Agyaat Sambandh - 6 books and stories free download online pdf in Gujarati

અજ્ઞાત સંબંધ - ૬

પ્રકરણ-૬

લોકેટનું સ્થળાંતર

( કૉફી શોપમાં રિયા, કવિતા અને વનરાજ રિયાની સાથે બનતી અઘટિત ઘટનાઓ અંગે ચર્ચા-વિચારણા કરે છે પરંતુ એમાં રિયા અને વનરાજ બંનેનો મતફેર થાય છે. બંને વચ્ચે હળવો ઝઘડો થાય છે અને વનરાજ ગુસ્સે થતો ત્યાંથી નીકળી જાય છે. રિયા કવિતાને કહીને ફ્લેટ પર જવા નીકળે છે, પણ એ જે ટેક્સીમાં બેસે છે એ ટેક્સીનો ડ્રાઈવર કાળ બનીને રિયાને દબોચી લે છે. ટેક્સીચાલકના રૂપમાં આવેલો એ શેતાન ન સમજાય એવી ભાષામાં કશુંક બોલતો રિયાને શારીરિક ત્રાસ આપે છે અને રિયા બેભાન થઈ જાય છે. થોડા સમય પછી કવિતા એને એક જંગલ વિસ્તારમાં શોધી કાઢે છે. હવે આગળ...)

રિયા, તું આરામ કર અત્યારે... કહીને કવિતા રિયા માટે જ્યુસ લેવા રસોડામાં ગઈ. એ બહાર આવી ત્યારે એના હાથમાં બે ગ્લાસ હતા. એક ગ્લાસ એણે રિયાને આપ્યો અને પછી રિયાના બેડ પર જ બેસીને જ્યુસ પીવા લાગી. તેના હાથ ધ્રૂજતા હતા. ચહેરા પરની ચંચળતા ક્યાંક ડી ગઈ હતી. ઘરમાં હંમેશા ગુંજતી રહેતી કવિતા આજે દર્દભરી ગઝલ બની ગઈ હતી. રિયાની પારખું નજરથી આ બધું છુપાવવામાં તે નિષ્ફળ નીવડી.

કવિતા ! તેં મારા પ્રશ્નનો જવાબ ના આપ્યો.... વનરાજને મારી સાથે જે કંઈ થયું એ ખબર છે ? અને તું આટલી ગભરાયેલી કેમ લાગે છે ? જે હોય તે સાચું કહે, હું અહીં કેવી રીતે પહોંચી ?” રિયાએ બેડ પર બેઠા થઈને પૂછ્યું.

તારી સાથે જે કંઈ થયું એ વનરાજને હજુ સુધી તો નથી ખબર. પણ તું શહેરની બહાર એવી અવાવરૂ જગ્યાએ ગઈ જ શા માટે ? તું તો રુમ પર આવવા માટે નીકળી હતી ને...?”

હા કવિતા, હું રુમ પર આવવા માટે જ નીકળી હતી, પણ....રિયાએ જે કંઈ યાદ હતું એ બધું કહી દીધું. ટેક્સીનો અવાજ, ટેક્સીચાલકનું એને જંગલમાં ઘસડી જવું, તીક્ષ્ણ હથિયાર, શારીરિક અત્યાચાર, કાગડાઓ દ્વારા હુમલો, બધું જ. પણ ત્યાર પછી તેની સાથે શું થયું એ કશું જ તેને યાદ નહોતું.

કવિતા થોડો સમય તો હેબતાઈ જ ગઈ. તેમણે જે વિચાર્યું હતું તેનાથી વધારે ભયંકર ઘટના બની ચૂકી હતી. તેણે રિયાના શરીર પર ચારે બાજુ હાથ ફેરવી જોયો. કોઈ ઘાવ કે ઉઝરડા હતા નહીં તેની ખાતરી કરી. જો કે તેને રિયાની વાત પર થોડો પણ સંશય નહોતો. હમણાં છેલ્લા થોડા દિવસોથી જે કંઈ બની રહ્યું હતું એ તદ્દન અસામાન્ય હતું. જાણે તેઓ કોઈ હોરર ફિલ્મનો એક હિસ્સો ન હોય !!

રિયા, તું સાંજ પડવા છતાં રુમ પર નહોતી પહોંચી એટલે મને કંઈક અઘટિત બન્યું હોય એવી શંકા જાગી. હમણાંથી હું વધારે જ શંકાસ્પદ બની ગઈ હોવ એવું લાગે છે મને. મેં તને ઘણાં કોલ્સ કર્યા, પણ તને કૉલ લાગતો જ નહોતો એટલે મેં વનરાજને કૉલ કરવાની ટ્રાય કરી. મને લાગે છે એ હજુ તારાથી નારાજ છે. તેણે એક પણ કૉલ રિસીવ ના કર્યો એટલે પછી મેં જ તને શોધવાનું નક્કી કર્યું. વનરાજે આપણને થોડાં દિવસ પહેલાં જી. પી. એસ. ટ્રેકર યુઝ કરતાં શીખવ્યું હતું ને એ કામ આવ્યું. તારા મોબાઈલમાં જી.પી.એસ. ઓન હતું એટલે તારું લોકેશન મળી ગયું. પણ તું તો શહેરની બહાર હતી. મારી શંકાઓ વધારે ગહેરી બની. મેં કંઈ પણ વિચાર્યા વિના મારા અંકલને બોલાવી લીધા અને તને શોધવા માટે નીકળી પડ્યા.

એકદમ વેરાન, જંગલ જેવા વિસ્તારમાં તું બેભાન પડી હતી. કઢંગી કહી શકાય તેવી હાલતમાં... મેં તારા કપડાં સરખા કર્યા, મારી ઓઢણી વીંટાળી અને તને ડાયરેક્ટ હોસ્પિટલ લ. તારું મેડિકલ ચેકઅપ કરાવ્યું એ પછી થોડી ધરપત થઈ મને.

આજે બે દિવસે તું જાગી. મારા અંકલ કાલ સુધી આપણી સાથે જ રોકાયા હતા, પણ મેં જ તેમને કાલે ઘરે મોકલી દીધા અને તારા સો સ્વિટ વનરાજનો એકપણ કૉલ આવ્યો નથી કે એ રિસીવ પણ નથી કરતો. ઇનફેક્ટ, હવે તો એ મહાત્મા મોબાઇલ સ્વિચ ઓફ કરીને સમાધીમાં બેસી ગયા હોય તેવું લાગે છે મને. કવિતા મીઠી વાતો કરવામાં એક્સપર્ટ હતી. મજાક કરતાં-કરતાં જ તેણે વનરાજ માટે સ્પષ્ટ અણગમો વ્યક્ત કર્યો.

રિયા હજી એ સદમામાંથી બહાર નહોતી આવી. આ ગોઝારી ઘટના યાદ કરીને તેના શરીરમાંથી કંપારી છુટી ગઈ. તે જીવતી જ છે એ વાત પર તેને હજું શંકા હતી. એ કેવી રીતે બચી ગ એ તો તેને પણ નહોતી ખબર. મોત તેની આંખો સામેથી પસાર થયું હતું. અરે, સામેથી નહીં, તેની માથે ઝળુંબતું હતું. તેણે વનરાજને કૉલ લગાવ્યો, પણ વ્યર્થ ! હજુ તેનો ફૉન સ્વિચ ઓફ જ આવતો હતો.

રિયાને ખૂબ જ ગુસ્સો આવ્યો. જ્યારે તેને વનરાજની સખત જરૂર છે, ત્યારે જ તે એની સાથે નથી. સાયકોથેરાપીની ના પાડી એટલી જ વાતમાં ને ? તેણે મોબાઇલ છુટ્ટો દિવાલ પર ફેંક્યો. મોબાઇલ ડેડ થઈ ગયો.

