Firki Bole chhe... books and stories free download online pdf in Gujarati

ફીરકી બોલે છે.....!

ફીરકી બોલે છે.....!

હરિનો મારગ જેમ શૂરાનો, એમ અહિંસાનો મારગ પણ શૂરાનો જ છે. કાયરનું એમાં કામ જ નહી. પણ પ્રકૃતિને પણ ક્યારેક ભાંગડા કરવાનું મન થઈ જાય મામૂ....! ગઢેરવાળી જીંદગી જીવતાં જીવતાં ક્યારેક તો કરવટ બદલવાનું મન થાય કે નહિ ? અહિંસાના માર્ગે જ ચાલવું જોઈએ એ વાત સાચી, પણ ચાલી ચાલીને માણસ કંટાળે તો ખરો ને ? ગાંધી સાથે ગોડસેનો, કૃષ્ણ સાથે કંસનો, ને ઓબામા સાથે ઓસામાના ઇતિહાસ લખાયા હોય ત્યારે, એમ તો થાય ને કે, લાવને હિંસાના પણ ઝાડવાં હલાવી જોઈએ ? આ મકર સંક્રાંતિ એમાંથી જ પેદા થઇ. કાપાકાપી કે લુંટફાટની મૌજ લેવી ધરતી ઉપર બાધક હોય, આકાશમાં તો લેવાય ને ? માણસની કાપાકાપી હિંસક ગણાય, પતંગની કાપાકાપી તો થાય ને ?

જેને આપણે પતંગોત્સવ કહીએ છીએ, એ આમ જુઓ તો અહિંસામાંથી હિંસામાં જવાની સક્રાંતિ જ છે. બાકી સુરજ મકરમાં જાય કે, મગરના મોઢામાં, એ જોવાની લોકોને ફુરસદ જ ક્યાં છે ? માનવીના અહિંસક સ્વભાવને એક દિવસ માટે હિંસક બનાવવાનો અવસર એટલે પતંગોત્સવ. તલના લાડવાની લાલચમાં, શેરડીના બુક્લામાં, ચણી બોરના ચટાકાની ઓથમાં, ગળે લગાડી પતંગના ગળા કાપવાની હરીફાઈ જ ચાલે છે ને ? એ બહાને લોકો કાપાકાપી ને લુંટફાટનો ખેલ કરીને, અહિંસામાંથી બહાર આવી થોડાક હળવા તો થાય ? વારે વારે ધરતી ઉપર આવવાના નથી, એટલે કોઈપણ શોખ વગરના રહી ના જવા જોઈએ, એ જ એનો મકસદ....! ખોટું પણ નથી. કોઈના ટાંટિયા ખેંચવા એના કરતાં પતંગ ખેંચવા સારાં...! શું કહો છો દાદુ....?

પતંગની કાપાકાપી માટે ક્યાં કુરુક્ષેત્રના મેદાનમાં જવાની જરૂર છે કે, જલીયાવાળા બાગ જેવી હોનારતની જરૂર છે ? ધાબે ચઢીને કાપાકાપી જ કરવાની. ૧૦૮ એમ્બ્યુલન્સની જેમ નીચે ઝંડુવાળા તો ટાંપીને ઉભાં જ હોય. “ વર મરો કે કન્યા મરો, આપણું તરભાણું ભરો “ એમ એને તો કોઈનો પણ કપાયેલો પતંગ મળવાનો જ. પતંગના મડદા કે પેશન્ટ ઉપાડવાનો સેવાકીય ધરમ બિચારા આ ઝંડુવાળા ઉપાડી લે. ચૂંટણી આવે એટલે ઝંડા લઈને નીકળવાનું, ને મકરસક્રાંતિ આવે એટલે ઝંડુ કાઢવાનું, આ એમનો સીલસીલો. આવું બધું આપમેળે જ આવે. ચગાવતો હોય, એને પાડી દેવામાં મલાઈ દેખાય, ને ઝંડુબ્રધર્સને કપાય એમાં મલાઈ દેખાય એનું નામ પતંગોત્સવ.....! વિવેકી એટલાં કે, કાપાકાપીનો ખેલ આ લોકો ધરતીને બદલે આકાશમાં લઈ જતાં હોય.

