Laghu kathao books and stories free download online pdf in Gujarati

લધુ કથાઓ

લધુ વાર્તા સંગ્રહ

પ્રફુલ્લ આર શાહ

1 - રિનોવેશન

" ચાલો શેઠ.."

" ક્યાં?"

" ચાલો તો ખરાં.."

" ચાલ, તું કહે છે તો.."

મિસ્ત્રી ખુશ હતો. મારા ઘરનું ફર્નીચર એને બનાવ્યું હતું.હું જે ખૂરશી પર બેઠો હતો તે સુંદર, મુલાયમ અને નાજુક હતી.નિવૃત્તિ નજીક હતી.ગામનું મકાન રિનોવેશન કર્યું હતું.જેથી રજાઓ માં આવી રહી શકાય. ગામની સિકલ બદલાઈ ગઈ હતી.સંભારણા વાગોળતાં અમે આવી પહોંચ્યા નદી કિનારે.

" શેઠ, લાકડા અહીંના છે."

"અહીંનાં?" અયાનસ શબ્દો બળતરા સાથે ધસી આવ્યાં.મિસ્ત્રી મારો ઉદાસ ચહેરો જોઈ રહ્યો. હું મિસ્ત્રીને. અમારા વચ્ચે જે ખાલીપો હતો ત્યાં ચણાઈ ગયો ભૂતકાળ.

જ્યાં શૈશવ મારું નાચ્યું 'તું વસંત થઈને, આ વૃક્ષે વૃક્ષે ઝૂલ્યો હતો પારેવાની પાંખો લઇને અને પોઢ્યો 'તો શમણાં આઢીને..

અને આજ આ જ વૃક્ષો મારા ઘરે આ દશાએ! કડવી પીડા પી મેં કહ્યું " ચાલો ઘર પાછા.."

***

2 - ડાઘ

તેનાં શરીર પર લટકે છે કરચલીનો ઝૂમખો. ચારે બાજુ નો ધુ્માડો વમળની જેમ ગોળ ગોળ કુંડાળુ્ં બનાવી ધીરે ધીરે નાના બાકોરામાંથી નીકળવા તનતોડ પ્રયત્ન કરી રહ્યો છે. ઉધરસ ખાતી જાય, પાંસળીઓ દેખાતી જાય, ધુમાડાનાં ગોટેગોટામાં બળતી લાલધૂમ થયેલી આંખોને સાડલાની કોરેથી લૂછી શેકાયેલો રોટલો હાથમાં લઈ જોઈ રહી છે કુતૂહલતાથી! શોધી રહી છે ક્યાંય ડાધ તો નથી પડ્યો ને!

***

3 - ઇંતજાર

મને ના ગમે ઘરકામ કરનાર વ્યક્તિ સમયસર ના આવે તો.સતત રાહ જોવાની આદત પડી ગઈ છે.આવે એટલે ચહેરા પર વસંત ફરી વળે.અને સૂર્યાસ્ત થતાં રાહ જોયાં કરું મારા હસબન્ડની.જેવાં ઘરમાં પ્રવેશે કે મારો આખા દિવસનો ગુસ્સો ઢોળી દઉં છું તેમની બાહુપાશમાં...

***

4 - કાગળનાં ટુકડા

તે બે સોયા વડે શ્વેટર ગૂંથી રહી હતી.ખોળામાંનો ઊનનો દડો જરા જરા વારે બંધ પડતા હ્રદયની જેમ જરા ઉછળી સ્થિર થઇ જતો હતો.તે આવ્યો શાંત પગલે.તેની સામે ઊભો રહ્યો

. ના કોઈ પ્રતિક્રિયા.બંન્ને વચ્ચે ખામોશીની દીવાલ.એક લાંબો શ્વાસ રોકીને કહ્યું કે સહી કર આ ફારગતીનાં કાગળ પર.તે ઊભી થઈ એક ધ્રૂજારી સાથે.હાથમાંથી બે સોયા, ગૂંથણી અને ખોળામાંથી ઊનનો દડો નીચે પડ્યો.ટેબલ પર પડેલા કાગળ પર સહી કરી. નીચે પડેલા બે સોયા,ગૂંથણી અને ઊનના દડાને જોઈ રહી.તે નીચો નમ્યો.પડેલી ચીજો તેણીનાં હાથમાં આપી પાછા પગલે પાછો ફર્યો.પેલાં કાગળના ટુકડા કરીને.

