Notebook books and stories free download online pdf in Gujarati

નોટબુક

નોટબુક

ઉનાળાનાં રવિવારની વહેલી સવારની આ વાત છે. મોટાભાગના લોકોની જેમ મને પણ સવારે ઉઠીને સૌથી પહેલા છાપું વાંચવાની ટેવ. ઉઠીને ઘરનો મેઈન દરવાજો ખોલ્યો. છાપું લેવા નીચે નમતાની સાથે હાથમાં છાપાના બદલે કોઈ સ્કૂલવિદ્યાર્થીની નોટબુક આવી. રોજ આ સમયે અને આજ રીતે આંગળીઓને છાપાને સ્પર્શવાની ટેવ હોવાથી એવું ન થતા આંગળીઓએ મગજને સંદેશો મોકલતા મારે મારી આંખ થોડી વધારે ખોલવી પડી. નવાઈ લાગતાંની સાથે બુક જોઈ તો ખબર પડીકે એ ગણિતની ખુબ જૂની બુક હતી લગભગ દસ-પંદર વર્ષ જૂની. દિલને કશુક જુનું અને જાણીતું લાગ્યું ખરું પણ એ વાતનો અહેસાસ હજુ મારા મનને નહોતો થયો.

કોઇપણ બુકના પ્રથમ પાને જે તે વિદ્યાર્થીનું નામ, ધોરણ અને વિષય જેવી વિગતો લખેલી હોય માટે સૌથી પહેલા મેં પ્રથમ પાનું જોયું પણ એ પાનું હમણાજ કોઈએ જાણી જોઇને ફાડેલું હોય એવું મને લાગ્યું, માટે હું બુકના બીજા બધા પાના ફેરવતો ગયો એ જાણવા કે આ બુક છે કોની. પાના ફેરવતા ફેરવતા નોટબુકના ઘણા બધા પાને એવું કશુક ને કશુક હતું જેના પરથી મને ખબર પડી ગઈ કે એ બૂક કોની અને કયા ધોરણની હતી. પછી તો જેમ જેમ પાના ફેરવતો ગયો તેમ તેમ સ્કૂલની એ બધી જૂની યાદો તાજા થતી ગઈ, ખાસ કરીને આ બુક વિશેની અને આ બુક જેની છે એની, ‘જેની’ ની.

દરેક ક્લાસમાં બેન્ચીસ ત્રણ એકસરખા ભાગમાં ગોઠવાયેલી હોય જેમાં જેની પ્રથમ નંબરની લાઈનમાં પ્રથમ બેન્ચ પર જ બેસતી અને હું ૩ નંબરની લાઈનમાં છેલ્લી બેન્ચ પર, જ્યાંથી જેની સીધ્ધે-સીધી દેખાતી. એને જોવામાં એક બે માથા વચ્ચે નડતા પણ હું મારું માથું આમતેમ એડજસ્ટ કરી એને જોઈ લેતો.

જેમ જેમ નોટબુકના પાના ફેરવતો હતો તેમ તેમ એવું લાગતું હતું કે હું કોઈ ટાઈમમશીનમાં બેસીને પંદર વર્ષ પહેલાના સમયમાં પહોંચી ગયો હઉ. હું મારા સ્કુલના એજ ક્લાસરૂમમાં, ફરીથી એ જ બેન્ચ પર બેસીને અને મારું માથું એડજસ્ટ કરીને જેનીને જોવાનો પ્રયત્ન કરતો હઉ. હજુ પણ એના કાળા વાળ જેમાં એ સારું એવું તેલ નાખીને અને ચોટલો બાંધીને આવતી, એનો નાજુક, નમણો અને સફેદ ચહેરો હજુ પણ એટલોજ યાદ છે કે જો એને કાગળ પર દોરવા બેસું તો આબેહૂબ એનો ચહેરો બનાવી શકું. પાછલી પાટલીએ બેસવાનો એક ફાયદો હતો કે હું એને જોઉં તો એને ખબર નહોતી પડતી કે હું એને જોઈ રહ્યો છું, પણ એક ઘેરફાયદો એ પણ હતો કે મને એના સુંદર ચહેરા કરતા ખુબ સરસ રીતે બાંધેલો તેલ વાળો જાડો ચોટલો વધારે જોવા મળતો, ક્યારેક ક્યારેક મારું નસીબ સારું હોય તો મને જેકપોટ પણ લાગી જતો કેમકે જયારે જેની બ્લેકબોર્ડ તરફ વધારે વળીને બેઠી હોય, ત્યારે એનો સાઈડ ફેસ જોવા મળી જતો. મારું ધ્યાન ક્લાસના ટીચર કરતા જેની પર વધારે રહેતું. આ વાતનો ખ્યાલ મારા મિત્રોને આવી ગયો હતો, માટે ઘણીવાર મારી, જેની સાથે મશ્કરી પણ કરતા. ઘણીવાર તો એવું થતું કે હું જેનીને જોતો હઉ અને એનું ધ્યાન એકદમ મારા પર જતું, પછી તો જેનીને પણ ખ્યાલ આવી ગયો હતો કે મારું ધ્યાન બ્લેકબોર્ડ કરતા વધારે એની તરફ હોય છે.

