Mission vasundhara - 7 books and stories free download online pdf in Gujarati

મિશન વસુંધરા

મિશન વસુંધરા

ભાગ - ૭

યાન અતિશય તીવ્ર ગતિએ દરિયામાં ઉતરી રહ્યું હતું અને જાણે દરિયાની ઊંડાઈ માપવાનો પ્રયાસ કરી રહ્યું હતું, ત્યારે યાનની અંદર સૌ અવકાશવીરોના જીવ પડીકે બંધાઇ ગયા હતા. પોતાની જિંદગીની આ આખરી સફર બની રહેલી સૌ અનુભવી રહયા, ભયનું એક લખલખું અનુભવી રહ્યા સૌ. પણ, સ્વસ્થ હતો તો એક માત્ર વ્યક્તિ, નીલ. પુરી અગમચેતી નીલ દાખવી રહ્યો હતો અને એની પાસેનું જ એક બટન દબાવી દીધું. અને આ સાથે જ, સૌ અવકાશવીરો સાથેનો એક ભાગ યાનથી છૂટો પડી ગયો અને યાનનો એક ભાગ એક ટચૂકડી સબમરીન બની ગયો. ધીરેધીરે સબમરીન આગળ વધવા મંડી અને યાનનો જર્જરિત થયેલ ભંગાર ભાગ, દૂર દૂર જતો સૌ જોઈ રહ્યા. દરિયામાં દસ કિલોમીટર અંદર સમબરીન ચાલતી હતી એ અનિષે નોંધ્યું. સૌ અવકાશવીરોએ હવે સ્વસ્થતા ધારણ કરી લીધી હતી. બધા પ્રારંભિક આઘાતમાંથી બહાર નીકળી ચુક્યા હતા. નીલ સ્વસ્થતાપૂર્વક અને કંઈક કુશળતાપૂર્વક સબમરીન ચલાવી રહયો હતો.

આટલી ગંભીર પરિસ્થિતિમાં પણ દીપકથી રહેવાયું નહીં, એ કૈક પૂછવા ક્યારનોય આકળવિકળ થતો થતો.

"ચંદ્રલોક પર તો પાણી છે જ નહીં, કે જેમાં આ પ્રકારની સમબરીન બનાવી શકાય, તો આવો ખ્યાલ, સબમરીન બનાવવાનો ખ્યાલ આવ્યો ક્યાંથી? ".. છેવટે દિપક, પૂછી જ બેઠો, અને એનો સવાલ પણ એકદમ વ્યાજબી જ હતો, એવું સૌને લાગી રહ્યું.

નીલે સાંભળી રહ્યો અને સબમરીનને ઓટોમોડ પર મૂકીને દિપક તરફ ફર્યો.

"દોસ્તો, કદાચ આપને ખ્યાલ નથી, કારણ કે આપનો જન્મ ચંદ્રલોકમાં થયેલ છે, જ્યારે આ સબમરીનની શોધ, આપણા વડવાઓ કરી ગયેલા છે, આ કોઈ નવી ટેકનોલોજી નથી, પણ હા, સ્પેસ યાનને પણ સબમરીનમાં ફેરવી શકાય, એવી ટેક્નોલોજીનો વિકાસ ચંદ્રલોકવાસીઓએ જ કર્યો છે, ટાઈટન પર. પૃથ્વી પર, જુદા જુદા દેશો પોતાની સરહદોની રક્ષા માટે, સબમરીનનો ઉપિયોગ કરતા હતા. દોસ્તો, સબમરીન બે પ્રકારની હોય છે, એક તો સાદા બળતણથી ચાલતી અને બીજી અણુ ઇંધણથી ચાલતી. આ બંને પ્રકારની સબમરીનો, પૃથ્વીવાસીઓ બહોળા પ્રમાણમાં ઉપિયોગ કરતા હતા. સબમરીનમાંથી મિસાઈલ એટેક પણ કરી શકાય છે. ".. નીલ અસ્ખલિત માહિતી આપતો રહ્યો.

" તો આપણી સબમરીન કયા બળતણને આધારે ચાલે છે? ".. અનિષ પૂછી રહ્યો.

આ સવાલ સાંભળીને ગૌરવના ચહેરા પર ચમક ઉપસી ગઈ, એક સ્મિત એના ચહેરા પર આવીને વહી ગયું.