***

5 - દર્શન

શાંતિ ભાઈ મંદિરનું પગથિયું ચડી રહ્યાં હતાં ત્યાં દ્રારપાલે કહ્યું, “ કાકા, દર્શન થઈ ગયાં.તમે રોજ મોડાં પડો છો. મુખ્યાજીએ તમારી રાહ પણ જોઈ પણ..”

“ હા,ભાઈ સૌને પોતાનો સમય સાચવવાનો હોય છે.જેવી પ્રભુની ઈચ્છા.”

“ પણ તમે એવા શા કામમાં ખોવાઈ જાવ છો કે રોજ જરા ક માટે દર્શન ચૂકી જાવ છો?”

શાંતિભાઈ શાંતિથી દ્રારપાલને જોઈ રહ્યાં.એની શંકાનું સમાધાન કરતાં કહ્યું “ ભાઈ,અહીં આવતાં વચ્ચે નાની ફૂલ વાડી આવે છે.સૌ પ્રભુ માટે ફૂલો ચૂંટે છે.ડાળખી સાથે કંટક અહીંતહીં નાખી દે છે.નાની કેડી પર વેરાયેલા કાંટા વીણતા વીણતા જ સમય સરકી જાય છે.અને .. જેવી ઈશ્વરેચ્છા.”

“ વાહ! તમે તો જનસેવા કરો છો! અને આ તમારા આંગળીનાં ટેરવાં તો જુઓ....”

“ ભાઈ, કાંટા વીણતા ડંખ તો લાગે ને! રેશમી રૂમાલ હોય કે હાથ કંટક સ્વભાવ થોડો છોડે!” કહી પાછા વળ્યાં. આવું તો રોજ બને.દ્રારપાલને શાંતિભાઈસમજાય નહીં. એક દિવસ એવું બન્યું કે મંદિરે દર્શનાર્થી ના દેખાયા. દ્રારપાલ મૂંઝાયો. હાથમાં ભેગી થતી દક્ષિણા દેખાણી નહીં.ઊડતી ઊડતી વાત આવી કે યમદૂતો શાંતિભાઈને પ્રભુ દર્શને લઈ ગયાં.પરિણામે કેડી પર પથરાયેલા કાંટાનાં ડંખથી સૌ કોઈનાં પગ ઈજાગ્રસ્ત થઈ ગયાં છે અને એ કેડી ચાલવા લાયક રહી નથી.

***

6 - સૂકું વૃક્ષ

તે જોઈ રહી ખાલીખમ ઘરને.એક પછી એક સૌ નીકળતાં ગયા એને બાથમાં સમાવીને આશ્વાસનનું હૂંફાળું ઓઢણું ઓઢાળીને.એની આંખોમાં આંસુઓનું રણ.આંખો સૂકી હતી. આંગણામાં ઊભેલાં સૂકાં વૃક્ષની જેમ. તે જોઈ રહી તે વૃક્ષને. મૂળથી થડ, થડથી આભ તરફ તાકતી ડાળીઓ બધા એક જ રંગમાં.અને આ ઉદાસી રંગમાં તેનો થયો વધારો.

આ સૂકી ડાળીએ પર્ણો હોય લીલાં લીલાં એટલે વૃક્ષ શોભી ઊઠે વૈભવથી.આ વૈભવ માં વધારો કરે રંગીન ફૂલો, પક્ષીઓનો કલરવ,ભ્રમરોનાં ગૂંજન અને મીઠી મધમધતી સુવાસ ચારેબાજુ વેરતો જાય નાના બાળક જેવો શરારતી પવન.આવું જ રંગીન જીવન તે જોઈ રહી આંગણામાંનાં પગથિયે બેસીને!

