Shayar ane Sharab books and stories free download online pdf in Gujarati

શાયર અને શરાબ - ‘National Story Competition-Jan’

નવલિકા

શાયર અને શરાબ

યશવંત ઠક્કર

‘હવે આપની સમક્ષ રજૂ થાય છે એક એવા શાયર કે જેણે ગઝલને એક નવી ઊંચાઈ આપી છે. એમણે પોતાની ગઝલને ખુમારી, જોશ અને ઝિંદાદિલીના જામ પાયા છે. એટલે જ એમની ગઝલ સીધી જ સાંભળનારના લોહીમાં ભળી જાય છે...’ મુશાયરાના સંચાલકે મશહૂર શાયર રાઘવજી સમ્રાટની પ્રતિભાને શોભે એવો વિસ્તૃત પરિચય આપ્યો અને સમ્રાટને પોતાની ગઝલો શ્રોતાઓ સમક્ષ રજૂ કરવા વિનંતિ કરી.

પહેલાં દોરના અંતમાં રાઘવજી સમ્રાટ ગઝલ રજૂ કરવા ઊભા થયા, પરંતુ તેઓ માઇક સુધી પહોંચે તે પહેલાં તો લથડિયું ખાઈ ગયા. મંચ પર બેઠેલા કવિઓમાંથી કેટલાકે એમણે ઊભા તો કર્યા પણ તેઓ ફરીથી લથડિયું ખાઈ ગયા. સંચાલકે તાત્કાલિક નિર્ણય લઈને માઇક પરથી જાહેર કર્યું કે, ‘શ્રી રાઘવ સમ્રાટની તબિયત બરાબર ન હોવાથી તેઓ પોતાની જ બેઠક પરથી ગઝલ રજૂ કરી શકે છે.’

પરંતુ રાઘવજી સમ્રાટ ન માન્યા. એમણે ઊભા ઊભા જ ગઝલ રજૂ કરવાનો અગ્રહ રાખ્યો. તેઓ હાલકડોલક માઇક સુધી પહોંચ્યા તો ખરા, પરંતુ એમની હાલત તેઓ સ્થિર ઊભા રહી શકે એવી નહોતી. આથી બે જણાએ એમને પકડી રાખ્યા અને એમણે ગઝલ રજૂ કરવાની શરૂઆત કરી. પોતાની રચનાઓ જુસ્સા પૂર્વક રજૂ કરવા જાણીતા સમ્રાટ બીજાના બંધનમાં રહી ન શક્યા અને એમણે પોતાની જાતને છોડાવીને પોતાની ગઝલની રજૂઆત આગળ વધારી. રાઘવજી સમ્રાટે માત્ર બે શેર રજૂ કર્યા ત્યાં તો માઇક સાથે જ મંચ પર ગબડી પડ્યા. રંગમાં ભંગ પડ્યો.

મંચ પર હોહા થઈ ગઈ. સમજનારા તો સમજી ગયા હતા કે, રાઘવજી સમ્રાટની તબિયત પર શાયરીથી વિશેષ શરાબનો પ્રભાવ છે. રાઘવજી સમ્રાટના લોહીમાં ગઝલ તો ભળેલી હતી, આજે શરાબ પણ ભળી ગયો હતો. કેટલાક લોકોએ સમ્રાટને ઊંચકીને એમની બેઠક પર બેસાડ્યા તો તેઓ ત્યાં જ ઢળી પડ્યા. સંચાલકે જાહેર કર્યું કે, ‘મુશાયરાનો પહેલો દોર અહીં પૂરો થાય છે અને પંદર મિનિટના વિરામ પછી બીજો દોર શરૂ થશે.’

પરંતુ બીજો દોર શરૂ થાય તે પહેલાં, શહેરના પોલીસ કમિશનર અરુણકુમારે દારૂબંધીના ભંગ બદલ રાઘવજી સમ્રાટ પર પોલીસ કાર્યવાહી શરૂ કરાવી દીધી. અરુણકુમાર આ કાર્યક્રમમાં શ્રોતા તરીકે હાજર હતા. વળી, તેઓ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પધાર્યા હતા.

