American Dream books and stories free download online pdf in Gujarati

અમેરિકન ડ્રીમ’

અમેરિકન ડ્રીમ

તરુલતા મહેતા

અમેરિકાના મિશીગન સ્ટેટમાં શિયાળો એટલે કાતિલ ઠન્ડી અને વરસાદનો માહોલ, તેમાં હુડુ ... કરતો પવન ડાળીઓને એવી હલાવી નાંખે કે પાંદડાં માની આંગળીથી છૂટા પડી ગયેલાં ભૂલકાં જેવાં ભોંય પર આળોટી પડે ! વૃક્ષો લાચારીથી ખાલી થતી જતી ડાળીઓને જોયા કરે. ઉદાસીનથી કહે છે, ' પાનખર હવે મારે તારાથી ડરવાનું રહ્યું નહીં। અમે તો પાંદડા વિનાના નાગાબાવા, શું ધાડ પાડશો? '

નવેમ્બર મહિનો એટલે thanks giving. ખરીદી -શોપીંગ માટે લોકો ઉમટી પડે. પણ અર્થતંત્રનું ચક્ર તેજીમાંથી મન્દીમાં ફસાયું હતું.

2007 અમેરિકાના અર્થ તંત્રમાં આવેલી મંદીથી મહાકાય શોપીગ સેન્ટર અને મોલમાંની આકર્ષક વસ્તુઓને લોકો લાચારીથી જોયા કરે છે. બજારમાં અને લોકોમાં 'કોઈ ઉત્સાહ જણાતો નથી. ઉદાસીનતાના ઘેરા વાદળો સર્વત્ર છવાઈ ગયાં હતાં.

ડેટ્રોયટ શહેરમાં અમેરિકાની બગડેલી આર્થિક વ્યવસ્થાની અસર વધુ પ્રમાણમાં દેખાય છે. મોટી મોટી કાર કંપનીઓના શેરના ભાવ ગગડી ગયા હતા. બેકારી વધી ગઈ હતી. રીયલ એસ્ટેટના ભાવ તળીયે પહોચ્યા હતા. એમાં પોતાની સ્ટાર્ટ અપ કંપનીનું સ્વપ્ન સેવતો ઉદય હતાશ થઈ ગયો હતો. આઈપીઓ થવાની રાહ જોતી પોતાની કમ્પનીનું શું થશે ? તેની ચિંતામાં તે અજંપ રાત્રિ વિતાવતો હતો.

રાત્રે એની પત્ની અનિતાને હોસ્પિટલમાં ડ્યૂટી રહેતી. રોજ તો એનાં બે બાળકોપિન્કી અને પવન ઘરમાં હોય, આજે રાત્રે તેઓને અનિતાના ભાઈ પરિમલે તેમને પોતાના દીકરાની બર્થ ડે પાર્ટીમાં સ્લીપ ઓવર માટે બોલાવ્યાં હતાં.

ઉદયને ઇન્ડિયા ફોન જોડવાનું મન થયું, પણ કોને ફોન કરે? ધરડાં મમ્મી -પપ્પા વિરમગામમાં રહેતાં હતાં, એકનો એક દીકરો દૂર હોય તે વાતથી દુઃખી રહેતાં, તેઓ ફોનમાં બે વાત કરતાં એક તું અમને ક્યારે બોલાવીશ? બીજું તું ક્યારે ગામ આવીશ? છેલ્લાં પાંચ વર્ષથી ઉદય એટલો બીઝી રહેતો હતો કે મા-બાપ માટે તેની પાસે સમય નહોતો.