નારી જાતિને મહત્વ આપવાની વાત પતંગની ગળગુથીમાં પણ નથી. માણસને ઉંચો લાવવામાં ‘ વાઈફ ‘ નો હાથ હોય, એમ પતંગને ઉંચો લઇ જવામાં ‘ ફીરકી ‘ નો મહતમ ફાળો હોવા છતાં, જેટલો મહિમા પતંગનો કહેવાયો, એટલો ફિરકીનો ગવાયો નથી. બાકી દ્રૌપદીના વસ્ત્રાહરણની માફક, ફીરકીનું ‘ દોરી હરણ ‘ કંઈ ઓછું થાય છે ? સ્ત્રી અને ફીરકીમા ફેર એટલો કે, ફીરકીનું તો નકકી જ હોય, કે પતંગોત્સવના ખેલમાં પતંગે વિધુર અને ફીરકીએ વિધવા એક સાથે થવાનું છે.. છતાં છેલ્લા શ્વાસ સુધી જે પતંગ માટે ઝઝૂમે એનું નામ ફીરકી. એની ખાનદાની પણ કેવી ? બાપે ચીંધેલા મુરતિયાનો એ આનાકાની વગર સિંદુર ચઢાવી લે. ને કોઈપણ પતંગ સાથે છેડાગાંઠી કરી લે. ને પડ્યું પાનું નિભાવી લે. છતાં, ખુમારી નહિ છોડે.

આને અગનખેલ નહિ, પણ પવનખેલ કહેવાય. મકરસક્રાંતિ આવે એટલે, પવનમાં પણ જાણે પવન ભરાવા માંડે. સારો પવન હોય તો એ લહેરખી, ને બગડેલો હોય તો વાવાઝોડું....! ‘ ન ઉનસે દોસ્તી અચ્છી ન ઉનસે દુશ્મની અચ્છી...! પણ યુધ્ધના શંખ એકવાર ફૂંકાયા પછી યોધ્ધો ઠરીને બેસે નહિ એમ, ધાબે ધમાધમી શરુ જ થવા માંડે. વાજાં-પીપા-ઢોલ-નગારાને ઊછળકૂદના શૌર્યગીતો સાથે એવી ચીસાચીસ ચાલુ થઇ જાય કે, ગગનભેદી અવાજથી આખું ગામ ફાટવા માંડે.

મીઠું બિન સાંભળીને હરણ તું દૌડી ના જા

મઝા છે દુર રહેવામાં વીંધાવું બાણથી પડશે

પતંગ રસિયાના ઘરમાં ગયાં હોય તો, જોવા મળે કે, રેલના પાણી ઘરમાં ઘુસી ગયાં હોય એમ, આખા ઘરમાં પતંગ ને ફિરકા જ પડ્યા હોય. ચારેય બાજુ બકરી ઇદના બકરાની માફક, પતંગો કન્ના બાંધીને તૈયાર હોય. આખું ઘર જાણે ‘ પતંગદ્વાર ‘ બની જાય....! ‘ ફીરકીઓ ઉપર નજર ઠેરવીએ તો, એક એક ફીરકી રાણી લક્ષ્મીબાઈની માફક યુદ્ધ માટે સજ્જ થઈને બેઠી હોય. પતંગો વૃદ્ધાવસ્થા સાથે જ જન્મ્યા ના હોય એમ, કોઈની કમર ભાંગી ગયેલી, તો કોઈના ચામડા ફાટી ગયેલા, કોઈની કમાન છટકેલી તો, કોઈને જાણે ચાલુ નોકરીમાંથી બરતરફ કરેલો હોય, એવા ઉંધા માથે ઉદાસ પડેલા જોવા મળે. પેલું ગાયન નહિ ગાતાં હોય કે, ‘‘ મેરી કિસ્મતમે નહિ તું શાયદ, કયું તેરા ઇન્તેજાર કરતાં હું....! ‘ અમુક તો પરણીને પસ્તાયા હોય, એમ ટૂંટિયું વાળીને ખૂણે સડતાં હોય. શું એની દશા હોય ? ક્યાં ફીરકીની ખુમારી ને ક્યાં ફસકી પડેલા પતંગની અવદશા ? એની હાલત જોઈને આપણને દયા આવે મામૂ....!

ફીરકી એટલે ફીરકી. એને કોઈ વિશેષણ નહિ. ત્યારે પતંગને તો નામ બડે ઔર દર્શન ખોટે. કોઈ ચીલ હોય, ચાંદેદાર હોય, ચાંદલીયો હોય, ઢાળીયો હોય, ધેંસીયો હોય, આંચીયો હોય, પાંખિયો હોય, આંખીયો હોય, કે ફૂદ્દી કે લેપળી હોય...! આતંકવાદીની ખુમારીમાં ઘડાયા હોય, ને ડુ ઔર ડાઈના મિશનવાળા ને લપેટમાં આવ્યો એને પાડી દેવાના મિજાજવાળા પણ હોય, છતાં કોઈ પતંગે અઠંગ આકાશમાં ટકી રહેવાનો કાંદો કાઢ્યો નથી. આ સ્થિતિમાં વિધવા કે ત્યકતા બનેલી ફીરકી જો એના પતંગને પ્રેમપત્ર લખે તો કેવો લખે ?

પ્રિય ચાંદલિયા....!

કેવાં કેવાં અરમાન સાથે, હું તારી સાથે સ્નેહગાંઠથી બંધાયેલી ? મકર સક્રાંતિના સપરમાં દિવસે લોકો સ્નેહનું સંવર્ધન કરે, ત્યારે કાપકાપીની મસ્તીમાં તેં મારો જ હાથ ને સાથ છોડીને, મારા અરમાનનું કચુંબર કરી નાખ્યું...! શીઈઈઈઈટ....! બહુ મોટા ઉપાડે કહેતો હતો, કે, આપણે તો જનમ જનમની મકર સક્રાંતિ સુધી જોડેલા રહીશું. મારો રામ જાણે કઈ લેપળીના રવાડે ચઢ્યો કે તેં મને ભરદોરીએ ત્યકતા બનાવી દીધી....! તને બીજી જ કોઈ ફીરકીના છેડે ગંઠાયેલો જોયો, ત્યારે તો મારૂ કાળજું પણ કપાય ગયું ચાંદલિયા....! તું તો પેલાં માણસ કરતાં પણ સાવ નકામો નીકળ્યો રે ચાંદલિયા..!

કુળની પુછામણ વગર તારી સાથે બાંધેલા સંબંધનો આવો વિશ્વાસઘાત કરવાનો કે....? અપરણિતના મેળામાં આવી હોય એમ, દુકાનદારને ત્યાં લટકી લટકી ને ટીકી ટીકીને મુગ્ધ રહેતી. દુકાનદારને ત્યાં તું પંજાથી ઓળખાતો, તેથી મને મુઈને એવું થતું કે, પાંડવ કુળમાં જ જાઉં તો કેવું સરસ....? પણ તું તો પાંડવના વેશમાં દુર્યોધન નીકળ્યો ચાંદલિયા.....! દ્રૌપદી બનવાના મારાં અરમાન ઉપર તેં પાણી ફેરવી દીધું. તારાં માટે ચીર પૂરનારના જ તે ચીર ખેંચી કાઢ્યા નપાવટ....!

ક્યાં ગઈ તારી ૫૬ ની છાતી ? આકાશમાં જ્યારે તને હું બાખડતો જોતી, ત્યારે હું ઘેલી ઘેલી થઇ જતી....? સામેનો પતંગ કાપી નાંખતો ત્યારે હું હરખાય જતી. મારાંથી ચીસ પણ નખાય જતી, કે, “ વાહ મારાં ચાંદલિયા વાહ....! ‘” ને આજે તું મને જ કારમી ચીસ પાડતો કરી ગયો ? તું તો સાવ ‘ લપ્પુક ‘ નીકળ્યો રે.....! જ્યારે વીજળીના તારમાં તું ભેરવાતો, ઝાડની ડાળીઓમાં ખીલવાતો, પાણીની ટાંકીઓમાં ફસાતો, ત્યારે મારું દિલ કપાય ઉઠતું, તેં એની પણ દરકાર નહિ કરી. મને ક્યાંયની નહિ રહેવા દીધી રે....! તારી ઉડાન તારી ફીરકીને આભારી હતી, એ પણ તું ભૂલી ગયો ? તેં મને ત્યકતા બનાવી દીધી. એના કરતાં મારો ચાંદલો જ નંદવાયો હોત, તો મને વધુ ટાઢક થાત. કોઈ બીજી લેપળી સાથે તને બંધાયેલા જોવાના દિવસો તો ના આવ્યા હોત..?

ખેર....! પાંડવો જેવા પાંડવો પણ જુગટું માં દ્રૌપદીને હારી ગયેલા, તો આ ફીરકી કયા ખેતરની મૂળી...? નારી જાતિના નશીબમાં તો આમપણ દુખ જ લખેલા હોય. લોકોને તો ટેવ છે ઉડતાં પતંગને જોવાની. પુરુષ પ્રધાન સમાજમાં લોકો તને જ જુએ. તું કપાય છે ત્યારે પણ એમ જ કહે કે, ‘ પતંગ કપાયો. કોઈએ એવું કહ્યું કે, ફિરકીનો દોરો કપાયો... ? આકાશનું આખ્ખું સામ્રાજ્ય હડપ કરવાની તારી તાલાવેલીને કારણે જ હું આજે નિરાધાર બની. મારે તને એટલું જ કહેવાનું કે, મારા જેવી બીજી કોઈ ફીરકી સાથે તું આવો વિશ્વાસઘાત નહિ કરતો. કારણ, નારીની આંતરડી જ્યારે કકળે છે ને, ત્યારે પવન પણ એની રૂખ બદલતો હોય છે, યાદ રાખજે....!

***