Adhuri Ichchha - 6 books and stories free download online pdf in Gujarati

અધૂરી ઈચ્છા : અ ઘોસ્ટ સ્ટોરી - 6

અધૂરી ઈચ્છા : અ ઘોસ્ટ સ્ટોરી

ભાગ – ૬

(ગયા ભાગમાં તમે વાંચ્યું, નિતિન ગાડી લઈને વિક્રમના ઘરે જાય છે. ત્યાં વિક્રમ તેની દીકરી, શ્વેતાને રાત્રે આવતા એકના એક સપનાઓ વિશે કહે છે. પત્નીના મૃત્યુથી ડિપ્રેસ થઈ ગયેલા વિક્રમે ક્યારેય એ સ્થળે ન જવાનું નક્કી કર્યું હતું. નિતિન તેને સાંત્વનાભર્યા શબ્દો કહી લાઈફ વિશેની હળવી ફિલોસોફી કહે છે. એ સાંભળીને વિક્રમ તેની પત્નીની અધૂરી ઈચ્છા પૂરી કરવા અકસ્માત સ્થળે તેની દીકરી સાથે મળવા જવાનું નક્કી કરે છે. નિતિન પણ તેમની સાથે જવાની ‘હા’ કહે છે. તે ઘરે તેજલને આખી ઘટના કહે છે. પોતે વિક્રમની સાથે ત્યાં જવાનો છે એની જાણ થતાં જ તેજલ તરત જ તેને ત્યાં જવાની ના પાડી દે છે. નિતિન તેજલને મનાવી લેવા થોડીક રોમેન્ટીક વાતચીતનું અત્તર છાંટી તેને મનાવી લે છે. નિતિન ત્યાંથી ગાડી લઈ વિક્રમના ઘરે જવા નીકળે છે. હવે આગળ...)

વિક્રમના ઘરે પહોંચીને મેં ગાડી ત્યાં પાર્ક કરી. હું ત્યાં પહોંચ્યો ત્યારે દરવાજે એક બ્રાહ્મણભાઈ ખાદીનું સફેદ-પીળું ધોતીયું અને ઝભ્ભો પહેરીને ઊભા હતા. તેમના ખભે લટકાવેલી થેલીમાં વિધિની સામગ્રીઓ મૂકી રહ્યા હતા. નાનકડી શ્વેતા પર્પલ ફ્રોકમાં એકદમ ક્યૂટ દેખાતી હતી. એને જોઈને મેં સ્મિત કર્યું. એ પણ મને દેખી જરાક શરમાતું હસી ગઈ. તેનો હસતો સુંદર ચહેરો જોઈને મને સારું લાગ્યું. ઘરનો દરવાજો લોક કરીને આવતા વિક્રમે મારા સામું જોઈને સ્મિત કર્યું. તેનું સ્મિત જોઈને મને લાગ્યું કે સાંજના દેખેલા તેના ગમગીન ચહેરા પરથી ઉદાસીનતાનું એકાદ પડ કદાચ ખરી પડ્યું હતું.

અમે ચારેય ગાડીમાં બેસી સવા-બારે એ ઘટના સ્થળે પહોંચી ગયા. ગાડી સાઇડમાં ઊભી રાખી અમે ચારેય રોડની સાઇડ પર ઉતર્યા. રોડ પરની લાઇટ્સના પ્રકાશમાં વિક્રમનો ચહેરો એ સ્થળની દુ:ખદ યાદોમાં ડૂબી રહ્યો હોય એવું લાગતું હતું. તેની આંખોમાં ભીનાશ છવાયેલી હતી. રુમાલથી આંખના ખૂણા લૂછી, તેણે શ્વેતાને હાથમાં તેડી લીધી. શ્વેતા તેના બંને હાથ તેના પિતાના ગળે વીંટી દઈ રડતાં અવાજે બોલી, “પપ્પા, મમ્મી મને સપનામાં અહીં જ આવવા બોલાવતી હતી. મમ્મી કેમ દેખાતી નથી પપ્પા...? મારે મળવું છે એને... હું અહીં આવી ગઈ એ કહેવું છે... પપ્પા... ક્યાં છે મમ્મી...? બોલાવોને મમ્મીને... પ્લીઝ...”