પોતાનાં બાળકો કઈ ગેમ રમે છે? સ્કૂલમાં શું કરે છે? તે કાંઈ જાણતો નહોતો, એ પોતાની કંપનીના કામમાં ગળાબૂડ રહેતો. તેની પત્ની બધું સંભાળી લેતી હતી એની કદર કરવાનું પણ તેનાથી ભૂલી જવાયું હતું. હવે તો આ અમેરિકન ડ્રીમના મૃગજલ પાછળની દોડમાંથી તેનાથી પાછું વળી શકાય તેમ નહોતું. ક્યારેક તેને થતું તે તેના મિત્રો, સાળાઓ, અરે તેની પત્નીથી પણ તેના ડ્રીમને સાકાર કરવાની દોડમાં આગળ છે. કુદરતના ચક્રમાં ઋતુ પલટો થાય, તેમ આર્થિકવ્યવસ્થાના ચક્રમાં તેજી -મંદી આવે તે ઉદય વિસરી ગયો હતો. મંદીનું મો કાળું, જોતજોતામાં કામધંધામાં સૌને ખોટ દેખાવા લાગી. ઉદયનીઆર્થિક સ્થિતિ કથળી ગઈ, જાણે તે દોડમાં હોવા છતાં અભાન હતો. જયારે પરિસ્થિતિથી સભાન થયો ત્યારે ઉદયને થયું પોતે વમળમાં ફસાયો હતો, ક્યારેક એને અમેરિકાના મોહને કારણે અનીતા સાથે લગ્ન કરીને આવ્યો તેનો રંજ થતો હતો. અનિતાની જોબ સારી હતી. એ મિશિગન હોસ્પિટલમાં નર્સ હતી. આખા કુટુંબનો હેલ્થ ઇન્સોરન્સ કવર થતો હતો. ઉદય બહારગામ ગયો હોય ત્યારે બાળકોને તે સાથે લઈ જતી, હોસ્પિટલમાં ડે અને નાઈટ માટેનું ચાઈલ્ડ કેર સેન્ટર હતું. તે અમેરિકામાં સારી રીતે ગોઠવાઈ ગઈ હતી, નર્સની જોબની ખૂબ માંગ રહેતી, ગમે તેવી ઉથલપાથલ થાય, હોસ્પિટલમાં નર્સની જરૂર હમેશાં રહેવાની. એણે ઉદયને કોઈ ટેમ્પરરી જોબ સ્વીકારી લેવા સૂચન કર્યું હતું, પણ ઉદય એન્જિન્યર અને એમ. બી. . ગમે તેવી નોકરી કરવામાં એનો અહમ ઘવાતો હતો.

અનિતા અઢાર વર્ષની વયે એના પપ્પા સાથે ગ્રીન કાર્ડ પર આવી હતી. તેનાથી નાના બે ભાઈઓ અને એક નાની બહેનના ભવિષ્યની જવાબદારી તેના માથે આવી પડી હતી,

કારણ કે મમ્મી કેન્સરમાં ગુજરી ગયાં હતાં. તે સમજી કે અમેરિકામાં તકો હતી પણ બારણું ખખડાવતી નથી, એને યોગ્ય સમયે અર્જુનના તીરની જેમ પંખીની ડાબી આંખનું નિશાન તાકવું પડે, અમેરિકામાં એનું અને એના કુટુંબનું જીવન સારી રીતે સેટ થાય એ જ એનું ધ્યેય હતું. ઉદયને એની સ્ટાર્ટ અપ કમ્પની માટે સાહસ લેતાં પહેલાં એણે સાવચેત કર્યો હતો, કે અમેરિકામાં મિલિયોનર થવાય પણ ઈકોનોમીના ક્રાઈસીસ વખતે ટકી રહેવું પડે, હાલ ઘર ચલાવવાની તકલીફ નહોતી, પણ તેમની આવકનું ઘણું રોકાણ ઉદયે કમ્પનીના શેરમાં કર્યું હતું, મોટું ઘર બે વર્ષ પહેલાં લીધું હતું. એના મોરગેજનું ટેન્શન હતું.

અનિતાએ કાર ગરાજમાં પાર્ક કરી, ખરેલાં પાંદડા ડ્રાઈવ વેમાં છવાઈ ગયાં હતાં, બેઘર રેફ્યુજી જેવા પવનમાં આડાતેડા રખડતાં ખખડ્યાં કરતાં હતાં. આજેથેંક્સગીવીગછે, બપોરે બધાં આવે તે પહેલાં સફાઈ થઈ જાય તેમ તે ઈચ્છતી હતી, એણે મેઈલ બોક્ષથી થોડે દૂર ઘરના સેલ માટેનું બોર્ડ જોયું, તેને થયું પડોશીની જોબ નથી તેથી ઘર વેચવા કાઢ્યું હશે, પણ પછી તેને સમજાયું કે એના જ ઘરનું છે, એણે ગુસ્સામાં હચમચાવીને બોર્ડ કાઢીને ખૂણામાં નાંખી દીધું. અમેરિકામાં કેટલી મહેનત પછી, એમ જ કહો ને વીસ વર્ષની મજૂરી પછી પોતાનું ઘર થયું હતું. એના પપ્પા કહેતા અમેરિકા શ્રમજીવીનો દેશ છે. નાના -મોટા સોએ મજૂરી -શ્રમ કરવા પડે. જો ઉદય ટેમ્પરરી કોઈ જોબ કરે તો ઘરના મોર્ગેજનું ટેન્શન ઓછું થઈ જાય.