એવું થતા મેં એ બાજુ જોવાનું થોડા સમય માટે ઓછું કરી નાખેલું એજ વિચારીને કે એને નહિ ગમતું હોય, પણ સમય જતા તો એવું થતું કે જેમ હું એને જોતા પકડાઈ જતો એમ મેં પણ એને ઘણીવાર મને જોતા પકડેલી. આવું થતા શરૂઆતમાં તો અમે થોડાક શરમાઈને નીચે જોઇને નોટબુકમાં કશુક લખવાનું નાટક કરવા લાગતા અથવા બ્લેકબોર્ડ તરફ જોઈ લેતા. પછીતો આવું ઘણીવાર થતા અમે એકબીજાને સ્માઈલ આપવા લાગ્યા હતા. એ આનંદ અને સમય કશુક અલગ જ હતો. એ પ્રેમ હતું કે શું હતું એ આજ દિન સુધી ખબર નથી પણ એ સમય અને જેની સાથેની એ દોસ્તી ખાસ તો હતીજ. ઘણીવાર તો અમારા ગણિતના સર મને સવાલ પૂછતાં હોય અને હું જેનીને જોતો હઉ, જેથી સર કલાસ વચ્ચે મારો કલાસ લઇ લે, આખો ક્લાસ મારા ઉપર હસે અને મને ક્લાસની બહાર કાઢી મુકતા. ગણિતનો કલાસ પૂરો થતાની સાથે અમારે રીસેશ પડતી. આખા ક્લાસની સાથે જેની એની ફ્રેન્ડ્સ સાથે બહાર આવીતી. બધાની જેમ મારી સામે હસીને જતી રહેતી. બીજાબધાને તો મારવાનું મન થતું પણ જેનીનું મારી સામે જોઇને ધીમેથી હસવાનું મને ગમતું. જેની ભણવામાં ખુબ હોશિયાર હોવાથી કલાસની બહાર નીકળવાનો કે બહાર ઉભા રહેવાનો એનો વારો ક્યારેય આવતો નહિ.

બસ, એ સમય પછી અમે એકબીજાની નોટબુક એક્સચેન્જ કરવાની શરુ કરેલી. ખાસ કરીને મારે એની નોટબુક લેવાની વધારે જરૂર પડતી કારણકે એને જોવામાં ને જોવામાં મારે કલાસની બહાર ઉભા રહેવાનું વધારે આવતું.

આજે પન્દર વર્ષ પછી આ નોટ મારા ઘરની બહાર કોણ અને કેવી રીતે મૂકી ગયું એ વિચારવાના બદલે હું મારા સ્કુલના એ દિવસો યાદ કરી કરીને એજ સમયમાં ખોવાઈ ગયો હતો. એ નોટ લઈને હું બહાર હીંચકે જ બેસી ગયો. નતાશા જોડે બહાર ચા મંગાવી. નતાશા મને ચા આપીને મારી બાજુમાં બેસીને ન્યૂઝ પેપર વાંચવા લાગી. હું ચા પીવાને બદલે ફરીથી એ નોટના પન્ના ફેરવવા લાગ્યો. જેની અને મેં એ નોટબુકમાં કરેલા બાકીનાં સિક્રેટ સાઈન્સ શોધવા લાગ્યો, આમ કરતા જોઈ નતાશાએ મને પૂછ્યું, “આ સવાર સવારમાં કોની સ્કૂલની નોટબુક મળી ગઈ ?”.