અરુણકુમારે શહેરના પોલીસ કમિશનર તરીકેનો હોદ્દો સંભાળ્યા પછી શહેરના સજ્જન લોકો ખુશ હતા અને અસામાજિક તત્વો નાખુશ હતા. ગેરકાયદેસર દારૂ વેચનારાઓ, જુગારીઓ, દાદાગીરી કરનારાઓએ એમની ઘણીખરી માયાજાળ અરુણકુમારની બીકના કારણે સંકેલી લીધી હતી. અવારનવાર ભેગા થઈને શરાબ પીનારાઓ તો હવે સરબત પીવા માટે પણ ભેગા નહોતા થતા. અરુણકુમારની નજરે જો કોઈ માણસ પીધેલી હાલતમાં નજરે પડતો તો તેઓ એના પર દયા દાખવતા નહોતા, પછી ભલે શરાબ પીનારની ગમે એટલી પહોંચ હોય. અરુણકુમારની છાપ એક ઈમાનદાર અધિકારી તરીકેની હતી. એ છાપ કોઈનાથી તૂટે એમ નહોતી, ખુદ અરુણકુમારથી પણ નહિ.

કાર્યક્રમના આયોજકોએ અને રાઘવજી સમ્રાટના ચાહકોએ અરુણકુમારને રાઘવજી સમ્રાટ જેવા શાયરનું માન જાળવવા માટે અને પોલીસ કાર્યવાહી ન કરવા માટે ઘણી આજીજી કરી, પરંતુ અરુણકુમાર પાસે એક જ જવાબ હતો કે, ‘કાયદો બધાને સમાન રીતે લાગુ પડે છે. દારૂબંધીનો ભંગ કરનાર સામાન્ય માણસ પર કાર્યવાહી થતી હોય તો એક શાયર પર કેમ ન થાય?’

રાઘવજી સમ્રાટને તો બોલવાના પણ હોશ નહોતા. પોલીસ કાર્યવાહીના પરિણામે એમને મુશાયરામાંથી સીધા પોલીસ સ્ટેશને જવું પડ્યું. એટલું જ નહિ, લોકઅપમાં પણ પુરાવું પડ્યું.

બીજા દિવસે સવારે રાઘવજી સમ્રાટ પરથી નશાનો પ્રભાવ ઊતરી ગયો. પોતાના પર પોલીસ કાર્યવાહી થઈ હોવાનું જાણ્યા પછી એમણે આક્રોશમાં આવીને બૂમો પાડી: ‘અરુણકુમાર, મારી પાસે તો શરાબ પીવાની પરમિટ છે. પછી કાયદાના ભંગની વાત જ ક્યાં આવી? ગમે એમ તોય હું એક શાયર છું. મારી સાથે આવો વ્યવહાર? શું હું શરાબ પીને ધમાલ કરનારો કોઈ લુખ્ખો છું?’

‘તમારી પાસે પરમિટ છે એ વાત સાચી, પણ તમે શરાબ પીને જાહેર કાર્યક્રમમાં ભાગ લીધો છે એ કારણસર તમારા પર કાયદેસર કાર્યવાહી થઈ છે.’ ફરજ પરના પોલીસ અધિકારીએ રાઘવજી સમ્રાટને સમજાવવાનો પ્રયાસ કર્યો.

‘મેં શરાબ પીને મુશાયરામાં ભાગ લીધો એ મારો ગુનો છે? હું મુશાયરામાં ગઝલ બોલતો હતો, ગાળો તો નહોતો બોલતોને? લડાઈ ઝઘડા તો નહોતો કરતોને? આ કઈ જાતનો ન્યાય છે? શરાબ પીને શહેરમાં ધમાલ કરનારાઓને કોઈ પૂછનાર નહિ અને મારા જેવા સીધાસાદા માણસને લોકઅપમાં પૂરી દેવાનો?’ રાઘવજી સમ્રાટે વળતી દલીલો કરી.

‘સાહેબ, કાયદાનો ભંગ કરનાર પર અમે કાયદેસર કાર્યવાહી કરતા જ હોઈએ છીએ. છતાંય, તમારે કાયદા મુજબ જે કાંઈ રજૂઆત કરવી હોય એ કરી શકો છો.’

