Vahem Man na books and stories free download online pdf in Gujarati

વહેમ મન નાં (National Story Competition-Jan)

“વહેમ મનનાં તૂટયા તૂટે નહી....”

Sandipa Thesiya

“ ઓહ્હ, ફાઇનલી ધૅટ ડે ઇઝ કમીંગ, યાહૂ હૂહૂ... “ મનમાં જ ગણગણતી અને મલકાતી હું મારી ચૅર પર આવીને બેઠી. હાથમાં પૅપર વૅઇટ ફેરવતા પળવારમાં જ સગાઇમાં મહેંદી કોની પાસે મૂકાવીશ થી લઇને રિસેપ્શનના લહેંગાના કલર સુધીના વિચારોમાં ખોવાઇ ગઇ.

“અવનિકા, અવુવુઉઉ, અરેરે અવુડી, ક્યાં ખોવાઇ ગઇ છે” ફાઇલોનો ઢગલો મૂકતાં વિશાખા બબડી. “આજે ક્યાં ખ્યાલોમાં છે સવારથી, ખોવાયેલી ખોવાયેલી, આ ફાઇલો વાળું કામ ક્યારે પતાવશે.”

“અરે, વિશુ, તું પણ આ કામ મૂક, પછી કરી લઇશુ, હમણાં કેન્ટીન ચાલ. બહૂ જરૂરી વાત છે યાર” કહેતા હું એને કેન્ટીન તરફ ખેંચી ગઇ.એક વૅજ ચીઝ સેંડવીચ ને 2 ગરમ ગરમ ચા નો ઑડૅર આપી અમે ખૂણા વાળી અમારી સ્પેશિયલ જગ્યા પર ગોઠવાયા.

“કમ ઑન અવનિકા, હવે ગાંડાની જેમ હસવાનુ બંધ કર ને જલ્દી વાત કર, મને પણ તો ખબર પડે તારા આ મલકાટ નો રાઝ” નેણ નચાવતા વિશાખા બોલી.

“હા, યાર એ જ કહેવા તો અહીંયા લાવી છું, એક્ચ્ચુલી, વિશુ, અમ્મ... અમન ઇંડીયા આવી રહ્યો છેએએએ” બોલતા બોલતા મારો અવાજ એટલો ઉંચો થઇ ગયો કે આજુ બાજુ ના લગભગ બધા ટેબલ વાળાનું ધ્યાન આ બાજુ ખેંચાયું.

“શશશ... અવુડી ધીરે ધીરે, મારી મા, શું કરે છે?, બાય ધ વૅ, કોણ અમન???”“અલી, અમન, મારો બાળપણનો દોસ્ત અને પપ્પાના ફ્રેન્ડનો દીકરો, હા એ એ એ.... બાળપણમાં તો સાથે જ ભણેલા પછી એ બધા જતા રહેલા અમેરીકા, કાલે આવી રહ્યો છે મને મળવા. એમ તો, નક્કી કરવા જો કે” મેં શરમાતા શરમાતા કહ્યું.

“અરે, વાહ સરસ. એટલે તું આટલી ઉછળી રહી છે એમ ને. ગ્રેટ. એનો અર્થ એમ કે મારી આ અવળચંડી અવુડી હવે અમનના આકાશમાં ઉડીને અમેરીકા ભેગી થવાની છે એમ ને” વિશાખા એ ટેબલ નીચેથી એક હળવી લાત મારી.“હાહાહા, વિશુ, મારે તો આમ પણ વિદેશમાં જ વસવું હતું પહેલેથી જ. કેમ કે તને ખબર ને મારી મેન્ટાલીટી સાથે મેચ થાય એવો છોકરો મળવો કેટલો મુશ્કેલ છે આપણા સમાજમાં. મને મોકળા મનના માણસો ગમે, છોકરીઓની કારકીર્દી કે ટેલેન્ટ પર તરાપ મારે એવો છોકરો મને ના ગમે. એટલે જ બહાર જતું રહેવું છે” મેં થોડા ગંભીર થતાં કહ્યું.“પણ, અવુ, શું ગેરેંટી કે તારો એ અમન આવો મોકળા મનનો જ હશે? ચાખી રાખ્યો છે તેં?” વિશાખા થોડી ચિંતામાં દેખાઇ.

“અરે, મને વિશ્વાસ છે, ત્યાનાં વાતાવરણમાં ઉછરેલા લોકોમાં આ સમજ તો હોવાની જ. એ ઘણા સમયથી ત્યાં જ રહે છે, ને વળી અમે ઘણી વાર વાતો પણ કરી છે.” મેં દલીલ કરી.

“શામાં, તારા પેલા સ્કાઈપીમાં” વિશાખા એ ગુસ્સે થતા પુછયું.