કલાકોનાં કલાક દર્પણ પાસે ઊભી ઊભી પોતેનો શૃંગાર કર્યાં કરતી. ધીમેથી એને બાહુપાશમાં જકડી મીઠું મધુરુ ફિલ્મી ગીત લલકારતો સાજન અને પથરાઈ જતો વસંતોલ્લાસ! પણ હવે તો ભૂંસાઈ ગયો છે લલાટ પરનો સૌભાગ્ય ચાંદલો.છવાઈ ગઈ છે એનાં જીવનમાં, ઘરમાં પાનખર.જોયા કરે છે આંગણામાંનું સૂકાઈ ગયેલું સૂકું વૃક્ષ. શું આ વૃક્ષ સૂકું જ રહેશે? એક પ્રશ્ન તેનાં મનમાં પ્રજ્વલિત થાય છે અને શમણાં ને યાદ કરતી વળગી પડે છે વૃક્ષને!

***

7 - ભૂખ

" આવો તારો પતિ છે કે?" ચંચીબેન પાડોશણે વાતવાતમાં પૂછ્યું.

" કેમ?"

" કેટલો તને ત્રાસ આપે છે. ફાવે તેમ બોલે અને તું સાંભળી લે?"

" શું કરું બુન.. જરા નશો ફૂટે એટલે જરા.."

" પણ કંઈ મર્યાદા તો હોવી જોઈએ. તારી જગા હું હોઉં તો ફારગતી આલી દઉં.."

" પછી શુ?" વેધક નજરે પૂછ્યું.

" આવી નરક સમી જિંદગીથી મારા બઈ મુક્તિ તો મળે.."

" બુન,બધીય વાત સાચી.પણ આપણ સ્રીની જાત.બે ટંક રોટલો ના મળે તો ચાલે પણ મગરમચ્છની દુનિયામાં પતિ પ્રેમનો ઓટલો મળે તે પણ મારે મન ઘણું છે. ગમેતેમ બોલે પણ;.. પ્રેમ પણ મને એટલો જ કરે છે.હું તો પ્રેમ ભૂખી છું બુન" કહેતા તે ઊભી થઈ ગઈ.

***

8 - ઉકેલ

સોને ચિંતા હતી. મારું ઓશીકું ને પથારી ક્યાં રાખવી. વળી હું કોઈ ને નડવો પણ ના જોઈએ. શરીર પણ પાછું મારું રોગિષ્ટ. સૌની નજર ત્યાં જાય ને અટકી જાય. હું કળી ગયો તેમના મનની વાત. " પેલો ખૂણો છે ને તે ચાલશે મને." જાણતાં હોવા છતાં મને પૂછ્યું," ક્યો ખૂણો બાપુજી?" મેં સહજતાથી બતાવી ને કહ્યું, " પેલો .. જે ટોયલેટની બાજુમાં છે "

સૌના ચહેરા પર થી ચિંતા ની રેખા ખરી પડી .ગંધ મારતાં ખૂણે ફીનાઈલનુ પોતું ફરી વળ્યું અને વરસો બાદ મને સમયસર ગરમાગરમ રસોઈ પીરસવામાં આવી.બે બુન્દ આંસુ નાં ભળી ગયાં પીરસેલાં રોટલા માં!

***

9 - વ્યસ્તતા

નટુ ઊભો થયો સ્પ્રિંગની જેમ. નથી ખાવું જાવ એમ કહીને. ફૂટબોલને કીક મારે એમ ઘરને કીક મારી ઊતરી પડ્યો ને આવી ચડ્યો રસ્તે.ઘરનાં પગથિયાં ચાર પણ આજે હાંફી રહ્યો હતો ઊતરતાં. આંખે અંધારાં ભમરડાની જેમ ગોળ ગોળ ભમી રહ્યાં હતાં. ક્યાં જવું એ સમજાય એ પહેલાં સામે ઊભેલું વૃક્ષ દેખાયું. ઘડામ કરતો બેઠો પલોઠી વાળીને. સામે ઘર દેખાતું હતું. ઘર જોઈને ગુસ્સો આવ્યો. નજર ઉપર કરી.પારેવાઓ કલરવ કરતાં કરતાં પકડાપકડીની રમત રમી રહ્યા હતાં. અચાનક પગ પર ચીંટીયો ભરાયો. આંગળીએ જરા થૂંક લઈ ત્યાં ઘસવા લાગ્યો. એ જ્યાં બેઠો હતો ત્યાં કીડીઓનો ઈજારો હતો. ફરી નજર ઘર તરફ ગઈ. સૌ પોતપોતાના કામમાં વ્યસ્ત હતાં. ઘર ડંખતું હતું.તે ઊભો થયો.વહેતી નદી જોઈ રહ્યો. દોડી રહી હતી ઝપાટાભેર. સવારનો સૂરજ માથા પર હતો.લાંબો પડછાયો અદ્રશ્ય થવાની તૈયારીમાં હતો. પેટમાં ઉંદરડા બોલી રહ્યા હતાં..થાકીને ઊભો થયો. હળવા પગલે ઘરમાં પ્રવેશ્યો. ના કોઈ હલચલ.બધું રાબેતામુજબ ચાલતું હતું. આવો. માએ કહ્યું. આખરે ધર યાદ આવ્યું? થાળી ઢાંકી છે.પ્રેમથી જમી લે. ભગવાને આપ્યું છે તો ભોગવતા શીખો.લોકોને તો એ પણ નશીબ નથી કહી મા કામે લાગી ગઈ. નટુભાઈ એક હોડકાર સાથે ઊભા થઈ પોતાના કામમાં પરોવાઈ ગયાં...