‘મારી એક જ રજૂઆત છે. મેં કોઈ ગુનો કર્યો નથી. મને અત્યારે ને અત્યારે આ જેલમાંથી મુકત કરો.’

રાઘવજી સમ્રાટ અને પોલીસ અધિકારી વચ્ચે બોલાચાલી થતી હતી એ દરમ્યાન કાર્યક્રમના આયોજકો એક વકીલને લઈને પોલીસ સ્ટેશને આવી પહોંચ્યા. કેટલાક પત્રકારો, રાજકીય પક્ષોના નેતાઓ, રાઘવજી સમ્રાટના કેટલાક ચાહકો પણ આવી પહોંચ્યા. પોલીસ સ્ટેશનની બહાર મેળો ભરાઈ ગયો.

‘રાઘવજી, ચિંતા ન કરશો. બધું સારું થઈ જશે. અમે તમને જામીન પર છોડાવીશું. તમે એક વાર બહાર આવી જાઓ, પછી અરુણકુમારને પણ જોઈ લેશું.’ વકીલે રાઘવજી સમ્રાટને ધરપત આપી.

જવાબમાં રાઘવજી સમ્રાટે આક્રોશ વ્યક્ત કર્યો: ‘મેં કોઈ ગુનો કર્યો નથી. મને નિર્દોષ જાહેર કરીને છોડવામાં આવે તો ભલે, પરંતુ મને જામીન પર છૂટવાની વાત મને મંજૂર નથી.’

વકીલની અને ચાહકોની ખૂબ જ સમજાવટના અંતે રાઘવજી સમ્રાટ જામીન પર છૂટવા તૈયાર થયા.

રાઘવજી સમ્રાટ જામીન પર છૂટ્યા ત્યારે તેઓ પીડાથી છલોછલ હતા. એમના ચાહકોએ એમને હર્ષની કિકિયારીથી વધાવી લીધા, પરંતુ રાઘવજી સમ્રાટની પીડા ઓછી ન થઈ. એ પીડા બીજા દિવસના અખબારોમાં પ્રગટ થઈ.

રાઘવજી સમ્રાટની પીડા આવી હતી: ‘હું તો એક શાયર છું. મારા ભાવવિશ્વમાં જીવનારો માણસ છું. મારા ભાવવિશ્વમાં જીવવા માટે મારે શાયરી અને શરાબ બંનેની જરૂર પડે છે. મારી તબિયત જાળવવા માટે માટે પણ શરાબ જરૂરી છે. મારી પાસે શરાબ પીવા માટેની જરૂરી પરમિટ પણ છે. પોલીસ દ્વારા મારું ભયંકર અપમાન થયું છે. મારી સાથે અન્યાય થયો છે. મારા ચાહકો સાથે પણ અન્યાય થયો છે. મેં ગુજરાતી ભાષાની સેવા કરી છે. એનો આવો બદલો ન હોય. મને નિર્દોષ જાહેર કરવામાં નહિ આવે તો હું આ દેશ છોડી દઈશ.’

રાઘવજી સમ્રાટ જેવા પ્રસિદ્ધ શાયર પર કાર્યવાહી કરવા બદલ અરુણકુમારે પત્રકારોના સવાલોના જવાબ આપવા પડ્યા. અરુણકુમારનું કહેવું હતું કે, ‘મેં જે કર્યું એ કાયદા મુજબ કર્યું છે. મારી નજર સામે જ કાયદાનો ભંગ થતો હોય એ હું કેવી રીતે ચલાવી લઉં? કાયદાની નજરે બધા સમાન છે. જે ગુના માટે કોઈ સામાન્ય માણસ સામે પગલાં લેવાતાં હોય તો એક શાયર સામે કેમ ન લેવાય? રાઘવજી સમ્રાટ પ્રત્યે મને માન છે, પરંતુ મારે મારી ફરજ પણ બજાવવી પડે. જે થયું છે એ કાયદા મુજબ જ થયું છે અને હવે જે થશે એ પણ કાયદા મુજબ જ થશે. બધાએ કાયદા પર ભરોસો રાખવો જોઈએ.’