ચીઢમાં બબડતી હતી, થેક્સ ગીવીગની સવાર બગાડી, મંદીના સમયે ઘર વેચીને ખોટ ખાવાનો શું અર્થ છે?

ઉદયે બેડરૂમની બારીમાંથી બધું જોયું, આખી રાતના ઉજાગરાથી થાકેલો, બેચેન તે કીચનમાં આવ્યો. અનિતાને ધણું બધું બોલી નાખવાનું મન થયું પણ ઉદયના ચહેરા પરની લાચારી અને અકળામણ જોઈ સમસમી ગઈ, અનિતાને લાગતું હતું ઉદય દસ વર્ષથી

અમેરિકામાં છે, પણ અહીંની જીવનસરણી અપનાવી શક્યો નથી. કોઇપણ પ્રકારની જોબ કરવામાં નાનમ નથી તે તેને સ્વીકાર્ય નથી. અહીના જીવનમાં આનંદ માણી શકતો નથી, પહેલાં સારા દિવસો હતા ત્યારે વેકેશનમાં ફરવાનો પ્લાન તેને ગમતો નહી, બે વર્ષથી ડીઝની લેન્ડ જોવા છોકરાં જીદ કરતા હતાં પણ ઉદયને કારણે શક્ય બન્યું નહોતું. અત્યારે આખા દેશની ઈકોનોમી ખરાબ છે, ત્યારે દુઃખનો ટોપલો ઉપાડીને થાકવાનો શું અર્થ ? ધીરજ રાખી આવા સમયે ટકી રહીએ તેવી પ્રભુ તાકાત આપે. અમેરિકામાં આવી તેનું અને ભાઈઓનું કુટુંબ સુખી થયું તે માટે હંમેશા પ્રભુનો ઉપકાર માનતી, સારા નરસા દિવસો ભરતી ઓટ જેવા, એ આવે ને જાય. સૌ ભેગાં થઈ બે ઘડી આનંદમાં વીતાવીશું એમ વિચારી અનિતાએ ઉદયની નામરજી છતાં થેક્સ ગીવીંગ દર વર્ષની જેમ પોતાને ઘેર રાખી હતી, જો કે હજી ઉદય જાણતો નથી કે અનિતાના બે ભાઈઓ અને પપ્પા બપોરે આવવાના છે. એના ભાઈઓએ રાત્રે કહ્યું હતું, દીદી, આ વર્ષે જીજાજીનો મૂડ નહિ હોય પણ આપણે થેક્સગીવીગ દર વર્ષની જેમ તમારે ત્યાં જ કરીશું, પોટલક કરીશું, તમે છોકરાઓ માટે કઈક બનાવજો, બાકી બધું અમે કરીશું.

અનિતા વિચારતી હતી, ઉદય નાહીધોઈ તેયાર થાય પછી મૂડમાં આવે એટલે પાર્ટીની વાત કરું. આમે અમેરીકાના તહેવારોમાં ઉદયને ખાસ મઝા આવતી નહિ. બીજી બાજુ અનિતા અને બાળકો ખૂબ આનંદ કરતાં.

ઉદયે કીચનમાં આવી જોયું, સ્ટોવ ઉપર એક મોટા પોટમાં પાણી ઊકળવા મૂક્યું હતું, પાસ્તાના બે પેકેટ તોડેલા પડ્યા હતા, પિન્કીના રૂમના શાવરમાંથી અનિતાનો અવાજ સંભળાયો, ઉદય ગેસ જરા ઘીરો કરી દેજે. ઉદય ગેસ ધીરો કરતા વિચારતો હતો બે પેકેટ પાસ્તા કોને માટે? પરિમલ છોકરાઓને મૂકવા આવવાનો છે પણ એની નજર પડી અનિતાએ ડીનર પ્લેટો, નેપકીન, ચમચા, કાંટા બધું તેયાર કર્યું હતું. ઉદય મનમાં અકળાતો હતો, એ બધા સાથે હળીમળી પાર્ટી કરવાના મૂડમાં નહોતો.