મેં એને બધી વાત કરી, એ થીડીક જેલસ થઇ. એ જેલસી થોડી વધારવા મેં એને આગળ વાત કરતા કહ્યું કે અમે આમ અમારી નોટબુકમાં અલગ-અલગ સિક્રેટ સાંઈન્સ કરતા અને રીસેશના સમયમાં એ સાઈન્સ દ્વારા એક્બીજાને શું કહેવા માંગતા હતા એ સમજાવતા અને ખુબ હસતા.

આ બધી વાત કરતા કરતા જે સરળ પ્રશ્ન મને ન થયો એ નતાશાએ મને પૂછ્યો કે, “પણ આ બુક કોની છે અને અહીંયા આવી ક્યાંથી ?”. હું પણ એ જૂની યાદોમાંથી બહાર આવીને એજ વિચારવા લાગ્યો. હું ફરીથી સવારથી બધી ઘટના યાદ કરવા લાગ્યો પણ જ્યારે દરવાજો ખોલીને મેં બુક હાથમાં લીધી હતી ત્યારે તો આજુ-બાજુ કોઈ ન હતું, એટલે મેં સામેવાળા રમેશભાઈ અને વહેલી સવારે ગાડી સાફ કરવા આવનાર જ્યંતિને પૂછ્યું પણ રમેશભાઈએ કીધું કે સવારે જ્યારે હું ૬ વાગ્યે ચાલવા ગયો ત્યારે તો કોઈ નહોતું અને જ્યંતીએ કીધું કે ૭ વાગ્યાની આસપાસ જ્યારે ગાડી સાફ કરવા આવ્યો ત્યારે મેં ફક્ત રાજુ છાપાવાળાને છાપા નાખતા જોયો હતો. સોસાયટીના ચોકીદારને પૂછ્યું તો એને પણ કોઈ અજાણી વ્યક્તિને સોસાયટીમાં આવતી નહોતી જોઈ. હવે આ વિષે કઈક માહિતી જાણવા મળે તો એ ફક્ત રાજુ છાપાવાળો હતો. તરતજ મેં રાજુને ફોન કરીને ઘરે બોલાયો. પહેલાતો એ આ નોટ વિષે કઈ ન બોલ્યો પણ વધારે પ્રશ્નો કરતા એ ઘભરાઈને બધું કેહવા લાગ્યો.

એને કીધું કે સાહેબ જેની કરીને કોઈ બહેન હતા જેમને મને આ નોટ તમારા ઘરની બહાર મુકવા કીધું હતું. મેં ના પાડતા એમને મને એક ગુલાબી નોટ આપતા, હું ફરીથી ના ન પડી શક્યો. રાજુ પાસે જેની વિષે આનાથી વધારે કઈ માહિતી ન હતી, જેમકે એનો કોન્ટેક્ટ નંબર, ઘરનું એડ્રેસ વિગેરે..વિગેરે..માટે એની જોડે વધારે મગજમારી કરવાનો કોઈ મતલબ ન હતો.

મારા માટે પણ જેનીનો કોન્ટેક્ટ કરવો પોસિબલ નહોતો કારણકે મેં પણ એનો કોન્ટેક્ટ કરવા આ નોટબુકની ઘટના પહેલાના પંદર વર્ષોમાં ઘણીવાર સ્કૂલના મિત્રોને પૂછેલું પણ કોઈને એના વિષે કોઈજ જાણકારી નહોતી, ફેસબુક પર પણ મેં ૨-૩ વાર ચેક કરેલું પણ એ ફેસબુક પર પણ નહોતી. અફસોસ હમેશા એ રહેશે કે એને મને અમારી એ મીઠી મિત્રતા યાદ કરાવવા મને શોધીને, મારા ઘર સુધી પહોચી ગઈ પણ હું એને પહેલા શોધી ન શક્યો. આ બાબતમાં પણ એ સ્કુલની જેમ પ્રથમજ રહી.

જેનીની શોધ મેં હજુ પૂરી નથી કરી, એને શોધવાના, એને મળવાના અને આટલા વર્ષો પછી આ નોટબુક મારા સુધી પહોચાડવાનાં પ્રશ્નનો જવાબ એની પાસેથી જાણવાના મારા પ્રયત્નો હજુપણ ચાલુ રહેશે. અને જયારે મળશે ત્યારે હું એને એ યાદો ફરીથી તાજી કરાવવા મારી ‘નોટબુક’ પણ જરૂર આપીશ.

સુકેતુ કોઠારી

( એન્જીનીઅર ફોર રાઈટીંગ સ્ટોરીસ )