શ્વેતાના રડતાં અવાજમાં છલકાતી નિર્દોષતા સાંભળી હું ગળગળો થઈ ગયો. ભીતરમાં લાગણીઓનું ઘમ્મરવલોણું ફરવા લાગ્યું. પત્નીના મૃત્યુ સ્થળે કાળજું કંપાવી મૂકતી લાશનું દ્રશ્ય તાજું થતાં વિક્રમના મનમાં તેની પત્ની સાથેની યાદોનું કેવું ઘમસાણ મચતું હશે એની કલ્પના માત્રથી મારા ગળે ડૂમો બાઝી ગયો.

ખાદીનું ધોતિયું પહેરેલા બ્રાહ્મણભાઈએ આજુબાજુ વાહનો નથી આવતા એ જોઈને રસ્તા વચ્ચે જઈને ઊભા રહ્યા. તાંબાના લોટામાં ભરેલું પવિત્ર ગંગાજળ અને તુલસીના પાનનો અભિષેક કરીને સંસ્કૃતમાં મંત્રોચાર કરવા લાગ્યા.

વિક્રમ રડતી શ્વેતાના પીઠ પર પિતૃવાત્સલ્યભર્યો હેતાળ હાથ પસવારી રહ્યો હતો. શ્વેતાને શાંત કરવા ધીમા અવાજે તેના માસૂમ મનને સમજાવતો હતો. પિતા-પુત્રીના સ્નેહભર્યા બંધનને જોઈ હું લાગણીશીલ બનતો જતો હતો. અચાનક ક્યાંકથી ઠંડા પવનનો સુસવાટો છૂટ્યો... અજીબ પ્રકારની સુવાસ વાતાવરણમાંથી મારા ફેફસામાં રેલાઈ... બ્રાહ્મણભાઈનું ખાદીનું ધોતિયું હવામાં ફરકવા લાગ્યું. બંને રોડ વચ્ચેના ડિવાઇડર પર ઉગાડેલા છોડ આમતેમ વીંઝોળાવા લાગ્યા. ધૂળની ડમરીઓ ઉઠવા લાગી. અમે આશ્ચર્યથી અચાનક બની રહેલી ઘટનાને જોઈ રહ્યા હતા. નિર્મલાના ભટકાતાં આત્માની હાજરી થઈ એનો આ સંકેત જણાઇ રહ્યો હતો. બ્રાહ્મણભાઈએ તેમની વિધિ પતાવી ઉતાવળા પગે પાછા આવીને કહ્યું, “અચાનક સુગંધ સાથેનો પવન આવવો એ તેમની હાજરીનો સંકેત છે...” કહીને માથું હકારમાં હલાવતાં તેમણે વિક્રમને કહ્યું, ”…આ ભાઈની વાત બિલકુલ સાચી હતી... હજુ પણ નિર્મલાબહેનના આત્માને મુક્તિ નથી મળી.” કહીને તેમણે મારા સામે જોયું.

અમે પાંચેક મિનિટ સુધી ત્યાં મોઢા પર રૂમાલ મૂકી ધૂળ ઉડતા વાતાવરણમાં ઊભા રહ્યા. રડતી શ્વેતા ચૂપ થઈ રસ્તા વચ્ચે દેખી રહી હતી. તેણે અચાનક આંગળી ચીંધીને મમ્મી...મમ્મી...ની જોરથી બુમો પાડવા લાગી. વિક્રમના હાથમાંથી છૂટીને તે ત્યાં દોડી જવા ઉછાળકૂદ કરવા લાગી, પણ વિક્રમે તેને એક્સ્પ્રેસ હાઇવે પર ન જવા પકડી રાખી ફોસલાવવા લાગ્યો. શ્વેતા ચીસો પાડી જોર જોરથી રડવા લાગી. અચાનક ધૂંધળા વાતાવરણમાં આછો સફેદ આકાર પ્રગટતો દેખાયો અને તેની સાથે જ... રડતો ઘોઘરો અવાજ વાતાવરણમાં ગુંજી ઉઠ્યો! જે સાંભળી ભયની વિચિત્ર લાગણી ભીતરમાં આળોટવા લાગી. મોટા અવાજે ગર્જતો ઘૂરકતો અવાજ જાણે મારી અંદર કશુંક કંપાવી મુકતું હોય એવું મહેસુસ થવા લાગ્યું. કદાચ તેની અંત:વેદનાનો કકળાટ છેક અમારા ભીતરને વીંધી જતો હતો...

