Dard na jane koi books and stories free download online pdf in Gujarati

દર્દ ના જાને કોઈ

ઇન્ડિયામાં જ્ઞાતિવાદને કારણે યુવાન પેઢીને સહન કરવું પડેલું, અમેરિકામાં રંગવાદ અને બીજા કારણોએ યુવાન પેઢીને અન્યાય થાય છે. એવી એક વાર્તા. એક જૂની ડાયરીનું લોહીના નિશાનવાળું પાનું જેના પર ફરી લોહી ટપકે છે.

'દર્દ ના જાને કોઈ '

'લીવ મી અલોન પ્લીઝ' અંદરથી લૉક કરાયેલા રૂમમાંથી દુનિયા આખીને ધિક્કરતો આક્રોશ ઘરની દિવાલોને ધૃજવી રહ્યોં છે.

'નોક નોક, પ્લીઝ ઓપન ધી ડોર ' તારી મોમ છુ.

શિકાગો હાઈસ્કૂલના સીન્યર કેમ્પમાં નિનાદ ઉત્સાહથી ગયો હતો. દસ દિવસનો કેમ્પ હતો, આજે છેલ્લો દિવસ હતો. એ દોડતો 'મોમ' બૂમો પાડતો આવે પણ તેને શું થયું ?

એનો દોસ્ત બે હાથે ઝાલીને કેમ લાવ્યો?

એના રૂમમાં કેમ ચૂપચાપ જતો રહ્યો ?

નિનાદનું બન્ધ બારણું મારે માટે વણઉક્લ્યો કોયડો હતું.

નિનાદ મિલનસાર, હસમુખો તો હતો જ તેથી સ્કૂલની ચૂંટણીમા તેના મિત્રો તેને ઉમેદવાર તરીકે જાહેર કરતા. સ્કૂલમાં બધાયનો પિય 'પોપ્યુલર ' ને વધારામાં ટેનિસ રમતો અને ગ્રેડ સારા લાવતો. એની મોમ તરીકે મારી છાતી ગજ ગજ ફૂલતી.

નિનાદને એના ભાઇબંધનો ટેકો લઈ ચાલીને જતો મેં મારા બેડરૂમની બારીમાંથી જોયુ હતું. મારો જીવ ફફડી રહ્યો, કશુંક અમંગળ થયાની શન્કામાં હું ઝડપથી દાદરો ઉતરી નીચે આવી.

ચસોચસ બન્ધ બારણાંને હું ટકોરા મારી, વિંનતી કરી થાકી કપાયેલી પાંખવાળા પંખીની જેમ મરણિયો ફફડાટ કરતી હતી.

નિનાદ બારણું નહિ ખોલવાની જીદ કરી બેઠો હતો. એની જીદ આગળ હારીને હું સજ્જડ બારણા પાસે ફસડાઈ પડી. હું વિચારી નથી શકતી 'કોણે મારા દીકરાને માર્યો હશે?

ભારતીય કુટુંબમાં સંતાનો સારો અભ્યાસ કરે તેવું જ વાતાવરણ, સારી સંગતમાં રહે તેથી હું ય તેનાં સ્કુલના મિત્રો અને પ્રવૃત્તિ પર ધ્યાન રાખતી. એના પાપા નિનાદ ટેનિસ રમતો થયો પછી સમય મળે એની સાથે રમતા. શિકાગોમાં ગેંગનો ત્રાસ ખરો પણ નિનાદ કોઈ દિવસ મારામારી કે ઝઘડામાં પડે નહીં. અમારું ઘર શિકાગોના 'પોશ 'વિસ્તારમાં. ખૂબ શાંતિથી અમે બે સન્તાનો સાથે રહેતાં. નિનાદની ગર્લ ફ્રેન્ડ નાન્સી શ્યામહતી. એના પાપાને ઓછું ગમતું પણ મને નિનાદના યુવાન હૈયામાં ફૂટતી પ્રેમની કૂંપણને મસળી દેવાનું જરા ય મન થતું નહીં. નાન્સી શ્યામ પણ નમણી, ગમી જાય તેવી હતી. ખુલ્લાશથી હસતી ત્યારે એના ભરાવદાર હોઠ વચ્ચે સફેદ દાંતની કળીઓ ખીલી ઊઠતી.

ગાઢા કાળા વાંકડિયા વાળના ગૂંચળા જાણે કાળા ડિબાંગ વાદળાની રમત.

નાન્સી બહુ સમજુ હતી, બન્ને સાથે ટેનિસ રમતા, અભ્યાસ કરતા.

