આ જય સીયારામ ભગતનાં પેંડા છે. સમય પસાર થતા ૧૯૭૮ની સાલમાં જય સિયારામ પેંડાવાલાનાં સ્થાપક હરજીવનભાઈનું અવસાન થયું પણ તેમનાં સંતાનો પિતાનાં વ્યવસાયને સંભાળવા ત્યાં સુધીમાં સક્ષમ બની ચૂક્યા હતા.

હરજીવનભાઈ સેજપાલના સંતાનો માલતીબેન, રઘુભાઈ, જયંતભાઈ અને સ્વ. અજયભાઈએ સમયની સાથે પિતાના વ્યવસાયને આગળ ધપાવ્યો છે. સેજપાલ પરિવારની નવી પેઢીએ રાજકોટમાં ત્રણ બ્રાંચની શરૂઆત કરી. જેમાં હાલમાં રઘુભાઈએ યાજ્ઞિક રોડ પર આવેલી શાખા સંભાળી તો જયંતભાઈએ પંચનાથ રોડ અને કાલાવડ રોડ પર આવેલી શાખા સંભાળી છે. આટલું જ નહીં પિતા હરજીવનભાઈએ માત્ર દૂધના પેંડા બનાવ્યા હતા જ્યારે તેમનાં સંતાનો એ પેંડામાં જુદા-જુદા ફ્લેવર્સની વેરાયટીઓ ઉપરાંત અનેક મીઠાઈઓ બનાવવાની શરૂઆત કરી. સાથોસાથ જય સીયારામ ભગતનાં પેંડા સિવાય તેની અન્ય મીઠાઈ, ફરસાણ તેમજ ડેરી આઈટેમ પણ લોકોનાં સ્વાદ અને શોખનો વિષય બન્યા.

જય સીયારામ પેંડાવાલા યાજ્ઞિક રોડનાં સંચાલક રઘુભાઈનાં દીકરી મિથિલાબેન ૧૯ વર્ષની નાની ઉંમરે જ પોતાના દાદા-પિતાનાં વ્યવસાય સાથે જોડાઈ ગયા હતા. મિથિલાબેન ચોકલેટ ખાવાનાં બહુ શોખીન છે. આથી તેમણે જય સીયારામ પેંડાવાલા મારફતે નાના-મોટા સૌને ચહિતા ચોકલેટ ફ્લેવરમાં પેંડા બનાવવાની શરૂઆત કરી. રઘુભાઈ અને તેમનાં દીકરી મિથિલાબેન હાલમાં યાજ્ઞિક રોડ પરની શાખા સંભાળે છે. આ સિવાય તેઓએ અમદાવાદમાં વસતા અને ત્યાં આવતા-જતા પેંડા પ્રિય લોકોઓને આસાનીથી જય સીયારામ પેંડાવાલાનાં પેંડા મળી રહે એ માટે ૧૯૮૦ની સાલમાં અમદાવાદમાં જય સીયારામ પેંડાવાલાનાં શોરૂમની શરૂઆત કરી છે.

જય સીયારામ પેંડાવાલાનાં સંચાલક મિથિલાબેન જણાવ્યા અનુસાર તેમનાં પિતા રઘુભાઈને દીકરી જન્મે તેવી જ ઈચ્છા હતી. તેમણે મિથિલાબેનનો ઉછેર પણ એક દીકરાની જેમ જ કર્યો છે. આથી તેઓ એક દીકરાની જેમ જ પારિવારિક વ્યવસાયમાં તેમનો સાથ સહકાર આપવા ઈચ્છુક છે. તેઓ કોલેજમાં પ્રવેશતાની સાથે જ પિતાની વ્યવસાયની જવાબદારી સંભાળવા તૈયાર થઈ ગયા હતા. આ પાછળ તેમનો સારું-સારું જમવાનો અને અવનવી રસોઈ બનાવવાનો શોખ પણ કેટલાંક અંશે જવાબદાર છે. પિતાને વર્ષોથી વ્યવસાય સાથે જોડાયેલા જોઈને મિથિલાબેનને પણ દાદા અને પિતાનાં પગલે પેંડાનાં વ્યવસાયમાં જ આગળ વધવાની ઈચ્છા હતી.

સેજપાલ પરિવાર ભવિષ્યમાં અવનવી પ્રોડક્ટો લઈ આવશે. સમયને અનુરૂપ જય સીયારામ પેંડાવાલા દ્વારા પેંડાની પ્રોડકશન ટેકનિકમાં ફેરફાર થશે. મિથિલાબેન આગળ કહે છે કે, સામાન્ય રીતે પેંડા કે કોઈપણ મીઠાઈની બનાવટ ભેસનાં દૂધમાંથી જ કરવામાં આવે છે. જય સીયારામ પેંડાવાલાએ લોકોની સ્વાસ્થયની તકેદારી તેમજ લોકોની માંગને ધ્યાને રાખી ગાયના દૂધમાંથી પેંડા બનાવવાની શરૂઆત કરી છે. જેનાથી લોકોને ગમતા સ્વાદ સાથે શરીરની પણ તંદુરસ્તી જળવાઈ રહે છે. જય સીયારામ પેંડાવાલાની મીઠાઈની સાથે નમકીન પણ એટલું જ પ્રખ્યાત બની ચૂક્યું છે. જેમાં પાલાકની સેવ અને લસણીયા મમરાનો ટેસ્ટ અનેરો છે.

લોકોને એક વાત ખાસ અહીં એ જણાવીશ કે, જય સીયારામ પેંડાવાલાનાં પેંડા વિશ્વભરમાં એટલા તો પ્રખ્યાત બન્યા છે કે ઘણા બધા પેંડા અને ફરસાણ બનાવતા લોકોએ જય સીયારામ પેંડાવાલાનાં નામની નકલ કરી પેંડા અને ફરસાણની બનાવટ વેંચવાનું શરૂ કર્યું છે. પીળું એટલું સોનું ન હોય એ મુજબ આપ પણ અસલી જય સીયારામ પેંડાવાલાનાં પેંડાનો ટેસ્ટ લેવા માંગતા હોય તો જય સીયારામ પેંડાવાલાની ચીજવસ્તુઓ તેમનાં શોરૂમ પરથી જ લેવાનો આગ્રહ રાખશો. કોઈપણ વેપાર-ધંધામાં ખાસ કરીને ગ્રાહકો સાથેનાં સબંધો જેટલાં મુખ્ય હોય છે એટલાં જ મુખ્ય સંબંધો સિવાયનાં સબંધો શાખની સાચવણીનાં હોય છે. જય સીયારામ પેંડાવાલાને પેઢી દર પેઢી ગ્રાહકો સાથેનાં સબંધો વારસામાં મળ્યા છે. આપણા બાપ-દાદાથી લઈ એકવીસમી સદીની આધુનિક પેઢીએ પણ જય સીયારામ પેંડાવાલાનાં પેંડા ખાધા જ છે.⁠ તમે પણ ટેસ્ટ કર્યો છે ને રાજકોટનાં જય સીયારામ ભગત પેંડાવાલા પેંડાનો?ફેક્ટ ફાઈલ : જય સીયારામ પેંડાવાલાસ્થાપના : ૧૯૩૩સ્થાપક : હરજીવનભાઈ સેજપાલસંચાલક : રઘુભાઈ સેજપાલ અને મિથિલાબેન સેજપાલ (યાજ્ઞિક રોડ શોપ)શાખા : રાજકોટ અને અમદાવાદ

વેરાયટી : અવધપુરી, જનકપુરી, સ્પે. પેંડા, દાણાદાર પેંડા, સ્પે. જય સીયારામ પેંડા, સ્પે. મલાઈ પેંડા, કેસર પેંડા, ચોકલેટ પેંડા, રજવાડી પેંડા, થાબડી, બરફી, હલવો, જાંબુ, લાડુ, કાજુ કતરી, શીખંડ, અડદિયા, ધારી, મેસુબ, બાસુંદી સહિત વિવિધ જાતની મીઠાઈઓ અને ફરસાણ

ગુરુમંત્ર : મિથિલાબેન ક્વોન્ટિટી વધારવા માટે ક્વોલિટીમાં ફેરફાર ન કરવાને પોતાનો ગુરુમંત્ર માને છે. કોઈપણ ખાદ્ય ચીજવસ્તુની બનાવટમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત સામગ્રીનો ઉપયોગ કરવો એ જ જય સીયારામ પેંડાવાલાની ગુડવિલ છે. જય સીયારામ પેંડાવાલા સ્વચ્છ વાતાવરણમાં તમામ ચીજવસ્તુનું ઉત્પાદન કરી ગ્રાહકને આપે છે. સાડા આઠ દાયકાથી ગ્રાહકોનાં વિશ્વાસને ટકાવી રાખવા જય સીયારામ પેંડાવાલા સતત સજાગ છે. શરૂઆતથી આજ સુધી જય સીયારામ પેંડાવાલા તેમની ક્વોલિટીમાં ક્યારેય બદલાવ લાવ્યા નથી. તેઓ ક્વોલિટી તથા તાજો માલ આપવાનો સતત પ્રયત્ન કરે છે. જે તેની સફળતાનું રહસ્ય છે. જય સીયારામ પેંડાવાલાએ સમયને અનુરૂપ જૂની પદ્ધતીમાં નવી આધુનિકતાઓ જોડી છે. ગ્રાહક પાછો જાય તો ચાલે, પાછો ન આવે તે ન ચાલે તે જય સીયારામ પેંડાવાલાની યુએસપી છે.

બોક્સ : હરજીવનભાઈ ઉર્ફે ‘જય સીયારામ’નાં સેજપાલ પરિવારે છેલ્લા સાડા આઠ દાયકાથી દૂધનાં પેંડાનાં વેપારને અવિરતપણે આગળ વધાર્યો છે. રાજકોટનું નામ પડે એટલે જય સીયારામ પેંડાવાલાની યાદ આવે. ‘પંખીનો માળો’ ગુજરાતી ફિલ્મમાં અસરાની અને જયશ્રી ટીએ જય સીયારામ પેંડાવાલાનાં શોરૂમમાં ફિલ્માવેલા એક ગીતમાં રાજકોટનાં આ પેંડાવાલાનો ઉલ્લેખ કર્યો છે. રાજકોટ શહેરની ૪૦૦ વર્ષની ઉજવણી કાર્યક્રમમાં નાગરિક બેંક તરફથી જય સીયારામ પેંડાવાલાને બ્રાંડ ઓફ રાજકોટનો એવોર્ડ મળ્યો છે. એક નાની દુકાનથી આજે ભવ્ય શૉરૂમ બનેલાં જય સિયારામ ભગત પેંડાવાલા મીઠાઈ માર્કેટમાં રાજકોટની શાન છે. સામાન્ય માણસથી લઈ સેલિબ્રિટી પર્સનનાં શુભ પ્રસંગે જય સિયારામ પેંડાવાલાનાં પેંડા પ્રસંગમાં મીઠાશ લાવે છે. દેશ–વિદેશમાં વસતા નામી-અનામી લોકો, એક્ટર્સ, ઉદ્યોગપતિઓ તથા રાજકારણીઓ જય સિયારામ પેંડાવાલાનાં પેંડાનાં સ્વાદનાં શોખીન છે.

***