માથા આગળ ઢળેલા ઝીંથરિયા વાળમાં તે રોડ વચ્ચે ઊભેલી દેખાવા લાગી. ધૂળના કણો અમારી આંખોમાં ઘૂસી જતાં હતા, જેથી આંખો ઝીણી કરી દેખવું પડતું હતું. તેના માથા આગળ ઢળેલા વાળની થોડીક જગ્યામાંથી તે એક આંખે વિક્રમ અને શ્વેતાને દેખી રહી હતી. નિર્મલાનો ભટકતો આત્મા જાણે કોપાયમાન થઈ ઉઠ્યો હોય એટલી હદે હાંફતી છાતીએ અને ઘોઘરા અવાજમાં સતત ગર્જતી હતી. એનો ગર્જતો કકળાટ અને રુદન સાંભળીને મારું ભીતર કંપકંપી જતું હતું. ડિવાઇડર પરના ફૂલ-છોડ સખત વીંઝોળાતા જમીનદોસ્ત થવા લાગ્યા. ધૂળની ડમરીઓ વચ્ચે ઉભેલા નિર્મલાના અપારદર્શક દુધિયા દેહને જોઈને શ્વેતા ભડકી ઉઠી હતી! તે વિક્રમના ગળામાં માથું ખોસી દઈ, જોરથી આંખો મીંચી રડવા લાગી... બંને હાથ વિક્રમના ગળે કસ્સીને બાંધી ડરથી તેને ભેટી પડી સતત રડતાં અવાજે ચિલ્લાતી હતી.... “પપ્પા, મમ્મીની મને બીક લાગે છે. એ આવું કેમ કરે છે...? પપ્પા... મમ્મીને બચાવોને...” – વિક્રમ તેની પીઠ પર હાથ પસવારતો તેને શાંત રાખવાના શક્ય પ્રયત્નો કરતો. શ્વેતાને રડતી જોઈને હું તેની નજીક જઇ તેના ખભા પર હાથ મૂકી પસવારવા લાગ્યો. શું કહેવું એ માટે મને શબ્દો નહતા મળતા. વિક્રમે ભીની આંખોમાં ઘૂસી જતી ધૂળથી આંખો મસળતા મોટા અવાજે કહ્યું, “નિર્મલા, તું અમને છોડીને જઇ શકે છે. દુ:ખી થવાનું છોડી દે હવે. તારી અધૂરી ઈચ્છા પૂરી કરવા અમે અહીં આવ્યા છીએ. પ્લીઝ... હવે તું મુક્ત થઈ જા... જે બન્યું એ ભૂલી જા... અમારા હ્રદયમાં તું હંમેશા ધબકતી રહીશ... મુક્ત થઈ જા અહીંથી... તારી જે ઈચ્છા હોય એ કહી દે... તારી બધી ઈચ્છા હું પૂરી કરીશ. વચન આપું છું.”

ધૂળની આંધીના ઉઠેલા ગોટેગોટા ધીરે ધીરે શાંત પડતાં હોય એવું લાગ્યું. તેનું રુદન હળવું થતું હતું. માથા આગળ ઢળેલા વાળ હવાના ઝોકાથી ઉડીને પાછળ ધકેલાઇ ગયા. તેનો સફેદ ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેના રુદનનો ઘોઘરો તીણો અવાજ હજુ પણ વાતાવરણમાં ગુંજતો હતો. તેના ચહેરા પર વેદનાભર્યા ભાવ ઉતરી આવ્યા. અશ્રુબિંદુઓથી ઝળહળતી તેની આંખો ટમટમતાં દીવા જેવી દેખાઇ રહી હતી. શ્વેતાએ ભીની આંખોમાં પડેલી ધૂળ નાનકડા હાથથી મસળીને દૂર કરી, રોડ પર ઉભેલી નિર્મલાના દૂધિયા દેહને તે દેખી રહી હતી. વિક્રમે આદ્ર આંખે તેના કાનમાં કશુંક કહ્યું. પછી શ્વેતાએ રોડ તરફ હાથ લંબાવી રડમસ સ્વરે બોલી... “મમ્મી... તું હવે જઇ શકે છે. હું અને પપ્પા હવે દુ:ખી નહીં થઈએ. આઈ વિલ ઓલવેઝ બી યોર હેપ્પી ગર્લ!”