શિકાગોમાં ઘઉંવર્ણા ભારતીય વિદ્યાર્થીઓ બધાની સાથે મુક્તપણે હળતા મળતા. જાહેરમાં વેરભાવ જેવું નજરે પડતું નહી. છતાં ય મને પહેલી આશઁકા એ જ થઈ કે નાન્સી કેમ્પમાં ગઈ હતી, શું એના કુટુંબના કોઈને ગમ્યું નહિ હોય કે બીજા કોઈએ વેર લીધું હશે!

મેં ફરી બારણું ખટખટાવ્યું.

'ખોલ બેટા ખોલ' મારા હાથ દીકરાના બરડા પરના જખ્મને શીતળતા આપવા માટે ઝન્ખતા હતા. નિનાદ બારણું ખોલતો નથી, હું બેબાકળી આમતેમ દોડું છું, મને ચક્કર આવ્યા હશે, માથામાં લોહી ધસી આવ્યું.

એકાએક હું ચેતન ખોઈ બેઠી. સમયનું ભાન સરી ગયું.

મારા કાનમાં 'સટાક.. સટાક 'ના ક્રૂર પડઘા પડે છે.

હું ચીખી ઉઠી, 'આ મારો બરડો ખૂલ્લો છે, મને તમારા પટ્ટાનાચાબકા મારો, એને છોડો. બધો વાંક મારો છે. '

હું ત્રીસ વર્ષ પહેલાંના મોટી ખડકીવાળા આણંદના ઘરમાં પહોંચી ગઈ હતી.. ત્યારે હું અને પડોશમાં રહેતો મારો સાથી રોહન હાઈસ્કૂલના છેલ્લાં વર્ષમાં ભણતાં હતાં. નાનપણથી સાથે અભ્યાસ કરતાં અને રમતાં. પણ તે દિવસે અમારે માથે આફતનો પહાડ તૂટી પડયો। બહારના ઓરડામાં મારા બે હાથને મમ્મી અને ફોઈએ જ઼બરદસ્તીથી પકડી રાખ્યા છે, હું વિફરેલી વાઘણ જેવી ધમપછાડા કરું છું, અંદરનો રૂમ બન્ધ હતો પણ રોહનના બરડા પર વીંઝાતા પટ્ટાના સટાકાએ ઘરની દિવાલોને થરથરાવી દીધી. સોળની પીડામને થતી હતી. મારી છતી આંખે મારો મોટોભાઈ રોહનને ઢસડીને લઈ ગયો. હું એના ફાટેલા શર્ટમાંથી સોળ પડેલા બરડાને જોતી, 'ઉભા રહોની' બૂમો પાડતી હતી. મારા હાથ એના બરડાને પમ્પાળવા.. બસ એક વાર એના ઘા પર મલમ લગાવવા તડપતા હતા.. ત્યારપછી એ ગુમ થઈ ગયો. હું બધાંને પૂછી પૂછી પાગલ જેવી થઈ ગઈ પણ કોઈએ મને રોહનની ભાળ આપી નહીં.

બસ એક વાર મારે રોહનના બરડા પર સૂકાયેલા લોહીને... ઘાને ડેટોલના હુંફાળા પાણીમાં બોળેલા પોચા પોતાથી રુઝવવો હતો. અમને 'કાચી ઉંમરના સમજી 'વડીલો વાતને વીસરી ગયા. હું અંદરના રૂમમાં ભરાઈ રહેતી, ઘવાયેલું ગલૂડિયું ધાને ચાટ્યા કરે તેમ ડાયરીમાં રોહનની યાદોને ઘુંટ્યા કરતી, બચપણની અમારી ઢીંગલાઢીંગલીની રમતો વેરણછેરણ થઈ ગઈ હતી. એનો લાકડાનો ઘોડો અને મારી પ્લાસ્ટિકની રાજકુમારીનેજન્ગલના હિંસક ચિત્તાએ અને વરુએ તીણા નહોરથી ચૂંથી નાખ્યાં હતાં. ટેબલના નીચેના ખાનામાં મારી ડાયરી સન્તાડી રાખતી. એ ડાયરીના એક પાના પર થીજેલું લોહી હતું. 'સટાક.. ના પડઘા અને મૂંગાં ડૂસકાં હતાં. આજે એ પાના પર ફરીથી તાજા લોહીની ટશરો ફૂટી હતી