"દોસ્તો, પહેલા અણુ ઇંધણ બેસ્ટ કહેવાતું હતું, સબમરીન માટે, પણ પૃથ્વીવાસીઓના અંતિમ વર્ષોમાં ત્યાં જોવામાં આવ્યું કે અણુ ઇંધણવાળી સબમરીનમાં અકસ્માત વધવા લાગ્યા હતા, અને હોનહાર, આશાસ્પદ નેવી સૈનિકો સબમરીનમાં ફસાઈને મૃત્યુ પામતા હતા. છેલ્લે રશિયન સબમરીન સાથે આવો ગમખ્વાર બનાવ બનેલ જેમાં પુરા પચીસે પચીસ સૈનિકો મૃત્યુ પામ્યા હતા. ત્યારથી જ એક એવા ઇંધણની શોધ ચાલુ થઈ જે જરાય નુકશાન ના કરે. અને એ દડમજલના અંતે, ઉર્જાનું એક એવું અક્ષયપાત્ર શોધાયું જેણે સમગ્ર ચંદ્રલોકની કાયાપલટ કરી નાખી. "પ્લાઝ્મા" નામે એક દ્રવ્યમાંથી ઉર્જા પ્રાપ્ત કરવાની ટેકનિક છેલ્લે ચંદ્રલોકના વૈજ્ઞાનિકો શોધવામાં સફળ રહયા. આપણી સબમરીન પણ એ જ "પ્લાઝ્મા" નામના ઉર્જાના અક્ષયપાત્ર પર જ ચાલી રહી છે દોસ્તો"... નીલે અતિ અદભુત જાણકારી આપી હોય એમ સૌને લાગ્યું, કારણ કે, એમના માટે, સબમરીન તો નવો વિષય હતો જ સાથે પ્લાઝ્મા દ્રવ્ય વિશે પણ પહેલી વખત જાણી શક્યા હતા.

" સૌ દોસ્તોને હું એક રહસ્ય કહેવા માગું છું, આ પ્લાઝ્મા દ્રવ્ય પર સૌથી પહેલા સફળ રિસર્ચ કરનાર, આપણી સાથે છે એ ગૌરવ જ હતા, અને એમને એટલા માટે જ, ટાઈટન પર " બે યુનિવર્સ વચ્ચે સફર કરી શકે" એવું યાન બનાવવાની સંપૂર્ણ જવાબદારી સાથે ગૌરવને અહીં ખાસ મિશન સાથે મોકલવામાં આવ્યા હતા. ગૌરવ આપણી સાથે છે એનું એક ખાસ કારણ એ પણ છે કે, આ યાન અને આ સબમરીનની તમામ એટમ લેવલની જાણકારી એમની પાસે છે. આ સબમરીનના નિર્માતા આપણી સાથે જ છે, એ વાત આપણા ફાયદામાં છે". નીલ બોલી રહ્યો.

સૌની ડોક ગૌરવ તરફ ફરી અને સૌ ગૌરવને અહોભાવપૂર્વક જોઈ રહ્યા. બધાને આમ જોતાં જોઈને ગૌરવ અસહજ મહેસુસ કરી રહ્યો. આ જોઈને, "અલા એક સાથે બધા લાઇન ના મારો, ગૌરવ શરમાઈ રહ્યો છે, એક પછી એક લાઇન મારો"... કહીને ગૌરવ સામે આંખ મિચકારી. દીપકની આ રમુજી કોમેન્ટ સાંભળતા જ સૌ હસી રહ્યા અને સબમરીનના અંદરનું વાતાવરણ પણ હળવું બની ગયું.

"હાલ આપણે કઈ તરફ વધી રહ્યા છીએ નીલ? " અત્યાર સુધી શાંત રહેલ મિતાલીએ એક મહત્વનો પ્રશ્ન પૂછી રહી.

સૌનું ધ્યાન હવે, નીલ શું જવાબ આપે છે એ જાણવા આતુર બની રહ્યું. સૌ નીલ સામે તાકી રહયા.

નીલે એક નજર બધા જ અવકાશવીરો સામે નોંધી અને બોલવાનું ચાલુ કર્યું.