***

10 - દૂર શું.... પાસ શું

ઓફિસ જવા નીકળ્યો. આજે નવી ઓફિસમાં જવાનું છે.થોડી દૂર કરી. નવી ઓફિસ જરા લાંબી તો ખરી કેમ? વારંવાર પૂછાતો આ પ્રશ્ન મારો જીવ ખાઈ ગયો અને મારી ઓફિસનું અંતર મેં લાંબુ કરી નાખ્યું.

ટેક્ષી કે બસમાં જવાનો વિચાર કર્યો.પણ મળે તો ને! ઘડિયાળ જોઈ. સેકંડ કાંટો દોડી રહ્યો હતો સડસડાટ! મોડું થશે તો? આખરે પગ હલાવ્યાં

એક, બે ત્રણ અને પગમાં ગતિ પરોવાઈ ગઈ..ઓફિસ પહોચ્યો રોજનાં કરતાં વહેલો...!

***

11 - ડાઘ

મારો હાથ રુમાલ ક્યારે પણ ચોખ્ખો ન હોય. ડાઘ તો હોય જ. આ કારણે મારે મેણાં સાંભળવા પડે પત્નીનાં. રુમાલને ડાઘા કેમ પડી જાય છે.અચાનક લગ્ન પ્રસંગે અમારે બહારગામ જવાનું થયું.એક પણ રુમાલ સફેદ દૂધ જેવો ચોખ્ખો ન હતો. કચવાતા મને ડાઘ વાળ રુમાલ મારે લેવા પડ્યાં.

પ્રસંગ પત્યા પછી અમે ઘરે પાછાં ફર્યાં.દરેકના રુમાલ બદલાઈ ગયાં હતાં તેમજ ખોવાઈ ગયાં હતાં.હું ખુશ હતો. મારો એક પણ રુમાલ ખોવાયો ન હતો.

***

12 - બહોત અચ્છે

જેનાથી આપણે દુર રહેવા વિચારીએ તે જ આપણને ક્યાં ને ક્યાં ભટકાઈ જાય છે. નંદુ અને મારા વચ્ચે કારણ વગર ગરમાગરમી થઈ ગઈ અને ન સમજાય તેવી દૂરી રચાઈ ગઈ. અમે બંને ગાયક અને મિત્ર પણ ખરાં.. એટલે મીડિયામાં છવાઈ જતાં. હું ગાયક ઉપરાંત સંગીતકાર પણ હતો. ફેસબુક પર મારા સંગીતને તેઓ લાઈક કરતાં.. રુબરુ મળવાનું ઓછું થતું ગયું. સામસામે થઈ જતાં પણ આંખો ચોરાવતા. પણ મારી ગાયકી સાંભળી લાઈક કરતાં.

એક પ્રોગ્રામમાં એક ટેબલ પર અમારે સામસામે બેસવું

પડ્યું કમને. આખરે મારો વારો આવ્યો. રજૂઆત પૂરી કરતાં જ હોલ તાળીઓથી ગૂંજી ઊઠ્યો.સૌની શાબાશી ઝીલતો ઝીલતો હું મારી બેઠક પર ઊભો રહ્યો.હું જોઈ રહ્યો તેમને. તેઓ તાળીઓ વગાડતાં હતાં અને ધીમેથી બોલ્યાં " બહોત અચ્છે..બહોત અચ્છે.."