***

'મૉમ, તું શું કહે છે?તું રડે છે કેમ?' સ્કૂલેથી આવેલી નીનુ ગભરાઈને પૂછતી હતી. મારી દસ વર્ષની દીકરીને ડૂબતો તણખલાંને ઝાલી લે તેમ સાહીને હું ઉભી રહી. હું શું બોલતી હતી ?ત્રીસ વર્ષ પહેલાંની એ દિલને ભીંજવતી પહેલા વરસાદની ઝરમર... હજી તો એ ઝરમરને અઢી અક્ષરના નામે ઓળખી નહોતી, એમ જ હું અને રોહન ધૂળમાં દોડતાં હતાં. પકડાપકડીમાં એણે મને એની વાદળોના ગડ્ગડાટ કરતી યુવાની ઝન્ખતી છાતીમાં ચીપકાવી દીધી, ત્યાં મોટાભાઈ જમવાના ટાણે આવી પહોંચ્યા. એમનો પિત્તો ઉછળ્યો, 'કોનો છોકરો છું ?' તેને લપડાક મારતા પૂછ્યું

સામેવાળા ભીખુભાઇ દૂધવાળાનો 'રોહન કકળતો હતો. '

'તારી આટલી હિંમત ?દેસાઈની દીકરીને હાથ કેમ અડાડાય હું તને બતાવું?'તેઓ રોહનને એનાશર્ટનો કોલર ખેંચી અંદરના રૂમમાં લઈ ગયા.

'મારો વાંક... 'હું બૂમો પાડતી રહી, મારા હાથ બઁધાયેલા હતા.

થોડીવારે જાતને સંભાળતા કમ્પતા સ્વરે બોલી: 'તારા ભાઈ નિનાદને કોઈએ અધમૂઓ કરી મૂક્યો છે. '

નીનુ કહે, 'મોમ, વી શુડ કમ્પ્લેન પોલીસ'

'એ બારણું ખોલીને વાત કરે તો સમજાઈ ને !' હું હતાશ થઈ બોલી

'હું ડેડીને ટેક્ષ કરું છું '

'ડેડી, બે દિવસ માટે બહાર ગયા છે '. નીનુને હું રસોડામાં લઈ ગઈ. તેને ક્રેકર્સ અને જ્યૂસ આપ્યાં અને પોતે પાણીનો ગ્લાસ લીધો. પાણીનો ઘુંટડો ગળામાં ઉતરતો નથી. અંતરસ આવી ગયું. એને રોહનના શબ્દો યાદ આવી ગયા, …

, 'તને અંતરસ આવે

ત્યારે માનજે કે હું યાદ કરું છું. ' પણ મારાથી તે કદી ભુલાયો જ નથી, મારું દર્દ કોને કહું?

***

નિનાદના રૂમમાંથી ખુરશી પછાડવાના, ચોપડીઓ નાખવાના અવાજ આવવા હતા, એટલામાં ત્વરિત મ્યુઝિકના કાન ફાડી નાખે તેવા અવાજ આવ્યા, એનો દીકરો રોતલ થવાને બદલે આક્રમક થયો હતો, મને ઝનૂન ચઢ્યું, 'બસ, બેટા સામે લડવાનું છે, માર ખાઈને બેસી ના રહેતો. હું તને સપોર્ટ કરીશ, તારા હૈયામાં ઉગતા કોમળ પ્રેમના છોડને કચડી નાખીશ ના. જે ગુમાવીએ તેની ખોટનો કોઈ વિકલ્પ નથી, નાન્સી શ્યામ છે, આપણે ઇન્ડિયન પણ પ્રેમને રંગ કે દેશના સીમાડામાં કેમ બાંધી શકાય? હું તારા પડખે તને સાથ આપીશ.

નીનુ રડવા લાગી એટલે હું પરિસ્થિતિ સઁભાળી લેતાં બોલી,

'એવરી થીંગ વિલ બી ઓ. કે '. તેને પટાવીને તેનું ફેવરિટ મુવી

'ફાઈન્ડીગ ડોરી 'મૂકી આપ્યું.

હું શું જોતી હતી? ત્રીસ વર્ષ પહેલાંના અંદરના રૂમમાં ઊઠેલી એક આગ -- જ્ઞાતિવાદને ખાતર હોમેલા પ્રેમની એ પાવક જ્વાલા ભડભડ બળતી, પ્રસરતી મારા દીકરાને દઝાડતી હતી. એમાં રંગભેદ, કોમવાદ બધા જ વાદના સૂકા કાષ્ઠ જલી રહ્યા હતા. પણ પ્રેમ કદી બળતો નથી કે હણાતો નથી. હું મારા દીકરાના કુમળા મધુર પ્રેમને ખાતર એને પડખે રહીશ..

નિનાદના રૂમમાં યુધ્ધ પછીની શાંતિ છવાઈ હતી.

તરૂલતા મહેતા