“શટ અપ વિશલી, કટાક્ષ ના કર હેં. હું મળું છું ને આજે એને, કહીશ તને બસ. પણ હા, મારી તો હા જ છે, કેમ કે એ સિવાય મને સમજે કોણ” મેં એલાન કરી દીધું જાણે કે!!

“છે ને એક તારા માટે રાહ જોનાર” હવે મનમાં મલકાતી બોલી.”વિશુ, પ્લીઝ નોટ અગેઇન. આ ટોપિક શું કામ લાવ્યા કરે તું વચ્ચે, મેં ના જ પાડી દીધી છે એને તો પછી તને શું જીવ બળે છે?” મારો અવાજ ઉંચ્ચો થઇ ગયો જરા.“જીવ એટલા માટે બળે છે કે તું મારી દોસ્ત છે, અને પ્રતિક તારા માટે મને હંમેશા બેસ્ટ જ લાગ્યો છે, ઓફિસમાં સાથે કામ કરીએ છીએ આપણે, આપણે સારી રીતે ઓળખીએ છીએ એને, અને સૌથી સારી વાત તો એ કે એ તને પસંદ કરે છે, તારા ના પાડ્યા પછી પણ એની આંખોમાંથી તારા માટેની ઇજ્જત, પ્રેમ ઓછા નથી થયાં” વિશાખા એકશ્વાસે બોલી ઉઠી.

હું જોઇ રહી એને, મને ખબર હતી કે એ સાચું જ કહે છે પણ “ વિશુ, હું લેટ થઇ જઇશ. ચાલ જઇએ હવે” કહેતા હું સટ કરતી ઉભી થઇ એ ખ્યાલ સાથે જ કે વિશુ હજુ ત્યાં જ બેઠેલી હતી કદાચ એણે મને વધારે સમજાવવી હતી આ બાબતે.

ઓફિસથી થોડી વહેલી રજા લઇ હું ઘરે જવા નીકળી, એક્ટીવા પર બેસતાં જ જાણે કે માઇન્ડ પણ એક્ટીવ થયું. મને એ પ્રસંગ યાદ આવ્યો જ્યારે ઓફિસમાં કામ કરતી માનસી લગ્નના થોડા વરસ પછી એક દિવસ રડતી રડતી કામ પર આવેલી, પૂછતા ખબર પડી કે એની જોબ ને લીધે એના પતિની ટક-ટક વધી ગઇ હતી, સગાઇ વખતે પોતાનો સહયોગ બતાવતો માણસ હવે જરા પણ સાથ આપવા તૈયાર નહતો. રોજના ઝઘડાઓથી ત્રાસી જઇ એણે પોતાના કામને, પોતાના સપનાઓને ધરબી દેવાનુ વિચારી લીધું હતું. સૌ કોઇ એને સમજાવી રહ્યું હતું, ઘણાના મતે બંને વચ્ચે શાંતિ બની રહે તો કામ મૂકી દેવું જોઇએ ને ઘણા આની વિરોધમાં હતા જેમાંની હું એક. ઓફિસના બટકા મેનેજર સાહેબે તો કમેન્ટ પણ મારી લીધેલી કે આપણે ક્યા ઇન્ફોસીસ કે ગૂગલની કંપનીમાં કામ કરીએ છીએ કે નોકરી મૂકી દેવાનું આટલું દુખ હોય....હેહેહે.. કહેતા મારી સામે જોયું, મારી તીખી નજર એ એને તો ચૂપ કરી દીધેલો પણ માનસી ને કેમ સમજાવું એ વિચારી રહી હતી.

એટલામાં જ ક્યારનો આ બધુ સાંભળતો છતાં પોતાના કામમાં મશગૂલ પ્રતિક ચેર પરથી ઉભો થઇ નજીક આવ્યો. માનસી ની બાજુમાં બેસતા એ બોલ્યો: “માનસી, તું તારા સપનાને કેટલું ચાહે છે? એટલું જ કે બસ અમુક લોકોના કકળાટને લીધે તું એને ભૂલી જઇશ? ખબર છે મને કે જ્યારે આપણા નજીકના લોકો બોલે ત્યારે વધારે દુ:ખ લાગી જાય છે. પણ કશાય વાંક વગર તું તારા “નીઅર વન, ડીઅર વન” સામે ઝુકી ને સપનાઓ સાથે બાંધેલું વચન તોડીશ તો કાયમ માટે પોતાની નજરમાંથી ઉતરી જઇશ. જો પોતાનું કામ, પોતાનું હોવાપણું, પોતાના સપના આ બધું તારા માટે ખૂબ જ મહત્વનું હોય, તો એને હાંસિલ કરવા માટે વેઠેલા થોડા દુ:ખ, ને પાડેલા થોડા આંસુ પણ વ્યાજબી છે, વસૂલ છે. લડાઇ નજીક ના જોડે હોય ત્યારે હારી જવું જોઇએ સાચી વાત છે પણ વાત જ્યારે પોતાના અસ્સિતવની હોય ત્યારે મહાયુધ્ધ માટે પણ તૈયાર રહેવું પડે, ચાલ, હવે આ તારા ગરમ ગરમ આંસું પત્યા હોય તો બધા જઇને થોડો ઠંડો ઠંડો આઇસ-ક્રીમ ખાઇએ” કહેતા એ ઉભો થયો અને સૌ કોઇ એને અહોભાવની નજરથી જોઇ રહ્યાં.