ડોર બેલ સાંભળી એણે બારણું ખોલ્યું એટલે પીન્કી ડેડી ડેડી કરતી ઉદયને પરિમલની કાર પાસે લઈ ગઈ. તેઓ થેક્સ ગીવીગના ડીનર માટે ઘણી બઘી વાનગીઓ લઈ આવ્યાં હતાં. ઉદયને આશ્ચર્ય થયું પણ આ બઘી ધમાલ તેને ગમી નહિ.

કેમ છો જીજાજી હેપી થેક્સ ગીવીગ કહી પરિમલે હસીને ઉદય સાથે આત્મીયતાથી હાથ મિલાવ્યા. પરિમલની પત્ની અંજલિએ મઝાકમાં કહ્યું, જીજાજી અમે માન ના માન મેં તેરા મહેમાન જેવું કર્યું, બોલો હવે ઘરમાં જઈએ કે નહિ? ઉદયે કહ્યું, આવો, અનિતા ડીનરની તેયારી કરી રહી છે.

ત્રણે છોકરાંઓ સાઈકલ અને સ્કેટીગ બોર્ડ લઈ રમવા લાગ્યાં, પરિમલ અને અંજલિ બાળકોની રમત જોઈ ખુશ થતાં હતાં, એટલું જ નહિ તેમની પાછળ દોડાદોડી કરતાં હતા. ઉદયને મનમાં ડંખ લાગ્યો કે એ કદી બાળકો સાથે રમ્યો નહોતો, પરિમલ આટલો બિન્દાસ થઈ કેમ કરી રમી શકતો હશે! એને યલે ઓફ મળે એવું અનિતા કહેતી હતી. મંદીમાં એના મોટેલના ધંધામાં ખોટ જતી હશે, એને કોઈ ટેન્શન નહિ હોય?

અનિતાનો નાનો ભાઈ રમેશ તેના કુટુંબ સાથે આવી ગયો. તેમના પપ્પા રમેશની કારમાંથી બહાર આવી ઉદયને જોઈ બોલ્યા, તમારી તબિયત ઠીક નથી, મો થાકેલું દેખાય છે. ઉદયને થયું પોતે રડી પડશે, બીજા બધાં આનંદ કરતાં હતાં, કોને પોતાના સ્ટ્રેસની વાત કરે?

અનિતાને અહીંના બધા તહેવારોમાંથેન્કસ ગીવીગ વધુ પ્રિય હતો. શેરીગ, કેરીગ અને પ્રભુએ આપેલા સર્વ કાઈ માટે આભારની અભિવ્યક્તિ. આપણે જીવનમાં નાની -મોટી સગવડ અને સુખ માટે થેંક્યું -શુક્રિયા -આભાર -પાડ માનવાનું ભૂલીએ છીએ. ક્યારેક એમ થાય કે એમાં થેંક્યું શું કહેવાનું ? આપણાં મા, બાપ, કુટુંબી જનોનો અને ઈશ્વરનો આભાર હદયથી અને વાણીથી માનીએ એમાં નમ્રતા છે. પ્રિયજનોને આભાર કહેવાની જરૂર નથી એમ માનવાથી કેટલીકવાર તેમનાં દિલ પણ દુભાય છે. ઉદય બધા સાથે ડીનર માટે બેઠો ત્યારે તેને લાગ્યું બઘાની હસી મઝાક અને બાળકોની તોફાની હરકતોથી તેનો તનાવ, ગમ, ભવિષ્યની ચિતા ઓગળતું ગયું. ઘરનાં આનંદના વાતાવરણમાં અનિતાનો ઉત્સાહ અને પ્રેમ જાણે કે દીવામાં ઘી પૂરવાનું કામ કરતા હતા. ઉદયે સૌને ડીનર શરુ કરતાં પહેલાં હાથમાં ગ્લાસ લઈ ટોસ્ટ કરવા કહ્યું. અંજલિ તાળીઓ પાડી બોલી, વાહ, જીજાજી હવે પાર્ટીના મૂડમાં આવ્યા આવ્યા અનિતા રાજીની રેડ થઈ બોલી થેંક્યુ, એવરી બડી, તમે સૌ આવ્યાં, આપણે પ્રભુનો પાડ માનીએ કે આર્થિક ભીસમાં ટકી ગયાં છીએ.