" દોસ્તો, આ એક અજાણ્યો ગ્રહ છે. અને આગળ શું થશે, આપણી સામે કેવા પડકાર આવશે એની કલ્પના મુશ્કેલ છે. છતાંય મને એમ કેમ લાગે છે કે કે આ ગ્રહ, કૈક જાણીતો હોય. ખબર નહીં આ મારો ભ્રમ છે કે શું!!, અને હા, થોડી જ વારમાં આ સબમરીનને આપણે પાણીની સપાટી પર લઈ આવશું એટલે જમીની સ્તર પર શું છે એ જાણી શકીશું. "... નીલ જવાબ આપી રહ્યો

નીલે એક બટન પર આંગળી અડાડી. એ સાથે જ સબમરીન સડસડાટ સપાટી તરફ ગતિ કરવા લાગી. આ દરમીયાન સૌ કોઈ દરિયાઇ સૃષ્ટિને આવક બનીને માણી રહયા હતા. અવકાશી સફરોનો ઘણો અનુભવ હતો, પણ દરિયાને આમ ચીરતું નીકળવું એ એક અનોખી પળ હતી.

દરિયાઈ જંગલો લહેરાઈ રહ્યાં હતાં સાથે જ અતિ દુર્લભ કાચબા, રંગબેરંગી માછલીઓને અહીં તહીં દોડાદોડી કરતી, મિતાલી જોઈ રહી. પરવાળાના ખડકો અને વિશાળ ઓક્ટોપસનું લયબદ્ધ સ્પંદન દિપક ભાવવાહી બનીને જોઈ રહ્યો. અનિષ સેંકડો ફુટ લાંબી વિશાલ માછલીને જોઈને સ્તબ્ધ થઈ ગયો હતો, એના માનવામાં જ આવતું ન હતું કે આવડી માછલી અને એય પણ એક દરિયાઈ જીવ હોય. લગભગ ચીસ પાડી ઉઠ્યો અનિષ.. અને એની આ ચીસથી બાકી અવકાશવીરોનું ધ્યાન એની તરફ ખેંચાયું. બધાની નજર એ વિશાળ પડી અને સૌ આશ્ચર્યચકિત બનીને એ મહાકાય દરિયાઈ જીવને જોઈ રહયા.. આ દરમિયાનમાં સબમરીન, સપાટી નજીક સરકતી રહી.

નીલનું સમગ્ર ધ્યાન અત્યારે સામે સ્ક્રીન પર હતું. નજીકમાં જ બેસેલ હિના પણ કુતુહલથી સ્ક્રીન સામે નજર ખોડાવી રહી. દરિયાની બહારની પરિસ્થિતિ વિશે જાણવાની તેની ઇન્તેજારી વધતી ચાલી હતી.. અચાનક એની નજર, સ્ક્રીનમાં તરવરી રહેલ એક વસ્તુ પર પડી, અને હિનાના મોઢામાંથી એક હળવી સિસોટી નીકળી ગઈ....

"નીલ રોક"... હિના કહી રહી... હિના કશુંક ઇશારાથી બતાવી રહી હતી. નિલનું ધ્યાન એ તરફ ગયું અને એ તરવરી રહેલ આકૃતિને ઝૂમ કરીને જોવા માટે એક સ્વિચ દબાવી, ધીરે ધીરે એ આકૃતિ વધુ સ્પષ્ટ થતી ગઈ અને વિશાળ સ્ક્રીન પર વધુ સ્પષ્ટતાથી ઉપસી રહી. નીલની આંખો સ્તબ્ધ થઈ ગયો. અવાચક બનીને એ આકૃતિને જોતી જ રહી. એ આકૃતિ એક ફ્લાઈંગ મશીન હતી. નીલે, સબમરીન ત્યાંજ થંભાવી દીધી.

સૌ અવકાશવીરો પણ શ્વાસ થંભાવીને સ્ક્રીનમાં દેખાતું દ્રશ્ય જોઈ રહ્યા હતા.

સૌ જોઈ રહ્યાં કે, એક ફ્લાઈંગ મશીન નહીં પણ સેંકડોની સંખ્યામાં, ફ્લાઈંગ મશીન એમની સબમરીનને ઘેરીને ઉપર ઉડી રહ્યાં હતાં. કોઈને શું બોલવું એ જ ખબર પડતી ન હતી. માંડ માંડ એક મુસીબતમાંથી છૂટ્યા ત્યાં જ આ નવી મુસીબત આવી ચઢી હતી.