પોગ્રામ પૂરો થયો .સૌ સાથે અમે પણ ઊઠ્યા.

'એક મિનિટ સાહેબ'

તેઓ ચોંક્યા.તેમને મારી સામે જોયું. હું તેમને સાહેબ કહીને બોલાવતો.તેમની નજીક જઈ ધીમેથી પૂછયું," સાહેબ આપણી વચ્ચે અબોલા છે.છતાં મને લાઈક કરો છો.આજે પણ તમે ખુશ છો.આવું કેમ"

તેમને મારા ખભે હાથ મૂકીને કહ્યું," અબોલા આપણી વચ્ચે છે.પણ તારા સર્જન સાથે નહીં. તારી રચના મને ગમે તો લાઈક કરું છું. દુશ્મની કે ગેરસમજ કદાચ આપણા વચ્ચે હશે તારા સર્જન પર નહીં'

કહી તે નીકળી ગયાં ....

***

13 - વુમન્સ ડે

લક્ષ્મી બહેન ખુશ છે.પતિ સાહિત્યકાર તરીકે પંકાય છે નાનકડા શહેરમાં. પતિને લીધે પોતાનો પણ વટ પડે છે. વુમન્સડે નિમિત્તે શાળામાં ગયા છે બે શબ્દો બોલવા.ગયા છે નહીં પણ આમંત્રણ મળ્યું છે. લક્ષ્મી બહેન ઝૂલી રહ્યાં છે હીંચકા પર બેઠાં બેઠાં. પુત્રીની વાતો સાંભળી રહ્યાં છે. પતિની પ્રશંશા સુણી શેર શેર લોહી ચઢી રહ્યું છે. મા બેટીની વાતો ખૂટે તો ને!

" અરે લક્ષ્મી થાળી પિરસ..ભૂખ લાગી છે .-" કહેતાં નીરવે લક્ષ્મી સામે જોયું.

"રસોઈ તો બનાવી નથી-" લક્ષ્મીએ ઊભાં થતાં કહ્યું.

"રસોઈ નથી બનાવી? કેટલાં વાગ્યાં? કંઈ ભાન છે કે? "

નીરવે ગુસ્સામાં કહ્યું.અંદરથી દીકરી દોડી આવી.પપ્પાનો ગુસ્સો જોઈ કહ્યું " પપ્પા, કુલ પ્લીઝ."

" શું કુલ પ્લીઝ? રસોઈ કરતા જોર આવે છે?"

" પપ્પા પ્લીઝ માઈન્ડ યોર લેંગ્વેજ.. તમે જ શાળામાં વુમન્સડે પર ભાષણ આપ્યુ હતુ ભૂલી ગયા! રીયલી આ તો હાથીના દાંત છે.. બધા પુરુષો સરખા..." કહી તે જતી રહી.

***

લઘુવાર્તા

હું એટલે નાથાભાઈ.સૌ મને નાથાભાઇ કહે.મિત્રો મજાકમશ્કરીમાં નાણાંભાઈ કહે.હું સહી લેતો.દર્પણમાં જોઈ, મારા રુપને પ્રભાવશાળી બનાવતો.ઘાટકોપર પાસે આવેલી કોલેજનો રહી રહીને ટ્રસ્ટી પણ બન્યો. પૈસાનાં પ્રતાપે સમાજમાં માનસન્માન મળવા લાગ્યું.મારું કહ્યું સૌએ માનવું જોઈએ એવો કેફ પણ ચઢવા લાગ્યો.

ડોર બેલ વાગ્યો.મેં સૂચના આપી , "આવનારને બેસાડો.હું તૈયાર થઈને આવું છું."