રાઘવજી સમ્રાટ પર પોલીસ કાર્યવાહીની એક ઘટના માત્ર ઘટના ન રહેતાં ચર્ચાનો વિષય બની ગઈ. અખબારોએ સમગ્ર ઘટનાને રાઘવજી સમ્રાટ અને અરુણકુમાર વચ્ચેના જંગમાં ફેરવી નાખી. રાઘવજી સમ્રાટના ચાહકો તો રાઘવજી સમ્રાટની તરફેણમાં હતા, પરંતુ મોટા ભાગના કવિઓ, લેખકો અને કલાકારો પણ રાઘવજી સમ્રાટની તરફેણમાં આવી ગયા. એ બધાનાં મંતવ્યો એવાં હતાં કે, ‘અરુણકુમારે પોતાનો વટ પાડવા માટે જ રાઘવજી સમ્રાટ વિરુદ્ધ પગલું ભર્યું છે. બાકી, શહેરની શેરીઓમાં કેટલાય લોકો દારૂ પીને લથડિયાં ખાય છે. એ બધાને કેમ પકડવામાં નથી આવતા? રાઘવજી સમ્રાટ તો સાહિત્યના ઉપાસક છે. સાહિત્યના ક્ષેત્રે એમનું ઘણું પ્રદાન છે. પોલીસખાતાએ આ બાબત પણ ધ્યાનમાં લેવી જોઈએ. પોલીસખાતું કોઈ દારૂડિયા સાથે કરે એવો વ્યવહાર રાઘવજી સમ્રાટ સાથે કરી રહી છે. આ માત્ર રાઘવજી સમ્રાટનું જ નહિ. પરંતુ રાજ્યભરની સાહિત્યપ્રિય પ્રજાનું અપમાન છે. પ્રજાએ એકી અવાજે પોલીસખાતાની કાર્યવાહીને વખોડવી જોઈએ અને રાઘવજી સમ્રાટના બચાવ માટે અંદોલન ચલાવવું જોઈએ.’

તો કેટલાક લોકો પોલીસ કમિશનર અરુણકુમારની પણ તરફેણમાં આવી ગયા. એ લોકોની દલીલો આવી હતી: ‘આ બાનવમાં અરુણકુમારનો જરાય વાંક નથી. એમણે તો એમની ફરજ બજાવી છે. રાઘવજી સમ્રાટ એક શાયર હોય તો શું થઈ ગયું? તેઓ કાયદાથી પર ન હોઈ શકે. શાયરે શરાબ પીવો જ જોઈએ એવું જરૂરી છે? એમની પાસે પરમિટ હોય તો એમણે પોતાના ઘરમાં બેસીને પીવો જોઈએ અને શરાબ પીધા પછી ઘરમાં જ રહેવું જોઈએ. આમ, જાહેર કાર્યક્રમમાં ન આવું જોઈએ. આખરે સમાજ પ્રત્યે પણ એમની જવાબદારી છે. તેઓ લાજવાના બદલે ગાજે છે અને દેશ છોડી દેવાની ધમકી આપે છે. એમણે દેશ છોડવો હોય તો છોડી શકે છે. અરુણકુમારે આ શહેરના લોકોને સલામતી આપી છે. એમના આવ્યા પછી શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ઘણી સુધરી છે. સમાજને જેટલી જરૂર સાહિત્યની છે એટલી જ જરૂર સલામતીની પણ છે.’

શહેરના લેખકો, કવિઓ અને કલાકારોએ ભેગા મળીને રાજ્યના ગૃહપ્રધાનને એક પત્ર લખ્યો. આ પત્ર દ્વારા એમણે ગૃહપ્રધાનને વિનંતિ કરી કે, પોલીસતંત્ર દ્વારા રાઘવજી સમ્રાટ પર જે કેસ કરવામાં આવ્યો છે એ પરત ખેંચવામાં આવે. વળી, એવી ચેતવણી પણ આપવામાં આવી કે, જો રાઘવજી સમ્રાટને ન્યાય નહિ આપવામાં આવે તો સમગ્ર રાજ્યના સાહિત્યકારો અને કલાકારો સરકાર સામે આંદોલન શરૂ કરશે.