એકસાથે સેંકડો સવાલો સૌના મનમાં ઉછળી રહયા.

આ ઉડતા ફ્લાઈંગ મશીન અચાનક કેવી રીતે આવી ગયા? કોણ છે એ બધાં? શું આ ગ્રહ પર પણ જીવ સૃષ્ટિ છે? સબમરીન અહીં જ છે એ કેવી રીતે ખબર પડી ગઈ?? હવે આગળ શું થશે ?? .. બધાંના દિમાગ પ્રચંડ દબાણ અનુભવી રહ્યાં હતાં.

અચાનક, ક્યાંક દૂર દૂરથી અવાજ સંભળાઈ રહ્યો. ક્યાંથી આવતો હતો એ અવાજ અને એની દિશા, બંને નક્કી ના હતું, પણ અવાજ એમને ઉદ્દેશીને જ કંઈક કહી રહ્યો હતો.

અનિષ ધ્યાન દઈને સાંભળવા લાગ્યો અને સ્તબ્ધ થઈ ગયો. અવાજની ભાષા, શબ્દો , લઢણ બધું જ, ચંદ્રલોકની ભાષાને મળતું આવતું હતું. અરે મળતું શું આવતું હતું, એ જ ભાષા બોલતી હતી જે ભાષા ચંદ્રલોકવાસીઓ ગળથૂથીમાંથી શીખ્યા હતા. !!

એકલા અનિષની આ હાલત હતી એવું નહીં, બાકી બધા જ અવકાશવીરોની હાલત એક સરખી જ હતી. સૌ વિચારમાં પડ્યા કે આપણી ભાષા એક અજાણ્યા ગ્રહવાસીઓ કેવી રીતે બોલી શકે છે!!

" હે અજાણ્યા આગંતુકો, આપ ચારે બાજુથી ઘેરાઈ ચુક્યા છો, વધુ સમય ગુમાવ્યા વગર આપ અમારે શરણે થાઓ". પડઘો ફરીવાર રેલાઈ રહ્યો

" આપ ઈચ્છો તો અમારા મહેમાન બની ને રહી શકો છો. અને આપ ક્યાંથી આવ્યા એ પણ જણાવી શકો છો, અમને આપના દુશ્મન ના માનો, મિત્ર માનો. શરણે થવાનું એટલે કહીયે છીએ કે આપ લોકો કોઈ અંધળુંકિયું ના કરો. અમારી ધરતી, અમારા ઘર, અમારા નોવા ગ્રહ પર આપનું દિલથી સ્વાગત છે. "... પડઘો ફરી સંભળાઈ રહયો.

અચાનક મિતાલી કૈક સૂચવી રહી હતી.

સૌએ એ તરફ જોયું અને બધાના મ્હો પહોળા થઈ રહયા...

એ ટચુકડા ફ્લાઈંગ મશીન્સ પર એક ચોક્કસ ચિન્હ અંકિત હતું, અને એ હતું , "NOVA".

અચાનક, નીલ એક બટન દબાવી રહ્યો....

***

જે દ્રશ્ય દર્શનાને દેખાયું એ ખૂબ આઘાતજનક હતું, માની ના શકાય એમ હતું, એકદમ લાલ ચામડી અને પાછળ ખૂબ લાંબી પૂંછડી અને માથે નાનું એક શિંગડું. સૌ, એ વિશાળ મહાકાય યાનના મુખ્ય બોસને જોઈ રહ્યા... માનવ જેવું શરીર છતાંય માનવ નહીં. જાણે પશુ અને માનવની સંયુક્ત આવૃત્તિ. !!. આવી સભ્યતા ક્યાં વિકસી હશે? સૌના મનમાં આવો સવાલ સળવળી રહ્યો. એકદમ અસામાન્ય દેખાવ. અને જુગુપ્સાપ્રેરક. !!પણ, હાલ તો એ જ આ ચંદ્રલોકનો બોસ હતો, એ નગ્ન સત્ય સ્વીકાર્યા વગર છૂટકો જ ન હતો.