ચહેરા પર નમ્રતાનાં લપેડા કરી આવનાર વ્યક્તિનું સ્વાગત કર્યું.તેઓ ના ના કરતાં ગયા પણ મેં ચા પાણી પ્રેમથી પીવરાવ્યા.મારો સ્વાર્થ પણ હતો.સ્હેજે ત્રણ કે ચાર લાખ રુપિયા પાક્કા હતાં.આવનાર પાર્ટી મજબૂત હતી . વાતચીતનો દોર હાથમાં લેતાં પૂછયું, " બોલો હસમુખભાઈ, શું વાત છે?"

" આ મારી ભત્રીજી નમીતા. જરાક માટે ચૂકી ગઈ છે.આપ જે કોલેજમાં ટ્રસ્ટી છો તે કોલેજમાં એડમિશન મળે એ માટે આવ્યો છું."

"જરુર, મળી જશે.કોલેજનો ટ્રસ્ટી છું.અરે ફોન પર વાત કરી હોત તો પણ ચાલત.નમીતા, તારા કાકા તો મારા જિગરી દોસ્ત.ધંધો તો જોરમાં ચાલે છે ને હસમુખ? તારા કાકા તો મોટા માણસ છે. તારી ભત્રીજીના એડમિશન માટે હમણાં જ વાત કરી લઉં છું." તેઓના ચહેરા પર આનંદ છવાઈ ગયો.

" તો રજા લઉં?" હસમુખભાઈએ કહ્યું.અને ખિસ્સામાં હાથ નાખી પૂછયું," કેટલાં આપવાનાં છે"

મેં હસતાં હસતાં કહ્યું, " આમ તો પાંચ લઉં છું.પણ એક ઓછો આપજે.દોસ્તીયારી તો સાચવવી પડે ને!"

" ઠીક છે.છોકરીની કેરીયરનો સવાલ છે .ના નહીં કઉં"

" તને ક્યાં પોસાતું નથી? ભણી લેશે પછી તે પણ કમાશે અને વ્યાજ સહિત પાછું આપશે." કહી એનો ખભો થપથપાવ્યો.

" કાકા , આ શેની વાત ચાલે છે" નમીતાએ હસમુખને એવી સખ્તાઈથી પૂછયું કે હું ધોળે દિવસે તારા જોવા લાગ્યો.

" તું ચૂપ બેસ.તને ખબર ના પડે"

" કાકા, ખબર મને નહીં તમને નથી પડતી.ચાર લાખ રુપિયા આપી હું ભણવા નથી માંગતી.એ નહીં તો બીજી લાઈન લઈશ.અને ધ્યાન રાખજો, ડોનેશન આપી હું નહીં ભણું..

ચલો કાકા અહીંથી."

હું તેઓને જતાં જોઈ રહ્યો વીલે મોંએ.

અઠવાડિયા પછી મેં ફોન કર્યો હસમુખને.

" હસમુખ , શું ચાલે છે.." અને આડીઅવળી વાતોએ વળગ્યા.પછી ધીમેથી પૂછયું, " હા તો તારી ભત્રીજીનું શું થયું. ભારે જિદ્દી લાગે છે? આ તો તું હતો એટલે. બાકી અહીં નો ભાવ દસથી ઓછો નથી."

" તારી માફી માગું છું.પણ તે છોકરી સાચે જ જિદ્દી છે..શું કહું..મને અપમાન જેવુ લાગ્યું.."

" આજકાલનું જનરેશન જ એવું છે.છતાં જો એડમિશન જોઈતું હોય તો થોડા ઓછા કરીને પતાવું.. આ તો તું છે એટલે .."

" નાથુભાઈ, નમીતાને એડમિશન મળી ગયું."

" ક્યાં" ચિંચિત થઈ મારાથી પૂછાઈ ગયું.

" તું જે કાલેજનો ટ્રસ્ટી છે તે કોલેજોમાં"

" શું વાત કરે છે? કેટલાં આપ્યાં? મને તો પૂછવું હતું?"

અરે, અમને પણ પછી ખબર પડી."

" છોકરી જબરી લાગે છે?"

" છોકરી જબરી તો છે સાથે સાથે એનું નશીબ પણ. એને ખબર પડી કે ત્યાં એક સીટ ખાલી છે. અને વગર ડોનેશને એડમિશન મળી ગયું.." આટલું સાંભળતા જ મારા હાથમાંથી ફોન પડી ગયો એક ધ્રૂજારી સાથે..

સમાપ્ત