એના વિચારો બધાથી અલગ હતાં એ ત્યારે જ લાગેલું મને, પણ હું બીજી માનસી બનવા નહી ઇચ્છતી હતી, મારે એટલે જ એક મોર્ડન વતાવરણમાં જવું હતું જ્યાં મને માન હોય, મારા સપનાઓને માન હોય, મારા નિર્ણયોની કદર હોય.

ઘર ક્યારે આવી ગયુ ખબર જ ના પડી. અંદર જતા જ મમ્મીની બૂમ સંભળાઇ: “તૈયાર થઇ જજે બેટા, એ લોકો અડધો કલાકમાં આવે છે.” અમન અને એના મમ્મી પપ્પા આવ્યાં એ પછી અમે અમારી રૂમમાં વાતચીત માટે આવ્યાં, હું ખુશ હતી એને મળીને અને એ પણ લગભગ રેડી હતો અમારા રિલેશન માટે..

“કોફી લઇશ ને... મને ખબર છે તને પસંદ છે” મેં એને કોફી નો કપ આપતા કહ્યું.

“આપણે ઘણું જાણીએ છીએ ને એકબીજા માટે. યુ નો, એટલે જ મારા ફેમીલી વાળાની પહેલી પસંદ તું જ છે, બંને ફેમીલી એકબીજા ને ઓળખે છે થેટ’સ ગુડ થિંગ.” એણે કપ લેતા કહ્યું.

“મારા ઘરેથી પણ એટલે જ ખુશ છે, નહીં તો ઇંડીયાની બહાર જવાનું છે એટલે પહેલા થોડા અચકાતા હતા એ લોકો” થોડી વાતચીત પછી હું વધારે ખુલી રહી હતી.“અરે નો, નો.. ત્યાં તો અહીં કરતા પણ વધુ મજા છે, બધા પોતપોતાનામાં વ્યસત અને વધારે ઓપન માઇંડેડ લોકો હોય છે ત્યાં.. ને આમ પણ તારે ક્યાં કંઇ ટેંશન છે, ઘરનો બિઝનેસ છે, તું તો ખાલી આરામ કરીશ ત્યાં” અમન એકદમ બિન્દાસ થઇ બોલી રહ્યો હતો.“બટ, અમન. આરામ કેમ, હું પણ કામ કરીશ ત્યાં, લાયકાત છે મારી પાસે, જોબ ક્વોલિફીકેશન જો તુ...” મેં દલીલ કરી. “હાહાહા... ક્વોલિફીકેશનનું હું શું કરું અવનિકા, જરુર જ નથી તારે એ કંઇ કરવાની ..આમ પણ આપણા ઇંડીયામાં છોકરીઓ ભણે છે કેમ? સારો છોકરો મળે એ માટે... કોણ વિચારે આવું કે કરિયર બનાવવી છે. કમ ઓન, તું ઘરે રહી ને મમ્મીને મદદ કરજે બસ” અમન સમજાવતો હોય એમ બોલ્યો.હું સ્તબ્ધ હતી, વર્ષોથી બાંધી રાખેલી મારી ઘારણાઓને નજર સામે જ તૂટતા જોઇ રહી હતી.

થોડી વાર પછી એ લોકો ગયા અને મેં મારી રૂમમાંથી જ મોબાઇલ સ્ક્રીન પર ઝબકી રહેલા વિશાખાનાં “નક્કી થઇ ગયું?” ના મેસેજ નો જવાબ આપ્યો: “ હા, નક્કી થઇ ગયું, એ નક્કી થઇ ગયું કે આપણો દેશ હોય પરદેશ, સાંકડી સમજ ને ઓછી બુધ્ધી ધરાવતા હાઇ પ્રોફાઇલ લોકો તમને ગમે ત્યાં મળી શકે છે, ગમે તે રૂપમાં”. વિશુ સમજી કે નહીં એ નથી ખબર પણ મેં બહુ સમજી વિચારી પ્રતિકને કોલ લગાવ્યો: “પ્રતિક, કાલે સાંજે ફ્રી હોય તો મારા ઘરે મળીએ? હું ઇચ્છુ છું કે મમ્મી પપ્પાને મારી પસંદ બતાવું. આવી જજે”

***