પત્રકારોના આ બનાવ અંગેના સવાલના જવાબમાં ગૃહપ્રધાને પણ જાળવી જાળવીને જણાવ્યું કે, ‘સરકાર સમગ્ર મામલાનો અભ્યાસ કરી રહી છે. કોઈને પણ અન્યાય ન થાય એ બાબતે સરકાર ચિંતિત છે.’

થોડા દિવસો પછી અખબારમાં સમાચાર આવ્યા કે, ‘શહેરના પોલીસ કમિશનર અરુણકુમાર હવે થોડા દિવસોના મહેમાન છે. એમની બદલીનો ઓર્ડર આવી ગયો છે. રાઘવજી સમ્રાટ સાથેની દુશ્મની એમને ભારે પડી છે. સરકાર રાઘવજી સમ્રાટ સામેનો કેસ પણ પાછો ખેંચી લેવાનું વિચારી રહી છે.’

આ સમાચારથી શહેરના કવિઓ, લેખકો અને કલાકારોમા ખુશાલી વ્યાપી ગઈ. તેઓએ રાઘવજી સમ્રાટને અભિનંદન પાઠવ્યા. સત્યનો જય થયો હોવાની ખુશાલીમાં તેઓએ તાત્કાલિક એક મુશાયરાનું આયોજન પણ કરી નાખ્યું. એ મુશયારમાં અરુણકુમાર અને અને પોલીસતંત્ર પર ચાબખા મારતી રચનાઓ રજૂ થઈ.

જે દિવસે અરુણકુમાર શહેર છોડવાના હતા એ દિવસે રાઘવજી સમ્રાટે એમને ફોન કર્યો.

‘અરુણકુમાર, હું રાઘવજી સમ્રાટ બોલું છું.’

‘ઓહ! રાઘવજી? કેમ છો?’

‘હું તો મજામાં છું, પણ તમે કેમ છો?’

‘હું પણ મજામાં છું.’

‘બદલીનો ઓર્ડર આવ્યાં પછી પણ મજામાં છો?’

‘બદલી તો મારી ફરજનો એક ભાગ છે. મને એની કોઈ નવાઈ નથી.’

‘અરુણકુમાર, એક શાયર સામે તમારી હાર થઈ છે. તમે આવું ધાર્યું પણ નહિ હોય.’

‘મેં મારી ફરજ બજાવી છે. એમાં હારજીત જેવું કાંઈ થયું હોય એવું મને તો લાગતું નથી.’

‘પણ મને તો લાગે છે. અરુણકુમાર, હવે પછી કોઈ શાયર સામે પગલાં ભરતાં પહેલાં વિચાર કરજો. શાયર પાસે કલમની તાકાત હોય છે.’

‘રાઘવજી સમ્રાટ, તમે હજી ભૂલ કરો છો. મેં એ રાત્રે એક શાયર સામે પગલાં નહોતાં ભર્યાં, કાયદાનો ભંગ કરનાર એક નાગરિક પર પગલાં ભર્યાં હતાં. તમારી સમજમાં આ વાત જયારે આવે ત્યારે મને ફરીથી ફોન કરજો. અત્યારે મને રજા આપો. તમે તમારા ભાવવિશ્વમાં ખુશ રહો. મને મારા વિશ્વમાં મારું કામ કરવા દો.’ અરુણકુમારે વાત પૂરી કરી દીધી.

રાઘવજી સમ્રાટને ફરીથી આઘાત લાગ્યો. એમણે અરુણકુમાર તરફથી આવા જવાબની ધારણા નહોતી રાખી. એમને, અરુણકુમારને ફોન કરવા બદલ અફસોસ થવા લાગ્યો.

રાઘવજી સમ્રાટને અફસોસમાંથી મુક્ત થવા માટે પોતાના ભાવવિશ્વમાં ખોવાઈ જવું જરૂરી લાગ્યું. તેઓ પોતાના ભાવવિશ્વમાં ખોવાઈ જવા માટે પેગ તૈયાર કરવા લાગ્યા.

[સમાપ્ત]