આ રિયાની બીજી ભૂલ હતી. પહેલી ભૂલ તેણે તેનું લોકેટ વનરાજના ઘરે ભૂલી જઈને કરી હતી. એ વખતે વનરાજ સાથેના પ્રેમાલાપમાં એ એવી પરોવાઈ ગઈ હતી કે એણે લોકેટને જમીન પર પડેલું જોયું હોવા છતાંય વનરાજથી છૂટા પડતી વખતે તે લેવાનું ભૂલી ગઈ હતી. હવે એ લોકેટ વનરાજની જિંદગી ઉઝાડી નાંખવા માટે પૂરતું હતું. ઇનફેક્ટ, તેની પણ. પરંતુ તે બંને આ વાતથી તદ્દન અજાણ હતાં. મોત તેમનું સ્વાગત કરવા માટે પૂરજોશમાં તૈયારી કરી રહ્યું હતું અને આ બંને સામેથી તેને ભેટવા જઇ રહ્યાં હતાં. જાણે પોતે પતંગિયા અને શેતાન દીપક જ્યોત હોય !

બળી મરવું પ્રણય માટે, પ્રણયની એ જ શોભા છે;

પતંગાઓ ને દીપક એ ફરજમાં એક સરખાં છે.”

કવિતા રિયાનું આવું આક્રમક રૂપ જોઈને ડઘાઈ ગઈ. તેને રિયા પાસેથી આવી અપેક્ષા ક્યારેય નહોતી. તે હંમેશા શાંત રહેવામાં માનતી હતી. છેલ્લીવાર તે ક્યારે ગુસ્સે થઈ હતી એ પણ યાદ કરવું મુશ્કેલ હતું. પણ આજે કંઈક અલગ જ હતી એ.

રિયાએ ક્યાં ભૂલ કરી કે તે આવી અલૌકિક ઘટનાઓનો શિકાર બની રહી હતી - એ વાત તેને કેમેય કરીને મગજમાં બેસતી નહોતી. કંઈ પણ હોય, તેણે હવે લડવું જ રહ્યું. વનરાજ સાથ આપે કે ના આપે, પણ તેણે આ કેદમાંથી છૂટવું જ રહ્યું.

તે બેડ પરથી ભી થઈ. તેને અહેસાસ થયો કે તેના શરીરમાં અક્કડતા વર્તાઈ રહી છે. તેનાથી હળવો ઉંહકાર નીકળી ગયો.

અરે રિયા ! તું આરામ કરને... હજુ તો...”

બસ કવિતા, બહુ થયું હવે. અહીં-તહીં ભટકવા કરતાં કોઈ એક દિશામાં ભાગવું વધારે સહેલું હોય છે. આખરે કેટલો સમય આમ ને આમ મરી-મરીને જીવતું રહેવું ? આજે આ થયું, કાલે કંઈક નવી જ મુસીબત આવીને ભી રહેશે.... હું કંટાળી ગઈ છું આવી રોજની ઘટનાઓથી.... અને પેલો.... સ્માર્ટી બોય વનરાજ... શું કહેતો હતો ? તમને માનસિક બિમારી હોવાનાં ચાન્સીસ છે. ઉફ્ફ્ફ.... આવ્યો મોટો ડૉક્ટર બનવા...”

કવિતા પ્લીઝ, મારા માટે કૉફી બનાવી આપ. એકદમ કડક હોં. મારો માથાનો દુઃખાવો અસહ્ય થતો જાય છે. - આટલું કહીને રિયા નહાવા જતી રહી. નહાતી વખતે તેણે ફરીથી શરીરના બધાં અંગો તપાસી જોયાં. શરીરમાં જડતા સિવાય બીજા કોઈ ઘાવ કે ઉઝરડાનાં નિશાન નહોતા. ગરમ પાણીનો શાવર તેના શરીરને શાતા બક્ષતો હતો. તેને થોડી કળ વળી, શાંતિ થઈ.

કવિતાએ નોંધ્યું કે રિયા એક્ઝામ ટાઇમ સિવાય ક્યારેય કડક કૉફી નથી પીતી. ચોક્કસ તે ટેન્શનમાં છે. અરે, હોય જ ને... આ જે કંઈ બન્યું એ કંઈ સામાન્ય ઘટના નહોતી.

રિયા નાહીને આવી ત્યાં સુધીમાં કવિતાએ એકદમ કડક, એલચીવાળી કૉફી અને નાસ્તો તૈયાર કરી રાખ્યો હતો.

રિયાએ ઑફ-શોલ્ડર, લાઇટ પિંક કલરનું ફ્રોક પહેર્યું હતું. કેટલો માસૂમ ચહેરો હતો તેનો ! પણ એ ચહેરા પરનું નટખટ હાસ્ય ક્યાંક છૂપા ગયું હતું. રિયા સાથે આટઆટલું બની જવા છતાં એ હજુ લડવા તૈયાર હતી. તે આટલી સ્ટ્રોંગ હશે એવું તો કવિતાએ સ્વપ્નેય નહોતું વિચાર્યું.

રિયા, તારું લોકેટ ક્યાં ?” કવિતાનું ધ્યાન રિયાના ગળા પર જતાં તેને ખબર પડી કે રિયાને જીવથીયે વધારે વહાલું લોકેટ ત્યાં નહોતું.

અરે યાર... લોકેટે તો પરેશાન કરી નાખી છે મને... લાસ્ટ ટાઇમ હું એને ખબર નહીં કેમ, પણ વનરાજના ઘરે ભૂલી ગઈ છું. ત્યાર પછી એના ઘરે જવાનો મોકો નથી મળ્યો.” રિયાએ કૉફીની મોટી સીપ લેતા કહ્યું. અલબત્ત, એ વનરાજ સાથેના એ પ્રેમાલાપની વાત એ ન જ કરે એ સ્વાભાવિક હતું.

***

વનરાજ ગુસ્સામાં જ રિયા અને કવિતાને કૉફી શોપમાં છોડી આવ્યો એ પાછળ ઘણાં કારણો જવાબદાર હતાં. એક તો તે રિયા સાથે બનતી ઘટનાઓથી પરેશાન હતો અને ઉપરથી તેના ડ્રિમ પ્રોજેક્ટ ગ્રીન ટર્બો એંજિનના પરિક્ષણને આખરી ઓપ અપાઈ રહ્યો હતો. અધૂરામાં પૂરું તેને તેના પપ્પા કૃષ્ણસિંહ સાથે એક અગત્યની મિટિંગમાં જવાનું હતું. આ વાત વનરાજ રિયાને કરવાનો જ હતો, પણ આ બધી તકરારમાં એ ક્યાંય ભૂલાઈ ગયું હતું.

એ રિયાને સારી રીતે ઓળખતો હતો. એ ફક્ત સુંદર જ નહીં, સમજુ પણ હતી. આમ પણ પૂજારીએ કવિતાના હાથમાં દોરો બાંધ્યો એ પછી કવિતા તરફથી કંઈ પણ અજુગતું નહોતું બન્યું એટલે એ બાબતે વનરાજને હવે શાંતિ હતી.

ઘરે પહોંચી વનરાજ મિટિંગમાં જવા માટે ફટાફટ તૈયાર થયો. ડ્રોરમાંથી ફાઈલો કાઢતી વખતે તેનું ધ્યાન સાચવીને રાખેલાં રિયાનાં લોકેટ પર ગયું. તે હસ્યો.

બેટા વનરાજ, જલ્દી કર... તારા પપ્પા નીચે રાહ જુએ છે.” વનરાજની મમ્મીએ બૂમ મારી.

વનરાજે ફટાફટ ટાઈ સરખી કરી, રિયાનું લોકેટ સંભાળીને પોકેટમાં સરકાવ્યું અને ઉતાવળે નીકળી ગયો.

તેઓ લગભગ એક અઠવાડિયા માટે બિઝનેસના કામથી સુરત જઈ રહ્યા હતાં. ઉતાવળમાં વનરાજ તેનો મોબાઇલ બેડરૂમમાં જ ભૂલી ગયો હતો અને તેણે લોકેટ સાથે લઈને આફતોને પડકારી હતી.

(ક્રમશઃ)

આ પ્રકરણના લેખક છે: ભાવિક રાદડિયા ‘પ્રિયભ’