સમગ્ર ચંદ્રલોક પર ઠેરઠેર, નોવાવાસીઓની હાજરી દેખાઈ આવતી હતી. ચંદ્રલોકના દરેક વિસ્તાર, મહત્વની જગ્યાઓ પર નોવાવાસી ગોઠવાઈ ગયા હતા. વિજ્ઞાનવિભાગથી લઈને શિક્ષણ, રહેઠાણથી લઈને આરોગ્ય સુધીના તમામ ક્ષેત્રો પર એમની સીધી દેખરેખ શરૂ થઈ ચૂકી હતી. એક પછી એક અભૂતપૂર્વ પગલાં લેવાઈ રહયા હતા. નવેસરથી જ રસીકરણનો પ્રોગ્રામ શરૂ થઈ ચૂક્યો હતો, નાના-મોટાં, આબાલ વૃદ્ધ સૌને એક ચોક્કસ પ્રકારની રસી, વેકસીન આપવામાં આવતી હતી. આ વેકસીનનું નામ તો શું જાણે કયું હશે પણ, આરોગ્યવિભાગ તરફથી રિલીઝ કરવામાં આવેલ એક સૂચના મુજબ, આ વેકસીન, શરીરમાં અમુક તબક્કા પછી ક્રાંતિકારી ફેરફાર કરવા સક્ષમ હતી, અને ટૂંકાગાળાના પરિણામ સ્વરૂપ, આ રસી જેણે લીધી હોય એ , ક્યારેય બીમાર પડવાની શક્યતા નામશેષ થઈ જતી હતી.

આ એક અનોખી વાત હતી. એડવાઇઝર સોલીએ પણ સહમતી આપી હતી કે, આખરે તો ચંદ્રલોકવાસીઓ માટે સારી જ વાત છે, અને આમે ય વિરોધ કર્યે તો કોઈ મેળ પાડવાનો હતો નહીં. છતાંય ક્યાંકને ક્યાંક દર્શનાના દિમાગમાં એ વસ્તુ ખટકતી હતી કે આટલી બધી ઉદારતા કોઈ શા માટે કરે? ?

એવું તો કયું કારણ હતું કે, આમ એક અજાણી સભ્યતા, અચાનક આવીને ચંદ્રલોકનો ઉદ્ધાર કરવા જ લાગી જાય!!.. પણ, એના સવાલો સાચા હોવા છતાંય, એ નિરુત્તર હતી. પણ, દર્શનાએ મનમાં ગાંઠ વાળી હતી કે, નોવાવાસીઓનો હેતુ તો એ જાણીને જ રહેશે.

અકિલને અને શાહીન પણ, આ નોવાવાસીઓથી કોઈ તકલીફ દેખાઈ રહી હતી નહીં. પુરી ટીમ, નોવાવાસીઓની ગતિવિધિઓ પર ધ્યાન રાખતી હતી. અકિલની સમજ બહાર હતું કે, નોવાવાસીઓ આરોગ્ય પર કેમ, આટલું બધું ધ્યાન આપતા હતા!! આટલી બધી કાળજી કેમ!! અકિલને, શંકા પડતી કે ક્યાંક દગો થઈ ના જાય. પણ જો એમ જ કરવું હોત તો, આ એલિયનો ચંદ્રલોકને ક્યારનો ઉડાવી શક્યા હોત. પણ એમ નહતું જ થયું. મતલબ કે ભવિષ્યમાં પણ કશુંક અઘટિત બનશે એ ડર જ હતો, બીજું કશું નહીં. એમ વિચારી અકિલ નકારાત્મક વિચારો ખંખેરી નાખતો.

નોવાવાસીઓએ જાણે ચંદ્રલોકની કાયાપલટ કરી નાખી હતી. ચંદ્રલોકની, પાણી અને પાતળી હવા ની મૂળભૂત સમસ્યાઓ જાણે ચપટીમાં ઉકેલાઈ ગઈ હતી. લોકો પહેલા કરતા વધુ સ્વસ્થ અને તંદુરસ્ત દેખાતા હતા. અને ખાસ નોંધવા જેવી ભેટ જો, નોવાવાસીઓએ આપેલ હતી તો એ હતી, "સ્પેશસૂટથી મુક્તિ"!! . પૃથ્વી જેવું જ વાતાવરણ ઉભી કરી નાખવામાં નોવાવાસીઓને સફળતા મળી ચુકી હતી અને સર્વે ચંદ્રલોક એ માટે એમનો દિલથી આભારી હતો.