અનિતાના પપ્પા ગળગળા સાદે બોલ્યા, હું અને આપણું કુટુંબ તારો પાડ માનીએ છીએ, નાની ઉમરે તે હિમત અને મહેનતથી સૌને અહી સેટકર્યા. ઉદય જાણે સંમત થતો હોય તેમ હકારમાં માથું ધૂણાવી બોલ્યો, યસ, પપ્પાની વાત સાચી છે. અનિતા આશ્ચર્યથી મનમાં મલકાતી ઉદયને જોતી હતી.

પરિમલે કહ્યું, દીદી, અમે જાણીએ છીએ, જીજાજીને કમ્પની માટે પેસાની જરૂર છે. પણ મારા હાથ બન્ઘાયેલા છે, જોબમાંથી મને સાઉદી એરેબીયામોકલે છે, જો હું ના પાડું તો બેકાર બની જાઉં, અંજલિને એકલીને મોટેલ ચલાવવામાં તકલીફ પડે, હું ય મંદીના સાણસામાં ફસાયો છુ. બે કલાક પહેલાં બાળકો સાથે રમતાં અજલિ અને પરિમલ સ્ટ્રેસ માં હોય તેવી ઉદયને કલ્પના નહોતી.

અંજલિનો ખભો થાબડી અનિતાએ હિમત આપતા કહ્યું, પરિમલને જવા દે, અમે બધાં તારી સાથે છીએ, પડશે એવા દેવાશે. અંજલિ અનિતાને ભેટી પડતાં બોલી, દીદી, આપણે રેતીમાં વહાણ ચલાવીશું.

ઉદય કઈક બોલવાનો વિચાર કરતો હતો ત્યાં રમેશ બોલ્યો, વાત એમ છે કે મને ય ઇકોનોમીની થપ્પડ વાગી છે, મારા સ્ટોરની આવક ઓછી થઈ છે, રાધાને ગયા વીકે બ્રેસ્ટ કેન્સરનું નિદાન થયું છે. દીદી અને જીજાજીને વિનંતી કરું કે મને બેઝમેન્ટમાં ટેમ્પરરી રહેવા દે, હું ભાડું ચૂકવીશ. મારું ઘર રેન્ટ પર આપી દઈશ. સોએ રાધાને સારું થઈ જશેનું આશ્વાસન આપ્યું. અનિતા વિચારમાં પડી ગઈ, રમેશને મદદની જરૂર છે, અને અમને મદદ કરવા માંગે છે. એ જાણે છે કે અમારે ધરના મોરગેજનું ટેન્શન છે. એટલામાં ઉદય ગળું ખોખરી પોતે કુટુંબનો વડીલ હોય તેમ વિશ્વાસથી બોલ્યો,

જુઓ રમેશભાઈ તમે નિરાંતે અમારા બેઝમેન્ટમાં રહો, એ બહાને વપરાશે, ભાડાની ચિતા તમારે કરવાની નથી. હું ગમે તે જોબ શોધી લઇશ, અમારી મોરગેજની સમસ્યા તમારા ટેન્શન આગળ તણખલા જેવી છે. અનિતાથી રહેવાયું નહિ, તે ઊઠીને ઉદયને આલિંગનમાં લેતાં બોલી, થેંક્યું, મને માફ કરજે, હું ગુસ્સામાં કઈ ખોટું બોલી હોઉં તો.

ઉદયે તેને પ્રેમથી ખુરશીમાં બેસાડતાં કહ્યું, હું સદભાગી તારા જેવી જીવનસાથી મળી, તેં મને સાથ આપ્યો, તારો અને પ્રભુનો ઉપકાર બધાં બાળકો પોતાના પેરેન્ટને વહાલમાં થેંક્યું કહેતા હતા તેમાં પિન્કી બોલી, અમને થેંક્યું નહિ કહેવાનું ?

તરુલતા મહેતા