આખરી વાક્યોની જૂની સ્મૃતિઓ જાણે તાજી થઈ ઉઠી હોય એવા ભાવ નિર્મલાના ચહેરા પર દેખાયા. ધગધગતા અંગારા પર પાણી પડતાં જેમ ઠરીને હોલવાઈ જાય એમ તેની અંત:વેદનાનો કકળાટ અને રુદન શ્વેતાના શબ્દો સાંભળી મંદ પડી રહ્યું હતું. શ્વેતાનો લંબાયેલો હાથ જોઈને તેનો હાથ પણ હવામાં ઊંચકાયો અને.... એક આછું સ્મિત તેના ચહેરા પર ફરક્યું ને તરત જ તેનું અપારદર્શક દૂધિયું શરીર વાદળની જેમ હવામાં વિખેરાઈ અદ્રશ્ય થઈ ગયું.

વાતાવરણમાં તોળાયેલો ભાર ઉતરી ચૂક્યો હતો. વાતાવરણ બિલકુલ શાંત પડી ગયું હતું. બ્રાહ્મણભાઈના ભાવવિભોર ચહેરા પર સુખદ સ્મિત લહેરાતું હતું. વિક્રમની આંખોમાં આંસુની ધારા સતત વહ્યે જતી હતી. શ્વેતા વિક્રમના ગળે બંને હાથ ભેરવી ભેટી પડી હતી.

અમે ચારેય ત્યાંથી નીકળી ગાડીમાં બેઠા. વિક્રમે ભીંજાયેલી આંખોના ખૂણા લૂછીને મને ગાડી ડ્રાઈવ કરી લેવા આપી. નાનકડી શ્વેતા બાજુમાં બેઠેલા વિક્રમના ખોળામાં બેસી, તેની છાતી પર માથું ઢાળી બંને હાથ તેની ફરતે લપેટી થાકીને નિંદ્રાધીન થઈ ગઈ હતી. અમારા ત્રણેયમાંથી કોઈએ ખાસ કશી વાતચીત ન કરી. કદાચ ત્રણેયના હૈયામાં હળવો વિષાદ ભાવ સતત ઘૂંટાતો હતો.

વિક્રમના ઘરે પહોંચી અમે છૂટા પડતાં હતા ત્યારે વિક્રમે મારા ખભા પર હાથ મૂકી, દબાયેલા હોઠે સ્મિત કરી મદદ માટે ધન્યવાદ કહ્યું. ઘરે યજ્ઞની વિધિમાં સહપરિવાર આવવા તેણે ખાસ આગ્રહપૂર્વક કહ્યું. મેં સ્મિત કરી હકારમાં માથું હલાવ્યું. વિક્રમના ખભા પર માથું મૂકી ઊંઘી ગયેલી શ્વેતાના માથા પર વહાલભર્યો હાથ ફેરવી હું ત્યાંથી નીકળ્યો.

ઘરે જતાં મેં તેજલને ફોન કરી, ઘરે આવું છું એમ કહી દીધું, જેથી ચિંતામાં ઊંચોનીચો થતો એનો જીવ શાંત પડે. રાત્રે લગભગ સવા ત્રણે હું ઘરે પહોંચ્યો. નાહીંને ફ્રેશ થઈ આખી વાત તેજલને બેડમાં સૂતા સૂતા કહી.

બીજે દિવસે અમે બંને વિક્રમને ત્યાં યજ્ઞમાં ગયા. નાનકડી પરી જેવી ક્યૂટ શ્વેતાને જોઈ તેજલનું હૈયું વહાલથી ભરાઈ આવ્યું. એ દિવસે વિક્રમ ખુશ દેખાતો હતો. તેના ભીતરમાં ગંઠાઈ ગયેલી વેદનાનું દુ:ખ પીગળીને છૂટું પડી ગયું હોય એવું લાગ્યું. પિતા-પુત્રી, બંનેના ચહેરા પર બાઝેલી ગમગીની અને ઉદાસીનતાના વાદળો વિખેરાઈ ગયા હતા. તેમને ભીતરમાં બાળતું દુ:ખ હળવું કરવા તથા અધૂરી ઈચ્છામાં ભરાયેલો એક જીવ મુક્ત કરવા હું કારણરૂપ બન્યો એની ખુશી અનભવું છું. નિર્મલાના પ્રેતે બે અજાણ્યા પરિવાર વચ્ચે લાગણીનો અનોખો સેતુ બાંધી પ્રેતયોનિમાંથી મુક્ત થઈ ગઈ હતી. એક નવા જન્મ માટે...

***

THE END

લેખક – પાર્થ ટોરોનીલ

આ સ્ટોરી વિશેના તમારા પ્રતિભાવો 99136 91861 WhatsApp નંબર પર પણ આપી શકો છો.