બસ, હતો તો એક જ પ્રતિબંધ, ચંદ્રલોકવાસીઓને અવકાશ સફરની મનાઈ ફરમાવવામાં આવી હતી, એય સજ્જડ રીતે. અકિલને આ નિર્ણયમાં પણ કંઈક ભેદ લાગતો હતો. પણ એ નક્કી કરી શકતો ન હતો, કે એ જે વિચારે છે જ એડવાઇઝર , શાહીન વિગેરે વિચારે છે કે નહીં. છેવટે અકીલે થોભો અને રાહ જુઓ નીતિનો અમલ કરવાનો શરૂ કરી દીધો હતો. પોતાના રહેઠાણની બાલ્કનીમાંથી દૂર દૂર સુધી સૂની નજર નાખી રહેલ અકિલને, ચંદ્રલોકની પ્રગતિ પર ખુશી પણ થતી હતી સાથે એક છૂપો, અકથ્ય ડર પણ સતાવી રહ્યો હતો....

***

ટાઈટન પ્રયોગશાળામાં મિસ ક્રિના, સ્ક્રીન પર નજર નોંધી જ રહ્યા હતા કે અચાનક એક અજાણ જગ્યાએથી સિગ્નલ આવતા એ જોઈ રહયા. સિગ્નલ પરિચિત હતા. ટાઈટન પર બનેલા એ અદભુત યાનમાંથી સિગ્નલ આવી રહયા હતા. એકદમ સ્ફૂર્તિથી ઇમરજન્સીની એક લાલ કલરની સ્વિચ ક્રિના દબાવી રહયા. મિસ ફાગૂનને અહીં બોલાવવાનો એ સંકેત હતો.

" કોઈ સમાચાર? " રૂમની અંદર પ્રવેશતા જ ફાગૂન પૂછી રહ્યાં.

"આ જુઓ" , ક્રિના સિગ્નલ તરફ ઈશારો કરી રહ્યાં.

"ઓહઃ નો" ફાગૂનના કપાળ પર પ્રસ્વેદની બૂંદ ફૂટી નીકળી.

એનો મતલબ કે, નીલનું યાન કોઈ ખતરામાં હતું. નીલ ત્યારે જ આ સ્વિચ દબાવે જ્યારે , તેઓ ફસાઈ ગયા હોય. એવી સૂચના હતી. ફાગૂન ધીરે ધીરે બધા જ ડેટાનું એનલાઈઝ કરતા રહ્યા અને જે સત્ય સામે આવ્યું એ એમને તાજ્જુબ કરી દેવા પૂરતું હતું.

નિલનું યાન ઠીક એ જ અંતરે ગયેલું હતું જ્યાંથી આ સિગ્નલ આવતા હતા એ ગ્રહ નોવા હતો.

તો બધા ત્યાં જ નોવામાં ફસાઈ ગયા હતા કે શું? ? .. ફાગૂન વ્યગ્ર બની રહી...

***

એક પછી એક બધા સબમરીનમાંથી બહાર નીકળી રહયા હતા. સૌથી આગળ નીલ, દિપક, અનિષ , ગૌરવ, મિતાલી, હિના.. અને સૌ એક અદ્દભૂત નજારો જોઈ રહ્યાં. એમની આંખો પર વિશ્વાસ થવો મુશ્કેલ લાગતો હતો.

બધા જ ફ્લાઈંગ મશીન ધીરે ધીરે નીચે જમીન પર આવ્યા અને રોબોટમાં રૂપાંતર થઈ રહ્યા.. જાણે રોબોટ સૈનિક. !!

દૂર દૂરથી એક ટચૂકડું રકાબી જેવું યાન આવી રહ્યું હતું.

થોડેક દૂર એ ટચૂકડું યાન લેન્ડ થયું. રોબોટ્સ દ્વારા સૌ અવકાશવીરોને એ યાનમાં બેસાડવામાં આવ્યા..

સૌને લઈને યાન પોતાના ગંતવ્ય સ્થાન તરફ ઉડી રહ્યું....

ક્રમશ: